CIA ALERT

વુમન્સ વર્લ્ડ Archives - CIA Live

July 25, 2025
image-14-1280x853.png
1min26

Gujarat Cervical Cancer: કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી બ્રેસ્ટ કેન્સરથી 20317 અને ગર્ભાશયના કેન્સરથી 8451 મહિલાઓના મૃત્યુનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ ગુજરાતમાંથી 10 હજારથી વઘુ મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેમાંથી 9% એટલે કે 900થી વઘુમાં ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન થયું હતું.

ગર્ભાશયના કેન્સરના કેસ ગુજરાતમાં 2014માં 1393, 2015માં 1434, 2016માં 1474, 2017માં 1515 અને 2018માં 1557 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ 2014 કરતાં 2023માં ગર્ભાશયના કેન્સરના કેસમાં પણ 30% જેટલો વધારો થયો હતો. આમ, ગર્ભાશયના મુખના કેન્સરના કેસના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. ડૉક્ટરોના મતે હ્યુમન પેપીલોમા વાઇરસ (એચ.પી.વી.) ખૂબ જ સામાન્ય વાઇરસ છે. 100થી પણ વધારે એચ.પી.વી.ના પ્રકાર શોધાયા છે. એચ.પી.વી.-16, એચ.પી.વી.-18 આ બંને હાઇરિસ્ક પ્રકાર છે. જે 70% સર્વાઇકલ કેન્સરના કારણે હોઇ શકે છે.

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા 10 હજાર જેટલી મહિલાનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેમાંથી 9% જેટલા કિસ્સામાં ગર્ભાશયના મુખના કેન્સરના કેસ સામે આવ્યા છે. કેન્સરનું નિદાન થયું તે પૈકી 4% જેટલી મહિલાને અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી જીસીઆરઆઇમાં સારવાર માટે દાખલ કરાઇ હતી. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડૉ. પ્રકાશ પરમારે જણાવ્યું કે, ‘એચ.પી.વી. સામાન્ય વાઈરસ છે. શરીરમાં 6 મહિના પહેલા આ વાઈરસ એક્ટિવ થાય છે.

આ સ્થિતિમાં પેપ ટેસ્ટ દ્વારા ગર્ભાશયની કેન્સરની શક્યતા ચકાસી શકાય છે. 9થી 14 વર્ષની ઉંમરે રસી આપવામાં આવે તો આ બીમારીથી બચી શકવાની સંભાવના વધી જાય છે. આર્થિક સ્થિતિ સામાન્ય હોય તેવી 100 બહેનોને આ રસી વિનામૂલ્યે અપાઇ છે.

June 28, 2025
image-17-1280x720.png
1min47

કાંટા લગા… ગીતને કારણે પ્રસિદ્ધ થઈ ચૂકેલી જાણીતી અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું હાર્ટએટેકને કારણે નિધન થઇ ગયું છે. આ અહેવાલ બાદથી બોલિવૂડમાં શૉકનો માહોલ છવાયો છે. તેમના પતિ પરાગ ત્યાગીએ શેફાલીને છાતીમાં દુઃખાવાની ફરિયાદને પગલે હોસ્પિટલ પહોંચાડી હતી પરંતુ ત્યાં ડૉક્ટરોએ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરી દીધી હતી.

તેમનો પાર્થિવ દેહ રાતે લગભગ 12:30 વાગ્યે અંધેરીમાં કપૂર હોસ્પિટલમાં લવાયો હતો જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના આસિસ્ટન્ટ મેડિકલ ઓફીસરે આ મામલે માહિતી આપી હતી કે અહીં તેમનો મૃતદેહ લાવતા પહેલા આ લોકો કોઈ અન્ય હોસ્પિટલમાં ગયા હતા. એટલા માટે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ પછી જ જાણી શકાશે.

આ દરમિયાન મુંબઈ પોલીસ મોડી રાત્રે શેફાલીના અંધેરી સ્થિત ઘરે તપાસ માટે પહોંચી હતી. ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે હાજર હતી અને ઘરની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. જોકે, શેફાલીના મૃત્યુ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ પોલીસ અને ફોરેન્સિક ટીમ જે રીતે તપાસ કરી રહી છે તે જોતાં આ કેસ શંકાસ્પદ લાગી રહ્યો છે.

