CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 24 of 81 - CIA Live

March 16, 2022
fraud.jpg
1min473

આઈટી કંપનીઓ દ્વારા આચરવામાં આવેલ રૂ. 360 કરોડના પાવર બેન્ક એપ કૌભાંડમાં સંડોવાયેલી સુરતની 360 TEQ SOFTWAREના ડિરેક્ટરો વિરૂધ્ધ મંગળવારે રાત્રે ફરિયાદ દાખલ થઈ છે. DGCO(કોર્પોરેટ કાર્ય મંત્રાલય )ની સૂચનાથી અમદાવાદની નારણપુરા સ્થિત  ROC કચેરીના રજીસ્ટારે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. કંપનીના બન્ને ડિરેક્ટરો સુરત ખાતેની ઓફિસ છોડી ફરાર થઈ ગયા છે. સરકાર અને ગ્રાહકોને કરોડોનો ચૂનો લગાવનાર 360 TEQ SOFTWAREની પેડ અપ કેપિટલ માત્ર રૂ.10 હજાર અને એક હજાર ઈકવિટી રૂ.10નો એક શેર એ મુજબની હોવાની વિગતો મળી છે. 

નારણપુરાની અંકુર ચાર રસ્તા પાસેની આરઓસી રજીસ્ટાર 29 વર્ષીય અનુ વિવેકએ 360 TEQ SOFTWAREના ડિરેકટર મમતા વણઝારા અને વિજય છગન વણઝારા (રહે, M-305, lig-3 સુમન સ્વીટ, ઓએનજીસી નગર પાછળ, મેઘદલ્લા,સુરત)  વિરૂધ્ધ આઈપીસીની કલમ 420, 114 અને ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 2000ની કલમ 66ડી મુજબ ગુનો નોંધાવ્યો છે. 

આરઓસીની તપાસમાં ખૂલેલી વિગતો મુજબ અન્ય કંપનીઓ દ્વારા આચરવામાં આવેલ કૌભાંડમાં સુરતના વેસુ રોડ પર સેન્ટ્રલ બજારમાં આવેલી આઇટી કંપની 360 TEQ SOFTWARE પ્રાઇવેટ લિમિટેડ પણ ગુનામાં સામેલ છે. આ કંપની તેના ડાયરેક્ટરોએ અન્યના મેળાપીપણામાં પોતાના આર્થિક ફાયદા સારું સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ઈરાદાથી પ્રસ્થાપિત કરવામાં આવી છે. સમગ્ર મામલે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા કંપનીના ડિરેક્ટરો મમતા વણઝારા અને વિજય છગન વણઝારા વિરુદ્ધ ધારા 2013ની કલમ  206-(4) હેઠળ એક સ્વતંત્ર ઇન્કવાયરીની અલાયદી પ્રક્રિયા કરવામાં આવી છે. 360 TEQ SOFTWARE કંપની ગત તા.26-3-2021ના રોજ સ્થપાઈ છે. આ કંપનીની સ્થાપના દસ્તાવેજો સિવાય અન્ય કોઈ દસ્તાવેજ આરઓસી પાસે ઉપલબ્ધ નથી. આ કંપનીએ ધંધો શરૂ કરવા માટે કલમ 10(એ) 2013 ધારા પ્રમાણેનું ફોર્મ જમા કરાવવું પડે તે જમા કર્યું નથી. પાવર બેન્ક એપ થકી કંપનીએ રૂ.360 કરોડની રકમ સ્વીકારી છેતરપિંડી આચરી સરકાર સાથે પણ ઠગાઈ આચરી છે.

March 16, 2022
Cia_business_news-1280x936.jpg
1min523

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત સિટેક્ષ એક્ષ્પોની કેલેન્ડર વર્ષ 2022માં જ દ્વિતીય એડિશન તા.11થી 13 માર્ચ 2022ના રોજ સરસાણા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવી છે. ટેક્ષટાઇલ ઉદ્યોગમાં મશીનરી અપગ્રેડેશન માટે આ એક્ષ્પો નયાદૌર લઇને આવશે એમ માનવામાં આવી રહ્યું છે. નવીનત્તમ ટેક્ષટાઇલ મશીનરી, અપગ્રેડેડ ટેક્નોલોજી વગેરે સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારોને સુરતના આંગણે જ જોવા, જાણવા મળી શકશે.

March 7, 2022
fanshi.jpg
1min776

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માતા અને પુત્રી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કોર્ટે દોષિત હર્ષ સહાયને Dt.7/3/22 ફાંસીની સજા ફટકારી છે જ્યારે સહ આરોપી હરિઓમને આજીવદ કેદની સજા સંભળાવવામાં આવી છે. સાથે જ મૃતકના પરિવારને 7.50 લાખ રૂપિયા ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

સુરતના પાંડેસરામાં ચકચારીત માતા-બાળકી પર રેપ બાદ હત્યા મામલે 3 દિવસ પહેલા સુરત કોર્ટે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જરને દોષિત ઠેરવ્યો છે. આ સાથે મદદગારી કરનાર આરોપી હરિઓમ ગુર્જરને પણ દોષિત ઠેરવ્યો છે.

એપ્રિલ 2018માં માસૂમ બાળકી અને તેની માતાની હત્યા કરી ઝાડીઓમાં ફેંકી દીધી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 6 એપ્રિલ 2018ના રોજ ગુનો નોંધાયો હતો, જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવાતા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એન.પરમારે દલીલો કરી હતી. સમગ્ર કેસમાં જે તે સમયે પોલીસે આરોપી સામે પુરાવા ભેગા કર્યા હતા. શરૂઆતમાં બંને માતા-દીકરી છે એ જ ખબર ન હતી. કારણ કે બંનેની લાશ જુદી-જુદી જગ્યાએથી મળી આવી હતી. બાદમાં ડીએનએ કરતા બંને માતા અને દીકરી હોવાની પૃષ્ટિ થઈ હતી. તપાસમાં સામે આવ્યું કે, નરાધમે બાળકી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો અને દીકરીની સામે માતાની હત્યા કર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં લાકડી નાંખી મોતને ઘાટ ઉતારી દેવાઈ હતી.

