ફેસબુક પર લોનની જાહેરાત મૂકીને ઠગાઇ કરનાર સુરતના ત્રણ શખસની પોલીસે ધરપકડ કરી હતી. ફેસબુક પર બજાજ ઇએમઆઇના કાર્ડ પર લોન આપવાની જાહેરાત કરીને ઠગાઇ કરવા અંગે સુરતના મહેશ વલ્લભભાઇ આસોદરિયા, બાબા હજાભાઇ ચૌધરી, દીપક ગોકુલભાઇ ડોબરિયાની ધરપકડ કરી હતી.

નાનામવા રોડ પરના મોકાજી સર્કલ પાસે સિલ્વર એપાર્ટમેન્ટમાં રહેતાં અને બીગબજાર સામે ઇમ્પિરીયલ હાઇટ્સમાં બી વિંગમાં બજાજ ફાયનાન્સની ઓફિસમાં રીસ્ક મેનેજર તરીકે નોકરી કરતાં ઘનશ્યામભાઇ જયંતીભાઇ શિંગાળાએ ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદ મુજબ બજાજ ફાયનાન્સ કંપનીના ઇએમઆઇ કાર્ડ ધરાવતાં પાંચ ગ્રાહકો પાસેથી એક સરખી ફરીયાદ મળી હતી કે તેમણે પોતે ખરીદી કરી ન હોવા છતાં તેના નામે લોન બજાજ કંપનીની લોન શરૂ થઇ ગઇ હોવાના મેસેજીસ આવ્યા છે.
પાંચ ગ્રાહકોની એક સરખી ફરીયાદ મળતા બજાજ ફાઇનાન્સના રિસ્ક મેનેજરે આ અંગે હેડઓફિસ પુના ખાતેની ઓફિસે તપાસ કરાવી હતી. કંપનીની પ્રાથમિક તપાસમાં એ ગ્રાહકોના નામે ઓનલાઇન અને ઓફલાઇન ખરીદી થઇ હોવાનું બહાર આવ્યું હતું. વધુ કડી મેળવતા એવી વિગત સપાટી પર આવી હતી કે સુરતના મહેશ આસોદરિયા, બાબા ચૌધરી અને દીપક ડોબરિયા એ આ કામને અંજામ આપ્યો છે, પરીણામે પોલીસ મથકમાં ત્રણેય સામે ઠગાઇ સહિતનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ ફરિયાદ અંગે રાજકોટ સાયબર ક્રાઇમના પીઆઇ ફર્નાડીઝ, પી.એમ. કાતરિયા, એન.એન. ચુડાસમા, પીએસઆઇ જે.કે.ગઢવી અને તેમના મદદનીશો સંજય ઠાકર, દીપક પંડિત, યોગરાજસિંહ ગોહીલ, પ્રદીપસિંહભાટીએ તપાસ હાથ ધરીને સુરતના ત્રણ શખસની ઝડપી લીધા હતાં.
પોલીસની પુછપરછમાં આ શખસોએ એવી કબુલાત આપી હતી કે, તેઓ હીરા ઘસવાનું કામ કરતાં હતા પરંતુ લોકડાઉનના કારણે કામ બંધ થઇ જતાં ઠગાઇના રવાડે ચડી ગયા હતાં અને બજાજ ફાયનાન્સ કંપનીના ઇએમઆઇ કાર્ડ ધારકોના નંબર મેળવી તેની પાસેથી કાર્ડના નંબર, ઓટીપી મેળવીને એ કાર્ડધારકના નામે ઓનલાઇન ખરીદી કરતા હતાં અને ખરીદેલી વસ્તુઓ અન્ય લોકોને વેચી નાખતા હતાં.












