CIA ALERT
18. May 2024

Related Articles



કોવીડ અને ઓમીક્રોન : કયા રાજ્યોમાં કેવા નિયંત્રણો?

Share On :
Print Friendly, PDF & Email

ગુજરાતમાં કોરોના ઇફેક્ટ

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી કોરોના કેસમાં અસાધારાણ વધારો તેમ જ ઓમાઇક્રોનની અન્ટ્રીને પગલે હવે ધીરે ધીરે સરકારે પણ કોરોના ગાઇડ લાઇનમાં આપેલી કેટલીક છૂટ પણ પાછી ખેંચવાની શરૂઆત કરી છે. અમદાવાદ સહિતનાં આઠ મહાનગરોમાં યથાવત્ રખાયેલા રાત્રિ કરફ્યુમાં હવે આવતીકાલે ૨૫મી ડિસેમ્બરથી  બે કલાકનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે શુક્રવારે જાહેરનામું બહાર પાડીને આ નિર્ણયની જાહેરાત કરી છે.

ગુજરાતમાં કોરોનાને લીધે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠ મહાનગરોમાં નાઇટ કરફ્યુ લાદ્યો હતો. કોરોના કેસ ઘટતા તેમાં ક્રમશ: ઘટાડો કરવામાં આવ્યો હતો. છેલ્લે આ આઠ મહાનગરોમાં રાતના એક વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધીનો કરફ્યુ અમલમાં મુકાયો હતો, પરંતુ શુક્રવારે સરકારે હવે રાતના ૧૧ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધીનો કરફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે.

રાજ્યમાં આઠ મહાનગરોમાં આવતીકાલે ૨૫મી ડિસેમ્બર શનિવારથી રાત્રિ કરફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવું જાહેરનામું ૩૧મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. જોકે ૨૦મી ડિસેમ્બરે   રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું, તે મુજબ રાત્રિ કરફ્યુનો સમય રાતના એકથી સવારના ૫ વાગ્યા સુધી યથાવત રખાયો હતો. પરંતુ રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે સરકારે ચાર  દિવસમાં નવું નોટિફિકેશન જાહેર કરવું પડ્યું હતું. જ્યારે રેસ્ટોરાંને રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન ૩૧મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

ઉત્તર પ્રદેશમાં આજ 25/12/21થી નાઈટ કરફ્યુ

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સંપૂર્ણ રાજ્યમાં શનિવારથી કડક નિયંત્રણો અને નાઈટ કરર્ફ્યુ લાદવાનો શુક્રવારે આદેશ આપ્યો હતો. 
સમગ્ર રાજ્યમાં રાત્રે ૧૧:૦૦ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઈટ કરફ્યુ લાગુ રહેશે, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધન કરતા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લગ્ન સમારોહ કે મેળાવડાઓમાં હાજર રહેનારાંઓની સંખ્યા મર્યાદિત કરીને ૨૦૦ કરવાની સૂચના આપી હતી. 

સમારોહ અને મેળાવડાઓમાં કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેની તકેદારી રાખવાનું પણ જણાવી દેવામાં આવ્યું છે. આયોજકોએ કાર્યક્રમ અંગે સ્થાનિક વહીવટકર્તાઓને આગોતરી જાણ કરવાની રહેશે, એમ અધિકારીઓએ કહ્યું હતું. 
તમામ વેપારીઓ તેમની દુકાન 

તેમ જ સંસ્થાનોમાં ‘નૉ માસ્ક, નૉ ગુડ્સ’ની નીતિ અપનાવે તેની ખાતરી કરવાનું પણ અધિકારીઓને જણાવી દેવામાં આવ્યું છે. 
રસ્તા અને બજારમાં નીકળનાર તમામ માટે માસ્ક ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. 
માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે માટે પોલીસને સતત દેખરેખ રાખવાનું જણાવી દેવામાં આવ્યું છે. 
અન્ય રાજ્યમાંથી ઉત્તર પ્રદેશ આવતા લોકો શોધી કાઢી તેમનો કોરોના ટૅસ્ટ કરવામાં આવે તેની ખાતરી કરવાનો અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે. 

બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને ઍરપોર્ટ પર વિશેષ રીતે ચાંપતી નજર રાખવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. 
હાલને તબક્કે રાજ્યમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧.૯૧ લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમાંથી ૪૯ નમૂનાનો ટૅસ્ટ પૉઝિટીવ આવ્યો હતો.

આ જ સમયગાળામાં કોરોનાના ૧૨ દરીદી સાજા થઈ ગયા હતા. રાજ્યમાં કોરોનાના ૨૬૬ સક્રિય કેસ છે. રાજ્યના ૩૭ જિલ્લામાં કોરોનાનો એકપણ દરદી ન હોવાનું તેમણે કહ્યું હતું.

