આજના દિવસને ઇતિહાસ કાયમ માટે યાદ રાખશે. આજે તા.15મી નવેમ્બર 2022ના રોજ પૃથ્વી પર માનવીય વસતિ 800 કરોડની સંખ્યાને પાર કરી ગઇ છે. આ ઘટના સતત આપણને યાદ આવતી રહેશે. જનરલ નોલેજ તરીકે વિદ્યાર્થીઓને આ તારીખને સ્પર્શતા પ્રશ્નો પણ પૂછાતા રહેશે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનાઇટેડ નેશન્સ)ના આંકડા મુજબ આજે તા.15 નવેમ્બર 2022નો દિવસે પૃથ્વી પર માનવીય વસતિ 8 અબજનો આંકડો વટાવી ગઇ છે. 1974માં વિશ્વની કુલ વસતિ 4 અબજ હતી ત્યાર પછી 48 વર્ષમાં વિશ્વની વસતિ બમણી થઇ ગઇ છે. સમગ્ર પૃથ્વી પરના દેશોમાં આગામી કેટલાક દાયકાઓ સુધી વિશ્વની વસતિ સતત વધતી જોવાશે, પરંતુ પછી વસતિમાં ઘટાડો થશે જે મોટાભાગે ઓછા મૃત્યુ અને આયુષ્યમાં વધારાને કારણે આવશે.
વિશ્વની વસ્તી 8 અબજ સુધી પહોંચી છે, પરંતુ ‘વિસ્ફોટ’ સમાપ્ત થઈ ગયો છે, જેમ જેમ જન્મ દર ઘટી રહ્યો છે, આ સદીમાં તે અટકશે અને ઘટવાનું શરૂ કરશે ત્યાં સુધી વસ્તી ધીમી વધશે.
આપણે અત્યારે 8-બિલિયન વસ્તીના આંક પર છીએ, અને વર્ષ 2100 દરમિયાન 10 બિલિયનને વટાવીશું, પરંતુ યુએનના વસ્તી અંદાજ ડેટા અને ઘણા નિષ્ણાતો સંમત છે કે વિશ્વની વસ્તી કાયમ માટે વધશે નહીં. આ સદીમાં અમુક સમયે, વસ્તી ટોચ પર આવશે અને ત્યારબાદ ઘટાડો શરૂ થશે. રૂઢિચુસ્ત રીતે, 2086 માં ટોચ 10.4 બિલિયન પર રહેશે.
એલોન મસ્કે ટ્વીટરની કમાન સંભાળી ત્યારથી કંપનીમાં ઉથલપાથલ ચાલી રહી છે. ભારતમાં એલોન મસ્કે કંપનીના સમગ્ર સ્ટાફને હટાવી દીધો છે. લગભગ 250 લોકોને નોકરીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં હવે એલોન મસ્કે આખી કંપનીના 50% લોકોને કાઢી નાખ્યા છે. જેના કારણે 7,500 લોકોએ નોકરી ગુમાવી છે. એલોન મસ્કે ટ્વિટર પર કબજો કર્યાના એક અઠવાડિયાની અંદર ઘણી મોટી કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 50% કર્મચારીઓની તાત્કાલિક અસરથી છટણી કરવામાં આવી છે. તેઓનો ઈમેલ અને કંપનીના કોમ્પ્યુટરનો એક્સેસ છીનવી લેવામાં આવ્યો છે.
વિશ્વની દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ટ્વિટર તરફથી આવી તાબડતોડ છટણીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કંપનીના કર્મચારીઓ દ્વારા પણ છટણીની પુષ્ટિ કરવામાં આવી છે. યુ.એસ. અને કેનેડામાં ટ્વિટરના પબ્લિક પોલિસી ડાયરેક્ટર મિશેલ ઓસ્ટિનએ ટ્વિટ કર્યું કે, આજનો દિવસ એ સમાચાર સાથે શરૂ થાય છે કે ટ્વિટરમાં મારી સફર પૂરી થઈ ગઈ છે. મારૂ દિલ તુટી ગયું. હું તેને સ્વીકાર નથી કરી શકતો. એલોન મસ્કે છટણી અંગે ટ્વીટ કર્યું કે, ટ્વિટરમાં છટણી વિશે ઘણી વાતો થઈ રહી છે. દુર્ભાગ્યની વાત એ છે કે, આ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે કંપનીને દરરોજ 4 મિલિયન ડોલરનું નુકશાન થઈ રહ્યું છે તેથી બીજો કોઈ વિકલ્પ નહોતો.
