અમેરિકાએ 4 વર્ષ બાદ લીધો મોટો નિર્ણય, સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટ અથવા 0.50 ટકાનો મોટો ઘટાડો જાહેર કર્યો
આજે ભારતીય શેરબજારમાં થશે મોટી ઉથલપાથલ
અમેરિકાથી એક મોટા સમાચાર આવ્યા છે, જેની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી શકે છે. ખરેખર અમેરિકન ફેડએ લગભગ ચાર વર્ષ પછી વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. અગાઉ માર્ચ 2020માં અમેરિકામાં પોલિસી રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટ અથવા 0.50 ટકાનો મોટો ઘટાડો જાહેર કર્યો છે. અમેરિકાના આ પગલાની તાત્કાલિક અસર અમેરિકન બજારોમાં ઉછાળાના રૂપમાં જોવા મળી રહી છે.
અમેરિકામાં નવા વ્યાજ દરો લાગુ
અમેરિકાની સેન્ટ્રલ બેંકે પોલિસી રેટની સમીક્ષા કર્યા બાદ વ્યાજદરમાં અડધા ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ત્યારપછી યુએસ પોલિસી રેટ હવે 4.75 ટકાથી 5 ટકાના સ્તરે આવી ગયો છે. આ પહેલા તે લાંબા સમય સુધી 5.25 ટકાથી 5.5 ટકાના સ્તરની વચ્ચે હતો. ઉલ્લેખનીય છે કે દરોમાં આ ઘટાડો બજાર નિષ્ણાતોના અનુમાનને અનુરૂપ છે. કેટલાક નિષ્ણાતો પોલિસી રેટમાં એક ચતુર્થાંશ ટકા અને કેટલાક અડધા ટકાના ઘટાડાની આગાહી કરી રહ્યા હતા.
પેજર્સમાં સિરિયલ બ્લાસ્ટના કારણે લેબનોન અને સીરિયાની સરહદે આવેલા કેટલાક વિસ્તારોમાં અરાજકતા ફેલાઈ ગઇ છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે જ્યારે 4000થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોમાં લેબનોનમાં ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ થાય છે.
હિઝબુલ્લાહનો મોટો દાવો…
એવી ચર્ચા છે કે પેજર્સને હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ પેજર્સનો ઉપયોગ હિઝબુલ્લાહના લડાકૂઓ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ હેકિંગ પાછળ ઈઝરાયેલનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હિઝબુલ્લાહનું કહેવું છે કે તે આ હુમલા માટે ઈઝરાયેલ જ જવાબદાર છે. જોકે, ઈઝરાયેલે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ વિસ્ફોટો સ્થાનિક સમય અનુસાર મંગળવારે બપોરે લગભગ 3.30 કલાકે થયા હતા.
શું મોસાદે પેજર્સ હેક કર્યા?
ઘણા અહેવાલો અનુસાર ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહને નિશાન બનાવતી વખતે આ પેજર્સ સાથે છેડછાડ કરી હતી. આ પેજર સાથે છેડછાડ કરીને પાંચ મહિના પહેલા જ તેમાં વિસ્ફોટક ફીટ કરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે.
એક કલાક સુધી પેજર બ્લાસ્ટ થતા રહ્યા
મંગળવારે અચાનક લેબનોનમાં ઘરો, શેરીઓ અને બજારોમાં લોકોના ખિસ્સામાં વિસ્ફોટ થવાનું શરૂ થયું હતું. લગભગ એક કલાક સુધી લેબનોનથી સીરિયા સુધી વિસ્ફોટો થયા હતા. લેબનોનનું કહેવું છે કે ઈઝરાયેલે હિઝબુલ્લાહને નિશાન બનાવી સીરીયલ પેજર બ્લાસ્ટ કર્યા હતા. આ હુમલાને હિઝબુલ્લાહની કોમ્યુનિકેશન સિસ્ટમ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.