માતાની હત્યા લગભગ 4 દિવસમાં જ માતાના મૃતદેહ બાદ બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. બન્નેની ઓળખ માટે પોલીસે લગભગ 6500 પોસ્ટર દેશના તમામ રાજ્યોમાં લગાડી પરિવાર શોધવાનો પ્રયાસ કર્યો હતો. છતાંય કોઈ સફળતા મળી નહોતી. જોકે આખરે એક CCTV કેમેરાની ફૂટેજના આધારે કડી મળી હતી અને કારમાં સવાર આરોપીઓ પકડાઈ ગયા અને પૂછપરછમાં તેમને ગુનો કબૂલ કરી લીધો હતો. તપાસમાં એવો પણ ખુલાસો થયો હતો કે, માતા અને દીકરીને રાજસ્થાનના એક ગામમાંથી કામ અપાવવાના બહાને સુરતના કામરેજ ખાતે લવાયા હતા. જ્યાં એક ક્ન્સ્ટ્ર્ક્શન સાઈટ પર કામ અપાવ્યા બાદ આરોપીઓએ પહેલા માતા અને બાદમાં દીકરીની હત્યા કરી બંને લાશ અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધી હતી.

March 6, 2022
mansukh-mandaviya.jpg
1min464

કેન્દ્રના આરોગ્ય મંત્રી અને સૌરાષ્ટ્રના સાંસદ મન્સુખ માંડવીયાની આજે રવિવાર, તા.6 માર્ચ 2022ની સુરતની મુલાકાત છેલ્લી ઘડીએ રદ થતાં સુરતમાં સરકારી મેડીકલ કોલેજના નવા ભવનની ઉદઘાટન વિધીથી લઇને શહેરમાં યોજાયેલા અનેક સરકારી, ખાનગી કાર્યક્રમો આજે સવારે રદ કરી દેવાયા હોવાની માહિતી સરકારના અધિકૃત માહિતી ખાતા દ્વારા જારી કરવામાં આવી હતી. મન્સુખ માંડવીયાની સુરત મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમો પાછળ લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલી તમામ પૂર્વતૈયારીઓ પણ આ સાથે જ વ્યર્થમાં ગઇ હતી.

સુરતમાં આજે રવિવાર, તા.6 માર્ચ 2022ના રોજ કેન્દ્રીય આરોગ્ય-પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર વિભાગના મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે નવી સિવિલ હોસ્પિટલના પરિસરમાં નવનિર્મિત મેડિકલ કોલેજના ભવનનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ માટે ભપકાદાર તામઝામ કરવામાં આવ્યા હતા જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ, મન્સુખ માંડવીયાએ એકાએક દિલ્હી જવાનું થતા તેમના સુરત ખાતેના આજના તમામ કાર્યક્રમો રદ કરી દેવાની ઘોષણા કરવામાં આવી હતી.

અલથાણ, ભીમરાડ ખાતે સ્વ.પદ્માબેન એચ. હોજીવાલા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે 12.00 વાગ્યે બારડોલી તાલુકાના ટુંડી ગામના એડન હોમ્સ ખાતે ઉત્તર ગુજરાત 42 લેઉવા પાટીદાર સમાજ આયોજિત સ્નેહમિલનમાં હાજરી આપવાના હતા. સાંજે કતારગામ, આંબાતલાવડી રોડ ખાતે પાટીદાર સમાજની વાડીના સભાખંડમાં સરદારધામ આયોજિત ‘યુવા સંગ વિચાર સંગોષ્ઠિ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા.

February 23, 2022
air-india.jpg
1min756

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જો કોઇ મહત્વના કામ માટે ઓછા સમયના વેડફાટ સાથે સમયસર પહોંચી શકાય તે માટે જો તમે સુરત એરપોર્ટથી ઉપડતી ફ્લાઇટની ટિકીટ લીધો હોય તો એ ફ્લાઇટ રાતોરાત રદ થઇ શકે છે. જાણકારોનું કહેવું છે કે સુરત એરપોર્ટથી ગમે તે એરલાઇન્સ ગમે ત્યારે ફ્લાઇટો રદ કરી દે છે. ગત ડિસેમ્બરમાં જુદી જુદી એરલાઇન્સ કંપનીઓએ અનેક ફ્લાઇટ રદ કર દીધી હતી. હવે એર ઇન્ડિયાએ ટેકનિકલ કારણનું બહાનું કાઢીને આજે તા.23 ફેબ્રુઆરીથી લઇન 9મી માર્ચ સુધીની સુરત એરપોર્ટ પર આવતી જતી કુલ પાંચ જુદા જુદા સેક્ટરની 32 જેટલી ફ્લાઇટો રદ કરી દેતા હજારો મુસાફરો અટવાયા છે.

મળતી માહિતી મુજબ એર ઇન્ડીયાએ એવી જાહેરાત કરી છે તે સુરત એરપોર્ટ પર આવતી અને ત્યાંથી અન્ય ડેસ્ટિનેશન પર જતી ફ્લાઇટો ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ પાંચ જુદા જુદા સેક્ટરોની છે.

જેમાં તા.23 અને 28 ફેબ્રુઆરી, 2, 7 અને 9મી માર્ચની સુરતથી કોલકાત્તા-ભૂવનેશ્વરની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. તા.23 અને 28 ફેબ્રુઆરી, 2, 7 અને 9મી માર્ચની સુરતથી દિલ્હીની ફ્લાઇટ પણ રદ કરી દેવાની ઘોષણા કરી દેવામાં આવી છે. તદુપરાંત તા.27 ફેબ્રુઆરી અને 6 માર્ચની સુરત ગોવા, સુરત હૈદરાબાદ અને સુરત દિલ્હીની પણ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. આમ એર ઇન્ડીયાએ સુરત એરપોર્ટ પર આવતી અને જતી મળીને કુલ 32 ફ્લાઇટો રદ કરી દેવાની જાહેરાત આજે કરી છે. આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ કરવા પાછળ ગળે ઉતરે તેવું કોઇ કારણ આપ્યું નથી. ફક્ત ટેકનિકલ કારણથી રદ એવું જણાવીને મોટા પાયે ફ્લાઇટ રદ કરી દેવામાં આવતા અનેક મુસાફરોના બુકિંગ આપોઆપ કેન્સલ થઇ ગયા છે.