કાંટા લગા સોંગને કારણે પ્રસિદ્ધિ મળી હતી

શેફાલી જરીવાલાએ પોતાના શાનદાર અભિનય અને સુંદરતાથી દર્શકોના દિલ જીતી લીધા. 2002માં રિલીઝ થયેલા આઇકોનિક મ્યુઝિક વિડીયો ‘કાંટા લગા’માં તેના નૃત્યે તેને રાતોરાત પ્રખ્યાત બનાવી દીધી. શેફાલીનો ગ્લેમરસ લુક, ઘણી જગ્યાએ ટેટૂ, કમરમાં બેલી બટન, પિયર્સિંગ અને આધુનિક પોશાક પહેરવાથી તે ‘કાંટા લગા ગર્લ’ તરીકે પ્રખ્યાત થઈ. આ મ્યુઝિક વિડીયો પ્રખ્યાત થયા પછી દેશમાં રિમિક્સ સંગીતનો એક નવો યુગ શરૂ થયો હતો.

March 8, 2025
womens-day.png
1min190

Women’s Day 2025: જ્યાં સુધી મહિલાઓ દરેક ક્ષેત્રમાં સ્વતંત્ર અને સશક્ત ન બને ત્યાં સુધી સમાજનો વિકાસ થઈ શકતો નથી. મહિલાઓના અધિકારો, સમાનતા અને તેમના યોગદાનનું સન્માન કરવા માટે વિશ્વભરના દેશો દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ સમાજમાં મહિલાઓની ભૂમિકાને સ્વીકારવાનો અને તેમને આગળ વધવા માટે પ્રેરિત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી દર વર્ષે 8 માર્ચે થાય છે. મહિલા દિવસ માત્ર એક દિવસની ઉજવણી નથી પરંતુ મહિલા સશક્તિકરણ અને સમાનતા તરફનું એક પગલું છે.

મહિલા દિવસનો ઈતિહાસ

મહિલા દિવસની ઉજવણી 20મી સદીમાં શરૂ થઈ હતી. 1908 માં, યુ. એસ. માં કામ કરતી મહિલાઓએ ન્યૂ યોર્કમાં નીચા વેતન, લાંબા સમય સુધી કામના કલાકો અને મતદાનના અધિકારની માંગ કરી હતી. એક વર્ષ બાદ, 1909માં, સોશિયલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ 28 ફેબ્રુઆરીના રોજ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી. બાદમાં, ક્લેરા ઝેટકિન નામના સમાજવાદી નેતાએ 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સૌપ્રથમ 1911માં જર્મની, ઑસ્ટ્રિયા, ડેનમાર્ક અને સ્વિટ્ઝર્લેન્ડમાં કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ 1975માં સત્તાવાર રીતે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.

દર વર્ષે મહિલા દિવસના અવસરે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારી મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. આ ઉપરાંત મહિલા અધિકારો અને જાગૃતિ માટે રેલીઓ અને પરિસંવાદો જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને કારકિર્દી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે એક થીમ નક્કી કરે છે. વર્ષ 2024ની થીમ Inspire Inclusion હતી. જેનો ઉદ્દેશ દરેક ક્ષેત્રમાં મહિલાઓને સમાન તકો અને ભાગીદારી પ્રદાન કરવાનો છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની થીમ Accelerate Action છે. આ થીમ તમામ મહિલાઓ અને છોકરીઓ માટે અધિકારો, સમાનતા અને સશક્તિકરણ પર આધારિત છે.