પેજર બ્લાસ્ટથી લેબનોનમાં સનસનાટી મચી
લેબનોનમાં મંગળવારે ત્યારે સનસનાટી મચી ગઈ જ્યારે એક પછી એક જોરદાર પેજર બ્લાસ્ટ થવા લાગ્યા. પેજર કોઈના ખિસ્સામાં તો કોઈના હાથમાં ફાટ્યાં. આ ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોતના અહેવાલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)સપ્ટેમ્બર માસમાં અમેરિકાના પ્રવાસે જશે. પીએમ મોદી ન્યુયોર્કમાં 22 સપ્ટેમ્બરે ભારતીય મૂળના અમેરિકન નાગરિકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમ માટે 24 હજારથી વધુ ભારતીય પ્રવાસીઓએ નામ નોંધાવ્યા છે. આ કાર્યક્રમને ‘મોદી એન્ડ યુએસ પ્રોગ્રેસ ટુગેધર’ નામ આપવામાં આવ્યું છે. જે નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમ ખાતે યોજાશે. આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી 26 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રને પણ સંબોધિત કરશે.
42 રાજ્યોમાંથી ભારતીય પ્રવાસીઓ કાર્યક્રમમાં ભાગ લેશે
આ અંગે ઈન્ડો-અમેરિકન કોમ્યુનિટી ઓફ યુએસએ જણાવ્યું હતું કે અમેરિકાના 42 રાજ્યોમાંથી ભારતીય પ્રવાસીઓ આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે. અમે આ ઐતિહાસિક કાર્યક્રમમાં શક્ય તેટલા વધુ લોકો ભાગ લે તેમ ઈચ્છીએ છીએ. અમે બેઠક વ્યવસ્થા વધારવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. અત્યાર સુધી આ કાર્યક્રમ માટે 24 હજારથી વધુ ભારતીય પ્રવાસીઓએ નામ નોંધાવ્યા છે.
કાર્યક્રમમાં વિશેષ વ્યવસ્થા
વડાપ્રધાન મોદીના સંબોધન ઉપરાંત આ કાર્યક્રમમાં વેપાર, વિજ્ઞાન, મનોરંજન અને કલાના ક્ષેત્રોમાં અગ્રણી ભારતીય-અમેરિકનો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન અને પ્રસ્તુતિઓ પણ દર્શાવવામાં આવશે.
જાપાનના દક્ષિણ પશ્વિમ ટાપુઓ પર શક્તિશાળી વાવાઝોડું શાનશાનનો ખતરો મંડરાઇ રહ્યો છે. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે આગામી દિવસોમાં જાપાનના દક્ષિણ-પશ્ચિમ ટાપુઓ પર એક શક્તિશાળી વાવાઝોડું શાનશાન ટકરાશે. વાવાઝોડાને પગલે હવામાન વિભાગે ભારે વરસાદ અને ઝડપી પવનની ચેતવણી આપી હતી.
જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું તોફાન શાનશાન મંગળવારે સવારે દક્ષિણ ટાપુ અમામીથી લગભગ 130 કિલોમીટર પૂર્વમાં હતું. જ્યારે તે ધીરે ધીરે ઉત્તર તરફ ક્યૂશૂ તરફ આગળ વધી રહ્યું છે. તોફાનની ગતિ પ્રતિ કલાક 162 કિલોમીટરની છે. હજુ તોફાનને લઇને કોઇ નુકસાન થયાના અહેવાલ નથી. લોકોને આવનારા ભારે વરસાદ અને પવનને લઇને ચેતવણી આપવામાં આવી છે.
શિંકાનસેન સુપર એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન કરતી જાપાન રેલવે કંપનીઓએ જણાવ્યું હતું કે બુધવાર અને રવિવાર વચ્ચે જાપાનના મુખ્ય દક્ષિણી ટાપુ ક્યુશુ અને હોન્શુના મોટા ભાગોમાં સેવાઓ સ્થગિત કરવામાં આવી શકે છે.
