પેરોલ પર છૂટ્યાં બાદ આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છેકે, વિધાનસભાના ચોમાસુ સત્ર વખતે ગાંધીનગર ગયો ત્યારે મને ભાજપના મોટા ગજાના નેતાઓ મળ્યા હતાં. જેમણે મને ઓફર કરીકે, ભાજપમાં જોડાઇ જાઓ, મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એટલે મંત્રી બનાવી દઇશુ.
ગરુડેશ્વર ખાતે આયોજીત એક કાર્યક્રમમાં આપના ધારાસભ્ય ચેતર વસાવાએ જાહેર મંચ પરથી કહ્યુંકે, હું મંત્રી બની જાઉં કે પછી મુખ્યમંત્રી બની જાઉં. લાખો-કરોડોની મિલ્કતો વસાવી લઉં. પણ જનતાના પ્રેમ સામે કરોડો રૂપિયાની કોઈ કિમત અને વિસાત નથી. લોકોનો પ્રેમ, સાથી મિત્રોનો સહકાર અને વડીલોના આશીર્વાદ જ મારી ખરી ’પુંજી’ છે.
સભા ચૈતર વસાવાએ ફિલ્મી ડાયલોગ શૈલીમાં કહ્યુંકે, ચૈતર વસાવા કભી ઝુકેગા નહીં. તુમકો ક્યા લગતા થા નહીં લૌટેંગે, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં! આ સાંભળીને કાર્યકરો-લોકોએ તાળી પાડી વાતાવરણ ગુંજવી દીઘુ હતુ.ભાજપે કરેલી ઓફરનો ઉલ્લેખ કરતાં વસાવાએ કહ્યુંકે, ગરીબ જનતાના આશીર્વાદ અને સહકાર મળ્યો છે જે મંત્રીપદ કરતાં પણ વધુ મૂલ્યવાન છે. ભાજપની ઓફર ઠુકરાવી ચૈતર વસાવાએ મતદારોમાં પોતાનું આગવી છબી ઉભી કરવા પ્રયાસ કર્યો છે.
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની બિનહરીફ પસંદગી થઈ છે. અમદાવાદની નિકોલ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ કમલમમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પક્ષ તરફથી અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવી હોવાથી જગદીશ વિશ્વકર્માની બિનહરિફ જીત થઈ છે. જેને લઈને આવતીકાલે (4 ઓક્ટોબર) સવારે 10 વાગ્યે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા કમલમ ખાતે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને પદગ્રહણ સમારોહ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહેશે.
4/10/25 સવારે અમદાવાદના ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના જગદીશ પંચાલના નિવાસ્થાનેથી ગાંધીનગર સુધી રેલી યોજાશે. અમદાવાદના તમામ ધારાસભ્યો, સાંસદો અને કાર્યકર્તાઓ સાથે તેઓ ગાંધીનગર પહોંચશે.
ગુજરાત ભાજપમાં હવે અમદાવાદનો દબદબો વધી જશે કેમ કે મુખ્યમંત્રી બાદ વધુ એક મહત્ત્વનો હોદ્દો અમદાવાદના નેતાને મળવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય છે જ્યારે જગદીશ અમદાવાદના નિકોલ વિસ્તારના ધારાસભ્ય છે.
જગદીશ પંચાલની જીતના કઈ વાતથી મળ્યા સંકેત?
જગદીશ પંચાલે ઉમેદવારી ફોર્મ ભરતાંની સાથે જ ભાજપના નેતાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવાનો દોર શરુ થઈ ગયો છે. ભાજપના વરિષ્ઠ નેતા બાબુ જમનાદાસ અને સુરેશ પટેલે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત ઉદય કાનકડે જગદીશ પંચાલને ઉમેદવારી પત્ર સોંપ્યું હતું.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકે ગઈ કાલે મહત્ત્વપૂર્ણ નિર્ણય કરીને નવા ૧૭ તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી હતી. આ નવા તાલુકા ૧૦ જિલ્લામાંથી બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ તાલુકાની સંખ્યા હવે ૨૬૫ થઈ
આ ઉપરાંત વાવ–થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના ૬ તાલુકા વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લાના મુખ્ય મથક સાથે વાવ–થરાદ જિલ્લાની રચનાને કૅબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
નવા તાલુકા કયા?