February 20, 2025
Rekha-Gupta.png
1min116

ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા છે. રામલીલા મેદાનમાં આજે બપોરે 12.35 વાગ્યે રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી પદે શપથ લેતાં જ ભાજપનો દિલ્હીમાં 27 વર્ષનો વનવાસ પૂરો થયો છે. દિલ્હીમાં સુષ્મા સ્વરાજ, શીલા દિક્ષિત અને આતિશી બાદ રેખા ગુપ્તા ચોથા મહિલા મુખ્યમંત્રી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપરાંત પરવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઈન્દ્રરાજ, કપિલ મિશ્રા અને પંકજ સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ટોચના ધર્મગુરુઓ અને ધાર્મિક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમના માટે કેન્દ્રીય મંચની બાજુમાં જ સ્ટેજ બનાવવામાં આવ્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી પદ ગ્રહણ કરતાં પહેલાં જ રેખા ગુપ્તાને ઝેડ કેટેગરીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના આદેશ પર દિલ્હી પોલીસે રેખા ગુપ્તાના ઘર પર ચાર પોલીસ કર્મી, બેક સાઇડ પર ચાર પોલીસ કર્મી અને બે કમાન્ડો સાથે ઝેડ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રી બનતાં જ તેમને આ સુરક્ષા આપવામાં આવશે.

November 21, 2024
hocky.jpg
1min239

મહિલાઓની એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી નામની હૉકી ટૂર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ભારતે ઑલિમ્પિક સિલ્વર-મેડલિસ્ટ ચીનને 1-0થી હરાવીને ત્રીજી વાર ચૅમ્પિયનપદ મેળવ્યું છે.

ભારતે ત્રીજી વખત આ ટ્રોફી જીતીને સાઉથ કોરિયાના રેકોર્ડની બરાબરી કરી છે. ઉપરાઉપરી બે વર્ષ આ સ્પર્ધામાં ચેમ્પિયનપદ મેળવનાર સાઉથ કોરિયા બાદ ભારત બીજો દેશ છે.

Date 20/11/24 અહીં અત્યંત રસાકસીભરી ફાઇનલમાં એકમાત્ર ગોલ ભારતની સુપરસ્ટાર ખેલાડી દીપિકા સેહરાવતે 31મી મિનિટમાં કર્યો હતો. તેને પેનલ્ટી કૉર્નરમાંથી આ ગોલ કરવાનો મોકો મળ્યો હતો અને એમાં તે સફળ થઈ હતી.
દીપિકા આ વખતની ટૂર્નામેન્ટમાં 11 ગોલ કરીને તમામ ખેલાડીઓમાં ટૉપ-સ્કોરર રહી.

ભારત આ ટૂર્નામેન્ટમાં અપરાજિત રહીને ચૅમ્પિયન બન્યું છે એ ભારતીય ટીમની ઑર એક મોટી સિદ્ધિ છે.

લીગ રાઉન્ડમાં ભારતે ચીનને 3-0થી આંચકો આપ્યો હતો.

ભારત આ પહેલાં 2016માં અને 2023માં ચૅમ્પિયન બન્યું હતું.

બીજી તરફ, ચીને ત્રીજી વાર રનર-અપની ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો છે.

ત્રીજા સ્થાન માટેના મુકાબલામાં જાપાને મલયેશિયાને 4-1થી હરાવ્યું હતું. જાપાન ત્રીજા સ્થાને અને મલયેશિયા ચોથા સ્થાને રહ્યું છે.

સલીમા ટેસ્ટ ભારતની કેપ્ટન હતી અને ટીમમાં નવનીત કૌર, સંગીતા કુમારી, સુશીલા ચાનુ, જ્યોતિ, સવિતા (ગોલકીપર), લાલરેમશિયામી, વૈષ્ણવી, શર્મિલા દેવી, નેહાનો પણ સમાવેશ હતો.

