CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 12 of 139 - CIA Live

August 16, 2024
NFA-logo.png
1min456

ભારત સરકાર દ્વારા 70માં નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સને સિનેમા જગતમાં સૌથી પ્રતિષ્ઠિત ઍવોર્ડ માનવામાં આવે છે. આ વખતે ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી કેટેગરી) જાહેર કરાઈ છે. આ સિવાય કચ્છ એક્સપ્રેસના માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી અને કોસ્ચ્યુમ ડિઝાઈનર નિકી જોશીને પણ નેશનલ એવોર્ડની જાહેરાત કરાઈ છે. નોંધનીય છે કે, પહેલી જાન્યુઆરી 2022થી 31 ડિસેમ્બર 2022ની વચ્ચે જે ફિલ્મોને સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યા તેમના માટે ઍવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે.

ફીચર કેટેગરીઝ
બેસ્ટ ફીચર ફિલ્મ – અટ્ટમ (મલયાલમ)
શ્રેષ્ઠ અભિનેતા – રિષભ શેટ્ટી, કાંતારા
શ્રેષ્ઠ અભિનેત્રી – માનસી પારેખ (કચ્છ એક્સપ્રેસ), નિત્યા મેનન (તિરુચિત્રાબલમ- તમિળ ફિલ્મ)
શ્રેષ્ઠ દિગ્દર્શક – સૂરજ બડજાત્યા, ઊંચાઈ
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – નીના ગુપ્તા, ઊંચાઈ
શ્રેષ્ઠ સહાયક અભિનેતા – પવન મલ્હોત્રા, ફૌજા
શ્રેષ્ઠ મનોરંજક ફીચર ફિલ્મ – કાંતારા
બેસ્ટ ડેબ્યુ – ફૌજા, પ્રમોદ કુમાર
શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ – કાર્તિકેય 2
શ્રેષ્ઠ તમિલ ફિલ્મ – પોન્નિયિન સેલવાન – ભાગ 1
શ્રેષ્ઠ પંજાબી ફિલ્મ – બાગી દી ધી
શ્રેષ્ઠ ઓડિયા ફિલ્મ – દમન
શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ – સાઉદી વેલાક્કા
શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ – વાલવી
શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ – KGF: ચેપ્ટર 2
શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ – ગુલમોહર
સર્વશ્રેષ્ઠ તિવા ફિલ્મ – સિકાઈસલ
શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ – કાબેરી અંતર્ધાન
શ્રેષ્ઠ આસામી ફિલ્મ – ઈમુથી પુથી
સ્પેશિયલ મેન્શન- ‘ગુલમહોર’માં મનોજ બાજપેયી અને ‘કાલીખાન’ માટે સંજય સલીલ ચૌધરી
શ્રેષ્ઠ એક્શન ડિરેક્શન – KGF: ચેપ્ટર 2
શ્રેષ્ઠ કોરિયોગ્રાફી – તિરુચિત્રાબલમ (તમિલ ફિલ્મ)
શ્રેષ્ઠ ગીતો – ફૌજા
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક – પ્રીતમ (ગીત), એ. આર. રહેમાન (બેકગ્રાઉન્ડ સ્કોર)
શ્રેષ્ઠ મેકઅપ – અપરાજિતો (બંગાળી ફિલ્મ)
શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈનર- નિકી જોશી, કચ્છ એક્સપ્રેસ
શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન – અપરાજિતો
શ્રેષ્ઠ સંપાદન – અટ્ટમ
શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન – પોન્નિયિન સેલવાન, ભાગ- 1
શ્રેષ્ઠ પટકથા – અટ્ટમ
શ્રેષ્ઠ સંવાદો – ગુલમોહર
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – પોન્નિયિન સેલવાન, ભાગ-1
શ્રેષ્ઠ પ્લેબેક (મેલ) – બ્રહ્માસ્ત્ર, અરિજિત સિંહ
શ્રેષ્ઠ પ્લેબેક (ફિમેલ)- સાઉદી વેલાક્કા, બોમ્બે જયશ્રી
શ્રેષ્ઠ બાળ કલાકાર – મલ્લિકાપુરમમાં શ્રીપથ
શ્રેષ્ઠ ફિલ્મ (એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ) – બ્રહ્માસ્ત્ર
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી)- કચ્છ એક્સપ્રેસ
ફિલ્મ લેખન
શ્રેષ્ઠ વિવેચક – દીપક દુઆ
સિનેમા પર શ્રેષ્ઠ પુસ્તક – કિશોર કુમાર: ધ અલ્ટીમેટ બાયોગ્રાફી
નોન-ફીચર કેટેગરીઝ
શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ – આયના
સર્વશ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મ – મધ્યાંતરા
શ્રેષ્ઠ જીવનચરિત્ર/ઐતિહાસિક/સંકલન ફિલ્મ – આંખી એક મોહેંજો દરો
શ્રેષ્ઠ કલા/સંસ્કૃતિ ફિલ્મ – રંગ વિભોગા/વર્ષા
શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ – મોનો નો અવેર
શ્રેષ્ઠ નેરેટર – મર્મર્સ ઓફ ધ જંગલ
શ્રેષ્ઠ સંગીત નિર્દેશન – ફુરસત
શ્રેષ્ઠ સંપાદન – મધ્યાંતરા
શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન – યાન
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – મોનો નો અવેર
શ્રેષ્ઠ ડિરેક્શન – ફ્રોમ ધ શેડો
શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ – ઝુન્યોટા
શ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મ – ધ કોકોનટ ટ્રી
સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ – ઓન ધ બ્રિંક સિઝન 2 – ઘડિયાલ
શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી – મર્મર્સ ઓફ ધ જંગલ

ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ 70માં નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સમાં બેસ્ટ ફીચર ફિલ્મ (સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી) તરીકે જાહેર કરવામાં આવી છે. જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગૌરવની વાત છે. એટલું જ નહીં આ ફિલ્મની અભિનેત્રી માનસી પારેખ ગોહિલને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો છે. માનસી આ ફિલ્મની પ્રોડ્યુસર પણ છે. મહિલા સશક્તિકરણનો મુદ્દો મજબૂત રીતે રજૂ કરતી આ ફિલ્મ વિવેચકોએ ખૂબ વખાણી હતી.

August 16, 2024
ima-strike.png
1min213

કલકત્તાની સરકારી હોસ્પિટલ અને કોલેજમાં ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ આચર્યા પછી હત્યા કરવામાં આવતાં 40થી વધુ લોકોના ટોળાએ હોસ્પિટલ-કોલેજમાં ઘૂસીને ઈમરજન્સી વોર્ડ, નર્સિંગ યુનિટ અને મેડિકલ સ્ટોરમાં તોડફોડ કરી હતું. જેને લઈને ઈન્ડિયન મેડિકલ એસોશિયને (IMA) ગઈ કાલે (15 ઓગસ્ટે) જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ‘આવતી કાલે (17 ઓગસ્ટ) સવારે 6 વાગ્યાથી સમગ્ર દેશમાં 24 કલાક માટે નોન-ઇમરજન્સી સેવાઓ બંધ રાખવામાં આવશે.’ બીજી તરફ, આ સિવાય અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.

કઈ કઈ સેવાઓ બંધ રાખવામાં આવશે

IMAએ કહ્યું છે કે, ‘આવશ્યક સેવાઓ શરુ રાખવામાં આવશે અને ઈમરજન્સી વોર્ડમાં પણ મેડિકલ કામગીરી ચાલુ રહેશે.’ IMAએ જણાવ્યું હતું કે, ‘બાહ્ય રોગ વિભાગમાં (OPD) સેવાઓ બંધ રહેશે અને વૈકલ્પિક સર્જરી કરવામાં આવશે નહીં. કોલકત્તાની આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આચરવામાં આવેલા દુષ્કર્મ અને સ્વતંત્રતા દિવસની (બુધવારની રાત્રે) પૂર્વસંધ્યાએ વિરોધીઓ દ્વારા કરવામાં આવેલી ગુંડાગીરીને પગલે ભારતીય મેડિકલ એસોસિએશને આવતી કાલે (17 ઓગસ્ટ) હડતાળનું આહ્વાન કર્યું છે. જેમાં 17મી ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી રવિવાર સુધી એલોપેથી ડોક્ટરો 18 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યા સુધી 24 કલાક માટે દેશભરમાં સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.’

IMAએ હોસ્પિટલમાં તોડફોડની નિંદા કરી

IMAએ કહ્યું છે કે, ‘ડોકટરો, ખાસ કરીને સ્ત્રીઓ, તેમના વ્યવસાયની પ્રકૃતિને કારણે હિંસાનો ભોગ બને છે. હોસ્પિટલ અને પરિસરમાં ડોકટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું અધિકારીઓનું કામ છે. IMAએ પણ કલકત્તાની હોસ્પિટલમાં તોડફોડની નિંદા કરી છે.’

August 14, 2024
dengue-vaccine-india.png
1min246

આઇસીએમઆર (ICMR) અને પેનેશિયા બાયોટેકએ ભારતમાં ડેન્ગ્યુની રસી વિકસાવવા માટે પ્રથમ તબક્કાની ત્રીજી ક્લિનિકલ ટ્રાયલની શરૂઆત કરી છે, તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું.

ભારતની સ્વદેશી ટેટ્રાવેલેન્ટ ડેન્ગ્યુ રસી, ડેન્ગીઓલ, પેનેશિયા બાયોટેક દ્વારા વિકસાવવામાં આવી છે અને આ અજમાયશમાં પ્રથમ સહભાગીને બુધવારે પંડિત ભગવત દયાલ શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, રોહતક ખાતે રસી આપવામાં આવી હતી.

