
આગામી 21 મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પ્રચારની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ સંદર્ભે આજરોજ સુરત મહાનગરમાં પાંડેસરા, પાલનપુર જકાતનાકા અને કતારગામ એમ ત્રણ અલગ અલગ વિસ્તારમાં યોજાયેલી જંગી જાહેરસભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ, શુભેચ્છાકો અને જાહેર જનતાને પોતાની આગવી શૈલીમાં સંબોધિત કરતાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યુંકે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાની જીત નિશ્ચિત છે ફકત કેટલાં વિરોધીઓની ડિપોઝિટ ડૂલ થાય છે તેની ગણતરી કરવાની છે. હમણાં હું એક ડિબેટ જોતો હતો તેમાં કોંગ્રેસના કાર્યકર્તાએ પ્રામાણિકપણે કબૂલાત કરી હતી કે પેજ કમિટી થકી દરેક સોસાયટીના ઘર ઘર સુધી ભાજપાના કાર્યકર્તાઓનું જડબેસલાક નેટવર્ક ગોઠવાયેલું છે જયારે અમારી પાસે તો કાર્યકર્તાઓ જ નથી. સાચી વાત છે કૉંગ્રેસ પાસે કાર્યકર્તાઓ જ નથી થોડાં ઘણાં જે બચ્યા છે તે નેતાઓ જ છે અને તેઓને પોતાની નેતાગીરી ચમકાવવામાં જ રસ છે. તેઓને પાર્ટી કે દેશ સાથે કોઈ લેવાદેવા નથી.


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આસમમાં આપેલા ગુજરાત વિરોધી નિવેદનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલે જણાવ્યું કે ગુજરાત કોંગ્રેસને આંખના કણાની જેમ ખૂંચે છે. જે ગુજરાતે આ દેશને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ, ડોક્ટર વિક્રમ સારાભાઈ જેવાં મહાનુભવો આપ્યા પરંતુ કોંગ્રેસનું વલણ હંમેશા ગુજરાત વિરોધી રહ્યું છે.
ગુજરાતને બદનામ કરવાની એક પણ તક કોંગ્રેસ જતી કરતી નથી. કોંગ્રેસ પાસે હાલમાં ચૂંટણીના કોઈ મુદ્દા નથી આથી ફરીથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આસામમાં ગુજરાત વિરોધી નિવેદન કરીને પોતાની માનસિકતા છતી કરી રહ્યા છે. પરંતુ હું અહીંથી કોંગ્રેસના નેતાને કહેવા માગું છું કે આ ગુજરાતીઓ તમને વીણી વીણીને સાફ કરી નાખશે.
ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની કેટલી ડિપોઝિટ ડૂલ થાય છે તેની ગણતરી કરવા માટે રાહુલ ગાંધી તૈયાર રહે.

દેશ વિરોધી તત્વોને પ્રોત્સાહન આપવાના કોંગ્રેસના વલણની ઝાટકણી કાઢતા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યુંકે, કોંગ્રેસ એક સમયે એવું કેતી હતી કાશ્મીર માંથી જો કલમ 370 દૂર કરવામાં આવશે તો લોહીની નદીઓ વહેશે પરંતુ આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાજમાં આદરણીય શ્રી અમિતભાઈ સાહેબે સંસદમાં કલમ 370 સફળતાપૂર્વક દૂર કરીને બતાવી છે.
મંદિર વહી બનાયેંગે, તારીખ નહીં બતાયેંગે નો ટોણો મારનારાઓને જડબાતોડ જવાબ આપતાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યુંકે, મંદિર ભી બનાયેંગે, ભવ્ય બનાયેંગે ઔર પૂર્ણતા કી તારીખ ભી બતાયેંગે. આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રીરામ મંદિરનું ફાઉન્ડેશન સ્ટોન મૂક્યું ત્યારે જીવન ધન્ય થઈ ગયું તેવું આપણને બધાંને લાગ્યું. જે દિવસ જોવા માટે આપણી આંખો તરસ્તી હતી તે જોવાનું સૌભાગ્ય આપણને મળ્યું.
સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વ જેવી વિરાટ પ્રતિમા બનાવી દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને અભિનંદન આપવાના બદલે કોંગ્રેસના નેતાઓ હર હંમેશ ગુજરાત અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને બદનામ કરવાનું જ કામ કર્યું છે સરદાર સાહેબની પ્રતિમાને લોખંડનો ભંગાર કહેનાર કોંગ્રેસીઓએ સરદાર સાહેબને અન્યાય કરવામાં ક્યાંય કોઈ કસર છોડી નથી આજે પણ કોંગ્રેસનો કોઈ નેતા સરદાર સાહેબ પ્રતિમાના દર્શન કરવા ગયો નથી.
છેલ્લા ૨૫ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સુરત મહાનગરનો ખૂબ ઝડપી વિકાસ થયો છે અને હજી પણ વિકાસની વણથંભી યાત્રા જારી રહેશે તાપી શુદ્ધિકરણનું પ્રોજેક્ટ હોય, ઉભરાટને જોડતો બ્રિજ હોય, પીવાનું ચોખ્ખું પાણી હોય, રોડ રસ્તા ની વાત હોય, એરપોર્ટ હોય, મેટ્રો રેલવે હોય, એરપોર્ટ જેવું સ્વચ્છ અને સુંદર સુરત રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશન હોય, રો રો ફેરી સર્વિસ હોય, આ બધી જ ઉપલબ્ધિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શક્ય બની છે ત્યારે આવનારા સમયમાં આપના આશીર્વાદથી સુરતનો વધુ વિકાસ થશે. ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થશે તેઓ મને પૂરો વિશ્વાસ છે તેમ અંતમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે જણાવ્યું હતું.

આગામી તા.21મી ફેબ્રુઆરીએ યોજાનારી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર હાલ સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. દરેક રાજકીય પક્ષો અને ઉમેદવારો પોતપોતાની રીતે મતદારો સુધી આગવી શૈલીમાં પોતાની વાત પહોંચાડી રહ્યા છે. અમે અહીં વાત કરી રહ્યા છે એક નાનકડા સ્ટાર પ્રચારકની. આ સ્ટાર પ્રચારકની ઉંમર ફક્ત 12 વર્ષની છે. પરંતુ સુરતના વોર્ડ નં.12, સોનિફળિયા, નાનપુરા, અઠવા, પીપલોદ વોર્ડમાં 12 વર્ષિય વિવાન એક સ્ટાર પ્રચારક જેવું આકર્ષણ જમાવી રહ્યો છે. એક બાર વર્ષિય નાનકડો બાળક વોર્ડ નં.21ના ઉમેદવારો અશોકભાઇ રાંદેરીયા, વ્રજેશભાઇ ઉનડકટ, ડિમ્પલબેન કાપડીયા અને સુમનબેન ગડીયા માટે આગવી વાક્શૈલીમાં કેન્વાસિંગ કરી રહ્યો છે.
સી.આઇ.એ. લાઇવની ટીમ જ્યારે વોર્ડ નં.21ના રાઉન્ડ પર હતી ત્યારે આ વોર્ડના ઉમેદવાર વ્રજેશ ઉનડકટના નિવાસસ્થાને એક ગ્રુપ મિટીંગનું આયોજન થયું હતું. આ ગ્રુપ મિટીંગમાં સૌના આશ્ચર્ય વચ્ચે વિવાના નામનો 12 વર્ષિય બાળક આગળ આવ્યો અને તેણે છટાદાર વાક્ છટા સાથે હિન્દી ભાષામાં ભાષણ શરૂ કર્યું. જોત જોતામાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી લઇને સુરતના વિકાસની વાતો કરવા માંડી. ગ્રુપ મિટીંગમાં હાજર સૌ દંગ રહી ગયા કે 12 વર્ષિય વિવાન ભારતની રાજનીતિથી લઇને સુરતના કરન્ટ સિનારિયોનું નોલેજ ધરાવે છે અને તેને શાબ્દિક રીતે પ્રેઝન્ટ પણ કરી રહ્યો છે.
એ જ વિવાને રવિવારે સિટીલાઇટ ખાતે પદમકૃતિ એપાર્ટમેન્ટમાં ભાજપના ઉમેદવારો સાથે યોજાયેલી ગ્રુપ મિટીંગમાં ફરીથી જોરદાર ભાષણ કરીને સૌને દંગ કરી દીધા.
સી.આઇ.એ. લાઇવની ટીમે જ્યારે છટાદાર શૈલીમાં ભાષણ કરતા વિવાન અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે એ વોર્ડ નં.21ના ભાજપાના ઉમેદવાર વ્રજેશભાઇ ઉનડકટનો દિકરો છે અને તેના ડેડીને બીગ માર્જિન વિક્ટરી મળે તે માટે કેન્વાસિંગ કરી રહ્યો છે. વિવાન માટે કહેવાય છે કે તેના ડેડીના કેન્વાસિંગમાં એ સ્પીચ આપવાની તક મળે તેની સતત રાહ જોતો હોય છે અને જેવી તક મળે એ પોતાનું ભાષણ હિન્દીમાં શરૂ કરી દે છે, જેને સાંભળીને મતદારોથી લઇને કાર્યકરો અચંબિત થઇ જાય છે અને એટલે જ એ સ્ટાર પ્રચારક જેવું આકર્ષણ વોર્ડ નં.21 સોનીફળિયા, નાનપુરા, અઠવાલાઇન્સ, પીપલોદ વિસ્તારની ગ્રુપ મિટીંગોમાં ધરાવી રહ્યો છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ અવધિ દરમિયાન કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા હતા. આજે પરત ખેંચાયેલા ઉમેદવારીપત્રોમાં વોર્ડ નં.3 વરાછાના બે કોંગ્રેસી ઉમેદવારો મુખ્ય હતા એ સિવાય બાકીના તમામ ઉમેદવારો અપક્ષ હતા. ઉમેદવારીની પ્રક્રિયા પૂર્ણ થતા હવે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 30 વોર્ડની 120 બેઠકો માટે હવે 484 ઉમેદવારો બાકી રહ્યા છે.
સુરતના તમામ રિટર્નિંગ ઓફિસરોએ બેલેટ યુનિટ માટેના બેલેટ પેપર પ્રિન્ટ કરવાની પ્રોસિજર હાથ ધરી દીધી છે. દરમિયાન આજે તમામ ઉમેદવારોને ચૂંટણી ચિન્હ ફાળવવાની વિધી પણ પૂર્ણ કરી દીધી હતી. સાથોસાથ ઉમેદવારોને ચૂંટણી ખર્ચ માટેની નોંધપોથી પણ ફાળવી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ક્લીયર થયેલા ચિત્ર બાદ હવે ઉમેદવારો પર નજર કરીએ તો ભાજપના કુલ 120 બેઠકો, કોંગ્રેસના 117 અને આમ આદમી પાર્ટીના કુલ 114 ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ ખેલાશે. સુરતમાં અપક્ષો અને અન્ય પક્ષોની કુલ 351 ઉમેદવારો છે. આમ, બધુ મળીને 484 ઉમેદવારો સુરતના ચૂંટણી જંગમાં ફાઇનલ થયા છે.
આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે વરાછા, લસકાણા વોર્ડ નં.3ની કોંગી પેનલ આખો દિવસ ચર્ચામાં રહી હતી. સવારથી જ આ વોર્ડના કોંગ્રેસી ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાના છે એવી વહેતી થયેલી વાતોને પગલે સુડા ભવન ખાતે હલચલ જોવા મળી હતી. આ વોર્ડમાં બે કોંગ્રી ઉમેદવારો જ્યોતિકાબેન સોજિત્રા અને કાનજીભાઇ ભરવાડે ઉમેદવારી આજે પરત ખેંચી લીધી હતી.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફાઇનલ થયેલા ચૂંટણી ચિત્રમાં હવે કુલ 30 વોર્ડ પૈકી સૌથી વધુ ઉમેદવારો કુલ 28 વોર્ડ નં.28 ડિંડોલી-ભેસ્તાન વોર્ડમાં ચૂંટણી જંગમાં છે. આ વોર્ડમાં 11 અપક્ષો છે જ્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના 4-4-4 ઉમેદવારો છે. સૌથી ઓછા ઉમેદવારો વોર્ડ નં.15 મગોબ ખાતે નોંધાયા છે અહીં ફક્ત 12 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે.
વરાછા, સરથાણા, સીમાડા, લસકાણા વિસ્તારમાં ભાજપને ટક્કર આપશે આમ આદમી પાર્ટી
અગાઉ પાસના નેતા ધાર્મિક માલવિયાએ જે વોર્ડમાં છેલ્લી ઘડીએ ઉમેદવારી કરવાનું ટાળ્યું હતું એ વરાછા, સરથાણા, સીમાડા, લસકાણા મ્યુનિસિપલ વોર્ડ નં.3માં આજે આશ્ચર્યજનક સંજોગો વચ્ચે કોંગ્રેસના એક મહિલા અને એક પુરુષ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. વરાછા રોડના મેઇન વોર્ડ ગણાતા આ વિસ્તારમાં હવે કોંગ્રેસ સ્પર્ધામાંથી બહાર નીકળી જવા પામી છે કેમકે કોંગ્રેસનો એક જ ઉમેદવાર બાકી રહ્યો છે, જ્યારે ભાજપને સીધી ટક્કર આપસે આમ આદમી પાર્ટીની પેનલ.
આજે બપોરે વેસુ સ્થિત સુડા ભવન ખાતેની વોર્ડ નં.3ના રિટર્નિંગ ઓફિસર જીબી મુગલપુરાની કચેરી ખાતે હલચલ મચી ગઇ હતી. કોંગ્રેસના ઉમેદવાર કાનજીભાઇ નાજાભાઇ ભરવાડે બિલકુલ હોહા કર્યા વગર ઉમેદવારી પત્રક પરત ખેંચવાની અરજી આપી કચેરી છોડી ગયા હતા. તેની થોડી મિનીટો બાદ આ જ વોર્ડના કોંગ્રેસના જ મહિલા ઉમેદવાર જ્યોતિકાબેન ચંદુભાઇ સોજિત્રા પણ ઉમેદવારીપત્ર પરત ખેંચવા સુડા ભવન ખાતે આવ્યા હતા.
જ્યોતિકાબેન સોજિત્રાએ તો પોતાના ઉમેદવારીપત્ર ખેંચવા માટે કોંગ્રેસના મોવડી મંડળ પર રોષ વ્યક્ત કરતા એલફેલ નિવેદનો કર્યા હતા. રડતા રડતા જ્યોતિકાબેન સોજિત્રાએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના મોવડીઓએ તેમની વીસ વર્ષની રાજકીય કારકિર્દી રોળી નાંખી છે. જ્યોતિકાબેનના પતિ ચંદુભાઇએ તો ત્યાં સુધી આક્ષેપ કર્યો હતો કે તેમની પેનલના ઘોષિત થયેલા ઉમેદવાર કાનજીભાઇએ સી.આર. પાટીલ સાથે સેટિંગ કરીને ટિકીટ મેળવી હતી અને હવે તેના ઇશારે જ રાજીનામુ આપી દીધું છે.
જ્યોતિકાબેને ઉમેદવારી પાછી ખેંચવા પાછળના કારણ અંગે કહ્યું કે તેમના વિસ્તારમાં જીતી શકે તેવા ઉમેદવાર નહીં આપતા તેઓ તેમની ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે.

આગામી મહિનાઓમાં બિનભાજપી સરકાર ધરાવતા દેશના ચાર રાજ્યોમાં યોજાઇ રહેલી વિધાનસભા ચૂંટણીમાં સુરતમાં બનતી સાડીઓ ગેમ ચેન્જર નિવડે તેવી પૂરેપૂરી શક્યતા છે. મતદારોને રિઝવવા માટે ઉમેદવારો દ્વારા સુરતની સાડીઓનું વિતરણ થાય છે એ વાત જગ જાહેર છે, જોકે આ વખતે ચૂંટણીને અનુલક્ષીને સુરતના વેપારીઓથી લઇને મિલોને સીધા જ સાડીઓના ઓર્ડર મળવાના શરૂ થઇ ચૂક્યા છે. હાલ કમસે કમ 20 લાખ સાડીઓના ઓર્ડર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને મળી ચૂક્યા છે અને અંદાજ છે કે 70 લાખથી 1 કરોડ નંગ સાડીઓના ઓર્ડર પશ્ચિમ બંગાળ, કેરળ, તમિળનાડુ અને આસામ ખાતે યોજાઇ રહેલી ચૂંટણીને કારણે સુરતના ઉદ્યોગકારોને મળશે.
કેરળ, તમિલનાડુ, આસામ અને પશ્ચિમ બંગાળમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ રાજકીયો પક્ષો કે ઉમેદવારોને ફળ કે નહીં ફળે પરંતુ, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને જરૂર ફળશે અને સુરતની સાડી ચાર બિનભાજપી રાજ્યોમાં ગેમ ચેન્જર નિવડેતો નવાઇ નહીં.
ઉદ્યોગપતિઓને સાવ સસ્તા ભાવની સાડી (એક સાડીનો ભાવ આશરે 150 રૂપિયા) બનાવવાનો ઓર્ડર મળવાનો શરુ થઈ ગયો છે. જે જ્યાં મતદાન યોજાવાનું છે તે રાજ્યોની મહિલા મતદારોને આકર્ષિત કરવા માટે મોટા પ્રમાણમાં વહેંચવામાં આવશે.
વેપારીઓ તેમજ ડાઈંગ અને પ્રિન્ટિંગ મિલોને વિવિધ રાજકીય પક્ષો તરફથી સાડીઓના અગાઉથી ઓર્ડર મળવાનું શરુ થઈ ગયું છે અને આ વખતે તેઓ એક કરોડ સાડી મોકલવાની અપેક્ષા રાખે છે. ઘણી મિલોએ તો સાડીઓ બનાવવાનું શરુ પણ કરી દીધું છે.
દક્ષિણ ભારતના માર્કેટમાં સૌથી સસ્તા ભાવની સાડીઓની સપ્લાય કરી રહેલા એક સુરતના વેપારીએ જણાવ્યું હતું કે ચૂંટણીની જાહેરાત હજુ બાકી છે, પરંતુ અમને 30 હજાર સાડીનો ઓર્ડર મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી, રાજકીય પક્ષો ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓમાં સાડીની વહેંચણી કરે છે અને સુરતને તેનો લાભ મળે છે’.
અગાઉ, લાખો સાડીઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાવાળા બોક્સ દેશના અલગ-અલગ ભાગમાં મોકલવામાં આવ્યા હતા.
‘બ્લાઉઝ સાથે 6 મીટરની એક સાડીનો ભાવ 150 રૂપિયા હોય છે. મહામારીના કારણે, અમારું પેમેન્ટ અન્ય રાજ્યોમાં ફસાયું છે, તેથી અમે હવે એડવાન્સ પેમેન્ટ પર જ ઓર્ડર લઈએ છીએ’, તેમ સાડીઓની સપ્લાય કરતાં અન્ય એક વેપારી રજનીશ લીલાએ કહ્યું.
સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર અસોસિએશન (SGTPA)ના પ્રમુખ જિતેન્દ્ર વખારિયાએ કહ્યું કે, ‘કેટલીક ડાઈંગ અને પ્રિન્ટિંગલ મિલોને 2 લાખ સાડીઓનું કામ મળ્યું છે. પ્રોસેસિંગ ચાર્જ 10 રુપિયા પ્રતિ મીટરથી ઓછો છે’.
ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ અસોસિએશન (FOSTTA)ના સેક્રેટરી ચંપાલાલ બોથરાએ જણાવ્યું કે, ‘આ વખતે જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં એક કરોડ કરતાં વધુ સાડીઓનો સપ્લાય કરવાનો છે. અમને આશા છે કે વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન ધંધો અમને થોડી રાહત આપશે’.
કોવીડ ગાઇડલાઇન્સના પૂરેપૂરા ધજાગરા, ટોળાશાહી વચ્ચે આજે સવારે 9 કલાકથી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની મેનેજિંગ કમિટીના 21 સભ્યોની ચૂંટણીનું મતદાન શરૂ થયું હતું. બપોરે 4 કલાકે પૂર્ણ થયેલા મતદાન બાદ કુલ 4217 મતદારો પૈકી 71 ટકા એટલે કે 2996 જેટલા મતદારોએ મતદાન કર્યું હોવાનું ઉમેદવારોએ જણાવ્યું હતું. આ વખતનું મતદાન રેકોર્ડ બ્રેક મતદાન છે અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે સેંકડો સભ્યો એવા છે જેમની પાસે દાયકાઓથી મેમ્બરશીપ છે પણ તેમણે પહેલી વખત મતદાનમાં ભાગ લીધો હતો.
સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનને પારિવારીક જાગીર સમજતા કનૈયાલાલ કોન્ટ્રાક્ટર એન્ડ ફેમિલીએ સ્ટેડીયમ પેનલ કે જેમાં પૂરા 21 ઉમેદવારો પણ ન હતા તેનાથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે તેમની સામે પરિવર્તન પેનલે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.
સવારે 9 વાગ્યાથી જ ઉત્સાહભેર શરૂ થયેલા મતદાનમાં દરેક મતદારે વેલીડ વોટિંગ માટે 21 વોટ આપવા ફરજિયાત હોવાથી મતદાન મંદ ગતિએ ચાલી રહ્યું હતું. 21-21 વોટ દરેક મતદારે બોલપેનથી ટીક કરીને આપવાના હોઇ, મતદાનમાં ભારે વાર લાગતી હતી. બીજી તરફ વોટિંગ માટે મતદાતાઓ વધતા લાંબી કતારો લાગવા માંડી હતી. એક મતદારને મતદાન કરીને બહાર આવતા અડધો અડધો કલાક લાગી જતો હતો એટલી લાંબી કતાર જોવા મળી હતી. જોકે આ વખતનું મતદાન વિક્રમી મતદાન છે અને પહેલી વખત મત આપવા આવેલા મેમ્બરોની સંખ્યા પણ સેંકડોની સંખ્યામાં જણાય આવે છે.
SDCAની ચૂંટણીના મતદાનમાં મોટા પાયે ક્રોસવોટિંગ થયું હોવાના અહેવાલો મતદાન મથકેથી મળી રહ્યા હતા. છેલ્લા બે દિવસ દરમિયાન ઉમેદવારોએ પેનલ કરતા પોતાનો પ્રચાર વધુ કર્યો હતો. ખાસ કરીને સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ પેનલ નહીં જીતે તેવી પરિસ્થિતિ પારખીને પોતાના માટે મતો માગવાનું શરૂ કરી દીધું હતું. આજે મતદાનની પેટર્ન પણ એ જ પ્રમાણે જોવા મળી હતી. મતદારોએ આખી પેનલને વોટ આપવાની જગ્યાએ બન્ને પેનલના પોતાના માનીતા, જાણીતાઓને મત આપીને 21 મતોનું દાન કર્યું હતું.
લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમની જગ્યાની માલિકી પારિવારીક હોવાના નાતે દાતા તરીકે સ્ટેડીયમ અને સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનને પોતાની પારિવારીક જાગીર સમજતા કનૈયાલાલ કોન્ટ્રાક્ટર અને તેમના ભાઇ હેમંત કોન્ટ્રાક્ટરે દાતાઓને બે સીટમાંથી ત્રણ કરી દીધી, અન્ય એક દાતાને પણ સીટ અપાવી પણ મહિલાઓને એક બેઠકનું પણ પ્રતિનિધિત્વ આપ્યું નહીં. પોતાના સ્વાર્થના ઠરાવો એજીએમમાં પાસ કરાવનાર કોન્ટ્રાકટર બંધુઓને સુરત ભાજપાના નેતાઓનું પૂરેપૂરું પીઠબળ સાંપડી રહ્યું છે. અત્રે એ ખાસ નોંધવું જોઇએ કે ભાજપા મહિલા પ્રતિનિધિત્વનું ચૂસ્ત સમર્થન કરતી પાર્ટી છે. એટલું જ નહીં જીસીએ અને બીસીસીઆઇમાં પણ મહિલાઓને યોગ્ય પ્રમાણમાં પ્રતિનિધિત્વ અપાય રહ્યું છે ફક્ત સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનમાં હજુ સુધી મહિલાને રિઝર્વ સીટ આપવાની વાત તો દૂર રહી પણ ઉમેદવારી કરવાની તક પણ અપાતી નથી.
આ ચૂંટણીની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે સુરત ડિસ્ટ્રીક્ટ કક્ષાની આ સંસ્થામાં મહિલા માટે એક પણ પ્રતિનિધિત્વ એટલે કે એક પણ રિઝર્વ સીટ નથી, મહિલાઓનું જાણે ક્રિકેટમાં કશું કામ નથી એ રીતે ઝીરો પ્રતિનિધિત્વ, અને તેનાથી મોટી કમનસીબ બાબત એ છે કે 21 બેઠકો જેટલા ઉમેદવાર ઉભા નહીં કરી શકેલા કોન્ટ્રાક્ટર બંધુઓની સ્ટેડીયમ પેનલે એક પણ મહિલા સભ્યને ઉમેદવાર માટે લાયક ગણી નહી અને એક પણ મહિલાને ઉમેદવાર બનાવી નહીં. સામે પક્ષે પરિવર્તન પેનલે પણ 21 ઉમેદવારો ઉભા રાખ્યા પણ તેમાં એકેય મહિલાને પ્રતિનિધિત્વ કે ઉમેદવારીની તક આપી નહીં. આમ, મહિલાઓના ઝીરો પ્રતિનિધિત્વવાળી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની ચૂંટણીમાં શ્રીમંતોએ મતદાન માટે કતારો લગાડી દીધી હતી. પહેલી વખત ચૂંટણીમાં જંગી 60 ટકા જેટલું જંગી મતદાન થયું હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
આગામી તા.7મી ફેબ્રુઆરી 2021ના રોજ યોજાઇ રહેલી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની મેનેજિંગ કમિટીના 21 સભ્યોની ચૂંટણીમાં અમે અત્યાર સુધી પરિવર્તન પેનલના મેનિફેસ્ટો તેમજ પ્રેસ કોન્ફરન્સના નિવેદનો પ્રકાશિત કર્યા હતા. આજરોજ તા.3 ફેબ્રુઆરીએ સુરત ટેનિસ ક્લબ ખાતે સ્ટેડીયમ પેનલ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સના અંશો અહીં પ્રસ્તુત કરી રહ્યા છીએ.

લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના પ્રણેતા અને ચૂંટણીમાં સ્ટેડીયમ પેનલના સુકાની કનૈયાલાલ કોન્ટ્રાક્ટર, હેમંતભાઇ કોન્ટ્રાક્ટર, ખજાનચી સી.એ. મયંક દેસાઇ, ડો. નૈમેષ દેસાઇ વગેરેએ જણાવ્યું હતું કે પરિવર્તન પેનલ દ્વારા તેમના મેનિફેસ્ટોમાં જે પણ કંઇ ચાર્જીસ મૂકવામાં આવ્યા છે એ તમામ બેબુનિયાદ છે. આગેવાનોએ કહ્યું કે પરિવર્તન પેનલ નકારાત્મક પ્રચારથી ચૂંટણી જીતવા માગે છે જ્યારે સ્ટેડીયમ પેનલ તેમણે કરેલા કાર્યોથી આ ચૂંટણી જીતશે.
21 ઉમેદવારો પૂરા નહીં હોવા અંગે પણ કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે કહ્યું કે તેમની સાથે થોડી રાજરમતો રમાઇ અને તેના કારણે તેઓ 21માં સભ્યનું ફોર્મ ભરાવી શક્યા નથી. એમાં કોઇ મોટી વાત નથી. અમારી પેનલમાં 21મું નામ એક ક્રિકેટર તરીકે સુરતના ગૌરવશાળી ક્રિકેટર અને ભૂતપૂર્વ રણજીટ્રોફી પ્લેયરનું લખ્યું છે.
સુરત મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર અને હાલમાં જીઆઇડીસી ગુજરાતના એમ.ડી. એમ. થેન્નારાસનના હસ્તે પ્રજાસત્તાક પર્વે સુરતની સચિન જીઆઇડીસીમાં ધ્વજારોહણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. સચિન જીઆઇડીસીના મહેન્દ્રભાઇ રામોલિયા તેમજ મેનેમેન્ટ દ્વારા શ્રી થેન્નારાસનને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

સાદગી અને શિસ્તબદ્ધ રીતે સચિન જીઆઇડીસી સંકુલમાં યોજાયેલા ધ્વજવંદન સમારોહને સંબોધતા શ્રી થેન્નારાસને ગુજરાતની જીઆઇડીસીઓના વિકાસ અંગેની યોજનાઓનો અમલ કરવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

સચિન જીઆઇડીસીના સભ્યો મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.


જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગરના મહામંત્રી જેવી પોસ્ટ પરથી ગણતરીના દિવસોમાં જ રાજીનામું આપીને ગુજરાત ભાજપામાં ખળભળાટ મચાવનાર લલીત વેકરીયાના મુદ્દે ભાજપા પરિવારમાં પ્રશ્નોનું ઘમાસાણ સર્જી દીધું છે. જે પોસ્ટ પર રહીને લલીત વેકરીયા અનેક લોકોને ટિકીટ અપાવી શકે તેમ હતા, આમ છતાં તેમણે રાજીનામુ આપીને પોતાના માટે ટિકીટ માગી લીધી. ભાજપાના સામાન્ય કાર્યકરોના પણ ગળે ઉતરે એવી વાત નથી કે કોઇ વ્યક્તિ સુરત ભાજપાના મહામંત્રીનું પદ કોર્પોરેટર બનવા માટે છોડી દે. હવે ભાજપા મોવડીમંડળ આ અઘરો દાખલો કેવી રીતે ગણે છે એ આગામી દસેક દિવસમાં જોવા મળશે. પણ જે પ્રશ્નો સર્જાયા છે એ હાલ તુરત તો અનુત્તર છે.

આવા અનેક પ્રશ્નો અનુત્તર રહ્યા છે જેના જવાબો આગામી દિવસોમાં આપમેળે મળતા થઇ જશે. હકીકતમાં ભાજપાના મોવડીઓ ભલે લલીત વેકરીયાના રાજીનામાના અનુસંધાને સી.આર. પાટીલના એક વ્યક્તિ એક હોદ્દાના સુત્રનો દાખલો ટાંકતા હોય પરંતુ, અંદરખાને મામલો સમસમીને બેસી રહેવા જેવો થયો છે. લલીત વેકરીયાને જો પ્રોત્સાહન મળે તો આગામી દિવસોમાં પાર્ટીનું સંગઠનનું કામ છોડીને અનેક નેતાઓ સત્તાના માર્ગે ચાલવાનો રસ્તો અખત્યાર કરતા થઇ જશે. હકીકત પણ એ જ છે કે સંગઠનનું કામ એટલે દેશીભાષામાં કહીએ તો મજૂરીનું કામ, પદડા પાછળ રહીને પાર્ટીને મજબૂત બનાવવાનું કામ જ્યારે ચૂંટણી લડીને કોઇ પોસ્ટ મળે તો એ ફ્રન્ટસ્ટેજ લાઇમલાઇટનું કામ ગણાય છે. ભાજપામાં એક નીતિ ચાલી આવે છે અને એ જે તે કાર્યકર કે નેતાની ભૂમિકા અને જવાબદારી આપવાનું કામ પાર્ટી કરતી હોય છે નેતા નહીં.
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરત સમેત ગુજરાતભરમાં ભાજપા કેમ્પમાં હાલ અત્યંત વાઇબ્રન્ટ માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને ભાજપામાં હાલ ચાલી રહેલી ઉમેદવારોના સેન્સ લેવાની કાર્યવાહીમાં યંગ અને ટેક્નોક્રેટ્સની સાથે એક સમયથી હાંસિયામાં ધકેલી દેવાયેલા સિનિયર નેતાઓમાં પણ રિ-એન્ટ્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જે રીતે સંગઠનમાં તેમણે નિમણૂંકો કરી-કરાવી એ જોતા હવે કોરાણે મૂકી દેવાયેલા નેતાઓ, પૂર્વ કોર્પોરેટરો, પૂર્વ ધારાસભ્યોમાં પણ આશા જાગી છે કે તેઓ ફરીથી પાર્ટી પોલિટિક્સ કે ચૂંટણીની ટિકીટ સુધી પહોંચી શકે તેમ છે.

સુરત શહેર ભાજપાના સંગઠનની રચનામાં અનેક એવા નેતાઓને સ્થાન આપવામાં આવ્યા છે કે જેમને અગાઉના શહેર પ્રમુખોના શાસનમાં કોઇ જ જવાબદારી કે કામગીરી નહીં આપીને સાવ નિષ્ક્રિય બનાવી દેવાયા હતા. આ નેતાઓને સંગઠનમાં મહત્વના હોદ્દાઓ કે જવાબદારીઓ આપવાની નીતિ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે અપનાવી અને તેના આધારે જ સિનિયર મોસ્ટ, પૂર્વ પદાધિકારીઓ, પૂર્વ હોદ્દેદારો, પૂર્વ કોર્પોરેટરો વગેરેમાં ફરીથી મેઇન સ્ટ્રીમમાં આવવાની આશા જાગી છે. હાલમાં એવા અનેક સિનિયર નેતાઓને જુદી જુદી કામગીરીઓ, જવાબદારીઓ આપીને ભાજપાના સંગઠન લેવલ પર મેઇન સ્ટ્રીમમાં જોતરી દેવાયા છે અને તેની સીધી અસર ભાજપામાં સાવ નિષ્ક્રિય થઇ ગયેલા કે કરી દેવાયેલા નેતાઓ હવે ફરીથી ભાજપાની ઇન્ટર્નલ રાજનીતિમાં સક્રિય થયેલા જોવા મળી રહ્યા છે. જેનો અલ્ટીમેટ બેનિફિટ તો ભાજપાને જ મળી રહ્યો છે.
સુરત શહેર-જિલ્લાથી લઇને ગુજરાત પ્રદેશ ભાજપાના સંગઠનના નવનિર્મિત માળખામાં અનેક એવા ચહેરાઓને સ્થાન મળ્યા છે, જેમને અગાઉના સમયમાં યેનકેન પ્રકારે કામગીરી વિહોણા કરીને કોરાણે બેસાડી દેવામાં આવ્યા હતા. આ ટ્રેન્ડને પગલે ભાજપાને સિનિયર મોસ્ટ નેતાઓનો બહોળો અનુભવ મળે તેમ છે.
હાલ ચાલી રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયામાં 1995ની ટર્મમાં, 2000ની ટર્મમાં, 2005ની ટર્મમાં કોર્પોરેટર રહ્યા બાદ સાવ હાંસિયામાં ધકેલાય ગયેલા અનેક નેતાઓએ ફરીથી ટિકીટ માટે દાવો કર્યો છે. પૂર્વ કોર્પોરેટરોની સાથે અગાઉ ભાજપામાં જે પ્રકારનું ગ્રુપીઝમ હતું અને એ ગ્રુપીઝમને કારણે હાંસિયામાં ધકેલાય ગયેલા નેતાઓ ફરીથી સક્રિય થયા છે. આવા અનેક નામો અહીં લઇ શકાય પરંતુ, કેટલીક મર્યાદાઓને કારણે એમને અહીં લખી શકાય તેમ નથી.

મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ઉમેદવારી અંગેનો સેન્સ લેવાની હાલ ભાજપામાં હાથ ધરાઇ રહેલી પ્રક્રિયામાં ઉડીને આંખે વળગે એવી બાબત એ પણ જોવા જાણવા મળી રહી છે કે 50 વર્ષથી ઓછી વયના (રાજનીતિમાં યુવા નેતાગીરી કહેવાય) સેંકડો નેતાઓએ જુદા જુદા વોર્ડમાંથી દાવેદારી કરી છે. ભાજપા માટે આ એક પોઝિટીવ સાઇન છે.
ભાજપામાં હાલ ચાલી રહેલા ઉમેદવારોની દાવેદારી અંગેની કાર્યવાહીમાં એક ટ્રેન્ડ એવો પણ જોવા મળ્યો છે કે અત્યાર સુધી સિટીંગ ધારાસભ્યો કે સાંસદોનું પીઠબળ હોવાની બાબતને નિરીક્ષકો સમક્ષ દાવેદારો રજૂ કરી રહ્યા હતા. પરંતુ, આ વખતે સી.આર. પાટીલની રાજનીતિની ફળશ્રુતિ કહો કે બદલાવ કહો પણ ઉમેદવારો સ્વતંત્ર રીતે અને પોતાના જ્ઞાતિ-સમાજ સંગઠનના જોરે અને કેટલાક તો સોશ્યલ મિડીયા પ્રેઝન્સને જ પોતાની ક્રેડિટ ગણાવીને ટિકીટ માટે દાવો કરી રહ્યા છે.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં દાવેદારોને સાંભળવાની પ્રક્રિયામાં આ વખતે એક બાબત એ પણ જોવા મળી રહી છે કે કોરોના કહો કે સી.આર. પાટીલનો ધાક કહો પણ શક્તિ પ્રદર્શન કરવાથી દાવાદારો બચી રહ્યા છે. ભાજપામાં હાલ એક હવા એવી પણ છે કે શક્તિ પ્રદર્શન કરીને ટિકીટ માગનારાને સાવ જ કોરાણે બેસાડી દેવામાં આવે તેમ છે. પરીણામે મોટા ટોળા, સૂત્રોચ્ચાર કે રેલી કાઢીને ઉગ્ર રજૂઆતો કરવાનો અગાઉ જોવાયેલો ટ્રેન્ડ આ વખતે બિલકુલ જોવા મળતો નથી. ઉમેદવારો એકલ-દોકલ કે વધુમાં વધુ પાંચેક સમર્થકો સાથે જઇને પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે.
