

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાની તા. 8મી એપ્રિલને છેલ્લો દિવસ હતો ત્યારે કુલ452 ઉમેદવારોમાંથી 81 ઉમેદવોરોએ ઉમેદવારી પરત ખેચતા હવે કુલ 371 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા હતા. જેના કારણે હવે ગુજરાતમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

રાજ્યની ર6 બેઠક પૈકી સુરેન્દ્રનગર, જામનગરમાં સૌથી વધુ અને પંચમહાલ, દાહોદ, ખેડામાં સૌથી ઓછા ઉમેદવાર ચૂંટણી જંગમાં ઊતર્યા છે. દરમ્યાન ચૂંટણીપંચ દ્વારા સુરેન્દ્રનગર-ગાંધીનગર અને અમદાવાદ (પૂર્વ)માં વધારે ઉમેદવારો હોઇ જે તે વિધાનસભા વિસ્તારમાં બે-બે બેલેટ યુનિટની વ્યવસ્થા કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. એટલે કે આ ત્રણે બેઠક પર બે બેલેટ યુનિટ રાખવામાં આવશે.
તા.8મી એપ્રિલે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે કુલ 452 ઉમેદવારોમાંથી 81 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેચતાં હવે કુલ 371 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.
રાજ્યની સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાંથી સૌથી વધુ 31 ઉમેદવાર છે. આ બેઠક પર ઉમેદવારની સંખ્યા પંદરથી વધારે હોઇ ચૂંટણીપંચ દ્વારા મતદાન મથકદીઠ બે ઇવીએમ મશીન અથવા તો બેલેટ યુનિટ મૂકીને મતદાનની પ્રક્રિયા હાથ ધરવાની કવાયત આરંભાઇ છે. જ્યારે ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કૉંગ્રેસના સી. જે. ચાવડા વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે, જોકે ગાંધીનગરમાં કુલ 34 ઉમેદવાર પૈકી 17 ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતાં હવે કુલ 17 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.
આ બેઠક પર પણ 1પથી વધુ સંખ્યામાં ઉમેદવાર હોઇ ત્યાં મતદાન મથકદીઠ બે બેલેટ યુનિટની વ્યવસ્થા ઊભી કરાશે.

ગુજરાતમાં આગામી તા. 23મી એપ્રિલે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા રાજ્યના અનેક જિલ્લાઓમાં ચૂંટણી સભાઓ સંબોધવાની દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓ રાજ્યના ચૂંટણી પ્રવાસની શરૂઆત કરી દીધી છે. બુધવારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ અને સોનગઢમાં ભાજપની જંગી ચૂંટણીસભાને સંબોધશે. નરેન્દ્ર મોદીનો લોકસભાનીચૂંટણીના પ્રચારનો વ્યસ્ત શિડયુલને કારણે આણંદ લોકસભા મતક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ થયો હતો જ્યારે નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 1300 જેટલા જવાનો ખડે પગે ફરજ બજાવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે એક દિવસના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે. જૂનાગઢમાં એક જાહેરસભાને સંબોધ્યા બાદ બપોરે સોનગઢમાં પણ એક જાહેરચૂંટણીસભા સંબોધશે. આ સિવાય સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં પણ પીએમ મોદી સભાઓ ગજાવશે. પીએમ મોદી ગુજરાતના મહેમાન બનવાના હોવાથી તેમને આવકારવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે પીએમ મોદી જે સ્થળે જનસભાઓ સંબોધવાના છે તે જગ્યાએ રાજ્યના ગૃહ ખાતા દ્વારા 1300 જેટલા પોલીસ કર્મચારીઓને સઘન સુરક્ષાના બંદોબસ્તમાં ખડે પગે ચૂંટણી બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ આગામી તા. 17મી એપ્રિલે તેઓ આણંદ સહિત સૌરાષ્ટ્રમાં પ્રચાર અભિયાનને આગળ ધપાવશે એમ પ્રદેશ ભાજપ તરફથી જણાવાયુ હતું. અગાઉ આણંદ લોકસભા મતક્ષેત્રના ઉમેદવાર મિતેષ પટેલના પ્રચાર માટે વલ્લભ વિદ્યાનગરમાં 10 એપ્રિલની સવારે વલ્લભ વિદ્યાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજવાનો કાર્યક્રમ તૈયાર થયો હતો, પરંતુ તેમના અત્યંત વ્યસ્ત શિડયુલને કારણે હવે આ સભા તા.17મી એપ્રિલ પર મુકરર કરવામાં આવ્યો હતી. વડા પ્રધાન મોદી તા.17મી એપ્રિલે મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભાજપના પ્રચાર અભિયાનને આગળ વધારે તેના કાર્યક્રમો તૈયાર થઈ રહ્યા છે.
