CIA ALERT

બિઝનેસ Archives - CIA Live

December 2, 2025
cia_gst.jpg
1min12

  • ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન રૂ. 1.96 લાખ કરોડ હતું
  • ગયા વર્ષે નવેમ્બરમાં જીએસટી કલેક્શન 1.69 લાખ કરોડ હતું : લક્ઝરી વસ્તુઓ પર સેસથી થનારી આવક દૂર કરાતા જીએસટી કલેક્શન ઘટયું

ભારતનું જીએસટી કલેક્શન નવેમ્બર, ૨૦૨૫માં ઘટીને ૧.૭૦ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ચાલુ વર્ષનું સૌથી ઓછું કલેક્શન છે. જો કે ગયા વર્ષનાં નવેમ્બરની સરખામણીમાં જીએસટી કલેક્શનમાં ૦.૭ ટકાની વૃદ્ધિ જોવા મળી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. લક્ઝરી વસ્તુઓ પર સેસથી થનારી આવકને દૂર કરાતા આ ઘટાડો જોવા મળ્યો છે.

નવેમ્બર, ૨૦૨૫માં કુલ જીએસટી કલેક્શન ૧.૭૦ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષે નવેમ્બરમાં ૧.૬૯ લાખ કરોડ રૂપિયા હતું. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર, ૨૦૨૫માં જીએસટી કલેક્શન ૧.૯૬ લાખ કરોડ રૂપિયા હતું.

ઉલ્લેખનીય છે કે ઘરેલુ વપરાશને વેગ આપવા અને વૈશ્વિક પરિબળોથી ભારતીય અર્થતંત્રને બચાવવાનાં હેતુથી એક મોટા સુધારણા હેઠળ સરકારે ૨૨ સપ્ટેમ્બરથી જીએસટીનાં ચાર દરો ઘટાડીને બે જ કરી દીધા છે.

હવે ફક્ત પાંચ અને ૧૮ એમ બે દરો રાખવામાં આવ્યા છે. જે અગાઉ ૫,૧૨,૧૮ અને ૨૮ હતાં. લક્ઝરી વસ્તુઓ પર ૪૦ ટકાનો અલગ દર રાખવામાં આવ્યો છે.

૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫થી જીએસટી કમ્પનસેશન ફક્ત તમાકુ અને પાન-મસાલા પર લગાવવામાં આવે છે. જે અગાઉ લક્ઝરી, સિન ડીમેરિટ વસ્તુઓ અલગ અલગ દરે નાખવામાં આવતો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે કુલ જીએસટી કલેક્શનની ગણતરીમાં સેસને સામેલ કરવામાં આવ્યો નથી કારણકે કમ્પનસેશન સેસ હવે એક અસ્થાયી વ્યવસ્થા છે.

નવેમ્બર, ૨૦૨૫માં હરિયાણા, આસામ અને કેરળમાં જીએસટી આવકમાં અનુક્રમે ૧૭,૧૮ અને ૮ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે મધ્ય પ્રદેશ અને ઓડિશામાં જીએસટી આવકમાં અનુક્રમે ૧૭ અને ૧૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ જીએસટીની આવકમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