આ મોટી છટણી પહેલા ટ્વીટરે કર્મચારીઓને ઓફિસ આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેઓને તેમના ભવિષ્યની રાહ જોવા અને જે નિર્ણય લેવામાં આવશે તેના આધારે કાર્ય કરવાનું કહેવામાં આવ્યું હતું. સોમવાર સુધી કર્મચારીઓને ઓફિસ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, સોમવાર પહેલા જ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બરતરફ કરાયેલા ટ્વિટરના ભૂતપૂર્વ કર્મચારીએ કહ્યું કે, ‘લોકોની સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તે અત્યંત અમાનવીય છે.’ તે કોઈ પણ કિંમતે પૈસા બચાવવા માંગે છે. એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું છે અને એવું માનવામાં આવે છે કે, તે બચતના માર્ગ પર છે અને નાણાંની ચૂકવણી કરવા માટે મોટા પાયે છટણી કરી રહ્યા છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર જીવલેણ હુમલો થયો હતો. ઈમરાન ખાનને પગમાં ગોળી વાગતા લાહોરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પૂર્વ પીએમની સ્થિતિ ખતરાથી બહાર છે. આ હુમલામાં પીટીઆઈના એક કાર્યકરનું મોત થયું હતું. ઈમરાન સહિત નવ ઘાયલ થયા હતા.
આ ઘટના પંજાબપ્રાંતના વઝીરાબાદમાં બની હતી. હુમલાખોરને પકડી લેવાયો હતો.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પૂર્વ પીએમ ઈમરાન ખાન પોતાની પાર્ટીની રેલીને સંબોધી રહ્યા હતા. સરકારના વિરોધ પ્રદર્શન માટે યોજાઈ રહેલી રેલીમાં અચાનક અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. ઈમરાન ખાનને નિશાન બનાવીને આ હુમલો થયો હતો. ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના એક કાર્યકરનું મોત થયું હતું. ઈમરાન સહિત નવને ઈજા થતાં લાહોરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ હુમલા પછી પીટીઆઈના નેતાઓએ સત્તાધારી પક્ષ અને વડાપ્રધાન શાહબાઝ શરીફ પર નિશાન સાધ્યું હતું. આ હુમલા પાછળ સત્તાધારી પાર્ટી જવાબદાર છે એવો આરોપ ઈમરાન ખાનના સમર્થકોએ લગાવ્યો હતો.
ફાયરિંગ થયું પછી તરત જ હુમલાખોરને પકડી લેવામાં આવ્યો હતો. ફૈઝલ બટ્ટ નામના આ હુમલાખોરનું નિવેદન લેવામાં આવ્યું હતું. હુમલાખોરે કબૂલાત કરી હતી કે તેણે ઈમરાન ખાનની હત્યાના ઈરાદે જ ફાયરિંગ કર્યું હતું. આ હુમલા પાછળનું કારણ જણાવતા હુમલાખોરે કહ્યું હતું કે ઈમરાન ખાન પાકિસ્તાનની જનતાને ગેરમાર્ગે દોરે છે તેથી એની હત્યા કરવા હુમલો કર્યો હતો. હુમલાખોરે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે ઈમરાન ખાન કોઈ કારણ વગર વિરોધ પ્રદર્શનો કરે છે એટલે લાહોરથી રેલીની શરૂઆત થઈ ત્યારથી જ તેણે હુમલાનું કાવતરું બનાવ્યું. આ હુમલા પાછળ બીજું કોઈ નથી. તેની સાથે હુમલાનું ષડયંત્ર રચવામાં પણ બીજા કોઈનો હાથ નથી એવું નિવેદન હુમલાખોરે આપ્યું હતું. પોલીસ હુમલાખોરની પૂછપરછ કરતી હોય એવો વીડિયો પણ સામે આવ્યો હતો. ઈમરાન ખાન પર હુમલો થયો તે પછી પીટીઆઈના કાર્યકરોએ ભારે હોબાળો કર્યો હતો.
ઈમરાન ખાને લાહોરથી આઝાદ માર્ચ શરૂ કરી હતી. સરકારના વિરોધમાં આ વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે અને તેમાં ઈમરાન સહિતના પાર્ટીના નેતાઓ ઉપરાંત સેંકડો કાર્યકરો પણ જોડાયા છે. હુમલો થયો ત્યારે ઈમરાન ખાન કન્ટેનરની છત પર ચડીને પાર્ટીના કાર્યકરોનું અભિવાદન કરી રહ્યા હતા. એ વખતે જ હુમલાખોરે ઓટોમેટિક ગનથી હુમલો કર્યો હતો.
દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં શનિવારે Date 29/10/22 એક લોકપ્રિય નાઈટ સ્પોટ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા બાદ સર્જાયેલી ભાગદોડને પગલે અનેક લોકોને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. રાષ્ટ્રપતિ યૂન સુક-યૂલે આ અંગે યોંગસાન ગૂ જીલ્લામાં આપદા ટીમને મદદ કરવા માટે આદેશ આપ્યા છે. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા પ્રમાણે હેલોવીન પ્રસંગે આ ઘટના બાદ ભારે ભીડની સ્થિતિમાં ભાગદોડ સર્જાઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 100 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા 155 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
હેલોવીનની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો એક સાંકડા માર્ગ પર એકત્રિત થયા હતા. ઓચિંતા જ સર્જાયેલી ભાગદોડની સ્થિતિમાં અનેક લોકો ફસાઈ ગયા હતા. જેને પગલે આશરે 100 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રાષ્ટ્રીય ફાયરબ્રિગેડ એજન્સીના એક અધિકારી ચોઈ ચેઓન સિકે કહ્યું કે ઈટાવન લીઝર જિલ્લામાં કેટલી સંખ્યામાં લોકોને હૃદય સંબંધિત બીમારી સર્જાઈ હતી તે અંગે ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. જોકે આ સંખ્યા કેટલાક ડઝનમાં હોઈ શકે છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે પોલીસ વ્યાપક પ્રમાણમાં તપાસ હાથ ધરી છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ઈટાવોનના માર્ગો પર નોંધાયેલ લોકોને CPR આપવામાં આવી રહ્યા છે ,જ્યારે અનેક લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલે પીડિતોને તાત્કાલિક સારવાર કરાવવા અને ઉત્સવ સ્થળોની સુરક્ષાની સમીક્ષા કરવા કહ્યું છે.
Tesla કંપનીના CEO ઈલોન મસ્ક આખરે સંપૂર્ણપણે Social Media Platform Twitter ટ્વિટરના માલિક બની ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરનો કંટ્રોલ હવે તેમના હાથમાં છે. અને ઈલોન મસ્ક એક્શન મોડમાં આવી ગયા હોય તેમ જણાઈ રહ્યું છે. તેમણે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત 3 ટોચના અધિકારીઓની હકાલપટ્ટી કરી છે. ટ્વિટર હેડ ક્વાર્ટરની પણ તેમણે મુલાકાત લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે ઈલોન મસ્કની ડીલ ક્લોઝ થઈ ત્યારે પરાગ અગ્રવાલ અને નેડ સેગલ સેન ફ્રાન્સિસ્કો ખાતે હેડક્વાર્ટર્સમાં જ હાજર હતા, પરંતુ પછી તેમને ત્યાંથી બહાર મોકલવામાં આવ્યા હતા. ઈલોન મસ્કનો આરોપ છે કે, આ લોકોએ તેમને અને અન્ય રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા હતા. હજી સુધી આ છટણી બાબતે ઈલોન મસ્ક, પરાગ અગ્રાવલ તેમજ અન્ય બે અધિકારીઓએ કોઈ ટિપ્પણી નથી કરી.
ઈલોન મસ્કના આ પગલાથી ટ્વિટરના કર્મચારીઓમાં ચર્ચા શરુ થઈ ગઈ હતી. જો કે, ઈલોન મસ્ક તરફથી ટ્વિટરના કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે તે 75 ટકા કર્મચારીઓની છટણી નહીં કરે. ઉલ્લેખનીય છે કે એવી અટકળો શરુ થઈ હતી કે ઈલોન મસ્ક 75 ટકા અથવા 5600 જેટલા કર્મચારીઓને નીકાળી દેશે. રિપોર્ટ અનુસાર, ઈલોન મસ્કે બધુવારે મોડી રાતે ટ્વિટરના હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને કર્મચારીઓને સ્પષ્ટ કરી દીધુ હતું કે તે આટલા બધા લોકોને નોકરી પરથી નહીં નીકાળે.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter Incના સંપૂર્ણ માલિક બની ગયા છે. અમેરિકન મીડિયાના અહેવાલ અનુસાર ટ્વિટરની ડીલ થઈ ગયા પછી તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે કંપનીના ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલ તેમજ બે અન્ય ઉચ્ચ અધિકારીઓને છૂટા કરી દીધા છે. આ બે અધિકારીઓમાં કંપનીના પોલિસી હેડ વિજયા ગાડ્ડે અને ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર નેડ સેગલ પણ સામેલ છે. આ સાથે જ પાછલા ઘણાં મહિનાઓથી ઈલોન મસ્ક અને ટ્વિટર વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. ઈલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે 44 અબજ ડોલરની ઓફર આપી હતી. પરંતુ ત્યારપછી તે પોતાની વાત પરથી ફરી ગયા હતા. ત્યારપછી ટ્વિટરે ઈલોન મસ્કને કોર્ટ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. જો શુક્રવાર સુધી ઈલોન મસ્ક આ ડીલને આગળ ના વધારતા તો કોર્ટમાં સુનાવણી શરુ થવાની હતી. ટેસ્લાના CEO ઈલોન મસ્કે કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી ડેડલાઈન પહેલા જ માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ પોતાના હાથમાં લઈ લીધું છે.
એક સમયે માત્ર ભારત સુધી મર્યાદિત દિવાળીની ઊજવણી હવે ગ્લોબલ ફેસ્ટીવલ બની ગઇ છે. વૈશ્વિક સ્તરે ભારતીયોનો દબદબો વધવાની સાથે હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઊજવણી પણ ભવ્ય બની છે. ઓસ્ટ્રેલિયાથી લઈને અમેરિકા સુધીના દેશોમાં હિન્દુઓ સહિત લોકોએ ધામધૂમથી દિવાળી ઊજવી હતી. અમેરિકન પ્રમુખ જો બાઈડેને ભારતીય મૂળના લોકો સાથે વ્હાઈટ હાઉસમાં અત્યાર સુધીની સૌથી મોટી ઊજવણી કરી હતી. અમેરિકામાં આગામી વર્ષથી દિવાળીના દિવસનો જાહેર રજામાં સમાવેશ કરાયો છે. આ વૈશ્વિક સ્તરે ભારતીયોનો વધતો પ્રભાવ દર્શાવે છે.
ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા સહિત અનેક દેશોએ દિવાળીની ઊજવણી કરી. અમેરિકન પ્રમુખ જો બાઈડેને ભારતીય મૂળના લોકો સાથે વ્હાઈટ હાઉસમાં દિવાળી ઊજવી હતી. આ સમયે ફર્સ્ટ લેડી જિલ બાઈડેન, નાયબ પ્રમુખ કમલા હેરિસ સહિત ભારતીય મૂળના ૨૦૦થી વધુ લોકો હાજર રહ્યા હતા. તેઓ પરંપરાગત ભારતીય પહેરવેશ શેરવાની, સાડીમાં પહોંચ્યા હતા અને આ રંગારંગ કાર્યક્રમમાં સિતારવાદક ઋષભ વર્માએ પરફોર્મ કર્યું હતું. કાર્યક્રમમાં મહેમાનોએ ભારતીય મીઠાઈઓનો સ્વાદ માણ્યો હતો. વ્હાઈટ હાઉસમાં સોમવારની રાતે દિવાળી પાર્ટીનું આયોજન કરાયું હતું.
અમેરિકામાં જ્યોર્જ બુશ તંત્ર દ્વારા વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઊજવણી શરૂ કરાઈ હતી. ત્યાર પછી નવેમ્બર ૨૦૦૮માં તત્કાલિન અમેરિકન પ્રમુખ બરાક ઓબામા અને ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહે પરમાણુ કરાર પર હસ્તાક્ષર કરતાં ભારત-અમેરિકાના સંબંધો વધુ મજબૂત બન્યા હતા. આજે બંને દેશના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે.
બાઈડેને કહ્યું કે, દિવાળીના પ્રસંગે વ્હાઈટ હાઉસમાં પહેલી વખત આટલા મોટા પાયે રિસેપ્શન થયું છે. અમારી સરકારમા ંઅગાઉની સરકારોની સરખામણીમાં વધુ એશિયન-અમેરિકનોનો સમાવેશ છે. દિવાળીના શાનદાર આયોજનને અમેરિકન સંસ્કૃતિનો ભાગ બનાવવા માટે બધાનો આભાર.
બાઈડેને વધુમાં કહ્યું, દિવાળીના પ્રસંગે હું દુનિયાના ૧૦૦ કરોડથી વધુ હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ ધર્મના લોકોને શુભેચ્છા પાઠવું છું. અત્યારે અમેરિકન સરકારમાં અલગ અલગ સંસ્કૃતિઓ સમાવિષ્ટ છે. ઉપપ્રમુખ કમલા હેરિસ આ પદે પહોંચનારાં પહેલાં અશ્વેત મહિલા છે. જિલ બાઈડને પણ એશિયન અમેરિકન સમાજના લોકોની પ્રશંસા કરતા કહ્યું કે, આ સમુદાયના લોકોએ અમેરિકાને આગળ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અમેરિકન ઉપપ્રમુખ કમલા હેરિસે કહ્યું કે, વ્હાઈટ હાઉસ સામાન્ય લોકોનું ઘર છે. અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઈડેને આ ઘરનું વાતાવરણ એવું બનાવ્યું છે કે અમેરિકાનો કોઈપણ નાગરિક પોતાની સંસ્કૃતિ અને તહેવારોની અહીં ઊજવણી કરી શકે છે.
દરમિયાન હિન્દુઓને દિવાળીની ઊજવણીની શુભેચ્છા પાઠવવામાં ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધીના કોઈ દેશ પાછળ નથી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીસ સહિત વિશ્વના અનેક નેતાઓએ દુનિયાભરમાં દિવાળીનો તહેવાર ઊજવનારા બધા જ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થનિ અલ્બનીસે કહ્યું હતું કે, આ દિવાળી તમારા અને તમારા પ્રિયજનો માટે દરેક ખુશીઓ અને શાંતિ લઈ આવે. સાથે જ ઓસ્ટ્રેલિયામાં સિડની ઓપેરા હાઉસ પણ ટી-૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતના વિજય પછી દિવાળી પ્રસંગે ઝગમગી ઊઠયું હતું.
આ સિવાય પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પાકિસ્તાન અને દુનિયાભરના હિન્દુ સમુદાયને દિવાળી પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ટ્વીટ કરી, દિવાળી, પ્રકાશના તહેવાર પર પાકિસ્તાન અને દુનિયાના હિન્દુ સમુદાયને શુભેચ્છાઓ. આ દિવસ આપણી દુનિયામાં શાંતિ, ખુશી અને સદ્ભાવ લાવે. વિશ્વના અનેક નેતાઓએ દિવાળી પર શુભેચ્છાઓ પાઠવી. .
બાઈડેને મંચ પર બાળકોને બોલાવી તેમને ‘પ્રકાશપુંજ’ ગણાવ્યા
વ્હાઈટ હાઉસાં આ વર્ષના દિવાળી સમારંભમાં પ્રમુખ જો બાઈડેને મંચ પર બે બાળકોને બોલાવ્યા હતા અને તેમને પ્રકાશપુંજ તરીકે ઓળખાવ્યા હતા. પાછળથી વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે, આ બંને બાળકો સાંસદ રો ખન્નાના સંતાનો સોરેન અને ઝારા છે. જો બાઈડેને ભારતીય મૂળના લોકોને સંબોધન કરતી વખતે સાંસદ રો ખન્નાના સંતાનોને મંચ પર બોલાવ્યા હતા અને સવાલ કર્યો હતો કે, તમે મંચ પર આવી શકો? તેમણે એક સાથીને બાળકોને મંચ પર લાવવા કહ્યું. આ સાથે બાઈડેને કહ્યું કે, આ બાળકો પ્રકાશપુંજ સમાન છે.
બ્રિટનમાં આર્થિક કટોકટી વચ્ચે વડાંપ્રધાન લિઝ ટ્રસે પદ સંભાળ્યાના માત્ર ૪૫ દિવસમાં જ શુક્રવારે રાજીનામું આપી દીધું હતું. આ સાથે તેમણે બ્રિટનમાં સૌથી ઓછો સમય વડાપ્રધાન રહેવાનો વિક્રમ સર્જ્યો છે. ટેક્સ કાપ સહિતના આર્થિક કાર્યક્રમો મુદ્દે લિઝ ટ્રસે આકરી ટીકાઓનો સામનો કરવો પડયો હતો અને તેમના પર રાજીનામું આપવા દબાણ હતું. ટ્રસના રાજીનામા સાથે બ્રિટનમાં ફરી એક વખત રાજીનામું ગરમાયું છે. ફરી એક વખત બ્રિટનમાં પીએમપદની રેસમાં રિશિ સુનાકનું નામ સૌથી આગળ છે. જોકે, પેની મોર્ડટ અને બોરિસ જ્હોન્સન પણ આ રેસમાં જોડાયા છે. હવે એક સપ્તાહમાં નવા વડાપ્રધાનની પસંદગીની શક્યતા છે.
લિઝ ટ્રસ વડાપ્રધાન બન્યા બાદથી જ ટેક્સ કાપના મુદ્દે વિરોધીઓના નિશાના પર હતા. આ કારણે જ તેમણે નાણામંત્રી ક્વાસી ક્વાર્ટેંગની માત્ર છ સપ્તાહમાં જ હકાલપટ્ટી કરવી પડી હતી. એક વરિષ્ઠ મંત્રીના રાજીનામા અને સંસદના નીચલા ગૃહમાં સભ્યો દ્વારા આકરી ટીકા પછી ૪૭ વર્ષનાં લિઝ ટ્રસે ગુરુવારે વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે, આગામી વડાપ્રધાનની નિમણૂક સુધી તેઓ પીએમપદે ચાલુ રહેશે. હવે એક સપ્તાહમાં નવા વડાપ્રધાનની નિમણૂક થવાની શક્યતા છે.
રોયટર્સના અહેવાલ મુજબ સાંસદોનું કહેવું છે કે તેમના ઉત્તરાધિકારી ઋષિ સુનક અથવા પેની મોર્ડટ હોઈ શકે છે. જોકે, સુનકના કટ્ટર વિરોધિ બોરિસ જ્હોન્સન પણ પીએમપદની રેસમાં જોડાયા છે. વડાપ્રધાન તરીકે લિઝ ટ્રસની પસંદગી સમયે રિશિ સુનક બીજા સ્થાને રહ્યા હતા. સુનકને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની દોડમાં સૌથી આગળ માનવામાં આવે છે, પરંતુ રિશિ સુનાક મુદ્દે બોરિસ જ્હોન્સનનું જૂથ વિરોધ કરી રહ્યું હોવાથી પક્ષની અંદર ખેંચતાણના કારણે સ્થિતિ સ્પષ્ટ નથી. બીજીબાજુ વિપક્ષ લેબર બાર્ટીએ વહેલા સામાન્ય ચૂંટણી યોજવાની માગણી કરી છે.
વડાપ્રધાન કચેરી ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના દરવાજા બહાર ટ્રસે કબૂલ્યું કે તેઓ કન્ઝર્વેટિવ નેતા માટે રેસમાં હતા ત્યારે તેમણે જે વચનો આપ્યા હતા તે પૂરા કરી શક્યા નહીં અને તેમણે તેમના પક્ષનો વિશ્વાસ ગુમાવી દીધો. તેમણે ઉમેર્યું કે, હું માનું છું કે હું મારા વચનો પૂરા કરી શકી નથી. વર્તમાન પરિસ્થિતિ જોઈને હું એવો જનાદેશ આપી ના શકી જેના પર મને કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા ચૂંટવામાં આવી હતી. તેથી મેં મહામહિમ રાજાને સંદેશ મોકલ્યો કે હું કન્ઝર્વેટિવ પક્ષના નેતાના રૂપમાં હું રાજીનામું આપી રહી છું. પદ છોડવા અંગે તેમણે કહ્યું કે હું ભાગી નથી. જવાબદારી પૂરી કરી શકી નથી તેના કારણે પદ છોડવાની જાહેરાત કરી રહીશું.
ટેક્સ કાપ સહિત તેમના આર્થિક કાર્યક્રમોના કારણે બ્રિટનના બજારમાં ઉથલ-પાથલ મચી ગઈ હતી અને રાજકીય સંકટ પેદા થઈ ગયું હતું. ત્યાર પછી ટ્રસે નાણામંત્રી બદલવા સહિત તેમની અનેક નીતિઓમાં યુ-ટર્ન લેવાની ફરજ પડી હતી. સાથે જ તેમના કાર્યકાળ દરમિયાન શાસક કન્ઝર્વેટિવ પાર્ટીમાં શિસ્તભંગની સ્થિતિ સર્જાઈ હતી. અનેક નેતાઓએ ટ્રસ પર વડાપ્રધાનપદ છોડવા દબાણ કર્યું હતું. પીએમપદેથી રાજીનામું આપતાં જ ટ્રસના નામે અનોખો રેકોર્ડ સર્જાયો છે. તેઓ બ્રિટનના સૌથી ઓછો સમય વડાપ્રધાનપદે રહેનાર નેતા બની ગયા છે. આ પહેલાં આ રેકોર્ડ જ્યોર્જ કેનિંગના નામે હતો, જેઓ ૧૮૨૭માં ૧૧૯ દિવસ સુધી પીએમપદે હતા. આ સમયે તેમનું મોત થઈ ગયું હતું.
થાઈલેન્ડમાં 6/10/22 ગરુવારે એક પૂર્વ પોલીસ અધિકારી પાન્યા ખામરાપે કત્લેઆમ કરી હતી. હુમલાખોરે પહેલાં થાઈલેન્ડની એક ડે કેર સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં ૨૪થી વધુ બાળકો સાથે ૩૪ લોકોનાં મોત થયા હતા અને ૨૨થી વધુને ઈજા પહોંચી છે. ત્યાર પછી ત્યાંથી તે પોતાના ઘરે પાછો ફર્યો. અહીં તેણે પત્ની અને બાળકને ગોળી મારી દીધી ત્યાર પછી તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. થાઈલેન્ડના નોંગ બુઆ લામ્ફુમાં આ માસ શુટિંગ એવા સમયે થયું હતું જ્યારે દેશવાસીઓ ૪૬ વર્ષ અગાઉ થયેલા એક માસ શૂટિંગની વરસી મનાવી રહ્યા હતા. તે સમયે પણ માસ શૂટિંગમાં ૪૦ વિદ્યાર્થીનાં મોત નીપજ્યાં હતા. પોલીસે જણાવ્યું કે નોન્ગબુઆ લામ્ફુ શહેરમાં પૂર્વ પોલીસ અધિકારી ખામરાપે એક નર્સરીમાં બાળકો અને વયસ્કો પર આડેધડ ગોળીબાર કર્યો હતો અને ચાકુથી હુમલો કર્યો હતો.
આ ઘટના નજરે જોનારાઓએ કહ્યું કે, એક હેન્ડગન સાથે શકમંદને નર્સરી તરફ આવતો જોતાં તેમણે સ્કૂલનો દરવાજો બંધ કરી દીધો હતો. પરંતુ ખામરોપે તેની આરપાર ગોળીબાર કર્યો હતો. તેણે એક હેન્ડગન, એક શોટગન, એક ચાકુ સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલાખોરે સ્કૂલમાં ગોળીબાર કર્યા પછી પત્ની અને બાળકની પણ હત્યા કરી દીધી હતી. હુમલાનો આશય હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યો નથી. નેશનલ પોલીસના પ્રવક્તા અચયો ક્રેથોંગે કહ્યું કે આ ઘટના નોંગ બુઆ લામ્ફુ પ્રાંતની છે. આ સામૂહિક હત્યાકાંડમાં ઓછામાં ઓછા ૩૬ લોકો માર્યા ગયા છે. આ ઘટનાથી થાઈલેન્ડમાં હાહાકાર મચી ગયો છે. ચાઈલ્ડ ડે કેર સેન્ટરમાં ચારે બાજુ લાશો જ જોવા મળી રહી હતી. સ્કૂલમાં માર્યા ગયેલા ૩૬ લોકોમાં ૨૪ બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે.
મીડિયા અહેવાલ મુજબ ૩૪ વર્ષીય પોલીસ લેફ્ટનન્ટ પાન્યા ખામરાપે સ્કૂલ પર હુમલો કર્યો હતો. તે નજીકના પોલીસ સ્ટેશનમાં જ તૈનાત હતો. તે ડ્રગ એડિક્ટ હોવાથી થોડાક સમય પહેલાં જ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ખામરાપે ડે કેર સેન્ટરમાં ગોળીબાર કર્યો ત્યારે બાળકો સૂઈ ગયા હતા. ડેપ્યુટી નેશનલ પોલીસ ચીફ પોલ એલટી જનરલ તોરસાક સુખવિમોલે કહ્યું કે આ હુમલામાં ૨૨ લોકોને ઈજા પહોંચી છે, જેમાં આઠની હાલત ગંભીર છે.
ખામરાબે આ હુમલો એવા સમયે કર્યો હતો જ્યારે સમગ્ર થાઈલેન્ડ ૪૬ વર્ષ પહેલાં થયેલા માસ શૂટિંગમાં માર્યા ગયેલા ૪૦ વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલી આપી રહ્યો હતો. થાઈલેન્ડમાં ૧૯૭૬માં આજના જ દિવસે બેંગકોકની થામાસેટ યુનિવર્સિટીમાં નરસંહાર થયો હતો, જેમાં ૪૦ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. વર્ષ ૧૯૭૩માં થાઈલેન્ડમાં તાનાશાહ થાનોમ કિત્તિકાચોર્નને સત્તા પરથી હટાવી દેવાયા હતા, પરંતુ સપ્ટેમ્બર ૧૯૭૬માં તેમણે ફરી સત્તા કબજે કરી હતી.
થાનોમના પુનરાગમનના વિરોધમાં થામાસેટ યુનિવર્સિટીમાં ૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ દેખાવો કરી રહ્યા હતા ત્યારે જ યુનિવર્સિટી પરિસરમાં એક બોમ્બ ફેંકવામાં આવે છે અને પછી ગોળીબાર શરૂ થાય છે. ગોળીબાર વચ્ચે પોલીસ અને દક્ષિણપંથી કટ્ટરવાદી જૂથના લોકો યુનિવર્સિટી કેમ્પસનો દરવાજો તોડીને અંદર ઘૂસી આવે છે. ત્યાર પછી કત્લેઆમ શરૂ થાય છે, જેમાં ૪૦ વિદ્યાર્થીઓને મોતને ઘાટ ઉતારી દેવાય છે.
પૂર્વ જાવાના મુખ્ય પોલીસ નિકો અફિન્ટાએ કહ્યું કે અરેમા એફસી અને પર્સેબાયા સુરાબાયા વચ્ચે મેચ પૂર્ણ થયા બાદ હારનારી ટીમના સમર્થકો પિચ પર પહોંચી ગયા હતા અને પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા, જેમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકોને ગૂંગળામણ થયા આ ઘટના સર્જાઈ હતી.
અહીં એક ફૂટબોલ મેચ દરમિયાન ભડકેલી હિંસામાં 129 લોકોના મોત થયાની ખબર સામે આવી છે, જ્યારે 180 કરતા વધારે લોકો ઘાયલ થયા છે. ઈન્ડોનેશિયા પોલીસે રવિવારે જણાવ્યું કે પૂર્વ જવા પ્રાંતમાં ફૂટબોલ મેચ દરમિયાન રાત્રે નાસભાગ મચી ગઈ હતી, જેમાં 129 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે 108 લોકો ઘાયલ થઈ ગયા હતા. આ મામલે વધારે તપાસ કરવામાં આવી રહી છે. જે વિડીયો સામે આવી રહ્યા છે તેમાં દેખાય છે કે પોલીસ ગ્રાઉન્ડમાં ઉતરેલા લોકો સામે આક્રામક મૂડમાં દેખાઈ રહી છે.
