ઇન્ડીયા Archives - Page 20 of 209 - CIA Live

October 10, 2024
ratan-tata.png
1min268

દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ ગયું છે. આ માહિતી ટાટા ગ્રૂપે જ આપી હતી. ટાટા સમૂહે કહ્યું છે કે અપાર દુઃખ સામે અમે પ્રિય રતનના શાંતિપૂર્ણ નિધનની જાહેરાત કરીએ છીએ. અમે તેમના ભાઈ, બહેન અને સ્વજન તથા તેમની પ્રશંસા કરનારા તમામ લોકોના પ્રેમ અને સન્માનથી સાંત્વના મહેસૂસ કરીએ છીએ.

મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે કહ્યું કે ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનને કારણે મુંબઈમાં રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

રતન ટાટાને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવશે. મુંબઈમાં 10 વાગ્યાથી લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે.

મુંબઈ પોલીસના દક્ષિણ ઝોનના એડિશનલ કમિશનર અભિનવ દેશમુખે જણાવ્યું હતું કે તેમના પાર્થિવ દેહને સવારે 10 થી બપોરે 3:30 વાગ્યા સુધી દર્શન માટે NCPA ખાતે રાખવામાં આવશે. દર્શન માટે આવનાર તમામ લોકોને અપીલ છે કે ત્યાં પાર્કિંગની સુવિધા ન હોવાથી તેઓએ પોલીસની સૂચનાનું પાલન કરવું પડશે અને આવતા પહેલા તેમની પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. પોલીસનો સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે લખ્યું, “રતન ટાટાનું નિધન એક યુગનો અંત છે. તેઓ ભારતીય ઉદ્યોગના આધુનિકીકરણ અને તેનાથી પણ વધુ તેના વૈશ્વિકીકરણ સાથે ઊંડે સુધી સંકળાયેલા હતા. હું તેમને મળ્યો છું. ઘણા પ્રસંગોએ તેમની સાથે વાર્તાલાપ કરવાનો આનંદ મળ્યો અને તેમની દૂરંદેશી અને સૂઝબુઝનો લાભ મળ્યો. ઓમ શાંતિ! તેમના નિધનના શોકમાં સમગ્ર રાષ્ટ્ર સાથે જોડાઈએ.

October 9, 2024
rbi.png
1min224

ભારતીય રિઝર્વ બૅંકની 51મી MPC બેઠકમાં (RBI MPC Meeting Results) મોટો નિર્ણય લેવામાં આવ્યો. બે દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં જાહેરાત કરતાં RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે પણ પોલિસી રેટ(રેપો રેટ)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તમારી લોનની EMI યથાવત્ જ રહેશે. રિઝર્વ બૅંકે પોલિસી રેટને 6.5 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સતત 10મી વખત છે જ્યારે રિઝર્વ બૅંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

RBI ગવર્નરે 7મી ઑક્ટોબરથી શરુ થયેલી એમપીસી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જણાવ્યું હતું કે, આ વખતે એમપીસીમાં ત્રણ નવા સભ્યો જોડાયા છે. વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખતાં બેઠકમાં છમાંથી પાંચ સભ્યોએ વ્યાજના દરો યથાવત્ રાખવા સહમતિ આપી હતી. પોલિસીનું વલણ વિડ્રોલ ઑફ અકમોન્ડેશનમાંથી બદલી ન્યુટ્રલ કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ હોવા છતાં દેશમાં ફુગાવાને કાબૂમાં કરવામાં સફળ રહ્યા છે. આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે હાલ પૂરતા વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કરાશે નહીં.

RBI દ્વારા રેપો રેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખતાં લોન ઈએમઆઇમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. એમસીએલઆર પર આપવામાં આવતી લોનના વ્યાજદરોમાં હાલ કોઈ વધ-ઘટ નહીં થાય. બૅન્કો RBI પાસેથી રેપો રેટના આધારે લોન લે છે. જેથી તેમાં થતાં ફેરફારની અસર ગ્રાહકોને મળતી લોન પર થાય છે.

