CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 5 of 48 - CIA Live

October 9, 2022
ShivSena.jpeg
1min491

ચૂંટણી પંચે હાલ શિવસેના નામ પર અને તેના ચિન્હ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. જેને પગલે હાલ શિવસેનાના બેમાંથી એક પણ જૂથને શિવસેના નામ અને તેના ચિન્હ ધનુષનો ઉપયોગ કરવા નહીં દેવાય. જ્યારે બન્ને જૂથોએ ૧૦મી ઓક્ટોબરે બપોરે ૧ વાગ્યા સુધી પોત પોતાના નવા ચૂંટણી ચિન્હ ચૂંટણી પંચ સમક્ષ રજુ કરવાના રહેશે. ફ્રી ચિન્હોમાંથી કોઇ પસંદ કરવાના રહેશે. 

આઠ ઓક્ટોબરના રોજ જારી કરેલા પોતાના આદેશમાં ચૂંટણી પંચે કહ્યું છે કે શિવસેના ધનુષ અને તીર ચૂંટણી ચિન્હ સાથે મહારાષ્ટ્રમાં એક માન્યતા પ્રાપ્ત પક્ષ છે. ૨૫મી જૂન, ૨૦૨૨ના રોજ ઉદ્ધવ ઠાકરે તરફથી અનિલ દેશાઇએ પંચને એકનાથ શિંદેના નેતૃત્વમાં કેટલાક ધારાસભ્યો દ્વારા પાર્ટી વિરોધી ગતિવિધિઓ અંગે માહિતગાર કરવામાં આવ્યું હતું. તેઓએ શિવસેના અથવા બાળાસાહેબના નામનો ઉપયોગ કરીને કોઇ પણ રાજકીય પક્ષની સ્થાપના સામે વિરોધ નોંધાવ્યો હતો. 

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે જે બાદ અનિલ દેસાઇએ ૦૧.૦૭.૨૦૨૨ના રોજ મોકલવામાં આવેલા ઇમેલમાં ૩૦ જુનના જારી કરાયેલા ત્રણ પત્રોને પણ અટેચ કર્યા હતા. જેમાં એ ઉલ્લેખ કરાયો હતો કે પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહેનારા ચાર સભ્યોએ સ્વેચ્છાએ પાર્ટીનું સભ્યપદ છોડી દીધુ છે. અને તેથી સભ્યોને શિવસેના નેતાના ઉપનેતાના પદેથી હટાવવામાં આવે છે. જેમાં એકનાથ શિંદે, ગુલાબરાવ પાટિલ, તાંજી સાવંત અને ઉદય સાવંત સામેલ હતા. 

સાથે જ જણાવવામાં આવ્યું છે કે ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પ્રમુખ છે. તેવી જ રીતે એકનાથ શિંદે જૂથ દ્વારા પણ પક્ષના નામ અને ચિન્હ પર પોતાનો દાવો કરવામાં આવ્યો છે. બન્ને જૂથ દ્વારા હાલ શિવસેના નામ અને ચિન્હને લઇને ખેંચતાણ ચાલી રહી છે અને બન્નેની ફરિયાદો પર ચૂંટણી પંચ વિચારણા કરી રહ્યું છે. હાલ બન્નેમાંથી કોઇ જૂથ નામ કે ચિન્હનો આગામી આદેશ સુધી ઉપયોગ નહીં કરી શકે તેવી ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી દીધી છે. તેથી હાલ આગામી ત્રણ નવેમ્બરના રોજ અંધેરી પૂર્વની પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં આ બન્ને જૂથોમાંથી કોઇ પણ નામ કે ચિન્હનો ઉપયોગ નહીં કરી શકે. હાલ એવી છૂટ જરૂર આપવામાં આવી છે કે જે બન્ને જૂથ ઇચ્છે તો પોત પોતાના નામની પાછળ સેના શબ્દનો ઉપયોગ કરી શકે છે. હાલ ૧૦મીએ આ બન્ને જૂથોએ પંચ સમક્ષ નામ અને ફ્રી ચિન્હોમાંથી ત્રણ વિકલ્પ પ્રાથમિક્તાના આધારે બતાવવા પડશે.

