CIA ALERT

Slider Archives - Page 6 of 475 - CIA Live

December 13, 2025
image-6.png
1min47

સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી કોલકાતા પહોંચ્યો

આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી શનિવારે (13મી ડિસેમ્બર) કોલકાતા પહોંચ્યા હતા અને તેમની બહુપ્રતિક્ષિત ‘GOAT ઈન્ડિયા ટૂર 2025’ની શરૂઆત કરી હતી. 14 વર્ષના લાંબા ગાળા બાદ ભારતમાં લિયોનેલ મેસ્સીના આગમનને લઈને કોલકાતામાં ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો.

લિયોનેલ મેસ્સી મિયામી અને દુબઈ થઈને મોડી રાત્રે કોલકાતા પહોંચ્યા હોવા છતાં, તેમની એક ઝલક મેળવવા માટે હજારો ચાહકો નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બહાર એકઠા થયા હતા.

મેસ્સીના ફેન્સનો ઉત્સાહ એટલો વધારે હતો કે પોલીસે ટર્મિનલની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવી પડી હતી. હજારો ફેન્સ લિયોનેલ મેસ્સીના નામના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને આર્જેન્ટિનાના ધ્વજ લહેરાવી રહ્યા હતા. કેટલાક ફેન્સ તો બેરિકેડ પર પણ ચઢી ગયા હતા.

ટૂરના આયોજક સતાદ્રુ દત્તાએ આ ક્ષણને આનંદની ગણાવતા કહ્યું કે, ’14 વર્ષ પછી મેસ્સીની ભારત મુલાકાત ખૂબ જ આનંદની ક્ષણ છે. ભારતમાં ફૂટબોલનું જોડાણ ફરી વધી રહ્યું છે.ટ

મેસ્સીનો 13/12/25 કાર્યક્રમ

કોલકાતામાં મેસ્સીનો દિવસ યુવા ભારતી સ્ટેડિયમ ખાતેની મુખ્ય ઇવેન્ટ્સ સાથે વ્યસ્ત રહેવાનો છે. શનિવારે સવારે 9:30થી 10:30 વાગ્યા સુધી પસંદગીના મહેમાનો માટે ખાનગી મુલાકાત અને શુભેચ્છા સમારંભ યોજાશે. તે વર્ચ્યુઅલી તેમના નામ પરથી એક પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે, જે કોલકાતા શહેર સાથેના તેમના ખાસ જોડાણને દર્શાવે છે.

દિવસનું મુખ્ય આકર્ષણ યુવા ભારતી સ્ટેડિયમ ખાતેની એક ફ્રેન્ડલી મેચ હશે, જેમાં હજારો દર્શકો હાજર રહેવાની અપેક્ષા છે. મેસ્સીનો પ્રવાસ એ જ સ્ટેડિયમમાં ચાહકો સાથેના વાતચીત કાર્યક્રમ સાથે સમાપ્ત થશે. આ ઇવેન્ટ્સની ટિકિટોની શરૂઆતની કિંમત લગભગ 4,500 રૂપિયા હતી, જે ભારે માંગને કારણે ઝડપથી વેચાઈ ગઈ હતી. કોલકાતા વર્ષોમાં તેની સૌથી મોટી ફૂટબોલ ઇવેન્ટ માટે સજ્જ થઈ રહ્યું છે.

December 8, 2025
image-5.png
1min72

ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબમાં શનિવારે 6/12/25 મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી, જેમાં 25 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર પ્રવાસી અને 14 કર્મચારીનો સમાવેશ થાય છે. છ લોકો ઘાયલ થયા છે અને તેમની હાલત સ્થિર છે. પણજીથી 25 કિમી દૂર અરપોરા ખાતે ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઈટક્લબના ગ્રાઉન્ડ ફ્લોર પર ફસાઈ ગયા હોવાથી મોટા ભાગના લોકોના મૃત્યુ ગૂંગળામણને કારણે થયા હતા.

અગ્નિકાંડ મુદ્દે રાજ્યના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું છે કે ક્લબના ચીફ જનરલ મેનેજર રાજીવ મોદક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજીવ સિંઘાનિયા અને ગેટ મેનેજર રિયાંશુ ઠાકુરની પોલીસે અટક કરી છે. આ તમામની વિરુદ્ધ બેદરકારી અને નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે. ક્લબના માલિક સૌરભ લુથરા અને ગૌરવ લુથરાની સામે એફઆઈઆર નોંધ્યો છે, જ્યારે ક્લબના માલિકની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું. રાજ્યમાં ગેરકાયદે ક્લબ અને કમર્શિયલનું ઓડિટ કરીને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે એસઓપી બનાવવામાં આવશે.

ક્લબને તોડવાની નોટિસ ઉચ્ચ અધિકારી દ્વારા રોકવામાં આવી હતી

બાંધકામ ગેરકાયદે હતું પરંતુ ક્લબને આપવામાં આવેલી તોડી પાડવાની નોટિસ ઉચ્ચ અધિકારી દ્વારા રોકવામાં આવી હતી. મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે સલામતીના ધોરણોનું ઉલ્લંઘન છતાં તેને ચલાવવા દેનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. રાજ્યના મુખ્ય સચિવ ડોક્ટર અને ડીજીપીને દોષી અધિકારીઓની ઓળખ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે.

આ આગની તપાસ માટે રાજ્ય સરકારે એક વિશેષ કમિટી ગઠન કરી છે, જેમાં સાઉથ ગોવાના ક્લેક્ટર, ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસીસના ડેપ્યુટી ડાયરેક્ટર અને ફોરેન્સિક ડાયરેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરમિયાન આ આગની દુર્ઘટના મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અન્ય લોકોએ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.

ઝારખંડના ગામના રહેવાસીઓએ મૃતદેહ ઘરે લઈ જવાની કરી માગણી

ગોવામાં નાઇટક્લબમાં લાગેલી ભીષણ આગનો ભોગ બનેલા લોકોના પરિજનો અને પરિચિતો આજે એક સરકારી હોસ્પિટલના શબઘરની બહાર એકઠા થઇને તેમના પ્રિયજનો વિશે માહિતી મેળવવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા.