છત્તીસગઢ રાજ્યના દાંતેવાડા જિલ્લામાં મંગળવારે નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા ભાજપના વિધાનસભ્ય ભીમા માંડવી અને તેમના ચાર સુરક્ષા કર્મચારીઓના મૃત્યુ થયા હતા.
પોલીસે આપેલી માહિતી મુજબ આ બનાવ શ્યામાગિરિ હિલ્સ નામના વિસ્તારમાં બન્યો હતો. ભીમા તેમના કાફલા સાથે બાચેલી વિસ્તારના કુવાકૉન્ડા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે તેમના પર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. આ ઘટના રાજ્યના પાટનગર રાયપુરથી 450 કિલોમીટર દૂર બની હતી.
નક્સલવાદીઓએ આઇઇડી (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝીવ ડિવાઇસ)ના વિસ્ફોટના વિધાનસભ્યના કાફલાના મુખ્ય વાહનને ઉડાવી દીધું હતું તેમ જ એ વાહનમાં બેઠેલાઓ પર ગોળીબાર કર્યો હતો જેમાં વિધાનસભ્ય તથા તેમના ચાર સિક્યૉરિટી કર્મચારીઓ માર્યા ગયા હતા.
સલામતી દળો તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થાનિક ટીવી ચૅનલોએ આ ગોઝારી ઘટનાની તસવીરો પ્રસારિત કરી હતી. તસવીરો મુજબ ગાઢ જંગલની નજીકના રસ્તા પર વાહનના ચૂરેચૂરા થઈ ગયા હતા અને પ્રચંડ આઇઇડી બ્લાસ્ટને કારણે રસ્તા પર ખાડો પડી ગયો હતો.

આવો જ એક હુમલો મે, 2013માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે બસ્તર જિલ્લામાં થયો હતો જેમાં કૉંગ્રેસના નેતા મહેન્દ્ર કર્મા તેમ જ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વી. સી. શુક્લા સહિત 27 જણાના મૃત્યુ થયા હતા.
ગયા વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં દાંતેવાડામાં કરવામાં આવેલા હુમલામાં સીઆઇએસએફના કર્મચારીઓ તથા ત્રણ નાગરિકો મૃત્યુ પામ્યા હતા. એ બનાવમાં આઇઇડીના વિસ્ફોટની મદદથી નક્સલવાદીઓએ એક બસને ઉડાવી દીધી હતી.
દાંતેવાડા વિસ્તાર લોકસભાના બસ્તર મતદારક્ષેત્રમાં છે અને ત્યાં આવતી કાલે પ્રથમ તબક્કામાં જ મતદાન થવાનું છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલાઓને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યા હતા. તેમણે અટૅકમાં ભોગ બનેલાઓના પરિવારજનોને આ આપત્તિના સમયનો સામનો કરવાની ઇશ્ર્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.
કૉંગ્રેસે પણ મંગળવારે દાંતેવાડાના હુમલાને વખોડી કાઢ્યો હતો. પક્ષ-પ્રમુખ રાહુલ ગાંધીએ આ ઘટનાને ‘અત્યંત કરુણ’ ગણાવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘આ હુમલામાં ભોગ બનેલા સદગતના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ આપત્તિના સમયનો સામનો કરવાની શક્તિ મળે એવી હું ઇશ્ર્વરને પ્રાર્થના કરું છું.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે એકબીજાના હાથ પકડીને સ્ટેજ પર પ્રવેશ કર્યો હતો. લાતુર અને ઉસ્માનાબાદના યુતિના ઉમેદવારની સંયુક્ત ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ મરાઠી ભાષામાં શરૂઆત કરી હતી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પોતાના નાના ભાઈ તરીકે સંબોધ્યા હતા. છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી અને સિદ્ધેશ્ર્વર મહારાજ તથા આઈ તુળજાભવાનીના આશીર્વાદ સાથે મહારાષ્ટ્રની પુણ્ય ભૂમિને નમન કરતા તેમણે મારા નાના ભાઈ ઉદ્ધવ ઠાકરે એવું સંબોધન કર્યું હતું.