યુનિયન હેલ્થ મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૯ સાઇટ્સ પર હાથ ધરવામાં આવશે, જેમાં ૧૦૩૩૫થી વધુ સ્વસ્થ પુખ્ત સહભાગીઓ સામેલ છે.
તેમણે કહ્યું કે આઇસીએમઆર અને પેનેશિયા બાયોટેક વચ્ચેના આ સહયોગ દ્વારા, અમે માત્ર આપણા લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે એક પગલું ભરી રહ્યા છીએ એટલું જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતની અમારી દ્રષ્ટિને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ.

હાલમાં, ભારતમાં ડેન્ગ્યુ સામે કોઈ એન્ટિવાયરલ સારવાર અથવા લાઇસન્સ પ્રાપ્ત રસી નથી. અસરકારક રસીનો વિકાસ ચારેય સીરોટાઇપ માટે સારી અસરકારકતા હાંસલ કરવાની જરૂરિયાતને કારણે જટિલ છે.
ભારતમાં, ડેન્ગ્યુ વાયરસના તમામ ચાર સીરોટાઇપ ઘણા પ્રદેશોમાં ફરતા અથવા સહ-પ્રસાર માટે જાણીતા છે, તેવું મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય રસીના પ્રથમ અને બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ ૨૦૧૮-૧૯માં પૂર્ણ થયા હતા, જેનાથી આશાસ્પદ પરિણામો મળ્યા હતા.

August 14, 2024
lal-killa.jpeg
2min268
કાલે દેશભરમાં ઉજવાશે સ્વતંત્રતા દિવસ, વડાપ્રધાન લાલ કિલ્લા પર ફરકાવશે ધ્વજ, આ મહેમાનો રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ 1 - image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઑગસ્ટ 2024ના રોજ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આ વખતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી માટે 6,000 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. પીએમ મોદી સ્વતંત્રતા દિવસ સમારોહમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે.

આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ ‘વિકસિત ભારત @2047’ રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું છે. એટલે વર્ષ 2047માં ભારત તેની આઝાદીની 100મી વર્ષગાંઠ ઉજવશે. કેન્દ્ર સરકારે આ પહેલા કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે, બજેટનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં વિકસિત ભારતનો પાયો નાખવાનો છે.

કેવો હશે આ સમારોહ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચશે ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય શેઠ અને સંરક્ષણ સચિવ ગિરધર અરમાને દ્વારા સ્વાગત કરવામાં આવશે. સંરક્ષણ સચિવ દિલ્હી વિસ્તારના જનરલ ઑફિસર કમાન્ડિંગ (GOC) લેફ્ટનન્ટ જનરલ ભાવનીશ કુમારનો વડાપ્રધાન સાથે પરિચય કરાવવામાં આવશે. 

પીએમને સલામી સ્થળ સુધી કોણ લઈ જશે?

દિલ્હી ક્ષેત્રના GOC વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલામી સ્થળ પર લઈ જશે, જ્યાં સંયુક્ત આંતર-સેવાઓ અને દિલ્હી પોલીસના ગાર્ડ તેમને સલામી આપશે. આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે, એ પછી પીએમ મોદી ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કરશે. પીએમ માટે ગાર્ડ ઑફ ઓનર ટુકડીમાં આર્મી, નેવી, ઍરફૉર્સ અને દિલ્હી પોલીસના એક-એક અધિકારી અને 24 જવાનો સામેલ હશે.

રાષ્ટ્રધ્વજ ફરકાવવા પ્રશાસન પર જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કર્યા પછી લાલ કિલ્લા તરફ આગળ વધશે. જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય પ્રધાન સંજય શેઠ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને ઍરફૉર્સ ચીફ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી કરશે અને દિલ્હી ક્ષેત્રના GOC રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પીએમ મોદીને મંચ પર લઈ જશે.

ધ્વજ ફરકાવવામાં કોણ મદદ કરશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં લેફ્ટનન્ટ સંજીત સૈની મદદ કરશે. ધ્વજ ફરકાવ્યા બાદ 1721 ફિલ્ડ બેટરી(સેરેમોનિયલ)ના બહાદુર ગનર્સ દ્વારા 21 તોપોની સલામી આપવામાં આવશે. રાષ્ટ્રિય ધ્વજ ગાર્ડમાં આર્મી, નેવી અને ઍરફૉર્સના એક-એક અધિકારી અને 32 અન્ય રેન્કના કર્મચારીઓ અને 128 દિલ્હી પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થયેલો છે.

હેલિકોપ્ટર દ્વારા ફૂલોની વર્ષા કરાશે

રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેને રાષ્ટ્રિય સલામી આપવામાં આવશે. સલામી દરમિયાન પંજાબ રેજિમેન્ટ મિલિટરી બેન્ડ, જેમાં JCO અને 25 અન્ય રેન્કનો સમાવેશ થાય છે તેમના દ્વારા રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. આ બેન્ડનું નેતૃત્વ સુબેદાર મેજર રાજિન્દર સિંહ કરશે. ધ્વજ ફરકાવ્યા બાદ ભારતીય વાયુસેનાના બે અદ્યતન હેલિકોપ્ટર દ્વારા સ્થળ પર પુષ્પવર્ષા કરવામાં આવશે. 

ફૂલોની વર્ષા કર્યા બાદ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે અને તેમનું ભાષણ પત્યા પછી નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) કેડેટ્સ રાષ્ટ્રગીત ગાશે. આ સાથે દેશભરની વિવિધ શાળાઓના કુલ 2,000 છોકરા અને છોકરીઓ કેડેટ્સ (આર્મી, નેવી અને ઍરફૉર્સ) સમારોહમાં ભાગ લઈ રહ્યા છે.

મહેમાનો કોણ છે?

વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા યુવાનો, આદિવાસી સમાજ, ખેડૂતો અને મહિલાઓને પણ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમજ અટલ ઇનોવેશન મિશન અને પીએમ (પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર ઇમર્જિંગ ઇન્ડિયા) યોજનાનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓ અને ‘મેરી માટી મેરા દેશ’ હેઠળ માય યુથ ઇન્ડિયા (MY ભારત) અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો પણ કાર્યક્રમમાં ભાગ લેશે.

આ સમારોહમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના લાભાર્થીઓ અને ખેડૂત ઉત્પાદક સંગઠનોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તાઓ (ASHAs), સહાયક નર્સ મિડવાઇવ્સ (ANMs) અને આંગણવાડી કાર્યકરો, લખપતિ દીદી અને ડ્રોન દીદી પહેલ અને સખી કેન્દ્ર યોજનાના લાભાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

પેરિસ ઓલિમ્પિકના ભારતીય ખેલાડીઓ પણ સામેલ

મળતી માહિતી પ્રમાણે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓને પણ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. MyGov અને ઓલ ઇન્ડિયા રેડિયોના સહયોગથી સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત વિવિધ ઓનલાઇન સ્પર્ધાઓના ત્રણ હજાર (3,000) વિજેતાઓ પણ સમારોહમાં હાજરી આપશે.

August 4, 2024
hp-glacier.png
1min204

હિમાચલ પ્રદેશના પાટનગર શિમલા અને કુલ્લુમાં શ્રીખંડ મહાદેવ પાસે ગ્લેશિયર અને વાદળ ફાટતા થયેલા ભૂસ્ખલનથી ૫૦ લોકોનાં મોતની આશંકા સેવાઈ રહી છે. હિમાચલમાં ભારે વરસાદના કારણે રામપુરના સમેજ ગામમાં ૩૬ લોકો લાપતા છે જ્યારે કુલ્લુના બાગી પુલમાં છ લોકો હજુ પણ ગુમ થઈ ગયા છે. આ સિવાય ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં પણ મૂશળધાર વરસાદ પડયો હતો.

હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે વિનાશ વેરાયો છે. અનેક ઈમારતોને નુકસાન ઘયું છે તથા અનેક લોકો લાપતા થઈ ગયા હોવાની માહિતી મળી છે. આ લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ ચલાવાઈ રહ્યું છે. આવા સમયે મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું છે કે આ દુર્ઘટનામાં અંદાજે ૫૦ લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. જોકે, સત્તાવાર સંખ્યા સર્ચ ઓપરેશન પૂરું થયા પછી જ કહી શકાશે.

શિમલા જિલ્લાના રામપુરના સમેજ ગામમાં વાદળ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ સમયે એક પ્રવાસીએ શૂટ કરેલો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ગ્લેશિયર તૂટવાથી ભારે વિનાશ સર્જાયો હતો. આ વિસ્તારમાં એનડીઆરએફ, આઈટીબીપી, એસડીઆરએફ, સીઆઈએસએફ, પોલીસ અને હોમગાર્ડ સહિત કુલ ૪૧૦ બચાવ કર્મચારી ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. સમેજ ગામમાં બચાવ કર્મચારીઓને જોઈને એક વૃદ્ધ બક્શી રામે કહ્યું કે, શ્રીખંડ ભૂસ્ખલનમાં તેમણે તેમના પરિવારના ૧૬ લોકોને ગુમાવી દીધા છે.

દરમિયાન ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે હિમાલયમાં આવેલા યાત્રાધામ કેદારનાથમાં હજારો શ્રદ્ધાળુઓ ફસાયા છે, જેમને બચાવવા માટે ત્રણ દિવસથી બચાવ અભિયાન ચલાવાઈ રહ્યું છે, જેમાં ૧૦,૫૦૦થી વધુ શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેટલાક લોકોને એરફોર્સના હેલિકોપ્ટર્સથી એરલિફ્ટ કરાયા હતા. અધિકારીઓએ કહ્યું કે, કેદારનાથ, બિમ્બલિ અને ગૌરિકુંડમાં ૧,૩૦૦થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા છે, પરંતુ તેઓ સલામત છે. શ્રદ્ધાળુઓને બચાવવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસના કર્મચારીઓ બચાવ અભિયાનમાં કામે લાગ્યા છે. ઈન્ડિયન એરફોર્સના ચિનૂક અને એમઆઈ-૧૭ હેલિકોપ્ટર્સ પણ કેટલાક શ્રદ્ધાળુઓને એરલિફ્ટ કરી રહ્યા છે.

પૂર્વ ભારતમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ મૂશળધાર વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ઝારખંડમાં છેલ્લા બે દિવસમાં વરસાદના કારણે કેટલાક માર્ગો ધોવાઈ ગયા છે, વૃક્ષો મૂળમાંથી ઊખડી ગયા છે, મકાનોને ભારે નુકસાન થયું છે જ્યારે એક પૂલ પણ તૂટી પડયો છે. જોકે, રાજ્યમાં હજુ સુધી જાનહાનીના કોઈ સમાચાર નોંધાયા નથી તેમ હવામાન અધિકારીએ કહ્યું હતું.

August 2, 2024
freezing-account-1280x752.jpg
1min234

તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઇમની તપાસમાં પીડિતોના સહયોગને કારણે અગાઉ લોક થઇ ગયેલા 28,000 બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કરવામાં આવ્યા છે. બેંકખાતાઓ અનફ્રીઝ થવાથી પીડિતોને મોટી રાહત મળી છે.

આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિગતો આપી હતી. ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમની અસરકારક તપાસના પરિણામે 28 હજાર જેટલા બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% છે, જે 2023માં માત્ર 17.93% હતી. 30 જૂન, 2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી કુલ રકમ ₹114.90 કરોડ છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ ₹53.34 કરોડ છે.

પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો છે. નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે, જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય. તેઓ હવે આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરશે. આ ફેરફારનો હેતુ મધ્યમ-વર્ગની વ્યક્તિઓ પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે, જેઓ આખું બેંક અકાઉન્ટ લોક થઈ જવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરે છે.

ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના બેંક ખાતાઓ ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઈમમાં તેમની બિન-સંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે. એક પછી એક કેસના આધારે આ ખાતાઓની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ આવા ખાતાઓને શક્યતઃ અનફ્રીઝ કરવામાં આવશે. ખાતા ફ્રીઝ કરવા અંગેના અભિગમમાં સુધારો કરીને તેમજ પીડિતોને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરીને, ઓથોરિટી અસરગ્રસ્ત વ્યક્તિઓ પર તાત્કાલિક નાણાકીય અસર અને સાયબર ક્રાઈમના વ્યાપક મુદ્દા બંને પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

August 1, 2024
Vande_Bharat_Express_around_Mumbai.jpg
1min289

ભારતીય રેલવે 15 ઓગસ્ટથી વંદે ભારત તેમજ રાજધાની, ઓગસ્ટ ક્રાંતિ રાજધાની, તેજસ અને શતાબ્દી એક્સપ્રેસ જેવી ટ્રેનોની સ્પીડ વધારવા જઈ રહી છે. 130 કિમી પ્રતિ કલાકના બદલે હવે આ ટ્રેનો 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી જોવા મળશે. એક અંદાજ મુજબ સ્પીડ વધતા મુસાફરોનો 45 મિનિટથી લઈને 4 કલાક સુધીનો સમય બચી શકે છે. આનો અર્થ એ થયો કે હવે દિલ્હીથી મુંબઈની મુસાફરી માત્ર સરળ જ નહીં રહે પરંતુ સમયની પણ બચત કરાવશે.

ભારતીય રેલવે મિશન રફ્તાર હેઠળ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની ઝડપ વધારવા માટે કામ કરી રહી છે. આ સાથે ગુડ્સ ટ્રેનોની સ્પીડ પણ વધારવામાં આવશે. મિશન રફ્તાર હેઠળ આ તમામ ટ્રેનોની સરેરાશ ઝડપને વધુ વધારવામાં આવશે. ટ્રેનોની સ્પીડ વધારવા માટે એક સંપૂર્ણ સૂચિત પ્રક્રિયાનું પાલન કરવું પડશે. આમાં ટ્રેક, સિગ્નલ સિસ્ટમ, ઓવરહેડ સાધનો, ટ્રેનના કોચ અને એન્જિનને અપગ્રેડેશનનો સમાવેશ થાય છે. આ અંતર્ગત બાયપાસ ફૂટઓવર બ્રિજ પણ બનાવાયા છે. આ મિશન હેઠળ રેલવેના તમામ ડીઝલ એન્જિનોને મેમૂ એટલે કે મેઈન લાઈન ઈલેક્ટ્રીક મલ્ટીપલ યુનિટમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવશે.

દેશની ટોચની ટ્રેનોની સ્પીડ 130થી વધારીને હવે 160 કિમી પ્રતિ કલાક કરવામાં આવશે પરંતુ સૌથી મોટો સવાલ થાય કે શું સ્પીડ વધશે તો ટિકિટના ભાવ પણ વધશે કે શું? આ સવાલનો જવાબ છે , ના ટ્રેનના ભાડામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

હાલમાં 12953 નિઝામુદ્દીન-મુંબઈ સેન્ટ્રલ ઓગસ્ટ ક્રાંતિ રાજધાની અને 12951 મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી રાજધાની દિલ્હી અને મુંબઈ વચ્ચે લગભગ 16 કલાકનો સમય લે છે પરંતુ 15 ઓગસ્ટ પછી આ યાત્રા 12 કલાકમાં પૂર્ણ કરી શકાશે. આમ 4 કલાકનો સમય બચશે. મહત્વની વાત એ છે કે, સંભવિત છે કે રેલવે ટૂંક સમયમાં આ અંગે નવું ટાઈમ ટેબલ પણ જારી કરી શકે છે અને અમુક ટ્રેનોના રૂટ લાંબા અથવા ફ્રિકવન્સી વધી શકે છે.

મુસાફરીના નવા શેડ્યૂલમાં મુંબઈથી અમદાવાદ આવતી વંદે એક્સપ્રેસ ટ્રેન હવે મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3:45 વાગ્યે ઉપડશે, જે અગાઉના 3:55 PMના શેડ્યૂલ કરતાં દસ મિનિટ વહેલી હશે. વડોદરા: 20:11 વાગ્યે આગમન થશે 20:14 વાગ્યે પ્રસ્થાન થશે જે અગાઉ 20:16 અને 20:19 હતા તથા અમદાવાદ અગાઉના 21:25ના આગમનને સ્થાને 21:15 વાગ્યે આગમન થશે.

રેલવે વિભાગે પશ્ચિમ ઝોન રેલવેને 15 ઓગસ્ટથી આ સ્પીડ લિમિટને લાગુ કરવા સૂચના આપી છે. રેલવે બોર્ડે પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્ર હેઠળના મુંબઈ-અમદાવાદ અને મુંબઈ-નાગદા રૂટ પર 15 ઓગસ્ટથી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડાવવાની યોજના તૈયાર કરી છે. આ માટે રેલવે બોર્ડે ઝોનલ રેલવે હેઠળના તમામ સંબંધિત વિભાગોના DRMને બ્લોક અને એસએન્ડટી/ટીઆરડી ટીમો પાસેથી જરૂરી કામ પૂર્ણ કરાવવા અને સુરક્ષા-સલામતી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતુ. આ પ્રક્રિયા પૂર્ણ થવા હવે લીલીઝંડી મળી.

પશ્ચિમ રેલવેના અધિકારીઓનું કહેવું છે કે ટ્રેનોને 160 કિમી સુધી ચલાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મુંબઈ-અમદાવાદ રૂટ, મુંબઈ-વડોદરા રૂટ, વડોદરાથી દાહોદ અને દાહોદથી નાગદા રૂટને 160 કિમી પ્રતિ કલાકની ઝડપે અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ રૂટ પર નવી ટેકનોલોજીથી સજ્જ સિગ્નલિંગ અને ઓવરહેડ ઈક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે. આ રૂટ પરથી અનેક રેલ અવરોધો પણ દૂર કરવામાં આવ્યા છે.

આ ટ્રેનોમાં સ્લીપર ડેન્સિટી વધારવામાં આવી છે. કવચ ટેક્નોલોજી પણ લગાવવામાં આવી છે. મિશન રફ્તાર હેઠળ ટ્રેક અપગ્રેડેશનને કારણે તમામ પ્રીમિયમ ટ્રેનો 160 કિમીની ઝડપે દોડશે પરંતુ આનાથી ભાડા પર કોઈ અસર નહીં થાય. ઝડપ વધવાથી દોડવાના સમયમાં પણ ફરક પડશે, જેના કારણે અનેક રૂટ પર નવી ટ્રેનો દોડાવી શકાશે.

July 26, 2024
medicine.jpg
1min233

રાજ્ય સરકાર દ્વારા એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરીને જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. આ અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25 માં વધીને 1382 થઇ છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25 માં વધીને 1382 થઇ છે. રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી, એ જ અમારી સરકારની પ્રાથમિકતા છે. આ દવાઓ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરવામાં આવે છે. આ વર્ષે નવી ઉમેરાયેલી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હ્યદય રોગ, ડાયાબીટીશ, બી.પી. તેમજ કીડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ ઉમેરાઇ છે.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં પ્રાથમિક ઉપચારની 308 દવાઓ, સેકન્ડરી ઉપચારની 495 દવાઓ અને ટર્સરી ઉપચારની 1349 દવાઓ ઉપરાંત સ્પેશીયલ ઉપચાર માટેની ૩૩ દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડ્રગ લીસ્ટમાં 543 ટેબ્લેટ, 331 ઇન્જેક્શન, 300 સર્જીકલ અને 208 અન્ય દવાઓનો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૨૨-૨૩ના ડ્રગ લીસ્ટમાં કાર્ડીઓ વેસ્ક્યુલરની 24 દવાઓ હતી, જે વર્ષ 2024-25માં વધીને 117 થઇ છે. તેવી જ રીતે એન્ટી ઇન્ફેક્ટીવની દવાઓ 120 થી વધીને 199, એન્ટી કેન્સરની 13થી વધીને 47, ન્યૂરોલોજીકલ અને સાઈકેટ્રીકની 52 થી વધીને 123, આમ કુલ 12 જેટલા રોગોની જીવન રક્ષક દવાઓમાં વધારો કરાયો છે.

July 24, 2024
ausi-flood2.jpg
1min242

ગુજરાત અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ માઝા મુકી હોવાના અહેવાલો સામે આવ્યા છે. મધ્ય ગુજરાતમાં આણંદમાં બે કલાક આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે, તો વિશ્વામિત્રી નદી 17 ફૂટને પાર પહોંચી ગઈ છે, જ્યારે અંકલેશ્વરમાં ઘોડાં તણાયાની ઘટના બની છે. દક્ષિણ ગુજરાતનાં સુરતમાં મેઘ કહેર જોવા મળ્યો છે, તો ભરૂચમાં હાઈવેની નદી જેવી સ્થિતિ બની ગઈ છે. આ ઉપરાંત ડાંગમાં ભારે વરસાદ ખાબક્યા બાદ ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં મેઘરાજાના લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી થઈ છે, જોકે મહેસાણામાં હજુપણ વરસાદની ઘટ વર્તાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો મેઘરાજા અહીં મન મુકીને વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં અનેક ડેમો છલકાયા છે. જ્યારે કચ્છમાં પણ મેઘ મહેર વચ્ચે માંડવી-નખત્રાણા-અબડાસામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે.

મધ્ય ગુજરાત : આણંદમાં બે કલાક આઠ ઈંચ, વિશ્વામિત્રી નદી 17 ફૂટને પાર, અંકલેશ્વરમાં ઘોડાં તણાયા

મધ્ય ગુજરાતની વાત કરીએ તો આજે અમદાવાદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આજે સવારે આણંદના બોરસદમાં બે કલાકમાં આઠ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે 4 કલાકમાં 13 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે જ્યાં નજર ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યુ છે. જ્યારે અન્ય જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં એકથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. વડોદરામાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની 17 ફૂટની સપાટીથી ઉપર વહી રહી છે. કેટલાક સ્થળે તો પાંચથી છ ફૂટ પાણી ભરાઈ ગયા છે. આ સ્થિતિમાં અહીં સ્કૂલ-કોલેજોમાં આવતીકાલે 25 જુલાઈએ રજા જાહેર કરાઈ છે. આ ઉપરાંત અંકલેશ્વરમાં ઘોડાં તણાયાની ઘટના બની છે.

દક્ષિણ ગુજરાત : સુરતમાં મેઘ કહેર, ભરૂચમાં હાઈવેની નદી જેવી સ્થિતિ, ડાંગમાં ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત શહેરમાં સવારથી શરૂ થયેલા વરસાદના લીધે સુરતીઓનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. શહેરના ખાડી કિનારાના રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. વરસાદી પાણીના કારણે વેલંજા વિસ્તારના રાજીવનગરમાંથી લગભગ 60 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઇ, જેના કારણે અનેક શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. મેઘ તાંડવના કારણે ભરૂચવાસીઓ ભગવાન ભરોસે આવી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અહીં આમલાખાડી ઓવરફ્લો થયો છે, જ્યારે હાઈવે નદીમાં ફેરવાઈ ગઈ છે. આ ઉપરાંત ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડમાં પણ મેઘરાજાએ માજા મુકી છે. ડાંગ જિલ્લામાં વરસાદના કારણે ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠયો છે, જેના કારણે અહીં નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે નર્મદા જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. અહીં સાગબારા, ડેડીયાપાડા, તીકલવાળા સહિત અનેક તાલુકામાં વરસાદ પડ્યાના અહેવાલો મળ્યા છે.

ઉત્તર ગુજરાત : લાંબા વિરામ બાદ કેટલાક જિલ્લામાં મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી, મહેસાણામાં વરસાદની ઘટ

ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ઘણા દિવસથી મેઘરાજાની મહેર જોવા મળી છે. અરવલ્લી જિલ્લામાં વરસાદને માજા મુકી છે, તો ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે ખેતરો ભરાઈ ગયા હોવ તેવી સ્થિતિ જોવા મળી છે. અહીં મગફળી, સોયાબીનના પાકને જીવતદાન મળ્યું છે. જ્યારે બનાસકાંઠાના લાખણીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા દુકાનો આગળ પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા છે. મહેસાણામાં વરસાદી ઝાપટું પડયું છે, જોકે તેમ છતાં જિલ્લામાં ત્રણ ઈંચ વરસાદની ઘટ પડી રહી છે. જિલ્લાની સરેરાશ 10 ઇંચની જરૂરિયાત સામે સાડા 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. પાટણની વાત કરીએ તો, હારીજ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્યબજાર સાહિત નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ સાથે ઉકળાટ ભર્યા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લામાં આજે સવારથી દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને અવારનવાર છુટા છવાયા વરસાદના ઝાપટાં પડયા હતા. તો બપોર બાદ હારીજ પંથકમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમથી ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે હળવો વરસાદ પડવાની શક્યતા જાહેર કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં છુટા-છવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં અનેક ડેમો છલકાયા, કચ્છમાં પણ મેઘ મહેર, માંડવી-નખત્રાણા-અબડાસામાં 8 ઇંચ

સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડવાના કારણે ભાદર-2 અને ન્યારી-2 ડેમમાં પાણી વધતા દરવાજા ખોલવા પડ્યા છે. આ સાથે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. આ વખતે સિઝનમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર ઝૉનમાં ખાબક્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમોમાં પાણીની આવકમાં જોરદાર વધારો નોંધાયો છે. છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર વરસાવતા અહીં અનેક ડેમો છલકાયા છે. છેલ્લા બે દિવસથી ખાબકી રહેલા મુશળધાર વરસાદના કારણે સૌરાષ્ટ્રના ડેમોમાં નવા નીરની આવક સતત વધી રહી છે. ધોરાજીના ભાદર-2 ડેમમાં પાણી વધતા ચાર દરવાજા 0.66 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ભાદર-2 ડેમમાં પાણીની આવકના કારણે સુપેડી, ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, હાડફોડી, ઈસરા, કુંડેચ, લાઠી, મજેઠી, નીલાખા, તલગણા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. સૌરાષ્ટ્રનો ન્યારી-2 ડેમ પણ છલકાયો છે, ન્યારી-2 ડેમમાં આવક વધતા ડેમનો એક દરવાજો 0.076 મીટર સુધી ખોલવામાં આવ્યો છે, અને આ કારણે આજુબાજુના ગામોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે. જ્યારે કચ્છમાં અઠવાડિયાથી વિશેષ સમયથી મેઘાવી માહોલ વચ્ચે સોમવારે સાર્વત્રિક વરસાદ બાદ મંગળવારે કયાંક કાચુ સોનું તો કયાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અહીં આઠ વરસાદ નોંધાયો છે. આજે માંડવી, નખત્રાણા અને અબડાસામાં 8-8 ઇંચ, મુન્દ્રામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.

વરસાદના કારણે અનેક શાળા-કોલેજો બંધ

આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં સવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે કેટલીક શાળાઓ અને કોલેજો વહેલી છોડી દેવામાં આવી હતી. જોકે વરસાદના કારણે રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના કારણે શાળાઓમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે સ્કૂલોમાં વાલીઓ અને સ્કૂલ વર્ધીના વાહનોને પહોંચવામાં પણ તકલીફ પડી હતી. કેટલીક જગ્યાએ સ્કૂલ વર્ધીના વાહનો રસ્તામાં જ બંધ પડતા બાળકો અટવાઈ ગયા હતા. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી સ્કૂલોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શાળા સંચાલકોએ વાલીઓને ફોન કરી કરીને કે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂકીને તેમના બાળકોને લઈ જવા માટે અપીલ કરી હતી.

આજે ક્યાં કેટલો વરસાદ નોંધાયો

આજે (24 જુલાઈ) બપોરના ચાર વાગ્યા સુધીમાં 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ નર્મદાના તિલકવાડામાં 205 મિ.મી., વડોદરાના પાદરામાં 189 મિ.મી., ભરુચમાં 181 મિ.મી., છોટા ઉદેપુરના નસવાડીમાં 151 મિ.મી. સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં હજુ ચાર દિવસ અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે અમરેલી, નવસારી, વલસાડ, દીવ અને દાદરા નગર હવેલીમાં 26 જુલાઈ સુધી ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી 26 જુલાઈ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને મધ્ય-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું જોર જોવા મળ્યું હતું. 25-26 જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં 26 જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

July 24, 2024
reservoir.png
1min238

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૩૧ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકા નોંધાયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૩,૭૨૪ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૨૩,૬૮૫ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૯.૯૩ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે આઠ જળાશયોમાં ૧૫ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. જેમાં દમણગંગામાં ૫૧,૭૮૬ ક્યુસેક, ઉકાઈમાં ૩૧,૨૦૬ ક્યુસેક, રાણા ખીરસરામાં ૨૩,૬૫૬ ક્યુસેક, વેણુ-૨માં ૧૮,૯૦૬ ક્યુસેક, ઉમિયાસાગરમાં ૧૮,૪૬૮ ક્યુસેક, ઓઝત-વિઅર(વંથલી)માં ૧૬,૦૨૪ ક્યુસેક, ઓઝત-વિઅરમાં ૧૫,૨૫૬ ક્યુસેક તથા સરદાર સરોવરમાં ૧૩,૪૧૯ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના ૨૯ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૧૯ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૫૦ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૬.૪૦ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૪૨.૫૫ ટકા,મધ્ય ગુજરાતના ૧૭માં ૩૫.૧૦, કચ્છના ૨૦માં ૩૨.૩૬ તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૫૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.