ઝારખંડના એક ગામના કેટલાક રહેવાસીઓએ જણાવ્યું કે તેઓ મૃતદેહો સ્વીકારશે નહીં અને નાઇટક્લબના માલિકને મૃતદેહો ઘરે પાછા લઇ જવાની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.

તેમણે વધુમાં કહ્યું કે તેમના પરિવારના ચાર સભ્યો ઉત્તર ગોવાના અરપોરામાં નાઇટક્લબમાં હેલ્પર અને રસોઇયા તરીકે કામ કરતા હતા. જ્યાં શનિવારની મધરાતે લાગેલી ભીષણ આગમાં ૨૫ લોકોના જીવ ગયા હતા. જ્યારે છ લોકો ઘાયલ થયા હતા.

ઝારખંડના મજૂરોનું એક ટોળું સવારથી પણજી પાસે ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ(જીએમસીએચ)ના શબઘરની બહાર તેમના સંબંધીઓ વિશે માહિતી મેળવવા માટે રાહ જોઇને બેઠું હતું. ગોવા પોલીસના કર્મચારીઓ બર્ચ બાય રોમિયો લેન નાઇટક્લબમાં આગ લાગવાની દુઃખદ ઘટના બાદ શબઘરમાં રાખવામાં આવેલા મૃતદેહોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમાંથી કેટલાક મૃતદેહો બળી ગયા હતા.

25 મૃતકમાં 14 સ્ટાફના સભ્યનો સમાવેશ, સાતની ઓળખ બાકી

પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં ૨૫ લોકોનો સમાવેશ થાય છે, જેમાં ચાર પ્રવાસીઓ અને ૧૪ સ્ટાફ સભ્યો સામેલ છે. જ્યારે બાકીના સાત લોકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. અરપોરામાં એક જગ્યાએ સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતાં ઝારખંડના નંદલાલ નાગે જણાવ્યું કે આગમાં મૃત્યુ પામેલા લોકોમાં તેમના ગામના ચાર લોકો હોવાની આશંકા છે.

તેમણે વધુમાં કહ્યું કે ઝારખંડના મારા ગામમાંથી ચાર લોકો(પીડિતો) છે, જેમાંથી એક મારા ભાઇનો દીકરો છે. તે બધા નાઇટક્લબમાં હેલ્પર અને રસોઇયા તરીકે કામ કરતા હતા. નાગે જણાવ્યું કે પીડિતો પાંચ વર્ષ પહેલા ઝારખંડથી ગોવા આવ્યા હતા અને ત્યારથી વિવિધ હોટેલ અને નાઇટ ક્લબમાં કામ કરી રહ્યા હતા.

આગ લાગી ત્યારે ઓછામાં ઓછા 100 લોકો ફ્લોર પર હતા

રાજ્ય પોલીસે શરૂઆતમાં કહ્યું હતું કે આગ સિલિન્ડર બ્લાસ્ટને કારણે લાગી હતી, જ્યારે કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે આગ ક્લબના પહેલા માળે લાગી હતી જ્યાં પ્રવાસીઓ ડાન્સ કરી રહ્યા હતા. હૈદરાબાદના પ્રવાસી ફાતિમા શેખે કે જ્યારે આગ લાગી ત્યારે ઓછામાં ઓછા 100 લોકો ડાન્સ ફ્લોર પર હતા અને બચવાના પ્રયાસમાં તેમાંથી કેટલાક નીચે રસોડામાં દોડી ગયા જ્યાં તેઓ સ્ટાફ સાથે ફસાઈ ગયા હતા. આગ લાગવાથી અચાનક હોબાળો મચી ગયો. અમે ક્લબની બહાર દોડી ગયા અને જોયું કે આખું માળખું આગમાં લપેટાયેલું હતું.” તેણીએ કહ્યું કે સપ્તાહના અંતે નાઈટક્લબ ખીચોખીચ ભરેલું હતું.

નદીના બેકવોટરમાં નાઈટક્લબ આવેલું છે, જેનો રસ્તો સાંકડો

નાઈટક્લબ અરપોરા નદીના બેકવોટરમાં આવેલું છે અને તેમાં પ્રવેશ અને બહાર નીકળવાનો રસ્તો સાંકડો છે. સાંકડી ગલીઓને કારણે ફાયર બ્રિગેડ માટે ક્લબમાં જવાનો કોઈ રસ્તો નહોતો અને તેમના ટેન્કરો સ્થળથી લગભગ 400 મીટર દૂર પાર્ક કરવા પડતા હતા. ફાયર અને ઇમરજન્સી સર્વિસીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સાંકડી ગલીને કારણે સ્થળ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું, જેના કારણે આગ પર કાબૂ મેળવવો એક પડકારજનક કાર્ય બની ગયું હતું. તેમણે કહ્યું કે મોટા ભાગના મૃત્યુ ગૂંગળામણને કારણે થયા હતા કારણ કે પીડિતો ગ્રાઉન્ડ ફ્લોર પર ફસાયેલા રહ્યા હતા.

ક્લબના માલિકનો ભાગીદાર સાથે વિવાદ થતા ફરિયાદ કરી હતી

અરપોરા-નાગોઆ પંચાયતના સરપંચ રોશન રેડકરે જણાવ્યું હતું કે ક્લબ સૌરવ લુથરા ચલાવી રહ્યો હતો જેનો તેના ભાગીદાર સાથે વિવાદ હતો. તેમની વચ્ચે વિવાદ થયો હતો અને તેમણે એકબીજા વિરુદ્ધ પંચાયતમાં ફરિયાદ નોંધાવી હતી. અમે પરિસરનું નિરીક્ષણ કર્યું હતું અને જાણવા મળ્યું હતું કે તેમની પાસે ક્લબ બનાવવાની પરવાનગી નથી.” રેડકરે જણાવ્યું હતું કે પંચાયતે તોડી પાડવાની નોટિસ જાહેર કરી હતી, જેને પંચાયત નિયામક મંડળના અધિકારીઓએ સ્ટે આપ્યો હતો.