મોદીએ કૉંગ્રેસ પર જોરદાર હુમલો કરતાં કહ્યું હતું કે કૉંગ્રેસે હિન્દુ હૃદયસમ્રાટ એવા બાલાસાહેબ ઠાકરેનું નાગરિકત્વ છીનવીને મતદાનના અધિકારથી વંચિત રાખ્યા હતા તેને કોઈ ભૂલશે નહીં.

કૉંગ્રેસ અને પાકિસ્તાનના વિચાર અને નિવેદન એકસરખા છે. આપણા સુરક્ષા જવાનોએ પાકના આતંકી કેમ્પ પર બે વાર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. દરેક વખતે કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ પુરાવા માગ્યા હતા. જવાનોનું મનોબળ તોડે એવા રોજ નિવેદન કરાય છે. કૉંગ્રેસે ચૂંટણીઢંઢેરામાં પણ રાષ્ટ્રદ્રોહનો કાનૂન નાબૂદ કરવા તથા સુરક્ષા દળોને પાવર ઘટાડવા જણાવ્યું છે. આવા લોકોની ચૂંટણીમાં ડિપોઝિટ જાય એ માટે જનતાને હાકલ કરી હતી.
પ્રથમવાર મતદાન કરનારાએ તેમનો વોટ બાલાકોટમાં આતંકી કેમ્પનો ખાતમો બોલાવનાર વીર જવાનોને સમર્પિત કરવો જોઈએ, એમ મોદીએ કહ્યું હતું. કૉંગ્રેસના નેતાઓને કારણે પાકિસ્તાનનું સર્જન થયું હતું. કૉંગ્રેસ આવશે તો ભ્રષ્ટાચાર ફરીથી ફૂલશે-ફાલશે. કૉંગ્રેસના ઘરેથી કરોડો રૂપિયા ચૂંટણી સમયે જપ્ત કરાયા છે, જે દર્શાવે છે કે કૉંગ્રેસની સંસ્કૃતિ કેવી છે. ખરા ચોર કોણ છે તે તમને ખબર પડી ગઈ છે.
કૉંગ્રેસ અને પાકિસ્તાનની ભાષા એકસરખી છે. આવા લોકોને દેશની સત્તા આપી શકાય એવો પ્રશ્ર્ન તેમણે કર્યો હતો. ભાજપે સંકલ્પપત્રમાં જણાવ્યું છે કે દેશની સુરક્ષા, ખેડૂતોના કલ્યાણ, આતંકવાદ નાબૂદી માટે તેઓ પ્રતિબદ્ધ છે. વંશવાદ ચલાવતા કૉંગ્રેસે બાલાસાહેબ ઠાકરે પરિવાર પાસેથી શીખવા જેવું છે, જેમણે સરકારમાં કોઈ હોદ્દો સ્વીકાર્યો નહોતો. મોદીએ એનસીપીના વડા શરદ પવાર પર હુમલો કરતા કહ્યું હતું કે ભાગલાવાદી પરિબળો સાથે પવાર ઊભા છે તે શોભતું નથી.
જમ્મુ-કાશ્મીરના ઉમર અબ્દુલ્લા અલગ વડા પ્રધાનની માગણી કરી રહ્યા છે તેવા લોકો સાથે પવાર ઊભા છે તે આશ્ર્ચર્ય જન્માવે છે. મરાઠા સ્ટ્રોંગમેન નબળા મનના લોકોની પડખે કેમ છે? એ પ્રશ્ર્ન પૂછ્યો હતો. સંયુક્ત રેલીને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ પણ સંબોધી હતી. કેન્દ્રના કડક પગલાંથી કાશ્મીરમાં દહેશતવાદ ઘટ્યો છે. પડોશી દેશ કૂણા પડ્યા છે.
આગામી તા.23મી એપ્રિલના રોજ સામાન્ય મતદારો મતદાન કરી શકે તેવી રીતે સર્વિસ વોટર્સ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને ખાસ ઇબેલેટ ઇમેલ દ્વારા મોકલીને તેમનો મત લેવામાં આવશે
સુરત જિલ્લા ચૂંટણી તંત્ર સુરતમાં એક પણ વોટર તેમના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે જડબેસલાક વ્યવસ્થાતંત્ર વિકસાવી રહી છે. તા.23મી એપ્રિલના રોજ સામાન્ય મતદાતાઓ સુપેરે તેમનો મતાધિકાર ઉપયોગ કરી શકે તેની સાથે સર્વિસ વોટર્સ પણ દેશની સેવામાં રહીને પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને ખાસ ઇબેલેટની સુવિધા આપવામાં આવી છે.
કોણ હોય છે સર્વિસ વોટર્સ
સર્વિસ વોટર્સ એટલે કે દેશની સુરક્ષા માટે જુદા જુદા મોરચાઓ, સરહદો પર ફરજ બજાવી રહેલા આર્મી, નેવી, એરફોર્સ, પેરામિલીટરી ફોર્સ વગેરે તમામ પ્રકારના સૈનિકોને સર્વિસ વોટર્સ ગણવામાં આવે છે. સૈનિકો મતદાનના સમયે પોતાની ફરજ પર દેશમાં જુદા જુદા સ્થળો, સરહદો, મોરચાઓ પર ફરજ બજાવતા હોય છે, તેઓ ભારતના મતદાતા છે અને તેમની પાસે પણ મતાધિકારી છે. ચૂંટણી પંચનું સૂત્ર છે કે કોઇ મતદાતા તેના અધિકારથી વંચિત ન રહેવો જોઇએ. આમ, સૈનિકો દેશ માટે ફરજ બજાવતા હોય તે સ્થળેથી પણ તેમના રહેણાંકના વિસ્તારમાં થનારી ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે તેમને ઇબેલેટ મોકલીને તેમનો મત માગવામાં આવે છે અને સામાન્ય મત ગણતરી સાથે સૈનિકોના મતોની પણ ગણતરી કરવામાં આવે છે.

કલેક્ટર ડો. ધવલ પટેલે આપેલી માહિતી મુજબ સુરત શહેર જિલ્લામાં કુલ 354 સર્વિસ વોટર્સ છે. આ વોટર્સને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તેમના આધિકારીક ઇમેઇલ પર બેલેટ પેપર મોકલવામાં આવશે. બેલેટ પેપર ઉપરાંત અલાયદા ઇમેઇલથી પાસવર્ડ પણ મોકલવામાં આવશે. ઇબેલેટ અને ઇવોટિંગને લગતું આ મટિરીયલ ત્યાંના કમાન્ડિંગ ઓફિસરને મોકલવામાં આવશે. કમાન્ડિંગ ઓફિસરને મળેલા પાસવર્ડના આધારે ઇબેલેટ ઓપન કરી શકાશે અને સર્વિસ વોટર પોતાના મનગમતા ઉમેદવારને મત આપી શકશે. આ સમગ્ર પ્રક્રિયા ગુપ્ત મતદાન થકી જ હાથ ધરાશે. સર્વિસ વોટર સિવાય કોઇપણ આ પ્રક્રિયામાં કોને મત આપ્યો તે જોઇ શકશે નહીં કે તેને પ્રભાવિત કરી શકશે નહીં.
ઇબેલેટ પર સર્વિસ વોટરનું વોટિંગ થઇ ગયા બાદ જે તે કમાન્ડિંગ ઓફિસર સંબંધિત ચૂંટણી અધિકારીને ઇ બેલેટ મોકલી આપશે અને જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે તેની ગણતરી સૌથી પહેલા હાથ ધરવામાં આવશે.
સર્વિસ વોટર્સ માટે ઇલેક્શન કમિશનએ ખાસ વેબસાઇટ તૈયાર કરી છે
સર્વિસ વોટર્સ એટલે કે દેશની સુરક્ષા માટે તૈનાત સૈનિકો, આ સૈનિકો મતદાન કરી શકે તે માટે દેશના ચૂંટણી પંચે ખાસ વેબસાઇટ તૈયાર કરી છે અને આ વેબસાઇટ પર આર્મી, નેવી, એરફોર્સ અને અર્ધસૈન્ય બળ તમામ પ્રકારના પેરામિલિટરી ફોર્સીસ વગેરેમાં ફરજ બજાવતા સૈનિકો, જવાનોને મતદાન કરવા માટેની ગાઇડલાઇન્સ આપવામાં આવી છે. આ વેબસાઇટનું નામ આ મુજબ http://servicevoter.nic.in/ છે.
સૈનિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા સૂત્ર અપાયું, તેરી આવાઝ ભી જરૂરી તેરા વોટ ભી જરૂરી
દેશના ચૂંટણી પંચે ભારતીય સૈનિકો પછી એ કોઇપણ આર્મી, નેવી, એરફોર્સ, પેરામિલીટરી ફોર્સ કોઇપણ શાખામાં ફરજ બજાવતા હોય પ્રત્યેક સૈનિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. આ માટે એક વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન તેમજ સૈનિકોમાં મતદાન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. સર્વિસ વોટર ગણાતા સૈનિકો માટેનું એક સૂત્ર હાલમાં ભારતમાં અતિ પ્રચલિત છે અને એ એ છે કે તેરી આવાઝ ભી જરૂરી, તેરા વોટ ભી જરૂરી….
ધો.10ની પરીક્ષા પૂર્ણ થયાના સપ્તાહમાં જ સુરતમાં ધો.11-12 સાયન્સની સ્કુલો ધમધમી ઉઠી હતી. ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહની જેન્યુઇન રીતે ચાલતી સ્કુલો ઉપરાંત સુરતમાં સૌથી મોટો ઉપદ્રવ જો કોઇનો હોય તો એ ડમી સ્કુલોનો છે. જેઇઇ, નીટના નામે પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસો ચલાવતા હિન્દીભાષી ધંધાદારીઓએ સુરતના વાલીઓના ખીસ્સા ખંખેરવાના આશયથી સુરતમાં ડમી સ્કુલો શરૂ કરાવી છે અને આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ જાણતા હોવા છતાં ભેદી કારણોસર ડમી સ્કુલોને બેરોકટોક પણે ચાલવા દે છે.

જે.ઇ.ઇ. મેઇન્સ, નીટ, બિટ્સ પિલાની, જેઇઇ એડવાન્સ્ડ વગેરે જેવી પ્રવેશ પરીક્ષાઓના નામે હિન્દી ભાષીઓએ શહેરના કેટલાક શાળા સંચાલકોને સાધીને ડમી સ્કુલો શરૂ કરી છે. ચર્ચાસ્પદ ડમી સ્કુલો અંગે વાલીઓ પાસેથી મળેલી માહિતી મુજબ
માં ધો.11-12 વિજ્ઞાન પ્રવાહના રેગ્યુલર શિક્ષણના નામે ડમી સ્કુલો ચાલી રહી હોવાની ફરીયાદો ઉઠી છે. જે વાલીઓ ભણી ચૂક્યા છે તેઓ પણ કહેવા માટે તૈયાર છે કે ઉપરોક્ત શાળાઓ ડમી સ્કુલ તરીકે કાર્ય કરી રહી છે. આ સ્કુલોમાં રેગ્યુલર સ્કુલ સ્ટડી કરતા ક્લાસીસોમાં વિદ્યાર્થીઓની વધુ હાજરી હોય છે. દરેક સ્કુલોએ કોઇકને કોઇક ધંધાદારી કોચિંગ ક્લાસીસો સાથે સાંઠગાંઠ કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓને અનધિકૃત રીતે કેટલીક સગવડ કરી આપી છે. જેમાં વિદ્યાર્થીઓ શાળામાં નહીં જાય તો પણ તેમની પૂરેપૂરી હાજરી પૂરી દેવામાં આવે છે. ડમી સ્કુલોની જો ઝીણવટભરી તપાસ કરાવવામાં આવે તો કેટલાક વિદ્યાર્થીઓને તો સુરતથી છેક રાજસ્થાનના કોટા કે પિલાનીમાં રહીને ત્યાં કોચિંગ ક્લાસીસના સાનિધ્યમાં પરીક્ષાની તૈયારી કરવાની છૂટ આપવામાં આવે છે.
સ્કુલમાં ગેરહાજરી છતાં હાજરી પૂરી દેવાય, પ્રેક્ટિકલ્સ બિલકુલ જ ન કરાવે
ડમી સ્કુલોમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ્સ કરાવવામાં આવતા નથી. આમ, હાજરીમાં છૂટછાટ, પ્રેક્ટિકલમાં છૂટ વગેરેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્વાભાવિક રીતે જ ડમી સ્કુલો તરફ આકર્ષાય રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે તેજસ્વી વિદ્યાર્થીઓ જેઇઇ અને નીટમાં મોટા સ્કોરની લ્હાયમાં રેગ્યુલર સ્કુલ કરતા ડમી સ્કુલોમાં એડમિશન લઇને ધંધાદારી કોચિંગ ક્લાસીસો મારફતે તૈયારી કરવાનું પસંદ કરે છે.
બોર્ડના માર્કસની જરૂર નથી એવો દુષ્પ્રચાર ડમી સ્કુલો અને કોચિંગ ક્લાસીસો કરે છે
ડમી સ્કુલોના સંચાલકો અને શહેરમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા હિન્દીભાષી ટ્યુશનીયા સંચાલકો વાલીઓમાં એવો દુષ્પ્રચાર ફેલાવે છે કે મેડીકલ-ડેન્ટલમાં નીટના સ્કોરથી જ પ્રવેશ મળે છે અને આઇ.આઇ.ટી. એનઆઇટી જેવી નેશનલ ઇન્સ્ટિટ્યુટ્સમાં જેઇઇ મેઇન્સ અને જેઇઇ એડવાન્સ્ડથી જ પ્રવેશ મળે છે, બોર્ડના માર્ક ગણતરીમાં લેવાતા નથી. આ બાબતમાં હકીકત દોષ હોય છે. અથવા તો આવા સંચાલકો અર્ધસત્ય જણાવાને વાલીઓ અને વિદ્યાર્થીઓને આકર્ષે છે.
જેન્યુઇન રીતે ચાલતી સ્કુલોના તેજસ્વી વિદ્યાર્થીઓને તોડી લાવે છે ડમી સ્કુલો
ડમી સ્કુલો ચલાવતા ધંધાદારી કોચિંગ ક્લાસીસોના સંચાલકો જેન્યુઇન રીતે ચાલતી શહેરની વિજ્ઞાન પ્રવાહની સ્કુલોના તેજસ્વી વિદ્યાર્થીઓને તોડી લાવવાના ગોરખધંધામાં પડી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને શાળામાં મરજિયાત હાજરીની લાલચ, સ્કોલરશીપની લાલચ, રેડીમેડ સ્ટડી મટિરીયલની લાલચ, સ્પેશિયલ સ્કોલર બેચની લાલચ આપીને ડમી સ્કુલમાં એડમિશન લેવા માટે દુષ્પ્રેરણા આપી રહ્યા છે.
હંમેશા રેગ્યુલર ચાલતી સ્કુલોમાં જ ભણવું જોઇએ
શહેરમાં શિક્ષણ ક્ષેત્રમાં એક્સપર્ટસ પર્સનાલિટીઓને જ્યારે સી.આઇ.એ.એ પૂછ્યું કે ધો.11-12 વિજ્ઞાન પ્રવાહ રેગ્યુલર સ્કુલમાં ભણવું જોઇએ કે ડમી સ્કુલમાં ત્યારે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ડમી સ્કુલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્થિતિ બાવાના બેઉ બગડ્યા જેવી થાય છે. ધો.11-12 સાયન્સ રેગ્યુલર ચાલતી સ્કુલમાં જ ભણવું જોઇએ. ધો.12 પછી કોલેજ પ્રવેશ માટે જેટલી પ્રવેશ પરીક્ષાના માર્કસની જરૂર છે તેટલી જ જરૂર બોર્ડના પરીણામની પણ છે. આઇઆઇટી અને એનઆઇટીમાં પ્રવેશ માટે ધો.12ના પરીણામમાં 75 ટકા હોવા અનિવાર્ય છે. એવી રીતે મેડીકલ ડેન્ટલમાં પ્રવેશ માટે ધો.12માં લઘુત્તમ 50 પર્સન્ટ અનિવાર્ય છે. શાળાઓ વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ કરી શકે છે, ટ્યુશન ક્લાસીસોનો સહારો વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ કરી શક્તી નથી.
શહેરની એક હોમિયોપેથિક મેડિકલ કૉલેજમાં એક પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાના આક્ષેપ બાદ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં એકઠા થઈ હંગામો મચાવ્યો હતો જેના પગલે કૉલેજના સંચાલકોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જોકે પ્રોફેસરે લાગેલા તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા તેમ જ તમામ સહકાર આપવાની વાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ગોંડલ રોડ પર એક હોમિયોપેથિક કૉલેજની વિદ્યાર્થિનીઓ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી ત્યાં છેડતીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીએ કૉલેજના એક પ્રોફેસર વિરુદ્ધ છેડતીના આરોપ સહિત આખી ઘટના જણાવી હતી તે પહેલા આ ઘટના સામે આવ્યા બાદ હોમિયોપેથિક કૉલેજમાં વિદ્યાર્થિનીઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રગટ કયો હતો જેમાં કૉલેજના સંચાલકો દોડી આવી સમાધાન માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. યુવતી તેમ જ તેના માતાપિતાને પ્રોફેસર સામે કાયદેસરની ફરિયાદ કરવી હોય તો તે માટેની સમજ આપી હતી અને કૉલેજ પણ આવી ફરિયાદ મળ્યાં બાદ તપાસ કરી રહી છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પ્રોફેસરને કૉલેજમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કે પ્રોફેસરે કહ્યું હતું કે હું શરૂઆતથી કૉલેજ સાથે જોડાયેલો છું. મારા પર જે આક્ષેપ થયા છે તે પાયોવિહોણા છે. ટ્રસ્ટીઓએ મને કૉલેજના શિસ્તપાલનની જવાબાદરી આપી છે. આ દરમિયાન કોઈ વિદ્યાર્થિનીને ખોટું લાગી આવતા આવો ખોટો આક્ષેપ કર્યો છે. જો મારી સામે કાયદેસરની કાર્યવાહી થશે તો હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. કૉલેજ તરફથી મને કોઈ સૂચના આપવામાં આવી નથી. હાલના તબક્કે વાલીઓ સાથે પણ મારે કોઈ વાતચીત નથી થઈ. આ મુદ્દે વાતચીતથી સમાધાન આવી શકે છે. મારી તબિયત બરાબર ન હોવાથી હું કૉલેજ ગયો નથી.
ગુજરાતમાં બે દિવસથી ગરમીમાં રાહત બાદ સોમવારે એકાએક ગરમીનો પારો ઊંચકાતાં રાજ્યભરમાં લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા હતા. રાજ્યના સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, પાટણ, બનાસકાઠા, ભાવનગર, જૂનાગઢ અને અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું કાળઝાળ મોજું ફરી વળતાં શહેર અને ગ્રામ્યકક્ષાએ લોકોની સાથે મૂંગા પશુઓ અને પક્ષીઓની હાલત કફોડી થઈ ગઈ હતી અને અનેક જિલ્લાઓમાં ડીહાઈડ્રેશનના બનાવો ઉપરાંત 90 જેટલા લોકો ગરમીથી બેભાન થઈ ગયાના અને પાણીજન્ય બીમારીથી 1250થી વધુ લોકો સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેવાની આગાહી કરી હતી. અમદાવાદમાં ગુજરાતનું સૌથી વધુ તાપમાન 41.5 ડિગ્રી રહ્યું હતું. જોકે લોકોએ 43 ડિગ્રીની ગરમીનો અહેસાસ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચૈત્રના આરંભ સાથે ગરમીમાં બે દિવસથી લોકોને રાહત થતાં લોકોને કાતિલ ગરમીમાંથી છુટકારા બાદ સોમવારના દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો એકાએક ઊંચો જતા અને જિલ્લાઓમાં ગરમીના કારણે જાણે આકાશમાંથી અગનગોળા ફેકાતા હોય તેવો માહોલ સર્જાયો હતો.
જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 41.3 ડિગ્રી, કંડલા એરપોર્ટ ખાતે તાપમાન 40.8 ડિગ્રી અને અમદાવાદમાં તાપમાનનો પારો 41.6 સુધી પહોંચી ગયો હતો. રાજ્યના હવામાન ખાતાએ હજુ પાંચ દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરી હતી. જ્યારે અમરેલી, વલસાડ, કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, પાટણ અને મહેસાણા સહિતના જિલ્લામાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રી સુધી પહોંચી જતાં જનજીવન પર માઠી અસરો પડી હતી અને આકરી ગરમીને કારણે શહેરો અને જિલ્લાભરમાં લોકોની બીપી, ડીહાઈડ્રેશન, ઝાડા-ઊલટી, જેવી બીમારીનો ભોગ બન્યા હતા જેના કારણે અનેક શહેરી અને જિલ્લાના આરોગ્ય કેન્દ્રોલોકોની ભીડથી ઊભરાઈ રહ્યા છે. જ્યારે મનપાએ અમદાવાદમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને લોકોને કામ સિવાય ઘરની બહાર બપોરના એકથી સાંજના પાંચ નહીં નીકળવા સૂચનો કર્યા હતા. સાથે સાથે ખૂબ જ પાણી પીવાની તેમ જ ખુલ્લામાં વેચાતા ખોરાકો ઉપરાંત બરફના ગોળા ઠંડક માટે ઉપયોગ ન કરવા સૂચનો જારી કર્યા હતા. મનપા દ્વારા શહેરભરમાં ઠેર ઠેર ઠંડા પાણીની પરબો ઊભી કરવામાં આવી હતી. આમ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો એકાએક ઊંચકાતા જનજીવન પર માઠી અસરો પડી રહી છે અને ગરમીને કારણે અનેક લોકોની તબિયત બગડવાના બનાવો પણ વધી ગયા છે.
ભાજપના ચૂંટણીઢંઢેરાની આકરી ટીકા કરતા કૉંગ્રેસે સોમવારે કહ્યું હતું કે શાસક પક્ષે વર્ષ 2014ના તેના ચૂંટણીઢંઢેરાને માત્ર કૉપી પૅસ્ટ કર્યો છે અને માત્ર તેની અગાઉની સમયમર્યાદામાં જ ફેરફાર કર્યો છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે કહ્યું હતું કે ખરેખર તો ભાજપે ચૂંટણીઢંઢેરાને બદલે માફીનામું બહાર પાડવું જોઈતું હતું. શ્રેણીબદ્ધ ટ્વીટમાં પટેલે કહ્યું હતું કે કવર પૅજ પરથી જ ભાજપ અને કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરા વચ્ચેનો તફાવત જોઈ-જાણી શકાય છે. અમારા ચૂંટણીઢંઢેરાના કવર પૅજ પર લોકોની ભીડ છે જ્યારે ભાજપના ચૂંટણીઢંઢેરાના કવર પૅજ પર એક જ વ્યક્તિનો ચહેરો છે. ભાજપે ચૂંટણીઢંઢેરાને બદલે માફીનામું બહાર પાડવું જોઈતું હતું, એમ તેમણે કહ્યું હતું. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી માટે ભાજપે બહાર પાડેલો ચૂંટણીઢંઢેરો 2014ના ચૂંટણીઢંઢેરાની માત્ર નકલ છે અને તેમાં માત્ર સમયમર્યાદામાં ફેરફાર કરીને 2019થી બદલીને 2022, 2032, 2047, 2097 કરી છે. સદનસીબે તેમણે સમયમર્યાદા બદલીને આવતી સદીની નથી કરી, એમ તેમણે તેમની માઈક્રોબ્લૉગિંગ સાઈટ પર લખ્યું હતું.
ચૂંટણીઢંઢેરો જાહેર કર્યા બાદ કોઈપણ પ્રશ્ર્નનો સામનો ન કરવા બદલ તેમ જ તેનો જવાબ ન આપવા બદલ પટેલે ભાજપના નેતાઓ પર પ્રહાર કર્યો હતો અને કૉંગ્રેસે ચૂંટણીઢંઢેરો જાહેર કર્યા બાદ રાહુલ ગાંધીએ પત્રકારો સાથે સીધી વાતચીત કરી હોવા સાથે તેની સરખામણી કરી હતી. અમે ચૂંટણીઢંઢેરો જાહેર કર્યા બાદ વિગતવાર પ્રશ્ર્નોત્તરીનું સત્ર યોજ્યું હતું અને ભાજપે ચૂંટણીઢંઢેરો જાહેર કર્યા બાદ તેના નેતાઓ એકપણ પ્રશ્ર્નનો જવાબ આપ્યા વિના સીધા ઘરભેગા થઈ ગયા હતા, એમ તેમણે કહ્યું હતું. પાંચ વર્ષના શાસનકાળમાં ભાજપે શું કર્યું તેનો કોઈ જવાબ નહોતો એમ જણાવતાં પટેલે કહ્યું હતું કે ભાજપ અને તેના નેતાઓનો આ ઘમંડ જ 23 મેએ તેમના પતનનું કારણ બનશે. કેન્દ્રમાં ફરીવાર સત્તાનું સુકાન સંભાળવાનું શમણું જોઈ રહેલા ભાજપે સોમવારે જાહેર કરેલા ચૂંટણીઢંઢેરામાં રામમંદિરના નિર્માણમાં ઝડપ, આતંકવાદને અંકુશમાં લેવા કડક કાર્યવાહી અને આવનારા ત્રણ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવા સહિતનાં શ્રેણીબદ્ધ વચનો આપ્યાં છે.