November 30, 2025
Cia_business_news-1280x936.jpg
1min37

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન (એસ.જે.એમ.એ.) એ ગ્લોબલ કનેક્ટ 365 પ્રોગ્રામ આજે લોંચ કર્યો છે. આ પ્રોગ્રામમાં ઝવેરાતની ખરીદી કરવા માટે સુરત આવવા ઇચ્છતા ભારતના કે વિદેશના કોઇપણ જેન્યુઇન ખરીદારોને ફ્લાઇટ-ટ્રેનમાં આવવા જવાનું ભાડું, હોટલમાં સ્ટે, લોકલ ટ્રાન્સપોર્ટેશન, ફેક્ટરી વિઝિટ, ઓફિસ વિઝિટ વગેરે તમામ ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવશે. આ અંગે વધુ વિગતો આપતા સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખ અમિત કોરાટ અને રૂટ્ઝના ચેરમેન જયંતિ સાવલિયાએ કહ્યું કે હવે તેઓ તબક્કાવાર રૂટ્ઝ એક્ષ્પો કાયમ માટે બંધ કરી રહ્યા છે. તેના બદલે હવે આખું વર્ષ 365 દિવસ ઝવેરાત ખરીદારો દેશ વિદેશથી ખરીદી કરવા માટે સુરતના ઝવેરાત ઉત્પાદકો પાસે આવે તે માટે તેમને તમામ ખર્ચો ઉઠાવવાની યોજના ઘડી કાઢવામાં આવી છે. ખરીદારોએ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશની મોબાઇલ એપ્લિકેશનમાં સુરત આવવા અંગે એપ્લિકેશન કરવાની રહેશે. તેમણે એસોસીએશનના કુલ 500 મેમ્બર્સ પૈકી ઓછામાં ઓછા કોઇપણ 8 મેમ્બરની ફેક્ટરી, ઓફિસ, શોરૂમ વગેરેની વિઝિટ કરવાની રહેશે. ઓછામાં ઓછા આઠ જુદી જુદી પેઢીના ખરીદારો હશે તો તેમને સુરત આવવાનો તમામ ખર્ચ, સુરતમાં હોટેલ સ્ટે, સુરતમાં આંતરીક ટ્રાન્સપોર્ટેશન, ફેક્ટરી વિઝિટ વગેરે તમામનો ખર્ચ એસોસીએશનના મેનેજ કરશે. એસોસીએશનને મુલાકાતીઓને ખર્ચો એવી ફેક્ટરીના માલિકો ચૂકવશે જેની મુલાકાતે વિદેશી-દેશી ખરીદારો ગયા હોય. આમ આ રીતે માત્ર એક્ષ્પો પૂરતા નહીં પણ આખું વર્ષ દેશ વિદેશના ઝવેરાત ખરીદારો સુરત આવતા રહે તે પ્રમાણેની સ્કીમ એસ.જે.એમ.એ. ગ્લોબલ કનેક્ટ 365 લોંચ કરવામાં આવી છે.

IDI Certification

ઝવેરાત એક્ષ્પો રૂટ્ઝમાં સુમુલડેરી સ્થિત ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટ દ્વારા જ્વેલરી સર્ટિફિકેશન પ્રોજેક્ટ લોંચ કરવામાં આવ્યો છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન અને ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટ વચ્ચે તાજેતરમાં જ એમ.ઓ.યુ. સાઇન થયા છે.

રૂટ્ઝ 2025ના ઉદઘાટન સમારોહમાં મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના ઝવેરાત એક્સો રૂટ્ઝની 5મી એડિશનનો આજે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આરંભ કરવામાં આવ્યો હતો. આજે પહેલા જ દિવસે ભારતના જુદા જુદા શહેરો ઉપરાંત દુબઇ, અબુધાબી, શારજાહ, અમેરીકા જેવા દેશોમાંથી આવેલા ખરીદારો બોલી ઉઠ્યા હતા કે મુંબઇના ઝવેરાત ઉત્પાદકોને જોરદાર ટક્કર આપી રહ્યા છે સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ. રૂટ્ઝ 2025 એક્ઝિબિશનની ખાસિયત એ છે કે ઝવેરાત ખરીદવા માટે આવી રહેલા દેશ વિદેશના ખરીદારોને જુદા જુદા દાગીનાની પસંદગી કરવા માટે 75 હજારથી વધુ ડિઝાઇનોની વિશાળ રેન્જ મળી રહી છે. 150 જેટલા સુરતના ઝવેરાત ઉત્પાદકો રૂટ્ઝ એક્ષ્પોમાં પોતાની જ્વેલરી ડિસ્પ્લે કરી રહ્યા છે પણ રેર કેસમાં તેમના આર્ટિકલ્સની ડિઝાઇન રિપીટ કે ડુપ્લિકેશનમાં જોવા મળી રહી છે.

દુબઇની એક જ્વેલરી બ્રાન્ડ માટે ખરીદા કરવા રૂટ્ઝમાં આવેલા વિલ્સને મિડીયા કર્મીઓને કહ્યું કે ત્રણેક વર્ષ અગાઉ સુધી તેઓ મુંબઇના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ પાસેથી આર્ટિકલ્સ ખરીદતા આવ્યા હતા પરંતુ, જ્યારથી તેઓ રૂટ્સના સંપર્કમાં આવ્યા ત્યારથી સુરતમાં ક્લાયન્ટ બેઝ સ્થાપિત કર્યો છે અને તેઓ કમસેકમ 15થી 20 કિલો વજનના સોનાના દાગીનાની દર વર્ષે ખરીદી કરી રહ્યા છે. તેઓ જુદા જુદા આર્ટિકલ્સની 100થી 150 નંગ ખરીદી કરે છે. તેમણે જણાવ્યું કે સુરતના ઝવેરાત ઉત્પાદકો પાસે જે રેન્જ અને ઇનોવેશન છે એ વર્તમાન યંગ જનરેશનમાં આકર્ષણ ઉભું કરી શકવા સમર્થ છે. સુરતમાં તોલા કે ગ્રામમાં નહીં પણ વર્ષે 50થી 70 કિલો વજનના સોનાના દાગીના બનાવીને વેચનારાઓ પણ પડ્યા છે.

