CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 5 of 138 - CIA Live

August 6, 2025
corona-gujarat.jpg
1min115

ગુજરાતના કેટલાક એરપોર્ટ સરકાર માટે ‘સફેદ હાથી સમાન પુરવાર થઇ રહ્યા છે. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા સંચાલિત ગુજરાતના 8 એરપોર્ટની ખોટ છેલ્લા 10 વર્ષમાં 817.51 કરોડ નોંધાઈ છે.

ગુજરાતમાં આવેલા કેટલાક એરપોર્ટને નાણાંકીય વર્ષ 2015-16થી 2024-25 એમ 10 વર્ષ દરમિયાન કુલ કેટલી ખોટનો સામનો કરવો પડ્યો તેનું સરવૈયું રજૂ કરવામાં આવ્યું છે. જે અનુસાર, આ સમયગાળામાં રાજકોટ એરપોર્ટને સૌથી વઘુ રૂપિયા 418.67 કરોડ, ભાવનગર એરપોર્ટને રૂપિયા 122.08 કરોડની ખોટનો સામનો કરવો પડ્યો છે. રાજકોટમાં હિરાસર એરપોર્ટ શરૂ થયા બાદ એર ટ્રાફિક વધતાં હવે ખોટનું પ્રમાણ ઘટે તેવી સંભાવના છે.

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એરપોર્ટની આ યાદીમાં વડોદરા અને સુરતનો સમાવેશ નથી કરાયો. અમદાવાદ એરપોર્ટનું ચાર વર્ષ અગાઉ ખાનગીકરણ થઈ ગયું હતું. આ ઉપરાંત દેશમાં હાલ 22 એરપોર્ટ કાર્યરત નહીં હોવાનું સામે આવ્યું છે અને આ યાદીમાં ગુજરાતમાંથી ડીસા પણ સામેલ છે.

ગુજરાતના એરપોર્ટને છેલ્લા 10 વર્ષમાં થયેલી કુલ ખોટ

એરપોર્ટ ખોટ (કરોડ)
રાજકોટ 418.67
ભાવનગર 122.08
પોરબંદર 78.29
ભુજ 57.46
દીવ 47.99
કંડલા 47.17
કેશોદ 41.49
ડીસા 3.9

August 1, 2025
image-2.png
1min117

આજથી શરૂ થયેલા ઓગસ્ટમાં મહિનમાં કેટલાક મહત્ત્વના નિયમો બદલાવવા જઈ રહ્યા છે, જેની અસર સીધેસીધી તમારા ખિસ્સા પર જોવા મળી શકે છે. દર મહિનાની જેમ જ આજે પહેલી ઓગસ્ટથી ક્રેડિટ કાર્ડના નિયમ, યુપીઆઈ, એલપીજી, પેટ્રોલ-ડિઝલ અને બીજા કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આજે આપણે અહીં આવા જ કેટલાક નિયમો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેની તમારા મંથલી બજેટ પર ચોક્કસ જોવા મળશે. આવો જોઈએ કયા છે આ નિયમો-

SBI Credit Cardના બદલાશે નિયમ

જો તમારી પાસે એસબીઆઈ (SBI)નું ક્રેડિટ કાર્ડ છે તો તમને આ મહિનાથી મોટો આંચકો લાગી શકે છે, કારણ કે 11મી ઓગસ્ટથી એસબીઆઈ અનેક કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ પર મળનારા ફ્રી એર એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ કવર બંધ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી એસબીઆઈ દ્વારા યુકો બેંક, સેન્ટ્રલ બેંક, પીએસબી, કરૂર વૈશ્ય બેંક, અલાહાબાદ બેંક સાથે મળીને કેટલીક એલિટ અને પ્રાઈમ કાર્ડ્સ પર એક કરોડ કે 50 લાખ રૂપિયા સુધીનું કવર આપવામાં આવતું હતું.