November 8, 2024
1min171

ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગે સાર્વજનિક સ્થાન પર મહિલાઓની સુરક્ષા માટે નવા દિશા-નિર્દેશ રજૂ કર્યાં છે. આયોગ પુરૂષ દરજીઓને મહિલાઓનું માપ લેવા પર રોક લગાવવા વિચાર કરી રહ્યું છે. યુપી પેનલે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે, કોઈપણ પુરૂષ પોલીસ દરજી મહિલાઓનું માપ નહીં લઈ શકે. આ સાથે જ મહિલાની સુરક્ષાને ધ્યાને લેતા મહિલા આયોગે કહ્યું કે, જીમ અને યોગા સેન્ટરમાં પણ મહિલા ટ્રેનર હોવી જોઈએ. જીમ અને યોગા સેન્ટરમાં ડીવીઆર સહિત સીસીટીવ કેમેરા અનિવાર્ય કરવામાં આવે. સ્કૂલ બસમાં મહિલા સુરક્ષાકર્મી અથવા મહિલા શિક્ષિકા હોવી જોઈએ.
આ પણ વાંચોઃ સરકારી ઓફિસોમાં કર્મચારીઓના સિગારેટ-તંબાકુના સેવન પર પ્રતિબંધ, આ રાજ્યએ લીધો મોટો નિર્ણય

મહિલા આયોગના આ સૂચન પર 28 ઓક્ટોબરે લખનૌમાં થયેલી એક બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મહિલા આયોગના સભ્યોએ મહિલાઓની સુરક્ષાને લઈને મંથન કર્યું હતું. જેમાં મહિલાઓની સુરક્ષા તેમજ તેમના અધિકારોના સંરક્ષણ માટે અમુક નિર્ણય લેવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. જોકે, આ સૂચનોની શક્યતા અંગે હજુ નિર્ણય લેવાયો નથી. એકવાર આ સૂચનનોનો સ્વીકાર કરાયા બાદ આ પ્રસ્તાવને જમીની સ્તર પર અમલીકરણ માટે નીતિ બનાવી તેનો નમૂનો તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.

કોચિંગ સેન્ટરમાં સીસીટીવી

પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે, બુટિક સેન્ટરમાં મહિલાઓનું માપ લેવા માટે મહિલા દરજી નિયુક્ત કરવાની રહેશે, જેમાં સક્રિય સીસીટીવીથી દેખરેખ કરવામાં આવશે. આ સિવાય કોચિંગ કેન્દ્રોમાં સીસીટીવીથી દેખરેખ અને યોગ્ય શૌચાલયની સુવિધા હોવી જોઈએ। મહિલાઓ માટે વિશેષ કપડાં અને સામાન વેચનાર સ્ટોરમાં પણ ગ્રાહકની મદદ માટે મહિલા કર્મચારી નિયુક્ત કરવાની રહેશે.

October 3, 2024
ICC_Womens_T20_World_Cup.jpg
1min239

યુએઇમાં ગુરુવારે 3/10/24 મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે અને એ નિમિત્તે આઇસીસીએ પોસ્ટ કરેલી તમામ 10 ટીમની કૅપ્ટનોવાળી તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

ગુરુવારે પ્રથમ મૅચ બાંગ્લાદેશ-સ્કૉટલૅન્ડ વચ્ચે બપોરે 3.30 વાગ્યાથી રમાશે. બીજી મૅચ સાંજે 7.30 વાગ્યાથી પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે રમાશે. ભારતની પ્રથમ મૅચ આવતી કાલે ન્યૂ ઝીલૅન્ડ સામે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જોકે આ ટૂર્નામેન્ટની સૌથી મોટી મૅચ ભારત-પાકિસ્તાન વચ્ચેની છે જે રવિવારે બપોરે 3.30 વાગ્યાથી રમાશે.

હરમનપ્રીત કૌર ભારતની અને ફાતિમા સના પાકિસ્તાનની કૅપ્ટન છે.

મહિલાઓની ક્રિકેટમાં ભારતને ક્યારેય કોઈ વર્લ્ડ કપ ટ્રોફી નથી મળી. જોકે આ વખતે ભારતની મજબૂત ટીમ જોતાં ટાઇટલ મળવાની સંભાવના છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે એક મુલાકાતમાં કહ્યું છે, ‘એક જ વર્ષમાં જો ભારતને બે મોટા ટાઇટલ મળી જાય તો મજા પડી જાય.’