ટાટાનું મેનેજમેન્ટ આવ્યા પછી માળખાગત ફેરફારો થઇ રહ્યા છે

એર ઇન્ડીયાનું મેનેજમેન્ટ ટાટાને હસ્તગત થયા બાદ હવે ટાટા મેનેજમેન્ટે એર ઇન્ડીયાની સિસ્ટમમાં મોટા પાયે માળખાગત સુધારાઓ કરવા માંડ્યા છે. અને એના કારણે જ સુરત એરપોર્ટને સાંકળતી ફ્લાઇટ્ રદ કરવામાં આવી હોવાનું જણાય રહ્યું છે.

February 18, 2022
kiran-logo.jpg
1min784

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના કતારગામ ખાતે આવેલી કિરણ હોસ્પિટલમાં હવેથી અનેક ઓપરેશન માટે આશીર્વાદ રૂપ બનેલી રોબોટીક સર્જરીની માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી છે. પ્રાઇવેટ હોસ્પિટલોમાં થતાં ખર્ચથી 50 ટકા ઓછા ખર્ચમાં કોઇપણ નાગરીક કિરણ હોસ્પિટલ ખાતેની આ સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.

સાઉથ ગુજરાતમાં સૌપ્રથમવાર વિશ્વની શ્રેષ્ઠ રોબોટીક ટેક્નોલૉજી દ્વારા વિવિધ પ્રકારની સર્જરી હવે કિરણ હોસ્પિટલ સુરતમાં મલ્ટી ટાસ્ક રોબોટ દ્વારા થશે. કિરણ હોસ્પીટલમાં હવે જટીલ-ખૂબ જ અઘરી સર્જરી પણ રોબોટ દ્વારા વધુ સરળતાથી અને ખૂબ જ ચોકસાઇ સાથે અને ચીવટપૂર્વક થઈ શકશે. સામાન્ય રીતે સર્જન ઓપરેશન દરમિયાન આંખથી જે જોઈ શકે છે તેના કરતાં 10 ગણું મોટું અને 3D ઇમેજ સાથે રોબોટ થી સ્ક્રીન પર જોઈ શકાય છે અને સર્જરી ખૂબ સરળતાથી અને ચોકસાઇ પૂર્વક થશે. એટલે કે રૉબોટ સર્જનની આંખ બનીને સર્જરી કરશે.

આ ઉપરાંત રોબોટ સર્જનના હાથ તરીકે કામ કરશે પરંતુ તેની વિશેષતા એ છે કે સર્જન પોતાનો હાથ ફક્ત 180 ડિગ્રી સુધીની જ મુવમેન્ટ કરી શકે છે જ્યારે રોબોટ 540 ડિગ્રી ની મુવમેન્ટ સાથે ઓપરેશન કરી શકે છે જેના કારણે ખૂબ જ જટીલ સર્જરી પણ આસાનીથી થઈ શકે છે. ઘણા ઓપરેશનોમાં સર્જન ને ઊંડાણમાં રહેલા અમુક ભાગો સુધી પહોચીને કામ કરવું ઘણું મુશ્કેલ થતું હોય છે એવું કામ રોબોટ સરળતાથી કરી શકે છે.

રોબોટથી કરવામાં આવતી સર્જરી કાપ-કૂપ વગર નાના છિદ્રો દ્વારા ખૂબ જ ચોકસાઇથી શક્ય બને છે જેથી દર્દીઓને ઇન્ફેકશન લાગવાની શક્યતા રહેતી નથી, ઓપરેશન પછી દુખાવો નહિવત થાઈ છે, લોહી ચડાવવાની જરૂર પડતી નથી, હોસ્પીટલમાં રોકાણ ઓછું થાય છે અને ઝડપ થી રીકવરી આવવાથી દર્દીને પોતાનું રેગ્યુલર કામકાજ પણ ઓપરેશન પછી વહેલા શરૂ કરી શકે છે.

વધુમાં કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી માથુરભાઇ સવાણી જણાવ્યું હતું કે મલ્ટી ટાસ્ક રોબોટથી કેન્સરના વિવિધ પ્રકારના ઓપરેશન જેમકે યુરોલોજી – મૂત્રાશય, પ્રોસ્ટેટ તેમજ કિડનીને લગતી સર્જરી, પેટ અને આંતરડા, લિવર, પિત્તાશય, હર્નિયા(સારણ ગાંઠ), બિરિયાટ્રિક (વજન ઘટાડવાની) સર્જરી, સ્ત્રી રોગોને લગતી તમામ પ્રકારની સર્જરીઓ ખૂબ જ સરળતાથી ચોકસાઇ પૂર્વક કરી શકાઈ છે.

કિરણ હોસ્પિટલ શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં 16 લાખ લોકો જુદી જુદી આરોગ્ય સેવાઓનો લાભ લઇ ચૂક્યા છે

કિરણ હોસ્પિટલ દેશની ટોપ-૧૦ હોસ્પિટલો પૈકી એક છે, પાંચ વર્ષમાં ૧૬ લાખથી વધારે લોકોએ કિરણ હોસ્પિટલની સેવાનો લાભ લીધો છે. હોસ્પિટલમાં અતિઆધુનિક સુવિધાઓ ધરાવતા ૪૨ વિભાગો ૨૪ કલાક લોકોની સેવામાં ઉપલબ્ધ હોય છે. દક્ષિણ ગુજરાતમાં કદી ન થયા હોય તેવા ઓપરેશનો જેવા કે લીવર ટ્રાન્સપ્લાન્ટ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવા ઓપરેશનો કિરણ હોસ્પીટલમાં થઈ રહ્યા છે. કિરણ હોસ્પિટલ અતિઆધુનિક સાધનો ઉપલબ્ધ કરવા માટે હમેશાં પ્રયત્નશીલ રહે છે તેથી દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ મલ્ટી ટાસ્ક રોબોટિક સર્જરી કિરણ હોસ્પીટલમાં ઉપલબ્ધ થઈ છે.

