જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગુજરાતમાં હાલ કોરોના મહામારીની વણસી ગયેલી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની રાજ્ય સરકારની ઘોષણા એ શાળા સંચાલકોમાં દ્વીધાભરી સ્થિતિમાં મૂકી દીધા છે. દર વર્ષે 10% ગ્રોથના અંદાજ સાથે ગુજરાતમાં સાડાબારથી તેર લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા માટે નોંધાતા હોય છે જેમાંથી ગયા વર્ષે ધો.10 પરીણામમાં 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. હવે આ વર્ષે 2021માં ધો.10માં માસ પ્રમોશન આપવાને કારણે 12.5 લાખ વિદ્યાર્થીઓની ઉચ્ચતર માધ્યમિક કે અન્ય આગળના અભ્યાસના વિકલ્પોની વ્યવસ્થા કરવી પડે તેમ છે.
પ્રમોટેડ વિદ્યાર્થીઓના પ્રવેશનું મેરીટ કેવી રીતે ગણાશેે? એ ગાઈડલાઇન્સની જોવાતી રાહ
ધોરણ 10માં પ્રમોટેડ થયેલા વિદ્યાર્થીઓને આગળના પ્રવેશ ની વ્યવસ્થા કેવી રીતે કરવી એ અંગેની કોઈપણ પ્રકારની guideline હજુ સુધી જાહેર કરવામાં આવી નથી આથી આ guideline જ્યાં સુધી જાહેર ન થાય ત્યાં સુધી કશું કહી શકાય એમ નથી. ધોરણ 11માં શાળાકીય પ્રવેશ કેવી રીતે આપવો ? સાયન્સ કોમર્સ આર્ટસમાં કયા મેરિટને ધ્યાનમાં રાખીને પ્રવેશ આપવો? ડિપ્લોમા એન્જિનિયરિંગ કે આઇટીઆઇના અભ્યાસક્રમોનો મેરીટ કયા આધારે તૈયાર કરવું ? આ તમામ સવાલોના જવાબો રાજ્ય સરકારની ગાઇડ લાઇન આવ્યા પછી જ મળી શકે એમ છે.
ધો.10 પછી ગુજરાતમાં ઉપલબ્ધ મુખ્ય વિકલ્પો
- ધો.11 સાયન્સ, કોમર્સ, આર્ટસ
- ડિપ્લોમા એન્જિનિયરિંગ
- ઔદ્યોગિક તાલિમ ઇન્સ્ટીટ્યુટસ ITI
- નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ NIOS
આ બધા વિકલ્પોની અંદાજે બધું મળીને કુલ 9 લાખ સીટો ગણવામાં આવે તો પણ ગુજરાતમાં ધો.10માં માસ પ્રમોટેડ વિદ્યાર્થીઓના અભ્યાસની મોટી સમસ્યા સર્જાય તેમ છે.
અને આ જ કારણ છે કે ગુજરાત બોર્ડ સમેત ગુજરાત સરકાર ધો.10માં લેખિત પરીક્ષાના વિકલ્પ તરીકે અન્ય કઇ મૂલ્યાંકન પદ્ધતિ અપનાવી શકાય તેના પર હાલ વિચારવલોણું કરી રહી છે.
બધા કંઇ ડિપ્લોમા કે ITIમાં ન જાય
એ પણ એક દેખિતી વાત છે કે જો ધો.10માં માસ પ્રમોશન આપવામાં આવે તો પાસ થનારા વિદ્યાર્થીઓનો ઝોક ધો.11 કોમર્સ તરફ જ વધુ જોવા મળશે. ડિપ્લોમા કે ITIમાં જેટલી સીટો છે તેટલી સંખ્યા પણ દર વર્ષે થતી નથી આથી આ વિકલ્પોમાં આ વર્ષે અપવાદ રૂપ ગણીએ તો પણ જેટલી સીટ છે તેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તો પણ લાખો વિદ્યાર્થીઓ એવા હશે જેમની પાસે ધો.10 પછી અભ્યાસનો કોઇ વિકલ્પ નહીં બચી શકે.
ખાનગી શાળા સંચાલક મંડળે રજૂઆત કરી
રાજ્યના ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા પ્રતિનિધિઓ સાથે પરીક્ષાને લઈને ચર્ચા કરી હતી. જેમાં ધો-10ની બોર્ડની પરીક્ષા લેવામાં આવવી જોઈએ તેવો સૂર વ્યક્ત થયો હતો. આ માટે ખાનગી શાળા સંચાલક મંડળે વિવિધ કારણો પણ આપ્યા હતા. જેમાં જો ધો-10માં માસ પ્રમોશન આપવામાં આવે તો તમામ વિદ્યાર્થીઓને ધો-11માં સમાવી શકાય તેટલા વર્ગો નથી. હાલમાં દર વર્ષે પાંચથી સાડા પાંચ લાખ જેટલા ધો-10ના વિદ્યાર્થીઓ પાસ થઈને ધો-11માં જાય છે, પરંતુ જો એક સાથે 13 લાખ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવવાનો થાય તો સ્કૂલોને મુશ્કલી પડી શકે છે.
શાળાઓમાં ધો. 10નાં 5 વર્ગો ધો.11/12માં ઘટીને 2 થઇ જાય છે
માસ પ્રમોશન ને કારણે સમસ્યા એ સર્જાવાની ભીતિ છે કે ધોરણ 11 12 માં વેશ કઈ રીતે આપવું કેમકે કોઈ એક શાળામાં જો ધોરણ 10ના પાંચ વર્ગો હોય તો એ ધોરણ 11 12 એટલે કે ઉચ્ચતર માધ્યમિકમાં ઘટીને બે વર્ગ થઇ જાય છે, આવી સ્થિતિમાં તમામ પ્રમોટેડ વિદ્યાર્થીઓ પોતાની શાળામાં જ પ્રવેશ માટે ઘસારો કરશે, આવા સંજોગમાં શાળાઓ કેવી રીતે બધાને પ્રવેશ આપી શકશે? બીજી તરફ રાજ્યમાં એવી પણ હજારો શાળાઓ છે જ્યાં ફક્ત ધોરણ 10 સુધી જ એટલે કે હાઇસ્કુલ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે આ વિદ્યાર્થીઓ માટે ધોરણ 11 12 શિક્ષણની વ્યવસ્થા કેવી રીતે થશે? આવા અનેક પ્રશ્નો ના જવાબ રાજ્ય સરકારની સ્પષ્ટતા બાદ જ મળી શકે.












