VNSGU ના વાઇસ ચાન્સેલર ડો. કિશોરસિંહ ચાવડાએ આજરોજ તા.14મી ઓગસ્ટે સર્વોચ્ચ અધિકાર મંડળ સેનેટ સભાની ખાસ મિટીંગ યોજીને તેમાં સ્ટેચ્યુટ 229 (બી)માં સુધારાઓ આમેજ કરાવ્યા. ગુજરાતની યુનિવર્સટીઓમાં એક અનેરો ઇતિહાસ રચ્યો, સ્ટેચ્યુટમાં જોગવાઇ કરીને NEPનો ચાલુ શૈક્ષણિક વર્ષથી જ અમલ શરૂ કર્યો, જે અંતર્ગત હવે પછી વિદ્યાર્થીઓનો જેવો વાર્ષિક અભ્યાસ તેવી ડિગ્રી એનાયત કરવામાં આવશે જે વિશ્વવ્યાપી સ્તરે માન્ય તો હશે જ પણ તેની ક્રેડિટ પણ ટ્રાન્સફર થશે.
ગુજરાતમાં પહેલી વખત વીર નર્મદ યુનિવર્સિટીમાં ચાલુ વર્ષથી જ નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ શરૂ
મલ્ટીપલ સર્ટિફિકેશન પોલીસી અંતર્ગત ડિગ્રી કોર્સમાં પહેલા વર્ષે સર્ટિફિકેટ, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા વર્ષે ગ્રેજ્યુએશન અને ચોથા વર્ષે ઓનર્સની પદવી મળશે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આજે તા.14મી ઓગસ્ટ 2021ના રોજ ઇતિહાસ રચ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આજે મળેલી ખાસ સેનેટ સભામાં નેશનલ એજ્યુકેશ પોલીસી 2020નો અમલ કરવા માટે સ્ટેચ્યુટ 229 (બી)માં ફેરફાર કરવામાં આવ્યા છે અને તેના કારણે ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-22થી મલ્ટીપલ સર્ટિફિકેશન્સ અમલી બન્યા છે અને હવે ગ્રેજ્યુએશન કોર્સ દરમિયાન પહેલા વર્ષનું શિક્ષણ સફળતાપૂર્વક પાસ કર્યા પછી સર્ટિફિકેશન, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા વર્ષે ગ્રેજ્યુએશન અને ચોથા વર્ષે ઓનર્સની ડિગ્રી મળશે.
આવું થવાથી અધુરો અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓને ફાયદો થશે. જેટલું ભણ્યા તેટલું પ્રમાણપત્ર મળશે. વિદેશ અભ્યાસનું આયોજન કરી રહેલા વિદ્યાર્થીઓને ક્રેડીટ ટ્રાન્સફર થશે. આમ વિદ્યાર્થીઓ માટે નેશનલ એજ્યુકેશન પોલીસી અત્યંત ઉપયોગી નિવડશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પહેલી યુનિવર્સિટી બની છે જ્યાં હવે નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
અમેરિકામાં બિઝનેસ માટે જવા ઇચ્છતા લોકોને માર્ગદર્શન મળી રહે તે માટે SGCCI દ્વારા સેમિનાર યોજાયો
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. ૪ ઓગષ્ટ ર૦ર૧ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘અમેરિકા જવું છે?’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુ.એસ.એ. વિઝા વિન્ડોના એકસપર્ટ ડો. સુધીર શાહ અને વિપુલ દોશીએ માર્ગદર્શન આપ્યું હતું.
ડો. સુધીર શાહે જણાવ્યું હતું કે વિશ્વમાં સૌથી આગળ પડતો દેશ અમેરિકા હોવાથી લોકોની ભણવા માટે, ફરવા માટે, કારકિર્દી ઘડતર માટે અને બિઝનેસ માટે પણ પહેલી પસંદ અમેરિકા હોય છે. આથી તેમણે જુદા–જુદા વિઝા અંગે વિદ્યાર્થીઓ તથા ઉદ્યોગકારોને વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને ઇબી– પ અને એલ– ૧ વિઝા અંગે તેમણે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કહયું હતું કે, અમેરિકા જવા માટે વિઝા મળી ગયા હશે તો એનો મતલબ એવો નથી થતો કે અમેરિકા જઇ શકાશે. જો ઇન્ટરવ્યુ દરમ્યાન અધિકારીને એવું જણાય કે ખોટું બોલીને વિઝા મેળવવામાં આવેલા છે તો અમેરિકા જવાનું સ્વપ્ન પૂર્ણ થશે નહીં.
બી– ૧ વિઝા, બિઝનેસ માટે અને બી– ર વિઝા, ટુરીસ્ટ તરીકે ફરવા માટે આપવામાં આવે છે. બી– ૧ વિઝા લઇને બિઝનેસમેન અમેરિકા જઇને બિઝનેસ મિટીંગ અટેન્ડ કરી શકે છે, એકઝીબીશનમાં ભાગ લઇ શકે છે, સેમિનારમાં ભાગ લઇ શકે છે અને ઓર્ડર લઇ શકે છે અને આપી શકે છે, પરંતુ ઓફિસમાં બેસીને બિઝનેસ કરી શકશે નહીં. જો કે, બી– ૧ વિઝા લઇને બિઝનેસના હેતુથી ગયેલા ઉદ્યોગકારોને અમેરિકામાં જો બિઝનેસની તકો દેખાય તો તેઓ પોતાનું સ્ટેટસ બદલીને એલ– ૧ વિઝા લઇ શકે છે. તેમણે દરેક વિઝા સાથે જોડાયેલા સ્ટેટસ વિશે વિસ્તૃત સમજણ આપી હતી.
તેમણે સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકામાં અભ્યાસ કરવા માટે જનારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવાની કેટલીક મહત્વની બાબતો વિશે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને અભ્યાસ પૂર્ણ થયા બાદના ૯૦ દિવસની અંદર જોબ કરવા માટેના નિયમો છે તેના વિશે તેઓને અવગત કરાવ્યા હતા. સાથે જ અમેરિકામાં પ૦૦થી ૧૦૦૦ ડોલર લઇને જોબ આપવાની લાલચ આપતી બોગસ કંપનીઓથી પણ સાવધાન રહેવા માટે ચેતવ્યા હતા.
એલ– ૧ એ વિઝા એકઝીકયુટીવ, મેનેજર અને કંપની સંબંધિત ખાસ પ્રકારની જાણકારી ધરાવનારી વ્યકિતઓ માટે હોય છે. ભારતમાં બિઝનેસ કરતી કંપની જો પાર્ટનરશિપ તરીકે અથવા પોતાની બ્રાન્ચ અમેરિકામાં ખોલે છે ત્યારે ભારતમાં આ કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરતા મેનેજર તથા એકઝીકયુટીવને કંપની એલ– ૧ એ વિઝા ઉપર અમેરિકા મોકલી શકે છે. એલ– ૧ એ વિઝાને આધારે વ્યકિત અમેરિકામાં સાત વર્ષ સુધી રહી શકે છે અને કામ કરી શકે છે. ત્યારબાદ કંપની કર્મચારીને બબ્બે વર્ષનું એકસટેન્શન આપી શકે છે અને બાદમાં તેઓને ગ્રીન કાર્ડ પણ મળવાની જોગવાઇ કાયદામાં રહેલી છે.
આ સેમિનારમાં ચેમ્બરના મેનેજિંગ કમિટીના સભ્ય અમિષ શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું અને બિજલ જરીવાલાએ સેમિનારનું સમગ્ર સંચાલન કર્યું હતું.
અત્યાર સુધી ટેક્ષટાઇલ વિક્રેતાઓની સંસ્થા ફોસ્ટા ચેમ્બર સાથે કામ કરતું હતું પણ હવે સમીકરણો બદલાતા સુરત મર્કન્ટાઇલ એસોસીએશન સાથે ચેમ્બરે હાથ મિલાવ્યા
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુક્ત પદાધિકારીઓ અને સુરત મર્કન્ટાઇલ એસોસીએશનના પ્રતિનિધિ મંડળ વચ્ચે યોજાયેલી મહત્વની બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સે એવો મહત્વનો નિર્ણય લીધો છે કે હવે પછી ચેમ્બર દ્વારા યોજાનારા ટેક્ષટાઇલ ઉદ્યોગ પર આધારિત કાર્યક્રમો, પ્રોજેક્ટ, એક્ષ્પો, સેમિનાર વગેરેમાં સુરત મર્કન્ટાઇલ એસોસીએશન કો-ઓર્ગેનાઇઝર તરીકે ચેમ્બર સાથે ખભેખભા મિલાવીને કામ કરશે.
સુરત મર્કન્ટાઇલ એસોસીએશનના પ્રેસિડેન્ટ નરેન્દ્ર સાબુએ સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબના પ્રતિનિધિ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતી અને તેમની ટીમ સાથે અનેક રીતે પરીણામદાયી મિટીંગ યોજાઇ હતી. ભવિષ્યમાં ચેમ્બર દ્વારા આયોજિત કાર્યક્રમોમાં સુરત મર્કન્ટાઇલ એસોસીએશન ટેક્ષટાઇલ વેપારીઓની સંસ્થાના પ્રતિનિધિ તરીકે ખભેખભા મિલાવીને કામ કરશે. સુરત મર્કન્ટાઇલ એશોસીએશન વતી પ્રમુખ નરેન્દ્ર સાબૂએ ચેમ્બર ઓફ કોમર્સને આગ્રહપૂર્વક જણાવ્યું કે ચેમ્બર ઓફ કોમર્સે તેના પ્રશાસનિક પ્રભાવનો ઉપયોગ કરીને ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, વિવર્સ, પ્રોસેસર્સ દરેક ઘટક સંઘોના પડતર પ્રશ્નો ઉકેલવા માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમો, રજૂઆતો યોજવા જોઇએ અને તેમાં મર્કન્ટાઇલ એસોસીએશન સંપૂર્ણ સહયોગ પૂરો પાડશે.
સુરતમાં વિકસી રહેલા ટેક્ષટાઇલ ઉદ્યોગમાં નવી નવી ટેકનિક, પ્રયોગોની જાણકારી, યોજનાઓ તેમજ ટેક્ષ સંબંધિત પ્રશ્નો સંદર્ભે અનેક રીતે કામો થઇ શકે તેમ છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વર્ષ ર૦ર૧–રર માટેના વરાયેલા પ્રમુખ આશિષ ગુજરાતી અને ઇલેકટ થયેલા ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાના પદગ્રહણ માટેનો સમારંભ શનિવાર, તા. ૩૧ જુલાઇ ર૦ર૧ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આવેલા પ્લેટીનમ હોલમાં યોજાનાર છે.
SGCCI President Ashish Gujarti
આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના રાજ્ય કક્ષાના કાપડ અને રેલ્વે મંત્રી દર્શના જરદોશ, ગુજરાત ભાજપના અધ્યક્ષ તેમજ સાંસદ સી.આર. પાટીલ અને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા પધારશે. જ્યારે સુરતના મેયર હેમાલી બોઘાવાલા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલ, સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ અને ટેકસટાઇલ કમિશનર રૂપ રાશી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ગુજરાત માઇનિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન( જીએમડીસી)ના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંત સિંહે તા.26 જુલાઇ 2021ના રોજ સુરતમાં સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી.
બેઠકમાં એસજીટીપીએ દ્વારા ચોમાસામાં દક્ષિણ ગુજરાતની જીએમડીસીની લિગ્નાઇટની ખાણો બંધ રહેતી હોવાથી સુરતના પ્રોસેસિંગ હાઉસો કાર્યરત રહી શકે તે માટે ભાવનગર સાઇટથી લિગ્નાઇટ દરીયાઇ માર્ગે લાવી શકાય કે કેમ તે અંગે ચર્ચા ચર્યા છેડી હતી.
એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે પ્રત્યેક ચોમાસાની સીઝનમાં ડાઇંગ પ્રોસેસિંગ એકમોને લિગ્નાઇટની સમસ્યા નડે છે. આજે તે સંદર્ભે જીએમડીસીના એમડીને રજૂઆત કરતા તેમણે ચોમાસામાં ઇન્ડસ્ટ્રિયલ કોલસો મળી રહે તેવુ આયોયજન કરવા ખાતરી આપી છે. ચોમાસામાં આયાતી કોલસો મોંઘો પડે છે. એવી સ્થિતિમાં દરિયાઇ માર્ગે ભાવનગરથી બાર્જમાં અથવા ફેરી સર્વિસમાં કોલસાના કન્ટેનર લાવી શકાય તેમ છે અને દરિયાઈ માર્ગે ભાવનગરથી મગદલ્લા પોર્ટ પર કોલસો લાવવામાં આવે તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ 50 ટકા રાહત થઇ શકે છે.
ભાવનગરનો કોલસો રાજપારડી માઇન્સની ક્વોલિટી જેવો જ હોય છે. બેઠકમાં એસજીટીપીએના આગેવાનો કમલ વિજય તુલસ્યાન, પ્રમોદ ચૌધરી, બિનય અગ્રવાલ સહિતના આગેવાનોએ લિગ્નાઇટની ડિલિવરી ઓર્ડર માટે અન્ય બેંકોમાં પેમેન્ટ ચુકવણી માટે આગ્રહ કરવામાં આવે છે. તેને બદલે ઉદ્યોગકારો જીએમડીસીના ખાતામાં આરટીજીએસ અથવા એનઇએફટી દ્વારા ચુકવણી કરે તેવી વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરાઇ હતી.
નાના અને મધ્યમ હરોળના યુનિટોને લાર્જ યુનિટમાં ગણી ઉંચો ચાર્જ વસુલવામાં આવે છે તેના માટે નીતિ નક્કી થવી જોઇએ. સાથેજ ઘણી વાર લિગ્નાઇટ હલ્કી ગુણવત્તાનું હોવાથી એમિશન ટ્રેડિંગ સ્કીમમાં જોડાયેલા અને પર્યાવરણની જાળવણી કરવા માંગતા યુનિટોને કાર્બન ટ્રેડિંગમાં મુશ્કેલી નડે છે અને પેનલ્ટીનો ભોગ બનવુ પડે છે.
જીએમડીસી નવા રજિસ્ટ્રેશન માટેની અરજીઓનો ઝડપથી નિકાલ કરે: SGTPA
એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જીએમડીસીના એમડી રૂપવંત સિંહને રજૂઆત કરી હતી કે નવા રજિસ્ટ્રેશન માટે અરજીઓના નિકાલમાં વિલંબ થાય છે, તેનો ઝડપી નિકાલ થવો જોઇએ. તે ઉપરાંત ખાણો માટેની લીઝનો કરાર સમયસર રિન્યુ કરવામાં આવે તો માલનો પુરવઠો જળવાઇ રહેશે. રૂપવંત સિંહે લિગ્નાઇટનો પ્રશ્ન ઝડપથી હલ કરવા એક કમિટિ બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં જીએમડીસીના અધિકારીઓ અને પાંચ સભ્યોને શામેલ કરી પ્રત્યેક મહીને એક વાર બેઠક યોજી પ્રશ્નોનો ઉકેલની ખાતરી આપી હતી. બેઠકમાં જીએમડીસીના ચીફ જનરલ મેનેજર કુલશ્રેષ્ઠ પણ હાજર રહ્યા હતા.
મહારાષ્ટ્રમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ વચ્ચે હથનુર ડેમના તમામ દરવાજા ખોલી દેવાની સાથે 1.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે આગામી 24 કલાકમાં ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો જોવા મળશે. હાલ ઉકાઈ ડેમની સપાટી 314.72 ફુટે છે જે સંભવતઃ આગામી દિવસોમાં વધીને 318 ફુટ સુધી પહોંચી શકે છે.
હથનુર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લા 48 કલાકથી હળવાથી ભારે વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલ હથનુર ડેમની સપાટી 209 મીટર નોંધાવા પામી છે અને ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે ડેમના સત્તાધીશો દ્વારા તકેદારીના ભાગરૂપે ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ દરવાજા ખોલવાની સાથે જ ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી તાપી નદી થકી ઉકાઈ ડેમમાં આગામી 24 કલાકમાં પહોંચશે. અલબત્ત, ઉકાઈ ડેમના અધિકારીઓ પણ હાલની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. હથનુર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને પગલે હાલ ઉકાઈ ડેમની સપાટીમાં જે વધારો થશે તે મહત્તમ 318 મીટર સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમ્યાન હાલ ઉકાઈ ડેમની સપાટી 314.81 ફુટ નોંધાઈ છે અને રૂલ લેવલ 333 ફુટ છે. અત્યારે ઉકાઈ ડેમમાં 21 હજાર ક્યુસેક પાણીની આવક સામે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
સુરત શહેરની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં થનાર વૃદ્ધિ દર વર્ષે જુલાઈ મહિનાથી વહીવટી તંત્ર સહિત શહેરીજનો માટે ચિંતાનો વિષય બની રહેતી હોય છે પરંતુ ચાલુ વર્ષે અત્યાર સુધી ઉકાઈ ડેમની સપાટીમાં કોઈ ખાસ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. ઉકાઈ ડેમના ઉપરવાસમાં અત્યાર સુધી નહિવત વરસાદ નોંધાતા સપાટી છેલ્લા એક મહિનામાં એક ફુટ પણ વધી નથી.
સુરત સમેત સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં પણ ટેક્ષટાઇલ ઉદ્યોગ વિકસ્યો છે ત્યાં ત્યાં ફેબ્રિક મેન્યુફેક્ચર્સ, ફેબ્રિક પ્રોસેસર્સ અને વિક્રેતાઓ વચ્ચે સીધો સેતુ નથી પણ વચ્ચે દલાલ, આડતિયાઓ વગેરેની પણ એક કડી ઉમેરાય રહી છે. પરીણામે ફેબ્રિક કોસ્ટથી લઇને ઇચ્છિત ક્વોલિટી, માગ, જરૂરીયાત બધી જ બાબતો અસરગ્રસ્ત થાય છે. પણ જો ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ જેમાં મોટા ભાગે વીવર્સ, નીટર્સ, પ્રોસેસર્સ સામેલ છે આ કડી તેમજ ફેબ્રિકના વિક્રેતાઓ, ફેશન મેકર્સ, ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ, સ્ટીચર્સ વગેરે વચ્ચે સીધો સેતુ જો સધાય તો અનેક પ્રશ્નોનો આપોઆપ ઉકેલ આવે તેમ છે અને આ પ્લેટફોર્મ સૌથી પહેલી વખત સુરતમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પૂરું પાડવા જઇ રહી છે. વીવનીટ એક્ષ્પો એક એવું પ્રદર્શન હશે જે ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ તેમજ વિક્રેતા, ફેશન મેકર્સ વચ્ચે સીધો સેતુ કાયમ કરશે. જે સુરતની ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે ગેમ ચેન્જર બની રહેશે.
સુરતનો વણાટ ઉદ્યોગ દિન પ્રતિદિન નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે, તેમાં પણ સોને પે સુહાગા કહેવત સાર્થક થતી જોવા મળી રહી છે કેમકે વણાટ ઉદ્યોગને સ્પર્શતો પહેલો બિઝનેસ ટુ બિઝનેસ (બીટુબી) એક્સપોનું આયોજન સુરત ખાતે થઇ રહ્યું છે. સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તા.11થી 12 સપ્ટેમ્બર દરમિયાન સરસાણા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે વીવનીટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાના કહેવા મુજબ વીવનીટ એક્સ્પો સ્થાનિગ વણાટ ઉદ્યોગકારો માટે ગેમ ચેન્જર સમાન નિવડશે.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દેશમાં પહેલી વખત યોજાઇ રહેલા વિવનીટ એક્સ્પો વિવર્સ, નીટર્સ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડનારો એકસકલુઝીવ ફેબ્રિક શો હશે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા આ તમામ કેટેગરીના ઉદ્યોગકારો વિવનીટ પ્રદર્શનના માધ્યમથી હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઇનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટ મેન્યુફેકચરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડકટ મેન્યુફેકચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે.
આ પ્રદર્શનમાં ભાગ લેનારા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને ગુજરાત સરકાર તરફથી સબસિડીનો પણ લાભ મળશે. આ પ્રદર્શન થકી ઉદ્યોગકારો માટે ઉદ્યોગ – ધંધાની વિશાળ તકો ઉભી થશે.આ પ્રદર્શનમાં ભાગ લેનારા એકઝીબીટર્સ તેઓની પ્રોડકટને પ્રદર્શિત કરીને ઉત્પાદનોને વ્યાપારીઓ સુધી પહોંચાડી શકશે. નવી પ્રોડકટને લોન્ચ કરી શકશે અને બ્રાન્ડ વિશે અવેરનેસ લાવવાની તક ઝડપી શકશે. સાથે જ કોર્પોરેટ ઇમેજ ઉભી કરી શકશે અને નેટવર્કીંગ પણ ગોઠવી શકશે. તદુપરાંત પ્રોડકટ અને ટેકનોલોજીના માધ્યમથી નવી એપ્લીકેશન્સ અને સોલ્યુશન્સ મેળવી શકશે.આ ઉપરાંત ટેકસટાઇલ પ્રોસેસર્સ એન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, ફેશન ડિઝાઇનર એન્ડ ફેબ્રિક બાઇંગ હાઉસિસ, બિઝનેસ લીડર્સ એન્ડ આંત્રપ્રિન્યોર્સ, ડિસીઝન મેકર્સ ફ્રોમ ગવર્નમેન્ટ, પ્રોડકટ ડેવલપમેન્ટ એકઝીકયુટીવ, સી.ઇ.ઓ., સિનિયર એકઝીકયુટીવ ફ્રોમ ઇન્ડસ્ટ્રી, ઓપરેશન / ટેકનીકલ – પરચેઝ મેનેજર, ઇન્વેસ્ટર્સ એન્ડ વેન્ચર કેપિટલાઇઝેશન, રીટેલર ઇન્ડસ્ટ્રી એસોસીએશન, એનજીઓ અને કન્સલ્ટન્ટને આ પ્રદર્શનમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહેશે.
ભારતના 10થી વધુ શહેરોના મોટાગજાના બાયર્સ આવશે
વીવનીટ એક્સ્પોમાં યાર્નમાંથી કાપડનું ઉત્પાદન કરતા વિવર, નીટર, ટેકનીકલ ટેકસટાઇલ અને નેરો ફેબ્રિકસના ઉત્પાદકો ભાગ લેનારા છે. જેમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના બાયર્સને આમંત્રિત કરવામાં આવશે. જેથી કરીને એકઝીબીટર્સને સ્થળ પર બિઝનેસ મળી રહેશે.
હેડિંગ બોક્સમેન્યુફેક્ચરર્સ માટે વન સ્ટોપ શોપનું પ્લેટફોર્મ
વિવનીટ એકઝીબીશન થકી વુવન, નીટેડ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા બાયર્સ સામે પોતાની પ્રોડકટ રજૂ કરવા માટેની ઉત્તમ તક મળી રહેશે. મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એકઝીબીશન હશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્સ અને ટેકનીકલ ટેકસટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે.
સુરતના રોકાણકારો તેમજ ઉદ્યોગ-ધંધા માટે અગરતલામાં છે તકોની ભરમાર : ચેમ્બર પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા
ચેમ્બરના નેજા હેઠળ વિવિધ ઈન્ડસ્ટ્રી પ્રતિનિધિઓની ત્રિપુરા મુલાકાતે ખોલ્યા નવી દિશાના દ્વાર
સુરતના ઇન્વેસ્ટર્સ અને ઉદ્યોગ-ધંધા સાથે સંકળાયેલા માટે ત્રિપુરા રાજ્યમાં સારામાં સારી તક હોવાની માહિતી સાથે સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખાસ કરીને વાંસમાંથી બનતું લાકડું, પાઇનેપલ, લિચી અને ચ્હાના તમામ પ્રકારના કારોબાર માટે ત્રિપુરા ઉત્તમ હોવાનું સુરતથી ત્રિપુરા ગયેલા પ્રતિનિધિ મંડળને જણાયું છે. પ્રતિનિધિમંડળે ત્રિપુરાની મુલાકાત સાથે ત્યાં રાજ્ય સરકાર તરફથી અનેક પ્રકારના પ્રોત્સાહન પણ આપવામાં આવશે એવી બાંહેધરી પણ આપવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું છે કે જે ઉદ્યોગ સાહસિકોએ ત્રિપુરા ખાતે ઉદ્યોગ ધંધો સ્થાપવા માટે ઇચ્છુક હોય તેમણે ચેમ્બર ઓફ કોમર્સનો સંપર્ક કરવો.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડીયા સમેત સુરતના 8 ઉદ્યોગપતિઓનું એક પ્રતિનિધિ મંડળ, કેન્દ્રના આરોગ્ય મંત્રી મન્સુખ માંડવીયાની આગેવાની હેઠળ તાજેતરમાં અગરતલા, ત્રિપુરાની મુલાકાતે ગયુ હતુ. ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી બિપ્લવકુમાર દેબ અને સ્થાનિક સરકારી અધિકારીઓ સાથે અનેક મિટીંગો યોજીને સુરત કે ગુજરાતથી ઉદ્યોગ સાહસિકો જો ત્રિપુરા આવે તો તેમને કેવી રીતે પ્રોત્સાહન મળે તે અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
ત્રણ દિવસની આ મુલાકાત દરમિયાન ડેલીગેશન ત્રિપુરાના ઈન્ડસ્ટ્રીઝ સેકે્રટરી ડો. પી. કે. ગોયલ, ઈન્ડસ્ટ્રીઝ ડાયરેકટર તરીત ચકમા, એડીશનલ પ્રિન્સીપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ પ્રવિણ અગ્રવાલ, હોર્ટીકલ્ચર એન્ડ સોઈલ કન્ઝર્વેશન ડાયરેકટર ડો. પી. બી. જમાતીયા, હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફટ ડાયરેકટર પી. એલ. ચકમા, મેનેજિંગ ડાયરેકટર, ત્રિપુરા રીહેબીલીટેશન પ્લાન્ટેશન કોર્પોરેશન પ્રસાદ રાવ વદરાપુ, ત્રિપુરા ફોરેસ્ટ ડેવલપમેન્ટ એન્ડ પ્લાન્ટેશન સેકટરના એકિઝકયુટીવ ડાયરેકટર બી. દેબરામના, મેડીકલ પ્લાન્ટ બોર્ડ, ત્રિપુરાના ડી.સી.એફ વાંગડુપ ભુતીયા, ત્રિપુરા ટી–બોર્ડના ચેરમેન સંતોષ સાહા સાથે મિટીંગ કરી હતી. આ ઉપરાંત ડેલીગેશને ટી એસ્ટેટ, મેગા ફુડ પાર્ક, ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, હેન્ડલુમ હેન્ડીક્રાફટ કલ્સ્ટર, બામ્બુ પ્રોસેસીંગ અને ફર્નીચર મેકીંગ યુનિટ, રબર પ્રોસેસીંગ યુનિટ, ફુડ પ્રોસેસીંગ યુનિટ, અગરવુડ પ્લાન્ટેશન, બામ્બુ વિલેજ, ટુલ રૂમ વિગેરેની પણ મુલાકાત લઈ ઇન્ડસ્ટ્રી અને તેમાં ઉપલબ્ધ વિવિધ તકોની માહિતી મેળવી હતી.
ધુપ,ઓઇલ અને પરફ્યુમમાં અત્યંત ઉપયોગી અગર વૃક્ષની ચીપ્સ
ડેલીગેશનના સભ્ય અને રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા વેલજી શેટા જણાવે છે કે, ત્રિપુરામાં અગરવુડના વૃક્ષ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ વૃક્ષમાં ઈન્ફેકશન લાગતા તે એક પ્રકારના એન્ટીબોડીઝ બનાવવાનું ચાલુ કરે છે અને ૩–૪ વર્ષના સમયગાળા બાદ આ વૃક્ષને પ્રોસેસ કરી તેમાંથી ચીપ્સ અને ઓઈલ કાઢવામાં આવે છે. ચીપ્સ ધુપ તરીકે અને ઓઈલ પરફયુમમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત આ વૃક્ષનો ઉપયોગ દવામાં પણ કરી શકાય છે. હાલમાં આ ચીપ્સ અને ઓઈલનું એક્ષ્પોર્ટ બંધ છે પણ ટુંક સમયમાં સરકાર આ માટેની પોલીસી જાહેર કરશે. તદુપરાંત બામ્બુ ફર્નિચર, રબરવુડ જેવી આઈટમો રીયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીમાં લાકડાના સારા વિકલ્પ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેમ છે, જે વધુ ટકાઉ છે અને તેમાં પાણી/ઉધઈથી કોઈ સમસ્યા ઉભી થતી નથી. આ તમામ ક્ષેત્રમાં ખુબજ સારી તકો રહેલી છે. આ ઉપરાત, સભ્યો દ્વારા ટી માર્કેટીંગ, એકઝોટિક ફુ્રટનું વાવેતર, રબરની પ્રોડકટ, હેન્ડલુમ હેન્ડીક્રાફટ તથા બામ્બુ પ્રોડકટમાં રહેલી તકો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
પાઇનેપલ, લિચી અને જેકફ્રુટનો વિપુલ જથ્થો અનેક બિઝનેસ ખેંચી લાવે
ડેલીગેશન સભ્ય અને ફુડ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મનહર સાંસપરા જણાવે છે કે, ત્રિપુરામાં પાઈનેપલ, લીચી, જેકફ્રુટ જેવા ફળો ખુબજ મોટા પ્રમાણમાં થાય છે અને તેની ગુણવત્તા પણ ખુબજ સારી છે, પરંતુ ટ્રાન્સપોર્ટના વિકલ્પ મર્યાદિત હોવાથી આ ફળોનો ઉપયોગ પુરતો થઈ શકતો નથી. જો પલ્પીંગ પ્લાન્ટ, ફ્રુટ પાવડર મેકિંગ પ્લાન્ટ, કેન ફુડ પ્લાન્ટ સ્થાપવામાં આવે તો વિપુલ પ્રમાણમાં જે જથ્થો છે તેનો ખુબજ સારો ઉપયોગ થઈ શકે અને માત્ર ભારતની ફુડ ઈન્ડસ્ટ્રી જ નહીં વિદેશમાં એક્ષ્પોર્ટ પણ કરી શકાય તે માટેની તકો રહેલી છે.
ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા શહેર પોલીસ પુનઃગઠન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં શહેરમાં વધુ પાંચ પોલીસ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાયો હતો. શહેર પોલીસ માટે માનવબળમાં વધારો કરવામાં આવ્યો હોવાનું આ બેઠકમાં જણાવાયું હતું અને શહેરમાં વધુ સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય પણ લેવાયો હતો.
આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, સુરત શહેરમાં વેસુ, સારોલી, અડાજણમાંથી પાલ પોલીસ સ્ટેશન, અમરોલી પોલીસ સ્ટેશનમાંથી ઉત્રાણ, ખટોદરામાંથી અલથાણ પોલીસ સ્ટેશન નવા બનશે. શહેરના પોલીસ મહેકમમાં વધારો કરીને નવા 1956 જેટલા ઉચ્ચ અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મચારીઓનો વધારો કરાયો છે.
ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહે જણાવ્યું કે, સુરત ગુજરાતનું આર્થિક પાટનગર છે. અહીં સમગ્ર દેશમાંથી આવીને લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે સુરત શહેરના ઝડપી વિકાસ અને વસ્તીને ધ્યાને લઈને ગત વર્ષોમાં સાંસદો અને ધારાસભ્યોએ નવા પોલીસ સ્ટેશનો તથા મેનપાવરની માગ કરી હતી. તેમણે જણાવ્યું કે, સુરતમાં સેફ સીટી હેઠળ 631 અને સ્માર્ટ સિટીમાં 155 મળી કુલ 986 સીસીટીવી કેમેરા હતા. જેમાં આગામી દિવસોમાં વિશ્વાસ-2 પ્રોજેક્ટ હેઠળ નવા 590 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, સીસીટીવીના નેટવર્ક વર્ષ 2020-21 અને 2021-22 માટે 21.16 કરોડ મંજૂર કરાયા છે. વાહનો માટે ત્રણ કરોડ અને 1.23 કરોડના ઈક્વિટમેન્ટ મંજૂર કરાયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર સ્માર્ટ અને શાર્પ બને અને તેની સાથે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થાય તે માટે રાજ્યભરમાં 71 કરોડના ખર્ચે 10 હજાર બોડી વોર્ન કેમેરાની ફાળવણી કરવામાં આવશે.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત બનાવવા મહેકમમાં હજુ વધારો કરવાની જરૂર હોવાનું જણાવ્યું. સુરત પોલીસ કમિશનર અજય તોમરે વિગતો આપતા કહ્યું કે, છેલ્લા વર્ષોમાં શહેરમાં હાઈએસ્ટ ગુનાઓમાંથી 80 ટકા ડિટેક્ટ કરવામાં પોલીસે સફળતા મેળવી છે.
ગત ફેબ્રુઆરી 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની હતી એ પૂર્વે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.21ના ભાજપાના ઉમેદવાર અશોક રાંદેરીયા, વ્રજેશ ઉનડકડ અને તેમની પેનલને અઠવાગેટ પર રહેતા લોકોએ બબ્બે વખત તેડાવીને ત્યાં સુધી ધમકી આપી હતી કે જો તેઓ અઠવા ગેટ પર જતા નાનપુરાના રોડની હાલમાં બંધ એન્ટ્રી તાત્કાલિક નહીં ખોલાવે તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે. એ સમયે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પણ દરમિયાનગીરી કરી હતી. એ પછી ઇલેકશન યોજાઇ ગયું અને વોર્ડ નં.21ની ભાજપાની આખી પેનલ ચૂંટાઇ આવી.
વાત હવે શરૂ થાય છે. વોર્ડ નં.21ના ભાજપાના કોર્પોરેટર અશોક રાંદેરીયા અને વ્રજેશ ઉનડકટ બન્ને કોર્પોરેટરો પોતે અઠવાગેટના સ્થાનિક રહેવાસીઓને આપેલી જુબાનના સાર્થક કરવા મંડેલા રહ્યા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ટ્રાફિક પોલિસ અને શહેર પોલીસ તમામ સાથે અનેકો વખત મિટીંગો કરી. સ્થાનિક લોકોનું પ્રેશર પણ ખરું.
આખરે આજે તા.15મી જુલાઇ 2021ના રોજ અઠવા ગેટ પર રહેતા લોકો માટે સોનાનો દિવસ ઉગ્યો. સુરત મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસે નાનપુરા, ટીમલિયાવાડ, ટીએન્ડ ટીવી સ્કુલ તરફથી અઠવાગેટ સર્કલ પર આવતા રોડની બંધ એન્ટ્રીને ખોલી નાંખવાની કાર્યવાહી હાથ ધરી અને રોડ ખુલ્લો કરતા કમસે કમ ત્રણેક લાખ લોકોને રોજબરોજ અવરજવરનમાં નડતો પ્રશ્ન ઉકેલાય ગયો છે.
ટ્રાફિક પોલીસ અને પાલિકાનું કહેવું હતું કે ટ્રાફિકની અવરજવર સરળ રહે એ માટે નાનપુરાથી અઠવા સર્કલની એન્ટ્રી બંધ કરવામાં આવી હતી, પરંતુ, તેની બીજી તરફ અઠવાગેટ દેરાસરથી લઇને નાનપુરા, ટીમલિયાવાડથી કાદરશાની નાળ સુધી રહેતા લાખો લોકોને પારાવાર અને રોજિંદી મુશ્કેલી થઇ પડી હતી, રોજ સવાર પડેને સ્થાનિક લોકોએ ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરવી પડતી, હવે આ પ્રશ્ન કાયમ માટે ઉકેલાય ગયો છે
આ બાબતમાં સૌથી મહત્વની વાત એ છે કે ભલભલા અધિકારીઓ એવું જ કહેતા કે નાનપુરાથી અઠવાગેટ જતા બંધ રોડને ખુલ્લો કરવો એ અશક્ય કામ છે, આવું થઇ શકે જ નહીં પરંતુ, સ્થાનિક કોર્પોરેટર અશોક રાંદેરીયા અને વ્રજેશ ઉનડકટે લોકોને કનડતો પ્રશ્ન હોઇ, તેને ગમે તે ભોગે ખુલ્લો કરવાની નેમ લીધી હતી અને એ પૂર્ણ કરી બતાવી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.