February 1, 2022
Cia_business_news-1280x936.jpg
2min832

Jayesh Brahmbhatt 98253 44944

લોકસભામાં આજે રજૂ થયેલા યુનિયન બજેટમાં સુરત શહેરને લાગે વળગે તેવી અનેક જોગવાઇઓ અને રાહતોની ઘોષણા કરવામાં આવતા સુરતના ઉદ્યોગોના સમૂહ, ચેમ્બર ઓફ કોમર્સ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ, વેપાર ઉદ્યોગના સંગઠનો અને એસોસીએશનો વગેરેએ મળીને બજેટને આવકાર આપ્યો છે. હીરા ઝવેરાત ઉદ્યોગને રાહત અને ફાયદો કરાવતી અનેક જાહેરાતો બજેટમાં સમાવવામાં આવી છે જ્યારે ટેક્ષટાઇલ ઉદ્યોગને એવો દિલાસો મળ્યો છે કે બજેટ અગાઉથી જ ટેક્ષટાઇલ ઉદ્યોગને ટેક્ષટાઇલ ટેક્નોલોજી ડેવલપમેન્ટ સ્કીમ (ટીટીડીએસ), પીએમ મેગા ટેક્ષટાઇલ પાર્ક, પ્રોડક્શન લિંક્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ વગેરેની સોગાદ મળી ચૂકી છે જ્યારે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારા સુરતીઓએ ત્રીસ ટકા ટેક્સનો કડવો ડોઝ આજે ગળે ઉતારવો પડ્યો છે. એ સિવાય સોલાર ઉદ્યોગ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, સ્ટાર્ટ અપ પ્રોત્સાહન, સ્ટીલ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, બાંધકામ ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગોને પણ મોટા ભાગે રાહત મળી છે અગર તો નવી યોજનામાં તેમને સામેલ કરાયા હોઇ, સુરતના ઉદ્યોગકારો માટે એકંદરે યુનિયન બજેટ સાનૂકુળ બની રહ્યાના અહેવાલો મળી રહ્યા છે.

આજે સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યુનિયન બજેટ અને એ પછી સુરતના ઉદ્યોગકારોના આઘાત પ્રત્યાઘાત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મક્કાઇપુલ સ્થિત ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે બજેટ સાંભળ્યા બાદ એક જ સ્થળેથી ઉદ્યોગકારો, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ વગેરેએ તેમના ફર્સ્ટ રિસ્પોન્સ મિડીયાને આપ્યા હતા.

અત્યાર સુધીના બજેટની જેમણે આકરી ટીકાઓ કરી એ સુરતના સી.એ. વિરેશ રુદલાલે પણ બજેટને વખાણ્યું

અત્યાર સુધીના કેન્દ્ર સરકારના બજેટની આકરી ટીકા કરનાર સુરતના જાણીતા સી.એ. વિરેશ રુદલાલે આજે કેન્દ્ર સરકારના બજેટના મોંફાટ વખાણ કર્યા હતા તેમણે કહ્યું કે બજેટને 10માંથી 7 માર્ક આપવા પડે તેવું સારું બજેટ છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી એ કહ્યું કે…

ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ જણાવ્યું કે રેલ્વે ગુડ્સ, લોજિસ્ટીક પાર્ક તથા રિવર લિંકેજ પોલીસી પર ધ્યાન રાખવામાં આવ્યું છે. જેના કારણે વોટર વેઈઝમાં વેગ આવશે. આ ઉપરાંત, એમએસએમઈ માટે ઈશ્રમ સહિતના પોર્ટલને લિંક કરવાની કામગીરી કરી છે. જેના કારણે અનઓર્ગેનાઈઝ સેક્ટરમાં કામ કરતાં કામદારોની ખરી સ્થિતિ જાણીને તેના આધારે ઉદ્યોગ સંબંધિત નવી જાહેરાત કરવામાં આવશે.સુરતમાં વિકસેલી મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન મળે તેવી જોગવાઇઓ બજેટમાં જોવા મળી છે જે આવકારદાયક બાબત છે.

ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાળાએ કહ્યું કે..

વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલાએ કહ્યું કે બજેટમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે કોઇ મોટી ખાસ જોગવાઇ નથી પરંતુ, ટેક્ષટાઇલ ઉદ્યોગને બજેટ પહેલા જ ઘણું બધું મળી ચૂક્યું છે. એટલે ટેક્ષટાઇલ ઉદ્યોગને કોઇ મોટી અપેક્ષા બજેટમાંથી ન હતી.

ફિયાસ્વીના ચેરમેન ભરતભાઇ ગાંધીએ કહ્યું કે…..

ફિયાસ્વીના ચેરમેન ભરતભાઇ ગાંઘીએ પણ જણાવ્યું કે એકંદરે પ્રગતિની દિશામાં લઇ જનારું બજેટ છે. સુરતમાં ઉત્પાદન કરતી કંપનીઓ માટે પ્રોત્સાહક યોજનઓ અને રાહતો જાહેર કરવામાં આવી છે. ટેક્ષટાઇલ ઉદ્યોગના હીતમાં હવે કેન્દ્ર સરકારે 5 વર્ષ સુધી સાતત્યપૂર્ણ અને એક સમાન નીતિ અમલી બનાવવી જોઇએ.

હિરા ઉદ્યોગની 50 ટકા માંગણીઓને બજેટમાં સ્થાન મળ્યું : દિનેશ નાવડીયા

યુનિયન બજેટમાં હીરા ઉદ્યોગને સ્પર્શતી જોગવાઇઓ અંગે સ્પષ્ટતા કરતા જીજેઇપીસીની રિજિનયોનલ કાઉન્સિલના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગવતી માંગણી એવી કરવામાં આવી હતી કે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ્સ, જેમ સ્ટોન પર ઇમ્પોર્ટ ડ્યૂટી જે હાલમાં 7.5 ટકા વસૂલાય છે એ ઘટાડીને 2.5 ટકા કરવામાં આવે. યુનિયન બજેટમાં માગણીને પ્રતિસાદ આપીને 7.5 ટકાની જગ્યાએ હવેથી 5 ટકા વસૂલ કરવાની ઘોષણા કરવામાં આવી છે. હીરા ઉદ્યોગ આ જોગવાઇથી ખુશ છે અને આ ઘટાડાથી હીરા ઉદ્યોગકારોને મોટી રાહત થશે એવું માનવામાં આવી રહ્યું છે.

જીજેઇપીસીએ એવી પણ માગણી મૂકી હતી કે ઇ કોમર્સ મારફતે એક્સપોર્ટને સરળ બનાવવા માટે એક સર્વગ્રાહી નીતિ બનાવવામાં આવે આ માગણીના પ્રતિસાદમાં આગામી જૂન 2022 સુધીમાં એક પોલીશી રજૂ કરવામાં આવશે જે પણ હીરા ઉદ્યોગ માટે અત્યંત આવકારદાયક છે.

હાફ (સોન) કટ ડાયમંડ પર વસૂલાતી 12 ટકાની આયાત ડ્યૂટી બિલકુલ નાબૂદ

સુરતના હીરા ઉદ્યોગકારો માટે સૌથી મહત્વની એક જાહેરાત એ પણ કરવામાં આવી છે કે આયાતી સોન ડાયમંડ જેને ફેન્સી ડાયમંડ કે હાફ કટ ડાયમંડ તરીકે પણ ઓળખવામાં આવે છે તેની આયાતમાં અત્યાર સુધી 12 ટકા ડ્યૂટી વસૂલ કરવામાં આવતી હતી. પરંતુ, હવે પછી આ ડ્યુટી બિલકુલ નાબૂદ કરીને બિલકુલ ઝીરો કરી દેવામાં આવતા ઉદ્યોગકારોમાં ખુશાલી વ્યાપી ગઇ છે. દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે આ જોગવાઇને કારણે નાના અને મધ્યમકદના ડાયમંડ એક્સપોર્ટર્સ, નાના કારખાનેદારોને મોટી રાહત થઇ છે કેમકે ફેન્સી, સોન કે હાફ કટ ડાયમંડ ઓછી માત્રામાં, નાના જથ્થામાં સ્મોલ એન્ડ મિડીયમ સ્કેલના વેપારીઓ જ આયાત કરતા હોય છે અને 12 ટકાની ડ્યૂટી નાબૂદ થઇ જતા મોટી આર્થિક રાહત મળી છે.

હીરા ઝવેરાત ઉદ્યોગને સ્પર્શતી મહત્વની ઘોષણાઓ

  • મોતીની આયાત પર વસૂલાતી 10 ટકા કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 5 ટકા કરાઇ
  • – રોડીયમ પર વસૂલાતી 12.5 ટકા કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરાઇ
  • – ઇમિટશન જ્વેલરીની આયાત પર પ્રતિ કિલોએ રૂ.400 વસૂલાશે
  • – હીરા ઉદ્યોગ માટે બેંક ગેરેંટીને બદલી હવે સ્યોરિટી  બોન્ડ માન્ય ગણવામાં આવશે
  • – ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી સ્કીમ માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી.
  • – ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી સ્કીમ અન્વયે કુલ રૂ.50 હજાર કરોડની ફાળવણી

આર્મી યુનિફોર્મ માટે ફેબ્રિક તૈયાર કરવા સુરતના ઉત્પાદકો માટે સુવર્ણ તક

યુનિયન બજેટમાં કેન્દ્રીય નાણાંમંત્રીએ ડિફેન્સ સેક્ટરમાં આયાતી ચીજવસ્તુઓનો વપરાશ ઓછો થાય અને આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત આર્મી માટે જરૂરી યુનિફોર્મ ફેબ્રિક તેમજ અન્ય ઇક્વીપમેન્ટ્સના ઉત્પાદન માટે ભારતના જ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરતી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી જણાવે છે કે સુરતમાં દરેક પ્રકારનું કાપડ બની રહ્યું છે. સુરતના કપડા ઉત્પાદકોએ હવે આર્મી યુનિફોર્મ માટેનું કાપડ બનાવીને તેને સપ્લાય કરવાની દિશામાં પણ વિચારવું જોઇએ. ડિફેન્સ માટે જુદા જુદા ફેબ્રિકનું ઉત્પાદન પ્રાઇવેટ સંસ્થાઓ કરી શકે તે માટે ડીઆરડીઓના સંકલન સાથે સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ કંપની બનાવીને પણ ભારતના કપડા ઉત્પાદકોને ફેબ્રિક સપ્લાયની તક ઉભી કરવામાં આવી છે.

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણકારોએ કમાણીનો 30 ટકા ભાગ સરકારને ધરી દેવો પડશે

યુનિયન બજેટમાં આજે ક્રિપ્ટો કરન્સી વિષયની જોગવાઇ અંગે જ્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારમને બોલવાનું શરૂ કર્યું તેમ તેમ ક્રિપ્ટો કરન્સીના માર્કેટમાં ભારે ધોવાણ શરૂ થયું હતું. ભારતમાં ક્રિપ્ટો કરન્સીમાં સૌથી વધુ રોકાણ કરનારા લોકોમાં સુરતીઓનો નંબર આવે છે અને સુરતમાંથી કરોડો નહીં પણ અબજો રૂપિયાનું રોકાણ અત્યાર સુધી અનઓર્ગેનાઇઝ્ડ સ્ટ્રક્ચર ગણાતા ક્રિપ્ટો કરન્સી હેઠળના જુદા જુદા કોઇન્સમાં કરવામાં આવ્યું છે. નિર્મલા સીતારમણે આજે બજેટરી જોગવાઇમાં ક્રિપ્ટો કરન્સી પર ત્રીસ ટકાનો તોતિંગ ટેક્સ જાહેર કરતા અત્યાર સુધી નફો રળનાર ક્રિપ્ટો રોકાણકારોએ હવે નફો હોય કે નુકસાન એન્કેશ કરાવશે ત્યારે ભારત સરકારને ત્રીસ ટકા ટેક્સ ભરવો પડશે.