December 5, 2025
cia_multi-1280x1045.jpg
1min79

મહારાષ્ટ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણયઃ ડિજિટલ 7/12ને કાનૂની માન્યતા મળી, જમીન વ્યવહારોનો નિકાલ થશે ઝડપી

મહારાષ્ટ્ર સરકારના મહેસૂલ વિભાગે એક મોટું પગલું ભર્યું છે. સરકારે જમીનના 7/12 અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ડિજિટલ 7/12, 8-A અને ફેરફાર ઉતારાને કાયદેસર માન્યતા આપી છે. હવે લોકોને તલાટી ઓફિસ જવાની જરૂર નથી, ફક્ત ₹ 15માં અધિકૃત કોપી મળશે. સત્તાવાર 7/12 મેળવવા માટે લોકોને નાકે દમ આવે છે. ઘણી જગ્યાએ લાંચ આપ્યા વિના સત્તાવાર સાતબાર મળી શકતી નહતી. ક્યારેક, જો કોઈ વ્યક્તિ લાંચ આપવાનો ઇનકાર કરે છે તો તેને તલાટી ઓફિસનો ભ્રષ્ટ સ્ટાફ એવા ચકડોળે ચઢાવે કે જમીનના કામો ટલ્લે ચઢી જાય. જોકે, હવે સરકારના નવા નિર્ણયને કારણે લોકોને તલાટી કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં.

આ નિર્ણયથી સેંકડો રખડી પડેલા જમીન સંબંધિત વ્યવહારોનો તાત્કાલિક ધોરણે નિકાલ આવશે અને કરોડો લોકોને મોટો ફાયદો થશે. ડિજિટલ 7/12ને હવે કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે. આ અંગે એક સરકારી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવાનું મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ માહિતી આપી હતી.

બાવનકુળેએ X પર એક પોસ્ટમાં કહ્યું છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્ર સરકારે ડિજિટલ 7/12, 8-A અને ફેરફાર ઉતારાને કાયદેસર રીતે માન્ય કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.

આ નિર્ણયથી રાજ્યના લોકોને ઘણા ફાયદા થશે જેમ કે ડિજિટલ 7/12ને સત્તાવાર માન્યતા, સત્તાવાર કોપી ફક્ત 15 રૂપિયામાં ઉપલબ્ધ થશે, ઉપરાંત, તલાટીની સહી અને સ્ટેમ્પની જરૂર રહેશે નહીં અને ડિજિટલ સહી, QR કોડ અને 16-અંકના ચકાસણી નંબર સાથે 7/12, 8-A અને ફેરફાર ઉતારા સરળતાથી ઉપલબ્ધ થશે.

આ ડિજિટલ પ્રમાણપત્રો તમામ સરકારી, અર્ધ-સરકારી, બેંકિંગ અને ન્યાયિક કાર્યો માટે માન્ય રહેશે. આ નિર્ણય ખેડૂતો, જમીનમાલિકો અને સામાન્ય નાગરિકોને સુવિધા આપશે. અમારી સરકાર પારદર્શિતા અને ઝડપી સેવાનો એક નવો અધ્યાય લખી રહી છે. મને ખાતરી છે કે રાજ્યના લોકો આ નિર્ણયનું સ્વાગત કરશે.

December 5, 2025
image-4.png
1min75

સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 550થી વધુ ફ્લાઈટ રદ,

Indigo Crisis News : ગુરુવારે સતત ત્રીજા દિવસે વિમાનના પ્રવાસીઓની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. દેશના ત્રણ મહત્વના એરપોર્ટ પરથી ઇન્ડિગોએ 550 થી વધુ ફ્લાઇટસ ગુરુવારે રદ કરી હતી. મુંબઇ, દિલ્હી, બેંગ્લુરુ, ચેન્નઇ, હૈદ્રાબાદ, અમદાવાદ, કોલકત્તા એમ તમામ એરપોર્ટસ પર પ્રવાસીઓ હેરાન થયા હતા. તેઓ ધારેલા આયોજનોમાં પહોંચી શક્યા ન હતા. જોકે આ તમામ ગરબડ માટે ઈન્ડિગોએ તમામ મુસાફરોની માફી માગી હતી.

સોશિયલ મીડિયા પર મોટાં એરપોર્ટના ટર્મિનલ પર પ્રવાસીઓનાં ટોળાં જામ્યા હોય અને ઈન્ડિગોના સ્ટાફ સાથે બોલાચાલી કરી રહ્યાં હોય તેવાં દ્રશ્યો વાયરલ થયાં હતાં. કેટલાય પ્રવાસીઓએને ફલાઈટ માટે છથી 12 કલાક સુધી રાહ જોવાનો વારો આવતાં તેમનાં બીપી વધી ગયાં હતાં તો કેટલાક પ્રવાસીઓ તેમના મહત્વના આયોજનો ખોરવાઈ જતાં રડી પડયાં હતાં. લોકોએ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટસ તથા વીડિયો વાયરલ કરી સરકાર પાસે આ પરિસ્થિતિમાંથી ઉગરવા માટે મદદની પોકાર કરી હતી. જોકે, ઈન્ડિગો સત્તાવાળાઓએ હાથ ઊંચા કરી દીધા હતા.

સેંકડો પ્રવાસીઓ નિર્ધારિત ડોમેસ્ટિક એરપોર્ટ પર પહોંચી શક્યા ન હોવાથી કનેક્ટિંગ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ પણ ચૂકી ગયા હતા. એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએ ઇન્ડિગો એરલાઇન્સનો જવાબ માગ્યો હતો. ફ્લાઇટસ ખોરવાઇ રહી છે તે બાબતમાં પ્લાન લઇને આવવાનું ઇન્ડિગોને કહેવામાં આવ્યું હતું.

દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે 44 ઇનકમિંગ અને ડિપાર્ટિંગ ફ્લાઇટસ રદ કરાઇ હતી. એક પ્રવક્તાએ કહ્યું કે ગઇકાલના ચેકઇન સિસ્ટમ ખોરવાઇ હતી તે પછી એરલાઇને એરપોર્ટને અને ગ્રાહકોને જાણ કરી હતી. બેંગ્લુરુના કેમ્પેગોવડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કુલ 70 ફ્લાઇટસ રદ થઇ હતી જેમાં 40 ડિપાર્ટિંગ અને 30 ઇનકમિંગ ફ્લાઇઠસ રદ કરાઇ હતી.

મુંબઇ એરપોર્ટ પર 86 ફ્લાઇટસ રદ કરાઇ હતી જેમાં 45 ડિપાર્ટિંગ અને ૪૧ ઇનકમિંગ ફ્લાઇટસ હતી. ચેન્નઇ એરપોર્ટ પર 13 ડિપાર્ટિંગ અને 13 ઇનકમિંગ ફ્લાઇટસ રદ થઇ હતી.

ચેન્નઇમાં હવામાન પ્રતિકૂળ હતું તે પણ એક કારણ હતુ તેવું એક સ્ત્રોતે કહ્યું હતું. એક એરલાઇનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બુધવારે એરલાઇનનું સર્વર ધીમુ પડી ગયું હતું. બોર્ડિંગ પાસ ઇસ્યુ કરવામાં ઘણો વિલંબ થયો હતો. અને ફ્લાઇટસ પણ મોડી પડી હતી. ઇન્ડિગોમાં કોકપીટ ક્રૂ અને કેબિન ક્રૂ બંનેની શોર્ટેજ ચાલે છે. તાજેતરમાં એક ઇન્ટરનેશનલ એરલાઇને દિલ્હી અને મુંબઇમાં ભરતી ઝુંબેશ હાથ ધરી હતી. તે પણ એક કારણ હોવાનું માનવામાં આવે છે.

ઇન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું હતું કે કામકાજ રાબેતા મુજબ કરવા અને સમયસર ફ્લાઇટસ ઉડાડવાનો અમે નિર્ધાર કર્યો છે. અમારો તાત્કાલિક લક્ષ્ય છે. ગ્રાહકોને સારો અનુભવ આપવાનો વાયદો નિભાવવામાં કંપની નિષ્ફળ છે તેવું સીઇઓએ સ્ટાફને મોકલેલા સંદેશમાં કહ્યું હતું સામાન્ય સ્થિતિ બહાલ કરવી સહેલું નથી તેવું તેમણે સ્વીકાર્યું હતું.

ઈન્ડિગો દ્વારા ઓછી ભરતીના કારણે સંકટ: પાયલોટ સંગઠન

ઇન્ડિગો ઘણા સમયથી ક્રૂની ઓછી ભરતી કરવાનું વલણ અપનાવી રહ્યું છે અને પાયલોટસની ભરતી તો લગભગ બંધ કરી દીધુ તેવું ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટસ (એફઆઇપી)એ ગુરુવારે કહ્યું હતું.

એફઆઇપીએ એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએને પત્ર લખીને જણાવ્યું હતું કે ઇન્ડિગોએ ઇન્ડસ્ટ્રીના વલણથી વિપરીત ઓછા મેનપાવર વ્યૂહરચના અપનાવી છે, પાયલોટસના આરામના કલાકો અને ડયુટી- સમયમાં ફેરફારોના નિયમો અંગે કંપનીને જાણ હતી અને ભરતી કરવા બે વર્ષનો સમય મળ્યો હતો. પણ ખર્ચ ઘટાડવા પાયલોટસની નવી ભરતી બંધ કરી હતી. અન્ય એરલાઇન્સના પાયલોટસને નહીં લેવા અંગેના કરારો કર્યા હ તા પાયલોટસના પગાર વધારો અટકાવ્યો હતો.

નવા ક્રૂ- રોસ્ટિંગ ધારા ધોરણે અમલમાં આવ્યા અને શિયાળો, પ્રતિકૂળ હવામાન, એરપોર્ટસનું કન્જેશન વિગેરે પરિબળોના લીધે બફર કેપેસિટી (વધારાના કર્મચારીઓ)ની જરૂર પડી હતી ત્યારે તકલીફ પડી ગઇ છે. ટુંકા ગાળાના નિર્ણયો અને કાર્યક્ષમ ભરોસાપાત્ર નીવડવાને બદલે એરલાઇને ખર્ચ ઘટાડવા પર ધ્યાન આપ્યું હોવાથી આવી કટોકટીનું નિર્માણ થયું છે.

December 2, 2025
image-2.png
1min61

કેન્દ્રીય નાણાં મંત્રીએ લોકસભામાં આપેલી માહિતી મુજબ, ભાગેડૂ આર્થિક અપરાધીઓ પાસેથી બાકી વસૂલાતની કુલ રકમમાં ₹ 26,645 કરોડની મુદ્દલ રકમ અને ₹ 31,437 કરોડના વ્યાજનો સમાવેશ થાય છે.

સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બર, 2025થી શરૂ થઈ ગયું છે. સત્રના પહેલા દિવસે સંસદમાં જબરદસ્ત હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન, સરકારના મંત્રીઓએ સાંસદો દ્વારા પૂછવામાં આવેલા ઘણા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. સંસદમાં મોદી સરકારે જણાવ્યું છે કે ‘ભાગેડુ આર્થિક અપરાધી’ જાહેર કરાયેલા 15 લોકો પર ભારતની જાહેર ક્ષેત્રની બેંકોના કુલ ₹ 58,082 કરોડના લેણા બાકી છે. આ માહિતી કેન્દ્રીય નાણાં મંત્રાલયે સોમવારે લોકસભામાં આપી હતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ રકમમાં 31 ઓક્ટોબર 2025 સુધીમાં ₹26,645 કરોડની મુદ્દલ રકમ અને ₹31,437 કરોડના વ્યાજનો સમાવેશ થાય છે.

