CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 7 of 138 - CIA Live

March 22, 2025
Cia_business_news-1280x936.jpg
1min625

ગુજરાતમાં હાલ ચાલી રહેલી મિલકતોના દસ્તાવેજની નોંધણીમાં ખાસ કરીને ખુલ્લા પ્લોટમાં ક્ષેત્રફળ ઓછું દર્શાવીને ઓછી સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકિત કરાવીને સરકારની તિજોરીને લાખો, કરોડો રૂપિયાનો ફટકો મારવામાં આવી રહ્યો છે. આ પ્રકારનો ફ્રોડ બંધ થાય તે હેતુથી રાજ્યના મહેસૂલ વિભાગે આગામી તા.1લી એપ્રિલ 2025થી મિલક્તોના દસ્તાવેજોની નોંધણીમાં અક્ષાંશ રેખાંશની વિગતો ફરજિયાત દર્શાવવાની રહેશે અન્યથા દસ્તાવેજની નોંધણી જ નહીં થાય.

મળતી માહિતી મુજબ રાજ્યમાં મિલકતની ખરીદ-વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં થતાં નુકસાનને રોકવા માટે નવો નિયમ અમલમાં લાવવામાં આવી રહ્યો છે. નવા નિયમ મુજબ હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોના મુસદ્દા (ખરડા)માં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવાની રહેશે. આ નિયમ 1 એપ્રિલ 2025થી રાજ્યની તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગૂ પડશે. જો દસ્તાવેજમાં આ વિગતો નહી હોય તો નોંધણી કરવામાં આવશે નહી.

સરકારના પરિપત્રમાં જણાવ્યા મુજબ ઘણીવાર મિલકતના દસ્તાવેજોમાં બાંધકામ હોવા છતાં દસ્તાવેજમાં ખુલ્લા પ્લોટના ફોટા રજૂ કરવામાં આવે છે, જેના લીધે સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરીમાં ગેરરીતિ થાય છે અને સરકારને મોટું નુકસાન થઇ રહ્યું છે. સરકારના ધ્યાને આવ્યું છે કે આ પ્રકારના કિસ્સાઓ સતત વધી રહ્યા હોવાથી છેતરપિંડીનું પ્રમાણ વધ્યું છે.

આ પ્રકારની છેતરપિંડી અટકાવવા માટે સંબંધિત કચેરીના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ખુલ્લા પ્લોટની મિલકતોની તબદીલીના કિસ્સામાં, ફોટોગ્રાફવાળા પૃષ્ઠ પર અક્ષાંશ અને રેખાંશની વિગતો ફરજિયાત દર્શાવેલી હોવી જોઇએ. દસ્તાવેજમાં મિલકતના 5*7 સાઇઝના કલર ફોટોગ્રાફ્સમાં એક સાઇડ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ દેખાવવો જોઇએ, તે મિલકતના વર્ણનવાળા પૃષ્ઠ પછી તરત જ ચોંટાડવાના રહેશે. ફોટાની નીચે મિલકતનું પૂરું પોસ્ટલ સરનામું લખવાનું રહેશે, અને તેની પર દસ્તાવેજ લખનાર તેમજ લેનાર બંને પક્ષકારોએ સહી કરવી પડશે. જો આવી નોંધ દસ્તાવેજમાં નહીં હોય, તો સબ-રજિસ્ટ્રાર કચેરી તેને નોંધણી માટે ગ્રાહ્ય નહીં ગણે.

સરકારના આ નિર્ણયથી મિલકતની ખરીદી-વેચાણમાં પારદર્શિતા વધશે અને છેતરપિંડીની સંભાવનાઓ ઘટશે. 1 એપ્રિલ, 2025થી શરૂ થતા આ નિયમોનો કડક અમલ કરવા માટે સબ-રજિસ્ટ્રાર કચેરીઓને પણ સૂચના આપવામાં આવી છે.

March 8, 2025
heat-stroke.jpg
1min203

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પવનનું જોર વધ્યું છે. કેટલાક વિસ્તારમાં તો 30થી લઈને 45 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં પણ પવનનું જોર વધીને 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગયું હોવાથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.

અચાનક જ ઠંડા પવનની ગતિ વધવાના કારણે તથા પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાને કારણે તાપમાન પણ ગગડ્યું છે અને ઠંડકનો માહોલ સર્જાયો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાતે આગાહી કરી હતી કે, 9થી 13 માર્ચ દરમિયાન કેટલાક ભાગોમાં હીટવેવની વકી છે અને તાપમાન 40 ડિગ્રી સુધી જઇ શકે છે.

આ દરમિયાન રાજ્યના વિવિધ શહેરના તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. માર્ચ મહિનાની શરૂઆતથી થોડું તાપમાન વધશે, રાજ્યમાં હીટવેવનો પ્રથમ રાઉન્ડ 9 માર્ચથી ચાલુ થઈ શકે છે અને 13 માર્ચ સુધી ચાલુ રહે તેમ છે. 13 માર્ચ પછી ફરી હવામાનમાં પલટો આવશે. હીટવેવના આ રાઉન્ડમાં ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જશે. આ દરમિયાન આકરો ઉનાળો જોવા મળી શકે છે.

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો એવા હશે જ્યાં 39-40 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબીમાં તાપમાન વધારે ઊંચું જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામમાં તાપમાન 39-40 ડિગ્રી પહોંચે તેવી શક્યતાઓ છે.

February 20, 2025
gujarat-vidhansabha.jpg
2min197

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. દેસાઈ ચોથું બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષિય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે. તેમજ વિકસિત ભારત મિશનમાં ગુજરાતનો સિંહફાળો આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હોવાનું જણાવ્યું છે.

આ વખતે બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ ગઇ હતી. રાજ્યપાલે 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.

બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે.

મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયા

શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ 290 કેન્‍દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ એમએસએમઈને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. જેમાં MSME અને સ્ટાર્ટઅપની વિવિધ યોજનાઑ માટે 3600 કરોડ રૂપિયાની જોગવાઈ છે. ટેક્સટાઇલ નીતિના કારણે 5 લાખ લોકોને રોજગાર મળશે. વધુમાં ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાયો માટે બે હજાર કરોડ રૂપિયાની ફાળવણી

નાણામંત્રીએ દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે. જેમાં 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ 85 હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે.

નાણામંત્રીએ સરકારી આવસને વેગ આપવા પર ફોકસ કર્યું છે. ગુજરાતના ગરીબો માટે ત્રણ લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રૂ. 200 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. આવાસ ખરીદવા પર સરકાર 1.70 લાખ રૂપિયા સબસિડી આપશે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ 2025-26 રજૂ કર્યું છે. તેમણે ભાષણમાં રાજકોષિય ખાધ ઓછી રાખવા તેમજ સેમિ કંડક્ટર ક્ષેત્રે વિકસિત ભારત વિઝનને સાકાર કરવા પર ફોકસ કરવા ભાર મૂક્યો છે.

નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાત વિધાનસભામાં 2025-26નું અંદાજપત્ર રજૂ કરવા આવી પહોચ્યા છે. તેમણે રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ રાખ્યું હતું. આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાર્લી પેઈન્ટિંગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે. સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને દર્શાવેલ છે. આમ આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે.

બજેટ પહેલા બીજા દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં દેખાવો કર્યા હતા. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ દેખાવો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ હાથકડીઓ અને પોસ્ટર પહેરીને કોંગ્રેસના ધારાસભ્યોએ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોને જે રીતે હાથકડી અને સાંકળ બાંધીને મોકલવામાં આવ્યા હતા તેને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે આ વખતે ગુજરાતનું વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવશે. ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ પર બજેટ ખરું ઉતરશે. દરેક ક્ષેત્રને આવરી લેતું બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં દરેકની આશાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.

નાણા મંત્રી કનુભાઈ આ વખતે બજેટમાં લગભગ 11 ટકાનો વધારી શકે છે. જેથી આ વખતનું બજેટ લગભગ પોણા ચાર લાખ કરોડની રકમને આંબી શકે છે. જ્યારે બીજી બાજુ થોડા દિવસ પહેલા જ રાજ્યમાં 9 મહાનગરપાલિકાઓ અને 1 નવા જિલ્લા અંગે જાહેરાત કરવામાં આવી હતી જેને લઇને પણ બજેટમાં મહત્ત્વની જાહેરાત કરવામાં આવી શકે છે.

ગયા વર્ષે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. રાજ્ય સરકારે જે બજેટ 2024-25 રજૂ કર્યું હતું એ ઐતિહાસિક કુલ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ હતું. ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમનું ત્રીજુ બજેટ રજૂ કર્યું હતું.

1 મે 1960ના રોજ મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયું. ત્યારપછી ગુજરાતનું પહેલું બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. તે સમયે ડૉ. જીવરાજ મહેતા મુખ્યમંત્રી પણ હતા અને નાણાંમંત્રીનો હોદ્દો પણ તેમની પાસે જ હતો. ગુજરાતનું પહેલું બજેટ 22 ઓગસ્ટ 1960 ના રોજ અમદાવાદ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભામાં આજે નાણાંકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરાશે. આ બજેટમાં કુલ 10 જેટલી નવી જાહેરાતો પણ કરાઈ શકે છે. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક પણ રજૂ થશે.

ગુજરાત વિધાનસભામાં આ બજેટ સત્ર લગભગ દોઢ મહિનો ચાલશે. જેમાં વિપક્ષે પણ સરકારે ઘેરવાની તૈયારી કરી રાખી છે જેમાં વિપક્ષ દ્વારા જમીન કૌભાંડ, ખ્યાતિકાંડ, ભરતી કાંડ સહિતના વિવિધ મુદ્દે સરકારે ઘેરવાનો પ્રયાસ કરશે.

આ વખતે કનુભાઈ દેસાઈ પર રજૂ કરવામાં આવનારા સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પ્રથમ દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. જ્યારે બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.

February 18, 2025
bjp_vs_congress.jpg
1min279

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે મત ગણતરી બાદ પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ દમદાર પ્રદર્શન કરતાં 13 સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો છે. ત્યારે ભાજપ ખાતું ખોલાવી શકી ન હતી. મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપના સૂપડા સાફ થઇ ગયા છે. પરિણામો જાહેર થતાં સલાયા ભાજપમાં સન્નાટો છવાઇ ગયો છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપનું ખાતું પણ ખોલાવી શકી નથી. 

સલાયા નગર પાલિકાના ચૂંટણીના પરિણામો જાહેર થતાં ફરી એકવાર સલાયાની જનતાએ કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે. દિલ્હીમાં સફાયો થયા બાદ સલાયામાં આમ આદમી પાર્ટીનો જાદૂ જોવા મળ્યો છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં 13 બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી કોંગ્રેસને આકરી ટક્કર આઈ છે, જ્યારે  15 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ જીતનો પરચમ લહેરાવ્યો છે. તો બીજી તરફ ભાજપ ખાતું પણ ખોલાવવામાં નિષ્ફળ રહી હતી. સલાયાની જનતાએ ભાજપના ગાલ પર તમતમતો તમાચો ચોડ્યો છે. પરિણામો બાદ સલાયા ભાજપના નેતાઓ ભૂગર્ભમાં ઘૂસી ગયા છે.  ભૂતકાળમાં સલાયા નગરપાલિકાના ઇતિહાસમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ રાજ કર્યું છે. છેલ્લે સલાયા નગરપાલિકામાં કોંગ્રેસના હાથમાં સત્તા હતી. સલાયાની પ્રજાએ સતત બીજીવાર કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે. આ પરિણામો પરથી ફલિત થાય છે કે સલાયાની પ્રજા કોંગ્રેસ અથવા અન્ય પક્ષને પસંદગી કરી શકે છે પરંતુ ભાજપ તો કોઇપણ ભોગે ન જોઇએ. ઉલ્લેખનીય છે કે સલાયામાં 7 વોર્ડની 28 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિતના 98 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. 

February 17, 2025
earth-quake.png
2min180

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જોરદાર ભૂકંપ પર પ્રતિક્રિયા આપી હતી.

સોમવારે વહેલી સવારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે, રિક્ટર સ્કેલ પર ચારની તીવ્રતાના આંચકા સવારે લગભગ ૫:૩૬ વાગ્યે ૫ કિલોમીટરની ઊંડાઈએ અનુભવાયા હતા.

એનસીએસે ઉમેર્યું હતું કે, દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં અનુભવાયેલો ભૂકંપ ૨૮.૫૯ ઉત્તર અક્ષાંશ અને ૭૭.૧૬ પૂર્વ રેખાંશ પર સ્થિત હતો.

“દિલ્હી અને નજીકના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતી રાખવા, સંભવિત આફ્ટરશોક્સ માટે સતર્ક રહેવા વિનંતી કરી. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે,” તેમણે કહ્યું.

રહેવાસીઓને સલામતીની સાવચેતી રાખવાનું કહેતા, વડા પ્રધાને તેમને “સંભવિત આફ્ટરશોક્સ માટે” સતર્ક રહેવા વિનંતી કરી. “અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે,” તેમણે ઉમેર્યું.

આ જોરદાર આંચકાને કારણે દિલ્હી-એનસીઆર પ્રદેશોમાં રહેતા લોકોને તેમના રહેણાંક સંકુલોમાંથી બહાર નીકળવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પણ X પર વાત કરી અને માહિતી આપી કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે.

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ X પર પોસ્ટ કરી: “હું દરેકની સલામતી માટે પ્રાર્થના કરું છું”.

દિલ્હી પોલીસે પણ લોકોની સલામતીની તપાસ કરી, રહેવાસીઓને આ સમય દરમિયાન કોઈપણ કટોકટીની સ્થિતિમાં “112 ડાયલ” કરવા કહ્યું. “અમે આશા રાખીએ છીએ કે તમે બધા સુરક્ષિત હશો, દિલ્હી!”

નેટીઝન્સે તરત જ સોશિયલ મીડિયા પર કહ્યું કે તેમને ભયંકર આંચકા અનુભવાયા, જે “તમને ઊંઘમાંથી ઉડાડી દે છે”. ઘણા લોકોએ કહ્યું કે ભૂકંપથી તેમના પલંગ હલી ગયા. લોકો આટલી તીવ્રતાવાળા 4 ના આંચકા પર આઘાત વ્યક્ત કરતા જોવા મળ્યા.

પ્રતિક્રિયાઓ આવવાનું ચાલુ રહ્યું, જેમાં એક યુઝરે પોસ્ટ કરી, “આ મારા જીવનમાં મેં અનુભવેલો સૌથી પાગલ ભૂકંપ છે,” અને બીજાએ કહ્યું “મારા જીવનની સૌથી ભયાનક થોડી મિનિટો.”

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મુસાફરોએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યું હતું કે એવું લાગ્યું કે જાણે કોઈ ટ્રેન ભૂગર્ભમાં દોડી રહી હોય. “બધું ધ્રુજી રહ્યું હતું,” એક વ્યક્તિએ કહ્યું. સ્ટેશન પર એક વિક્રેતાએ જણાવ્યું હતું કે ગ્રાહકો ચીસો પાડવા લાગ્યા કારણ કે ભૂકંપથી બધું ધ્રુજી ઉઠ્યું.

“તે થોડા સમય માટે હતું, પરંતુ તેની તીવ્રતા એટલી વધારે હતી. એવું લાગ્યું કે કોઈ ટ્રેન ખૂબ જ ઝડપથી આવી રહી છે,” ટ્રેનની રાહ જોઈ રહેલા અન્ય એક મુસાફરે ANI ને જણાવ્યું.

ગયા મહિને, નેપાળમાં 7.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકા દિલ્હી-NCR અને ઉત્તર ભારતના અન્ય કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા. જો કે, કોઈ પણ મિલકતને નુકસાન થયું નથી.

February 2, 2025
no-it-on-12-lac.png
1min203

નાણા પ્રધાન નિર્મલા સીતારામન 8મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં અત્યાર સુધીમાં અનેક મહત્ત્વની જાહેરાત કરી હતી. સૌથી મોટી જાહેરાત ઈન્કમ ટેક્સને લઈ કરી હતી. 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં લાગે. જો તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉમેરવામાં આવે તો પગારદાર લોકો 12.80 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ટેક્સ નહીં આપવો પડે.

નવા ટેક્સ સ્લેબની જાહેરાત કરતાં કહ્યું, આ પગલાંથી મધ્યમ વર્ગ દેશના અર્થતંત્રને મજબૂતી આપશે. અમે મધ્યમ વર્ગ પર ટેક્સ ઘટાડ્યો છે. ટીડીએસ મર્યાદામાં બદલાવ કરવામાં આવશે. સીનિયર સિટિઝનની ટીડીએસ છૂટ મર્યાદા 50 હજારથી વધારીને એક લાખ કરવામાં આવશે. ભાડાની આવક પર ટીડીએસ છૂટ મર્યાદા વધારીને છ લાખ કરવામાં આવશે.આ ઉપરાંત નોન પેન મામલે હાઈ ટીડીએસ લાગુ રહેશે. અપડેટેડ રિટર્ન દાખલ કરવાની મર્યાદા બે વર્ષથી વધારીને ચાર વર્ષ કરવામાં આવી છે.

January 30, 2025
cia_multi-1280x1045.jpg
2min353

સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. GPSC દ્વારા તેમના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. જીપીએસસી દ્વારા વર્ષ 2025માં કુલ અંદાજિત 1751 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

સરકારી અધિકારીઓની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહત્વપૂર્ણ સમાચાર છે. GPSC દ્વારા વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસી દ્વારા વર્ષ 2025માં ક્લાસ વન, ટૂ અને ત્રીજા વર્ગ મળીને કુલ અંદાજિત 1751 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જે તે પરીક્ષા માટેની જાહેરાત આગામી સમયમાં આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે.ગુજરાત હોટેલ્સ

જીપીએસસી દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, ત્રીજા વર્ગની 160 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે દિવ્યાંગોની ખાસ ભરતીનું માંગણીપત્રક મળેલ છે, જેની જાહેરાત ટૂંક સમયમા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની પ્રાથમિક પરીક્ષા સંભવત: અપ્રિલ-2025 તથા મુખ્ય પરીક્ષા જૂન-2025મા યોજાશે.

આ ઉપરાંત, ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-2 (વહીવટી શાખા)ની 300 જગ્યા પર જુલાઇ 2025માં ભરતીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે, જેની પરીક્ષા સંભવિત રીતે નવેમ્બર મહિનામાં યોજાશે, જ્યારે મુખ્ય પરીક્ષા 2026માં યોજાશે. જ્યારે રાજ્ય વેરા નિરીક્ષક, ત્રીજા વર્ગની 323 જગ્યા પરની ભરતીની સપ્ટેમ્બર મહિનામાં જાહેરાત કરવામાં આવશે. જ્યારે તેની પ્રાથમિક પરીક્ષા ડિસેમ્બર 2025માં યોજાશે અને તેની મુખ્ય પરીક્ષા માર્ચ 2026માં જ્યારે તેના ઇન્ટરવ્યૂ જૂન 2026માં યોજાશે.ગુજરાત હોટેલ્સ

તે ઉપરાંત ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2 ની 100 જગ્યાઓ પર ડિસેમ્બર માસમાં ભરતી જાહેર કરવામાં આવશે. રાજ્ય વેરા નિરીક્ષકની 323 જગ્યાઓ પર સપ્ટેમ્બર 2025માં ભરતી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

January 29, 2025
image.png
1min182

મહાકુંભ મેળામાં મૌની અમાસના સ્નાન પર્વ પર ભીડ વધવાથી નાસભાગ મચી ગઈ હતી. આ દુઃખદ ઘટનામાં 10થી વધુ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં હોવાની આશંકા છે. જ્યારે અન્ય ઘણાં ઘાયલ હોવાની જાણકારી મળી રહી છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. એટલે મૃતકાંક પણ વધવાની શક્યતા છે. માહિતી અનુસાર મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સેન્ટ્રલ મેડિકલ કોલેજ મહાકુંભમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગી હતી. ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં પણ રેફર કરવામાં આવ્યા હતા.

મહાકુંભ મેળાના OSD આકાંક્ષા રાણાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે સંગમ પર ભીડનું દબાણ વધવાથી આ ઘટના બની હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. જો કે, ઘાયલોની સંખ્યા વધુ હોવાથી મૃતકાંક હજુ વધી શકે છે, જેના કારણે તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જાણકારી અનુસાર આ નાસભાગ એક અફવાને કારણે મચી હતી.

નાસભાગની ઘટના બાદ આજનો અમૃત સ્નાન રદ કરવામાં આવ્યો હતો. પરંતુ પછીથી અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે અખાડાઓએ બેઠક સ્નાન ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ અમૃત સ્નાન ફરી શરૂ કરવામાં આવ્યો. આ ઘટનાને પગલે મેળામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા માટે વધારાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા નાસભાગની ઘટના બાદ વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે​ મૌની અમાસના અમૃત સ્નાનને રદ કરી દીધું હતું. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે, સંગમ કિનારે ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સીએમ યોગી સાથે ફોન પર વાત કરી. તેમણે ઘટના વિશે માહિતી મેળવી.

January 20, 2025
niraj-chopra.jpeg
1min372

ભારતના ગોલ્ડન બોય અને ટોક્યો ઓલંપિકમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાએ (Neeraj Chopra) પ્રભુતામાં પગલાં પાડ્યાં છે. નીરજ ચોપડાએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની ત્રણ તસવીરો શેર કરી છે. આમાં તે તેમની પત્ની સાથે જોવા મળ્યા. નીરજે કેપ્શનમાં લખ્યું- મારા પરિવાર સાથે જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો. નીરજે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, અમને આ ક્ષણ સુધી એકસાથે લાવનાર દરેક આશીર્વાદ માટે આભારી. પ્રેમથી બંધાયેલા અને હંમેશા માટે ખુશ.

નીરજ ચોપરા લગ્ન કરી લીધા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. નીરજની પત્નીનું નામ હિમાની છે. નીરજે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની પત્ની હિમાની સાથે મંડપમાં બેઠેલી લગ્નની તસવીર શેર કરી. જેમાં પરિવારના થોડા જ સભ્યો જોવા મળ્યા હતા. તેમણે તેની માતા સાથેનો એક ફોટો પણ શેર કર્યો.

January 18, 2025
sanchar-saathi.jpg
1min216

ટેલિકોમ વિભાગે સાયબર ફ્રોડને રોકવા માટે નવી જ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન મારફત મોબાઈલ પરથી ઓનલાઈન ફ્રોડ સંબંધિત છેતરપિંડીથી લઈને ફોન ગૂમ થવા મુદ્દે ફરિયાદ દાખલ કરી શકાશે, એમ સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ નાણાકીય વ્યવહાર આખી દુનિયામાં સૌથી વધુ ક્યાંય થયો હોય તો તે આપણું ભારત છે, પરંતુ જેમ જેમ લોકો ડિજિટલ વ્યવહારો કરવા લાગ્યા છે તેમતેમ છેતરપિંડી પણ વધવા લાગી છે. મધ્યમવર્ગના માનવી તો આવી છેતરપિંડીમાં આખી જિંદગીની કમાણી ગુમાવી બેસે છે. આજકાલ ‘ડિજિટલ અરેસ્ટ’ અને તેના જેવા અનેક ‘સાયબર ફ્રોડ’ સોશિયલ મીડિયાના માધ્યમથી થતા હોવાની ફરિયાદો વધી જતાં સરકારે પણ તેના પર લગામ તાણવા માટે નક્કર તૈયારીઓ કરી છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ લોકોની સુવિધા માટે ‘સંચાર સાથી’ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા ઓનલાઈન છેતરપિંડીથી લઈને ફોન ખોવાઈ જવા સુધીની ફરિયાદો મોબાઈલ પર જ નોંધાવી શકાય છે. આ એપ લોન્ચ થવાથી રિપોર્ટિંગની પ્રક્રિયા સરળ બની ગઈ છે.

તમને જણાવી દઈએ કે અગાઉ ફોન ચોરી અને નકલી કોલની ફરિયાદ કરવા માટે સંચાર સાથીની વેબસાઈટ પર જવું પડતું હતું. જો કે હવે મોબાઈલ ફોન દ્વારા પણ જાણ કરી શકાશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંચાર સાથી એપના લોન્ચ દરમિયાન કહ્યું કે આ એપ દ્વારા દેશના લોકો સુરક્ષિત રહેશે અને ગુપ્તતા જળવાઈ રહેશે.

અન્ય કોઈ પણ એપની જેમ સંચાર સાથી પણ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકાય છે. આ એપ પર જઈને તમે જાણી શકો છો કે તમારા નામે કેટલા કનેક્શન ખોટી રીતે લેવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે તે કનેક્શન્સને બ્લોક પણ કરી શકાય છે. આ સિવાય એપ પર જઈને ફોન ખોવાઈ જવા કે ચોરાઈ જવાનો રિપોર્ટ નોંધાવી શકાય છે. આમાં ઉપકરણને ટ્રેક કરી શકાય છે તેમ જ ફેક મેસેજ અને કોલની ફરિયાદ પણ કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે સંચાર સાથી પોર્ટલ બે વર્ષ પહેલા એટલે કે ૨૦૨૩માં લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે એપ રજૂ કરવામાં આવી છે. વધુને વધુ લોકો તેનો ઉપયોગ કરીને પોતાને સુરક્ષિત રાખી શકશે.