રૂટ્ઝ એક્ઝિબિશનના ચેરમેન જયંતિ સાવલિયાએ કહ્યું કે એકલા ભારતમાં નહીં હવે તો સુરતના ઝવેરાત ઉત્પાદકો દુનિયાભરમાં દાગીના સપ્લાય કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ઝવેરાત ઉત્પાદકોએ બનાવેલા આર્ટિકલ્સ સસ્તા પડે છે અને ડિઝાઇન અફલાતૂન હોય છે. સામાન્ય રીતે 1 ગ્રામની ઘડામણ રિટેલ માર્કેટમાં રૂ.3 હજારથી લઇને રૂ.3500 હોય છે, જ્યારે ઝવેરાત ઉત્પાદકો ઓર્ડરથી માલ બનાવે છે ત્યારે તે કલ્પના કરતા પણ ઓછી થઇ જાય છે. તેમણે કહ્યું કે સોનાના ભાવ ભલે રૂ.1.30 લાખની આસપાસ હોય પરંતુ, લોકો ક્યારેય દાગીના પહેરવાનું કે સોનું ખરીદવાનું બંધ કરતા નથી હોતા. હાલમાં 14 કેરેટની ગોલ્ડ ડાયમંડ સ્ટડેડ જ્વેલરીના સારા ઓર્ડરો મળી રહ્યા છે.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખ અમિત કોરાટ કહે છે કે તેમના એસોસીએશન સાથે સંકળાયેલા તમામ મેમ્બર્સને લાભ થાય એ માટે હવે એસ.જે.એમ.એ. 365 ગ્લોબલ કનેક્ટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં લોંચ કરી રહ્યા છે. જેનાથી દેશ વિદેશના ખરીદારો એકલા એક્ઝિબિશન પૂરતા નહીં પણ સમગ્ર વર્ષ દરમિયાન ઝવેરાત ઉત્પાદકોની ફેક્ટરીથી લઇને ઓફિસની મુલાકાતે આવતા જોવા મળશે.

November 27, 2025
image-25.png
1min27

ભારતીય શેરબજારે આજે 27/11/25 ગુરુવારે ઇતિહાસ રચી દીધો છે. લગભગ 14 મહિનાની લાંબી રાહ જોયા બાદ, નિફ્ટી 50 ઇન્ડેક્સ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરને પાર કરી ગયો છે, જેના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. બજારમાં આવેલી આ તેજીને પગલે રોકાણકારોની સંપત્તિમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

27/11/2025 સવારના કારોબારમાં નિફ્ટી લગભગ 90 પોઈન્ટના ઉછાળા સાથે 26,295.55ની નવી ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો હતો. આ પહેલા, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નિફ્ટીએ 26,277.35નો ઓલ-ટાઇમ હાઈ બનાવ્યો હતો, જેની નીચે તે છેલ્લા 14 મહિનાથી ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, સેન્સેક્સ હજુ તેના રેકોર્ડ હાઈથી થોડો દૂર છે. સેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથે 85,912.94 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે તેનો ઓલ-ટાઇમ હાઈ 85,978.25 છે.

BSEના ટોપ 30 શેરોમાંથી 19 શેરોમાં તેજી જોવા મળી રહી છે, જ્યારે 11 શેરો ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેર ટોપ પર્ફોર્મર રહ્યા છે, જ્યારે ઝોમેટો અને કોટક મહિન્દ્રા બેન્કના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સેક્ટરની વાત કરીએ તો, પીએસયુ બેંક, કન્ઝ્યુમર્સ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરને બાદ કરતાં બાકીના તમામ સેક્ટરમાં સારી ખરીદી જોવા મળી રહી છે.