ભાગેડુ આર્થિક અપરાધીઓની યાદીમાં વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદી જેવા મોટા નામોનો સમાવેશ થાય છે, જેમને ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ, 2018 (FEOA) હેઠળ FEO એટલે ભાગેડૂ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યા છે. 15 ભાગેડુઓ માંથી 9 જાહેર ક્ષેત્રની બેંકોના નાણાકીય છેતરપિંડી કેસમાં સંકળાયેલા છે. નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં લેખિત જવાબમાં આ સંખ્યા અને બાકી રકમની પુષ્ટિ કરી છે.

અત્યાર સુધીમાં બેંકો આ ભાગેડુ આર્થિક અપરાધીઓ પાસેથી લગભગ 19,187 કરોડ રૂપિયા વસૂલ કરવામાં સક્ષમ છે. આનો અર્થ એ છે કે કુલ 58,082 કરોડ રૂપિયાના દાવામાંથી લગભગ 33% વસૂલ કરવામાં આવ્યા છે. 15 ભાગેડુઓ માંથી બે બેંકો સાથે વન ટાઇમ સેટલમેન્ટની વાટાઘાટો કરી ચૂક્યા છે. સરકાર સંપત્તિ જપ્ત કરવા, પ્રત્યાર્પણ કરવા અથવા બાકીની રકમ વસૂલવા માટે કાનૂની કાર્યવાહી કરવાનું ચાલુ રાખી રહી છે.

આરોપી ભાગેડુઓ દ્વારા કરવામાં આવેલા આ ડિફોલ્ટ જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય પ્રણાલી માટે એક મોટો પડકાર છે. 31 હજાર કરોડ રૂપિયાથી વધુનું મોટું વ્યાજ એ દર્શાવે છે કે જવાબદારીઓ કેટલી ઝડપથી વધી રહી છે. હકીકત એ છે કે અત્યાર સુધીમાં બાકી રકમનો માત્ર એક તૃતીયાંશ ભાગ જ વસૂલવામાં આવ્યો છે. આ આંકડા નાણાકીય ગુનાને કેવી રીતે રોકવા અને તેના પર કાર્યવાહી કરવી તે વિશે પણ ચિંતા કરી રહ્યા છે.

સંસદના શિયાળુ સત્રનો પ્રથમ દિવસ તોફાની હતો. વિપક્ષ એસઆઈઆર અને દિલ્હી બ્લાસ્ટ જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી રહ્યું છે, જ્યારે કેન્દ્ર સરકાર આ સત્રમાં 10 મહત્વપૂર્ણ બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સરકાર પણ એક દિવસ માટે વંદે માતરમ પર ચર્ચા કરવા માંગે છે.

December 2, 2025
image-1.png
1min55

સરકારનો મોટો આદેશઃ સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ થશે સરકારી એપ્લિકેશન, ડિલીટ નહીં

ભારત સરકારે દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડના જોખમો અને મોબાઇલ ચોરીને રોકવા માટે સૌથી મોટું પગલું ભર્યું છે. સરકારે તમામ મોબાઇલ કંપનીને આદેશ આપ્યો છે કે તેઓ ભારતમાં વેચતા પોતાના નવા ફોનમાં સરકારી સાયબર સુરક્ષા એપ ‘સંચાર સાથી’ને પ્રી-લોડ કરીને વેચે. આ એપ્લિકેશન ચોરાયેલા ફોન શોધવા, બનાવટી IMEI નંબર ઓળખવા અને છેતરપિંડીવાળા કોલ્સની માહિતી મેળવવામાં મદદરૂપ થાય છે. જોકે, આ આદેશથી એપલ જેવી કંપનીઓની ચિંતા વધી છે, જેઓ ફોનમાં પહેલાથી કોઈ એપ ઇન્સ્ટોલ કરીને વેચવાની પોલિસી ધરાવતી નથી.

સરકારે એક આદેશ જારી કર્યો છે કે ભારતમાં બનતા અને વેચાતા તમામ સ્માર્ટફોનમાં ‘સંચાર સાથી’ એપ પહેલેથી હાજર હોવી જોઈએ અને યુઝર તેને અનઇન્સ્ટોલ પણ નહીં કરી શકે. મીડિયાના અહેવાલ મુજબ આ ફેરફાર લાગુ કરવા માટે કંપનીને 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ આદેશથી સ્માર્ટફોન કંપનીઓની ચિંતા વધી ગઈ છે અને તેમણે દાવો કર્યો છે કે આ અંગે તેમની સાથે કોઈ સલાહ-મસલત કરવામાં આવી નથી. સરકારનો હેતુ સ્પષ્ટ છે કે મોબાઇલ ચોરી, નકલી IMEI નંબર, છેતરપિંડીવાળા કોલ અને સાયબર ફ્રોડ જેવી સમસ્યાઓ પર નિયંત્રણ મેળવે.

સરકારે દાવો કર્યો છે કે આ એપ રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ સુરક્ષાને મજબૂત બનાવે છે અને ગુનેગારો માટે ચોરીના ફોન વેચવાનું મુશ્કેલ બનાવે છે. આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ થયેલી ‘સંચાર સાથી’ એપ અત્યાર સુધીમાં 50 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.

સરકારી આંકડા દર્શાવે છે કે આ એપની મદદથી 3.7 મિલિયનથી વધુ ચોરાયેલા અથવા ખોવાયેલા ફોન બ્લોક કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ગયા ઓક્ટોબરમાં આ એપ દ્વારા 50 હજાર સ્માર્ટફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને 30 મિલિયનથી વધુ નકલી મોબાઇલ કનેક્શન પણ બંધ કરવામાં આવ્યા છે.

ભલે આ આદેશથી સ્માર્ટફોન કંપનીઓની ચિંતા વધી હોય, પરંતુ યુઝરના દૃષ્ટિકોણથી આ નિર્ણય ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્માર્ટફોન કંપનીઓ પહેલેથી જ તેમના ફોનમાં અન્ય પ્રી-લોડેડ એપ્સ આપતી હોય છે, તેથી એક વધારાની સુરક્ષા એપ ઉમેરાવાથી યુઝરને ખાસ ફરક નહીં પડે.