વધુમા તેણે જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં અમામી દ્વીપ પર 400 મીમી (15.7 ઇંચ) સુધીનો વરસાદ પડી શકે છે અને બુધવારથી ગુરુવાર સુધી ક્યુશુ પ્રદેશમાં 500 મીમી (19.7 ઇંચ) સુધીનો વરસાદ પડી શકે છે. ક્યુશુ પ્રદેશના માછીમારોએ સોમવારે તેમની બોટને પોર્ટ્સ પર બાંધી દીધી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચે પાછલા અઢી વર્ષોથી યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં આજે (26 ઓગસ્ટ) રશિયાએ યુક્રેનના ઘણા શહેરોમાં ઘાતક મિસાઈલ અને ડ્રોન હુમલા કરી વિશાળ કાર્યવાહી કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પણ આ વાતની પુષ્ટી કરી છે.
ઝેલેન્સ્કીએ રશિયાના હુમલાની પુષ્ટી કરતાં કહ્યું કે, ‘રશિયાએ 100થી વધુ મિસાઈલ અને 100થી વધુ ડ્રોનનો ઉપયોગ કર્યો છે. જેના કારણે ભારે વિનાશ થયો છે. જો કે, યુક્રેનની સેના પણ રશિયાના કુર્સ્ક વિસ્તારમાં આગળ વધી રહી છે.’ બીજી તરફ, રશિયાની સેનાએ પણ યુક્રેનના પૂર્વીય વિસ્તારમાં વિશાળ જમીન કબજો કર્યો છે. જેના કારણે ટ્રાન્સપોર્ટ હબ પોકરોવસ્ક બંધ કરી દેવામાં આવ્યું છે.
આ દરમિયાન ઝેલેન્સ્કીએ તેમના મિત્ર દેશોને એર ડિફેન્સ સિસ્ટમ્સ અને વધુ મિસાઇલોનો સપ્લાય ચાલુ રાખવાની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું કે, ‘યુક્રેનને સમર્થન કરતા દેશોએ સંયુક્ત હવાઈ સંરક્ષણ કરાર કરવો જોઈએ. જેથી રશિયન ડ્રોન અને મિસાઈલોને એકસાથે હવામાં જ નાશ કરી શકાય. આ વખતે જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે મોટા ભાગના ટાર્ગેટ વીજળી સપ્લાય ગ્રીડ અને પાવર સ્ટેશન હતા.’
રશિયન મિસાઇલો અને ડ્રોને કિવ, વિનીતસિયા, ઝાયટોમીર, ખ્મેલનીત્સ્કી, ડેનેપ્રોપેટ્રોવસ્ક, પોલ્ટાવા, નિકોલેવ, કિરોવાગ્રાડ અને ઓડેસામાં પાવર સબસ્ટેશનો ઉપરાંત લ્વિવ, ઇવાનો-ફ્રેન્કોવસ્ક અને ખાર્કિવના ગેસ કોમ્પ્રેસર સ્ટેશનો અને ગેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ્સને નિશાન બનાવ્યા હતા. આ સિવાય કિએન અને ડેનિપ્રોપેટ્રોવસ્ક વિસ્તારમાં એરફિલ્ડ અને હથિયારોના ડેપોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ હુમલા બાદ યુક્રેનના મોટા વિસ્તારોમાં વીજળી નથી. યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ 15 રશિયન મિસાઈલો અને ડ્રોન તોડી પાડ્યા હતા. આમ છતાં રશિયાનો હુમલો ખૂબ જોરદાર હતો જેનાથી યુક્રેનના ઘણા શહેરોને નુકસાન થયું છે.
રશિયાએ દાવો કર્યો છે કે, ‘અમારા ડ્રોન અને મિસાઇલોએ નિશાન પર સચોટ હુમલો કર્યો છે. યુક્રેનમાં ઘણી જગ્યાએ વીજળીનો પુરવઠો નથી, રેલ્વે પરિવહન બંધ થઈ ગયું છે અને હથિયારોના ડેપોને પણ ઉડાવી દેવામાં આવ્યા છે.’
આ દરમિયાન ઝેલેન્સ્કીએ પોતાની ટેલિગ્રામ ચેનલ પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને બીમાર વ્યક્તિ ગણાવ્યા છે અને હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. બીજી તરફ પુતિને પણ નિવેદન જારી કરીને કહ્યું કે, ‘હવે કોઈ વાતચીત થશે નહીં. યુક્રેનને યોગ્ય જવાબ મળશે.’
રશિયાના પૂર્વ કિનારે 7.0ની તીવ્રતાના ભૂકંપ( Earthquake) બાદ સિવલુચ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે અને સુનામીનો ખતરો છે. જ્વાળામુખીની રાખ દરિયાની સપાટીથી 8 કિલોમીટર સુધી જોઈ શકાય છે. મીડિયા અહેવાલ મુજબ જ્વાળા મુખીમાંથી લાવા ઝડપથી વહે છે. જો કે અત્યાર સુધી ભૂકંપ કે જ્વાળા મુખીમાંથી નીકળતા લાવાના કારણે કોઈ વ્યક્તિને નુકસાન થયું નથી. કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.
ભૂકંપનું કેન્દ્ર જમીનથી 30 માઈલની ઊંડાઈએ
શિવાલુચ જ્વાળામુખી દરિયાકાંઠાના શહેર પેટ્રોપાવલોવસ્ક-કામચત્સ્કીથી લગભગ 280 માઇલ દૂર સ્થિત છે. અહીંની વસ્તી લગભગ 1,81,000 છે. તે રશિયાના કામચાટકામાં સ્થિત છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર પેટ્રોપાવલોવસ્ક-કામચત્સ્કીથી લગભગ 55 માઈલ દક્ષિણમાં હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 30 માઈલની ઊંડાઈએ હતું.
ભૂકંપથી મોટું નુકસાન થયું નથી
ભૂકંપના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી. જો કે, ઈમારતોની તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈ નુકસાન થયું હોય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તેને સુધારી શકાય તેમ છે. આ સમયગાળા દરમિયાન, સામાજિક સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
સુનામીની ચેતવણી
રશિયન ઈમરજન્સી મંત્રાલયે ભૂકંપના કારણે સુનામીની ચેતવણી જારી કરી નથી. જો કે, અમેરિકન સુનામી ચેતવણી પ્રણાલીનું કહેવું છે કે આ ભૂકંપ રશિયાના સમુદ્રને અડીને આવેલા વિસ્તારોમાં ખતરનાક સુનામી મોજાઓનું કારણ બની શકે છે. ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટર સુધી સુનામીનો ખતરો છે.
ફર્નિચર પડી ગયું, વાસણો તૂટી ગયા
ભૂકંપના કારણે વિસ્તારના રહીશો ઘરની બહાર આવી ગયા હતા. મીડિયા અહેવાલ મુજબ ભૂકંપને કારણે ફર્નિચર પડી ગયું અને વાસણો પણ તૂટી ગયા હતા. રશિયન એકેડેમી ઑફ સાયન્સની જીઓફિઝિકલ સર્વિસની કામચટકા શાખા અનુસાર, શનિવારે કામચટકા સમય (મોસ્કોના સમય મુજબ 22:21) પર 7:21 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.
ભારતના દક્ષિણ ભાગમાં હિંદમહાસાગરમાં આવેલા ટાપુ દેશ થાઇલેન્ડની સંસદે ૩૮ વર્ષની પટોંગટાર્ન શિનાવાત્રાને વડાપ્રધાન પદ માટે પસંદગી કરી છે. આ સાથે જ શિનાવાત્રા નાની વયે પીએમ પદની મોટી જવાબદારી સંભાળનાર નેતા બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર તે થાઇલેન્ડના પૂર્વ વડાપ્રધાન થાકસિન શિનાવાત્રાની સૌથી નાની પુત્રી છે.
આ સાથે જતે શિનાવાત્રા પરિવારમાંથી થાઇલેન્ડની બાગડોર સંભાળનાર ૩ જી નેતા બની છે. અગાઉ પિતા થાકસિન અને ચાચી યિંગલૂક શિનાવાત્રા વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. યિંગલૂક પછી પટોંગટાર્ન થાઇલેન્ડનું પીએમ પદ સંભાળનારી બીજી મહિલા છે. તે થાઇલેન્ડની સતારુઢ પાર્ટી ફેઉ થાઇની નેતા છે. જો કે તે સાંસદ તરીકે ચુંટાયેલી નથી પરંતુ થાઇલેન્ડના બંધારણ મુજબ સાંસદ હોવું જરુરી નથી.
સંસદમાં તેના સમર્થનમાં ૩૧૦ મત પડયા હતા જયારે ૧૪૫ સદસ્યોએ વિરુધમાં મત આપ્યા હતા. ૨૭ સાંસદોએ મતદાનમાં ભાગ લેવાનું ટાળ્યું હતું. ગત બુધવારે થાઇલેન્ડની સંવૈધાનિક અદાલતે પીએમ શ્રેથા થાવિસિનને કેબિનેટ સદસ્યોની નિમણુંકમાં નૈતિકતાનું પાલન નહી કરવા બદલ પદથી હટાવી દીધા હતા. આવી પરિસ્થિતિમાં ૩૮ વર્ષની પૈટોંગર્ટાન શિનાવાત્રા માટે વડાપ્રધાન બનવાનો માર્ગ મોકળો બન્યો હતો.
થાઇલેન્ડના જાણીતા એસેટ કોર્પોરેશનમાં સૌથી વધુ શેર ધરાવે છે.
સિનાવાત્રા થાઈ રાજકારણી અને ઉદ્યોગપતિ છે. તેનો જન્મ 21 ઓગસ્ટ 1986ના રોજ બેંગકોકમાં થયો હતો. તેણીએ સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલ અને હાઈ સ્કૂલ માટે મેટર દેઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 2008 માં ચૂલાલોંગકોર્ન યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાન ફેકલ્ટીમાંથી રાજકીય વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
યુનિવર્સિટી ઓફ સરેમાંથી ઇન્ટરનેશનલ હોટેલ મેનેજમેન્ટમાં એમએસસીની ડિગ્રી મેળવી હતી. વધુ અભ્યાસ માટે બ્રિટન પણ ગઇ હતી.20 માર્ચ 2022 ના રોજ ફેઉ થાઈ પાર્ટીની મીટિંગમાં, પટોંગટાર્નને “ફેઉ થાઈ પરિવારના વડા” તરીકે વરણી કરવામાં આવી હતી.
2023ની સામાન્ય ચુંટણી દરમિયાન થયેલા ઓપિનિયન પોલમાં વડાપ્રધાન પદ માટે સૌથી પસંદગીની ઉમેદવાર હતી. જો કે એપ્રિલ 2023માં ચુંટણી પછી શ્રીથા થવીસિનને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. થાઇલેન્ડના જાણીતા એસેટ કોર્પોરેશનમાં સૌથી વધુ શેર ધરાવે છે. તે થાઇકોમ ફાઉન્ડેશનની ડિરેકટર પણ છે. તે નાની મોટી 21 જેટલી કંપનીઓમાં મોટા હોદ્દા પર છે.
The Russian aircraft carrying 224 people crashed Saturday in a remote mountainous region in the Sinai Peninsula about 20 minutes after taking off from the Egyptian Red Sea resort town of Sharm el-Sheikh.
