રાજ્યભરમાં કમોસમી માવઠાએ જોર પકડ્યું છે, મોટાભાગના જિલ્લાઓ વરસાદ સાથે અસહ્ય ઠંડીનો પણ સામનો કરી રહ્યા છે, તો ઘણા જિલ્લાઓમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે, ત્યારે રાજ્યમાં સવારે 6.00 વાગ્યાથી સાંજે 4.00 વાગ્યા સુધીમાં કુલ 220 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના ભાભર તાલુકામાં 2 ઈંચ વરસાદ, તો રાજ્યના 8 જિલ્લાઓમાં દોઢ ઈંચ, 17 તાલુકાઓમાં 1 ઈંચ, જ્યારે 65 તાલુકાઓમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત ફર્સ્ટ સ્ટાર્ટ ઓફ કોન્કલેવનો આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આરંભ કરાવ્યો હતો. 50થી વધુ સ્ટાર્ટ પર લોકોની સમસ્યાઓનું સમાધાન સ્ટાર્ટ અપના સ્વરૂપમાં લઇને આવ્યા છે. ચેમ્બરના સ્ટાર્ટ અપ કોન્કલેવમાં સ્ટાર્ટ અપના બિઝનેસ આઇડીયામાં જોરદાર રિટર્ન મળવાની અપેક્ષાએ રોકાણકારો આકર્ષાયા છે અને આગામી દિવસોમાં જો ડિલ ફાઇનલ થશે તો રૂ.25 લાખથી લઇને રૂ.1.5 કરોડ સુધીનું મૂડીરોકાણ યંગ બિઝનેસમેનને પોતાના સ્ટાર્ટઅપને ગતિશીલ બનાવવા માટે મળશે.
ચેમ્બરનો સ્ટાર્ટ અપ કોન્કલેવ હજુ બે દિવસ એટલેકે આજે શનિવાર તા.28મી ઓક્ટોબર અને આવતીકાલ રવિવાર તા.29મી ઓક્ટોબર એમ બે દિવસ ચાલવાનો છે. સામાન્ય મુલાકાતીઓ માટે પણ કોઇ એન્ટ્રી ફ્રી નથી. ઇન્વેસ્ટર્સ તો ઇન્વેસ્ટમેન્ટ માટે પહોંચી રહ્યા છે પરંતુ, યંગસ્ટર્સના આઇડીયા જોવા, જાણવા, માણવા પહોંચી જાવ, સરસાણા પ્લેટીનમ હોલમાં.
ગુજરાતના ટેકનિકલ એજ્યુકેશનના કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટ–અપ રિવોલ્યુશનનું ભારત હવે વીટનેસ બની રહયું છે. સ્ટાર્ટ–અપ માટે ઇનોવેશન કી વર્ડ છે અને સ્ટાર્ટ–અપ રિવોલ્યુશન ટેકનોલોજી તથા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વગર સંભવ નથી. નવી ટેકનોલોજી રિવોલ્યુશનનનું ઇનોવેશન એટલે સ્ટાર્ટ–અપ છે. સ્ટાર્ટ–અપ એ નવું સોલ્યુશન લાવી શકે છે. ભારતની સમસ્યાનું નિવારણ એટલે સ્ટાર્ટ–અપ છે. ભારતના યુવાઓ એ સોલ્યુશન માટે કામ કરે છે. એના માટે તેઓને પ્લેટફોર્મ પૂરું પાડવું પડશે અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પ્રોત્સાહન આપવું પડશે. ઇનોવેટીવ પ્રોડકટ માટે ટેસ્ટીંગ ફેસિલિટી હોવી જોઇએ.