આ શેરોમાં જોવા મળી શાનદાર તેજી:

ગણેશ હાઉસિંગ અને પટેલ એન્જિનિયરિંગના શેરમાં 10%થી વધુનો ઉછાળો છે.

ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) અને જિલેટ ઈન્ડિયાના શેરમાં 5%ની તેજી છે.

તેજસ નેટવર્ક્સ 4%થી વધુ, જ્યારે સ્વાન કોર્પોરેશન 2% વધ્યો છે.

આ સિવાય ટાટા પાવર, બજાજ ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સના શેરમાં 1.5%નો ઉછાળો જોવા મળી રહ્યો છે.

બજારની એકંદરે સ્થિતિ

બીએસઈ પર કુલ 3,321 શેરોમાંથી 1,853 શેરો તેજી સાથે અને 1,262 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. 85 શેરોમાં અપર સર્કિટ લાગી છે, જ્યારે 60 શેરોમાં લોઅર સર્કિટ લાગી છે. 60 શેરોએ તેમની 52-સપ્તાહની નવી ટોચ બનાવી છે.

November 22, 2025
image-16.png
1min30

ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. સીંગતેલ ઉપરાંત કપાસીયા તેલ, પામોલીન, વનસ્પતિ ઘીના ભાવ પણ બેફામ વધારો થયો છે. ખાદ્યતેલના વધતા ભાવ લોકોથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અમદાવાદ ખાતે સીંગતેલ (નવો ડબ્બો)નો ભાવ અમદાવાદ ખાતે 15 કિલો સીંગતેલ નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2600, ઉપરમાં રૂપિયા 2650 રહ્યા હતા. જ્યારે સીંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 2400 રહ્યા હતા.

સીંગતેલ સહિત અન્ય ખાદ્યતેલના ભાવમાં વધારો

અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2250 અને ઊંચામાં રૂપિયા 2350 રહ્યાં હતા. જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2280 હતો. દિવેલનો ભાવ રૂપિયા 2250 રહ્યો હતો.

પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2150

અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2150, કોપરેટ રૂપિયા 5800, સરસીયુ મોળું રૂપિયા 2470, સરસીયુ તીખુ રૂપિયા 2600 રહ્યા હતા. 15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2280, મકાઈ તેલ 15 લીટરમાં રૂપિયા 2100, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 700થી રૂપિયા 730 રેન્જમાં કામકાજ ધરાવતા હતા. જ્યારે સીંગતેલ 5 લીટરનો ભાવ રૂપિયા 750થી રૂપિયા 790 વચ્ચે રહ્યો હતો.

November 22, 2025
indian-rupee-vs-us-dollar-symbols-HY0EN3-1280x993.jpg
1min19

Date 21/11/25 વિદેશી હુંડીયામણ બજારમાં આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ૮૯.૪૯ના નવા તળીયે પટકાયો હતો. જોકે, કામકાજના અંતે તે ૮૯.૪૨ના મથારે બંધ રહ્યો હતો. ડોલરના ભાવ આજે રૂપિયા સામે ઝડપી ૭૧ પૈસા વધી જતાં ડોલર સામે રૂપિયો ૦.૭૯ ટકા ગબડયો હતોે.

શેરબજાર તૂટતાં કરન્સી બજારમાં આજે રૂપિયા પર દબાણ વધ્યું હતું સામે રૂપિયાને તૂટતો અટકાવવા માટે રિઝર્વ બેન્કના પ્રયત્નો પણ આજે અપેક્ષા કરતાં ધીમા રહ્યા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ડોલરના ભાવ રૂ.૮૮.૭૧ વાળા આજે સવારેે રૂ.૮૮.૬૯ ખુલી નીચામાં ભાવ રૂ.૮૮.૬૦ સુધી ઉતર્યા પછી ભાવ ઝડપી ઉછળી ઉંચામાં રૂ.૮૯ની સપાટી પાર કરી રૂ.૮૯.૪૯ની નવી ટોચ બતાવી છેલ્લે રૂ.૮૯.૪૨ બંધ રહ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ તૂટતાં ઘરઆંગણે કરન્સી બજારમાં આજે આરંભના સોદાઓમાં ડોલર સામે રૂપિયો ઉંચો રહ્યો હતો પરંતુ ત્યારબાદ શેરબજાર તૂટતાં રૂપિયો બપોર પછી ઝડપી ગબડતો જોવા મળ્યો હતો. દરમિયાન, કરન્સી બજારમાં ચર્ચાતી વાતો મુજબ ઈરાનના ક્રૂડ ઓઈલના ટ્રેડના સંદતર્ભમાં અમેરિકાએ ભારતની અમુક કંપનીઓ સામે વિવિધ અંકુશો લાદતાં કરન્સી બજારમાં રૂપિયામાં તીવ્ર પીછેહટ દેખાઈ હતી.

આ પૂર્વે રૂપિયામાં રૂ.૮૮.૮૦ના તળિયાના ભાવ સપ્ટેમ્બરમાં દેખાયા હતા અને આજે રૂપિયો ઝડપી તૂટી રૂ.૮૯ના નવા તળિયાને તોડી રૂ.૮૯.૪૯ સુધી ઉતરી જતાં કરન્સી બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળતાં દેશમાં આયાત થતી વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ હવે વધી જશે તથા તેના પગલે ફુગાવો તથા મોંઘવારી વધી જવાની ભીતિ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

ભારતમાં વેપાર ખાધ વધતાં તથા નિકાસમાં ઘટાડો નોંધાતાં તેની અસર પણ રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી. સોનાની આયાત વધતાં તેની અસર પણ કરન્સી બજાર પર દેખાઈ હતી. દરમિયાન, ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરારમાં થઈ રહેલા વિલંબના પગલે પણ રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં આગળ ઉપર વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા ઘટતાં તેની અસર ડોલર પર પોઝીટીવ તથા રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી. આગળ ઉપર ડોલરના ભાવ વધુ વધી રૂ.૯૦ થઈ જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી ઉંચામાં ૧૦૨થી ૧૦૩ સુધી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દેશમાંથી ડોલરનો આઉટફલો પણ વધ્યાની ચર્ચા બજારમાં આજે સંભળાઈ હતી.

ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૦.૧૯ થઈ ૧૦૦.૦૭ રહ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૧ પૈસા વધી ૧૧૬.૧૩ રહ્યા હતા જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૧૯ પૈસા વધી રૂ.૧૦૨.૪૫ રહ્યા હતા. જાપાનની કરન્સી આજે ૦.૩૩ ટકા ઘટી હતી.ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૦૭ ટકા ઉંચકાઈ હતી.

November 7, 2025
sensex_down.jpg
1min26

શેરબજાર માટે 7/11/25 શુક્રવાર ફરી બ્લેક ફ્રાઇડ બની રહ્યો છે. એશિયન શેરબજારના નકારાત્મક સંકેત અને FIIની વેચવાલીથી શુક્રવારે સેન્સેક્સ 161 પોઇન્ટ ઘટી 83,150 ખુલ્યો હતો. શેરબજારમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 82690 લેવલ નીચે ઉતરી ગયો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,509 લેવલથી નીચા ગેપમાં આજે 25433 ખુલ્યો હતો.

ડોલર સામે રૂપિયો ઘટાડે ખુલ્યો

શુક્રવારે યુએસ ડોલર સામે ભારતીયો રૂપિયો ઘટીને 88.66 ખુલ્યો હતો. ગુરુવારે રૂપિયાનો બંધ ભાવ 82.62 હતો.

ઈન્ફોસિસ શેર બાયબેક રેકોર્ડ ડેટ જાહેર

ઈન્ફોસિસ કંપનીએ તેના 18000 કરોડ રૂપિયાના શેર બાયબેક માટે રેકોર્ડ ડેટ 14 નવેમ્બર જાહેર કરી છે. આ તારીખ સુધી જે શેરધારકોના નામ શેરના લાભાર્થી માલિક તરીકે રજિસ્ટર ઓફ મેમ્બર ઓફ ધ કંપની કે ડિપોઝિટરીના રેકોર્ડમાં હશે, તે શેર બાયબેકમાં ભાગ લઇ શકશે. આ કંપનીનું અત્યાર સુધીનું સૌથી મોટું શેર બાયબેક છે. આજે બીએસઇ પર ઇન્ફોસિસનો શર પોણો ટકા ઘટી 1455 રૂપિયા બોલાતો હતો.