યુપીઆઈના નિયમમાં થયો ફેરફાર

યુપીઆઈ પર બેલેન્સ ચેકને લઈને પણ પહેલી ઓગસ્ટથી લિમિટ સેટ કરવામાં આવી છે. યુપીઆઈ એપ્સ પર હવે દિવસમાં 50 વખત જ બેલેન્સ ચેક કરી શકાશે. આ ઉપરાંત આવનારા દિવસોમાં યુપીઆઈ યુઝર્સ જોઈ શકશે કે તેમનું બેંક કયું બેંક એકાઉન્ટ મોબાઈલ નંબર સાથે લિંક છે. યુપીઆઈની ઓટો પે ટ્રાન્ઝેક્શનમાં પણ પહેલી ઓગસ્ટથી મહત્ત્વનો ફેરફાર જોવા મળશે.

August 1, 2025
image.png
1min147

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને(ઈપીએફઓ) ખાતામાંથી ઉપાડ પ્રક્રિયા સરળ બનાવતા મોટી જાહેરાત કરી છે. હવે ઈપીએફ ખાતામાંથી ઉપાડ કરતી વખતે કોઈપણ પ્રકારના ડૉક્યુમેન્ટની જરૂર નહીં પડે. કેન્દ્ર સરકારે સંસદ ગૃહમાં આ અંગે સ્પષ્ટતા કરી હતી કે, આ નિયમ પહેલાથી જ લાગુ છે. હવે કોઈપણ ડૉક્યુમેન્ટ વિના ઈપીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકાશે. જેથી હવે ઈપીએફ ધારકો અભ્યાસ, ઘરની ખરીદી, બીમારી કે અન્ય કોઈ પણ ઈમરજન્સી દરમિયાન પીએફ એકાઉન્ટમાંથી સરળતાથી ઉપાડ કરી શકશે.

માત્ર આ માહિતી આપી કરી શકાશે ઉપાડ

શ્રમ અને રોજગાર મંત્રાલયે સંસદમાં જણાવ્યું હતું કે, ઈપીએફઓના સભ્યો હવે માત્ર સેલ્ફ ડિક્લેરેશન મારફત ઉપાડ કરી શકશે. તેમાં માત્ર ઉપાડ પાછળનું કારણ જણાવવું પડશે. તેના માટે કોઈ ડૉક્યુમેન્ટ જમા કરાવવાની જરૂર પડશે નહીં. ઉલ્લેખનીય છે કે, લોકસભામાં સાંસદ વિજય કુમાર, વિજય વસંથ, માણિકમ ટાગોર બી અને સુરેશ કુમાર શેટકરે સવાલ ઉઠાવ્યો હતો કે, ઈપીએફઓએ આંશિક ઉપાડ માટે માત્ર ખાતેદારની જાહેરાત પર વિશ્વાસ કરવાનું ક્યારથી શરુ કર્યું. જેનો જવાબ આપતાં સરકારે કહ્યું કે, આ પ્રક્રિયા સરળ, પારદર્શી અને વિશ્વસનીયતા સાથે શરુ કરવામાં આવી છે. જેથી લોકો કારણ વિના ભાગદોડ કરવાના બદલે સરળતાથી ઉપાડ કરી શકે.

મીડિયા રિપોર્ટ અનુસાર, લોકસભામાં રજૂ કરવામાં આવેલો ઈપીએફઓમાં બદલાવ નવો નથી. 2017માં ઈપીએફઓએ કમ્પોઝિટ ક્લેમ ફોર્મ શરુ કર્યું હતું. જેના મારફત ઉપાડની પ્રક્રિયા સરળ બની હતી. ફોર્મે આંશિક અને અંતિમ ઉપાડ માટે ડૉક્યુમેન્ટની જરૂરિયાત દૂર કરી છે. હવે ખાતેદાર માત્ર સેલ્ફ ડિક્લેરેશનના આધાર પર ઉપાડ કરી શકે છે. વધુમાં બૅન્ક પાસબુક અને ચેક અપલોડ કરવાની ઝંઝટ પણ 3 એપ્રિલ, 2025ના રોજ દૂર કરવામાં આવી હતી. કેવાયસી અને બૅન્ક એકાઉન્ટ વેરિફિકેશનમાં નડતી મુશ્કેલીઓ પણ ઘટી છે. ઈમરજન્સીમાં ફંડ ઉપાડવું સરળ બન્યું છે. આ નવી પ્રક્રિયાનો અત્યારસુધીમાં 1.9 કરોડથી વધુ ઈપીએફ ખાતેદારોએ લાભ લીધો છે. આ આંકડો 22 જુલાઈ, 2025 સુધીનો છે. 