October 6, 2024
ICC_Womens_T20_World_Cup.jpg
1min196

મહિલા વર્લ્ડ કપમાં ભારત માટે રવિવારે દુબઈમાં પાકિસ્તાન સામે ‘કરો યા મરો’

હેડ-ટુ-હેડ મુકાબલામાં ભારત 12-3થી આગળ, બન્ને ટીમમાં કોણ-કોણ છે?

મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામે પરાજય થયો એ સાથે સેમિ ફાઇનલમાં પહોંચવાનું ભારતીય ટીમ માટે અત્યારથી મુશ્કેલ તો થઈ જ ગયું, ન્યૂ ઝીલૅન્ડને લાગલગાટ 10 ટી-20માં પરાજય જોયા બાદ 11મી મૅચમાં વિજય માણવા મળી ગયો. હવે રવિવાર, 6ઠ્ઠી ઑક્ટોબરે (બપોરે 3.30 વાગ્યાથી) ભારતનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મુકાબલો છે. આ મૅચ ભારતે જીતવી જ પડશે અને ત્યાર બાદ 9મી ઑક્ટોબરે એશિયન ચૅમ્પિયન શ્રીલંકાને પણ હરાવવું પડશે, કારણકે ત્યાર બાદ 13મી ઑક્ટોબરે ભારતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે લોઢાના ચણા ચાવવાના છે એટલે એમાં વિજયની સંભાવના નહીંવત કહેવાય.

પાકિસ્તાન સામેનો રવિવારનો મુકાબલો જીતવો અત્યંત જરૂરી એ માટે છે કે કિવી ટીમ સામેની 58 રનના માર્જિનથી થયેલી હાર બાદ હવે વિમેન ઇન બ્લ્યૂને એક પરાજય પણ પરવડશે નહીં. ભારતનો રન રેટ -2.99 છે એટલે હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ સેમિ ફાઇનલની આશા જીવંત રાખવા મોટા માર્જિનથી પાકિસ્તાન, શ્રીલંકા તથા ઑસ્ટ્રેલિયા સામે વિજય મેળવવો પડશે.

ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતીય ટીમ બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેયમાં નબળી પુરવાર થઈ હતી. બીજી બાજુ, ફાતિમા સનાના સુકાનમાં પાકિસ્તાનની ટીમે શ્રીલંકા સામે ગુરુવારે વિજય મેળવ્યો હતો. પાકિસ્તાનની ટીમ બે-અઢી દિવસના આરામ બાદ ભારત સામે રમવા આવી રહી છે, જ્યારે ભારતીય ટીમને શુક્રવારના પરાજય બાદ એક જ દિવસનો આરામ મળ્યો છે.

જોકે પાકિસ્તાન સામેની ટી-20માં ઇતિહાસ ભારતની તરફેણમાં છે એટલે હરમનપ્રીતની ટીમ જીતીને ફરી ટૂર્નામેન્ટના મુખ્ય પ્રવાહમાં આવી શકશે. ભારતે પાકિસ્તાનને 15માંથી 12 ટી-20માં હરાવ્યું છે અને ફક્ત ત્રણમાં જ પરાજય જોયો છે.

પાકિસ્તાનની બોલિંગ લાઇન-અપ મજબૂત છે. એમાં નિદા દર, ફાતિમા સના અને સાદિયા ઇકબાલનો સમાવેશ છે. તેમની સામે શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત, રિચા ઘોષ, જેમાઇમા રૉડ્રિગ્સ વગેરે બૅટર્સે સારું પર્ફોર્મ કરવું જ પડશે.

બન્ને દેશની ટીમ

ભારત:
હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ અને સજીવન સજના.