નવા ૧૭ તાલુકાઓ બન્યા છે એમાં ગોધરા, કોઠંબા, ચીકદા, નાનાપોંઢા, રાહ, ધરણીધર, ઓગડ, હડાદ, ગોવિંદ ગુરુ લીમડી, સુખસર, કદવાલ, ફાગવેલ, શામળાજી, સાઠંબા, ઉકાઈ, અરેઠ અને અંબિકા તાલુકાની રચના કરવામાં આવી છે.
આસો માસની નવરાત્રિનો પાવન પર્વ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જે દરમિયાન ભક્તો શક્તિની ઉપાસના કરી જીવનના મનોરથો પૂર્ણ કરશે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ નવરાત્રિના આધ્યાત્મિક મહત્ત્વ અને તેના યોગ્ય વિધિવિધાન વિશે સવિસ્તાર માહિતી આપી છે.
જીવનમાં પૂજા-ભક્તિનું મહત્ત્વ હંમેશા રહ્યું છે. નવરાત્રિ, શિવરાત્રી, હોળી જેવી રાત્રિ પૂજા દ્વારા ભક્તો ઈશ્વરની નજીક જઈ શકે છે. વર્ષમાં આવતી ચાર નવરાત્રિઓમાંથી આસો માસની નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે, જેમાં ગરબા રમવાનું પણ એક ખાસ કારણ હોય છે. નવરાત્રિ દરમિયાન થતા ઘટ (કુંભ) સ્થાપનનો પણ એક વિશેષ ભાવ રહેલો છે. આ માટે સવારે, બપોરે અભિજીત નક્ષત્રમાં કે સંધ્યા સમયે શુભ યોગમાં સ્થાપના કરવાનું સૂચન કરવામાં આવે છે, પરંતુ રાત્રે સ્થાપન ન કરવું જોઈએ.
નવરાત્રિ દરમિયાન ઘટની અંદર પ્રગટાવવામાં આવતો અખંડ દીપ ખૂબ પ્રભાવશાળી ગણાય છે. તેના પ્રકાશથી ઉત્પન્ન થતી શક્તિશાળી ઊર્જા ભક્તિ કરનારની આભામાં વધારો કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિનો સંચાર કરે છે. આ દીપક દ્વારા ભક્ત પોતાના જીવનનો ઉદ્ધાર કરી શકે છે અને ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરી શકે છે. જોકે, પૂજા અને વિધિ માટે યોગ્ય માર્ગદર્શન ખૂબ જરૂરી છે, કારણ કે માતાજી ભક્તનો ભાવ જોઈને પ્રસન્ન થાય છે.
પૂજા દરમિયાન ભક્તો પોતાની પરંપરા અને પ્રાંતીય રિવાજોનું પાલન કરતા હોય છે. કેટલાક વિદ્વાનોના મતે, નવરાત્રિ દરમિયાન રાહુકાળમાં વિશિષ્ટ પાઠ કરવાથી ત્વરિત ફળ પ્રાપ્ત થાય છે, જેનું રહસ્ય યોગ્ય વિદ્વાન પાસેથી જાણી શકાય છે. નવરાત્રિ પછી ઘટનું ઉથપાન શુભ યોગ મુજબ સવારના સમયે કરવું જોઈએ.
સુરત પોલીસે હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન હોટેલમાં હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મળતી પોલીસે રેડ પાડી હતી.
સુરત પોલીસે પાર્ક પેવેલિયન હોટેલમાંથી13 વિદેશી મહિલાઓ અને 9 પુરુષ સહિત કુલ 22 લોકોની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસ પ્રમાણે આ હાઈ-પ્રોફાઇલ સેક્સ રેકેટ વોટ્સએપ દ્વારા ચાલતું હતું. પોલીસે રેડ પાડીને તેનો પર્દાફાશ કરી દીધો છે.
વિગતે વાત કરવામાં આવે તો, પોલીસ જ્યારે પાર્ક પેવેલિયન હોટેલના ચોથા માળે પહોંચી ત્યારે દરવાજો બંધ હતાં. જેથી પોલીસે લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અંદર 7 લોકો મળ્યા હતા. જેમાંથી મેનેજર તરીકે કામ કરતો રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ મિશ્રાએ સ્વીકાર્યું કે, તે ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને મહિલાઓને મોકલતો હતો.
આ સાથે સંજય હિંગડે, રાહુલ સોલંકી અને બિપીન ઉર્ફે બંટી બાબરીયા પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હોવાનું સામે હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. આ રેકેટનો મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે હોવાનું ખુલ્યું છે, જે હોટલના ખર્ચા અને સ્ટાફના પગારનું સંચાલન કરતો હતો.
આ સમગ્ર કૌભાંડ મામલે જ્યારે રૂપેશ મિશ્રા સાથે પુછપરછ કરવામાં આવી ત્યારે તેણે ખુલાસો કર્યો હતો કે, એક ગ્રાહક પાસેથી મળતા 3,500 રૂપિયામાંથી 2,000 રૂપિયા કમિશન તરીકે રાખવામાં આવતા અને 1,500 રૂપિયા મહિલાઓને આપવામાં આવતા હતાં.
પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 તથા ભારતીય ન્યાય સંહિતા, 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે હોટલના સંચાલકો અને ગ્રાહકો સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 13 વિદેશી મહિલાઓને વધુ પૂછપરછ પોલીસ સ્ટેશન મોકલવામાં આવી હતી.
ગુજરાતમાં મનરેગા, નલ સે જલ સહિત અન્ય સરકારી યોજના જાણે કમાણીની યોજના બની રહી છે. રાજનેતા અને અધિકારી ભેગા મળીને ભ્રષ્ટાચાર આચરી રહ્યાં છે છતાંય સરકાર-મંત્રી છેવાડાના માનવીને લાભ મળ્યો છે તેવા ગુણગાન ગાઈ રહ્યાં છે. ગુજરાત વિધાનસભામાં આ મુદ્દો ઉઠતાં ખુદ મંત્રીએ એ વાતનો સ્વીકાર કર્યો કે, મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યુ છે, જેમાં અત્યાર સુધીમાં 12 સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં મંત્રી બચુ ખાબડના બંને દીકરાની સંડોવણી બહાર આવી છે. જોકે, આના કારણે સરકારની પ્રતિષ્ઠાનું ધોવાણ થયુ છે. મનરેગા યોજના પછી નલ સે જલ યોજનામાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. મહીસાગરમાં આ યોજનામાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી છે. આ મામલે વિધાનસભામાં વિપક્ષે આરોપોની છડી વરસાવતાં મંત્રી કુંવરજી બાવળિયાએ એ વાતનો સ્વીકાર કર્યો કે, નલ સે જલ યોજનામાં ગોટાળો થયો છે.
ગૃહમાં વિપક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ સવાલ કર્યો કે, લેખિતમાં એવો જવાબ અપાયો છે કે, કોઈ ગેરરીતી થઇ નથી. સાચુ શું છે? ત્યારે મંત્રીએ કબૂલ્યું કે, નલ સે જલ યોજના મામલે ફરિયાદ મળતાં મહીસાગર જિલ્લાના 630 ગામોમાં તપાસ કરવામાં આવી ત્યારે ગેરરીતિ ધ્યાને આવી હતી. અત્યાર સુધીમાં 122 એજન્સી પાસેથી 2.97 કરોડની વસૂલાત કરાઈ છે. આ ઉપરાંત 43 પાણી સમિતિઓ પાસેથી નાણાંની રિકવરી કરવા આદેશ કરાયા છે અને 122 એજન્સીઓને ડીબોર્ડ કરાઈ છે.
એવો ખુલાસો થયો છે કે, તાલુકા પંચાયતના સભ્યોની પણ નલ સે જલ કાંભાડમાં સંડોવણી હોય શકે છે, તેથી આ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. મનરેગા અને નલ સે જલ યોજનામાં ભાજપના મળતિયાઓએ જ ભ્રષ્ટાચાર આચર્યો છે તેવો વિપક્ષે આક્ષેપ કર્યો છે. અત્યાર સુધીમાં મહીસાગર જિલ્લામાં 714 ગામો પૈકી 680 ગામોમાં ઘરે-ઘરા નળ લગાવવાની કામગીરી કરાઈ રહી છે. જોકે, સરકારે દાવો કર્યો કે, જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ રાજ્યમાં કુલ 91 લાખ ઘરને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં છે.
Gujarat Weather Updates : ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગના નાઉકાસ્ટ હેઠળ આગામી ત્રણ કલાક માટે આગાહી કરવામાં આવી હતી. જે અનુસાર પાંચ જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જ્યારે 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
ક્યાં ક્યાં રેડ એલર્ટ?
બનાસકાંઠા, દમણ, દાદરા અને નગર હવેલી, વલસાડ, ડાંગ તથા તાપી જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ?
જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભાદરવા સુદ ચોથ એટલે કે 27 ઓગસ્ટ, બુધવારના રોજ ગણેશ ચતુર્થીએ ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો. દેશભરમાં ભક્તો પોતાના ઘરે અને પંડાલમાં ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરી દસ દિવસ સુધી તેમની પૂજા-અર્ચના કરી, અને આજે 6 સપ્ટેમ્બર, શનિવારના રોજ અનંત ચતુર્દશીએ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરી તેમને ભાવભરી વિદાય આપવામાં આવી રહી છે. વિસર્જન પહેલા કેવી રીતે ગણેશજીની પૂજા અર્ચના કરવી અને વિસર્જન માટેના ક્યા કયા કેટલાક મૂહુર્ત છે આવો તે જાણીએ.
ગણેશજી બુદ્ધિ, સમૃદ્ધિ અને વિવેકના દેવતા છે અને કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, ગણેશજીની પૂજા અર્ચના કરવાથી તમામ વિઘ્ન અને બાધાઓ દૂર થાય છે અને કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે
ગણેશ વિસર્જનની વિધિ
અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, જેનો અર્થ એ છે કે ગણેશજી હવે પાછા તેમના ધામમાં જઈ રહ્યા છે.
પૂજા અને આરતી: વિસર્જન પહેલાં ફરી એકવાર ગણેશજીની આરતી કરવી અને તેમને મોદકનો ભોગ ધરાવવો.
પ્રાર્થના: મૂર્તિને સન્માનપૂર્વક ઉઠાવતા પહેલાં ગણેશજીની ક્ષમા માંગવી અને તેમને પ્રાર્થના કરવી કે તેઓ આગલા વર્ષે ફરી પધારે.
વિસર્જન: ગણેશજીની મૂર્તિને પવિત્ર નદી, તળાવ અથવા પાણીના સ્ત્રોતમાં વિસર્જિત કરવી. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.
ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત (6 સપ્ટેમ્બર):
સવારે 07:58 થી 09:30
બપોરે 12:40 થી 05:15
સાંજે 06:55 થી 08:25
ગણેશોત્સવ એ ભક્તિ, આનંદ અને સકારાત્મકતાનો પર્વ છે, જે સમગ્ર સમાજમાં ઉત્સાહ ભરી દે છે.
કેન્દ્રના 72માંથી 29 અને રાજ્ય સરકારોના 273 પ્રધાનો ‘ક્રિમિનલ’ : એડીઆર
કુલ 302 પ્રધાનોમાંથી 174 મંત્રી સામે ગંભીર ફોજદારી ગુનો ભાજપના 336માંથી 40 ટકા એટલે કે 136 મંત્રી ક્રિમિનલ
આંધ્રની તેલુગુદેશમના પાર્ટીના 96 ટકા મંત્રીઓ એટલે કે 23માંથી 22ની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે
દેશના રાજકારણને અપરાધમુક્ત કરવાની વાતો ફક્ત વાતો જ લાગે છે, દેશનું રાજકારણ ગુનાખોરીથી મુક્ત થવાની સંભાવના સ્વપ્નવત લાગે તેવી વાત એડીઆર રિપોર્ટમાં આવી છે. એડીઆર રિપોર્ટ મુજબ દેશના કુલ ૪૭ ટકા પ્રધાનો એટલે કે લગભગ અડધો અડધ પ્રધાન સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે. આ સંજોગોમાં રાજકારણ ગુનામુક્ત તો ન થાય, પણ ગુનાયુક્ત થયું હોવાની જરૂર કહી શકાય.
એડીઆર (એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) પણ ત્યારે આવ્યો છે જ્યારે સંસદમાં ત્રણ બિલ રજૂ કરવામાં આવ્યા છે જેમા વડાપ્રધાન, મુખ્યપ્રધાનો અને પ્રધાનોની ધરપકડ થાય કે પાંચ વર્ષ કે તેનાથી વધારે સમયની સજા માટેના ગંભીર ફોજદારી ગુના માટે સળંગ ૩૦ દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવે તો તેમણે હોદ્દા પરથી રાજીનામુ આપવું પડશે. એડીઆરે આ માટે દેશની કુલ ૨૭ વિધાનસભા, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય કેબિનેટ પ્રધાનોના કુલ ૬૪૩ સોગંદનામાની ચકાસણી કરી હતી, તેમા તેણે જોયું કે કુલ ૩૦૨ પ્રધાનો એટલે કે અડધોઅડધ કહેવાય તેટલા પ્રધાનોની સામે ફોજદારી કેસો હોવાનું જણાઈ આવ્યું હતું. આ ૩૦૨ પ્રધાનોમાં ૬૦ ટકાથી પણ વધારે એટલે કે ૧૭૪ પ્રધાનોની સામે તો ગંભીર ફોજદારી કેસ છે, એમ રિપોર્ટે જણાવ્યું હતું.
એડીઆર વિશ્લેષણ મુજબ ભાજપના કુલ ૩૩૬ પ્રધાનમાં ૪૦ ટકા એટલે કે ૧૩૬ પ્રધાનાએ તો પોતે જ તેમની સામે ફોજદારી કેસ હોવાનું જાહેર કર્યુ છે. તેમા ૨૬ ટકા એટલે કે ૮૮ પ્રધાનોની સામે ગંભીર ગુના છે.
કોંગ્રેસ ચાર રાજ્યોમાં સત્તામાં છે. તેના ૭૪ ટકા એટલે કે ૪૫ પ્રધાનોની સામે ફોજદારી કેસ છે. તેમા ૩૦ ટકા એટલે કે ૧૮ની સામે ગંભીર ગુના નોંધાયેલા છે.
આ ઉપરાંત ડીએમકેના કુલ ૩૧ પ્રધાનોમાંથી ૨૭ એટલે કે ૮૭ ટકા સામે ફોજદારી કેસ છે. જ્યારે ૪૫ ટકા એટલે કે ૧૪ની સામે ગંભીર ફોજદારી ગુના નોંધાયેલા છે. તૃણમૂલ કોંગ્રેસના ૩૩ ટકા એટલે કે ૪૦માંથી ૧૩ની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમા ૨૦ ટકા એટલે કે ૮ની સામે ગંભીર ગુના છે.
તેલુગુદેશમ પાર્ટીમાં ગુનેગાર પ્રધાનોનું સૌથી ઊંચું પ્રમાણ છે. તેમા કુલ ૨૩ પ્રધાનોમાંથી ૨૨ પ્રધાનો સામે એટલે કે ૯૬ ટકા પ્રધાનો સામે ગુના નોંધાયેલા છે. તેમાથી ૫૭ ટકા એટલે કે ૧૩ પ્રધાનની સામે ગંભીર ગુના નોંધાયેલા છે. આમ આદમી પાર્ટી (આપ)ના પ્રધાનોમાં જોઈએ તો ૧૬માંથી ૧૧ એટલે કે ૬૯ ટકા પ્રધાનો સામે ફોજદારી કેસો છે. તેમાથી પાંચ એટલે કે ૩૧ ટકા સામે ગંભીર કેસો છે. હવે રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો ૭૨ કેન્દ્રીય પ્રધાનોમાંથી ૪૦ ટકા એટલે કે ૨૯ પ્રધાનોએ તેમની સામે ફોજદારી કેસ હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે.
રાજ્યોમાં જોઈએ તો કુલ ૧૧ વિધાનસભામાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગણા, હિમાચલ પ્રદેશ અને પુડુચેરીના ૬૦ ટકાથી વધારે પ્રધાનોની સામે ફોજદારી કેસ છે. તેનાથી વિપરીત હરિયાણા, જમ્મુ-કાશ્મીર, નાગાલેન્ડ અને ઉત્તરાખંડના પ્રધાનોની સામે કોઈ ફોજદારી કેસ જ નોંધાયા નથી.
બાંધકામમાં વપરાતી અનેક સામગ્રીઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી રિયલ એસ્ટેટ અને હાઉસિંગ સેક્ટરમાં ખુશીનો માહોલ ફેલાયો છે. આ નિર્ણયથી બાંધકામના ખર્ચમાં ઘટાડો થશે, જેનો ફાયદો ઘર ખરીદનારાઓને પણ મળશે.
3/9/25 GST કાઉન્સીલની બેઠકમાં સિમેન્ટ, માર્બલ, ગ્રેનાઈટ, લાકડું જેવી બાંધકામની મુખ્ય સામગ્રીઓ પર GST દરમાં કાપ મૂકવામાં આવ્યો છે. આ પગલાથી બાંધકામ સામગ્રીના ભાવ ઘટશે, જેના કારણે નવા મકાનો, ફ્લેટ્સ અને વ્યાપારી ઈમારતોના નિર્માણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. આ નિર્ણયને ઉદ્યોગકારો અને બિલ્ડરો દ્વારા સકારાત્મક પગલુ ગણાવવામાં આવી રહ્યું છે, કારણ કે આનાથી બાંધકામ ઉદ્યોગને નવી ગતિ મળશે.
આ GST ઘટાડાથી હાઉસિંગ સેક્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા છે. બાંધકામના ખર્ચમાં ઘટાડો થતા ઘરોની કિંમતો પણ નીચે આવી શકે છે, જેનાથી સામાન્ય લોકો માટે ઘર ખરીદવું વધુ સરળ બનશે. ખાસ કરીને, મધ્યમ વર્ગના લોકો અને પ્રથમ વખત ઘર ખરીદનારાઓને આનો સીધો લાભ મળશે. આ ઉપરાંત, આ પગલુ રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં રોકાણને પણ પ્રોત્સાહન આપશે.
બાંધકામ ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. GST ઘટાડાથી બાંધકામ સામગ્રીના ભાવ ઘટવાથી નવા પ્રોજેક્ટ્સની શરૂઆત અને ચાલી રહેલા પ્રોજેક્ટ્સનું કામ ઝડપથી આગળ વધશે. જેનાથી રોજગારની તકોમાં પણ વધારો થશે, કારણ કે બાંધકામ ઉદ્યોગ અનેક અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલો છે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણયથી આર્થિક ગતિવિધિઓને વેગ મળશે અને બજારમાં સકારાત્મક માહોલ ઊભો થશે.
રિયલ એસ્ટેટ અને બાંધકામ ઉદ્યોગના નિષ્ણાતોએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમનું માનવું છે કે આ પગલુ બાંધકામ ઉદ્યોગ માટે માત્ર રાહત જ નહીં, પરંતુ લાંબા ગાળે આર્થિક વિકાસ માટે પણ મહત્વનું સાબિત થશે. સરકારના આ નિર્ણયથી નવા પ્રોજેક્ટ્સને ઝડપ મળશે અને ગ્રાહકોને પોસાય તેવા ભાવે ઘરો ઉપલબ્ધ થશે, જે દેશના હાઉસિંગ સેક્ટરને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.