મહારાષ્ટ્રમાં નવેસરથી નિયંત્રણો

રાજ્યમાં વધી રહેલા કોરોનાના રોગચાળાને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કોરોનાનો પ્રસાર રોકવા માટે કેટલાક નિયંત્રણો શુક્રવારે મધરાતથી લાગુ કરવામાં આવ્યા છે, જેમાંથી રાતે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી રાજ્યમાં જમાવબંધી લાગુ કરવા ઉપરાંત અનેક પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા છે. 

યુરોપ અને બ્રિટનમાં ઓમાઈક્રોન વેરિયેન્ટને કારણે દરદીની સંખ્યા બમણી ઝડપથી વધી રહી છે. વિશ્ર્વના ૧૧૦ દેશોમાં ઓમાઈક્રોનનો પ્રસાર થયો છે. આ વાઈરસનો પ્રસાર ઝડપથી થતો હોવાથી અત્યારે કેટલાક નિયંત્રણો લાદવા અને આગામી સમયમાં તેનો પ્રસાર જોઈને વધુ આકરા નિયંત્રણો લાદવામાં આવશે, એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે રાતે જણાવ્યું હતું. 

તેમણે એમ પણ જણાવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય ખાતાએ પણ બધા જ રાજ્યોને રોગચાળો રોકવા માટે પૂરતા પગલાં લેવા માટે જણાવ્યું છે. અત્યારે આપણે લગાવી રહ્યા છીએ તે નિયંત્રણો પ્રાથમિક સ્વરૂપના છે અને અત્યારે તેને લાગુ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આનાથી પણ કઠોર નિયંત્રણો લાદવા પડે એવી સ્થિતિ સર્જાવાની ભિતી છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. 

રાજ્યમાં છેલ્લા બે દિવસમાં એક હજારથી વધુ પોઝિટિવ દરદી મળી આવ્યા છે અને તેની વચ્ચે ક્રિસમસ, લગ્નો, નવા વર્ષનું સ્વાગત વગેરેને કારણે ગરદીમાં વધારો થઈને રોગચાળો ફેલાવાની શક્યતા રહેલી હોવાથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદો, ૨૦૦૫ લાગુ કરીને વધારાના નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. 

  • આખા રાજ્યમાં સાર્વજનિક સ્થળો પર પાંચથી વધુ લોકોને એકઠા થવા પર રાતે ૯ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી પ્રતિબંધ
    લગ્ન સમારંભ માટે બંધ હોલમાં એક સમયે ૧૦૦થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં, ખુલ્લા સ્થળોમાં વધુમાં ૨૫૦થી વધુ લોકો અથવા કુલ ક્ષમતાના ૨૫ ટકા લોકોને પરવાનગી આપવામાં આવશે
  • અન્ય સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમો માટે પણ હાજર લોકોની સંખ્યા ૧૦૦થી વધુ નહીં અને ખુલ્લા મેદાનમાં ૨૫૦થી વધુ અથવા ક્ષમતાના ૨૫ ટકાથી વધુ નહીં, જે ઓછી હશે તેની પરવાનગી આપવામાં આવશે
  • ઉપરોક્ત બંને બાદ કરતાં અન્ય કાર્યક્રમો માટે જ્યાં બેઠકોની સંખ્યા નિશ્ર્ચિત છે ત્યાં બેઠકોની ક્ષમતાના ૫૦ ટકા ક્ષમતા અને જ્યાં બેઠકોની સંખ્યા નિશ્ર્ચિત નથી ત્યાં ક્ષમતાના ૨૫ ટકા લોકોને પરવાનગી આપવામાં આવશે. 
  • રમત સ્પર્ધા, રમતોત્સવ વગેરે માટે કાર્યક્રમ સ્થળની ક્ષમતાના ૨૫ ટકા લોકોને પરવાનગી
  • ઉપરોક્ત કોઈપણ પ્રકારમાં ન આવતા કાર્યક્રમોમાં કેટલા લોકોને પરવાનગી આપવી તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ નક્કી કરશે
  • હોટેલ, જિમ, સ્પા, થિયેટરો, સિનેમા હોલ વગેરે સ્થળે ક્ષમતાના ૫૦ ટકા લોકોને પ્રવેશ આપવામાં આવશે. આ બધાને તેમની પૂર્ણ સંખ્યા અને ૫૦ ટકા ક્ષમતા જાહેર કરવી પડશે.
  • આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને આવશ્યક જણાશે ત્યાં વધારાના નિયંત્રણો લાદી શકશે. 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :