CIA ALERT

Slider Archives - Page 422 of 487 - CIA Live

November 14, 2018
suratairport1.jpg
1min7170

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સત્તાવાર ડેટા મુજબ સુરત એરપોર્ટ પર છેલ્લા 7 મહિનામાં થયેલી ફ્લાઇટ્સ તેમજ પેસેન્જરની આવન-જાવન અંગેની આંકડાવાર માહિતી આ મુજબ છે.

 

સુરત એરપોર્ટ સતત પ્રગતિ કરી રહ્યું છે અને આ પ્રગતિની નક્કરતા દર મહિનાના આંકડાઓ દર્શાવી રહ્યા છે. ઓક્ટોબર 2018 મહિના દરમિયાન સુરતના એરપોર્ટ પર કુલ 52730 મુસાફરોએ અન્ય ડેસ્ટિનેશન્સ પર ઉડાન ભરી હતી, જેની સામે કુલ 54,576 મુસાફરો વિવિધ ડેસ્ટિનેશન્સ પરથી સુરત આવ્યા હતા. આમ સમગ્ર ઓક્ટોબર 2018 માસ દરમિયાન સુરત એરપોર્ટ પર કુલ 1 લાખ 7 હજાર 306 મુસાફરોની અવરજવર નોંધાઇ છે.

જોકે સપ્ટેમ્બર 2018 મહિના દરમિયાન કુલ 1.10 લાખ મુસાફરોની અવરજવર કરતા ઓક્ટોબર માસમાં મુસાફરોની 2883ની સંખ્યાં ઓછી નોંધાઇ છે. જોકે, ચાલુ નવેમ્બર 2018ના મહિનામાં આ આંકડો ફરીથી ઉંચકાશે એમ માનવામાં આવે છે કેમકે દિવાળી દરમિયાન સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં અસાધારણ વધારો જોવાય રહ્યો છે.

ઉપરોક્ત કોષ્ટક સૂચવે છે કે સપ્ટેમ્બર 2018માં કુલ 1380 શિડ્યુલ્ડ ફ્લાઇટ્સની સંખ્યા નોંધાઇ હતી, જે ઓક્ટોબર 2018માં 1438 થઇ છે. આમ ફ્લાઇટ્સની સંખ્યા વધવા છતાં સુરત એરપોર્ટ પર પેસેન્જરની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

વધુમાં ચાલુ હિસાબી વર્ષ 2018-19 દરમિયાન સુરત એરપોર્ટ પર અત્યાર સુધી એટલે કે 31મી ઓક્ટોબર 2018 સુધીમાં કુલ 5,79,414 મુસાફરોની અવરજવર નોંધાઇ ચૂકી છે.

 

November 14, 2018
walmart-flipkar.jpg
1min10610

વોલમાર્ટે વેબરિટેલર ફ્લિપકાર્ટની ખરીદી કરી તેના છ મહિના કરતાં પણ ઓછા સમયમાં ભારતની આ સૌથી વધુ પ્રચલિત ઓનલાઇન શોપિંગ કંપની ફ્લિપ કાર્ટની સ્થાપના કરનાર બન્ને બંસલો આજે કંપનીમાંથી આઉટ થઇ ચૂક્યા છે.

ફ્લિપકાર્ટના સહસ્થાપક બિન્ની બંસલ સામે વ્યક્તિગત ગેરવર્તણૂકના આરોપ થયા બાદ તેમણે દેશની સૌથી મોટી ઓનલાઇન રિટેલરના ચેરમેન અને ગ્રૂપ સીઇઓપદેથી રાજીનામું આપી દીધું છે. ભારતીય કંપનીઓમાં આ હાઈ-પ્રોફાઇલ એક્ઝિટ પૈકી એક છે.

વોલમાર્ટે વેબરિટેલર ફ્લિપકાર્ટની ખરીદી કરી તેના છ મહિના કરતાં પણ ઓછા સમયમાં બંસલે વિદાય લીધી છે. અમેરિકન કંપની વોલમાર્ટે ‘ગંભીર વ્યક્તિગત ગેરવર્તન’ની તપાસ શરૂ કર્યા બાદ આ રાજીનામું આપવામાં આવ્યું છે. વોલમાર્ટે આરોપો કયા પ્રકારના છે તે જણાવ્યું ન હતું.

તપાસમાં બિન્ની સામેના આરોપોને સમર્થન મળે તેવું કંઈ મળ્યું નથી. પરંતુ તેણે જજમેન્ટમાં બીજી ખામીઓ ટાંકી હતી, જેમ કે પારદર્શિતાનો અભાવ. બિન્નીએ પરિસ્થિતિનો જે રીતે પ્રતિભાવ આપ્યો તે પણ ખામીયુક્ત ગણવામાં આવે છે. તેના કારણે આ રાજીનામું આપવામાં આવ્યું છે તેમ વોલમાર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું.

35 વર્ષીય બિન્ની બંસલે ૨૦૦૭માં સચિન બંસલ સાથે મળીને ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી. બંને આઇઆઇટી દિલ્હીના ગ્રેજ્યુએટ્સ છે. બિન્ની બંસલ હવે ફ્લિપકાર્ટના બોર્ડમાં રહેશે. હિલચાલથી વાકેફ સૂત્રોએ કહ્યું હતું કે બિન્ની બંસલ સામેની સ્વતંત્ર તપાસ ચાલુ વર્ષમાં જુલાઈમાં શરૂ થઈ હતી અને સ્વતંત્ર કાનૂની પેઢી દ્વારા આ તપાસ કરવામાં આવી હતી.

બંસલે તા.13મી નવેમ્બર 2018ના રોજ ફ્લિપકાર્ટના કર્મચારીઓને એક ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે, “મારી સામેના આરોપોથી મને આઘાત લાગ્યો છે અને હું તેને નકારી કાઢું છું. જોકે, તપાસમાં કેટલીક ખામીઓ શોધવામાં આવી છે. ખાસ કરીને પારદર્શિતાનો અભાવ. મારા માટે અને મારા પરિવાર માટે આ પડકારજનક સમય હતો.

તેના કારણે કંપની અને ટીમનું ધ્યાન અન્યત્ર ખેંચાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં હું ચેરમેન અને ગ્રૂપ સીઇઓ તરીકે રાજીનામું આપું તે વધુ યોગ્ય છે.”એક સૂત્રે કહ્યું કે, “મુખ્ય વાત એ છે કે બિન્ની કેટલાક સમયથી રાજીનામું આપવા વિચારતા હતા અને આ તપાસથી તેમનો નિર્ણય વધારે ઝડપથી લેવામાં આવ્યો છે.”

November 11, 2018
jain.png
1min12140

જૈન બહુલ વસતિ, તેમજ જૈન દેરાસરોના વિસ્તાર તરીકે જાણીતા સુરતના ગોપીપરા વિસ્તારમાં એક જૈન સાધ્વીની છેડતીની ઘટનાએ સમગ્ર જૈન સમાજને હચમચાવી મૂક્યો છે. તા.10મી નવેમ્બર 2018ના રોજ શનિવારે રાત્રે સાધ્વી જૈન ઉપાશ્રયમાં સુતા હતા ત્યારે કોઇ અજાણ્યાએ આવીને છેડતી કરી હતી સાધ્વીએ બુમાબુમ કરતા અજાણ્યો ભાગી છુટયો હતો. છેલ્લાં બે મહિનામાં  આવી ત્રીજી ઘટના બનતા જૈન સમાજમાં રોષ વ્યાપી ગયો છે.

ગોપીપરા વિસ્તારમાં આવેલા જૈન ઉપાશ્રયમાં સાધ્વી એકલા હતા  એટલે  તાળા મારીને સુતા હતા પણ શનિવારે રાત્રે કોઇ અજાણ્યો તાળું તોડીને સાધ્વીના રૂમમાં ઘુસ્યો હતો અને છેડતી કરી હતી. સાધ્વીએ બુમાબુમા કરી મુકતા અજાણ્યો ફરાર થઇ ગયો હતો.ઘટનાની જાણ થતા જૈન સમાજના લોકો ભેગા થઇ ગયા હતા. બે મહિનામાં આવી ત્રીજી ઘટના બનવાને કારણે જૈન સમાજ આગામી દિવસોમાં પોલીસ કમિશ્નરને રજૂઆત કરીને પેટ્રોલિંગની માગ કરશે એમ જાણવા મળ્યું છે.

November 11, 2018
MARKET.jpg
1min5600

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડ ભાવાંતર યોજનાના મુદ્દે દિવાળી પહેલાથી સજ્જડ હડતાલ પર હતા. સામાન્ય રીતે દિવાળીની રજાઓ પછી લાભપાંચમથી યાર્ડો પૂન: શરૂ થઈ જતા હોય છે. આ વખતે હડતાલને કારણે લાભપાંચમના શુકન સચવાશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ સર્જાયો હતો.

દરમિયાન આજે તા.11મી નવેમ્બર 2018ના રોજ ગુજરાતના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા સાથે મિટીંગ યોજાઈ હતી. જેમાં તેમણે ભાવાંતર યોજના મુદ્દે સરકારમાં વાત કરવા બાંયધરી આપી હતી. તેમજ રાજકોટ યાર્ડના ચેરમેન ડી કે સખીયાએ સરકાર સાથે 8 દિવસમાં મિટીંગ કરાવવા ખાતરી આપતા સૌરાષ્ટ્રના દરેક માર્કેટ યાર્ડ લાભપાંચમથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને આવતીકાલ તા.12 નવેમ્બર 2018ને લાભપાંચમના પર્વથી દરેક યાર્ડમાં નવી આવક ચાલુ કરવામાં આવશે તેમ સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું.

November 11, 2018
ap.jpg
1min7010

આંધ્ર પ્રદેશના એક ગામમાં દિવસે નાઇટી પહેરનાર મહિલાને રૂ.2000નો દંડ કરાતો હોવાની વાત જાણવા મળી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશના પશ્ર્ચિમ ગોદાવરી જિલ્લાના ટોકાપલ્લી ગામના નવ વડીલોની કમિટીએ એવો ફતવો કાઢયો છે કે જે મહિલા સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા વચ્ચે નાઇટી પહેરીને ફરતી દેખાશે એને રૂ. 2000નો દંડ ફટકારવામાં આવશે. આટલું ઓછું હોય એમ, જે કોઇ મહિલા દિવસે નાઇટી પહેરીને ફરતી મહિલાની માહિતી આપે એને રૂ. 1000નું ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

આ ફતવો આમ તો નવ મહિના પહેલા કાઢવામાં આવ્યો હતો, પણ કોઇ કામે એ ગામમાં ગયેલા જકાત અધિકારીઓને ગત ગુરુવારે જ જાણવા મળી હતી. આ વાત બહાર ગઇ તો વાત કરનાર ગામની મહિલાનો જાહેર બહિષ્કાર કરવાની ધમકી આપવામાં આવી હતી. આ સિવાય આ વાત ગુપ્ત રાખવાની અને સરકારી અધિકારીઓને ન જણાવવાની ચેતવણી ગામના અન્ય લોકોને અપાઇ હતી.

ટોકલપલ્લીના સરપંચ ફેન્ટાસીયા મહાલક્ષ્મીએ જણાવ્યું હતું કે નાઇટી પહેરીને જાહેરમાં કપડાં ધોવા, કરિયાણાની દુકાને જવું અને મીટિંગમાં હાજરી આપવી યોગ્ય વાત ન ગણાય.

જોકે, એમણે મહિલાઓને સામાજિક બહિષ્કારની ધમકી આપી હોવાની અને આવો કોઇ ફતવો કાઢયો હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.

November 10, 2018
surat.jpeg
1min22390

જયેશ બ્રહ્મભટ્ટ 

સરદાર, સાપુતારા, સૌરાષ્ટ્ર, શિરડી, સિંગાપોર અને સુરત…આ તમામ સ મૂળાક્ષર પરથી શરૂ થતાં ટૂરિંગ ડેસ્ટિનેશન અને સુરત વચ્ચે હાલમાં ગજબનો નાતો બંધાયો છે. દિવાળીના તહેવારો પૂરા થયા અને શોખીન સુરતીઓ ઉમટી પડ્યા છે સરદાર પ્રતિમા જોવા માટે, મૂળ સુરતીઓ ઉમટી પડ્યા છે સાપુતારાની સહેલગાહે અને સુરતને કર્મભૂમિ બનાવનારા સૌરાષ્ટ્રવાસીઓ ઉમટી પડ્યા છે પોતાના વતન સૌરાષ્ટ્રમાં. પોતાની અનુકૂળતાઓ, દિવાળીની રજા અને બજેટ વચ્ચે સંતુલન રાખીને સુરતીઓ ફરવા ઉપડી ગયા છે. માલેતુજાર સુરતીઓ સિંગાપોર ભણી ઉપડ્યા છે.

ટૂંકમાં કહીએ તો સ મૂળાક્ષર પરથી નામ ધરાવતા તમામ ટૂરિંગ ડેસ્ટિનેશન પ્રત્યે હાલ સુરતીઓ આકર્ષાયા છે. પીવાના શોખીન સુરતીઓ આમ તો મામાના ઘરે એટલે દમણ પણ ઉમટ્યા છે પણ એના કરતા વધારે સરદારની વિશ્વભરમાં ઉંચી પ્રતિમા જોવા, સાપુતારાની સહેલગાહે, શિરડી, સેલવાસ વગેરે તમામ ડેસ્ટિનેશન શરૂ થઇ રહ્યા છે સ મૂળાક્ષર પરથી. દીવ-ગોવા, દહેરાદૂન, સિમલા વગેરે સ્થળોએ પણ સુરતીઓ ગયા છે પણ એટલી સંખ્યામાં નહીં કે જેટલી સંખ્યા સ પરથી શરૂ થતા ડેસ્ટિનેશન્સ પર જોવા મળે છે.

દિવાળી વેકેશનમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી બન્યું હૉટ ડેસ્ટિનેશન

સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવા માટે સહેલાણીઓનો ધસારો : બે દિવસમાં ૪૦ હજારથી વધુ પ્રવાસીઓ ઊમટી પડ્યા : પ્રવાસીઓના ધસારાને જોઈને છેલ્લા બે દિવસથી એન્ટ્રી એક કલાક વહેલી શરૂ કરી દેવાઈ હતી.

statue

ખાસ કરીને સુરતી સહેલાણીઓ વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમા તેમ જ તેમના જીવનને જાણવા બનાવેલું સરદાર પટેલ મ્યુઝિયમ, નર્મદા નદીના બન્ને કાંઠે બનેલી વૅલી ઑફ ફ્લાવર્સ, પ્રતિમા પર બનેલી વ્યુઇંગ ગૅલેરી, ડુંગરોની વચ્ચે ટેન્ટ સિટી ઉપરાંત નજીકમાં આવેલો નર્મદા નદી પર બનેલો સરદાર સરોવર ડૅમ સહિતનાં સ્થળોનો નજારો માણવા માટે ભારે ધસારો થયો હતો. જ્યાં જુઓ ત્યાં જી.જે.-5 પાસિંગની ગાડીઓની જ બોલબાલો જોવા મળી રહી છે. પાર્કિંગ માટે જગ્યા મળતી નથી, હોટેલ રેસ્ટોરેન્ટ ફૂલ હોય છે ત્યાં સુધી કે ચા કોફી માટે પણ વેઇટિંગ જોવા મળે છે.

