સરહદ પર તહેનાત સૈનિકોને અપાતા ભોજનની ટીકા કરતો વીડિયો બહાર પાડવા માટે બરતરફ કરાયેલા સરહદી સુરક્ષા દળના સૈનિક તેજ બહાદુર યાદવને સમાજવાદી પાર્ટીએ વારાણસીમાં વડા પ્રધાન મોદી સામે ઉમેદવાર તરીકે ઊભો રાખ્યો છે. વડા પ્રધાન હાલ જ્યારે પુલવામા હુમલાનો જવાબ બાલાકોટમાં ભારતીય લશ્કરે આપ્યો અને સરકાર આતંકવાદ સામે કડક વલણ’ અપનાવી રહી હોવાનો ચૂંટણી રૅલીમાં પોતાનાં પ્રવચનોમાં ઉલ્લેખ કરી રહ્યા છે ત્યારે ઘણા લોકોને તેજ બહાદુરની ઉમેદવારી રસપ્રદ લાગી રહી છે. અગાઉ સપા-બસપાના ગઠબંધને વારાણસીમાં શાલિની યાદવને ઉમેદવારી આપી હતી અને તેઓ આજે ઉમેદવારીપત્રક ભરવાનાં હતાં. “જો તેજ બહાદુર યાદવની ઉમેદવારી તે બરતરફ કરાયેલો સૈનિક હોવાથી રદ કરવામાં આવશે તો તેની અવેજીમાં શાલિની યાદવ ઉમેદવારી કરશે’ એમ સમાજવાદી પાર્ટીના નેતાએ પત્રકારોને જણાવ્યું હતું.