CIA ALERT

વાયરલ Archives - Page 3 of 75 - CIA Live

May 13, 2025
IPL_2022.jpg
1min100

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરાઇ હતી. જોકે, હવે બંને દેશો વચ્ચે સંઘર્ષવિરામ થતા BCCIએ IPL 2025નો નવો શેડ્યૂલ બહાર પાડ્યો છે. સરકાર અને સુરક્ષા એજન્સીઓ સાથે અને તમામ મુખ્ય હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા બાદ બોર્ડે સિઝનની બાકીની મેચો 17 મે, 2025 થી ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

BCCIના નવા શેડ્યૂલ મુજબ IPL 2025ની તમામ મેચો 17 મે, 2025 થી શરૂ થશે અને 3 જૂન, 2025 ના રોજ સિઝનની ફાઇનલ મેચ રમાશે. સુધારેલા શેડ્યૂલ પ્રમાણે IPL 2025ની આગામી તમામ મેચો હવે બેંગલુરુ, દિલ્હી, જયપુર, મુંબઇ, અમદાવાદ અને લખનઉમાં રમાશે, આમ દેશના 6 સ્થળોએ કુલ 17 મેચો રમાશે. પ્લેઓફની મેચો 17 મેથી 27 મે દરમિયાન રમાશે જે પછી ક્વોલિફાયર 1 – 29 મે, એલિમિનેટર – 30 મે, ક્વોલિફાયર 2 – 1 જૂન, ફાઇનલ – 3 જૂનના રોજ રમાશે.

IPL 2025માં પોઇન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ મુજબ, ગુજરાત ટાઇટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) 16-16 પોઇન્ટ સાથે અનુક્રમે પહેલા અને બીજા ક્રમે છે. પંજાબ કિંગ્સ (PBKS) 15 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે, મુંબઇ ઇન્ડિયન્સ (MI) 14 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે. આ ચારેય ટીમો ક્વોલિફાયર્સમાં પ્રવેશવા માટે મજબૂત દાવેદાર છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સ (DC), કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અનુક્રમે પાંચમા, છઠ્ઠા અને સાતમા ક્રમે છે. આ ત્રણેય ટીમો હજુ ક્વોલિફાયર્સની રેસમાં સામેલ છે.

જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH), રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) અનુક્રમે આઠમા, નવમા અને દસમા ક્રમે છે. આ ત્રણેય ટીમો પ્લેઓફમાંથી બહાર થઇ ગઇ છે. જો કે, આ ટીમો પ્લેઓફમાં તેમની બાકીની ઔપચારિક મેચો રમતા જોવા મળશે.

May 8, 2025
SS_Logo_Red-1280x986.png
2min281

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ ગત ફેબ્રુઆરી-માર્ચ માસમાં લેવાયેલી ધો.10ની પરીક્ષાનું પરીણામ વેબસાઇટ મારફતે જાહેર કર્યું હતું. ગુજરાત રાજ્યનું ધો.10નું સરેરાશ પરીણામ 83.08 ટકા આવ્યુ હતું જ્યારે સુરત શહેર જિલ્લાનું સરેરાશ પરીણામ 86.20 ટકા આવ્યું હતું. 2025ની ધો.10ની ગુજરાત બોર્ડની પરીક્ષાનું અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી હાઇએસ્ટ પરીણામ 83.08 ટકા છે. ગયા વર્ષે 82 ટકા પરીણામ આવ્યું હતું.

સમગ્ર રાજ્યમાંથી 746892 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 620532 વિદ્યાર્થીઓને આજે પાસ જાહેર કરવામાં આવ્યા હતા. સુરત શહેર જિલ્લામાંથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

સમગ્ર રાજ્યમાંથી કૂલ 28055 વિદ્યાથીઓ 100 ટકાથી 91 પર્સન્ટાઇલ માર્ક એટલે કે એ-વન રેન્કમાં પરીણામ હાંસલ કરી શક્યા છે. સુરત શહેર જિલ્લામાથી 5393 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કરી શક્યા છે.

ગ્રેડવાર પરીણામ

વિષયવાર પરીણામ

મિડીયમ વાઇઝ પરીણામ

May 8, 2025
rain.png
1min127

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 8 મી મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે, જ્યારે અમદાવાદ, આણંદ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

60-70 કિમીની ઝડપે પવન ફૂંકાશે
આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને તાપી તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તેમજ આ જિલ્લામાં 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

જિલ્લાઓમાં તંત્રને એલર્ટ રહેવાની સૂચના
આગાહીને પગલે સંબંધિત જિલ્લાઓમાં તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની, કાચા મકાનોને નુકસાન તેમજ વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને સલામત સ્થળે રહેવા જણાવવામાં આવ્યું છે.

May 8, 2025
image-2.png
1min84

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા આ નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે ભારતીય ટેસ્ટ ટીમ નવા કેપ્ટન સાથે ઇંગ્લેન્ડ પ્રવાસ પર જશે. જો કે, હજુ સુધી નવા કેપ્ટન અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રોહિત શર્માને ટેસ્ટ મેચોમાં રમવા અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. રોહિત ટી-20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. જોકે, રોહિત શર્મા વનડેમાં રમવાનું ચાલુ રાખશે.

રોહિતે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને આ અંગે કહ્યું કે, ‘હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. ટેસ્ટ ક્રિકેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. વર્ષોથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ આભાર. હું ODI ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ.’

આ નિર્ણયની સાથે જ રોહિત શર્માએ 11 વર્ષના લાંબા ટેસ્ટ કરિયરનો અંત થઈ ગયો. રોહિત શર્માએ 67 ટેસ્ટ રમી, જેમાંથી 24 ટેસ્ટમાં તેમણે કેપ્ટનશીપ કરી. તેમણે 12 સદી અને 18 અડધી સદી સહિત 40.57ની સરેરાશથી કુલ 4301 રન બનાવ્યા. રોહિતે ટેસ્ટમાં 88 છગ્ગા અને 473 ચોગ્ગા લગાવ્યા.

રોહિત વર્ષ 2010માં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ નાગપુરમાં પોતાની ટેસ્ટ ડેબ્યૂ કરવાના હતા, પરંતુ તે મેચમાં ટોસ પહેલા તેને ઈજા થઈ હતી. ત્યારબાદ તેમનું ટેસ્ટ ડેબ્યૂ ત્રણ વર્ષ બાદ થયું. તેમણે વેસ્ટઈન્ડીઝ વિરૂદ્ધ વર્ષ 2013માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર પોતાની ડેબ્યૂ ટેસ્ટ પર સદી બનાવી. મુંબઈમાં પોતાની આગામી ટેસ્ટમાં તેમણે વધુ એક સદી ફટકારી. ત્યારે, રોહિતે છેલ્લી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બર 2024ના રોજ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમી હતી.

May 7, 2025
image-1.png
2min123

ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અને પીઓકે પર હુમલો કર્યો છે. મંગળવારે મોડી રાત્રે આ હુમલો કરવામાં આવ્યો હતો. દેશની ત્રણેય સેનાઓએ સંયુક્ત કાર્યવાહીમાં 9 સ્થળોએ હુમલો કર્યો. આ અભિયાનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. ભારતના આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખી રાત ઓપરેશન સિંદૂરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે આવો જાણીએ ભારતના ઓપરેશન સિંદૂર અંગેની મિનિટ ટુ મિનિટની કાર્યવાહી

ભારતની કાર્યવાહીની માહિતી રાત્રે 1 વાગે પ્રકાશમાં આવી
જેમાં ભારતની કાર્યવાહીની માહિતી રાત્રે 1 વાગ્યાની આસપાસ પ્રકાશમાં આવી હતી. ઘણા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે મંગળવારે મધ્યરાત્રિ પછી મુઝફ્ફરાબાદ શહેરની આસપાસના પર્વતો પાસે ઘણા મોટા વિસ્ફોટો સંભળાયા હતા. આ વિસ્ફોટો પછી શહેરમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. તેના થોડા સમય પછી, પાકિસ્તાન સેના તરફથી એક નિવેદન આવ્યું. તેમણે કહ્યું કે તેઓ ભારતની કાર્યવાહીનો જવાબ આપશે.

એવા સમયે સત્તાવાર માહિતી આવી કે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં હુમલો કર્યો છે. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું. કુલ 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. જેની મિનિટ ટુ મિનિટ વિગતો આ મુજબ છે.

-રાત્રે 1.45 વાગ્યે – પાકિસ્તાનના ન્યૂઝના અહેવાલ મુજબ, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતે કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદમાં મિસાઇલ હુમલા કર્યા છે.

  1. 13 વાગ્યે – હુમલામાં ત્રણેય દળો, ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમાં પ્રિસિઝન એટેક વેપન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

4.32 વાગ્યે: ​​અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ સચિવ માર્કો રુબિયોએ ભારતીય હુમલા અંગે પાકિસ્તાની NSA અને ISIના વડા લેફ્ટનન્ટ જનરલ અસીમ મલિક સાથે વાત કરી.

4.35 : ​​ભારતીય હુમલા બાદ પાકિસ્તાન જતી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી.

5.04 વાગ્યે – હુમલો કરાયેલા નવ સ્થળોમાંથી ચાર પાકિસ્તાનમાં અને પાંચ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છે.
પાકિસ્તાનમાં આવેલા આતંકી કેમ્પોમાં બહાવલપુર, મુરીદકે અને સિયાલકોટનો સમાવેશ થાય છે.

-5.27 વાગ્યે: ​​અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રુબિયોએ કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમેરિકાને આશા છે કે આ ટૂંક સમયમાં સમાપ્ત થશે.

-5.45 વાગ્યે: ​​કતાર એરવેઝે પાકિસ્તાન જતી બધી ફ્લાઇટ્સ રદ કરી.

6.00 વાગ્યે- પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે અને પૂંછ-રાજૌરી સેક્ટરના ભીમ્બર ગલી વિસ્તારમાં તોપમારો કર્યો છે.

6.08 વાગ્યે- ઓપરેશન સિંદૂરમાં સામેલ તમામ ભારતીય પાઇલટ્સ અને ફાઇટર જેટ સુરક્ષિત રીતે બેઝ પર પાછા ફર્યા.

  1. 14 વાગ્યે- પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું.

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના ચોક્કસ ઠેકાણા પર હુમલો કર્યો છે. એ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે જ્યાંથી પહલગામ હુમલાનું કાવતરું ઘડાયું હતું. આ ઓપરેશન લગભગ મોડી રાતે 1.30 વાગ્યાની આસપાસ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

સત્તાવારી રીતે મળતી માહિતી મુજબ કુલ 9 સ્થળો પર એકસાથે ભારતીય સેનાએ હુમલો કરી આતંકવાદી કેમ્પનો ખાત્મો બોલાવ્યો છે.

સરકારે જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને કોઈ પણ રીતે ટાર્ગેટ નથી કરાઈ.

મોડી રાતે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના અડ્ડા પર એર સ્ટ્રાઈક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે મને આ કાર્યવાહીની ખબર પડી અને મને લાગતું જ હતું કે કંઈક તો થવાનું છે. ભારત-પાકિસ્તાન વર્ષોથી લડે છે તે આપણે જાણીએ છીએ, આ લડાઈનો જલ્દીથી અંત આવે તેવું હું ઈચ્છું છું

April 6, 2025
image-1280x720.png
1min104

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તમિલનાડુના રામેશ્વરમને રેલ્વે દ્વારા જોડતા નવા પંબન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ 2.07 કિલોમીટર લાંબો પુલ ભારતનો પ્રથમ વર્ટિકલ સી બ્રિજ છે. નવો પંબન પુલ 100 વર્ષ સુધી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે સક્ષમ છે. પીએમ મોદીએ વર્ષ 2019મા પંબન પુલનો શિલાન્યાસ કર્યો હતો અને 5 વર્ષમાં દરિયા પર તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયુ છે.

પંબન બ્રિજની વિશેષતાઓ

આ બ્રિજ 2.07 કિલોમીટર લાંબો છે. જેમાં 18.3 મીટરના 99 સ્પાન અને 72.5 મીટરનો એક વર્ટિકલ લિફ્ટ સ્પાન
આ બ્રિજ જૂના પુલ કરતા 3 મીટર ઊંચો
બ્રિજ નીચેથી મોટા જહાજો સરળતાથી પસાર થઈ શકશે
બ્રિજ નિર્માણમાં આધુનિક ટેકનોલોજી અને પોલિસીલોક્સેન પેઇન્ટનો ઉપયોગ કરાયો
નવો પંબન બ્રિજ 100 વર્ષ સુધી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન સંચાલન માટે સલામત
બ્રિજ પર ટ્રેનો 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે
બ્રિજ વચ્ચેથી ખુલશે જેથી જહાજો પસાર થઈ શકશે
આ બ્રિજનું નિર્માણ 5 વર્ષમાં પૂર્ણ કરાયું.
તેનો બાંધકામ ખર્ચ રૂપિયા 535 કરોડ
પીએમ મોદીએ 2019 માં શિલાન્યાસ કર્યો હતો
પીએમ મોદીએ વર્ષ 2019 મા પંબન પુલનો શિલાન્યાસ કર્યો હતો. આવા પ્રોજેક્ટ્સને પૂર્ણ થવામાં સામાન્ય રીતે દાયકાઓ લાગે છે. જેના કારણે ખર્ચ અનેકગણો વધી જાય છે. જોકે, આ બ્રિજનું કામ રેકોર્ડ ટાઇમમા પાંચ વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યો છે.

રેલવેના માહિતી અને પ્રચાર વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ કુમારે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં દેશે ઘણી નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. આ સમયગાળા દરમિયાન ભારતીય રેલ્વેએ નવા રેકોર્ડ પણ બનાવ્યા છે. વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત ટ્રેનોએ દેશને એક નવું વિકસિત પરિમાણ આપ્યું છે. કાશ્મીર સુધી સીધી રેલ સેવા માટે ચેનાબ અને અંજી પુલના નિર્માણથી દેશનું ગૌરવ વધ્યું છે.

March 13, 2025
holika-dahan.jpg
1min198

દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. રંગોનો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળીના તહેવાર સાથે જોડાયેલી ભક્ત પ્રહલાદ અને હોળીકા દહનની વાત તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ ‘હોલિકા’ અને ‘હોળી’ કહીએ છીએ તે શબ્દ કેવી રીતે અસ્તિત્વ આવ્યો તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આ સાથે ગુજરાત સિવાયના રાજ્યમાં હોળીના તહેવાર માટે અલગ અલગ નામ છે. તો આવો જાણીએ આ રસપ્રદ માહિતી વીશે.

હરિયાણામાં હોળીને ‘દુલંડી’ કહેવાય છે તો પંજાબમાં હોળીને ‘હોલા મોહલ્લા’, જ્યારે બિહાર અને ઉત્તરપ્રદેશમાં હોળીનું નામ છે ‘ફાગ અને લઠમાર’, તો મહારાષ્ટ્રમાં હોળીને ‘ફાલ્ગુન પૂર્ણિમા’, અને દક્ષિણ ભારતમાં ‘કામદહન’ નામ ઓખળવામાં આવે છે.

હોળીના અલગ અલગ નામની સાથે તેની ઉજવણીની પરંપરામાં પણ વિવિધતા જોવા મળે છે. વૃંદાવનમાં ફૂલોથી હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે. રાધાકૃષ્ણના મંદિરોમાં ભક્તો એક્બીજા પર ફુલો ફેંકી હોળી મનાવે છે. તો કેટલીક જગ્યાએ ગુલાબી કે પીળા ગુલાલનો જ ઉપયોગ કરાય છે. જ્યારે કોઈ જગ્યાએ ચંદન-કેસર ઘોળીને પાણી બનાવી તેનાથી રંગવામાં આવે છે

કોઈને કોઈ તહેવાર કે તેના નામ પાછળ ઈતિહાસ કે કથા છુપાયેલી હોય છે. આવું જ કંઈક ‘હોળી’ શબ્દ માટે છે. કહેવાય છે કે ફાગણ સુદ પૂનમે પ્રાચીન આર્યજનો નવા ઘઉં અને જુવારના ડૂંડાને હવનના અગ્નિમાં હોમીને અગ્નિહોત્રનો પ્રારંભ કરતા હતા. અનાજના ડૂંડાને સંસ્કૃતમાં ‘હોલક’ કહેવામાં આવે છે. એના પરથી ‘હોલિકા’ અને ‘હોલી’ શબ્દો આવ્યા. ગુજરાતીમાં ‘હોલી’ પરથી સમયાંતરે ‘હોળી’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે.

હોળીની પરંપરાગત કથા-

હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથા અનુસાર હિરણ્યકશ્યપ નામે એક રાક્ષસ હતો. તેના કુંવરનું નામ પ્રહલાદ હતું. કુંવર પ્રહલાદ પ્રભુ ભજે એ તેમને ન ગમે. પ્રહલાદને મારી નાંખવા હિરણ્યકશ્યપની બહેન હોલિકા તેને ખોળામાં બેસાડી લાકડાઓની ચિતામાં બેઠી. ચિતા સળગાવવામાં આવી ત્યારે એક ચમત્કાર થયો. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ પરંતુ પ્રહલાદ ઉગરી ગયો. આમ સત્ય અને પ્રભુની ભક્તિનો વિજય થયો.

હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવી લોકો હોળીની પૂજા કરે છે, તેમાં શ્રીફ્ળ-નાળિયેર હોમે છે. અને નાના બાળકોથી માંડી વડીલો પ્રગાટાવાયેલી હોળીની પ્રદક્ષિણા કરે છે. નવ દંપતિ પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવે છે. તો મહિલાઓ પોતાના બાળકો અને પરિવારના સારા સ્વાસ્થ્યની કામના કરે છે. દિવસ દરમિયાન લોકો રાંધેલું અનાજ નથી આરોગતા, પરંતુ હારડા, ધાણી, ચણા, ખજુર ખાય છે. જ્યારે સાંજે હોળીના દર્શન કર્યા બાદ ઘરે જઈને સહપરિવાર બધા ભોજન કરે છે.

આમ હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, સત્યનિષ્ઠાનો મહિમા સમજાવતો, તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસહ્ય પ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે.

March 6, 2025
ind-vs-nz.jpg
1min136

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો 25 વર્ષ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટકરાઈ હતી, જેમાં કિવી ટીમે જીત હાંસલ કરી હતી. હવે 25 વર્ષ બાદ ફરી એક વખત ભારત અને ન્યૂઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં આમને-સામને છે. બંને વચ્ચે 9 માર્ચના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ‘ટાઈટલ મેચ’ રમાશે. તમને જણાવી દઈએ કે, છેલ્લી વખત જ્યારે બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં આમને-સામને આવી હતી ત્યારે કીવી ટીમે ટીમ ઈન્ડિયાને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને અને ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને સ્થાન બનાવ્યું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ આ ટૂર્નામેન્ટમાં એક જ ગ્રુપમાં સામેલ હતી. ગ્રુપ સ્ટેજના મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું.
25 વર્ષ પહેલા પણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ

ચેમ્પિયન્સ ટ્રોફીની સેકેન્ડ એડિશન 2000માં કેન્યામાં યોજાઈ હતી, જે ન્યુઝીલેન્ડે જીતી હતી. કિવી ટીમ ફાઈનલમાં ભારતને હરાવીને ચેમ્પિયન બની હતી. આ સમયે ભારતીય ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી હતા અને પ્લેઇંગ 11માં સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, રાહુલ દ્રવિડ, અજિત અગરકર, અનિલ કુંબલે, ઝહીર ખાન જેવા મોટા ખેલાડીઓ સામેલ હતા.

ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 264 રનનો સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન ગાંગુલીએ 117 રનની શાનદાર ઈનિંગ રમી હતી. સચિન તેંડુલકરે 69 રન બનાવ્યા અને બંનેએ પ્રથમ વિકેટ માટે 141 રનની પાર્ટનરશીપ કરી હતી. જોકે, ત્યારબાદ અન્ય બેટ્સમેનો મોટી ઈનિંગ્સ નહોતા રમી શક્યા. ટાર્ગેટનો પીછો કરતા ક્રિસ કેર્ન્સે 102 રનની મેચ-વિનિંગ ઈનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડે 2 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું અને 4 વિકેટે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાને રનર-અપ રહીને સંતોષ માનવો પડ્યો હતો.

આમ તો બંને ટીમો ખૂબ જ મજબૂત છે, પરંતુ ટીમ ઈન્ડિયા પાસે 25 વર્ષ પહેલા રમાયેલી ફાઈનલ મેચનો બદલો લેવાની સારી તક છે. ટીમ ઈન્ડિયાએ તમામ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં જીતી છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડે દુબઈમાં આ ટુર્નામેન્ટ (ચેમ્પિયન્સ ટ્રોફી 2025)માં માત્ર એક જ મેચ રમી હતી, જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.

ન્યૂઝીલેન્ડ પાસે એક એડવાન્ટેજ એ છે કે તે આ ટૂર્નામેન્ટમાં એક મેચ દુબઈ સ્ટેડિયમમાં રમી ચૂક્યું છે. ભલે તેણે આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ પરંતુ ત્યાંથી તેઓ પરિસ્થિતિઓને અને ભારતીય ખેલાડીઓની ગેમને સમજ્યા હશે. એટલું નક્કી છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રોમાંચક હશે. આ ટાઈટલ મેચ દુબઈમાં 9 માર્ચે રમાશે.

February 20, 2025
Rekha-Gupta.png
1min116

ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા છે. રામલીલા મેદાનમાં આજે બપોરે 12.35 વાગ્યે રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી પદે શપથ લેતાં જ ભાજપનો દિલ્હીમાં 27 વર્ષનો વનવાસ પૂરો થયો છે. દિલ્હીમાં સુષ્મા સ્વરાજ, શીલા દિક્ષિત અને આતિશી બાદ રેખા ગુપ્તા ચોથા મહિલા મુખ્યમંત્રી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપરાંત પરવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઈન્દ્રરાજ, કપિલ મિશ્રા અને પંકજ સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ટોચના ધર્મગુરુઓ અને ધાર્મિક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમના માટે કેન્દ્રીય મંચની બાજુમાં જ સ્ટેજ બનાવવામાં આવ્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી પદ ગ્રહણ કરતાં પહેલાં જ રેખા ગુપ્તાને ઝેડ કેટેગરીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના આદેશ પર દિલ્હી પોલીસે રેખા ગુપ્તાના ઘર પર ચાર પોલીસ કર્મી, બેક સાઇડ પર ચાર પોલીસ કર્મી અને બે કમાન્ડો સાથે ઝેડ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રી બનતાં જ તેમને આ સુરક્ષા આપવામાં આવશે.

February 17, 2025
earth-quake.png
2min96

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જોરદાર ભૂકંપ પર પ્રતિક્રિયા આપી હતી.

સોમવારે વહેલી સવારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે, રિક્ટર સ્કેલ પર ચારની તીવ્રતાના આંચકા સવારે લગભગ ૫:૩૬ વાગ્યે ૫ કિલોમીટરની ઊંડાઈએ અનુભવાયા હતા.

એનસીએસે ઉમેર્યું હતું કે, દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં અનુભવાયેલો ભૂકંપ ૨૮.૫૯ ઉત્તર અક્ષાંશ અને ૭૭.૧૬ પૂર્વ રેખાંશ પર સ્થિત હતો.

“દિલ્હી અને નજીકના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતી રાખવા, સંભવિત આફ્ટરશોક્સ માટે સતર્ક રહેવા વિનંતી કરી. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે,” તેમણે કહ્યું.

રહેવાસીઓને સલામતીની સાવચેતી રાખવાનું કહેતા, વડા પ્રધાને તેમને “સંભવિત આફ્ટરશોક્સ માટે” સતર્ક રહેવા વિનંતી કરી. “અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે,” તેમણે ઉમેર્યું.

આ જોરદાર આંચકાને કારણે દિલ્હી-એનસીઆર પ્રદેશોમાં રહેતા લોકોને તેમના રહેણાંક સંકુલોમાંથી બહાર નીકળવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પણ X પર વાત કરી અને માહિતી આપી કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે.

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ X પર પોસ્ટ કરી: “હું દરેકની સલામતી માટે પ્રાર્થના કરું છું”.

દિલ્હી પોલીસે પણ લોકોની સલામતીની તપાસ કરી, રહેવાસીઓને આ સમય દરમિયાન કોઈપણ કટોકટીની સ્થિતિમાં “112 ડાયલ” કરવા કહ્યું. “અમે આશા રાખીએ છીએ કે તમે બધા સુરક્ષિત હશો, દિલ્હી!”

નેટીઝન્સે તરત જ સોશિયલ મીડિયા પર કહ્યું કે તેમને ભયંકર આંચકા અનુભવાયા, જે “તમને ઊંઘમાંથી ઉડાડી દે છે”. ઘણા લોકોએ કહ્યું કે ભૂકંપથી તેમના પલંગ હલી ગયા. લોકો આટલી તીવ્રતાવાળા 4 ના આંચકા પર આઘાત વ્યક્ત કરતા જોવા મળ્યા.

પ્રતિક્રિયાઓ આવવાનું ચાલુ રહ્યું, જેમાં એક યુઝરે પોસ્ટ કરી, “આ મારા જીવનમાં મેં અનુભવેલો સૌથી પાગલ ભૂકંપ છે,” અને બીજાએ કહ્યું “મારા જીવનની સૌથી ભયાનક થોડી મિનિટો.”

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મુસાફરોએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યું હતું કે એવું લાગ્યું કે જાણે કોઈ ટ્રેન ભૂગર્ભમાં દોડી રહી હોય. “બધું ધ્રુજી રહ્યું હતું,” એક વ્યક્તિએ કહ્યું. સ્ટેશન પર એક વિક્રેતાએ જણાવ્યું હતું કે ગ્રાહકો ચીસો પાડવા લાગ્યા કારણ કે ભૂકંપથી બધું ધ્રુજી ઉઠ્યું.

“તે થોડા સમય માટે હતું, પરંતુ તેની તીવ્રતા એટલી વધારે હતી. એવું લાગ્યું કે કોઈ ટ્રેન ખૂબ જ ઝડપથી આવી રહી છે,” ટ્રેનની રાહ જોઈ રહેલા અન્ય એક મુસાફરે ANI ને જણાવ્યું.

ગયા મહિને, નેપાળમાં 7.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકા દિલ્હી-NCR અને ઉત્તર ભારતના અન્ય કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા. જો કે, કોઈ પણ મિલકતને નુકસાન થયું નથી.