સાપુતારાનું સેટિંગ જી.જે.-5 વાહનોએ ખોરવી નાંખ્યું

ભાઇબીજના દિવસથી સાપુતારા હિલ સ્ટેશન નહીં બલ્કે કોઇ બજાર હોય તે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્યત્વે GJ-5 પાસિંગ નંબરના વાહનો તેમજ વલસાડ, વાપી, નવસારી, ભરૂચ પાસિંગના વાહનોથી સાપુતારામાં હાલ ચક્કાજામની સ્થિતિ જોવા મળી રહી છે. ગમે તેવી હોટલમાં નો-રૂમનું સ્ટેટસ છે. ઓવરનાઇટ સ્ટેના ઇરાદે આવતા લોકો એક દિવસની મોજ કરીને પરત ફરવું પડી રહ્યું છે. સાપુતારામાં ફરવા લાયક તમામ પોઈન્ટ ઉપર લોકોની ભીડ ઉમટી પડતાં ચારેકોર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાય છે. વાહનો પાર્ક કરવા માટેની જગ્યા પણ ખૂટી પડી છે અને પોલીસની હાજરી અપૂરતી જણાય રહી છે.

સાપુતારામાં પ્રવાસીઓની સાથે વાહનોની સંખ્યા પણ ખૂબ વધી ગઈ હતી. આનેલીધે અવ્યવસ્થા જેવી સ્થિતિ બની રહી છે. સાપુતારામાં સંખ્યાબંધ સ્થળએ કલાકો સુધી ચક્કાજામ જેવા હાલ થવા માંડ્યા છે.

એવું નથી કે સાપુતારામાં હકડેઠઠ માનવ મેદની ઉમટી પડી છે, ડાંગ જિલ્લાના અન્ય સ્થળો જેવા કે કિલાદ કેમ્પ સાઈટ, બોટનીકલ ગાર્ડન, મહાલ કેમ્પ સાઈટ જેવા સ્થળોએ તેમજ રોડ સાઇટ પર જ્યાં સાઇટ સિંઇંગ જોવા મળે ત્યાં લોકો બેસીને ઉજાણી કરતા જોવા મળે છે.

શિરડી ઉપડ્યા પગપાળા યાત્રીકો

શિરડીવાલે સાઇ બાબાના ભક્તજનો દર ભાઇબીજના દિવસથી સુરતથી શિરડી પગપાળા આખો સંઘ ઉપાડતા હોય છે. 25થી લઇને 300 સુધીનો સંઘ પગપાળા ઉપડે છે. આ સંઘમાં મોટા ભાગે અસ્સલ સુરતીઓ જોડાતા હોય છે. શહેરના કોટ વિસ્તારમાંથી સૌથી વધુ લોકો પગપાળા શિરડી પ્રવાસે ઉપડે છે.

સેલવાસમાં રિલેક્સ થાય છે સુરતીઓ

પાછલા 3 વર્ષમાં સેલવાસમાં રિસોર્ટસથી લઇને હોટેલ્સની સંખ્યામાં અસાધારણ વધારો થયો છે. જેનું મુખ્ય કારણ છે સુરતીઓનો ટ્રાફિક, સુરતીઓ આમ તો ચાન્સ મળે કે વીકએન્ડ મળે એટલે સેલવાસ ભણી જતા રહે છે. આ વખતે પણ લોંગ વીકએન્ડનો યોગ સર્જાયો છે અને મોટા ભાગના સુરતીઓ શોર્ટ ટર્મ અને લૉ બજેટની ટૂર પર સેલવાસ ઉપડ્યા હોવાનું જાણવા મળે છે.

સિંગાપોરમાં સુરતીઓની બોલબાલો

આમ તો આ વખતે સિંગાપોર જનારા સુરતીઓની સંખ્યા અન્ય ઇન્ટરનેશનલ ટૂરિંગ ડેસ્ટિનેશન્સ કરતા એટલા માટે વધુ છે કેમકે એક માર્કેટિંગ ચેઇન ધરાવતી કંપનીના સુરત સ્થિત 1500થી વધુ સ્ટાફને સિંગાપોરની ટ્રીપ પર લઇ જવાયા છે એથી વિશેષ હજીરાની એક ઇન્ડસ્ટ્રીઝે પણ તેમના કર્મચારીઓ માટે હોંગકોંગ સિગાપોર ક્રુઝ સમેતનું પેકેજ આપ્યું છે અને હજારો લોકો ત્યાં ઉપડી રહ્યા હોઇ, સિંગાપોરમાં સુરતીઓની આ વખતે ભારે બોલબાલા જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રમાં ઠલવાયું, વરાછા-કતારગામ-પૂણા

સુરતને કર્મભૂમિ બનાવનારા મૂળ સૌરાષ્ટ્રવાસી પરિવારો તો જેવું હીરા બજાર અને ટેક્સટાઇલ બજારે વેકેશન જારી કર્યુ ત્યારથી જ વતન સૌરાષ્ટ્ર ભણી રવાના થઇ રહ્યા છે. ઘણાં દિવાળી સુરતમાં મનાવીને વતન સૌરાષ્ટ્રમાં ઉમટી પડ્યા છે. આમ સુરતમાં વરાછા, કતારગામ, પૂણા, વેડરોડ, અમરોલી વગેરે વિસ્તારોમાં રહેતા સૌરાષ્ટ્રીયન પરિવારો હાલ સૌરાષ્ટ્રમાં રજાની મોજ માણી રહ્યા છે.

November 10, 2018
raghu-1280x720.jpg
1min14700
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને આજરોજ તા.10મી નવેમ્બરે અમેરિકાના કેર્લિફોનિયા ખાતે જાહેર સમારોહને સંબોધતા કહ્યું હતું કે નોટબંધી તેમજ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લીધે વિતેલા વર્ષે ભારતના આર્થિક વિકાસ દરમાં ઘટાડો નોંધાયો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વર્તમાન સાત ટકાનો વૃદ્ધિ દર દેશની જરૂરિયાત માટે પર્યાપ્ત નથી.
બર્કલેમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં શુક્રવારે એક સંબોધનમાં રાજને જણાવ્યું કે નોટબંધી અને જીએસટી લાગુ થતા પૂર્વે ચાર વર્ષ (2012-2016) સુધી ભારતના આર્થિક વિકાસ દરની ગતિ ઝડપી રહી હતી.
ફ્યૂચર ઓફ ઈન્ડિયા પર બીજું ભટ્ટાચાર્ય વ્યાખ્યાન આપતા તેમણે જણાવ્યું કે, નોટબંધી તેમજ જીએસટી એમ એક પછી એક બે આંચકાથી ભારતના વિકાસ દર પર ગંભીર અસર પડી છે. વિકાસ દર એવા સમયે નીચો ગયો છે જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં ઉછાળો જોવા મળ્યો હતો.
November 10, 2018
mizo.jpg
1min10530
જયેશ બ્રહ્મભટ્ટ
તાજેતરમાં સીબીઆઈના બે આઇ.પી.એસ. ઓફિસર આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચેના વૉરને કારણે સુપ્રીમ કોર્ટે બન્નેને તેમના પદ પરથી થોડા સમય માટે દૂર કરી દીધા છે, આ બન્નેમાં એક અધિકારી ગુજરાત કેડરના છે.
આ પ્રકારનો જ એક કિસ્સો બે આઇ.એ.એસ. કક્ષાના અધિકારીઓ વચ્ચે બન્યો છે. મિઝોરમમાં હાલ યોજાઇ રહેલી વિધાનસભા ચૂંટણીમાં મિઝોરમના પ્રિન્સીપાલ સેક્રેટરી (હોમ) એલ. ચૂઆંગો ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યા છે એવી ફરીયાદ મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારીએ કરી હતી. જેને પગલે એલ.ચૂઆંગોના હટાવી દેવાયા હતા. બાદમાં ચૂંટણી પંચે મિઝોરમના ચૂંટણી અધિકારીને પણ હટાવી દીધા છે. આ કેસમાં પણ એક આઇ.એ.એસ. અધિકારી એલ. ચૂઆંગો ગુજરાત કેડરના છે. એલ. ચૂઆંગોએ ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં જુદી જુદી જગ્યાઓ પર ફરજ અદા કરી ચૂક્યા છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તેઓ ડેપ્યુટી કમિશનર તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે.
ગુજરાત કેડરના આઇ.એ.એસ. એલ. ચૂઆંગોને કારણે મિઝોરમ વિધાનસભાની ચૂંટણી કરાવી રહેલા વહીવટીતંત્રમાં મસમોટી ઉથલપાથલ થવા પામી છે. હાલમાં મિઝોરમના પ્રિન્સીપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહેલા ગુજરાત કેડરના આઇ.એ.એસ. અધિકારી એલ. ચૂઆંગો ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યાની ફરીયાદ કરીને મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. બી. શશાંકે તેમને પદ પરથી હટાવ્યા બાદ શરૂ થયેલા રાજકારણએ ખુદ મિઝોરમના ચૂંટણી અધિકારી એસ.બી. શશાંકનો પણ ભોગ લીધો હતો. દેશના ચૂંટણી પંચે તેમને પણ તાત્કાલિક હટાવી દીધા છે.
( ગુજરાત કેડરના સનદી અધિકારી એલ. ચૂઆંગો કે જેમને પહેલા મિઝોરમના પ્રિન્સીપાલ સેક્રેટરી (હોમ) પદેથી હટાવવામાં આવ્યા તેમની તસ્વીર)
ચૂંટણી કમિશને મિઝોરમ રાજ્યના પ્રધાન સચિવ (ગૃહ) લલનુનમાવિયા ચૂઆંગોને હટાવી દેવામા આવ્યા ત્યારબાદ એનજીઓ કોર્ડિનેશન કમિટીએ શશાંકને હટાવવાની માંગ કરી. મીડિયાના એક વર્ગે જણાવ્યું કે શશાંકે ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી હતી કે ચૂઆંગો ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યાં છે.
મુખ્યમંત્રી લલથનહવલાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે, લોકોનો મુખ્ય ચૂંટણી અધિકારી એસ બી શશાંક પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે તો 2018 વિધાનસભાના સારા સંચાલન માટે એકમાત્ર સમાધાન, સીઈઓ એસબી શશાંકને તત્કાલિક પદથી હટાવવાનું રહેશે.
( ગુજરાત કેડરના સનદી અધિકારી એલ. ચૂઆંગો હટાવાની ફરીયાદ કરનાર મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.બી. શશાંકને પણ તેમના પદ પરથી હટાવી દેવાયા. એસ.બી. શશાંકની તસ્વીર)
ચૂંટણી આયોગે મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી એસબી શશાંકને હટાવવાનો નિર્ણય કર્યો છે. મિઝોરમમાં લાંબા સમયથી શશાંકને હટાવવાની માંગ ચાલી રહી હતી.
ચૂંટણી કમિશન અધિકારીને હટાવવાની માંગ વચ્ચે ચૂંટણી ઉપાયુક્તની ટીમ તપાસ માટે મિઝોરમ પહોંચી હતી. તેમના રિપોર્ટ બાદ આયોગે ચૂંટણી અધિકારીને બદલવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ ચૂંટણી આયોગે નવા મુખ્ય ચૂંટણી અધિકારી માટે મિઝોરમના મુખ્ય સચિવે નવી પેનલની માંગ કરી છે.
40 સીટોવાળી મિઝોરમ વિધાનસભા માટે આ મહિને 28 તારીખે મતદાન થવા જઇ રહ્યું છે. 28 નવેમ્બરે જ મધ્યપ્રદેશમાં પણ વોટ નાંખવામા આવશે. મિઝોરમ સહિત પાંચ ચૂંટણી રાજ્યોમાં મત ગણતરી 11 ડિસેમ્બરે થવાની છે.
November 10, 2018
crime-1280x434.jpg
1min12630

5 કરોડની ખંડણીના પ્રકરણમાં વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાલા પર હુમલાના કેસમાં અગાઉ એક આરોપી ઝહુરના પકડાયા બાદ પોલીસે મુખ્ય આરોપી વસિમ બિલ્લાની પણ ધરપકડ કરી

સુરતના એક વ્હોરા સમાજના અગ્રણી મહાજન બદરી લેસવાલા પર તેમના જ ઘર પર જઇને હિંસક હુમલો કરનારા આરોપી વસીમ બિલ્લા પોલીસના હાથે ઝડપાયો હોવાની વિગતો સાંપડી છે. આ કેસમાં 3 આરોપીઓ પૈકી એક ઝહુર અગાઉ પકડાય ચુક્યો છે. જમીનના વિવાદમાં 5 કરોડની ખંડણી નહીં આપી હોવા સબબ વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાલા પર હુમલો કરાયો હોવાનું જાણવા મળે છે.

હુમલાની ફરીયાદમાં આરોપી તરીકે વસીમ બિલ્લા, ઝહુર કુરેશી અને આસિફ સુરતીના નામ હતા.

November 10, 2018
MALL.jpg
1min6570

ભારતની ટોચની ત્રણ ઇ-કોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ, એમેઝોન અને પેટીએમ મોલે 2017-’18ના નાણાકીય વર્ષમાં આવકમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો હોવા છતાં જંગી ખોટ નોંધાવી હતી. આ કંપનીઓ ભારતીય ઇ-કોમર્સ બજારનો મોટો હિસ્સો કબ્જે કરવાના ધ્યેયના લીધે તેમના ખર્ચ પર અંકુશ રાખવાનો જરા પણ ઇરાદો ધરાવતી નથી.

ફ્લિપકાર્ટ (ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને હોલસેલ એકમ), એમેઝોન સેલર સર્વિસિસ અને પેટીએમ મોલની સંયુક્ત ખોટ 2016-’17ના ₹6,726.6 કરોડથી વધીને ₹11,295.5 કરોડ થઈ હતી, આમ તેણે 68 ટકાનો નોંધપાત્ર ઉછાળો દર્શાવ્યો હતો.

ત્રણેય ઇ-કોમર્સ કંપનીઓએ આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ હોવા છતાં પણ આ ખોટ નોંધાવી હતી. પણ તેમની આવક કરતાં ખોટનો દર વધારે હતો. તેમની કુલ આવક 2016-’17ના ₹21,085.6 કરોડથી 44 ટકા વધીને 2017-’18માં ₹30,509.8 કરોડ થઈ હતી.

આ સેક્ટરનો ટ્રેક રાખતા નિષ્ણાતોનું કહેવું છે કે ભારતનું ઇ-કોમર્સ બજાર હજી પ્રાથમિક તબક્કામાં છે અને દરેક કંપની ઓનલાઇન શોપિંગની વધતી જતી વસતીમાં હિસ્સો મેળવવા ઇરાદો ધરાવે છે, જેની સંખ્યા હાલના 8 કરોડથી વધીને આગામી કેટલાંક વર્ષોમાં 20 કરોડે પહોંચે તેમ મનાય છે.

ભારતીય ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને પ્રોત્સાહન આપવાનું જારી રાખશે, ઓમ્નીચેનલ વૃદ્ધિ જારી રાખશે, લોજિસ્ટિક્સ જારી રાખશે અને પ્રાઇવેટ લેબલ્સ વધુ ને વધુ ગ્રાહકો ઓનલાઇન મેળવશે તેમ મનાય છે. આ જોતાં લાગતું નથી કે ભારતમાં ઇ-કોમર્સ કંપનીઓ આગામી કેટલાંક વર્ષો સુધી તેની ખોટ જારી રાખે.