October 27, 2025
image-17-1280x720.png
1min397

અન્ય રાજ્યોમાંથી પ્રવેશ કરતા વાહનો પર ઉત્તરાખંડ સરકારે ગ્રીન ટેક્સ નાખ્યો છે. નાના વાહનો પર ૮૦ રૂપિયા જ્યારે ટ્રક જેવા હેવી વાહનો પર ૭૦૦ રૂપિયા ગ્રીન ટેક્સ લાગશે. રાજ્યના સરહદી વિસ્તારોમાં આશરે ૩૭ જેટલા કેમેરા લગાવાયા છે. જે વાહનોની અવરજવર પર નજર રાખશે. કેમેરા દ્વારા મેળવાયેલા ડેટા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પહોંચાડાશે. જે બાદ ઓટોમેટિક સિસ્ટમથી ટેક્સ વસુલી લેવાશે. 

આ ડિસેમ્બર મહિનાથી ઉત્તરાખંડમાં પ્રવેશ કરનારા અન્ય રાજ્યના વાહનો પર ગ્રીન સેસ કે ટેક્સ લાગશે, પર્યાવરણને ધ્યાનમા ંરાખીને રાજ્ય સરકાર દ્વારા આ વસૂલાત કરવાનો નિર્ણય લેવાયો છે. ઉત્તરાખંડમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે જ્યાં બહારથી હજારો વાહનો આવતા જતા હોય છે. જોકે હવે બહારના આ વાહનો પર રૂપિયા ૮૦થી ૭૦૦ સુધી ટેક્સ લાગશે. કાર જેવા નાના વાહનો પર ૮૦ રૂપિયા, નાના માલ વાહક વાહન પર ૨૫૦ રૂપિયા, બસો પર ૧૪૦ રૂપિયા અને ટ્રકો પર વજન મુજબ ૧૨૦થી ૭૦૦ રૂપિયા સુધીનો આ ગ્રીન સેસ લાગશે. 

જે પણ વાહનો ઉત્તરાખંડ રાજ્યમાં જ નોંધાયેલા હશે તેમને ફિલ્ટર કરીને ગ્રીન ટેક્સમાંથી બાકાત કરી દેવાશે જ્યારે ઉત્તરાખંડ બહાર નોંધાયેલા વાહનોને કેમેરામાં કેદ કરીને સોફ્ટવેરની મદદથી એનપીસીઆઇ ડેટાબેઝમાં મોકલવામાં આવશે. જ્યાંથી આપમેળે જ ફાસ્ટેગથી ઓટોમેટિક આ ટેક્સ કપાઇ જશે. આશરે ૩૭ જેટલા સ્થળો પર ઓટોમેટેડ નંબર પ્લેટ રિકગ્નિશન (એએનપીઆર) કેમેરા લગાવવામાં આવ્યા છે. ઉત્તરાખંડ સરકારનું અનુમાન છે કે આ ગ્રીન સેસની મદદથી રાજ્ય સરકારને દર વર્ષે આશલે ૧૦૦થી ૧૫૦ કરોડ રૂપિયાની આવક થશે. ગ્રીન સેસની વસુલાત માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જોકે ટુ વ્હીલર, ઇલેક્ટ્રિક વાહનો, સીએનજી વાહનો, સરકારી વાહનો, એમ્બ્યુલંસ, ફાયર બ્રિગેડ વગેરે વાહનોને આ ટેક્સમાંથી છૂટ આપવામાં આવી છે. જો કોઇ વાહન ૨૪ કલાકમાં બીજી વખત રાજ્યમાં પ્રવેશ કરશે તો તેને ફરી આ ગ્રીન સેસ નહીં આપવો પડે.    

October 27, 2025
image-16-1280x720.png
1min320

ભારત અને મુખ્ય ભૂમિ ચીન વચ્ચે 5 વર્ષ પછી ગતરોજ તા.26મી ઓક્ટોબરને રવિવારે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ થઇ ચૂકી છે, ઇન્ડિગોની ફ્લાઇટ રવિવારે રાત્રે 10 વાગ્યે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ઉડાન ભરી હતી. કોવિડ-19 ને વૈશ્વિક રોગચાળો જાહેર કરવામાં આવ્યો તે પહેલાં, 2020ની શરૂઆતથી, ચીનના ખાસ વહીવટી ક્ષેત્ર હોંગકોંગ સિવાય, દેશો વચ્ચેની એરલાઇન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.

