CIA ALERT

ઇન્ડીયા Archives - Page 12 of 209 - CIA Live

June 18, 2025
bse-nse.png
2min187

શેરબજાર પર મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. વીકલી એક્સપાયરી પર અંતે સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં ડેરિવેટિવ્સ (ફ્યુચર એન્ડ ઓપ્શન્સ – F&O)ની એક્સપાયરીનો દિવસ બદલવામાં આવ્યો છે. BSE પર હવે એક્સપાયરી ગુરૂવારે હશે, અત્યારસુધી આ કોન્ટ્રાક્ટ્સ મંગળવારે સમાપ્ત થતા હતા. જ્યારે NSE પર વીકલી એક્સપાયરી હવે મંગળવારે હશે. આ નિયમ ક્યારથી લાગુ થશે તેની તારીખ જાહેર કરાઈ નથી. પરંતુ NSEએ પોતાની એક્સપાયરીને બદલવા માટે ભલામણ કરી હતી, જેને માર્કેટ એક્સચેન્જ રેગુલેટર ‘સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા’ (SEBI) દ્વારા સ્વીકારવામાં આવી છે.

બાકી તમામ ડેરિવેટિવની ગુરૂવારે એક્સપાયરી થશે, પરંતુ તેની માત્ર મંથલી એક્સપાયરી હશે. એટલે કે તેમની એક્સપાયરી માત્ર મહિનાના છેલ્લા ગુરૂવારે હશે.

નોંધનીય છે કે, પહેલાથી જ લોન્ચ થયેલા ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી તારીખમાં કોઈ ફેરફાર નહીં થાય. જો કે, લાંબા ગાળાના ઇન્ડેક્સ ઑપ્શન્સ (Long-dated index options)ની એક્સપાયરી તારીખને જરૂરિયાત મુજબ ફરીથી બદલવામાં આવશે.

NSE પર લિસ્ટેડ BSEએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે, SEBIએ 26 મે 2025ના રોજ એક સર્ક્યુલર જાહેર કર્યું છે, જેમાં BSE દ્વારા પ્રસ્તાવિત સૂચનો પર વિચાર કર્યા બાદ ડેરિવેટિવ્સની એક્સપાયરી ડેટને લઈને કેટલાક મહત્ત્વના ફેરફાર કરાયા છે.

  1. એક્સપાયરી ડે હવે ગુરૂવારે થશે

SEBIએ BSEના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે કે ડેરિવેટિવ્સની એક્સપાયરી હવે દર ગુરૂવારે થશે. અત્યાર સુધી આ મંગળવારે થતી હતી.

  1. પહેલા કરતા હાલના કોન્ટ્રાક્ટ્સ પર શું થશે અસર?

જે ડેરિવેટિવ્સ કોન્ટક્ટ્સ પહેલા જ લોન્ચ થઈ ચૂક્યા છે. તેની એક્સપાયરી ડેટમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે.

જો કે, જે લોન્ગ-ડેટેડ ઇન્ડેક્સ ઓપ્શન હોય છે (એટલે કે લાંબા સમય માટે બનાવવામાં આવેલા), તેની એક્સપાયરી ડેટને પહેલાની જેમ રિઅલાઇન (ફેરફાર) કરાશે.

  1. નવા કોન્ટ્રાક્ટ્સ માટે નવા નિયમો
  • 31 ઓગસ્ટ 2025 સુધીના ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી અગાઉ મુજબ જ રહેશે તેમાં કોઇ ફેરફાર નહીં કરાશે.
  • 1 સપ્ટેમ્બર 2025થી જે નવા કોન્ટ્રાક્ટ્સ આવશે, તે ગુરવારે સમાપ્ત થશે. અને મન્થલી કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી દર મહિનાના અંતિમ ગુરુવારે થશે.
  • 1 જુલાઈ 2025 પછીથી કોઈ નવો વીકલી ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ લૉન્ચ નહીં થાય.
June 15, 2025
image-7.png
1min179

ઉત્તરાખંડના કેદારનાથ ધામના યાત્રીઓ ફરી એકવાર મોટી દુર્ઘટનાનો શિકાર થયા છે. રવિવારે (15મી જૂન) કેદારનાથ રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જેમાં 5 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. આ હેલિકોપ્ટર રુદ્રપ્રયાગના ગૌરીકુંડના જંગલોમાં તૂટી પડ્યું હતું. દુર્ઘટના થવાનું કારણ ખરાબ હવામાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ઉત્તરાખંડના એડીજી (કાયદો અને વ્યવસ્થા) ડૉ. વી. મુરુગેશને જણાવ્યું હતું કે કેદારનાથથી લગભગ 86 કિ.મી. દૂર રુદ્રપ્રયાગ નજીક ગૌરીકુંડના જંગલોમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમાં છ લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. તેમણે પુષ્ટી કરી હતી કે ગૌરીકુંડમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થયું છે.

ઘટનાની જાણ થતાં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીએ આ મામલે ‘X’ પર પોસ્ટ કરીને હેલિકોપ્ટરના મુસાફરો સુરક્ષિત હોય તેવી કામના કરી હતી. તેમણે લખ્યું ‘જનપદ રુદ્રપ્રયાગમાં હેલકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે. એસડીઆરએફ, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય રેસ્ક્યૂ દળ બચાવ કામગીરી કરી રહ્યા છે.’

June 14, 2025
SS_Logo_Red-1280x986.png
1min647

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આજે જેના પરીણામોની દેશના 22 લાખ પરીવારો આતુરતાથી રાહ જોતા હતા એ નીટ અન્ડરગ્રેજ્યુએટ 2025 ટેસ્ટના પરીણામો ઘોષિત કર્યા હતા. ગઇ તા.7મી મે એ લેવાયેલી નીટ યુજીની પરીક્ષાના પ્રશ્નપત્રો કઠિન હોવાના રિવ્યુ બાદ એ વાત નિશ્ચિત હતી કે નીટ યુજીના પરીણામ પર કઠિન પ્રશ્નપત્રની અસર વર્તાવાની છે અને એ જ થયું. આજે જાહેર થયેલા નીટ યુજીના પરીણામોમાં માર્કસ ગયા વર્ષની તુલનામાં નીચા આવ્યા છે. ગયા વર્ષે હાઇએસ્ટ માર્કસ 720માંથી 720 આવ્યા હતા. જ્યારે આ વર્ષે 720માંથી 686 માર્કસ આવ્યા છે. એવી જ રીતે દરેક સ્તરે જોઇએ તો ગયા વર્ષની તુલનામાં 80થી 100 માર્કસ જુદી જુદી કેટેગરી અનુસાર ઓછા આવ્યા છે. જેને કારણે મેડીકલ કોલેજોમાં મેરીટ પણ ગયા વર્ષની સરખામણીમાં અત્યંત નીચે આવશે.
એવું પણ અનુમાન થઇ રહ્યું છે કે આ વખતે 550 માર્કસ લાવનાર વિદ્યાર્થીને સરકારી કોલેજમાં પણ નંબર લાગી શકે છે. એવી જ રીતે ગયા વર્ષે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ જેટલા માર્કે મળ્યો હતો તેટલા માર્કે આ વખતે કદાચ સેમિ સરકારી કોલેજમાં પણ એડમિશન મળી શકે છે. અલબત્ત આ વખતે કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશ માટે એપ્લિકેશન કરે છે તેના આધારે મેરીટ રેન્ક મળશે એ પછી જ ચિત્ર ફાઇનલ થશે.

આજના નીટ યુજીના પરીણામમાં સુરતનો વિદ્યાર્થી જેનિલ વિનોદભાઇ ભાયાણી ગુજરાતમાં પ્રથમ આવ્યો છે જ્યારે દેશમાં તેણે 6ઠ્ઠો ક્રમ હાંસલ કર્યો છે. જેનિલ ભાયાણીએ 99.9999 પર્સન્ટાઇલ રેન્ક હાંસલ કર્યા છે.

June 14, 2025
image-6.png
1min161

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ત્રીજા રાઉન્ડ (2023-25)ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા ઐતિહાસિક જીતથી માત્ર 69 રન દૂર છે. લોર્ડ્સમાં રમાઈ રહેલા આ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 282 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્રીજા દિવસે એટલે કે 13 જૂનના રોજ દક્ષિણ આફ્રિકાએ બે વિકેટ ગુમાવીને 213 રન બનાવી લીધા છે, જેનાં કારણે તે જીતની નજીક પહોંચી હતી. જેમાં એઈડન માર્કરામ 102 રન અને કેપ્ટન ટેમ્બા બાવુમા 65 રન બનાવીને અણનમ રહ્યા હતા અને હવે ચોથા દિવસે તેમની પાસેથી જીતની આશા રાખવામાં આવી રહી છે.

હેમસ્ટ્રિંગની ઇજા છતાં બાવુમાનો જુસ્સો પ્રસંશનીય

એઇડન માર્કરામે 159 બોલમાં 11 ફોર ફટકારી છે. તેમજ ટેમ્બા બાવુમાએ 121 બોલમાં 5 ફોર ફટકારી છે. બાવુમા અને માર્કરામે અત્યાર સુધીમાં ત્રીજી વિકેટ માટે 232 બોલમાં 143 રનની ભાગીદારી કરી છે. માર્કરામે રન ચેઝ દરમિયાન સેન્ચુરી ફટકારી છે, પરંતુ હેમસ્ટ્રિંગની ઇજા છતાં બાવુમાએ જે જુસ્સો બતાવ્યો તે પ્રશંસનીય છે. બાવુમાની આ શાનદાર ઇનિંગ સામે એઇડન માર્કરામની સેન્ચુરી પણ ફિક્કી લાગે છે.

1998માં નોકઆઉટ ટ્રોફી (હવે ચેમ્પિયન્સ ટ્રોફી) જીત્યા પછી દક્ષિણ આફ્રિકાએ એક પણ વાર ICC ટાઇટલ જીત્યું નથી. જ્યારે દક્ષિણ આફ્રિકાએ છેલ્લે ICC ટાઇટલ જીત્યું હતું, ત્યારે ટીમના ક્રિકેટરો માર્કો જેન્સન અને ટ્રિસ્ટન સ્ટબ્સનો જન્મ પણ થયો ન હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ છેલ્લા અમુક વર્ષોમાં સેમિફાઇનલ કે ફાઇનલમાં પહોંચી છે, પરંતુ ટ્રોફી જીતી શકી નથી.

ફાઇનલમાં, ઓસ્ટ્રેલિયન ટીમ ટોસ હારી ગઈ અને પ્રથમ બેટિંગ કરી. તેની પ્રથમ ઇનિંગમાં 212 રન બનાવ્યા. જવાબમાં, પેટ કમિન્સની 6 વિકેટે દક્ષિણ આફ્રિકાની પ્રથમ પારી માત્ર 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ પ્રથમ ઇનિંગના આધારે, કાંગારૂ ટીમને 74 રનની લીડ મળી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ તેની બીજી પારીમાં 207 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકા સામે 282 રનનો ટાર્ગેટ રાખ્યો.

June 13, 2025
image-4.png
1min126

ખૂબ જ ગંભીર અને કરૂણ કહી શકાય તેવી ઘટના અમદાવાદમાંમ બની છે. અહીં મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે, જેમાં 242 યાત્રી સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 242 યાત્રીઓ ઉપરાંત જે બિલ્ડીંગ પર પ્લેન તૂટી પડ્યું એ મેડીકલ કોલેજની હોસ્ટેલના ઇન્ટર્ન ડોક્ટર તેમજ અન્ય લોકો મળીને 13મી જૂન 2025ની સવારે મળેલી લેટેસ્ટ માહિતી અનુસાર 265 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની વિગતો જાહેર કરવામાં આવી છે.

ગુજરાતના અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાની પ્લેન ક્રેશની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા. પ્લેન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું હતું. વિમાન લંડન જઈ રહ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં ભારતીય અને બ્રિટિશ નાગરિકો સવાર હતા. વિમાન દુર્ઘટનાને લઇને સમગ્ર વિશ્વના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

બ્રિટનના વડા પ્રધાન કિર સ્ટાર્મર, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ અને નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે ‘એક્સ’ પર શોક વ્યક્ત કરતાં લખ્યું હતું કે, “અમદાવાદમાં લંડન જતી એક ફ્લાઇટ દુર્ઘટના થઇ હોવાના સમાચાર અત્યંત હૃદયદ્રાવક છે. હું સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. મુસાફરો અને તેમના પરિવારો સાથે મારી સંવેદના છે.”

યુરોપિયન કમિશનના પ્રમુખે લખ્યું હતું કે અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. આ ભયંકર નુકસાનથી પીડિત પરિવારો અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના. અમે તમારા દુ:ખમાં સહભાગી છીએ. દુ:ખની આ ઘડીમાં યુરોપ તમારી અને ભારતના લોકો સાથે છે.

June 10, 2025
dhoni.jpg
1min210

ભારતના પૂર્વ કેપ્ટન અને મહેન્દ્ર સિંહ ધોનીને ICCએ સન્માનિત કર્યું છે. ધોનીને ICC હોલ ઓફ ફેમ 2025 માં સામેલ કરવામાં આવ્યો છે. તે આ સન્માન મેળવનારો 11મો ભારતીય ક્રિકેટર છે. નોંધનીય છે કે, 2004 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, ધોનીએ 2007 માં T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું અને ટીમને વિજય અપાવ્યો. તેણે 2011 માં ODI વર્લ્ડ કપ અને 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ 2009 માં પહેલીવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી હતી. તેણે 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

ICC એ આ અંગે જણાવ્યું હતું કે, ‘દબાણમાં શાંત સ્વભાવ અને અજોડ વ્યૂહાત્મક કુશળતા તેમજ ટૂંકા ફોર્મેટમાં અગ્રણી ખેલાડી તરીકે જાણીતા, મહાન ફિનિશર, લીડર અને વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોનીના વારસાને ICC ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરીને સન્માનિત કરવામાં આવ્યો છે.’

ધોનીએ આ અંગે કહ્યું કે, ‘ICC હોલ ઓફ ફેમમાં નામ મેળવવું એ એક સન્માનની વાત છે, જે વિવિધ પેઢીઓ અને વિશ્વભરના ક્રિકેટરોના યોગદાનને માન્યતા આપે છે. આવા સર્વકાલીન મહાન ખેલાડીઓ સાથે તમારું નામ હોવું એ એક અદ્ભુત અનુભૂતિ છે. આ એવી વસ્તુ છે જે હું હંમેશા યાદ રાખીશ.’

ICC હોલ ઓફ ફેમમાં સામેલ ભારતીય ક્રિકેટરોની યાદી

સુનીલ ગાવસ્કર

બિશેન સિંહ બેદી

કપિલ દેવ

અનિલ કુંબલે

રાહુલ દ્રવિડ

સચિન તેંડુલકર

વીનુ માંકડ

ડાયના એડુલજી

વીરેન્દ્ર સેહવાગ

નીતુ ડેવિડ

એમએસ ધોની

ICC એ હોલ ઓફ ફેમ 2025 માં પાંચ પુરુષ અને બે મહિલાઓ સહિત સાત ક્રિકેટરોનો સમાવેશ કર્યો છે. ધોની ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડન, દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટર હાશિમ અમલા અને પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ, ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વેટોરીને પણ સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન સના મીર અને ન્યૂઝીલેન્ડની પૂર્વ ક્રિકેટર સારાહ ટેલરને પણ સામેલ કરવામાં આવ્યા છે.

June 6, 2025
image-2.png
1min156

અભિનેતા ડિનો મોરિયા હાલમાં પોતાની ફિલ્મો માટે નહીં પરંતુ મુંબઈના બહુચર્ચિત મીઠી નદી કૌભાંડ મામલે ચર્ચામાં છે. તે આ કૌભાંડની તપાસમાં ફસાઈ રહ્યો છે. આ કેસમાં અભિનેતાના ભાઈ સેન્ટિનો મોરિયાનું નામ પણ સામેલ છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ લગભગ એક ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. EDના સૂત્રોએ જણાવ્યું કે, ડિનો મોરિયાના ભાઈ સેન્ટિનોને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.

મુખ્ય આરોપીના કોલ રેકોર્ડ્સ પરથી અનેક લોકના નામ સામે આવ્યા

સૂત્રો પાસથી મળેલી માહિતી પ્રમાણે આ કૌભાંડમાં મુખ્ય આરોપીના કોલ રેકોર્ડ્સ પરથી અનેક લોકના નામ સામે આવ્યા છે. મીઠી નદી કૌભાંડના મુખ્ય આરોપી કેતન કદમના કોલ રેકોર્ડસની તપાસમાં ડિનો મોરિયાનું નામ સામે આવ્યું છે. આરોપ છે કે, મીઠી નદી કૌભાંડના આરોપી કેતન સાથે ડિનો મોરિયા અને તેના ભાઈ સેન્ટિનોએ ઘણી વખત ફોન કોલ પર વાતચીત થઈ છે.

ED પહેલાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાની ટીમે અભિનેતા ડિનો મોરિયા અને તેના ભાઈ બંનેની પૂછપરછ કરી છે. બંનેને ગત અઠવાડિયે જ પૂછપરછ માટે બોલાવ્યા હતા.

વાસ્તવમાં મુંબઈ મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા મીઠી નદીની સફાઈ કરાવી હતી. આ કૌભાંડ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મીઠી નદીની સફાઈમાં ઉપયોગમાં લેવાતા સ્લજ પુશર્સ અને ડ્રેજિંગ મશીનોની ખરીદી અને વેચાણ સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે, આ મશીનો કોચી સ્થિત કંપની મેટપ્રોપ ટેકનિકલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ઊંચા ભાવે ભાડે લેવામાં આવ્યા હતા અને આમાં મોટી નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી. આ કેસમાં કેતન કદમ અને જય જોશી મુખ્ય આરોપી છે.

આ બંને પર મેટપ્રોપ કંપનીના અધિકારીઓ અને બીએમસીના સ્ટોર્મ વોટર ડ્રેનેજ વિભાગના અધિકારીઓની મિલીભગતથી કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે. કથિત રીતે મીઠી નદીના કથિત ડિસિલ્ટિંગ કૌભાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને 65.54 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

June 6, 2025
image-1.png
1min119

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (6 જૂન) જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે, જ્યાં તેમણે ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. ચિનાબ બ્રિજ દુનિયાનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ છે, જે કાશ્મીર ઘાટીને આખા ભારત સાથે દરેક ઋતુમાં રેલ સંપર્ક પ્રદાન કરશે અને કટરા-શ્રીનગર યાત્રાનો સમય ઘટાડશે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાનની આ પહેલી કાશ્મીર મુલાકાત છે. અહીં તેઓ 46 હજાર કરોડની યોજનાઓની ભેટ આપશે.

આ પહેલથી કનેક્ટિવિટીમાં સુધારો થશે. બ્રિજના ઉદ્ઘાટન સાથે એવું પણ કહેવામાં આવે છે કે, આનાથી ‘દિલની દૂરી અને દિલ્હીનું અંતર ઘટશે.’ વડાપ્રધાનના આ કાશ્મીર પ્રવાસ બાદ પર્યટન અને આર્થિક વિકાસને પણ વેગ મળશે.

વડાપ્રધાને ચિનાબ બ્રિજ અને અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું છે, જે ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલ લિંક યોજનાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ યોજના હેઠળ બનાવવામાં આવેલો આ પુલ કાશ્મીર ઘાટીના ભાગને ભારત સાથે જોડશે. જેનાથી મુસાફરીનો સમય ઘટીને 3 કલાક થઈ જશે અને વેપાર તેમજ પ્રવાસ ઉદ્યોગને પણ વેગ મળશે.

June 6, 2025
rbi.jpeg
1min133

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી રેપો રેટ 6%થી ઘટીને 5.50% થઈ ગયો છે. આવું કરીને સેન્ટ્રલ બૅન્કે સામાન્ય માણસને મોટી રાહત આપી છે. જેના કારણે મોંઘવારીમાં રાહત મળશે તેમજ હોમ લોન, ઓટો લોન, રિયલ એસ્ટેટમાં રાહત મળશે.

જો તમે પણ બૅન્કમાંથી લોન લીધી હોય, તો તમારી લોનના EMIમાં ઘટાડો થવાની શક્યતા છે. રેપો રેટમાં ઘટાડા પછી લોનના વ્યાજ દરમાં પણ ઘટાડો થશે. એવામાં જાણીએ કે 20, 30 અને 50 લાખની હોમ લોન પર તમારી EMI કેટલી હશે અને તે પહેલા કરતાં કેટલી ઓછી થશે.

50 લાખની લોન પર કેટલી રાહત મળશે?

જો તમે 30 વર્ષ માટે 50 લાખની હોમ લોન લીધી છે અને તેના બદલામાં તમે 9% વ્યાજ ચૂકવો છો તો તમારે મહિને રૂ. 40,231નો હપ્તો ભરવાનો રહે છે. એવામાં હવે આરબીઆઇએ 50 બેસિસ પોઇન્ટ ઘટાડી દેતાં રૂ. 38,446 હપ્તો ભરવાનો રહેશે. આથી મહિને હપ્તામાં રૂ. 1785 ઓછા ભરવાના થશે.

એવી જ રીતે 30 લાખની હોમ લોન પર 20 વર્ષ માટે 8.5% વ્યાજ ચૂકવવાનું રહે છે. જેનો મહિને રૂ. 26,035નો હપ્તો ભરવાનો રહે છે. હવે રેપો રેટ ઘટતાં વ્યાજ 8% થઈ જશે આથી મહિને રૂ. 25,093 ચૂકવવાના રહેશે એટલે કે રૂ. 942 ઓછા ચૂકવવા પડશે.

ધારો કે રૂ. 20 લાખની લોન 20 વર્ષ માટે 9% વ્યાજે લેવામાં આવી હોય, તો માસિક EMI રૂ. 17,995 થશે. હવે લોનના વ્યાજમાં 50 બેસિસ પોઇન્ટના ઘટાડા પછી, તમારે રૂ.17,356 હપ્તો ભરવાનો થશે એટલે કે તમારે દર મહિને EMIમાં રૂ. 639 ઓછા ચૂકવવા પડશે.

રેપો રેટમાં ઘટાડાથી મોંઘવારીમાં પણ રાહત મળશે. રેપો રેટમાં 0.50%ના બમ્પર ઘટાડા અંગે માહિતી શેર કરતાં RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે બેઠકમાં SDF દર 5.75%થી ઘટાડીને 5.25% કરવામાં આવ્યો છે, જ્યારે MSF દર પણ 6.25%થી ઘટાડીને 5.75% કરવામાં આવ્યો છે. તેમણે નાણાકીય વર્ષ 2026 માટે મોંઘવારીનો અંદાજ વ્યક્ત કરતાં કહ્યું કે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા છે. એટલે તેને 3.7% પર રાખવામાં આવ્યો છે. અગાઉ તે 4 ટકા કરવામાં આવ્યો હતો. આ સાથે, RBI ગવર્નરે કહ્યું કે બેઠકમાં કેશ રિઝર્વ રેશિયો(CRR)ને 100 બેસિસ પોઇન્ટ ઘટાડીને 4 ટકાથી 3 ટકા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

June 5, 2025
image.png
1min151
  • 1 ઓક્ટોબર, 2026થી પહાડી રાજ્યો, 1 માર્ચ 2037થી દેશભરમાં વસતી ગણતરી
  • ડિજિટલ વસતી ગણતરી : તમામ ડેટા સીધો મોબાઇલ એપ્લિકેશનમાં સ્ટોર થશે, વેબસાઇટ પણ જાહેર કરાશે
  • બે તબક્કામાં યોજાનારી વસતી ગણતરીની પ્રક્રિયામાં ત્રણ વર્ષનો સમય લાગશે, પ્રથમ વખત લોકોને તેમની જ્ઞાતિ પૂછવામાં આવશે
  • છેલ્લે 2011માં વસતી ગણતરી થઇ હતી, દર 10 વર્ષે ગણતરીની પરંપરા વર્ષ 2021માં કોરોના મહામારીથી તૂટી હતી

વર્ષ ૨૦૧૧ બાદ પ્રથમ વખત સમગ્ર દેશમાં વસતી ગણતરી થવા જઇ રહી છે. દેશભરમાં ૧ માર્ચ ૨૦૨૭થી વસતી ગણતરી થશે. પ્રથમ વખત જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરવામાં આવશે. કેટલાક પહાડી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જેમ કે લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વસતી ગણતરીની શરૂઆત ૧ ઓક્ટોબર ૨૦૨૬થી એટલે કે આગામી વર્ષથી જ કરી દેવામાં આવશે. જ્યારે દેશભરમાં વસતી ગણતરી માર્ચ ૨૦૨૭થી શરૂ થશે.

કેન્દ્ર સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વખતની વસતી ગણતરી બે તબક્કામાં કરવામાં આવશે. ૧ ઓક્ટોબર ૨૦૨૬થી શરૂ થનારી આ પ્રક્રિયા ત્રણ વર્ષ સુધી ચાલશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરવાની જાહેરાત કરી હતી. જોકે કોઇ તારીખ જાહેર નહોતી કરી, વિપક્ષ દ્વારા પણ વહેલા વસતી ગણતરીની માગણી ઉઠી રહી હતી. એવામાં હવે સરકારે વસતી ગણતરીની તારીખો જાહેર કરી દીધી છે. જોકે પ્રથમ વખત સમગ્ર દેશમાં જ્ઞાતિ (જાતિ) આધારિત વસતી ગણતરી થવા જઇ રહી છે. કેટલાક રાજ્યો જેમ કે બિહાર, તેલંગાણા, આંધ્ર પ્રદેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં જાતિ આધારિત સરવે હાથ ધરાઇ ચુક્યો છે. જ્યારે કર્ણાટકે આ જ પ્રકારનો સરવે વર્ષ ૨૦૧૫માં કર્યો હતો જેના આંકડા હવે જાહેર કરશે.

દર દસ વર્ષે દેશની વસતી ગણતરી થતી આવી છે. છેલ્લે વર્ષ ૨૦૧૧માં વસતી ગણતરી થઇ હતી, જે બાદ વર્ષ ૨૦૨૧માં આ ગણતરી થવાની હતી. પરંતુ કોરોના મહામારીને કારણે દેશવ્યાપી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવી મુશ્કેલ હોવાથી તારીખ લંબાવાઇ હતી. તાજેતરમાં સ્માર્ટફોન અને એઆઇ જેવી ટેક્નોલોજી ભારે ચલણમાં છે. એવામાં આ વખતે વસતી ગણતરીની પ્રક્રિયા પણ સંપૂર્ણપણે ડિજિટલ હશે. અગાઉ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે વસતી ગણતરીના ડેટા એકઠા કરવા માટે તેના પર ધ્યાન રાખવા માટે એક મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરાઇ છે. સાથે જ એક વસતી આધારિત વેબસાઇટ પણ જાહેર કરવામાં આવશે. વસતી ગણતરી દેશના નાગરિકોની આર્થિક, સામાજિક અને ભૌગોલિક સહિતની તમામ સ્થિતિની જાણકારી મેળવવાની દેશની સૌથી મોટી પ્રક્રિયા માનવામાં આવે છે. હવે તેમાં જ્ઞાતિનો પણ સમાવેશ કરવામાં આવશે. વસતી ગણતરીથી જે પણ ડેટા મળે છે તેના આધારે સરકાર સમાજના વંચિત અને ગરીબ વર્ગ માટે મહત્વની યોજનાઓ ઘડતી હોય છે.

કેન્દ્ર સરકારે બુધવારે જાહેર કરી હતી કે આ વખતની વસતી ગણતરીની પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો ૧ ઓક્ટોબર ૨૦૨૬થી શરૂ થશે જેમાં પહાડી અને હિમ પ્રભાવિત રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશો જેમ કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખ વગેરેનો સમાવેશ કરાશે. જ્યારે બીજા તબક્કામાં બાકી રહેલા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વસતી ગણતરી થશે જેની શરૂઆત ૧ માર્ચ ૨૦૨૭થી થશે. જેને પગલે આ સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ થવામાં આશરે ત્રણ વર્ષ જેટલો સમય લાગી શકે છે. વસતી ગણતરી માટેનું નોટિફિકેશન સત્તાવાર ગેઝેટમાં ૧૬ જૂન, ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવશે. દેશમાં વસતી ગણતરી વસતી કાયદો ૧૯૪૮ અને વસતી નિયમો ૧૯૯૦ હેઠળ હાથ ધરાય છે. અગાઉ વર્ષ ૨૦૧૧માં પણ બે તબક્કામાં વસતી ગણતરી કરવામાં આવી હતી.