CIA ALERT

ઇન્ડીયા Archives - Page 26 of 209 - CIA Live

July 7, 2024
mahuva-moitra.jpeg
1min237

મહિલા આયોગ (NCW)નાં અધ્યક્ષ રેખા શર્મા વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને

તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી TMCનાં સાંસદ મહુઆ મોઇત્રા ફરી એક વાર મોટા વિવાદમાં સપટાઈ શકે છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)નાં અધ્યક્ષ રેખા શર્મા વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને મોટો વિવાદ થયો છે. હવે રેખા શર્માની ફરિયાદ પર મહુઆ મોઇત્રાની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. સ્પેશિયલ સેલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 79 હેઠળ કેસ નોંધ્યો છે.

અલબત્ત, આ કલમ ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 79 (મહિલાઓની ગરિમાનું અપમાન કરવાના હેતુથી શબ્દ, હાવભાવ અથવા અન્ય કોઈ કૃત્ય) લગાવવામાં આવી છે. દિલ્હી પોલીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પરથી ટ્વિટ સંબંધિત માહિતી પણ માંગી રહી છે.

દેશમાં પહેલી જુલાઈથી નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. હવે આઈપીસીનું સ્થાન ભારતીય ન્યાયિક સંહિતાએ લીધું છે. મહુઆ મોઇત્રા વિરુદ્ધ નવા કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

શું છે મામલો. તો વિગતે જાણીએ કે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા હાથરસ નાસભાગના સ્થળે પહોંચ્યા હતા અને તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. વીડિયોમાં એક વ્યક્તિ રેખા શર્માની પાછળ ચાલતા હાથમાં છત્રી પકડેલી હોય છે. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો ત્યારે એક યુઝરે કમેન્ટ કરીને પૂછ્યું કે શું રેખા શર્મા પોતાની છત્રી ઉપાડી શકતા નથી? તે જ યુઝરની કમેન્ટના જવાબમાં મહુઆ મોઇત્રાએ અભદ્ર ટિપ્પણી કરી હતી. એના સંબંધમાં રાષ્ટ્રીય મહિલા પંચે મહુઆ મોઇત્રાની આ ટિપ્પણી પર કાર્યવાહીની માંગ કરી છે. પંચની આ માંગને પગલે મહુઆ મોઇત્રા સામે કેસ નોંધવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય મહિલા આયોગને જવાબ આપતા મહુઆ મોઇત્રાએ ટ્વિટર પર લખ્યું હતું કે દિલ્હી પોલીસે આ આદેશો પર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. જો તમને આગામી 3 દિવસમાં ધરપકડ માટે મારી જરૂર પડી તો હું પશ્ચિમ બંગાળના નદિયા વિસ્તારમાં હોઈશ. આ સાથે તેમણે કહ્યું હતું કે હા, હું મારી પોતાની છત્રી પોતે પકડી શકું છું. જોકે, મહિલા પંચે મહુઆ મોઈત્રા પહેલી ટિપ્પણીને અભદ્ર અને અપમાનજનક ગણાવી છે તેમ જ તેની સાથે કહ્યું હતું કે આ મહિલાના સન્માનના અધિકારનું ઉલ્લંઘન છે. મોઇત્રાની ટિપ્પણીની સખત નિંદા કરવામાં આવી છે. મોઇત્રા સામે એફઆઈઆરની માંગણી કરતા તેમણે કહ્યું કે પંચને 3 દિવસમાં વિગતવાર એક્શન રિપોર્ટ આપવામાં આવે.

July 7, 2024
assam-floods.png
1min237
Seven lakhs affected by floods in Assam 13 rivers flow at alarming levels

દેશના પૂર્વોત્તર રાજ્ય આસામમાં(Assam)શનિવારે પૂરના કારણે સ્થિતિ ગંભીર બની હતી. અહીંની મુખ્ય નદીઓ ઘણી જગ્યાએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 30 જિલ્લાઓમાં 24.50 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. આ વર્ષે પૂરના(Flood)કારણે 52 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ભૂસ્ખલન અને વાવાઝોડાને કારણે 12 લોકોના મોત થયા છે. પૂર પ્રભાવિત ડિબ્રુગઢ જિલ્લામાંથી પરત ફરેલા મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ શુક્રવારે અધિકારીઓ સાથે બેઠક કરી અને રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી.

મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી

સીએમ હિમંતા વિશ્વ શર્માએ કહ્યું, ડિબ્રુગઢના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા પછી અમે કેટલાક અન્ય મુદ્દાઓ સાથે સ્વાસ્થ્ય નાણાકીય સહાય યોજના ‘આસામ આરોગ્ય નિધિ’ની સમીક્ષા કરી હતી, શર્માએ પણ કહ્યું હતું કે અધિકારીઓને ખાસ કરીને તે આપવા માટે કહેવામાં આવ્યું છે. દુર્લભ કેસો અને હાલની કોઈપણ યોજના હેઠળ આવરી લેવામાં આવતા ન હોય તેવા કેસોને અગ્રતા આપવામાં આવે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પૂર પ્રભાવિત લોકો સાથે વાત કર્યા પછી, અધિકારીઓને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી છે.

આ જિલ્લાઓ પૂરથી વધુ પ્રભાવિત છે

સ્વચ્છ પીવાના પાણીના પુરવઠા અંગે તેમણે કહ્યું કે ‘જલ જીવન મિશન’ યોજના ‘આ મુશ્કેલ સમયમાં આશાના કિરણ’ તરીકે ઉભરી આવી છે. કચર, કામરૂપ, હૈલાકાંડી, હોજાઈ, ધુબરી, નાગાંવ, મોરીગાંવ, ગોલપારા, બરપેટા, ડિબ્રુગઢ, નલબારી, ધેમાજી, બોંગાઈગાંવ, લખીમપુર, જોરહાટ, સોનિતપુર, કોકરાઝાર, કરીમગંજ, દક્ષિણ સલમારા, દરરંગ અને તિનસુકિયા જિલ્લા પૂરથી પ્રભાવિત છે.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના બુલેટિન મુજબ, સૌથી વધુ પૂર પ્રભાવિત જિલ્લાઓમાં ધુબરી, દારંગ, કચર, બરપેટા અને મોરીગાંવનો સમાવેશ થાય છે. કુલ 47,103 અસરગ્રસ્ત લોકોએ 612 શિબિરોમાં આશ્રય લીધો છે, જ્યારે 4,18,614 લોકોને રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી છે.

July 6, 2024
india-vs-zim-2024.png
2min237

ટી 20 વર્લ્ડકપ જીત્યા બાદની પહેલી ટી 20 મેચમાં ભારતનો પરાજય થયો છે. ભારત સામેની મેચમાં ઝિમ્બાબ્વે 13 રને વિજયી રહ્યું. ભારતના બેટર્સે 6/7/2024ની મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે જ હવે ઝિમ્બાબ્વે સીરિઝમાં 1-0થી આગળ છે. 

ઝિમ્બાબ્વેના હરારેમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ ટી20 મેચની સીરિઝ યોજાઇ રહી છે જેમાં આજે પહેલી મેચ રમાઈ હતી. આજની મેચમાં ટોસ હાર્યા બાદ ઝિમ્બાબ્વેએ નવ વિકેટ ગુમાવીને 115 રન ફટકાર્યા હતા. ઝિમ્બાબ્વે ટીમમાં ક્લાઇવ મડાંડેએ ટીમમાં સૌથી વધુ 29 રન ફટકાર્યા, તે સિવાય કોઈ ખેલાડી કશું કમાલ કરી શક્યા નહોતા. 

ભારતના રવિ બિશનોઈ સૌથી સફળ બોલર સાબિત થયો. રવિએ ચાર ઓવરમાં 13 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી. વોશિંગ્ટન સુંદરે બે જ્યારે આવેશ ખાન તથા મુકેશ કુમારે એક એક વિકેટ લીધી હતી.  

ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન 

ઝિમ્બાબ્વેની બેટિંગ જોયા બાદ ફેન્સને આશા હતી કે ભારતીય ટીમ સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે. પરંતુ થયું તદ્દન ઊંધું જ. શરૂઆતથી જ ભારતને એક બાદ એક ઝટકા લાગ્યા. ડેબ્યૂ મેચમાં અભિષેક શર્મા ખાતું ખોલ્યા વગર જ ઝીરો રનમાં પવેલિયનભેગો થઈ ગયો હતો. જે બાદ 15 રનના સ્કોર પર જ ભારતને બીજો ઝટકો લાગ્યો, માત્ર સાત રન બનાવીને ઋતુરાજ ગાયકવાડ પણ આઉટ થયો. 

