લાલભાઇ સ્ટેડીયમ ખાતે વોલીબોલ, બાસ્કેટબોલ અને ફુટબોલ માટે અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ

(પત્રકાર પરીષદને સંબોધતા સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના શ્રી કનૈયાભાઇ કોન્ટ્રકાટર, શ્રી હેમંત કોન્ટ્રાક્ટર, શ્રી હિતેષભાઇ પટેલ, શ્રી નરેન્દ્રભાઇ ગાંધી દ્રશ્યમાન છે)
સુરત શહેરની સૌથી પ્રીમિયર સ્પોર્ટસ ક્લબ તરીકે ગણના પામતા લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં ધ સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશન દ્વારા તેમના મેમ્બર્સ માટે વધુને વધુ અત્યાધુનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે. તાજેતરમાં ધ સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન દ્વારા બાસ્કેટબોલ, ફુટબોલ અને વોલીબોલની ગેમ્સ માટે સિન્થેટિક્સ કોર્ટ તૈયાર કરાવડાવી તેનું લોકાપર્ણ કર્યું હતું.

(લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીરસમાં વોલીબોલ માટે અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો, એ સમયે રમાયેલી પહેલી મેચની તસ્વીર)
આ પ્રસંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વધુ વિગતો આપતા શ્રી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર, હેમંતભાઇ કોન્ટ્રાક્ટર, શ્રી હિતેશભાઇ ડી. પટેલ, શ્રીએસ.એ. રાવલ, શ્રી મયંક દેસાઇ, ડો. નૈમેષ દેસાઇ, નિલેશ પટેલ, વિપુલ મુન્સી, યશેષ સ્વામી, નરેન્દ્ર ગાંધી, સાયમનભાઇ કોરેથ વગેરેએ જણાવ્યું હતું કે સિન્થેટિક્સ કોર્ટ એ રમનારાઓ માટે સુવિધા સંપન્ન હોવા સાથે ફિટનેસ માટે પણ ઉપયોગી છે. આંતર રાષ્ટ્રીય સ્તરે હવે સિન્થેટિક્સ કોર્ટ સર્વસ્વીકૃત બન્યા છે.

(લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં ફુટબોલની રમત માટે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ પર રમાયેલી પહેલી મેચની યાદગાત તસ્વીર)
આગેવાનોએ જણાવ્યું કે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશીએશન માટે એવી છાપ હતી કે ફક્ત ક્રિકેટની રમતને જ પ્રોત્સાહન મળે છે પરંતુ, અહીં હવે તમામ પ્રકારની રમતો સ્પર્ધાત્મક રીતે રમી શકાય તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત કરવામાં આવી રહ્યું છે. હાલના જીમ્નેશિયનને તોડીને નવું અત્યાધુનિક જીમ્નેશિયમ આકાર પામી રહ્યું છે. સ્વીમીંગ પુલ પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો બનાવવામાં આવી રહ્યો છે.
વધુમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં જ ટૂંક સમયમાં ઇન્ડોર લોન ટેનિસ તેમજ બેડમિગ્ટન કોર્ટનું નિર્માણ કરીને તેને સભ્યો માટે ખુલ્લા મૂકવામાં આવશે.
ક્રિકેટની રમત અંગે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના આગેવાનોએ જણાવ્યું કે સુરતને આઇ.પી.એલ. કે અન્ય ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ મળે તે માટે જરુરી માળખાગત સુવિધા વિકસાવવામાં આવી રહી છે. જેમકે આંતર રાષ્ટ્રીય સ્તરની મેચ માટે મિડીયા સેન્ટર હોવું જરૂરી હોઇ, કુલ 6000ની ક્ષમતા ધરાવતું મિડીયા સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે.





