Dated 26/10/2025 રવિવારે રાત્રે 10 કલાકે કોલકાતાથી ઉડાન ભરનારી ઈન્ડિગોની ફ્લાઇટ 6E 1703 એ તા.27મી ઓક્ટોબરને સોમવારે વહેલી સવારે દક્ષિણ ચીનના શહેર ગુઆંગઝુ શહેરના એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું, આ ફ્લાઇટમાં લગભગ 180 મુસાફરો ભારતથી ચીન પહોંચ્યા હતા.

સૌથી મોટો ફાયદો સુરતના હીરા અને ટેક્ષટાઇલ ઉદ્યોગકારોને

સુરતના ટેક્ષટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ચીનના વેપારીઓ, ઉત્પાદકો સાથે સીધો વેપાર ચાલી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ ન હોવાના કારણે સુરતના વેપારીઓએ વાયા હોંગકોંગ કે થાઇલેન્ડ કે સિંગાપોર થઇને ચીનના ગંતવ્ય સ્થાને પહોંચવું પડતું હતું. સુરતના ઉદ્યોગકારો માટે આ પ્રકારે વાયા ફ્લાઇટથી ચીન પહોંચવું ખર્ચાળ પણ હતું અને સમય વ્યય કરનારું પણ નિવડતું હતું. પરંતુ, હવે ભારતમાં કોલકાત્તા અને આગામી દિવસોમાં દિલ્હીથી ચીનની સીધી ફ્લાઇટ શરૂ થવાની હોઇ સુરતના ઉદ્યોગકારોને મોટો ફાયદો છે.

સુરતના અનેક વેપારીઓ ચીનના લેબગ્રોન ડાયમંડના ખરીદારો છે. એથી વિશેષ ટેક્ષટાઇલ ઉદ્યોગકારો એરજેટ, વોટરજેટ, રેપીયર જેકાર્ડ જેવી મશીનરી તેમજ સ્પેરપાર્ટસ માટે નિયમિત રીતે ચીનની મુલાકાતે જતા હોય છે. એવી જ રીતે જ્વેલરી વિક્રેતાઓ પણ નિયમિત રીતે ચીન અવરજવર કરતા હોય છે તેમના માટે ભારતથી ચીનની ડાયરેક્ટ ફ્લાઇટ અત્યંત ઉપયોગી બની રહેશે.

ટિકીટનો ભાવ રૂ.35 હજારની આસપાસ

ઇન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પીટર એલ્બર્સે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “અમને ભારત અને મુખ્ય ભૂમિ ચીન વચ્ચે દૈનિક, નોન-સ્ટોપ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે. અમને ભારતના બે બિંદુઓથી ચીન સાથે સીધી કનેક્ટિવિટી ફરી શરૂ કરનારા પ્રથમ દેશોમાં સામેલ થવાનો ગર્વ છે. આનાથી ફરી એકવાર લોકો, માલસામાન અને વિચારોની અવરજવર સરળ બનશે, સાથે સાથે વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પણ મજબૂત બનશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલા સાથે, અમે ચીનમાં વધુ સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.”

ઇન્ડિગો વેબસાઇટ મુજબ, સોમવારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ચીનના ગુઆંગઝુ શહેરની ફ્લાઇટ ટિકિટની કિંમત રૂ. 35,673 હશે. કિંમતમાં વધઘટ થવાની શક્યતા છે.

October 14, 2025
gold-silver.jpeg
1min71

દુનિયાના અનેક દેશો પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જંગી ટેરિફના કારણે દરેક દેશોના અર્થતંત્ર ડામાડોળ થઈ ગયા છે. વધુમાં ટ્રમ્પે ગયા સપ્તાહે ચીન પર વધારે ૧૦૦ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે, જેના પગલે સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયેલો છે. આ સિવાય અમેરિકામાં ચાલુ રહેલા શટ ડાઉન, ફ્રાન્સમાં રાજકીય કટોકટી તથા ડોલરમાં નબળાઈને કારણે વૈશ્વિક સોના અને ચાંદીના ભાવમાં