સ્ટાર્ટ અપ કોન્કલેવના ઉદઘાટન સમારોહમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ વિજય મેવાવાલાએ કહ્યું કે, સુરતમાં સ્ટાર્ટ–અપ ઇકો સિસ્ટમને બુસ્ટ કરવા માટે તેમજ સુરતના ઉદ્યોગકારોમાં અવેરનેસ લાવવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત મેન્યુફેકચરીંગ હબ છે ત્યારે સુરત સ્ટાર્ટ–અપ માટે ફાયનાન્સ કેપિટલ હબ બને તે માટે આ સમિટ થકી પ્રયાસ કરાયો છે. આ સમિટમાં પ૦ જેટલા સ્ટાર્ટ–અપે ભાગ લીધો છે, જેમાંથી ૭૦ ટકા જેટલા સ્ટાર્ટ–અપ સુરતના છે. અમદાવાદ અને વડોદરાના સ્ટાર્ટ–અપે પણ ભાગ લીધો છે. આ સમિટમાં આ તમામ સ્ટાર્ટ–અપે પોતાના આઇડિયાને એકઝીબીટ કર્યા છે.ગુજરાત નોલેજ સોસાયટીના એડિશનલ સીઇઓ પ્રોફેસર તુષાર રાવલે ગુજરાત સરકાર દ્વારા તા. ૬ અને ૭ ડિસેમ્બરના રોજ આયોજિત થનારી પ્રિ–વાઈબ્રન્ટ સમિટનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં તેમણે સ્ટાર્ટ–અપ રાઇઝ પિચીંગ, હેકેથોન અને સરકાર સાથે સ્ટાર્ટ–અપ અંગે ઉદ્ભવતા પ્રશ્નોત્તરી સેશન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.ગુજરાત વેન્ચર ફાયનાન્સ લિમિટેડના સીઇઓ કમલ બંસલે સ્ટાર્ટ–અપ સમિટમાં ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યારે સ્ટાર્ટ–અપમાં આગામી ત્રણથી ચાર વર્ષમાં ગુજરાતમાં મોટા પ્રમાણમાં સ્ટાર્ટઅપ યુનિકોર્ન બનશે. ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્ટાર્ટ–અપમાં રિસ્ક છે પણ સમય, રિસર્ચ, ટેકનોલોજી અને શ્રમની સાથે સ્ટાર્ટ–અપને સફળ બનાવી શકાય છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતમાં રૂ.2 હજારના દરની નોટને ચલણમાંથી પરત ખેંચી લેવાના આશય સાથે આ નોટના વ્યવહારુ ઉપયોગ માટે આપેલી કટઓફ ડેટ આવતીકાલ તા.30મી સપ્ટેમ્બર છે. છેલ્લા છ મહિનામાં દક્ષિણ ગુજરાતમાંથી અંદાજે રૂ.3500 કરોડની જંગી રકમની રૂ.2 હજારના દરની ચલણી નોટો બેંકોમાં જમા થઇ ચૂકી છે. આગામી એકાદ બે દિવસમાં રિઝર્વ બેંક દ્વારા રૂ.2 હજારના દરની નોટ અંગે નવી ગાઇડલાઇન જારી થાય તેવી શક્યતાઓ બેંકર્સ જૂથમાંથી સંભળાય રહી છે. તા.8મી નવેમ્બર 2016ના રોજથી ભારતમાં રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો નાબૂદ થઇ હતી અને રૂ.500ની નવી અને રૂ.2000ની ચલણી નોટ પ્રથમ વખત ચલણમાં મૂકવામાં આવી હતી. 71 મહિના બાદ આવતીકાલ તા.20મી નવેમ્બર 2023ના રોજ રિઝર્વ બેંકે આપેલી સૂચના અનુસાર રૂ.2000ના ચલણી નોટનો વ્યવહારુ ભારત સહિત વિદેશોમાં પણ ઉપયોગ બંધ થઇ જશે. દક્ષિણ ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી સરકારી બેંકો, સહકારી બેંકો અને પ્રાઇવેટ બેંકો મળીને અત્યાર સુધીમાં અંદાજે રૂ.3500 કરોડની જંગી રકમની રૂ.2 હજારના દરની ચલણી નોટો જમા થઇ ચૂકી છે અને આ પૈકીની મોટા ભાગની નોટો રિઝર્વ બેંકને સુપરત પણ કરી દેવામાં આવી છે. છેલ્લા એકાદ મહિનાથી તો બેંકોમાં અઠવાડીયે માંડ એકાદ બે ખાતેદારો દ્વારા પાંચ-પંદર નોટો જમા કરાવવામાં આવી રહી છે. સામાન્ય રહેવાસીઓ પાસે હવે રૂ.2000ની દરની નોટો વધુ સંખ્યામાં હોવાની કોઇ શક્યતા નથી રહી એમ બેંકીંગ વર્તુળોમાંથી જાણવા મળે છે. બેંકર્સ સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી એકાદ બે દિવસમાં રિઝર્વ બેંક દ્વારા રૂ.2 હજારના દરની નોટ અંગે વધુ એક ગાઇડલાઇન જાહેર થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે. એવું બની શકે કે ફક્તને ફ્કત બેંકમાં જ રૂ.2 હજારના દરની ચલણી નોટ જમા કરાવી શકાય તેવી અવધિ આપવામાં આવે પરંતુ, હજુ સુધી રિઝર્વ બેંકે આ અંગે કોઇ જ ગાઇડલાઇન બહાર પાડી નથી. ફક્ત શક્યતાઓ જોવાય રહી છે.
– કાઉન્ટડાઉન શરૂ, ઈસરોના આ મહત્ત્વકાંક્ષી મૂન મિશન પ્રોજેક્ટ ચંદ્રયાન 3ને શ્રી હરિકોટા સ્થિત અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરાશે
– ભારતના આ ત્રીજા મૂન મિશનમાં વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર લેન્ડરનું ‘સોફ્ટ લેન્ડિંગ’ કરવાનું લક્ષ્ય રાખ્યું છે
દેશના ત્રીજા મૂન મિશન ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચંદ્રયાન 3 શુક્રવાર (14 જુલાઈ) ના રોજ શ્રીહરિકોટા સ્થિત કેન્દ્રથી લોન્ચ કરવામાં આવશે. આ મૂન મિશન વર્ષ 2019ના ચંદ્રયાન 2નું ફોલો-અપ મિશન છે. ભારતના આ ત્રીજા મૂન મિશનમાં વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર લેન્ડરનું ‘સોફ્ટ લેન્ડિંગ’ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ‘ચંદ્રયાન-2’ મિશન દરમિયાન અંતિમ ક્ષણોમાં લેન્ડર ‘વિક્રમ’ પાથના વિચલનને કારણે ‘સોફ્ટ લેન્ડિંગ’ કરી શક્યું ન હતું. જો દક્ષિણ ધ્રૂવ પર ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લેન્ડ કરશે તો ભારત આ સિદ્ધી મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે.
ચંદ્રયાન 3 શુક્રવારે બપોરે 2.35 કલાકે લોન્ચ થવાનું છે. ઈસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું કે, લોન્ચ થયા બાદ ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાં જશે અને પછી ધીમે ધીમે ચંદ્ર તરફ આગળ વધશે. અમે આશા રાખીએ છીએ કે બધું સારું થઈ જશે અને 23 ઓગસ્ટે અથવા તેના પછી કોઈપણ દિવસે ઉતરશે.
ચંદ્ર પર લેન્ડિંગમાં ફેરફાર થઈ શકે છે
ચંદ્રયાન-3નું ચંદ્ર પર ઉતરાણ 23-24 ઓગસ્ટના રોજ રાખવામાં આવ્યું છે, પરંતુ ત્યાં સૂર્યોદયની સ્થિતિને જોતા તેમાં ફેરફાર થઈ શકે છે. જો સૂર્યોદયમાં વિલંબ થાય છે, તો ISRO ઉતરાણનો સમય વધારી શકે છે અને સપ્ટેમ્બરમાં કરી શકે છે.
ઓર્બિટર ચંદ્રયાન-3 સાથે નહીં જાય
ચંદ્રયાન-2ની જેમ ચંદ્રયાન-3માં પણ લેન્ડર અને રોવર મોકલવામાં આવશે પરંતુ તેમાં ઓર્બિટર નહીં હોય. કારણ કે અગાઉના ચંદ્ર મિશનનું ઓર્બિટર હજુ પણ અવકાશમાં કામ કરી રહ્યું છે.
ISROનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ
ISROનો મહત્વકાંક્ષી ચંદ્રયાન પ્રોજેક્ટ શુક્રવારે LVM3M4 રોકેટ સાથે અવકાશમાં જશે. આ રોકેટને પહેલા GSLVMK3 કહેવામાં આવતું હતું. અવકાશ વિજ્ઞાનીઓ ભારે સાધનો વહન કરવાની ક્ષમતાને કારણે તેને ‘ફેટ બોય’ પણ કહે છે. ઓગસ્ટના અંતમાં ‘ચંદ્રયાન-3’નું ‘સોફ્ટ લેન્ડિંગ’ કરવાની યોજના બનાવાઈ છે.
જો મિશન સફળ થશે તો ભારત ભરશે હરણફાળ
જો આ મિશન સફળ થશે તો ભારત અમેરિકા, ચીન અને ભૂતપૂર્વ સોવિયત સંઘ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે જેમણે આવી સિદ્ધિ હાંસલ કરી છે. ISRO એ ગુરુવારે (13 જુલાઈ) એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘LVM3M4-ચંદ્રયાન-3 મિશન: આવતીકાલે (શુક્રવાર-14 જુલાઈ) 14.35 કલાકે (2:35 PM) પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
ગુજરાતભરના મિડીયામાં પાંચ મહાનગરપાલિકાઓ અંગેના સમાચાર વાઇરલ થયા હતા જેના સંદર્ભમાં રાજ્યના શહેરી વિકાસના અગ્રસચિવ અશ્વિનીકુમારે માહિતી ખાતા મારફતે સ્પષ્ટતા આપી હતી કે રાજ્ય મંત્રી મંડળની મળેલી બેઠકમાં આવો કોઇ નિર્ણય લેવાયો નથી કે કેબિનેટના એજન્ડામાં આ બાબત ચર્ચામાં લેવામાં આવી નથી.
પૂર્વોત્તરના બે રાજ્યો મેઘાલય અને નાગાાલેન્ડમાં આજે 27/2/2023 વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. આશરે મહિનાભરથી વધુ સમયથી ચાલી રહેલા ચૂંટણી પ્રચારનો શનિવારે જ અંત આવ્યો હતો. બંને રાજ્યોમાં વિધાનસભાની 60-60 બેઠકો છે પણ આ વખતે મેઘાલય અને નાગાલેન્ડમાં 59-59 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. બંને રાજ્યોમાં 40 મહિલા ઉમેદવારો સહિત કુલ 559 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
બંને રાજ્યોમાં ચૂંટણી અધિકારીઓએ કહ્યું કે શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષના માટે કેન્દ્રીય સુરક્ષા દળ, નાગાલેન્ડ પોલીસ સહિત જુદા જુદા દળોને તહેનાત કરાયા છે. મેઘાલયમાં ભાજપ એનપીપી સાથે ગઠબંધનમાં હતો. જોકે નાગાલેન્ડમાં એનડીપી સાથે ગઠબંધનમાં સત્તામાં હતો. આ વખતે મેઘાલયમાં કુલ 375 ઉમેદવાર ચૂંટણી મેદાન છે પણ તેમાં 36 મહિલાઓ છે. અહીં વિધાનસભાની કુલ 60 બેઠકો છે પણ એક ઉમેદવારના નિધનને કારણે 59 સીટો પર મતદાન થશે. રાજ્યમાં કુલ 21,61,729 મતદાર છે.
ગયા શનિવાર તા.4 ફેબ્રુઆરીએ સાંજે રાજ્ય સરકારે એકાએક પરિપત્ર જાહેર કરીને તા.5મી ફેબ્રુઆરી 2023થી અમલમાં આવે એ રીતે જંત્રીના ભાવ આખા રાજ્યમાં બમણા કરી દેવાની જાહેરાત કરી હતી. બરાબર એક અઠવાડીયા પછી આજે શનિવાર, તા.11 ફેબ્રુઆરીએ સવારે એવા સમાચાર વાઇરલ થયા છે કે રાજ્ય સરકારે હવે જંત્રી બમણી કરવાના નિર્ણયનો અમલ હાલ તુરત (63 દિવસ માટે) મૌકૂફ રાખવાનો નિર્ણય જાહેર કરતા સાથે જણાવ્યું છે કે તા.15મી એપ્રિલ 2023થી અમલમાં આવે એ રીતે નવી જંત્રીનો અમલ શરૂ કરવામાં આવશે.
જાણકારો કહે છે કે ક્રેડાઇ ગુજરાત તથા બિલ્ડરોની અનેક સંસ્થા, સંગઠનોએ રાજ્ય સરકાર પર દબાણ કરતા સરકારે નવી જંત્રીના અમલમાં 63 દિવસની રાહત આપી છે. બિલ્ડરો માટે આ ઓક્સિજન સમાન છે. હવે આગામી 62 દિવસમાં બિલ્ડરોએ જે ખેલ કરવા હોય તે કરી લેવા પડશે.
આજે તા.11મી ફેબ્રુઆરીએ સવારથી રાજ્ય સરકારનો આ મેસેજ સોશ્યલ મિડીયામાં ખાસ્સો વાઇરલ થયો છે
ફેક રિવ્યુથી ગ્રાહકો છેતરાય નહીં તે માટેના કાયદા આજથી અમલમાં આવી રહ્યા છે. ફેક રિવ્યુ માત્ર ઇ-કોમર્સની સાઇટો માટે હોય છે એવું નથી હોતું. ફિલ્મોના રિવ્યુ આપનારા પણ ખોટા રિવ્ય ુઆપતા હોય છે.
ગ્રાહકો રિવ્યુના કારણે છેતરાય નહીં તે માટે ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર્સ સાથે અન્ય ખાતાઓએ મળીને ઓનલાઇન કન્ઝ્યુમર રિવ્યુ માટેના સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે. આ ધારાધોરણોને દરેક ઇ-કોમર્સ સાઇટે ફરજિયાતપણે અપનાવવા પડશે. નહીં અપનાવનારાઓ સામે દંડની જોગવાઇ છે. ખોટા રિવ્યુની સામે ગ્રાહક ફરિયાદ કરી શકશે. રિવ્યુ લખનારે પોતાનો ફોન નંબર સહિતની માહિતી તેમજ સરનામું આપવું પડશે. ખોટા રિવ્યુ લખનાર કોઇ પોતાનો ફોન કે સરનામું આપવા તૈયાર નહીં થાય.
સરકારે ખોટા રિવ્યુની સિસ્ટમને ડામવા નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ઇ-કોમર્સની સાઇટ પર કામ કરનાર કોઇ વ્યક્તિ રિવ્યુ ના લખી શકે. જેણે પ્રોડક્ટ ખરીદી હોય તે જ રિવ્યુ લખી શકે. રિવ્યુ લખવા માટે ઇ-કોમર્સની સાઇટો કોઇ થર્ડ પાર્ટીનો ઉપયોગ નહીં કરી શકે. એટલે કે તેમના વતી બીજું કોઈ રિવ્યુ લખી નહીં શકે. હાલ ફેક રિવ્યુ્ બંધ કરવાનું સ્વૈચ્છિક છે, પરંતુ સરકાર તેને ફરજીયાત બનાવવાનું વિચારી રહી છે. આટલું વાંચ્યા પછી ગ્રાહકો સમજી ગયા છે કે મોટા ભાગના રિવ્યુ તેમને ફસાવવા માટે ઊભા કરાતા હતા.
ભારત, ચીન અને નેપાળમાં Dt.8/11/22, મંગળવારે મોડી રાતે 1.57 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી. ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા.
ભૂકંપનુ કેન્દ્ર નેપાળ હતુ. સૌથી વધારે તબાહી નેપાળમાં મચી છે. ત્યાં ડોટીમાં એક ઘર ધરાશાયી થતા 6 લોકોના મોત નીપજ્યા છે. ઉત્તરાખંડના પિથૌરાગઢમાં બુધવારે સવારે 6.27 વાગે ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા. જેની તીવ્રતા 4.3 હતી.
Dt.8/11/22 મંગળવારે મોડી રાત્રે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લગભગ ભૂકંપના આંચકા આવ્યા, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા. મધ્યરાત્રિએ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10% અનામતની સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવાની તરફેણ કરી છે. આ દરમિયાન જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે, આર્થિક આરક્ષણ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ નથી. જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ મહેશ્વરીએ EWSને યોગ્ય ગણાવ્યુ છે. આ બંનેએ 2019ના સુધારાની તરફેણ કરી છે. જસ્ટિસ પારડીવાલાએ પણ તેની તરફેણ કરી છે.
EWS ક્વોટાની માન્યતાને પડકારતી 30થી વધુ અરજીઓની સુનાવણી બાદ કોર્ટે 27 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જેમાં 3 જજે આ અનામતની તરફેણ કરી છે જ્યારે બે જસ્ટિસ રવીન્દ્ર ભટ અને ચીફ જસ્ટિસ લલિત અનામતના વિરોધમાં ગયા છે.
જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીએ કહ્યું હતું કે, મારો નિર્ણય જસ્ટિસ મહેશ્વરીના અભિપ્રાય સાથે સહમત છે. તેમણે કહ્યું કે EWS ક્વોટા માન્ય અને બંધારણીય છે. 5 જજોની બંધારણીય બેન્ચમાં જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ અને જસ્ટિસ યુયુ લલિત આ અનામતની વિરોધમાં ગયા હતા. ચીફ જસ્ટિસ લલીતે આ બાબતને ગેરબંધારણીય ઠેરવી છે. ભટે કહ્યું કે, આ કાયદો ભેદભાવથી ભરેલો છે અને બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. તમને જણાવી દઈએ કે, બંધારણના 103મા સુધારા દ્વારા, EWS અનામત અંગેનો કાયદો 2019માં સંસદમાંથી પસાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને અનેક અરજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેના પર લાંબી સુનાવણી બાદ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે.
સર્વોચ્ચ અદાલતે તત્કાલિન એટર્ની જનરલ કેકે વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સહિત વરિષ્ઠ વકીલોની દલીલો સાંભળ્યા બાદ 27 સપ્ટેમ્બરે કાયદાકીય પ્રશ્ન પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો કે, શું EWS અનામત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે. શિક્ષણવિદ મોહન ગોપાલે 13 સપ્ટેમ્બરના રોજ બેંચ સમક્ષ આ મામલે દલીલ કરી હતી અને EWS ક્વોટા સુધારાનો વિરોધ કર્યો હતો.
બેંચમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલા પણ સામેલ હતા. તમિલનાડુ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શેખર નાફડેએ EWS ક્વોટાનો વિરોધ કરતા કહ્યું હતું કે, આર્થિક માપદંડ વર્ગીકરણ માટેનો આધાર ન હોઈ શકે અને સર્વોચ્ચ અદાલતે ઈન્દિરા સાહનીના ચુકાદા પર પુનર્વિચાર કરવો પડશે જો તે આ અનામત જાળવી રાખવાનો નિર્ણય કરશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.