October 3, 2022
Gujarat-map.jpg
1min378

ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ ગયો છે ત્યારે આગામી 15′ અથવા 16 ઓક્ટોબરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તેવી શક્યતાને પગલે દેશના ગૃહ મંત્રી અમિત શાહ તાત્કાલિક ધોરણે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. ત્યાર બાદ તેમણે ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે ચૂંટણીલક્ષી બેઠકનો શરૂઆત કરી હતી. આ બેઠકમાં પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી સહિત ભાજપના તમામ હોદ્દેદારો સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાત પ્રદેશ ભાજપે 182 બેઠકની ચાર ભાગમાં વહેચી દીધી છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપે 182 બેઠકનો ચાર વિભાગ એટલે કે એ, બી, સી અને ડીમાં વહેંચી દીધી છે. જેમાં એમાં 100 ટકા જીતી શકાય તેવી બેઠકો, બીમાં 75 ટકા જીતી શકાય તેવી બેઠકો, સીમાં 50 ટકા જેટલી જીતી શકાય તેવી બેઠકો તેમજ ડીમાં જેમાં ભાજપ ક્યારે જીતી શક્યું નથી તેવી બેઠકોનું વિશ્લેષણ કરવામાં આવ્યુ હતું.’

ભાજપનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આગામી 13 અને 14 ઓક્ટોબરના રોજ રાજ્યમાં ગરીબકલ્યાણ મેળા રાખવામાં આવ્યા છે. ત્યાર પછી 18થી 22 ઓક્ટોબરના ગુજરાતમાં ડિફેન્સ એક્સ્પો થવાનો છે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે રાખવામાં આવ્યું છે.

કમલમમાં અમિત શાહની અધ્યક્ષતામાં શરૂ થયેલા બેઠકોના દૌરમાં સરકાર અને સંગઠનના સમન્વય, બૂથ સ્તરની કામગીરી પર ભાર મૂકવા, વર્તમાન પરિસ્થિતિની અંદર જે પણ જે આંતરિક વિરોધ છે તેને ખાળવા મુદ્દે નબળી બેઠકો ઉપર કયા સંયોજકો કે વિસ્તારકો મોકલવાની તે અંગે તેમજ’ ટીમ વર્કથી કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

September 26, 2022
ghulam-nabi-azad.jpg
1min412

ગુલામ નબી આઝાદે આજે તા.26મી સપ્ટેમ્બરના રોજ પોતાની પાર્ટીના નામનું એલાન કર્યું છે. તેમણે પોતાની પાર્ટીનું નામ ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી’ રાખ્યું છે. આઝાદે 26 ઓગષ્ટના રોજ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં નવી પાર્ટીના નામની ઘોષણા કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમની પાર્ટીની વિચારધારા આઝાદ હશે. રવિવારે જ ગુલામ નબી આઝાદ શ્રીનગર પહોંચ્યા હતા. તેઓ 27 સપ્ટેમ્બર સુધી ત્યાં જ રહેશે. ત્યારબાદ તેઓ દિલ્હી જવાના છે. 

આઝાદે કહ્યું હતું કે, તેમની પાર્ટીમાં ધર્મ નિરપેક્ષ લોકો જ સામેલ થઈ શકે છે. તેમણે પાર્ટીમા નામને લઈને જનતા પાસેથી પણ સૂચનો માંગ્યા હતા. શ્રીનગરની મુલાકાત દરમિયાન પણ તેમણે સમર્થકો સાથે પાર્ટીના નામને લઈને મંથન કર્યુ હતું અને ત્યારબાદ હવે પ્રેસ કોન્ફરન્સ કરીને નવી પાર્ટીનું એલાન કરી દીધું છે. 

September 17, 2022
PM_Modi.jpg
1min434

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૨મો જન્મદિવસ દેશભરમાં ઉજવાય રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે ૧૭મી સપ્ટેમ્બરે દર વર્ષે ભાજપના કાર્યકરો અને કેન્દ્ર સરકાર ૨૦૧૪થી વિવિધ લોકસેવાના કાર્યક્રમો યોજે એ રીતે આજે પણ યોજવામાં આવ્યા છે. આ વર્ષે પણ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. દિવસ દરમિયાન મોદીના ચાર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

નામિબિયાથી ભારત પહોંચેલા આઠ ચિત્તાને નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડશે. એ સાથે જ દેશમાં ચિત્તાના પુનર્વસનનો પ્રોજેક્ટ શરૂ થશે. ત્રણ નર અને પાંચ માદા ચિત્તાને નામિબિયાથી બોઈંગ ૭૪૭ વિમાનમાં જયપુર લાવવાના હતા પરંતુ આયોજનમાં ફેરફાર થયો હતો. જયપુરને બદલે ચિત્તા ગ્વાલિયર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે મધ્યપ્રદેશ લાવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં આપબળે આગળ વધેલી મહિલા સાહસિકોના સંમેલનને સંબોધશે. વિશ્વકર્મા જયંતી હોવાથી પીએમ મોદી આઈટીઆઈના વિદ્યાર્થીઓને પણ સંબોધન કરશે. એ કાર્યક્રમમાં ૪૦ વિદ્યાર્થીઓ જોડાશે. મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ લોજિસ્ટિક પોલિસી લોંચ કરશે અને સાથે સાથે ભાષણ પણ આપશે.

દરમિયાન ભાજપે દેશભરમાં વિવિધ લોકસેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો દેશભરમાં ભાજપના યુનિટો દ્વારા થશે. મોદીના જન્મદિવસે ભાજપ વિવિધતામાં એકતા પ્રોગ્રામ અંતર્ગત ગરીબોને સહાય કરશે, દિવ્યાંગોને પણ મદદ કરશે. તે ઉપરાંત સ્વચ્છતા અભિયાન પણ ચલાવાશે. ભાજપ પીએમ મોદીના જન્મદિવસને ધ્યાનમાં રાખીને ગિફ્ટ ઓફ સેવા નામનું કેમ્પેઈન શરૂ કરશે. એમાં શ્રમદાનનું મહત્ત્વ સમજીને અલગ અલગ ક્ષેત્રમાં શ્રમદાન થશે. યુપી સહિતના ઘણાં રાજ્યોમાં તળાવોની સફાઈ જશે, ક્યાંક નદીકાંઠાનો કચરો સાફ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલગ અલગ સમયે જુદા જુદા લોકોએ આપેલા ઉપહારોની હરાજી તેમના જન્મદિવસથી શરૂ થશે અને ગાંધીજયંતિ સુધી ચાલશે. ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ થોડા દિવસ પહેલાં મોદીએ કર્યું હતું, તેની પ્રતિકૃતિ આ ગિફ્ટમાં સામેલ છે. તે ઉપરાંત અયોધ્યા મંદિરનું મોડેલ, વારાણસીમાં કાશી-વિશ્વનાથના મંદિરનું મોડેલ વગેરે જેવી ગિફ્ટ, જે મોદીને અલગ અલગ સમયે મળી હતી તેની હરાજી નિયત કરાયેલી વેબસાઈટમાં થશે. આ ગિફ્ટમાં રમતવીરોએ પીએમને આપેલા ઉપહારોનો પણ સમાવેશ થાય છે. હરાજી માટે ૧૦૦ રૂપિયાથી ૧૦ લાખ સુધીની બેઝ પ્રાઈઝ નક્કી કરાઈ છે. આ હરાજીથી લગભગ ૨૦ કરોડ રૂપિયા મળે એવી શક્યતા છે. હરાજીમાંથી મળનારી ધનરાશિ નમામિ ગંગે પ્રોજેક્ટમાં આપવામાં આવશે. 

September 14, 2022
goa_congress.jpg
1min410

ગોવામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગંબર કામત અને વિપક્ષના નેતા માઈકલ લોબો સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. વિપક્ષના નેતા માઈકલ લોબોએ આજે ​​કોંગ્રેસ ધારાસભ્ય દળની મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળને ભાજપમાં જોડી દેવાનો નિર્ણય લેવાયો હતો. આ પછી આ ધારાસભ્યો મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને પણ મળ્યા હતા.

દિગંબર કામત, માઈકલ લોબો, ડી લોબો, રાજેશ ફાલદેસાઈ, કેદાર નાયક, સંકલ્પ અમોનકર, એલેક્સો સિક્વેરા અને રુડોલ્ફ ફર્નાન્ડિસ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા ધારાસભ્યોમાં સામેલ છે. આ તમામ ધારાસભ્યો સીએમ પ્રમોદ સાવંતની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે સીએમ સાવંતે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ છોડો યાત્રા ગોવાથી શરૂ થઈ છે.

40 બેઠકોવાળી ગોવા વિધાનસભામાં ભાજપના 20 ધારાસભ્યો હતા. જ્યારે કોંગ્રેસ પાસે 11 બેઠકો હતી. આ સિવાય મહારાષ્ટ્રવાદી ગોમંતક પાસે બે અને ગોવા ફોરવર્ડ પાર્ટી પાસે એક સીટ છે. જ્યારે અન્યના ખાતામાં છ બેઠકો છે. કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસ પાસે વિધાનસભામાં માત્ર ત્રણ બેઠકો રહી છે. આ સાથે જ ભાજપની સંખ્યા વધીને 28 થઈ ગઈ છે.

આ સાથે જ ગોવા કોંગ્રેસ વિધાનમંડળ પાર્ટીએ વિધાનસભાની અંદર ભાજપમાં વિલીનીકરણનો ઠરાવ પસાર કર્યો હતો. વિપક્ષના નેતા માઈકલ લોબોએ અન્ય સાત ધારાસભ્યોની હાજરીમાં પ્રસ્તાવ રજૂ કર્યો, ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી અને ધારાસભ્ય દિગંબર કામતે પ્રસ્તાવને સમર્થન આપ્યું.

નોંધનીય છે કે 2019માં પણ ભાજપે કોંગ્રેસને આવો જ ફટકો આપ્યો હતો. જુલાઈ 2019માં કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.

September 10, 2022
VIJAY_rupani.jpg
1min376

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 15 રાજ્યોના પ્રભારીઅને કેટલાક સહપ્રભારીઓની નિમણૂક જાહેર કરી છે. તેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ-ચંદીગઢ રાજ્યનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે સહપ્રભારી તરીકે નરેન્દ્ર સિંહ રૈનાને જવાબદારી સોંપવામાં આવી છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાળે જ રાજ્યમાંથી એક્ઝિટ આપતા લોકોને આશ્ચર્ય થયું છે. ગત મહિને જ સરકાર તથા સંગઠન વચ્ચે યોગ્ય તાલમેલ જળવાય તે માટે કોર કમિટીમાં વિજય રૂપાણીને સામેલ કરવામાં આવ્યા હતા. તેવામાં હવે તેમને ચૂંટણી સમયે જ ગુજરાતમાંથી એક્ઝિટ આપતા ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે, ભાજપ આવા આશ્ચર્યજનક નિર્ણયો માટે જાણીતો છે. ગત વર્ષે ભાજપે ગુજરાતમાં અચાનક જ નેતૃત્વ પરિવર્તન કરી દીધું હતું. ત્યારે પક્ષે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વડપણ હેઠળના આખા મંત્રી મંડળને બદલી દીધું હતું. ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

હવે રૂપાણીને પંજાબના પ્રભારી તરીકેની જવાબદારી સોંપીને નેતૃત્વએ મોડેલ સ્ટેજમાં રાજ કરતા લોકોને એક સંકેત આપ્યો છે. જોકે, હજી ગયા મહિને જ બે મંત્રીઓના મહત્વના ખાતાઓ આંચકી લેવામાં આવ્યા હતા. ભાજપે પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદીના ખાતાઓ આંચકી લીધા હતા. આ રીતે પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે પક્ષમાં કોઈ અશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે.

આ વર્ષે પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને હરાવીને સત્તા મેળવીને લોકોને ચોંકાવી દીધા હતા. આમ આદમી પાર્ટીએ પૂર્ણ બહુમતી મેળવી હતી. હવે પંજાબમાં 2027માં ચૂંટણી યોજાશે તે પહેલા ભાજપે અત્યારથી જ ત્યાં સંગઠનાત્મ સુધારાઓ કરીને પક્ષ અને સંગઠનને મજબૂત કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. હવે તેની સંપૂર્ણ જવાબદારી વિજય રૂપાણીની ખભા પર રહેશે.

September 6, 2022
cong.jpeg
2min360

રાહુલ ગાંધીએ ચૂંટણી વચનો આપ્યાં 

– ખેડૂતોનું રૂા.૩ લાખ સુધીનુ દેવુ માફ કરાશે

– ૩૦૦ યુનિટ વિજળી મફત અપાશે

– કોરોનાના મૃતકોના પરિવારજનોને રૂા.૪ લાખ સહાય અપાશે

– રૂા.૫૦૦માં ગેસ સિલિન્ડર અપાશે

– દસ લાખ શિક્ષિત  યુવા બેરોજગરોને નોકરી અપાશ

– દુધમાં પ્રતિ લિટર રૂા.૫ સબસિડી

– ગુજરાતમાં ૩ હજાર સરકારી અંગ્રેજી મિડીયમની શાળા શરૂ કરાશે છોકરીઓને વિના મૂલ્યે શિક્ષણ 

– ભ્રષ્ટાચાર વિરુધ્ધ કાનૂન ઘડાશે

– ગુજરાત આજે ડ્રગ્સનું એપી સેન્ટર બન્યું છે, આ એવું રાજ્ય છે જયાં આંદોલન માટે પણ પરમિશન લેવી પડે છે

અમદાવાદ : કન્યાકુમારીથી ભારત જોડો પદયાત્રાના આરંભ અગાઉ અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર પરિવર્તન સંકલ્પ સંમેલન સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાકે, એક બાજુ, સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવામાં આવે છેને બીજી બાજુ, એ જ સરદારની વિચારધારા પર આક્રમણ કરવામાં આવે છે.એ વિચારધારાનુ અપમાન કરાય છે.

 રાહુલ ગાંધીએ પણ વાયદો કર્યો હતોકે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાશે તો, ખેડૂતોનુ ત્રણ લાખ રૂપિયા સુધીનુ દેવુ માફ કરાશે.દિકરીઓને મફત શિક્ષણ અપાશે જયારે ૩૦૦ યુનિટ વીજળી મફત અપાશે. આ ઉપરાંત બુથ કાર્યકરોને રાહુલ ગાંધીએ જીતનો મંત્ર આપ્યોકે, ગુજરાતની જનતા આજે ત્રસ્ત બની ગઇ છે. જો  પ્રજાલક્ષી પ્રશ્નોને આગળ ધરીને લડાયક બનીને ચૂંટણી લડશો તો કોંગ્રેસની સરકાર નક્કી છે.

સરદાર પટેલ એ કોઇ વ્યક્તિ નહી પણ એ દેશના ખેડૂતોનો અવાજ હતો. તેમના મોઢામાંથી જે નીકળતુ તે ખેડૂતોના હિતમાં હતુ. જો સરદાર ન હોત તો અમૂલ ન હોત. તે વાતનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ એવા પ્રહારો કર્યાં કે,મોદી અને આરએસએસના લોકોએ સરદારની દેશની સૌથી ઉંચી પ્રતિમા બનાવી પણ તેઓ જે ખેડૂતો માટે લડયાં તે જગતના તાત માટે કેન્દ્ર સરકારે ત્રણ કાળા કાનૂન લાવી. ભાજપ કહેછેકે, આ ખેડૂતોના હિતમાં છે.હકીકતમાં ખેડૂતોનો હક છિનવવા આ કાયદા લવાયા હતા. સરદારની વિચારધારા પર આક્રમણ થઇ રહ્યુ છે તો પછી વિશાળ મૂર્તિનો શો અર્થ. મારે તમને પુછવુ છેકે, આજે સરદાર હોત તો શુ ઉદ્યોગપતિના દેવા માફ કરત કે પછી ખેડૂતોના..સરદાર પટેલે જ ગુજરાતમાં લોકતાંત્રિક સંસ્થાઓ ઉભી કરી હતી. જેના માટે સરદાર સાહેબ સમગ્ર જીવન લડયા તેને ભાજપ-આરએસએસ અપક્વી શક્યા નહી.

રાહુલ ગાંધીએ ભાજપ સરકારને આડે હાથે લેતા કહ્યું કે, ગુજરાત આજે ડ્રગ્સનુ સેન્ટર બન્યુ છે. કોઇ સામાન્ય વ્યક્તિ પાસે ડ્રગ્સ પકડાય તો કાર્યવાહી થાય છે પણ મુંદ્રા પોર્ટ પરથી કરોડોનુ ડ્રગ્સ પકડાય તો પોલીસ કોઇ કાર્યવાહી કરતી નથી. ઉદ્યોગપતિઓને હજારો એકર જમીનોની લ્હાણી કરી દેવાય  છે જયારે ગરીબ આદિવાસી તેના હકની જમીન માંગે તો તેને મળતી નથી. લોકતંત્ર પર જ નહીં, ગુજરાતની જનતા પર આક્રમણ થઇ રહ્યુ છે પણ કોઇ બોલી શકતુ નથી. ગુજરાત માત્ર એવુ રાજ્ય છે જયાં આંદોલન માટે પણ પરમિશન લેવી પડે છે. શું સરદાર પટેલે અંગ્રેજો સામે લડવા માટે પરમિશન લીધી હતી. નાના ઉદ્યોગો ગુજરાતની તાકાત છે પણ જીએસટી-નોટબંધીને લીધે ઘણુ સહન કરવુ પડયુ છે. કોઇ વેપારીને પુછી જોજો,શું ફાયદો થયો.જવાબ મળશે. રાહુલ ગાંધીએ કાર્યકરોને બબ્બર શેર ગણાવી જોમ જુસ્સો આપતાં કહયુકે, તમે જે લડાઇ લડી રહ્યાં છો તે રાજકીય પાર્ટી સાથેની લડાઇ નથી બલ્કે વિચારધારાની લડાઇ છે. તમે કોની સામે લડી રહ્યાં છો તે સમજવુ પડશે.તેમણે જીતનો મંત્ર આપ્યો કે, ગત વખતની જેમ લડાયક બનીને ચૂંટણી લડશો તો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નક્કી રચાશે. 

છેલ્લે રાહુલ ગાંધીએ ચૂંટણી વાયદો કર્યોકે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાશે તો, બધાય ખેડૂતોનુ દેવુ માફ કરાશે. કોરોના મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂા.૪ લાખ વળતર અપાશે.૩૦૦ યુનિટ સુધી વીજળી મફત અપાશે. ૩ હજાર નવી અંગ્રેજી શાળા ખોલાશે. કન્યાઓને મફત શિક્ષણ અપાશે. ગેસ સિલિન્ડર માત્ર રૂા.૫૦૦માં અપાશે. ગુજરાતમાં આખેઆખી સરકાર બદલવી પડી એ જ દેખાડે છેકે, ભ્રષ્ટાચાર કેટલો થયો છે.  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આક્ષેપ કર્યાંકે, છેલ્લાં ૨૭ વર્ષના ભાજપના શાસનમાં ગુજરાતની જનતા દુખી છે. ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતા જ મુખ્યમંત્રી થી માંડીને બધાય મંત્રીઓ બદલવા પડયા હતાં. ગત ચૂંટણીમાં અમિત શાહ કહેતાં હતાંકે, ૧૫૦ બેઠકો આવશે.કોંગ્રેસ તો લડાઇમાં જ નથી. પણ માત્ર ૯૯ બેઠકો જ આવી હતી. પ્રભારી ડૉ.રઘુ શર્માએ પણ ડબલ એન્જિનની સરકારને ખોટકાયેલુ એન્જિન ગણાવીને આકરી ટીકા કરી હતી. પ્રદેશ પ્રખુખ જગદીશ ઠાકોરે સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતાં. સભા સંબોધન બાદ રાહુલ ગાંધીએ ગાંધીઆશ્રમમાં મહાત્મા ગાંધીને પ્રતિમાને પુષ્પાજંલિ પણ અર્પી હતી. 

August 31, 2022
hazareanna-1280x720.jpg
1min386

વરિષ્ઠ સમાજસેવક અન્ના હજારેએ પોતાના એક સમયના સાથીદાર એવા આપના સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે જે ખૂબ ચર્ચિત બન્યો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તે પત્ર મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે. 

કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ અન્ના હજારેએ પ્રથમ વખત પત્ર લખીને તેમના પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પત્રની શરૂઆતમાં અન્ના હજારેએ લખ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીની લિકર પોલિસી મામલે જે સમાચારો સામે આવી રહ્યા છે તે વાંચીને દુઃખ થાય છે.

કેજરીવાલના આરોપ પ્રમાણે આપ સરકારને બદનામ કરવા માટે ભાજપ અન્ના હજારેનો ઉપયોગ કરી રહ્યું છે. અન્ના હજારે દ્વારા લગાવવામાં આરોપો બાદ કેજરીવાલે જણાવ્યું કે, ‘તેઓ (ભાજપ) કહે છે કે, લિકર પોલિસીમાં કૌભાંડ થયું છે પરંતુ સીબીઆઈ કોઈ કૌભાંડ ન થયું હોવાનું કહે છે. જનતા ભાજપનું નથી સાંભળી રહી અને હવે તેઓ અન્ના હજારેજીના ખભે રાખીને બંદૂક ફોડી રહ્યા છે. રાજકારણમાં આ સામાન્ય વાત છે.’

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા મામલે કેજરીવાલે જણાવ્યું કે, ‘જ્યારે આપણે સાર્વજનિક જીવનમાં આવીએ છીએ ત્યારે આપણે કોઈ પણ પ્રકારની તપાસ માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. સીબીઆઈએ પોતાની તમામ તપાસ પૂરી કરી. મનીષ સિસોદિયાની 14 કલાક સુધી પુછપરછ કરી. તેમણે સવાલનો સંતોષકારક જવાબ આપ્યા. તેમને લોકરમાં પણ કશું ન મળ્યું. માટે તેમને ઔપચારિક ક્લીન ચિટ આપી દેવાઈ.’

August 26, 2022
ghulam-nabi-azad.jpg
1min379

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ મોટું એલાન કર્યું છે. તેઓ જમ્મુ કાશ્મીર પાછા આવશે અને પોતાની પાર્ટી બનાવશે. આઝાદે બીજેપીમાં સામેલ થવાની ખબરોને પણ નકારી કાઢી છે. તેમણે કહ્યું કે, મારા વિરોધી છેલ્લા 3 વર્ષથી કહી રહ્યા છે કે, હું ભાજપમાં જઈ રહ્યો છું. તેઓએ તો મને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ બનાવી દીધા.

તેમણે જણાવ્યું કે, તેઓ નવી પાર્ટી બનાવશે. તેની સાથે જ તેમણે ફરી એક વખત રાષ્ટ્રીય રાજકારણથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં પરત ફરવાનો પણ સંકેત આપી દીધો છે. આઝાદે કહ્યું કે, હું જમ્મુ પણ આવીશ, કાશ્મીર પણ આવીશ. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં અમે પોતાની પાર્ટી બનાવીશું. ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે પણ નજર આવીશું.

શું બીજેપીમાં સામેલ થશો? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, મારા વિરોધીઓ આ વાત 3 વર્ષથી કહી રહ્યા છે. તેઓએ મને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ બનાવી દીધા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમને કોઈ બીજેપી નેતાનો ફોન આવ્યો? આ સવાલના જવાબ પર આઝાદે કહ્યું કે, ભાજપના નેતા મને શું કામ ફોન કરે અમે બીજેપીમાં નથી.

ભાજપ પ્રદેશ અધ્યક્ષના નિવેદન પર ગુલામ નબી આઝાદે કહ્યું કે, અમારા બધી પાર્ટીઓ સાથે સારા સબંધ છે. અમે કોઈને પણ અપશબ્દો નથી કહ્યા. અમે બધા પક્ષોનું સમ્માન કરીએ છીએ. એટલા માટે બધા પક્ષોનું મારા પ્રત્યે સમ્માનનો ભાવ છે.

ગુલામ નબી આઝાદે પોતાના રાજીનામામાં રાહુલ ગાંધી પર લગાવેલા આરોપોના સવાલ પર કહ્યું કે, ગાંધી પરિવાર સાથે અંગત રીતે મારા ઘણા સારા સંબંધો છે. પરંતુ તે પર્સનલ રિલેશનની વાત નથી આ તો આપણે કોંગ્રેસના ડાઉનફોલની વાત કરી રહ્યા છીએ અને જેણે કોંગ્રેસમાં 50 વર્ષ વિતાવ્યા તેમને કેવું લાગી રહ્યું છે તે જણાવી રહ્યા છે.

August 22, 2022
Zoramthanga.jpg
1min382

મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાની દીકરીનો એક હોસ્પિટલમાં ડોક્ટરને થપ્પડો મારતો વિડીયો વાયરલ થયો છે. તે પછી મિઝોરમના મુખ્યમંત્રીએ જાહેરમાં માફી માગી છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કહ્યું કે, તેઓ પોતાની દીકરીના આવા વ્યવહારને કોઈ રીતે યોગ્ય ઠેરવી શકે તેમ નથી. સીએમએ કહ્યું કે, દીકરીએ ડોક્ટર પાસે જઈને તેમની માફી માગી લીધી છે. મુખ્યમંત્રીની દીકરી મિલારી છાંગતેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેમાં તે એક ડોક્ટરને થપ્પડો મારી રહી હતી.

17/8/22, બુધવારે બનેલી આ ઘટનાથી ડોક્ટરોમાં રોષ છે. 20/8/22, શનિવારે 800થી વધુ ડોક્ટરોએ કથિત હુમલાની ટીકા કરતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક ડોક્ટરે કહ્યું કે, છાંગતેએ આઈઝોલ સ્થિત ચામડીના રોગના ડોક્ટર પર હુમલો કર્યો હતો. ડોક્ટરે છાંગતેને કહ્યું કે, તેમણે ક્લિનિક પર એપોન્ટમેન્ટ લઈને આવવું જોઈતું હતું, જેના પર તે ગુસ્સે થઈ ગઈ હતી અને થપ્પડો મારી દીધી હતી.

આઈએમએના મિઝોરમ યુનિટે સ્ટેટમેન્ટમાં કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે ડોક્ટરોની સાથે આ પ્રકારનો વ્યવહાર ફરીથી ન થાય.

મુખ્યમંત્રીએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ‘ડોક્ટર સાથે મારી દીકરીએ જે વ્યવહાર કર્યો તેના બચાવમાં હું કઈ કહેવા નથી માગતો. અમે જનતા અને ડોક્ટરોની માફી માગીએ છીએ.’ ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની બીજી દીકરીએ પણ સોશિયલ મીડિયા પર પોતાની બહેન તરફથી માફી માગી હતી અને કહ્યું હતું કે, માનસિક તણાવને કારણે તેમની બહેન ગુસ્સે થઈ ગઈ હતી.