ગુજરાતમાં 29મી જુલાઇએ કોરોનાના 1144 નવા કેસો
ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંક હવે દૈનિક ૧૨૦૦ કેસની નવી ટોચ તરફ આગળ વધી રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં ત્રણ વખત ૧૧૦૦થી વધુ કેસની સરેરાશ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૧૪૪ કેસ નોંધાયા છે. જ્યારે વધુ ૨૪ દર્દીઓના સારવાર દરમિયાન કોવિડ-૧૯ના સંક્રમણને લીધે મૃત્યુ થયા હોવાનું જાહેર કર્યું છે. આ કેસમાં સૌથી વધારે પ્રમાણ હવે ગામો, નગરોમાંથી ૬૦ ટકા કેસનું થઇ ગયું છે. આઠ મહાનગરોમાંથી ૫૩૪ કેસ મળ્યા છે, જ્યારે ગામો, નગરોમાંથી ૬૧૦ કેસ નોંધાયા છે. જોકે, મહાનગરોમાં મૃત્યુનું પ્રમાણ હજુ વધારે છે આઠ મહાગરોમાં કુલ ૧૫ મૃત્યુ અને જિલ્લાઓમાંથી ૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે. જોકે, આ જ સમયગાળામાં ૭૮૩ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
આઠ મહાગરોમાં સૌથી વધારે કેસ સુરત મહાનગરમાં ૨૦૭ અને આઠ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે જ્યારે આસપાસના નગરો, ગ્રામ્ય વિસ્તારમાંથી નવા ૮૪ કેસ ઉમેરાયા છે તથા વધુ ૩ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યુ થયા છે. અમદાવાદમાં ધીમે ધીમે સ્થિતિ થાળે પડી રહી હોય તેમ હવે કોટ વિસ્તાર સિવાયના શહેરમાંથી નવા ૧૪૧ કેસ નોંધાયા છે જ્યારે પાંચ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. શહેરને ફરતે આવેલા ધંધુકો, માંડલ, વીરમગામ અને સાણંદમાંથી નવા ૧૧ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગરમાંથી નવા ૭૨ કેસ નોંધાયા છે એમાં જૂના સૌથી વધારે સંક્રમિત વિસ્તારો સિવાયના રહેણાંક, ગીચ અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાંથી કેસ આવી રહ્યા છે. જોકે, જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આજે એક સાથે ૨૩ કેસ મળી આવ્યા છે એના લીધે હવે કુલ આંક ૯૫ થયો છે. શહેરમાંથી ૨ અને ગ્રામ્યમાંથી એક મળી કુલ ત્રણ દર્દીના કોરોનાના સંક્રમણથી મૃત્યુ થયા છે.
પાટનગર ગાંધીનગરમાંથી નવા ૧૨ કેસ મળ્યા છે જ્યારે ગાંધીનગર, દહેગામ, માણસા, કલોલના ગ્રામ્ય અને નગરોમાંથી ફરીથી એક સાથે ૩૮ કેસ ઉમેરાયા છે. અત્યાર સુધી નગરોમાં રહેલો ચેપ હવે ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપથી પ્રસરી રહ્યો છે.
સૌરાષ્ટ્રના ચાર મહાનગરોમાં રાજકોટમાંથી નવા ૪૦ કેસ અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ એટલા કેસ મળી કુલ ૮૦ કેસ એક સાથે નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારના બે દર્દીઓના મૃત્યુ થયાનું સરકારે કબુલ્યું છે. રાજકોટ સિવાય અન્ય મહાનગરોમાં જોઇએ તો ભાવનગરમાં કુલ ૩૫ નોંધાયા છે એમાં મહાનગરના ૨૩ કેસ છે આ જ રીતે જૂનાગઢ શહેરમાંથી ૨૩ કેસ મળ્યા છે જ્યારે ગ્રામ્યના ૮ કેસ નવા નોંધાયા છે. જામનગર શહેરમાંથી ૧૬ તેમજ ગ્રામ્યના ૩ કેસ મળી કુલ ૧૯ કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ ગ્રામ્ય સિવાય ક્યાંય ચોવીસ કલાકમાં કોવિડથી મૃત્યુ થયું નથી.
જિલ્લાઓમાં જોઇએ તો સૌથી વધારે કેસ મહેસાણા જિલ્લામાં ૩૬ નોંધાયા છે. મહેસાણા નગર ઉપરાંત કડી, વીસનગર, ઊંઝા, બેચરાજી, ખેરાલુ જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી આ કેસ આવ્યા છે. ભરૂચ અને દાહોદમાંથી ૩૩-૩૩ કેસ મળ્યા છે. દાહોદ જિલ્લામાં હવે વ્યાપક રીતે ટેસ્ટીંગ સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગ, સર્વેલન્સ વધારવું પડશે. છેલ્લા વીસ દિવસથી સતત દાહોદ જિલ્લામાં વ્યાપક રીતે કેસ મળી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં નગર ઉપરાંત પાટડી, મુળી, થાનગઢ, ધ્રાંગધ્રા, હળવદમાંથી નવા ૩૧ કેસ ઉમેરાયા છે. મોરબીમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ વધવા સાથે હવે કેસની ગતિ પણ ધીમે ધીમે વધી રહી છે નવા ૨૮ કેસ નોંધાયા છે આ જ સ્થિતિ અમરેલીમાં થઇ છે. નવા ૨૪ કેસ નોંધાયા છે. અમરેલી ઉપરાંત ધારી, લાઠી,લીલીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં અન્ય સંક્રમિત શહેરોમાંથી આવતા લોકોના લીધે ચેપ પ્રસર્યો છે.
વલસાડમાંથી ૧૯, નર્મદા, પાટણમાંથી ૧૮-૧૮, નવસારાંથી ૧૭, પોરબંદરમાંથી ૧૪, સાબરકાંઠામાંથી પણ ૧૪ કેસ, કચ્છમાં ૧૩, મહીસાગર ૧૨, આમંદ, બનાસકાંઠા, ખેડા, પંચમહાલ, તાપીમાંથી ૧૦-૧૦ કેસ નવા ઉમેરાયા છે. બોટાદ, ગીર સોમનાથમાંથી ૮-૮, છોટુદેપુરમાંથી ૨ તેમજ અરવલ્લી, દ્વારકા ને ડાંગમાંથી એક એક કેસ નવા નોંધાયા છે જ્યારે અન્ય રાજ્યના નવા ૧૦ કેસ ઉમેરાયા છે. પાટણમાં બે અને મહેસાણામાં એક દર્દીના કોવિડના લીધે મૃત્યુ થયા છે.
આમ, ચોવીસ કલાકમાં ૨૨૯૧૪ ટેસ્ટ સાથે કુલ આંક ૭,૧૩,૦૦૬ થયો છે આને પગલે પોઝિટિવ કેસનો આંક ૫૯૧૨૬ થયો છે જ્યારે કુલ મૃત્યુ આંક ૨૩૯૪ સુધી પહોંચ્યો છે. નવા ૭૮૩ ડિસ્ચાર્જ ઉમેરાતા કુલ આંક ૪૩૧૯૫ થયા છે. હાલ ૧૩૫૩૫ એક્વિટ પેશન્ટ છે એમાં ૮૯ વેન્ટીલેટર ઉપર છે અને ૧૩૪૪૬ સ્ટેબલ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
