ગોવામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગંબર કામત અને વિપક્ષના નેતા માઈકલ લોબો સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. વિપક્ષના નેતા માઈકલ લોબોએ આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળને ભાજપમાં જોડી દેવાનો નિર્ણય લેવાયો હતો. આ પછી આ ધારાસભ્યો મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને પણ મળ્યા હતા.
દિગંબર કામત, માઈકલ લોબો, ડી લોબો, રાજેશ ફાલદેસાઈ, કેદાર નાયક, સંકલ્પ અમોનકર, એલેક્સો સિક્વેરા અને રુડોલ્ફ ફર્નાન્ડિસ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા ધારાસભ્યોમાં સામેલ છે. આ તમામ ધારાસભ્યો સીએમ પ્રમોદ સાવંતની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે સીએમ સાવંતે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ છોડો યાત્રા ગોવાથી શરૂ થઈ છે.
40 બેઠકોવાળી ગોવા વિધાનસભામાં ભાજપના 20 ધારાસભ્યો હતા. જ્યારે કોંગ્રેસ પાસે 11 બેઠકો હતી. આ સિવાય મહારાષ્ટ્રવાદી ગોમંતક પાસે બે અને ગોવા ફોરવર્ડ પાર્ટી પાસે એક સીટ છે. જ્યારે અન્યના ખાતામાં છ બેઠકો છે. કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસ પાસે વિધાનસભામાં માત્ર ત્રણ બેઠકો રહી છે. આ સાથે જ ભાજપની સંખ્યા વધીને 28 થઈ ગઈ છે.
આ સાથે જ ગોવા કોંગ્રેસ વિધાનમંડળ પાર્ટીએ વિધાનસભાની અંદર ભાજપમાં વિલીનીકરણનો ઠરાવ પસાર કર્યો હતો. વિપક્ષના નેતા માઈકલ લોબોએ અન્ય સાત ધારાસભ્યોની હાજરીમાં પ્રસ્તાવ રજૂ કર્યો, ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી અને ધારાસભ્ય દિગંબર કામતે પ્રસ્તાવને સમર્થન આપ્યું.
નોંધનીય છે કે 2019માં પણ ભાજપે કોંગ્રેસને આવો જ ફટકો આપ્યો હતો. જુલાઈ 2019માં કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 15 રાજ્યોના પ્રભારીઅને કેટલાક સહપ્રભારીઓની નિમણૂક જાહેર કરી છે. તેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ-ચંદીગઢ રાજ્યનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે સહપ્રભારી તરીકે નરેન્દ્ર સિંહ રૈનાને જવાબદારી સોંપવામાં આવી છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાળે જ રાજ્યમાંથી એક્ઝિટ આપતા લોકોને આશ્ચર્ય થયું છે. ગત મહિને જ સરકાર તથા સંગઠન વચ્ચે યોગ્ય તાલમેલ જળવાય તે માટે કોર કમિટીમાં વિજય રૂપાણીને સામેલ કરવામાં આવ્યા હતા. તેવામાં હવે તેમને ચૂંટણી સમયે જ ગુજરાતમાંથી એક્ઝિટ આપતા ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે, ભાજપ આવા આશ્ચર્યજનક નિર્ણયો માટે જાણીતો છે. ગત વર્ષે ભાજપે ગુજરાતમાં અચાનક જ નેતૃત્વ પરિવર્તન કરી દીધું હતું. ત્યારે પક્ષે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વડપણ હેઠળના આખા મંત્રી મંડળને બદલી દીધું હતું. ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
હવે રૂપાણીને પંજાબના પ્રભારી તરીકેની જવાબદારી સોંપીને નેતૃત્વએ મોડેલ સ્ટેજમાં રાજ કરતા લોકોને એક સંકેત આપ્યો છે. જોકે, હજી ગયા મહિને જ બે મંત્રીઓના મહત્વના ખાતાઓ આંચકી લેવામાં આવ્યા હતા. ભાજપે પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદીના ખાતાઓ આંચકી લીધા હતા. આ રીતે પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે પક્ષમાં કોઈ અશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે.
આ વર્ષે પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને હરાવીને સત્તા મેળવીને લોકોને ચોંકાવી દીધા હતા. આમ આદમી પાર્ટીએ પૂર્ણ બહુમતી મેળવી હતી. હવે પંજાબમાં 2027માં ચૂંટણી યોજાશે તે પહેલા ભાજપે અત્યારથી જ ત્યાં સંગઠનાત્મ સુધારાઓ કરીને પક્ષ અને સંગઠનને મજબૂત કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. હવે તેની સંપૂર્ણ જવાબદારી વિજય રૂપાણીની ખભા પર રહેશે.
– ગુજરાત આજે ડ્રગ્સનું એપી સેન્ટર બન્યું છે, આ એવું રાજ્ય છે જયાં આંદોલન માટે પણ પરમિશન લેવી પડે છે
અમદાવાદ : કન્યાકુમારીથી ભારત જોડો પદયાત્રાના આરંભ અગાઉ અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર પરિવર્તન સંકલ્પ સંમેલન સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાકે, એક બાજુ, સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવામાં આવે છેને બીજી બાજુ, એ જ સરદારની વિચારધારા પર આક્રમણ કરવામાં આવે છે.એ વિચારધારાનુ અપમાન કરાય છે.
રાહુલ ગાંધીએ પણ વાયદો કર્યો હતોકે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાશે તો, ખેડૂતોનુ ત્રણ લાખ રૂપિયા સુધીનુ દેવુ માફ કરાશે.દિકરીઓને મફત શિક્ષણ અપાશે જયારે ૩૦૦ યુનિટ વીજળી મફત અપાશે. આ ઉપરાંત બુથ કાર્યકરોને રાહુલ ગાંધીએ જીતનો મંત્ર આપ્યોકે, ગુજરાતની જનતા આજે ત્રસ્ત બની ગઇ છે. જો પ્રજાલક્ષી પ્રશ્નોને આગળ ધરીને લડાયક બનીને ચૂંટણી લડશો તો કોંગ્રેસની સરકાર નક્કી છે.
સરદાર પટેલ એ કોઇ વ્યક્તિ નહી પણ એ દેશના ખેડૂતોનો અવાજ હતો. તેમના મોઢામાંથી જે નીકળતુ તે ખેડૂતોના હિતમાં હતુ. જો સરદાર ન હોત તો અમૂલ ન હોત. તે વાતનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ એવા પ્રહારો કર્યાં કે,મોદી અને આરએસએસના લોકોએ સરદારની દેશની સૌથી ઉંચી પ્રતિમા બનાવી પણ તેઓ જે ખેડૂતો માટે લડયાં તે જગતના તાત માટે કેન્દ્ર સરકારે ત્રણ કાળા કાનૂન લાવી. ભાજપ કહેછેકે, આ ખેડૂતોના હિતમાં છે.હકીકતમાં ખેડૂતોનો હક છિનવવા આ કાયદા લવાયા હતા. સરદારની વિચારધારા પર આક્રમણ થઇ રહ્યુ છે તો પછી વિશાળ મૂર્તિનો શો અર્થ. મારે તમને પુછવુ છેકે, આજે સરદાર હોત તો શુ ઉદ્યોગપતિના દેવા માફ કરત કે પછી ખેડૂતોના..સરદાર પટેલે જ ગુજરાતમાં લોકતાંત્રિક સંસ્થાઓ ઉભી કરી હતી. જેના માટે સરદાર સાહેબ સમગ્ર જીવન લડયા તેને ભાજપ-આરએસએસ અપક્વી શક્યા નહી.
રાહુલ ગાંધીએ ભાજપ સરકારને આડે હાથે લેતા કહ્યું કે, ગુજરાત આજે ડ્રગ્સનુ સેન્ટર બન્યુ છે. કોઇ સામાન્ય વ્યક્તિ પાસે ડ્રગ્સ પકડાય તો કાર્યવાહી થાય છે પણ મુંદ્રા પોર્ટ પરથી કરોડોનુ ડ્રગ્સ પકડાય તો પોલીસ કોઇ કાર્યવાહી કરતી નથી. ઉદ્યોગપતિઓને હજારો એકર જમીનોની લ્હાણી કરી દેવાય છે જયારે ગરીબ આદિવાસી તેના હકની જમીન માંગે તો તેને મળતી નથી. લોકતંત્ર પર જ નહીં, ગુજરાતની જનતા પર આક્રમણ થઇ રહ્યુ છે પણ કોઇ બોલી શકતુ નથી. ગુજરાત માત્ર એવુ રાજ્ય છે જયાં આંદોલન માટે પણ પરમિશન લેવી પડે છે. શું સરદાર પટેલે અંગ્રેજો સામે લડવા માટે પરમિશન લીધી હતી. નાના ઉદ્યોગો ગુજરાતની તાકાત છે પણ જીએસટી-નોટબંધીને લીધે ઘણુ સહન કરવુ પડયુ છે. કોઇ વેપારીને પુછી જોજો,શું ફાયદો થયો.જવાબ મળશે. રાહુલ ગાંધીએ કાર્યકરોને બબ્બર શેર ગણાવી જોમ જુસ્સો આપતાં કહયુકે, તમે જે લડાઇ લડી રહ્યાં છો તે રાજકીય પાર્ટી સાથેની લડાઇ નથી બલ્કે વિચારધારાની લડાઇ છે. તમે કોની સામે લડી રહ્યાં છો તે સમજવુ પડશે.તેમણે જીતનો મંત્ર આપ્યો કે, ગત વખતની જેમ લડાયક બનીને ચૂંટણી લડશો તો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નક્કી રચાશે.
છેલ્લે રાહુલ ગાંધીએ ચૂંટણી વાયદો કર્યોકે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાશે તો, બધાય ખેડૂતોનુ દેવુ માફ કરાશે. કોરોના મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂા.૪ લાખ વળતર અપાશે.૩૦૦ યુનિટ સુધી વીજળી મફત અપાશે. ૩ હજાર નવી અંગ્રેજી શાળા ખોલાશે. કન્યાઓને મફત શિક્ષણ અપાશે. ગેસ સિલિન્ડર માત્ર રૂા.૫૦૦માં અપાશે. ગુજરાતમાં આખેઆખી સરકાર બદલવી પડી એ જ દેખાડે છેકે, ભ્રષ્ટાચાર કેટલો થયો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આક્ષેપ કર્યાંકે, છેલ્લાં ૨૭ વર્ષના ભાજપના શાસનમાં ગુજરાતની જનતા દુખી છે. ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતા જ મુખ્યમંત્રી થી માંડીને બધાય મંત્રીઓ બદલવા પડયા હતાં. ગત ચૂંટણીમાં અમિત શાહ કહેતાં હતાંકે, ૧૫૦ બેઠકો આવશે.કોંગ્રેસ તો લડાઇમાં જ નથી. પણ માત્ર ૯૯ બેઠકો જ આવી હતી. પ્રભારી ડૉ.રઘુ શર્માએ પણ ડબલ એન્જિનની સરકારને ખોટકાયેલુ એન્જિન ગણાવીને આકરી ટીકા કરી હતી. પ્રદેશ પ્રખુખ જગદીશ ઠાકોરે સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતાં. સભા સંબોધન બાદ રાહુલ ગાંધીએ ગાંધીઆશ્રમમાં મહાત્મા ગાંધીને પ્રતિમાને પુષ્પાજંલિ પણ અર્પી હતી.
વરિષ્ઠ સમાજસેવક અન્ના હજારેએ પોતાના એક સમયના સાથીદાર એવા આપના સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે જે ખૂબ ચર્ચિત બન્યો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તે પત્ર મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે.
કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ અન્ના હજારેએ પ્રથમ વખત પત્ર લખીને તેમના પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પત્રની શરૂઆતમાં અન્ના હજારેએ લખ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીની લિકર પોલિસી મામલે જે સમાચારો સામે આવી રહ્યા છે તે વાંચીને દુઃખ થાય છે.
કેજરીવાલના આરોપ પ્રમાણે આપ સરકારને બદનામ કરવા માટે ભાજપ અન્ના હજારેનો ઉપયોગ કરી રહ્યું છે. અન્ના હજારે દ્વારા લગાવવામાં આરોપો બાદ કેજરીવાલે જણાવ્યું કે, ‘તેઓ (ભાજપ) કહે છે કે, લિકર પોલિસીમાં કૌભાંડ થયું છે પરંતુ સીબીઆઈ કોઈ કૌભાંડ ન થયું હોવાનું કહે છે. જનતા ભાજપનું નથી સાંભળી રહી અને હવે તેઓ અન્ના હજારેજીના ખભે રાખીને બંદૂક ફોડી રહ્યા છે. રાજકારણમાં આ સામાન્ય વાત છે.’
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા મામલે કેજરીવાલે જણાવ્યું કે, ‘જ્યારે આપણે સાર્વજનિક જીવનમાં આવીએ છીએ ત્યારે આપણે કોઈ પણ પ્રકારની તપાસ માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. સીબીઆઈએ પોતાની તમામ તપાસ પૂરી કરી. મનીષ સિસોદિયાની 14 કલાક સુધી પુછપરછ કરી. તેમણે સવાલનો સંતોષકારક જવાબ આપ્યા. તેમને લોકરમાં પણ કશું ન મળ્યું. માટે તેમને ઔપચારિક ક્લીન ચિટ આપી દેવાઈ.’
જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ મોટું એલાન કર્યું છે. તેઓ જમ્મુ કાશ્મીર પાછા આવશે અને પોતાની પાર્ટી બનાવશે. આઝાદે બીજેપીમાં સામેલ થવાની ખબરોને પણ નકારી કાઢી છે. તેમણે કહ્યું કે, મારા વિરોધી છેલ્લા 3 વર્ષથી કહી રહ્યા છે કે, હું ભાજપમાં જઈ રહ્યો છું. તેઓએ તો મને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ બનાવી દીધા.
તેમણે જણાવ્યું કે, તેઓ નવી પાર્ટી બનાવશે. તેની સાથે જ તેમણે ફરી એક વખત રાષ્ટ્રીય રાજકારણથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં પરત ફરવાનો પણ સંકેત આપી દીધો છે. આઝાદે કહ્યું કે, હું જમ્મુ પણ આવીશ, કાશ્મીર પણ આવીશ. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં અમે પોતાની પાર્ટી બનાવીશું. ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે પણ નજર આવીશું.
શું બીજેપીમાં સામેલ થશો? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, મારા વિરોધીઓ આ વાત 3 વર્ષથી કહી રહ્યા છે. તેઓએ મને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ બનાવી દીધા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમને કોઈ બીજેપી નેતાનો ફોન આવ્યો? આ સવાલના જવાબ પર આઝાદે કહ્યું કે, ભાજપના નેતા મને શું કામ ફોન કરે અમે બીજેપીમાં નથી.
ભાજપ પ્રદેશ અધ્યક્ષના નિવેદન પર ગુલામ નબી આઝાદે કહ્યું કે, અમારા બધી પાર્ટીઓ સાથે સારા સબંધ છે. અમે કોઈને પણ અપશબ્દો નથી કહ્યા. અમે બધા પક્ષોનું સમ્માન કરીએ છીએ. એટલા માટે બધા પક્ષોનું મારા પ્રત્યે સમ્માનનો ભાવ છે.
ગુલામ નબી આઝાદે પોતાના રાજીનામામાં રાહુલ ગાંધી પર લગાવેલા આરોપોના સવાલ પર કહ્યું કે, ગાંધી પરિવાર સાથે અંગત રીતે મારા ઘણા સારા સંબંધો છે. પરંતુ તે પર્સનલ રિલેશનની વાત નથી આ તો આપણે કોંગ્રેસના ડાઉનફોલની વાત કરી રહ્યા છીએ અને જેણે કોંગ્રેસમાં 50 વર્ષ વિતાવ્યા તેમને કેવું લાગી રહ્યું છે તે જણાવી રહ્યા છે.
મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાની દીકરીનો એક હોસ્પિટલમાં ડોક્ટરને થપ્પડો મારતો વિડીયો વાયરલ થયો છે. તે પછી મિઝોરમના મુખ્યમંત્રીએ જાહેરમાં માફી માગી છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કહ્યું કે, તેઓ પોતાની દીકરીના આવા વ્યવહારને કોઈ રીતે યોગ્ય ઠેરવી શકે તેમ નથી. સીએમએ કહ્યું કે, દીકરીએ ડોક્ટર પાસે જઈને તેમની માફી માગી લીધી છે. મુખ્યમંત્રીની દીકરી મિલારી છાંગતેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેમાં તે એક ડોક્ટરને થપ્પડો મારી રહી હતી.
17/8/22, બુધવારે બનેલી આ ઘટનાથી ડોક્ટરોમાં રોષ છે. 20/8/22, શનિવારે 800થી વધુ ડોક્ટરોએ કથિત હુમલાની ટીકા કરતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક ડોક્ટરે કહ્યું કે, છાંગતેએ આઈઝોલ સ્થિત ચામડીના રોગના ડોક્ટર પર હુમલો કર્યો હતો. ડોક્ટરે છાંગતેને કહ્યું કે, તેમણે ક્લિનિક પર એપોન્ટમેન્ટ લઈને આવવું જોઈતું હતું, જેના પર તે ગુસ્સે થઈ ગઈ હતી અને થપ્પડો મારી દીધી હતી.
આઈએમએના મિઝોરમ યુનિટે સ્ટેટમેન્ટમાં કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે ડોક્ટરોની સાથે આ પ્રકારનો વ્યવહાર ફરીથી ન થાય.
મુખ્યમંત્રીએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ‘ડોક્ટર સાથે મારી દીકરીએ જે વ્યવહાર કર્યો તેના બચાવમાં હું કઈ કહેવા નથી માગતો. અમે જનતા અને ડોક્ટરોની માફી માગીએ છીએ.’ ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની બીજી દીકરીએ પણ સોશિયલ મીડિયા પર પોતાની બહેન તરફથી માફી માગી હતી અને કહ્યું હતું કે, માનસિક તણાવને કારણે તેમની બહેન ગુસ્સે થઈ ગઈ હતી.
પીએમ મોદીનુ લાંબુ ભાષણ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યુ છે.જોકે એવુ નથી કે, આ પીએમ મોદીનુ લાંબામાં લાંબુ ભાષણ છે.આ પહેલા 2-21માં 15 ઓગસ્ટનુ તેમનુ ભાષણ 88 મિનિટનુ હતુ.2014માં જ્યારે તેઓ પહેલી વખત પીએમ બન્યા અને લાલ કિલ્લા પરથી ભાષણ કર્યુ ત્યારે તેનો સમયગાળો 64 મિનિટનો હતો.
પીએમ મોદી અત્યાર સુધીમાં દેશને નવ વખત લાલ કિલ્લા પરથી સંબોધિત કરી ચુકયા છે.જેમાં માત્ર એક જ વખત 2017માં એક કલાકથી ઓછા સમયનુ ભાષણ આપ્યુ હતુ.જાણો પીએમ મોદીના અત્યાર સુધીના ભાષણોનો સમયગાળો
બિહાર (Bihar)માં ભાજપ (BJP) સાથે છેડો ફાડી અને આરજેડી (RJD) સાથે ગઠબંધન કરી મોટો રાજકીય ઉલટફેર કર્યા બાદ નીતિશ કુમાર (Nitish Kumar) બુધવારે 10/8/22, બપોરે બે કલાકે ફરીથી સીએમ પદના શપથ લેવાના છે. કુલ સાત પાર્ટીઓના સહયોગથી આ સરકાર બનવા જઈ રહી છે. નીતિશ કુમાર 8મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. તેમની સાથે તેજસ્વી યાદવ (Tejashwi Yadav) પણ શપથ લેવાના છે. તેમને નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી શક્યતા છે.
આ મહાગઠબંધન સરકારના મંત્રીમંડળને લઈને જે અહેવાલો સામે આવ્યા છે, તેમાં કહેવાઈ રહ્યું છે કે, 35 મંત્રીઓનું એક મજબૂત મંત્રીમંડળ જોવા મળી શકે છે. તેમાં જેડીયુ અને આરજેડીના ખાતામાં 14 મંત્રાલય આવી શકે છે. તો કોંગ્રેસને ત્રણ અને લેફ્ટને બે મંત્રાલય જઈ શકે છે. જીતન રામ માંઝીની પાર્ટીને પણ એક મંત્રાલય આપવામાં આવી શકે છે. જોકે, હજુ સુધી મંત્રીમંડળને લઈને કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.
મંગળવારનો દિવસ બિહારના રાજકારણમાં મોટી ઉથલ-પાથલવાળો રહ્યો. સૌથી પહેલા નીતિશ કુમાર રાજ્યપાલને મળ્યા અને પોતાનું રાજીનામું સોપ્યું અને પછી સીધા રાબડી દેવીના ઘરે જઈ તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી. એ મુલાકાતમાં નીતિશ કુમારે મહાગઠબંધનનો સાથ છોડવા પર અફસોસ વ્યક્ત કર્યો અને એક નવી શરૂઆત પર ભાર આપ્યો. તે પછી નીતિશ અને તેજસવી બંને ફરી રાજ્યપાલને મળવા ગયા અને તેમની સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. તેમના દ્વારા કુલ 164 ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપવામાં આવ્યો.
બિહારમાં લાંબા સમયથી ચાલુ રાજકીય અટકળો પર પૂર્મ વિરામ મૂકાય ગયો છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યૂનાઈટેડ (JDU) વચ્ચેનું ગઠબંધન તૂટી ગયુ છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના આવાસ પર થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બિહારમાં જનતા દળ યુનાઈટેડ અને ભાજપની યુતિ સરકાર પડી ભાંગી છે. આ પહેલા રાજ્યપાલને મળવા માટે મુખ્યમંત્રી કુમારે જે સમય માંગ્યો હતો તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ સાથે બેઠકમાં કુમાર રાજીનામું આપે તેવી શક્યતા છે. આ દરમિયાન લાલુ યાદવના રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ અને કુમારના જનતા દળ યુનાઈટેડ વચ્ચેની એક સંયુક્ત બેઠક યોજાઈ હતી. નીતિશ કુમાર બીજેપીનો સાથ છોડશે તેવી અટકળો સતત ચાલી રહી હતી. જેના પર હવે મહોર લાગી ગઈ છે. જો કે જેડીયુ દ્વારા ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ બંને પક્ષોનું ગઠબંધન તૂટી ગયું છે. CM નીતિશ કુમાર મહાગઠબંધન સાથે સરકાર બનાવશે જેમાં આરજેડી, લેફ્ટ અને કોંગ્રેસ સામેલ છે. સાંજે જ્યારે તેઓ રાજ્યપાલની મુલાકાત કરશે ત્યારે મહાગઠબંધનના નેતા પણ તેમની સાથે હાજર રહેશે અને ગવર્નરને સમર્થન પત્ર સોંપશે.
ભારતમાં કેન્દ્રનું સત્તાબિંદુ હાંસલ કરવા માટે ગુજરાતનો રસ્તો જ અપનાવવો પડે છે તેવી માન્યતાને પગલે હવે ગુજરાતના રાજકરણમાં પગ જમાવવા માંગતી આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પૂર્વે એક મોટો દાવ ખેલવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પાંચ મહિના પૂર્વે જ આપ અમુક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.
ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.