July 17, 2025
Gujarat-map.jpg
1min186

ગુજરાતમાં નવરચિત 9 મહાનગરપાલિકાઓ માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા સીમાંકનના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. મનપાના આસપાસના વિસ્તારને ભેળવી સીમાંકન જાહેર કરાયું હતું. રાજ્યના નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, વાપી, મહેસાણા, આણંદ, ગાંધીધામ, મોરબી અને નડિયાદ સહિતના નવ શહેરોને હવે નગરપાલિકા તરીકે નહીં પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નવી ઓળખ આપવામાં આવી છે.

50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે

આ તમામ મહાપાલિકાઓમાં દરેક માટે 13 વોર્ડ અને 52 કોર્પોરેટરની બેઠકો નક્કી કરવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગના જણાવ્યા અનુસાર, નવી રચાયેલી મનપાઓમાં 50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે અને 27 ટકા બેઠકો અન્ય પછાત જાતિ (ઓબીસી) ઉમેદવારો માટે અનામત રાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી મહાનગરપાલિકા બનતા આ શહેરોની આજુબાજુના ગામડાઓ અને વધતા વિસ્તારને હવે શહેર હદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. પરિણામે, વિકાસ યોજનાઓ વધુ ગતિથી અમલમાં આવી શકશે અને શહેરી વસાહતો માટે વધુ સારી જનસેવાઓ ઉપલબ્ધ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ નવી મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે આગામી એક વર્ષની અંદર ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. નવી રચાયેલી 9 મનપા સહિત કુલ 15 મનપાની ચૂંટણી યોજાશે. ચૂંટણી અગાઉ સીમાંકનના આદેશો જારી થતા રાજકીય રીતે પણ ગરમાવો જોવા મળી શકે છે. આગામી સમયમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરાશે. આગામી દિવસોમાં વોર્ડની હદ અને ક્યા વોર્ડમાં કેટલી બેઠક અનામત રહેશે તેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્વ કરી દેવામાં આવશે.

July 7, 2025
image-2.png
1min188

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ તારીખ 6 જુલાઇ રવિવારના રોજ સાંજે પાંચ કલાકે ૧૦૦ ટકા ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ ૧૦૦ ટકા ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. છેલ્લા થોડા દિવસથી ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં વરસાદ પડી રહ્યો હોય, શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતા તારીખ ૬ જુલાઇના સાંજે પાંચ કલાકે શેત્રુંજી ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હતો.

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ફરી એકવાર ૧૦૦ ટકા ભરાઈને છલકાઈ ગયો હતો. આ ચોમાસાની સિઝનમાં ડેમ બીજી વખત ઓવરફ્લો થયો હતો, જે સારા વરસાદનો સંકેત છે. ડેમ ભરાઈ જતાં, પાણીના નિયમન માટે તેના ૫૯ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. શેત્રુંજી ડેમમાં હાલ પણ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે 1800 ક્યુસેક પાણીની સતત આવક ચાલુ છે.

ડેમના દરવાજા ખોલવામાં આવતા, નીચાણવાળા વિસ્તારોમાં આવેલા પાલિતાણા અને તળાજા તાલુકાના ૧૭ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા. નદી કિનારે રહેતા લોકોને અને માછીમારોને સાવચેત રહેવા તથા નદીમાં ન જવા સૂચના આપવામાં આવી હતી. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

July 7, 2025
image-1.png
1min144
  • બર્મિંગહામના એજબેસ્ટન મેદાનમાં ભારતની 58 વર્ષના ટેસ્ટ વિજયની આતુરતાનો અંત
  • બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ 608ના ટાર્ગેટ સામે ૨૭૧માં સમેટાતા ૩૩૬ રનથી હાર્યું ભારતે જીત સાથે શ્રેણીમાં 1-1થી બરોબરી મેળવી : પ્લેયર ઓફ ધ મેચ કેપ્ટન ગીલ
  • બીજી ઈનિંગમાં આકાશ દીપની છ સાથે ટેસ્ટમાં કુલ 10 વિકેટ

રોહિત-કોહલીની નિવૃત્તિ અને બુમરાહ જેવા સ્ટાર બોલરની ગેરહાજરી છતાં પ્લેયર ઓફ ધ મેચ યુવા કેપ્ટન ગીલના ૨૬૯ અને ૧૬૧ રન તેમજ બીજી ઈનિંગમાં આકાશદીપની છ વિકેટની મદદથી ભારતે બર્મિંગહામમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૩૩૬ રનથી કારમો પરાજય આપ્યો હતો. આ સાથે બર્મિંગહામના એજબેસ્ટનમાં ભારતના ટેસ્ટ વિજયના ૫૮ વર્ષના ઈંતજારનો આખરે અંત આવ્યો હતો અને ટીમ ઈન્ડિયાએ અહીં નવમી ટેસ્ટમાં આખરે જીતનું ખાતું ખોલાવ્યું હતુ.

ભારત બર્મિંગહામમાં ટેસ્ટ જીતનારી એશિયાની પહેલી ટીમ બની હતી. ભારતે જીતવા માટે આપેેલા ૬૦૮ રનના વિશાળ પડકારનો પીછો કરતાં ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં ૨૭૧ રન સમેટાઈ ગઈ હતી. આકાશ દીપે પ્રથમ ઈનિંગમાં ચાર અને બીજી ઈનિંગમાં છ એમ ટેસ્ટમાં કુલ ૧૦ વિકેટની સિદ્ધિ પણ મેળવી હતી.

કોઈ પણ ખાસ અપેક્ષાઓના ભાર વિના ઈંગ્લેન્ડ પ્રવાસે આવેલી ભારતની યુવા ટીમે સ્ટોક્સની ‘બાઝબોલ’ના વ્યુહને આંચકો આપતાં પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૧-૧થી બરોબરી મેળવી લીધી છે. હવે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ તારીખ ૧૦મી જુલાઈ ને ગુરુવારથી લોર્ડ્ઝના મેદાન પર શરૂ થશે, જેમાં બુમરાહનું પુનરાગમન થવાનું છે.

પ્રથમ ઈનિંગમાં ૧૮૦ રનની લીડ બાદ ભારતે બીજી ઈનિંગ છ વિકેટે ૪૨૭ રને ડિકલેર કરી હતી. આ સાથે ઈંગ્લેન્ડને જીતવા માટે ૬૦૮ રનનો પડકાર મળ્યો હતો. જેની સામે ઈંગ્લેન્ડે ચોથા દિવસે જ ત્રણ વિકેટે ૭૨ રન કર્યા હતા. આજે પાંચમા અને આખરી દિવસે ભારતીય બોલરોએ વિકેટ ઝડપવાનો સિલસિલો જારી રાખ્યો હતો. વિકેટકિપર બેટસમેન જેમી સ્મિથે ૮૮ રન સાથે લડત આપી હતી. બુમરાહના સ્થાને ટીમમાં સમાવાયેલા આકાશ દીપે શાનદાર દેખાવ કરતાં છ વિકેટ ઝડપી હતી. સુંદરે ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સની નિર્ણાયક વિકેટ મેળવી હતી. સીરાજની સાથે જાડેજા-પ્રસિધ ક્રિશ્નાએ પણ એક-એક વિકેટ મેળવી હતી.

June 30, 2025
Railways.png
1min169

ભારતીય રેલવેએ સૌથી મોટી જાહેરાત કરી છે. રેલવે બોર્ડે ટ્રેનના રિઝર્વેશન ચાર્ટને આઠ કલાક પહેલા તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંગે હવે રેલવેએ નિવેદન આપ્યું છે. રેલવેએ કહ્યું છે કે રેલવે બોર્ડ ટ્રેન રવાના થયાના આઠ કલાક પૂર્વે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એટલે બપોરના બે વાગ્યાના સુમારે પ્રસ્થાન કરનારી ટ્રેન માટે ચાર્ટ અગાઉના દિવસે રાતના નવ વાગ્યાથી તૈયાર કરવામાં આવશે.

નવા નિયમોની વિગતો જાણો

રેલવે બોર્ડે વિસ્તૃતમાં જણાવ્યું છે કે ટ્રેનના પ્રસ્થાનના આઠ કલાક પહેલાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર થશે. બપોરના 2 વાગ્યા પહેલાં રવાના થતી ટ્રેનનો ચાર્ટ આગલા દિવસે રાતના 9 વાગ્યે તૈયાર કરાશે. આ ઉપરાંત, પહેલી જુલાઈથી IRCTC વેબસાઇટ અને મોબાઇલ એપ પર માત્ર પ્રમાણિત યુઝર્સ જ તત્કાલ ટિકિટ બુક કરી શકશે. જુલાઈ 2025ના અંતથી તત્કાલ બુકિંગ માટે OTP આધારિત પ્રમાણીકરણ ફરજિયાત થશે, જેમાં ડિજિલૉકરમાં રજિસ્ટર્ડ આધાર (નંબર) અથવા અન્ય સરકારી IDનો ઉપયોગ થશે.

June 24, 2025
image-16.png
1min147

ભારતના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત અને ઓપનર કે.એલ. રાહુલે બીજી ઈનિંગમાં સદી ફટકારતાં ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ હેડિંગ્લે ટેસ્ટમાં ભારત તરફથી કુલ પાંચ સદી નોંધાઈ હતી. ભારતના ૯૩ વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે, જ્યારે એક જ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા તરફથી પાંચ સદી નોંધાઈ હોય તેવી ઘટના બની હતી. રસપ્રદ બાબત એ છે કે, રોહિત-કોહલી જેવા ધુરંધરોની નિવૃત્તિ બાદની પ્રથમ ટેસ્ટમાં જ યુવા બેટ્સમેનોએ કૌવત બતાવતા ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું હતુ. 

હેડિંગ્લે ટેસ્ટમાં ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગમાં કે.એલ. રાહુલે ૧૩૭ રન અને રિષભ પંતે ૧૧૮ રન નોંધાવ્યા હતા. અગાઉ ભારતની પ્રથમ ઈનિંગમાં ઓપનર જયસ્વાલે ૧૦૧, કેપ્ટન શુબ્મન ગીલે ૧૪૭ અને રિષભ પંતે ૧૩૪ રન નોંધાવ્યા હતા. ભારતે આ સાથે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ હેડિંગ્લે ટેસ્ટમાં ૩૫૦થી વધુની કુલ સરસાઈ મેળવી લેતા મેચ પર પકડ જમાવી હતી. પંતે બંને ઈનિંગમાં સદી ફટકારનારા ભારતના સૌપ્રથમ વિકેટકિપર બેટ્સમેન તરીકેનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. જ્યારે કે.એલ. રાહુલ ઈંગ્લેન્ડની ભૂમિ પર સૌથી વધુ સદી ફટકારનારો ભારતીય ઓપનર બન્યો હતો. 

ભારતે આ સાથે હરિફ ટીમના મેદાન પરની ટેસ્ટમાં પાંચ સદી નોંધાવનારા ઓસ્ટ્રેલિયા પછીના બીજા દેશ તરીકેનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. અગાઉ આવી સિદ્ધિ ૧૯૫૫માં વિન્ડિઝના જમૈકામાં રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ મેળવી હતી. જ્યારે એક જ ટેસ્ટમાં એક જ ટીમ તરફથી પાંચ સદી નોંધાઈ હોય તેવી ઘટના ૧૧ વર્ષ પછી બની હતી. છેલ્લે ૨૦૧૪માં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે અબુ ધાબીમાં આવો રેકોર્ડ સર્જ્યો હતો. આ સિવાય  વર્ષ ૨૦૦૧માં પાકિસ્તાને બાંગ્લાદેશ સામે મુલતાન ટેસ્ટમાં, ૨૦૦૭માં ઈંગ્લેન્ડે વિન્ડિઝ સામે લોર્ડ્ઝમાં અને ૨૦૧૩માં શ્રીલંકાએ બાંગ્લાદેશ સામેની ગોલ ટેસ્ટમાં આવો રેકોર્ડ સર્જ્યો હતો.

June 6, 2025
image-1.png
1min126

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (6 જૂન) જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે, જ્યાં તેમણે ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. ચિનાબ બ્રિજ દુનિયાનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ છે, જે કાશ્મીર ઘાટીને આખા ભારત સાથે દરેક ઋતુમાં રેલ સંપર્ક પ્રદાન કરશે અને કટરા-શ્રીનગર યાત્રાનો સમય ઘટાડશે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાનની આ પહેલી કાશ્મીર મુલાકાત છે. અહીં તેઓ 46 હજાર કરોડની યોજનાઓની ભેટ આપશે.

આ પહેલથી કનેક્ટિવિટીમાં સુધારો થશે. બ્રિજના ઉદ્ઘાટન સાથે એવું પણ કહેવામાં આવે છે કે, આનાથી ‘દિલની દૂરી અને દિલ્હીનું અંતર ઘટશે.’ વડાપ્રધાનના આ કાશ્મીર પ્રવાસ બાદ પર્યટન અને આર્થિક વિકાસને પણ વેગ મળશે.

વડાપ્રધાને ચિનાબ બ્રિજ અને અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું છે, જે ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલ લિંક યોજનાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ યોજના હેઠળ બનાવવામાં આવેલો આ પુલ કાશ્મીર ઘાટીના ભાગને ભારત સાથે જોડશે. જેનાથી મુસાફરીનો સમય ઘટીને 3 કલાક થઈ જશે અને વેપાર તેમજ પ્રવાસ ઉદ્યોગને પણ વેગ મળશે.

June 5, 2025
image.png
1min159
  • 1 ઓક્ટોબર, 2026થી પહાડી રાજ્યો, 1 માર્ચ 2037થી દેશભરમાં વસતી ગણતરી
  • ડિજિટલ વસતી ગણતરી : તમામ ડેટા સીધો મોબાઇલ એપ્લિકેશનમાં સ્ટોર થશે, વેબસાઇટ પણ જાહેર કરાશે
  • બે તબક્કામાં યોજાનારી વસતી ગણતરીની પ્રક્રિયામાં ત્રણ વર્ષનો સમય લાગશે, પ્રથમ વખત લોકોને તેમની જ્ઞાતિ પૂછવામાં આવશે
  • છેલ્લે 2011માં વસતી ગણતરી થઇ હતી, દર 10 વર્ષે ગણતરીની પરંપરા વર્ષ 2021માં કોરોના મહામારીથી તૂટી હતી

વર્ષ ૨૦૧૧ બાદ પ્રથમ વખત સમગ્ર દેશમાં વસતી ગણતરી થવા જઇ રહી છે. દેશભરમાં ૧ માર્ચ ૨૦૨૭થી વસતી ગણતરી થશે. પ્રથમ વખત જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરવામાં આવશે. કેટલાક પહાડી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જેમ કે લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વસતી ગણતરીની શરૂઆત ૧ ઓક્ટોબર ૨૦૨૬થી એટલે કે આગામી વર્ષથી જ કરી દેવામાં આવશે. જ્યારે દેશભરમાં વસતી ગણતરી માર્ચ ૨૦૨૭થી શરૂ થશે.

કેન્દ્ર સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વખતની વસતી ગણતરી બે તબક્કામાં કરવામાં આવશે. ૧ ઓક્ટોબર ૨૦૨૬થી શરૂ થનારી આ પ્રક્રિયા ત્રણ વર્ષ સુધી ચાલશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરવાની જાહેરાત કરી હતી. જોકે કોઇ તારીખ જાહેર નહોતી કરી, વિપક્ષ દ્વારા પણ વહેલા વસતી ગણતરીની માગણી ઉઠી રહી હતી. એવામાં હવે સરકારે વસતી ગણતરીની તારીખો જાહેર કરી દીધી છે. જોકે પ્રથમ વખત સમગ્ર દેશમાં જ્ઞાતિ (જાતિ) આધારિત વસતી ગણતરી થવા જઇ રહી છે. કેટલાક રાજ્યો જેમ કે બિહાર, તેલંગાણા, આંધ્ર પ્રદેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં જાતિ આધારિત સરવે હાથ ધરાઇ ચુક્યો છે. જ્યારે કર્ણાટકે આ જ પ્રકારનો સરવે વર્ષ ૨૦૧૫માં કર્યો હતો જેના આંકડા હવે જાહેર કરશે.

દર દસ વર્ષે દેશની વસતી ગણતરી થતી આવી છે. છેલ્લે વર્ષ ૨૦૧૧માં વસતી ગણતરી થઇ હતી, જે બાદ વર્ષ ૨૦૨૧માં આ ગણતરી થવાની હતી. પરંતુ કોરોના મહામારીને કારણે દેશવ્યાપી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવી મુશ્કેલ હોવાથી તારીખ લંબાવાઇ હતી. તાજેતરમાં સ્માર્ટફોન અને એઆઇ જેવી ટેક્નોલોજી ભારે ચલણમાં છે. એવામાં આ વખતે વસતી ગણતરીની પ્રક્રિયા પણ સંપૂર્ણપણે ડિજિટલ હશે. અગાઉ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે વસતી ગણતરીના ડેટા એકઠા કરવા માટે તેના પર ધ્યાન રાખવા માટે એક મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરાઇ છે. સાથે જ એક વસતી આધારિત વેબસાઇટ પણ જાહેર કરવામાં આવશે. વસતી ગણતરી દેશના નાગરિકોની આર્થિક, સામાજિક અને ભૌગોલિક સહિતની તમામ સ્થિતિની જાણકારી મેળવવાની દેશની સૌથી મોટી પ્રક્રિયા માનવામાં આવે છે. હવે તેમાં જ્ઞાતિનો પણ સમાવેશ કરવામાં આવશે. વસતી ગણતરીથી જે પણ ડેટા મળે છે તેના આધારે સરકાર સમાજના વંચિત અને ગરીબ વર્ગ માટે મહત્વની યોજનાઓ ઘડતી હોય છે.

કેન્દ્ર સરકારે બુધવારે જાહેર કરી હતી કે આ વખતની વસતી ગણતરીની પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો ૧ ઓક્ટોબર ૨૦૨૬થી શરૂ થશે જેમાં પહાડી અને હિમ પ્રભાવિત રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશો જેમ કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખ વગેરેનો સમાવેશ કરાશે. જ્યારે બીજા તબક્કામાં બાકી રહેલા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વસતી ગણતરી થશે જેની શરૂઆત ૧ માર્ચ ૨૦૨૭થી થશે. જેને પગલે આ સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ થવામાં આશરે ત્રણ વર્ષ જેટલો સમય લાગી શકે છે. વસતી ગણતરી માટેનું નોટિફિકેશન સત્તાવાર ગેઝેટમાં ૧૬ જૂન, ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવશે. દેશમાં વસતી ગણતરી વસતી કાયદો ૧૯૪૮ અને વસતી નિયમો ૧૯૯૦ હેઠળ હાથ ધરાય છે. અગાઉ વર્ષ ૨૦૧૧માં પણ બે તબક્કામાં વસતી ગણતરી કરવામાં આવી હતી.