ઉલટાનું, આ એપ દ્વારા યુઝર્સને સાયબર જોખમોથી સુરક્ષિત રહેવા, ચોરાયેલા ફોન પાછા મેળવવા અથવા બ્લોક કરાવવા, નકલી નંબર/IMEI નંબરની ફરિયાદ કરવા અને શંકાસ્પદ નંબરોને ચેક કરવા જેવી મહત્વની સુવિધાઓ સરળતાથી મળી રહેશે. તેથી, સરકારનો આ નિર્ણય યુઝર્સની સુરક્ષા માટે એક સકારાત્મક પગલું છે.

December 2, 2025
cia_gst.jpg
1min48

  • ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન રૂ. 1.96 લાખ કરોડ હતું
  • ગયા વર્ષે નવેમ્બરમાં જીએસટી કલેક્શન 1.69 લાખ કરોડ હતું : લક્ઝરી વસ્તુઓ પર સેસથી થનારી આવક દૂર કરાતા જીએસટી કલેક્શન ઘટયું

ભારતનું જીએસટી કલેક્શન નવેમ્બર, ૨૦૨૫માં ઘટીને ૧.૭૦ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ચાલુ વર્ષનું સૌથી ઓછું કલેક્શન છે. જો કે ગયા વર્ષનાં નવેમ્બરની સરખામણીમાં જીએસટી કલેક્શનમાં ૦.૭ ટકાની વૃદ્ધિ જોવા મળી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. લક્ઝરી વસ્તુઓ પર સેસથી થનારી આવકને દૂર કરાતા આ ઘટાડો જોવા મળ્યો છે.

નવેમ્બર, ૨૦૨૫માં કુલ જીએસટી કલેક્શન ૧.૭૦ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષે નવેમ્બરમાં ૧.૬૯ લાખ કરોડ રૂપિયા હતું. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર, ૨૦૨૫માં જીએસટી કલેક્શન ૧.૯૬ લાખ કરોડ રૂપિયા હતું.

ઉલ્લેખનીય છે કે ઘરેલુ વપરાશને વેગ આપવા અને વૈશ્વિક પરિબળોથી ભારતીય અર્થતંત્રને બચાવવાનાં હેતુથી એક મોટા સુધારણા હેઠળ સરકારે ૨૨ સપ્ટેમ્બરથી જીએસટીનાં ચાર દરો ઘટાડીને બે જ કરી દીધા છે.

હવે ફક્ત પાંચ અને ૧૮ એમ બે દરો રાખવામાં આવ્યા છે. જે અગાઉ ૫,૧૨,૧૮ અને ૨૮ હતાં. લક્ઝરી વસ્તુઓ પર ૪૦ ટકાનો અલગ દર રાખવામાં આવ્યો છે.

૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫થી જીએસટી કમ્પનસેશન ફક્ત તમાકુ અને પાન-મસાલા પર લગાવવામાં આવે છે. જે અગાઉ લક્ઝરી, સિન ડીમેરિટ વસ્તુઓ અલગ અલગ દરે નાખવામાં આવતો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે કુલ જીએસટી કલેક્શનની ગણતરીમાં સેસને સામેલ કરવામાં આવ્યો નથી કારણકે કમ્પનસેશન સેસ હવે એક અસ્થાયી વ્યવસ્થા છે.

નવેમ્બર, ૨૦૨૫માં હરિયાણા, આસામ અને કેરળમાં જીએસટી આવકમાં અનુક્રમે ૧૭,૧૮ અને ૮ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે મધ્ય પ્રદેશ અને ઓડિશામાં જીએસટી આવકમાં અનુક્રમે ૧૭ અને ૧૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ જીએસટીની આવકમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

December 1, 2025
image.png
1min49

છોટા ઉદેપુર પોલીસે એમ્બ્યુલન્સ જેવી બનાવેલી મારુતિ વાનને અટકાવી અને સ્ટ્રેચર નીચે છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL) ની 928 બોટલો જપ્ત કરી, જેમાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવાનો વધુ એક કથિત પ્રયાસનો પર્દાફાશ થયો છે.

શુક્રવારે 28/11/25 છોટા ઉદેપુર જિલ્લા પોલીસે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો નવો કિમીયો નિષ્ફળ બનાવ્યો છે. છોટા ઉદેપુર પોલીસે એમ્બ્યુલન્સ જેવી બનાવેલી મારુતિ વાનને અટકાવી અને સ્ટ્રેચર નીચે છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL) ની 928 બોટલો જપ્ત કરી, જેમાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવાનો વધુ એક કથિત પ્રયાસનો પર્દાફાશ થયો છે.

શુક્રવારે વહેલી સવારે સિહોદ જનતા ચોકડી પાસે ગુજરાત રજીસ્ટ્રેશન નંબર ધરાવતી મારુતિ વાનની રાહ જોતા પાવી જેતપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ રાહ જોઈ રહ્યા હતા. શંકાસ્પદ એમ્બ્યુલન્સ આવી, જેના પર ગુજરાત સરકાર અને 108 ઇમરજન્સી તેમજ અન્ય તબીબી પ્રતીકો લખેલા હતા. તેની બારીઓ લીલા રંગના હોસ્પિટલના પડદાથી ઢંકાયેલી હતી, પોલીસ અધિકારીઓએ ડ્રાઇવરને બાજુ પર રોકવાનો સંકેત આપ્યો. જોકે સૂચનાઓનું પાલન કરવાને બદલે ડ્રાઇવર પોલીસ ચેકપોસ્ટથી આગળ ભાગી ગયો, જેના પરિણામે પોલીસે ઝડપી ગતિએ પીછો કર્યો હતો.

એમ્બ્યુલન્સને રોકતા પોલીસે દર્દીઓ માટેના સ્ટ્રેચર નીચેથી 928 વિદેશી દારીની બોટલો મળી આવી અને તેને લીલા રંગના હોસ્પિટલના કપડાથી ઢાંકી દેવામાં આવી હતી. જોકે ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો હતો.

હાલમાં પાવી જેતપુર પોલીસે ફરાર એમ્બ્યુલન્સ ચાલક અને આ દારૂના કન્સાઇનમેન્ટ પાછળ સંકળાયેલા મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

December 1, 2025
bankholiday.jpg
2min53

1/12//25 આજથી શરૂ થયેલો ડિસેમ્બર મહિનો 2025નો છેલ્લો મહિનો છે. ડિસેમ્બર વર્ષનો છેલ્લો મહિનો હોવાને કારણે આ મહિનામાં અલગ અલગ રજાઓ હોય છે અને જો તમે પણ આવતા મહિને બેંકિંગ રિલેટેડ કામ પતાવવાનું વિચારી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લો. મળતી માહિતી અનુસાર ડિસેમ્બર મહિનામાં બેંકો અડધા મહિના સુધી બંધ રહેશે, જેના વિશે તમારે જાણી લેવું જોઈએ.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દર મહિનાની રજાઓની યાદી બહાર પાડવામાં આવે છે અને આ વખતે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર ડિસેમ્બર મહિનામાં દસ-બાર નહીં પૂરા 15 દિવસ સુધી બંધ રહેશે. જોકે, અલગ અલગ રાજ્યોમાં આ રજાઓ અલગ અલગ હોઈ શકે છે. ચાલો જોઈએ ડિસેમ્બર મહિનામાં ક્યારે ક્યારે બેંકો બંધ રહેશે.

ડિસેમ્બર મહિનામાં આ તારીખે હશે બેંકોમાં રજા

  • પહેલી ડિસેમ્બર, સોમવારે ઈન્ડિજિનસ ફેથ ડે નિમિત્તે અરુણાચલ પ્રદેશમાં રજા રહેશે
  • ત્રીજી ડિસેમ્બર, બુધવારે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરની પુણ્યતિથિ નિમિત્તે ગોવામાં બેંક હોલીડે
  • સાતમી ડિસેમ્બરના રવિવારને કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે.
  • 12મી ડિસેમ્બર, શુક્રવારના પા તોગન નેંગમિંજા સંગમા દિવસને કારણે મેઘાલયમાં રજા રહેશે
  • 13મી ડિસેમ્બરના બીજો શનિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે
  • 18મી ડિસેમ્બર, ગુરુવારે ગુરુ ઘાસીદાસ જયંતિ, યુ સોસો થમ પુણ્યતિથિને કારણે છત્તીસગઢ અને
    મેઘાલયમાં બેંકોમાં રજા રહેશે
  • 19મી ડિસેમ્બર, શુક્રવારે ગોવા મુક્તિ દિવસને કારણે ગોવામાં બેંક હોલીડે રહેશે
  • 21મી ડિસેમ્બરના રવિવાર હોવાથી દેશભરની બેંકોમાં રજા રહેશે
  • 24મી ડિસેમ્બર, બુધવારે ક્રિસમસ ઈવને કારણે મેઘાલય મિઝોરમમાં બેંકો બંધ રહેશે
  • 25મી ડિસેમ્બરના ગુરુવારે ક્રિસમસને કારણે બેંકોમાં રજા રહેશે
  • 26મી ડિસેમ્બર, શુક્રવારે ક્રિસમસ સેલિબ્રેશન, શહીદ ઉધમસિંહ જયંતિ નિમિત્તે મેઘાલય, મિઝોરમ, તેલંગણા, હરિયાણામાં બેંકોમાં રજા રહેશે
  • 27મી ડિસેમ્બરના ચોથો શનિવાર અને ગુરુ ગોવિંદસિંહ જયંતિ નિમિત્તે હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશમાં રજા રહેશે
  • 28મી ડિસેમ્બરના રોજ રવિવાર હોવાથી દેશભરની બેંકોમાં રજા રહેશે
  • 30મી ડિસેમ્બર, મંગળવારે યુ કિયાંગ નાંગબાહ દિવસ, તામુલોસરને કારણે મેઘાલય, સિક્કિમમાં બેંકો બંધ રહેશે.
  • 31મી ડિસેમ્બરના બુધવાર ન્યુ યર ઈવને કારણે પણ અનેક રાજ્યોમાં બેંક હોલિડે રહેશે

આ રજાઓની તમારા પર શું અસર થશે?

આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી આ રજાઓની તમારા પર શું અસર જોવા મળશે એની વાત કરીએ તો આ દિવસોમાં તમે ચેક ક્લિયરન્સ, પાસબુક અપડેટ, કેશ હેન્ડલિંગ જેવા કામ નહીં કરી શકશો. જ્યારે મોબાઈલ એપ, નેટ બેકિંગ કે એટીએમની મદદથી તમે તમારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પૂરા કરી શકશો.

December 1, 2025
sir-extended.png
1min63

  • ચૂંટણી પંચે ‘સર’ની સમય મર્યાદા લંબાવી, 11મી સુધી ફોર્મ ભરી શકાશે
  • 16 ડિસે.એ ડ્રાફ્ટ રોલ, 14 ફેબુ્ર.એ અંતિમ મતદાર યાદી જાહેર કરાશે

દેશના ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘સર’ની ‘ટૂંકી ટાઈમલાઈન’ના કારણે જનતા અને જમીન પરના ચૂંટણી કર્મચારીઓ માટે સમસ્યા ઊભી થઈ રહી હોવાના વિપક્ષના આક્ષેપોના પગલે ચૂંટણી પંચે ‘સર’ કાર્યક્રમની સમય મર્યાદા એક સપ્તાહ માટે લંબાવી છે. હવે મતદારો ૧૧મી ડિસેમ્બર સુધી તેમના ફોર્મ ભરી શકશે તથા અંતિમ મતદાર યાદી ૧૪ ફેબુ્રઆરીએ જાહેર કરાશે. દરમિયાન રવિવારે રાજસ્થાન-ઉત્તર પ્રદેશમાં ત્રણ બીએલઓનાં મોત થયા હતા.

ચૂંટણી પંચે બિહાર પછી હવે ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘સર’ શરૂ કર્યો છે, જેનો પહેલો તબક્કો ચાર ડિસેમ્બરે પૂરો થવાનો હતો. જોકે, સરની કામગીરીના બોજ અને અનેક પ્રકારની જટીલતાઓના કારણે વ્યાપક સમસ્યાઓ ઊભી થઈ રહી છે તથા કામના બોજથી બીએલઓનાં મોત થઈ રહ્યા છે અથવા તેઓ આત્મહત્યા કરી રહ્યા છે તેવા વિપક્ષના આક્ષેપોના કારણે ચૂંટણી પંચે રવિવારે ‘સર’ની ટાઈમલાઈન સાત દિવસ લંબાવી છે.

ચૂંટણી પંચે જણાવ્યું કે, હવે સરનો પહેલો તબક્કો જે ૪ ડિસેમ્બરે પૂરો થવાનો હતો તે ૧૧ ડિસેમ્બરે પૂરો થશે. એટલે કે મતદારો ૧૧ ડિસેમ્બર સુધી તેમના ફોર્મ ભરી શકશે. ચૂંટણી પંચે જાહેર કરેલી નોટિસ મુજબ પુનરીક્ષણ પછી મતદાર યાદીનો મુસદ્દો ૧૬ ડિસેમ્બરે પ્રકાશિત કરાશે અને અંતિમ મતદારા યાદી હવે ૧૪ ફેબુ્રઆરીએ પ્રકાશિત કરાશે. મતદારો ૧૧ ડિસેમ્બરે ફોર્મ ભરીને આપે પછી ૧૨થી ૧૫ ડિસેમ્બર વચ્ચે કંટ્રોલ ટેબલ તૈયાર કરાશે.

ચૂંટણી પંચે કહ્યું કે, આ સમયમાં બધા જ ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારોની કાચી યાદી એટલે કે ડ્રાફ્ટ રોલ તૈયાર કરાશે. મતદારો તેમના વાંધા ૧૬ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી વચ્ચે નોંધાવી શકશે. આ સમયમાં મતદારોના જવાબ મેળવાશે. ૧૦ ફેબુ્રઆરીએ બધા જ માપદંડો પર મતદાર યાદીના ડ્રાફ્ટ રોલની ચકાસણી થશે. ત્યાર પછી ૧૪ ફેબુ્રઆરીએ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરાશે.

મતદાર યાદી સુધારણા માટે એસઆઈઆરનું કામ કરી રહેલા બીએલઓ પર કામનું વધુ દબાણ હોવાના અહેવાલો વચ્ચે ચૂંટણી પંચે બીએલઓનું માનદ વેતન રૂ. ૬,૦૦૦થી વધારીને રૂ. ૧૨,૦૦૦ તેમજ બીએલઓ સુપરવાઈઝરનું ભથ્થું રૂ. ૧૨,૦૦૦થી વધારીને રૂ. ૧૮,૦૦૦ કરવાની જાહેરાત કરી છે. આ સાથે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની મમતા સરકારને બીએલઓ અને સુપરવાઈઝરને સુધારેલા ભથ્થાંની ચૂકવણી તાત્કાલિક અસરથી કરવા નિર્દેશ આપ્યા છે.

દરમિયાન રાજસ્થાનના ધોલપુરમાં બીએલઓની કામગીરી કરતા ૪૨ વર્ષના અનુજ ગર્ગ શનિવારે મોડી રાતે મતદારોનો ડેટા અપલોડ કરતી વખતે તેમના જ ઘરમાં ફસડાઈ પડયા હતા અને તેમનું નિધન થયું હતું.

પરિવારનો દાવો છે કે એસઆઈઆરની કામગીરીના અત્યાધિક બોજના કારણે તેમનું મોત થયું છે. એજ રીતે ઉત્તર પ્રદેશના બિજનૌરમાં ધામપુર વિસ્તારમાં બીએલઓ ૫૬ વર્ષીય શોભારાનીનું કાર્ડિઆક અરેસ્ટના કારણે મોત થયું હતું. તેમના પરિવારે પણ બીએલઓની કામગીરીનો અત્યાધિક બોજ હોવાનો દાવો કર્યો હતો. ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં ૪૬ વર્ષના બીએલઓ સર્વેશ સિંહે આત્મહત્યા કરી લીધી હતી. ચાર પુત્રીઓના પિતા સર્વેશ સિંહે સુસાઈડ નોટમાં દાવો કર્યો હતો કે તેમને એસઆઈઆરની કામગીરી માટે પર્યાપ્ત સમય આપવામાં આવ્યો નહોતો.

બીએલઓને ટાઈગર સફારી, હેલિકોપ્ટર જોય રાઈડનું ઈનામ!

ચૂંટણી પંચ દ્વારા ૧૨ રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘સર’ની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેની જવાબદારી બીએલઓને સોંપાઈ છે. બીએલઓ પર કામનું અત્યાધિક દબાણ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે મધ્ય પ્રદેશમાં નિશ્ચિત સમય મર્યાદા કરતાં વહેલા કામગીરી પૂરી કરનારા ‘સુપર બીએલઓ’ ટાઈગર સફારી, મુવી ટિકિટ અને હેલિકોપ્ટર રાઈડ જેવા શાનદાર ઈનામો મેળવી રહ્યા છે.

મધ્ય પ્રદેશના જબલપુરની સ્નેહલતા પટેલે તેમનાં કાર્યક્ષેત્રના તમામ બૂથોનું ૧૦૦ ટકા ડિજિટાઈઝેશન પૂરું કરતાં પહેલા બીએલઓ સુપરવાઈઝર બન્યા હતા. તેમણે પનાગર વિધાનસભા ક્ષેત્રના ૭,૭૦૬ મતદારોના ફોર્મ સમય પહેલાં અપલોડ કરી દેતા તેમને પીએમ શ્રી હેલી પ્રવાસન સેવાના માધ્યમથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ કાન્હા અને બાંધવગઢનો હવાઈ પ્રવાસ કરાવાયો હતો. એ જ રીતે રીવા જિલ્લામાં ૧૨ બીએલઓએ સમય પહેલાં કામગીરી પૂરી કરતાં તેમને પરિવાર સાથે વ્હાઈટ ટાઈગર સફારી મુકુંદપુર અને ફિલ્મ ટિકિટના ઈનામ અપાયા હતા.