છેલ્લા અઢી વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પ્રથમ વખત યુક્રેન રશિયાની જમીન પર કબજો કરવામાં સફળ રહ્યું છે. આ યુક્રેનની રશિયા વિરૂદ્ધના યુદ્ધમાં અત્યાર સુધીની સૌથી મોટી સફળતા માનવામાં આવે છે. હવે યુક્રેનની સેનાએ ગુરૂવારે (15 ઓગસ્ટ) દાવો કર્યો હતો કે તેની સેનાએ કુર્સ્ક વિસ્તારમાં રશિયાના સૌથી મોંઘા ફાઇટર પ્લેનમાંથી એકને તોડી પાડ્યું છે. યુક્રેનના જનરલ સ્ટાફે બુધવારે (15 ઓગસ્ટ) ટેલિગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, “યુક્રેનના સુરક્ષા દળોએ દુશ્મન રશિયાના Su-34 બોમ્બર એરક્રાફ્ટને નષ્ટ કરી દીધું છે. વિમાનમાં લાગેલી આગ અને તેના કાટમાળ દર્શાવતી વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
શું છે રશિયાના ફાઈટર પ્લેનની ખાસિયત?
સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, Su-34 ફાઇટર પ્લેન જેને ફુલબેક તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ 36 મિલિયન ડોલર (3.02 અબજ રૂપિયા) છે. તેને રશિયાનું સર્વશ્રેષ્ઠ ફાઈટર બોમ્બર એરક્રાફ્ટ માનવામાં આવે છે. ફોર્બ્સ મેગેઝિનના અહેવાલ અનુસાર, આ વિમાનમાં સેન્સર, એવિઓનિક્સ અને સ્માર્ટ હથિયારો છે જે તેને તેના લક્ષ્યોને ઝડપથી ઓળખવાની તાકાત આપે છે.
યુક્રેનિયન આર્મીએ અગાઉ પણ રશિયાના Su-34 ફાઇટર પ્લેનને તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે. જ્યાં ગયા ફેબ્રુઆરીમાં તેણે એક સપ્તાહમાં ચાર Su-34 અને 10 દિવસમાં કુલ 10 રશિયન ફાઈટર પ્લેન તોડી પાડ્યા હતા. જો કે, આ ઘટના એવા સમયે બની છે જ્યારે યુક્રેને રશિયાના વિસ્તારોમાં ઘૂસણખોરી કરી છે. આર્મી કમાન્ડર ઇન ચીફ ઓલેક્ઝાન્ડર સિરસ્કીના જણાવ્યા અનુસાર, બુધવાર સુધીમાં 74 વસાહતો યુક્રેનની સેનાના નિયંત્રણમાં આવી ગઈ છે.
રશિયાના 300 કિલોમીટર અંદર યુક્રેનનો હુમલો
લગભગ અઢી વર્ષ પહેલા ફેબ્રુઆરી 2022માં જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે તેને એકતરફી માનવામાં આવતું હતું. રશિયાએ યુદ્ધમાં અત્યાર સુધી પ્રભુત્વ જાળવ્યું હતું અને યુક્રેનના ઘણાં વિસ્તારો પર કબજો જમાવ્યો હતો. સૈન્ય અને શસ્ત્રોના સંદર્ભમાં યુક્રેન તેના કરતા ખૂબ પાછળ હતું, પરંતુ હવે યુક્રેન આ યુદ્ધમાં પ્રભુત્વ મેળવી રહ્યું હોય તેવું જણાય છે. એક રિપોર્ટ અનુસાર યુક્રેનની સેનાની સૌથી મોટી તાકાત તેના ડ્રોન છે. તાજેતરમાં, યુક્રેને ડ્રોનનો ઉપયોગ કરીને રશિયન સરહદની 300 કિલોમીટર અંદર ઘૂસીને લિપિયુસ્ક એરબેઝ પર હુમલો કર્યો હતો.
રશિયામાં 30 કિમી અંદર ઘૂસી યુક્રેની સેના
લંડનની રોયલ યુનાઇટેડ સર્વિસિઝ ઇન્સ્ટિટ્યુટ (RUSI)ના મિલિટ્રી સાઇન્સ ડાયરેક્ટરે જણાવ્યું કે, યુક્રેનની સેનાએ રશિયામાં 30 કિમી અંદર સુધી ઘૂસણખોરી કરી છે અને આશરે 400 કિમી વર્ગ જેટલી જમીન પર કબજો મેળવ્યો છે. જો કે, આ સ્પષ્ટ નથી કે કેટલું વિસ્તાર તેમના નિયંત્રણમાં છે. યુક્રેનની સેનાના ચાર બ્રિગેડના 10 હજાર સૈનિકો આ હુમલામાં સામેલ હતા અને તમામ સૈનિકો યુરોપિયન દેશો તરફથી મળેલા હથિયારોથી સજ્જ હતા. આ યુક્રેન તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો અને સફળ હુમલો ગણવામાં આવી રહ્યો છે.
કોરોના વાયરસને કારણે થયેલી વિપરીત અસરોમાંથી વિશ્વ ધીમે ધીમે ભાર આવી ગયું છે, એવામાં વધુ એક વાયરસને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ચિંતા વધી ગઈ છે. એક અહેવાલ મુજબ આફ્રિકન દેશોમાં મંકીપોક્સ (Monkey Pox) વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના મોત થયા છે. WHO એ તેને વિશ્વભરમાં સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે.
ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ એડહાનોમ ટેડ્રોસે જણાવ્યું હતું કે પૂર્વી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો(DRC)માં મંકી પોક્સના નવા ક્લેડ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જ્યાં પહેલા ક્યારેય આ રોગના દર્દીઓ મળ્યા ન હતા, એવા પડોશી દેશોમાં આ વાયરસ મળી આવતા સમગ્ર વિશ્વ માટે આ ચિંતાનો વિષય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, આફ્રિકન દેશો કોંગો, બુરુન્ડી, કેન્યા, રવાન્ડા અને યુગાન્ડા સહિત અન્ય દેશોમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. આફ્રિકાના અન્ય ભાગોમાં મંકીપોક્સના પ્રકોપને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. WHOએ આ જાહેરાત કરી કારણ કે એક ડઝનથી વધુ દેશોમાં બાળકો અને પુખ્ત વયના લોકોમાં મંકીપોક્સના કેસની પુષ્ટિ થઈ છે, વાયરસનો એક નવો પ્રકાર ફેલાઈ રહ્યો છે અને સમગ્ર ખંડમાં રસીના ડોઝનો પુરવઠો ઓછો છે.
આ પહેલા જુલાઈ 2022માં મંકીપોક્સને વૈશ્વિક ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તે સમયે, વિશ્વના 116 દેશોમાં એક લાખથી વધુ કેસ નોંધાયા હતા. ત્યારબાદ આ વાયરસને કારણે 200 થી વધુ લોકોના મોત થયા હતા. એકલા કોંગોમાં 14 હજારથી વધુ કેસ નોંધાયા છે. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ જોખમમાં છે.
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ફાટી નીકળેલો અગનજ્વાળા ફરી સમગ્ર દેશને ભરડામાં લઈ રહી છે. બાંગ્લાદેશમાં શહીદોના વંશજોને અનામતનો મુદ્દો બેકાબૂ બનતાં દેશભરમાં અનિશ્ચિતકાળ માટે કર્ફ્યુ લાદવા સાથે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ દરમિયાન બાંગ્લાદેશના સત્તાવાર પી.એમ હાઉસ પર પણ દેખાવકારોએ હુમલો કરી દીધો હતો. દેખાવકારોએ અહીં ઘૂસીને બંગબંધુની પ્રતિમા પર પણ કુહાડીઓ ઝીંકી હતી. આ સ્થિતિમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને ભારતમાં શરણ લઈ લીધી છે.
બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતનો અંત લાવવા અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે શાસક પક્ષના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ લોહિયાળ વિરોધમાં અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે શેખ હસીનાએ ભારે વિરોધ વચ્ચે સેનાના દબાણને વશ થઈને વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે.
બાંગ્લાદેશની સેનાએ વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવા 45 મિનિટનો સમય આપ્યો હતો. આ દરમિયાન તેઓ બહેન શેખ રેહાના સાથે સ્પેશિયલ હેલિકૉપ્ટરમાં ભારત આવી ગયા હતા. હાલ તેમણે દિલ્હીમાં શરણ લઈ લીધી છે.
સ્ટુડન્ટ્સ અગેઇન્સ્ટ ડિસ્ક્રિમિનેશન નામના પ્લેટફૉર્મે આજથી સરકારના રાજીનામાની માગ સાથે અસહકાર ચળવળની શરુઆતની જાહેરાત કરી છે. આ દરમિયાન વડાપ્રધાન હસીનાએ જણાવ્યું છે કે, દેખાવકારો વિદ્યાર્થીઓ નથી પણ આતંકવાદીઓ છે અને લોકોએ તેમને સાથ ન આપવો જોઈએ. જો કે સ્થિતિ બેકાબૂ બનતાં તેમણે ત્યાગપત્ર આપીને ભારતમાં શરણ લેવાનો નિર્ધાર કર્યો હોવાનું મીડિયા અહેવાલમાં જણાઈ રહ્યું છે.
નોબેલ વિજેતાની ભારતને અપીલ
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગે ઊભો થયેલો વિરોધ વંટોળ ભારત સુધી પહોંચ્યો છે અને ફરી ભારતની મદદ માંગવામાં આવી રહી છે. અહેવાલ પ્રમાણે શેખ હસીના ભારત આવી રહ્યા છે તો બીજી તરફ દેશની આવી સ્થિતિ જોઈને બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી અને નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ચિંતા વ્યક્ત કરી છે અને ભારતને મદદ માટે ટકોર કરી છે.
‘ભારત કહે છે કે આ ઘરેલુ મામલો છે ત્યારે મને દુઃખ થાય છે. જો તમારા ભાઈના ઘરમાં આગ લાગી હોય, તો તમે તેને ઘરેલુ બાબત કેવી રીતે કહી શકો? ઘણી વસ્તુઓ કૂટનીતિમાં આવે છે અને એમ ન કહી શકાય કે આ તેમનો ઘરેલુ મુદ્દો છે. 17 કરોડની વસ્તીવાળા બાંગ્લાદેશમાં લોકો સંઘર્ષનો સામનો કરી રહ્યા છે, સરકારી દળો દ્વારા યુવાનોની હત્યા થઈ રહી છે અને કાયદો અને વ્યવસ્થા બગડી રહી છે. બાંગ્લાદેશમાં ઉથલપાથલ માત્ર તેની સરહદો સુધી સીમિત નહીં રહે પરંતુ પાડોશી દેશોને પણ અસર કરશે.’ તેમ યુનુસે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.
કોણ છે નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ?
નોંધનીય છે કે, મોહમ્મદ યુનુસે 1983માં ગ્રામીણ બૅંકની સ્થાપના કરી હતી. જેમાં ગરીબોને પોતાનો નાના પાયાનો ઉદ્યોગો શરુ કરવા માટે લોન આપવામાં આવતી હતી. આ પગલાંને કારણે બાંગ્લાદેશના લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શકાયા હતા અને યુનુસના કામના કારણે તેમને 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સામે પક્ષે શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ પર ગરીબોનું લોહી ચૂસવાનો આરોપ લગાવ્યો હતો. શેખ હસીનાનું કહેવું હતું કે યુનુસે શરુ કરેલી ગ્રામીણ બૅંકો ગરીબો પાસેથી વધુ પડતું વ્યાજ વસૂલે છે. હાલમાં જ યુનુસ સામે ભ્રષ્ટાચારનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.