સ્થાનિક ક્રિપ્ટો કરન્સીના જાણકારો કહે છે કે ભારતમાં હવે આ પ્રકારે ક્રિપ્ટો કરન્સી પર ટેક્સ વસૂલવાનું શરૂ થશે તો સુરત સમેત દેશના ક્રિપ્ટો કરન્સીના રોકાણકારોના પોર્ટફોલિયો હવે દુબઇ, સિંગાપોર, થાઇલેન્ડ કે અન્ય દેશો કે જ્યાં ક્રિપ્ટો કરન્સી પરત્વે કૂણું વલણ ધરાવતા દેશોમાંથી ઓપરેટ કરવાનું મુનાસિબ માનશે કેમકે ત્રીસ ટકાનું ટેક્સનું ભારણ અતિશય વધારે લાગી રહ્યું છે.

January 27, 2022
cia_multi-1280x1045.jpg
2min724

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તાપી, દરીયો, કેનાલ, તળાવો, વરસાદી પાણીનો સંચય અને ખાડી જેવા વોટર સ્પોટને સ્પર્શતા પ્રોજેકેટ્સની ભરમાર સાથે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આજે સુરત મહાનગરપાલિકાનું કુલ રૂ.6,970 કરોડનું કોઇપણ પ્રકારના વેરા વધારાની દરખાસ્ત વગરનું આગામી નાણાંકીય વર્ષનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં ઉડીને આંખે વળગે તેવો એકેય નવો કેપિટલ પ્રોજેક્ટસ નથી. રિવરફ્રન્ટ, સુરત મહાનગરપાલિકાનું નવું વહીવટીભવન અને મેટ્રો રેલ જેવા શરૂ થઇ ચૂકેલા પ્રોજેક્ટ્સ માટે મોટી રકમની ફાળવણી અંદાજપત્રમાં કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે બજેટ રજૂ કરતા પહેલા એ વાતનો નિર્દેશ કર્યો હતો કે કોવીડ પેન્ડેમિકને કારણે બે વર્ષ બગડ્યા છે પરંતુ, પાલિકાના બજેટમાં ના તો કોવીડ-19ના કન્ટ્રોલ માટે કેટલો ખર્ચ થયો એની વિગત છે કે ના તો ભવિષ્યમાં કોવીડ મહામારીને પહોંચી વળવા માટે કોઇ જ જોગવાઇ કરાઇ હોવાનો નામોલ્લેખ બજેટમાં સુદ્દાં નથી.

જલ પર કેન્દ્રીત બજેટમાં ક્યાં કેટલી જોગવાઇ

  • તાપી શુધ્ધિકરણ        રૂ.354 કરોડ
  • રીવર ફ્રન્ટ ડેવ. રૂ.239 કરોડ
  • તાપી બેરેજ ડેવ.        રૂ. 30 કરોડ
  • ડુમસ સી ફેસ ડેવ.      રૂ. 50 કરોડ
  • ખાડી ડ્રેજિંગનું કામ     રૂ.116 કરોડ
  • કેનાલ પરના રસ્તા     રૂ. 80 કરોડ
  • તળાવોના વિકાસ       રૂ. 50 કરોડ
  • વરસાદી પાણી સંચય   રૂ. 75 કરોડ

સુરત મહાનગરપાલિકાનું ચાલુ હિસાબી વર્ષના રિવાઇઝ્ડ અને વર્ષ 2022-23 માટેના ડ્રાફ્ટ બજેટને આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ ઘોષિત કરીને મુદ્દો હવે સ્થાયી સમિતિ સમક્ષ મોકલી આપ્યો છે. બજેટ રજૂ કરતા કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે મહાનગરપાલિકાનું આ બજેટ વોટર ફ્રન્ટ ડેવલપમેન્ટ પર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જેમાં રિવરફ્રન્ટ ડેલપમેન્ટ, તાપી શુદ્ધિકરણ, ડુમસ બીચ ડેવલપમેન્ટ, કેનાલ કોરીડોર ડેવલપમેન્ટ, શહેરના 27 તળાવોનો વિકાસ તેમજ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ખાડી કિનારાના વિસ્તારોમાં રોડ ડેવલપમેન્ટ મળીને કમસે કમ રૂ.1500 કરોડથી વધુ રકમની જોગવાઇ જળ આધારિત પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવી છે અને એટલા માટે જ પાલિકાનું આગામી બજેટ જલમગ્ન કહેવાય રહ્યું છે.

મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આગામી વર્ષે સુરત મહાનગરપાલિકા ખજોદ સ્થિત સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઇટના વિકલ્પમાં નવી સાઇટને કાર્યાન્વિત કરવાનું આયોજન ધરાવે છે અને તેના માટે કુલ રૂ.250 કરોડની જંગી રકમની જોગવાઇ કરવામાં આવી છે.

બજેટના આવક જાવકના પાસાઓ પર પ્રકાશ ફેંકતા કમિશનરે કહ્યું હતું કે રૂ. ચાલુ વર્ષે મિલક્ત વેરા પેટે પાલિકાને કુલ રૂ.331.36 લાખ રૂપિયાની આવક થશે તેવો અંદાજ હતો પરંતુ, એ રિવાઇઝ બજેટમાં ઘટાડીને રૂ.306.79 કરોડ કરવામાં આવ્યો છે જ્યારે આગામી વર્ષ માટે મિલકતવેરા પેટે પાલિકાને કુલ રૂ.331.80 કરોડની આવક થશે તેવો અંદાજ બાંધવામાં આવ્યો છે. પાલિકાને યુઝર ચાર્જિસની આવકમાં ધરખમ વધારો થયો છે, પાલિકા પોતાની સેવાના બદલામાં શહેરીજનો પાસેથી ચાર્જ વસુલ કરી રહી છે એ યુઝર ચાર્જ પેટે ચાલુ વર્ષે પાલિકાને કુલ રૂ.745.85 કરોડની આવક થવાનો અંદાજ છે જેની સામે 2022-23ના વર્ષમાં યુઝર ચાર્જ પેટે પાલિકાને કુલ રૂ.806.52 કરોડની આવક થશે તેવી ગણતરી માંડવામાં આવી છે.