સ્થાનિક સમાચાર ચેનલોના વીડિયો ફૂટેજમાં લોકો મલંગના સ્ટેડિયમમાં પિચ પર દોડતા લોકો દેખાઈ રહ્યા છે. ઈન્ડોનેશિયાના લીગ બાઈરઆઈ લીગ 1 મેચ પછી એક અઠવાડિયા માટે રમતોને અટકાવી દેવાઈ છે. ઈન્ડોનેશિયા ફૂટબોલ ફેડરેશને જણાવ્યું કે મેચમાં પર્સેબાયા 3-2થી જીતી ગયું હતું. જે પછી આ હિંસાની શરુઆત થઈ હતી.
જે વિડીયો સામે આવી રહ્યા છે તેમાં દેખાય છે કે બેકાબૂ બનેલા લોકોને કાબૂમાં લાવવા માટે મોટી સંખ્યામાં પોલીસના જવાનો મેદાનમાં ઉતરી આવે છે અને લાઠીચાર્જ પણ કરે છે. આ ઘટનાની શરુઆત કઈ રીતે થઈ અને બન્ને ટીમના સમર્થકો વચ્ચે કઈ રીતે અફરાતફરી મચી તે અંગે પણ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘાયલોની સંખ્યા જોતા આગામી સમયમાં મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમેરિકામાં ઈયાન વાવાઝોડાંએ હાહાકાર મચાવ્યો છે. નેશનલ હેરિકેન સેન્ટરે લોકોને ચેતવણી આપી છે. ફ્લોરિડામાં બચાવ ટૂકડીઓએ લોકોને સલામત સ્થળે ખસેડવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. અમેરિકા પર ત્રાટકેલા સૌથી શક્તિશાળી વાવાઝોડાંમાં ઈયાનનો સમાવેશ થઈ રહ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં જનજીવન ઠપ થઈ ગયું છે.
ફ્લોરિડા ઉપરાંત જ્યોર્જિયા, દક્ષિણ કેરોલિના, ઉત્તર કેરોલિના, વર્જિનિયા સહિતના રાજ્યોના ગવર્નરોએ કટોકટી જાહેર કરી દીધી છે.
અમેરિકાના નેશનલ હેરિકેન સેન્ટરે જીવના જોખમની ચેતવણી આપી હતી અને આ વાવાઝોડાંને અમેરિકાના સૌથી શક્તિશાળી વાવાઝોડાં પૈકીનું એક ગણાવ્યું છે. ફ્લોરિડાના કાંઠે ૨૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાંનો વિસ્તાર ૬૫૦ કિલોમીટર સુધી ફેલાયેલો હતો. તીવ્ર પવનના કારણે અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું. રસ્તાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મોબાઈલ ટાવરોમાં નુકસાન થઈ જતાં મોબાઈલ નેટવર્કને વ્યાપક અસર થઈ હતી. સૌથી વધુ અસર ફ્લોરિડાના લી કાઉન્ટીમાં થઈ હતી. લી કાઉન્ટીના શેરિફે કહ્યું હતું કે મોબાઈલમાં નેટવર્ક આવતું ન હોવાથી એકબીજાનો સંપર્ક તૂટી ગયો છે. લાઈન સતત વ્યસ્ત આવતી હોવાથી મુશ્કેલી પડી રહી છે. લોકોને મદદ પહોંચે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે.
સેનિબેલ ટાપુને લી કાઉન્ટી સાથે જોડતો એકમાત્ર બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો. તેના કારણે ટાપુ સાથે જમીની સ્તરે સંપર્ક કમાઈ જતાં હેલિકોપ્ટર્સની મદદથી રાહત કામગીરી કરવામાં આવી રહી છે. ટાપુની વસતિ ૬૫૦૦ હજાર જેટલી છે. લી કાઉન્ટી અને તેની આસપાસમાં ભારે પવનના કારણે વીજળી ગૂલ થઈ ગઈ હતી. લગભગ ૨૫ લાખ ઘરોમાં અંધારપટ્ટ થઈ જતાં લોકો વીજળી વગર રહેવા મજબૂર બન્યા હતા. ફ્લોરિડાની ૧૨ કાઉન્ટીમાં સદંતર વીજળી ગૂલ થઈ ગઈ હતી. ંએક હોસ્પિટલનું છાપરું તીવ્ર હવાથી ઉડી ગયું હતું. હોસ્પિટલના આઈસીયુમાં પાણી ભરાઈ જતાં દર્દીઓને તાત્કાલિક ખસેડવાની મથામણ શરૂ કરવામાં આવી હતી.
નેશનલ હેરિકેન સેન્ટરે આ વાવાઝોડાંને મોન્સ્ટર-૪ની કેટેગરીમાં મૂક્યું છે. કેટલાય સ્થળોએ મકાનો પાણીમાં તરતાં જોવા મળ્યા હતા. તો કાર સહિતના વાહનો પણ પાણીમાં તણાયા હતા. લી કાઉન્ટીના ઘણાં નીચાણવાળા વિસ્તારમાં પાંચ-પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.