ભજ્જીનો કહેવાનો અર્થ એ હતો કે જૂનમાં રોહિત શર્માના સુકાનમાં ભારત ટી-20નો વર્લ્ડ કપ જીત્યું ત્યાર પછી હવે હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીમાં વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી પણ મળશે તો આ વર્ષ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

આ નવમો વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ છે. આઠમાંથી છ વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયા જીત્યું છે. એક ટાઇટલ ઇંગ્લૅન્ડ અને એક વેસ્ટ ઇન્ડિઝ જીત્યું છે. આ વખતે પણ વિકેટકીપર અલીસા હિલીના સુકાનમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે. ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ બુધવારે કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં કોઈ પણ ટીમને એક પણ ભૂલ કરવી ન પરવડે. તેમની સામે દરેક પ્લેયરે બેસ્ટ પર્ફોર્મન્સ જ બતાવવો પડે.’

ભારત-ઑસ્ટ્રેલિયાની લીગ મૅચ રવિવાર, 13મી ઑક્ટોબરે સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

September 23, 2024
rhea-singha.png
1min226

Dated 23/09/24 રવિવારે રાજસ્થાનના જયપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. આ ઇવેન્ટમાં ગુજરાતની 19 વર્ષની રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નું ટાઇટલ જીત્યું હતું.

અભિનેત્રી અને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015 ઉર્વશી રૌતેલાએ તેને ‘તાજ મહેલ’ ક્રાઉન પહેરાવ્યો હતો. આ જીત બાદ હવે રિયા લેવલ પર મિસ યુનિવર્સનો ખિતાબ જીતે તેવી બધાને અપેક્ષા છે.

રિયા અમદાવાદની છે અને તેણે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણી શાળાના દિવસોથી જ મોડેલિંગ અને પેજન્ટ કોમ્પિટિશનમાં ભાગ લે છે. હવે તે અમદાવાદની યુનિવર્સિટીમાંથી પરફોર્મિંગ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરી રહી છે. આ પહેલા રિયાએ મિસ ટીન અર્થ 2023નો ખિતાબ જીત્યો હતો. આ પહેલા તેણે મિસ ટીન યુનિવર્સ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.

રિયાની મોટી જીત પછી તેણે કહ્યું કે, ‘આજે મેં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. હું ખૂબ જ આભારી છું. મારી જાતને આ તાજ માટે લાયક માની શકું તે સ્થાને પહોંચવા માટે મેં સખત મહેનત કરી છે. હું અગાઉના વિજેતાઓથી ખૂબ જ પ્રેરિત છું.’

અભિનેત્રી અને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015 ઉર્વશી રૌતેલા આ ઇવેન્ટની જજ હતી. તેમજ ઉર્વશીએ રિયાની જીત પર આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘ભારત આ વર્ષે ફરીથી મિસ યુનિવર્સનો તાજ જીતશે.’

September 18, 2024
working-women-facilities.jpg
1min165

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટના રોજ તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યા કેસની મંગળવારે (17 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. જેમાં સુપ્રીમ કોર્ટે મહિલા ડોકટરોની નાઈટ ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણય પર બંગાળ સરકારીની ઝાટકણી કાઢી હતી.

તમે કેવી રીતે કહી શકો કે મહિલાઓ રાત્રે કામ ન કરી શકે?

CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે, “તમે કેવી રીતે કહી શકો કે મહિલાઓ રાત્રે કામ ન કરી શકે? તેઓ કોઈ છૂટ ઈચ્છતા નથી. સરકારનું કામ તેમને સુરક્ષા આપવાનું છે. પાઈલટ, આર્મી જેવા તમામ વ્યવસાયોમાં મહિલાઓ રાત્રે કામ કરે છે.”

સરકાર નાઈટ ડ્યૂટી પર પ્રતિબંધ પાછો ખેંચશે

કોર્ટની ઝાટકણી પર બંગાળ સરકારના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, “સરકાર મહિલા ડૉક્ટરોની ડ્યૂટીને 12 કલાક સુધી મર્યાદિત કરવા અને નાઈટ ડ્યૂટી પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને પાછો ખેંચી લેશે.”

‘બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ’

આ ઉપરાંત કોર્ટે વિકિપીડિયાને મૃતક તાલીમાર્થી ડોક્ટરનું નામ અને ફોટો હટાવવાનો આદેશ આપ્યો કર્યો છે. કોર્ટે કહ્યું કે “બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ.” અને આ અંગે સુપ્રીમ કોર્ટ આગામી સુનાવણી 24 સપ્ટેમ્બરે હાથ ધરશે.