તાપી, દરીયો, કેનાલ, તળાવો, વરસાદી પાણીનો સંચય અને ખાડીને સ્પર્શતા પ્રોજેક્ટોની ભરમાર

2 ની જગ્યાએ હવે 3 કચરા પેટીઓ રાખવી પડશે

સુરત મહાનગરપાલિકાએ હાલમાં વિકસાવેલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (ઘન કચરાના નિકાલની) વ્યવસ્થા અન્વયે શહેરીજનોએ હાલમાં ભીના કચરા માટે એક અને સૂકા કચરા માટે એક એમ બે કચરાપેટી રાખવી પડે છે. પરંતુ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે હવે ત્રણ કચરા પેટી રાખવી પડશે. ત્રીજી કચરા પેટી હેઝાડર્સ વેસ્ટ, ઇ-વેસ્ટ, ડિજિટલ ગેડજેટ્સ વેસ્ટ વગેરે માટે પણ રાખવી પડશે. ટૂંક સમયમાં જ પાલિકા દ્વારા આ નવી સિસ્ટમ અન્વયે કચરો ઉપાડવામાં આવશે. આ માટે શહેરીજનોને પહેલા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

પાલિકાને 3616 કરોડની આવક ક્યાંથી થશે વાંચો અહીં

સુરત મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે હિસાબી વર્ષ 2022-23માં સુરત મહાનગરપાલિકાને રૂ.3616 કરોડની રકમ રેવન્યુ આવક પેટે મળશે. આ આવક ક્યાં ક્યાંથી મેળવશે તેના પર નજર કરીએ તો (1) જકાતની અવેજીમાં સરકાર તરફથી મળતી ગ્રાન્ટ પેટે રૂ.820 કરોડ, (2) જનરલ ટેક્સમાંથી રૂ. 519 કરોડ (3) યુઝર ચાર્જ પેટે રૂ.838 કરોડ, (4) વાહન વેરા પેટે રૂ.88 કરોડ, (5) વ્યવસાય વેરા પેટે રૂ.160 કરોડ, (6) નોનટેક્ષ રેવન્યુ પેટે રૂ.931 કરોડ (7) ગ્રાન્ટ, સબસિડી અને કન્ટ્રીબ્યુશન પેટે રૂ.218 કરોડ અને (8) અન્ય આવક પેટે રૂ.42 કરોડ મળશે તેવા અંદાજોને કુલ રૂ.3616 કરોડની રેવન્યુ આવકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

કયા ઝોનમાં કેટલા રૂપિયાના વિકાસકામો થશે

ઝોન વિસ્તાર   ચાલુ વર્ષ       2022-23

  • વેસ્ટ ઝોન      35     37
  • સેન્ટ્રલ ઝોન    16     24
  • નોર્થ ઝોન      61     68
  • વરાછા એ      36     54
  • વરાછા બી      40     55
  • સાઉથ એ       43     41
  • સાઉથ બી      –       29
  • લિંબાયત       48     59
  • અઠવા ઝોન    67     72
  • હેડક્વાટર્સ      1674   2744
  • કુલ રૂપિયા      2020   3183
  • (નોંધ રકમ કરોડ રૂ.માં)

તાપી પર બેરેજ નિર્માણ માટેનું મૂહૂર્ત નીકળ્યું ખરું

છેલ્લા એક દાયકાથી જેની ફક્ત ચર્ચાઓ જ સંભળાયા કરતી હતી એ તાપી નદીની ડાઉન સ્ટ્રીમમાં ઉમરાથી ડુમસ વચ્ચે કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટના નિર્માણનું મૂહૂર્ત આખરે 2022માં નીકળ્યું છે. આજે પાલિકાનું બજેટ રજૂ કરતા સુરત મહાનગરપાલિકા કમિશનરે જણાવ્યું હતું કે તાપી નદીની ડાઉન સ્ટ્રીમમાં કન્વેન્શનલ બેરેજ બનાવવા માટેના ટેન્ડરો જારી કરી દેવામાં આવ્યા છે. તાપી નદી પર કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટ કુલ રૂ.611 કરોડનો છે. અને ચાલુ વર્ષે આ બેરેજ માટે પાલિકાના બજેટમાં કુલ રૂ.25 કરોડની રકમની જોગવાઇ કરવામાં આવી છે. કમિશનરે એમ પણ કહ્યું કે કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર તરફથી કુલ રૂ.125 કરોડની રકમ ગ્રાન્ટ પેટે મળવાની છે.

નવું ઇલેક્ટ્રીક વાહન વસાવનારને ચાલુ વર્ષે કોઇ ટેક્સ નહીં, 3 વર્ષ પાર્કિંગ ફ્રી

સુરત મહાનગરપાલિકાએ શહેરમાં વાહનોથી વધતા પ્રદૂષણને અટકાવવા માટે ઇલેક્ટ્રીક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે નીતિ ઘડી કાઢી છે. આગામી તા.1લી એપ્રિલથી ચાર વર્ષ માટેની અમલમાં મૂકાનારી નીતિમાં પહેલા વર્ષે ઇલેક્ટ્રીક વ્હીકલ વસાવનારને પાલિકાના ટેક્સમાંથી 100 ટકા મુક્તિ, બીજા વર્ષે 75 ટકા, ત્રીજા વર્ષે 50 ટકા અને ચોથા વર્ષે ઇલેક્ટ્રીક વાહન વસાવનારાઓને પાલિકાના ટેક્સમાંથી 25 ટકા મુક્તિ આપવાની ઘોષણા કરવામાં આવી છે. એવી જ રીતે નવા ઇલેક્ટ્રીક વાહન વસાવનારાને શહેરભરમાં આવેલા પાલિકાના કોઇપણ પાર્કિંગમાં ફ્રી ઓફ ચાર્જ સુવિધા આપવામાં આવશે. એથી વિશેષ ઇલેક્ટ્રીક વ્હીકલ ધારકોને એન્વારન્મેન્ટ ઇમ્પ્રુવમેન્ટ માટે લેવાતા તમામ ચાર્જમાંથી મુક્તિ આપવાની ઘોષણા આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ બજેટમાં કરી હતી.

January 26, 2022
money_laundering.jpg
1min593

ચીનના રૂ. ૧૦૦૦ કરોડના હવાલા કૌભાંડમાં સંડોવાયેલી કંપનીઃ સી.એ. ફર્મ સામે પણ ફરિયાદઃ સાવરિયા ઇન્ટરનેશનલના ડિરેક્ટર મુકુન્દ કુર્ને, સુમિત રમેશ બોદ્રા,નિલમ સુમિત બોદ્રા તથા જે.પી. હિરપરા એન્ડ કંપનીની સંડોવણી

રૂ. ૧૦૦૦ કરોડની છેતરપિંડી કરીને પરદેશમાં નાણાં મોકલી આપનાર ચાર્લી પેન્ગ ઉર્ફી લૂ સેન્ક સાથે સંકળાયેલા સાવરિયા ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ સામે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. રૂ. ૧૦૦૦ કરોડના મની લૉન્ડરિંગના કૌભાંડમાં આ કંપનીની પણ સંડોવણી હોવાનો નિર્દેશ મળતા અને રજિસ્ટ્રાર ઑફ કંપનીઝમાં વાર્ષિક હિસાબો રજૂ ન કરવા બદલ કંપની સામે કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. ચાર્લી પેન્ગ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેસ ફાઈલ કરેલો છે. 

સાવરિયા ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના મુકન્દ દત્તાત્રેય કુર્ને, સુમિત કુમાર રમેશભાઈ બોદ્રા, નિલમ સુમિત બોદ્રા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે.પી. હિરપરા એન્ડ કંપની સામે ફરિયાદ કરવામાં આવી છે. સુરતમાં અભિષેક શોપિંગ સેન્ટરમાં આવેલી જે.પી. હિરપરા એન્ડ કંપની અંગે  ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ ફરિયાદ કરવામાં આવી છે. આ કંપની સાથે સંકળાયેલા તમામ પ્રોફેશનલ્સ સામે ફરિયાદ ફાઈલ કરવામાં આવી છે. જુલાઈ ૨૦૧૨માં કંપનીની સ્થાપના કર્યા પછી આજ સુધીમાં કંપનીએ એક પણ વાર રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં વાર્ષિક હિસાબો રજૂ  ન કર્યા હોવાથી પણ તેની સામે ફરિયાદ કરવામાં આવી છે.

બિટકોઈન અને અન્ય ક્રિપ્ટો કરન્સી સામે માઈનિંગ મશીનમાં રોકાણ કરવાની લાલચ આપીને લોકોને લલચાવીને એસબીડબ્લ્યુ સાઉથ એશિયન પ્રા.લિ. નામની કંપની છેતરપિંડી કરતી હોવાની એક ફરિયાદ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે નારણપુરા પોલીસ સ્ટેશનમાં કરી છે. અમેરિકાની બિટકોઈન માઈનિંગ કંપની ૨૧ આઈએનસી સાથે તે જોડાયેલી હોવાનો દાવો કરવામાં આવતો હતો. આ માઈનિંગ મશીનમાં રોકાણ કરવાને નામે લોકોને લલચાવવાનું કામ કંપની કરતી હતી. તેમના નાણાં માઈનિંગ મશીનમાં રોકવામાં આવતા હતા, તેના માધ્યમથી ક્રિપ્ટો કરન્સીમાં નાણાંનું રોકાણ કરવામાં આવતું હોવાનું જણાવવામાં આવતું હતું. 

કંપની વિરુદ્ધ આર.ઓ.સી.-રજિસ્ટ્રાર ઓફ કંપની દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ક્રિપ્ટો કરન્સીના વેચાણ દ્વારા તેઓ મોટો આર્થિક લાભ મેળવી રહ્યા છે. તદુપરાંત શિંગુ ટેક્નોલોજી અને એસ.બી.ડબ્લ્યુ. સાઉથ એશિયન પ્રાઈવેટ લિમટેડન નામની કંપનીની સ્થાપના રજની કોહલી નામના કંપની સેક્રેટરી દ્વારા કરવામાં આવી હતી. આ કંપની ભારતમાં ડમી ડિરેક્ટર ઊભા કરી આપવાની કામગીરી પણ કરતી હતી. તેમ જ વિઝા ફેસિલિટેટર તથા ચાઈનીઝ ડિરેક્ટર્સ પૂરા પાડવાની કામગીરી પણ કરતી હતી. લોકો પાસેથી ભંડોળ મેળવીને માત્ર પેપર પર ઊભી કરવામાં આવેલી શૅલ કંપનીઓ મારફતે તે નાણાં વિદેશમાં ડાયવર્ટ કરી દેવાતા હતા.નાણાં વિદેશમા ંડાયવર્ટ થઈ ગયા પછી બારતીય વ્યક્તિઓને તે કંપનીના ડિરેક્ટરના હોદ્દા પર ગોઠવી દેવામાં આવતા હતા. આર્થિક રીતે નબળી અને ગરજાઉ વ્યક્તિને ડિરેક્ટર બનાવી દેવામાં આવતા હતા. કંપની રૃા. ૨ કરોડ કે તેનાથી વધુના રોકાણની વાત કરતી હોવા છતાંય તેનો કોઈ જ બિઝનેસ નોહોતો. ખોટા અને મેન્યુપ્યુલેટેડ એકાઉન્ટ બનાવવાની કામગીરી પણ આ કંપની કરતી હતી.