પાકિસ્તાન:
ફાતિમા સના (કૅપ્ટન), ગુલ ફિરોઝા (વિકેટકીપર), આલિયા રિયાઝ, ડાયના બેગ, ઇરમ જાવેદ, મુનીબા અલી, નશરા સંધુ, નિદા દર, ઓમઇમા સોહેલ, સદફ શમાસ, સાદિયા ઇકબાલ, સિદરા અમીન, સઇદા શાહ, તસ્મિઆ રુબાબ, તુબા હસન.

October 5, 2024
mumbai-airport.png
1min323

મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)પર અવર જવર કરતાં હવાઈ મુસાફરો માટે મહત્વના સમાચાર છે. જેમાં 17 ઓક્ટોબર ગુરુવારે મુંબઈ એરપોર્ટ બંધ રહેશે. તેથી આ સમયગાળા દરમિયાન ફ્લાઈટ ઓપરેશન પણ બંધ રહેશે. આ અંગે માહિતી આપતાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)એ શુક્રવાર તા.4 ઓક્ટોબર 2024ના રોજ જણાવ્યું હતું કે બે ક્રોસ રનવે પર ચોમાસા પછીના મેઇન્ટેનન્સ કાર્ય માટે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ ઑપરેશન ગુરુવાર 17 ઑક્ટોબરે 6 કલાક માટે બંધ રહેશે.

MIAL એ જણાવ્યું હતું કે આ સુનિશ્ચિત કામચલાઉ બંધ મુંબઈ એરપોર્ટના વાર્ષિક પોસ્ટ-મોનસૂન જાળવણી કાર્યક્રમનો એક ભાગ છે અને છ મહિના પહેલા આ બાબતે એરમેનને નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

“ક્રોસ રનવે – RWY 09/27 અને RWY 14/32, છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA),મુંબઈ ખાતે 17 ઓક્ટોબર, 2024 ના રોજ ચોમાસા પછીના રનવે જાળવણી કાર્યક્રમના ભાગ રૂપે મુંબઇ એરપોર્ટ ફ્લાઇટ ઓપરેશન્સ સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે.

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ બં રહેવા અંગે એરપોર્ટ સેવાઓ સાથે સંકળાયેલા મુખ્ય હિતધારકો સાથે મળીને ફ્લાઈટ્સનું સમયપત્રક પૂર્વ સંકલન કરવામાં આવ્યું છે.

October 5, 2024
stock-down.jpeg
1min212

ભારતીય શેરબજારમાં(Stock Market) First Week October 2024 દરમ્યાન રોકાણકારોમાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો. જેમાં 30 સપ્ટેમ્બરે જ્યારે શેરબજાર ખુલ્યું ત્યારે રોકાણકારોએ અંદાજ પણ નહીં લગાવ્યો હોય કે આ અઠવાડિયું તેમના માટે નુકશાનકારક સાબિત થશે. ગયા સપ્તાહે શુક્રવારથી શરૂ થયેલો શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ આજે 4/10/2024 સતત 5માં દિવસે પણ ચાલુ રહ્યો હતો. શેરબજારમાં ચાલી રહેલા વિક્રમી ઘટાડા વચ્ચે રોકાણકારોના કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

નિષ્ણાતોનું માનવું છે કે પશ્ચિમ એશિયામાં વધતા તણાવની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે. માર્કેટમાં 5 દિવસથી ચાલી રહેલા ઘટાડાથી શેરબજારના રોકાણકારોને 16.26 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ 5 દિવસના ઘટાડા પછી BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂપિયા 16,26,691.48 કરોડ ઘટીને રૂપિયા 4,60,89,598.54 કરોડ થયું હતું.

સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે આજે 4/10/2024 સેન્સેક્સ 808.65 પોઈન્ટ ઘટીને 81,688.45 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 50 પણ 200.25 પોઈન્ટ ઘટીને 25,049.85 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ અઠવાડિયું ભારતીય બજાર માટે ઘણું ખરાબ રહ્યું. આ અઠવાડિયે સેન્સેક્સમાં કુલ 3883.40 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે બીજી તરફ આ સપ્તાહે નિફ્ટી 50માં કુલ 1129.10 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

આજે સેન્સેક્સ કંપનીઓમાં ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 3.58 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે, શેરબજારમાં અરાજકતા સર્જનાર આ ઘટાડામાં ઈન્ફોસિસના શેરમાં સૌથી વધુ 1.33 ટકાનો વધારો નોંધાયો હતો.

October 5, 2024
voting.jpg
1min193

હરિયાણાની 90 બેઠકો પર આજે મતદાન, 1031 ઉમેદવારે ચૂંટણી મેદાને, ભાજપની નજર હેટ્રિક પર
હરિયાણાના મુખ્યપ્રદાન નાયબસિંઘ સૈની, ભુપિન્દર હૂડા અને વિનેશ ફોગાટ ઉપરાંત જેજેપીના દુષ્યંત ચૌટાલા અને અન્ય 1031 ઉમેદવારોનું ભાવિ આજે મતદાન પેટીમાં સીલ થઈ જશે. હરિયાણાની 90 બેઠકોની ચૂંટણી માટે પાંચમી ઓક્ટોબરે મતદાન છે.

હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપની નજર હેટ્રિક પર છે, જ્યારે કોંગ્રેસને દાયકા પછી સત્તામાં પરત ફરવાની આશા છે. મતગણતરી 8મી ઓક્ટોબરના રોજ થશે.

હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 2,03,54,350 મતદાતા છે. તેમા 8821 મતદાતા તો સદી ફટકારી ચૂક્યા છે અને તે મતદાન કરશે.

90 વિધાનસભા બેઠકો પર કુલ 1031 ઉમેદવારો ઊભા છે અને તેમાથી 101 મહિલા છે તો 464 ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મતદાન માટે કુલ 20632 બૂથ રાખવામાં આવ્યા છે.

હરિયાણાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, આઇએનએલડી-બીએસપી અને જેજેપી-આઝાદ સમાજ પાર્ટી મુખ્ય પક્ષો છે.

October 3, 2024
sensex.jpg
1min201


ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલાને પગલે યુદ્ધ છંછેડાવાની ભીતિને પગલે ભારતીય શેરબજારમાં હડકંપ મચી ગયું છે. આજે 3/10/24 સ્ટોક માર્કેટ પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સમાં એકઝાટકે 1264 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. જ્યારે નિફ્ટી 50માં પણ 345 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતી તંગદિલીથી બજારનો મૂડ બગડ્યો છે. જોકે સૌથી મોટી ડરની વાત એ છે કે ઈરાને તો 500 જેટલી મિસાઈલો ઝિંકીને ઈઝરાયલમાં હાહાકારની સ્થિતિ સર્જી દીધી પરંતુ હવે ઈઝરાયલ આ હુમલાનો જવાબ કેવી રીતે આપે છે તેના પર સૌની મોટી મંડાઈ છે. જો ઈઝરાયલ વધારે તબાહી સર્જશે તો એક મોટા યુદ્ધની આશંકા સેવાઈ રહી છે જેની અસર સીધી રીતે વેપાર અને શેરબજાર પર થવાની છે.

શેરબજારમાં કડાકા પાછળ હાલમાં ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલા બાદ યુદ્ધ થવાની આશંકાને મોટું કારણ ગણવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ભારતીય શેરબજારમાં સૌથી વધુ ઓટો સ્ટોક્સમાં નુકસાન દેખાયું. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.07 ટકા તૂટ્યો. એફએમસીજીમાં પણ 1.52 ટકાનો કડાકો બોલાયો છે. જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ, પીએસયુ બેન્ક, હેલ્થકેરમાં એક-એક ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ સહિત મોટાભાગના ઈન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા હતા.

October 2, 2024
supreme.jpg
1min273

બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે લોકોની સુરક્ષા સૌથી પહેલા છે અને રસ્તા પર કોઇ પણ ધાર્મિક બાંધકામ હોય તો તેને હટાવવું જરૂરી છે. ગુનાઇત કેસોમાં સામેલ લોકોની સંપત્તિ પર બુલડોઝર ફેરવી દેવા સામે અનેક અરજીઓ સુપ્રીમમાં થઇ હતી જેની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કોર્ટે કરી હતી. સાથે જ કહ્યું હતું કે અવરોધક ધાર્મિક સ્થળો કે અન્ય કોઇ પણ બાંધકામને હટાવવાને લઇને અમે સમગ્ર દેશ માટે ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી શકીએ છીએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લોકોની સુરક્ષા મહત્વની છે, જો રોડ, જળ કે રેલવે માર્ગ વચ્ચે ક્યાંય પણ ધાર્મિક બાંધકામ આવતુ હોય અને તે અવરોધ ઉભા કરે તેમ હોય તો તેને હટાવવું જરૂરી છે. મંદિર હોય કે મસ્જિદ કે પછી દરગાહ જનતાની સુરક્ષામાં અવરોધક હોય તો તેને હટાવવું જ પડે. ભારત એક સેક્યુલર (બિનસાંપ્રદાયિક) દેશ છે અને બુલડોઝર એક્શન પર અમારો આદેશ તમામ નાગરિકોંને લાગુ પડશે પછી તે કોઇ પણ ધર્મના કેમ ના હોય.

સુપ્રીમના ન્યાયાધીશ બીઆર ગવઇ અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેંચે કહ્યું હતું કે આપણે એક સેક્યુલર દેશ છીએ, તેથી અમારો આદેશ તમામ માટે સમાન રીતે લાગુ પડશે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે દરગાહ જો રોડ વચ્ચે ઉભા કરાયા હોય અને જનતા માટે અડચણરૂપ હોય તો તેને દૂર કરવા જ પડે. ગેરકાયદે બાંધકામો માટે એક કાયદો હોવો જોઇએ અને તે કોઇ ધર્મ પર નિર્ભર ના હોવો જોઇએ. સુપ્રીમ કોર્ટે ૧૭મી સપ્ટેમ્બરે કહ્યું હતું કે અમારી મંજૂરી વગર દેશમાં એક પણ સ્થળ પર બુલડોઝર ફેરવવામાં નહીં આવે.

બુલડોઝર એક્શન સામે અનેક અરજીઓ થઇ છે અગાઉ સુપ્રીમે બુલડોઝર ન્યાય પર રોક લગાવી હતી, સુપ્રીમના આ આદેશને લઇને મંગળવારે કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે કોર્ટના આદેશની અજાણતા કોઇ ચોક્કસ સમાજ પર અસર થઇ શકે છે. જેનાથી એક ચર્ચાને વેગ મળશે. જે બાદ સુપ્રીમે કહ્યું હતું કે આપણે એક સેક્યુલર દેશ છીએ, અમારો આદેશ તમામ ધર્મ કે સમાજના લોકો માટે સમાન રીતે લાગુ પડશે. અમે સ્પષ્ટતા કરી હતી કે કોઇ પણ જાહેર સ્થળે અવરોધ ઉભા કરતા ધાર્મિક સ્થળોને હટાવવા સામે અમે કોઇ જ આદેશ નથી આપ્યો. રોડ વચ્ચે કોઇ પણ ધાર્મિક સ્થળ હોય તો તે લોકો માટે અવરોધ ઉભો કરનારા ના હોવા જોઇએ. અમે આવા અવરોધક બાંધકામોને હટાવવા માટે એક ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટે આ સાથે જ બુલડોઝર એક્શન પર જે વચગાળાની રોક લગાવી હતી તેને યથાવત રાખીને ચુકાદાને અનામત રાખ્યો હતો.

October 1, 2024
govinda.png
1min214


અભિનેતા ગોવિંદાને તેમની જ બંદૂકની પગમાં ગોળી વાગી હતી. આ ઘટના સવારે પોણા પાંચ વાગ્યાની છે. સવારે ક્યાંક જવા માટે નીકળતા હતા, ત્યારે બંદૂક સાફ કરતી વખતે મિસ ફાયર થયું હતું. હાલ તેઓ CRITI કેયર હોસ્પિટલમાં દાખલ છે. પ્રાપ્ત અહેવાલો પ્રમાણે, તાત્કાલિક ઓપરેશન કરીને આ ગોળી બહાર કાઢી લેવાઈ છે. હાલ ગોવિંદા સ્વસ્થ છે.

માહિતી અનુસાર જે સમયે આ ઘટના બની હતી ત્યારે ગોવિંદા ઘરે એકલા હતા. તે બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા અને પોતાની લાયસન્સવાળી બંદૂકને સાફ કરી રહ્યા છે. ત્યારે અચાનક મિસ ફાયર થતાં તેમના ઘૂંટણમાં ગોળી વાગી ગઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ગોવિંદાએ પોતાની પડોશમાં રહેતા પોતાના સંબંધીને કોલ કર્યો અને તેમણે ઘટનાસ્થળે પહોંચી ગોવિંદામાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગ બાદ તે ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમણે ગોવિંદાની બંદૂકને પોતાના કબજામાં લીધી હતી. કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અભિનેતાની બંદૂકમાંથી મિસફાયર થયું છે અને ગોળી તેમના ઘૂંટણમાં વાગી છે. ગોવિંદા પાસે લાયસન્સવાળી બંદૂક છે. તો બીજી તરફ તેમના પરિવાર અને ટીમે કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

માહિતી અનુસાર અભિનેતા અને શિવ સેના નેતા ગોવિંદા કોલકત્તા જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે પોતાની બંદૂકને કવરમાં મૂકી રહ્યા હતા, ત્યારે તેમના હાથમાંથી બંદૂક પડી અને મિસ ફાયર થયું હતું, જેના લીધે તેમના પગમાં ગોળી વાગી હતી. ડોક્ટરોએ ગોળી નિકાળી દીધી છે અને તેમની તબિયત સ્વસ્થ છે. આ જાણકારી તેમના મેનેજર શશિ સિન્હાએ એએનઆઇને આપી હતી.

September 30, 2024
cbse.jpg
1min236

CBSE દ્વારા ગાઇડલાઇન જાહેર કરીને આગામી 2025માં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં ચોરીના બનાવો ન બને તેની સાવચેતી માટે CCTV કેમેરા ફરજિયાતનો નિર્ણય કરાયો છે. આમ જે શાળામાં CCTV કેમેરા નહીં હોય ત્યાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે નહીં.

CBSE બોર્ડે દાવો કર્યો છે, 2025માં આશરે 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10-12ની પરીક્ષા આપવાના છે, ત્યારે પરીક્ષામાં કોઈ પ્રકારે ચોરીના બનાવ ન બને તે માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓને હાઇ રિઝોલ્યુએશન કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી છે. જો કે, બોર્ડની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યા છે, જે આગામી 16 ઑક્ટોબર સુધી ચાલશે.

બોર્ડે જણાવ્યું હતું કે, ધોરણ 10-12ની પરીક્ષામાં ચોરીના બનાવની કોઈ સ્થિતિ ઊભી થાય તો, તેની સમીક્ષા કરવા માટે પરિણામ જાહેર થયાના બે મહિના માટે તમામ પરીક્ષા કેન્દ્રના રેકોર્ડિંગનો સંગ્રહ કરાશે. જેનું એક્સેસ માત્ર અધિકૃત કર્મચારી પાસે રહેશે.