August 28, 2024
missing.png
1min245

કોલકાતા ડોક્ટર રેપ મર્ડર કેસને કારણે પશ્ચિમ બંગાળ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ મામલાને લઈને દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આવો આજે અમે તમને આ કડીમાં એવી મહિલાઓ અને છોકરીઓ વિશે જણાવીએ જે દરરોજ આપણી વચ્ચેથી ગાયબ થઈ જાય છે અથવા ગાયબ કરવામાં આવે છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ૨૦૨૨ના રિપોર્ટ અનુસાર ભારતમાં દરરોજ ૩૪૫ છોકરીઓ ગુમ થાય છે, જેમાંથી ૧૭૦ છોકરીનું અપહરણ થાય છે, ૧૭૨ છોકરીઓ ગુમ થાય છે અને લગભગ 3 છોકરીઓની તસ્કરી થાય છે. આમાંથી કેટલીક છોકરીઓ મળી આવે છે, પરંતુ મોટી સંખ્યામાં છોકરીઓનો કોઈ પત્તો નથી લાગતો. મહિલાઓની વધતી અસલામતી દેશ માટે ગંભીર બાબત છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

2019થી 2021 વચ્ચે 13.13 લાખથી વધુ ગુમ

જુલાઈ 2023માં ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં ગુમ થયેલી છોકરીઓ અને મહિલાઓના આંકડાઓએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. રિપોર્ટ મુજબ 2019 અને 2021 વચ્ચે દેશમાં 13.13 લાખથી વધુ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ છે. સરકારે આ આંકડા નેશનલ ક્રાઈમ બ્યુરો પાસેથી એકત્રિત કર્યા છે. આ રિપોર્ટ અનુસાર આમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરની ૧૦,૬૧,૬૪૮ મહિલાઓ અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરની ૨,૫૧,૪૩૦ છોકરીઓનો સમાવેશ થાય છે.

મધ્ય પ્રદેશમાંથી સૌથી વધુ ગુમ

જો આપણે રાજ્યોની વાત કરીએ તો ગુમ થનારી મહિલાઓ અને છોકરીઓની સૌથી વધુ સંખ્યા મધ્ય પ્રદેશમાંથી છે. અહીં ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચે ૧,૬૦,૧૮૦ મહિલાઓ અને ૩૮,૨૩૪ છોકરીઓ ગુમ થઈ હતી. પશ્ચિમ બંગાળ બીજા સ્થાને છે. અહીં ૧,૫૬,૯૦૫ મહિલાઓ અને ૩૬,૬૦૬ છોકરીઓ ગુમ થઈ હતી. જ્યારે ત્રીજા નંબરે મહારાષ્ટ્ર છે. અહીં ૨૦૧૯ થી ૨૦૨૧ વચ્ચે ૧,૭૮,૪૦૦ મહિલાઓ અને ૧૩,૦૩૩ છોકરીઓ ગુમ થઈ હતી.

માનવ તસ્કરીના કેસ કેટલા?

એનસીઆરબીના ડેટા દર્શાવે છે કે વર્ષ ૨૦૨૨માં સમગ્ર દેશમાં માનવ તસ્કરીના કુલ ૨૨૫૦ કેસ નોંધાયા હતા. આ કેસોમાં પીડિતોની સંખ્યા ૬,૦૩૬ હતી. જેમાં છોકરીઓની સંખ્યા ૧,૦૫૯ હતી અને ૨૦૨૨માં જ છોકરીના અપહરણના ૬૨,૦૯૯ કેસ નોંધાયા હતા. તે જ વર્ષે ૬૨,૯૪૬ છોકરીઓ ગુમ થવાના કેસ નોંધાયા હતા. આમાંથી ઘણી છોકરીઓને બચાવી લેવામાં આવી હતી. જો કે, મોટી સંખ્યામાં આવી છોકરીઓનું ઠેકાણું આજ સુધી જાણી શકાયું નથી.