એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના નિયમોમાં મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે. EPFO બોર્ડે તેના 7 કરોડથી વધુ શેરધારકો માટે ઉદાર આંશિક ઉપાડ યોજનાને મંજૂરી આપી છે, જેનાથી હવે PF ધારકો પોતાના ખાતામાંથી 100 ટકા સુધીની રકમ ઉપાડી શકશે.
EPFOએ તેના કર્મચારીને લઈને મોટો નિર્ણય લીધો છે. જેમાં PF નિકાસ, વ્યાજ અને ડિજિટલ સેવાઓમાં ઘણા સુધારા જોવા મળશે. શ્રમ મંત્રાલયે આજે સોમવારે (13 ઓક્ટોબર) જણાવ્યું હતું કે, ‘શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં EPFOના નિર્ણય લેનારી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)એ બેઠકમાં દરમિયાન મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે.’
CBTએ EPFના સદસ્યોના જીવન આસાન કરવા માટે 13 જટિલ જોગવાઈઓ એકજ નિયમમાં વિલીનીકરણ કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત, EPF યોજનાની આંશિક ઉપાડની જોગવાઈઓને સરળ બનાવવામાં આવી છે. ઉપાડ માટેના ખર્ચને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેમાં આવશ્યક (માંદગી, શિક્ષણ, લગ્ન), રહેઠાણની જરૂરિયાતો અને ખાસ પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે.
EPFOના નિયોમાં ફેરફાર કર્યા બાદ હવે PF ધારકો 100 ટકા રકમ ઉપાડી શકશે. જેમાં લોકોને શિક્ષણ માટે 10 વખત અને લગ્ન માટે 5 વખત રૂપિયા ઉપાડવાની પરવાનગી આપી છે. તમામ આંશિક ઉપાડ માટે લઘુતમ સેવા આવશ્યકતા પણ ઘટાડીને માત્ર 12 મહિના કરવામાં આવી છે. EPFOએ એમ પણ જણાવ્યું હતું કે, પેન્શન સંસ્થાએ પેન્ડિંગ કેસ અને ભારે દંડ ઘટાડવા માટે “વિશ્વાસ યોજના” શરૂ કરી છે. હાલમાં પેન્ડિંગ દંડની રકમ રૂ.2,406 કરોડ અને 6,000થી વધુ કેસ છે. જ્યારે હવે PF ડિપોઝિટ માટે મોડું થતાં દંડની રકમ ઘટાડીને દર મહિને 1% કરવામાં આવી છે.
EPFOમાં થયેલા 10 મોટા ફેરફારો
- ગ્રાહકોને હવે તેમનું સંપૂર્ણ બેલેન્સ ઉપાડવાની છૂટ
- 13 નિયમોની જગ્યાએ ઉપાડ માટે ફક્ત ત્રણ કેટેગરી
- શિક્ષણ અને લગ્ન માટે વારંવાર ઉપાડની સગવડ
- સેવાનો સમયગાળો ઘટાડીને 12 મહિના કરાયો
- કોઈ કારણ જણાવ્યા વગર ઉપાડની સુવિધા
- મિનિમમ બેલેન્સ માટે 25 ટકા રકમ રાખવી આવશ્યક
- ઓટોમેટિક ક્લેમ સેટલમેન્ટ અને લાંબી મુદત. જેમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાંથી આંશિક ઉપાડની પ્રક્રિયા હવે સંપૂર્ણપણે સ્વચાલિત થશે. ફાઈનલ સેટલમેન્ટ ટર્મ 2થી 12 મહિના સુધી લંબાવવામાં આવી છે. જ્યારે પેન્શન ઉપાડનો સમયગાળો 2થી 36 મહિના સુધી કરાયો છે.
- ‘વિશ્વાસ યોજના’ હેઠળ દંડમાં રાહત. જેમાં PF ડિપોઝિટ કરવામાં મોડું થતાં દર મહિને 1% દંડ લેવાશે. જ્યારે 2 મહિનાનું મોડું થતાં 0.25% અને 4 મહિનાનું મોડું થતાં 0.50% દંડ થશે. આ યોજના 6 મહિના માટે ચાલશે અને જરૂર જણાય તો 6 મહિના વધારી શકાશે.
- પેન્શનરો માટે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સુવિધા. જેમાં EPFOએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. EPS-95 પેન્શનરો હવે તેમના ઘરેથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) સબમિટ કરી શકશે. આ સેવા પેન્શનરોને મફતમાં પૂરી પાડવામાં આવશે.
- EPFO 3.0 ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ફંડ મેનેજમેન્ટમાં સુધારો કરશે. જેમાં EPFOએ ક્લાઉડ-આધારિત ડિજિટલ ફ્રેમવર્ક “EPFO 3.0″ને મંજૂરી આપી છે. જે ઝડપી, પારદર્શક અને સ્વચાલિત સેવાઓ પ્રદાન કરશે. EPFમાં રોકાણ પોર્ટફોલિયોને વૈવિધ્યીકરણ અને સુરક્ષિત કરવા પાંચ વર્ષ માટે ચાર ફંડ મેનેજરોની નિમણૂક કરાઈ છે.