ખેલાડીનું નામરનબોલ
અભિષેક શર્મા04
શુભમન ગિલ3129
ઋતુરાજ ગાયકવાડ79
રિયાન પરાગ23
રીન્કુ સિંહ02
ધ્રુવ જૂરેલ714
વૉશિંગ્ટન સુંદર2734
રવિ બિશ્નોઈ98
આવેશ ખાન1612
મુકેશ કુમાર03
ખલીલ એહમદ01

રિયાન અને રીન્કુ પણ કશું ખાસ કરી ન શક્યા 

ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલ રિયાન પરાગ પણ પોતાની ડેબ્યૂ મેચમાં ખાસ દેખાવ કરી શક્યો નહીં અને બે રન બનાવીને આઉટ થયો. પાંચમા ક્રમાંક પર રીન્કુ સિંહ અને તેણે પણ લોકોની આશા પર પાણી ફેરવ્યું. રીન્કુ પણ ખાતું ખોલ્યા વગર જ પવેલીયનભેગો થયો હતો. 

શુભમન ગિલે 31 રન બનાવ્યા 

જ્યાં એક તરફ શુભમન ગિલ બાજી સંભાળી રહ્યો હતો ત્યાં બીજી તરફ એક બાદ એક વિકેટ પડી રહી હતી. ધ્રુવ જૂરેલ પણ માત્ર છ રન બનાવીને આઉટ થયો. છ વિકેટ બાદ પણ ફેન્સને આશા હતી કે શુભમન ગિલ મેચ જીતાડી શકે છે પણ બાદમાં ગિલ પણ 31 રન બનાવીને આઉટ થયો. શુભમને 29 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 31 રન ફટકાર્યા હતા. 

શુભમન ગિલ બાદ વૉશિંગ્ટન સુંદર છેક સુધી મેદાન પર હતો. નવ વિકેટ ગુમાવ્યા બાદ પણ સુંદરની બેટિંગના કારણે મેચમાં જીતની એક આશા જીવંત હતી. જોકે અંતમાં વિજય ઝિમ્બાબ્વેનો જ થયો. મેચમાં નવા ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શન બાદ ક્રિકેટ એક્સપર્ટ્સનો પણ મત છે કે ટીમમાં સિનિયર ખેલાડીઓની કમી વર્તાઇ છે. 

July 6, 2024
nirmalasita.jpg
1min224

દેશમાં 18મી લોકસભાના ગઠન બાદ હવે મોદી સરકાર તેમના ત્રીજા કાર્યકાળનો પ્રથમ બજેટ રજૂ કરવા જઇ રહી છે. કેન્દ્રિય બજેટ 2024 રજૂ કરવાની તારીખો પણ જાહેર થઇ ગઇ છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણ 23 જૂલાઇએ સંસદમાં બજેટ રજૂ કરશે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર સમાપ્ત થઇ ગયું છે. જેમાં નવા ચૂંટાયેલા સાંસદોનો શપથગ્રહણ થયું તેમજ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક થઇ હતી. જેને રાષ્ટ્રપતી દ્રૌપદી મૂર્મુએ સંબોધી હતી. હવે સમગ્ર દેશની નજર બજેટ સત્ર પર છે.

સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ પોતાના X હેન્ડલ પર આ અંગેની જાણકારી આપતા પોસ્ટ કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, ભારત સરકારના પ્રસ્તાવ પર ભારતના માનનિય રાષ્ટ્રપતિએ બજેટ સત્ર, 2024 માટે સંસદના બંને ગૃહોને 22 જુલાઇથી 12 ઓગસ્ટ સુધી બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રિય બજેટ 23 જૂલાઇના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે.

સીતારમણ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ તોડશે 

નોંધનીય છે કે આ વર્ષે ચૂંટણીના કારણે બે વખત બજેટ રજૂ થઈ રહ્યું છે. પહેલી ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. હવે નવી સરકારના ગઠન બાદ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. બજેટની સાથે જ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કરશે. સતત સાત કેન્દ્રીય બજેટ રજૂ કરનાર તેઓ પ્રથમ નાણામંત્રી બની જશે. આ રેકોર્ડ અગાઉ મોરારજી દેસાઇના નામે હતો, તેમણે છ વખત બજેટ રજૂ કર્યું હતું. 

કરદાતાઓને મળી શકે છે રાહત

કેન્દ્રિય બજેટ 2024ની તારીખો જાહેર થવાની સાથે અટકળો ચાલી રહી છે કે, નાણા મંત્રી મોદી સરકાર 3.0 અંતર્ગત કરદાતાઓ માટે અમુક લાભોની જાહેરાત કરી શકે છે. એક મીડિયા એજન્સીએ બે સરકારી અધિકારીઓનો હવાલો આપી જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર કેન્દ્રિય બજેટમાં ગ્રામીણ આવાસ માટે રાજ્યની સબ્સિડી વધારવા અંગે વિચારી રહી છે. જેમાં પાછલા વર્ષની તુલનામાં 50 ટકા સુધીની વૃદ્ધિ થવાની શક્યતા છે. જે વધીને 6.5 બિલિયન (અબજ) અમેરિકી ડોલરથી વધુ થવાની શક્યતા છે.

July 5, 2024
mobile-india.jpg
1min208

ત્રણ જુલાઈ-2024થી પ્રીપેડ અને પોસ્ટપેડ મોબાઈલ ટેરિફની કિંમતો વધારવામાં આવી છે. દેશની ત્રણ મુખ્ય ટેલીકૉમ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા (Reliance Jio, Bharti Airtel and Vodafone Idea)એ મોબાઈલ ટેરિફમાં 25 ટકા સુધીનો વધારો કર્યો છે. હવે આ મામલે કોંગ્રેસે મોદી સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા (Randeep Surjewala)એ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે કે, ‘મોદી સરકારે 109 કરોડ મોબાઈલ યુઝર્સ (Mobile Users) પર વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો નાખ્યો છે.’

Airtel vs Vodafone Idea vs Reliance Jio tariff hike: Check out new  cheapest, costliest plans - BusinessToday

સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે, ‘ત્રણ અને ચાર જુલાઈના રોજ દેશની ત્રણ ટેલીકૉમ કંપનીઓએ મોબાઈલ ટેરિફની કિંમતો વધારી છે. ત્રણેય સેલ ફોન કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોટાફોન આઈડિયાનો માર્કેટ શેર 91.6 ટકા છે અને તેમના 109 કરોડ સેલ ફોન યુઝર્સ છે. મોદી સરકારની મંજૂરી બાદ આ કંપનીઓએ ટેરિફમાં વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો ગ્રાહકો પર નાખી દીધો છે.’

રણદીપ સુરજેવાલાએ ટ્રાઈના રિપોર્ટને ટાંકીને કહ્યું કે, ‘ટેલીકૉમ કંપનીઓ પોતાના યુઝર્સો પાસેથી 31 ડિસેમ્બર-2023 સુધીમાં દર મહિને સરેરાશ 152.55 રૂપિયા કમાતી હતી. રિલાયન્સ જિયોએ ટેરિફ રેટમાં 12થી 27 ટકા, એરટેલે 11થી 21 ટકા અને વોડાફોન આઈડિયાએ 10-24 ટકાનો વધારો કર્યો છે.’

તેમણે આક્ષેપ કર્યો છે કે, ત્રણેય કંપનીઓએ પરામર્શ કરીને 72 કલાકની અંદર મોબાઈલ ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ વધારાથી રિલાયન્સ જિયોને 17,568 કરોડ રૂપિયા, એરટેલને 10,704 કરોડ રૂપિયા અને વોડાફોન આઈડિયાને વાર્ષિક 6552 કરોડ રૂપિયાની કમાણી થશે.

કોંગ્રેસે મોબાઈલ ટેરિફમાં વધારા મુદ્દે સરકારને ઘણા પ્રશ્નો કર્યા છે. પાર્ટીએ પૂછ્યું છે કે, ‘92 ટકા બજાર હિસ્સો ધરાવતી ટેલિકોમ કંપનીઓને એકતરફી રૂ.34,824 કરોડનો ટેરિફ વધારવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? શું સરકાર અને TRAI 109 કરોડ યુઝર્સ પ્રત્યેની તેમની ફરજ અને જવાબદારીથી દૂર થઈ ગયા છે? શું મોબાઈલ ટેરિફમાં વધારો લોકસભા ચૂંટણીના અંત સુધી મોકૂફ રખાયો હતો? શું સરકાર કે ટ્રાઈએ કંપનીઓની કેપિટલ એક્સપેન્ડિચરની જરૂરિયાતો પર અભ્યાસ કર્યો છે કે નહીં?

July 4, 2024
team-india-Cia-Live.jpeg
2min215

 મુંબઈના દરિયા કાંઠે આવેલા મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી આજે 4/7/2024 આહલાદક વાતાવરણની સાથે ટી20 વર્લ્ડકપમાં જીતનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટરોની ટીમ મરીન ડ્રાઈવથી ખુલ્લી બસમાં રોડ-શો કરીને વાનખેડે સ્ટેડીયમમાં પહોંચી છે. આ દરમિયાન આખા રૂટ પર ચાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અહીં ચોતરફ ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવી રહ્યું છે.

ભારતને ટી20 વર્લ્ડકપ જીતાડવામાં મહત્વનું યોગદાન આપનાર કોચ રાહુલ દ્રવિડે પોતાના અનુભવને યાદ કરી કહ્યું કે, ‘હું આ પ્રેમને મિસ કરીશ. આજે આપણે જે જોયું તે અદ્ભુત છે. લોકો અને ચાહકોનો પ્રેમ… ચાહકોએ જ ક્રિકેટને દેશની સૌથી મોટી રમત બનાવી છે.’

રોહિતે પંડ્યાને કરી સલામ

રોહિત શર્માએ છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યાની બોલિંગના વખાણ કરતા કહ્યું કે, ‘તેને સલામ’ તેણે ડેવિડ મિલરનો કેચ પકડનાર સૂર્યકુમાર યાદવની પણ પ્રશંસા કરી હતી. તેણે T20 વર્લ્ડ કપની જીત સમગ્ર ટીમને સમર્પિત કરી કહ્યું કે, ભારતની T20 વર્લ્ડ કપ જીત ટીમના પ્રયાસોનું પરિણામ છે. ભારતને આઈસીસીનો ખિતાબ જીતાડવામાં બધાએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

આ ટ્રોફી આખા દેશ માટે છેઃ રોહિત

વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માએ દરેકનો આભાર વ્યક્ત કરી કહ્યું કે, ‘જ્યારથી અમે ભારતમાં આવ્યા છીએ ત્યારથી અદ્ભુત ખુશી થઈ રહી છે. આ ટ્રોફી સમગ્ર દેશ માટે છે. વડાપ્રધાનને મળવું એ ખૂબ જ સન્માનની વાત હતી. ટીમ અને BCCI વતી હું દરેકનો આભાર માનું છું. હું ખરેખર ખૂબ જ ખુશ અને રાહત અનુભવું છું.’

વાનખેડેમાં ચેમ્પિયન ડાન્સ કર્યો

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વાનખેડે સ્ટેડિયમમાં પહોંચી ડાન્સ કર્યો હતો.

મુંબઈના મરીન ડ્રાઈવ પર ક્રિકેટરોની ઝલક મેળવવા બહોળી સંખ્યામાં ચાહકો આવ્યા છે. તો બીજીતરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અહીં ઉમટેલી જનમેદનીનો પોટો પણ શેર કર્યો છે.

July 4, 2024
soren.png
1min219

હેમંત સોરેનએ આજે 4/7/2024એ ત્રીજી વખત ઝારખંડના મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. રાજ્યપાલએ તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. 31 જાન્યુઆરીના રોજ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે પુનઃ મુખ્યમંત્રી પદની કમાન હાથમાં લઈ લીધી છે. તેઓ ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે.

Hemant Soren set to return as Jharkhand CM, Champai Soren to quit soon |  Politics News - Business Standard

ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને 3/7/2024 મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ બાદ હેમંત સોરેન દ્વારા રાજ્યપાલને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને સાથે તેના ધારાસભ્યોએ સમર્થન પત્રો પણ રજૂ કર્યા. આ બાદ આજે હેમંત સોરેને 4/7/2024 સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ સમયે હેમંત સોરેનના પિતા શિબુ સોરેન પણ રાજભવન પહોંચી ગયા હતા.

હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે. આજે રાજ્યપાલે તેમને શપથ લેવડાવ્યા હતા. તેમણે વ્યક્તિગત રીતે ત્રીજી વખત શપથ લીધા છે અને આમ તેઓ ઝારખંડના 13મા મુખ્યમંત્રી બન્યા. આ પ્રસંગે હેમંત સોરેનના પિતા શિબુ સોરેન, માતા રૂપી સોરેન, કોંગ્રેસ, JMM અને આરજેડીના મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

July 4, 2024
image-2.jpeg
1min279

પાન ઈન્ડિયા સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘કલ્કી 2898 AD’ ગયા ગુરુવારે 27/06/2024 થિયેટરોમાં ધમાકેદાર રીતે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ માટે લોકોનો ક્રેઝ એવો હતો કે દેશભરમાં ઘણી જગ્યાએ આ ફિલ્મના મોર્નિંગ શૉ પેક થઇ ગયા હતા. ભારતીય પૌરાણિક કથાઓને વિજ્ઞાન સાથે જોડતી ગ્દર્શક નાગ અશ્વિનની આ ફિલ્મ પહેલા જ દિવસથી લોકોને પ્રભાવિત કરવા લાગી હતી. 

Kalki 2898 AD Grand Release on June 27, 2024 | Prabhas, Amitabh, Kamal  Haasan, Deepika

પ્રભાસના સ્ટારડમ અને અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હાસન જેવા મેગા સ્ટાર્સની હાજરીને કારણે ‘કલ્કી 2898 AD’ માટે લોકોમાં શરૂમાં ઘણી ઉત્તેજના હતી. લોકો તરફથી મળેલી પ્રશંસા અને ફિલ્મની સકારાત્મક સમીક્ષાઓએ ફિલ્મને વધુ શક્તિશાળી બનાવી દીધી હતી. લોકોના પ્રેમે’કલ્કી 2898 AD’ને પહેલા દિવસથી જ જોરદાર કમાણી આપવાનું શરૂ કરી દીધું હતું. બુધવારે, ફિલ્મે સિનેમાઘરોમાં 7 દિવસ પૂરા કર્યા છે અને આ સમયમાં તેણે બોક્સ ઓફિસ પર તેની સ્થિતિ મજબૂત કરી લીધી છે.

આ ફિલ્મ ગુરુવારે રિલીઝ થઇ હતી, તેથી તેના પ્રથમ અઠવાડિયામાં ચાર દિવસ મળ્યા હતા. વીક એન્ડમાં તેણે 309 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. સોમવારે પણ આ ફિલ્મ કમાણીના આંકડામાં થોડા ઘટાડા સાથે 34.15 કરોડ રૂપિયાી કમાણી કરવામાં સફળ રહી હતી. ત્યાર બાદ મંગળવારે ફિલ્મની કમાણી ઘટીને 27 કરોડ રૂપિયા થઇ ગઇ. બુધવારે ફિલ્ની કમાણીનો આંકડો 23 કરોડ રૂપિયા પર અટકી ગયો. હવે ફિલ્મનું કુલ નેટ ઈન્ડિયા કલેક્શન 393 કરોડ રૂપિયાથી થોડું વધારે થઈ ગયું છે.

‘કલ્કી 2898 AD’ના હિંદી વર્ઝને મંગળવારે 13 કરોડ અને બુધવારે 11.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમ આ ફિલ્મ હિન્દીમાં જબરદસ્ત કમાણી કરી રહી છે. પ્રભાસની ફિલ્મનું નેટ હિન્દી કલેક્શન 7 દિવસમાં 152 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે અને તેણે 2024માં હિન્દીનું પ્રથમ સપ્તાહનું સૌથી મોટું કલેક્શન કર્યું છે.

અન્ય કલાકારોની ફિલ્મોની વાત કરીએ તો રીતિક રોશનની ‘ફાઇટર’એ પ્રથમ સપ્તાહમાં લગભગ 140 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે અજય દેવગનની ‘શૈતાન’એ પ્રથમ સપ્તાહમાં 81.60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘કલ્કી 2898 AD’એ તેમને મોટા માર્જિનથી પાછળ છોડી દીધા છે. આ વર્ષે હિન્દી ફિલ્મોમાં સૌથી વધુ બોક્સ ઓફિસ કલેક્શનનો રેકોર્ડ ‘ફાઇટર’ના નામે છે, જેનું જીવનકાળનું કલેક્શન 213 કરોડ રૂપિયા હતું. આ પછી રૂ. 149 કરોડના કલેક્શન સાથે અજય દેવગનની ‘શૈતાન’ બીજા સ્થાને હતી. પ્રભાસની ‘કલ્કી 2898 AD’એ માત્ર સાત દિવસમાં શૈતાન’ને પાછળ છોડી દીધી છે. એવું માનવામાં આવે છે કે ‘કલ્કી 2898 AD’બીજા સપ્તાહના અંતે સારો ઉછાળો મેળવશે. બીજા વીકેન્ડમાં પ્રભાસની ફિલ્મ ‘ફાઇટર’ના લાઇફટાઇમ કલેક્શનને પાર કરી શકે છે.

July 3, 2024
sensex_green.jpg
1min180

ભારતીય શેરબજારમાં અવિરત તેજીનો દોર સતત જળવાઈ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી રોજ નવી રેકોર્ડ ટોચ બનાવી આગેકૂચ કરી રહ્યા છે. છેલ્લા એક માસમાં સેન્સેક્સે 4.60 ટકા ઉછળી 80000નું ઐતિહાસિક લેવલ ક્રોસ કર્યું છે. નિફ્ટી પણ 25000 તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.

India Surpasses Hong Kong, Emerges as the World's Fourth Largest Stock  Market by Market Capitalization

ગત 3 મેના રોજ સેન્સેક્સ 76468 પોઈન્ટ હતો, આજે તે 3518 પોઈન્ટ વધી 79986.80ના સ્તરે બંધ રહ્યો છે. જે ગઈકાલના બંધ સામે 545.35 પોઈન્ટ ઉછાળો દર્શાવે છે. નિફ્ટી પણ 24309.15ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ અંતે 162.65 પોઈન્ટ ઉછળી 24286.50 પર બંધ રહ્યો હતો. આજે રોકાણકારોની મૂડીમાં 3.3 લાખ કરોડની વૃદ્ધિ સાથે બીએસઈ માર્કેટ કેપ 445.49 લાખ કરોડ થઈ હતી.

ભારતીય બેન્કોની ગ્રોસ એનપીએ 12 વર્ષના તળિયે પહોંચી છે, બેલેન્સશીટમાં પણ સુધારો થવાથી બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેગમેન્ટના શેર્સમાં બમ્પર તેજી જોવા મળી છે. આ ટ્રેન્ડ આગામી થોડા સમય સુધી જળવાઈ રહેવાનો સંકેત માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.

વૈશ્વિક મોરચે ફુગાવામાં ઘટાડો, વ્યાજદરમાં ઘટાડાની અસર

વૈશ્વિક સ્તરે વિશ્વની મહાસત્તા ધરાવતા અમેરિકી ફેડ રિઝર્વે ફુગાવાનો દર કેલેન્ડર વર્ષ 2025ના અંત સુધી 2 ટકાના સ્તરે સ્થિર થવાનો સંકેત આપ્યો છે. જેની સકારાત્મક અસરો જોવા મળી છે. તેમજ આ સ્પ્ટેમ્બરથી ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો શરૂ થવાનો આશાવાદ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

બજેટ અંગે સકારાત્મક અભિગમ

આ મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર થનારા બજેટ 2024-25માં નવી સરકાર તમામ ક્ષેત્રો માટે સકારાત્મક જાહેરાતો કરશે તેવી શક્યતા છે. જેમાં મધ્યમવર્ગને ફોકસમાં રાખી ટેક્સમાં સુધારા, ઈન્ફ્રા ક્ષેત્રે તેની યોજનાઓને વેગ ઉપરાંત પીએલઆઈ સ્કીમનું વિસ્તરણ જેવી બાબતો સમાવિષ્ટ છે.

આર્થિક સ્થિતિ મજબૂત

દેશની આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. જૂનમાં મજબૂત જીએસટી કલેક્શન, મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ઈન્ડેક્સ જૂનમાં 58.3 રહેતાં તેમજ જૂન ત્રિમાસિકમાં કોર્પોરેટ્સ દ્વારા આકર્ષક પરિણામો જારી થવાની શક્યતા સહિત તમામ આર્થિક પરિબળો પોઝિટીવ છે. આરબીઆઈએ જૂન ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 7.3 ટકાના દરે મજબૂત નોંધાવાનો સંકેત આપ્યો છે.

July 3, 2024
bholebaba.png
1min233
Who is Hathras Bhole Baba? Whose Satsang Took Life of 116 People | Republic  World

હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગને કારણે 122 લોકોના મોત થયા હતા. હજુ પણ ઘણાં લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન જેમના સત્સંગમાં દુર્ઘટના થઇ એ ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિનું ઘટના અંગે પ્રથમ નિવેદન સામે આવ્યું છે. ભોલે બાબાએ એક નિવેદન જારી કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને દાવો કર્યો છે કે નાસભાગ અસામાજિક અને તોફાની તત્ત્વો દ્વારા કરાઈ હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માગણી કરી હતી.

નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબાએ તેમના વકીલ દ્વારા એક નિવેદન જારી કરીને કહ્યું કે, અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોની ઝડપથી સ્વસ્થતા માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ડૉ. એ.પી. સિંહને નાસભાગ મચાવનારા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. હું 2 જુલાઈના રોજ હાથરસના ફુલારી ગામ, સિકંદરરાવ ખાતે આયોજિત સત્સંગમાં દુર્ઘટના થઇ એ પહેલા જ સત્સંગમાંથી નીકળી ગયો હતો.

80 હજાર લોકોની હાજરીની મંજૂરી લેવાઈ હતી 

આ ઘટના સિકંદરારાઉ વિસ્તારના ફૂલરાઈ ગામમાં માનવ મંગલ મિલન સદભાવના સમિતિએ 150 વીઘાના ખુલ્લા મેદાનમાં સત્સંગનું આયોજન કર્યું હતું. પોલીસ એફઆઈઆર મુજબ, કાર્યક્રમમાં 80 હજાર લોકોની હાજરી માટે પરવાનગી લેવામાં આવી હતી અને ત્રણ ગણી વધુ એટલે કે 2.5 લાખ લોકોની ભીડ એકઠી થઈ હતી. વ્યવસ્થા પણ બાબાના સેવકો અને આયોજક સમિતિ સાથે સંકળાયેલા લોકો સંભાળે છે. માત્ર 40 પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે હતા. 

કોના પર એફઆઈઆર થઈ?

આ ઘટનાના મુખ્ય આરોપી ઓર્ગેનાઈઝર અને સેવાદાર દેવપ્રકાશ મધુકર છે. તે સિકંદરારાઉનો રહેવાસી છે. તેમજ તેના વિરુદ્ધ  ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105, 110, 126 (2), 223, 238 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. સવાલ એ છે કે આ અકસ્માત માટે જવાબદાર કોણ? 80 હજારની પરવાનગીમાં 2.5 લાખ લોકો કેવી રીતે આવ્યા? શું વહીવટીતંત્રને આ બાબતની જાણ ન હતી? 

શું હતું કારણ?

એફઆઈઆર અનુસાર, કથિત રીતે ભોલે બાબા બપોરે 2 વાગ્યે તેમની કારમાં ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે નાસભાગ મચી ગઈ હતી. જ્યાં જ્યાં બાબાની કાર પસાર થતી હતી ત્યાં તેમના અનુયાયીઓ ધૂળ એકઠી કરવા લાગ્યા હતા. થોડી જ વારમાં, લાખોની બેકાબૂ ભીડમાં નાસભાગ મચી ગઇ હતી અને ઘણા લોકો કચડાયા હતા જેમાં 121 લોકોના મોત તેમજ અન્યા ઘણા ઘાયલ થયા હતા. 

સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો 

હાથરસમાં થયેલી નાસભાગને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ 5 સભ્યોની નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરાવવાની વિનંતી કરવામાં આવી છે. અલ્લાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ અરજી મોકલીને સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે.