કસ્ટમ ઓફિસમા વિદેશી દારૂની બોટલ મુદ્દે તમામ સ્ટાફની પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા
સુરત અમદાવાદની ડાયરેક્ટ્રેટ જનરલ ઓફ વિજીલેંસની ટીમે ગયા બુધવારે, તા.6 ફેબ્રુઆરીના રોજ અચાનક સગરામપુરા ખાતે આવેલી કસ્ટમ ઓફિસમા તપાસ હાથ ધરી હતી અને ત્યાંથી કેટલીક ગેરરીતીઓ મળી આવી હતી. જેમાં ત્રીજા માળે મુકવામા આવેલા એક કબાટમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવી હતી. આ કિસ્સામાં આજે કસ્ટમ વિભાગના ઉચ્ચાધિકારીઓએ એક સાથે 10 અધિકારી કર્મચારીઓની ટ્રાન્સફર કરી દીધી હોવાના સમાચારો ચમક્યા છે. કુલ 4 અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.
અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે દારુની બાટલી મળ્યા બાદ અત્યાર સુધી ત્યાં હાજર સ્ટાફની પૂછપરછમાં કોઇએ પણ સ્વીકાર કર્યો નથી. જેને પગલે વિજિલેંસના અધિકારીઓ પણ ગુંચવણમા મુકાયા છે જોકે તેઓ પણ આ મુદ્દે કાચું કાપવાના મુડમા નથી.
આગામી દિવસોમાં બુધવારે હાજર રહેલા તમામ કર્મચારી અને અન્ય સ્ટાફનો નિવેદન લેવામા આવે તેવી સંભાવના છે.
કસ્ટમનાં સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ વિજિલેંસની ટીમે બુધવારે બપોરે સાડા ત્રણ વાગે શરૂ કરેલી તપાસ ગુરુવારે વહેલી સવાર ત્રણ વાગે સુધી ચાલુ હતી. તપાસ દરમિયાન એક કબાટમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવી હતી. જોકે કબાટની માલિકી કોની છે તેનો કોઇએ સ્વીકાર કર્યો નથી. હવે આશ્ચર્યની વાત એ છે કે કસ્ટમ ઓફિસમા ત્રીજા માળે કબાટમાં દારૂની બોટલ કોણે મુકી છે. વિજિલેંસના અધિકારીઓ પણ આ મુદ્દે મૌન સેવી રહ્યા છે જોકે તેમણે દારૂની બોટલ મળ્યા બાદ તરતજ ત્યાં હાજર રહેલા તમામ કર્મચારીઓ અને સ્ટાફનો નિવેદન લેવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ અત્યાર સુધી કોઇ ઠોસ માહિતી મળી નથી તેથી સંભાવના છે કે કસ્ટમ વિભાગ દ્વારા તે દિવસે હાજર રહેલા તમામ કર્મચારી ઇન્સ્પેક્ટર અને સુપરિન્ટેન્ડેન્ટ સહિત અન્ય તમામના નિવેદન લેવામા આવી તેવી શક્યતા છે અત્રે ઉલ્લેખનીય છે કે કસ્ટમ વિભાગમાં વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવવાની ઘટનાને લીધે ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ છે. વિદેશી દારૂ મળ્યા અંગે ખુદ કસ્ટમ વિભાગ પણ કસ્ટમ એક્ટના ભંગ બદલ તપાસ શરૂ કરશે. કસ્ટમ વિભાગમાં આવી ગેરરીતી મળી આવતા અધિકારીઓ પણ સ્તબ્ધ થઇ ગયા છે જોકે હવે તપાસ બાદ કેટલીક હકીકતો બહાર આવે તેવી શક્યતા છે.



