સપ્તાહના પ્રારંભમાં જ સોમવારે જંગી ઉછાળો જોવા મળ્યો હતો. દિલ્હી બુલિયન બજારમાં સોમવારે ચાંદી રૂ. ૧,૭૯,૦૦૦ની ટોચે પહોંચી હતી. જ્યારે અમદાવાદ સોના- ચાંદી બજારમાં ચાંદી રૂ. ૧,૭૫,૦૦૦ પહોંચી હતી મુંબઈ બુલિયન માર્કેટમાં ચાંદી રૂ. ૧,૭૫,૩૨૫ રહી હતી. જે ૩ ટકા જીએસટી સાથે રૂ. ૧,૮૦,૫૮૪ની સપાટીએ પહોંચી હતી. વિશ્વબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સોનામાં પ્રતિ ઔંસ ૬૫ ડોલર વધુ ઉછળીને ૪૦૮૦ ડોલર બોલાતુ હતું. આ અહેવાલોના પગલે ઘરઆંગણે પણ ધનતેરસ પહેલા જ બન્ને કિંમતી ધાતુના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. બીજીબાજુ, ચાંદી ઔંસ દીઠ ૫૧.૬૭ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમમાં ૪૫ ડોલર વધી ૧૬૪૨ ડોલર જ્યારે પેલેડિયમ ૪૨ ડોલર વધી ઔંસ દીઠ ૧૪૪૮ ડોલર મુકાતુ હતું. દિવાળી પૂર્વે વિશ્વ બજારમાં ભાવ ઊંચા ટકી રહ્યાનું સ્થાનિક બજારના સુત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં ભાવને ટેકો મળી રહે છે.

અમદાવાદ સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૦૦ વધી ૧,૨૯,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૨૮,૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૫૦૦૦ વધી ૧,૭૫,૦૦૦ મુકાતા હતા. કામકાજના છેલ્લા ત્રણ દિવસમાં ચાદીમાં રૂ. ૧૫,૦૦૦નો ઉછાળો નોંધાયો છે.

મુંબઈ ઝવેરી બજારમાં કિંમતી ધાતુ વધી રહી છે. ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના સત્તાવાર ભાવ જે શુક્રવારે રૂપિયા ૧,૨૧,૫૨૫ રહ્યા હતા તે સપ્તાહના પ્રથમ દિવસે રૂપિયા ૨૬૩૦ વધી રૂપિયા ૧,૨૪,૧૫૫ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૨૭,૮૭૮ બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૩,૬૫૮ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. મુંબઈ ચાંદી જે શુક્રવારે જીએસટી વગર .૯૯૯ના પ્રતિ કિલો રૂપિયા ૧,૬૪,૫૦૦ હતા તે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે રૂપિયા ૧૦૮૨૫ વધી રૂપિયા ૧,૭૫,૩૨૫ મુકાતા હતા. સોમવારે જીએસટી સાથે ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૮૦,૫૮૪ કવોટ થતા હતા.

દિલ્હી સોના-ચાંદી બજાર ખાતે આજે ચાંદી રૂ. ૭૫૦૦ ઉછળીને રૂ. ૧,૭૯,૦૦૦ મુકાતી હતી. જ્યારે સોનું રૂ. ૧૯૫૦ વધીને રૂ. ૧,૨૭,૩૫૦ મૂકાતું હતું.

હમાસ-ઈઝરાયલ યુદ્ધવિરામમાં આગળ વધતા ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૫૯.૫૧ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૪ડોલરની અંદર ઊતરી પ્રતિ બેરલ ૬૩.૩૩ડોલર મુકાતું હતું. ગાઝા- ઈઝરાયલ યુદ્ધ વિરામથી મધ્ય પૂર્વના વિસ્તારો ખાતેથી ક્રુડ તેલનો પૂરવઠો વધશે તેવી ધારણાંએ ભાવમાં સ્થિરતા જળવાઈ રહી હતી.

અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર લાદેલા ટેરિફ મુદ્દે હળવું વલણ અપનાવતા અમેરિકન શેરબજારમાં આજે કામકાજના પ્રારંભે તેજી જોવા મળી હતી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પોસ્ટમાં લખ્યું હતું કે ચીન વિશે ચિંતા કરશો નહીં, બધું સારું થઈ જશે. યુએસએ ચીનને મદદ કરવા માંગે છે, તેને નુકસાન પહોંચાડવા નહીં. આ અહેવાલો પાછળ આજે અમેરિકન શેરબજારમાં કામકાજના પ્રારંભે ડાઉ જોન્સ ૫૯૨ પોઈન્ટ ઉછળીને ૪૬,૦૭૨ પહોંચ્યો હતો. જયારે નાસ્ડેક કમ્પોઝિટ ૪૭૩ પોઈન્ટ ઉછળીને ૨૨,૬૭૮ કાર્યરત હતો.

October 13, 2025
image-12-1280x816.png
1min88

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કર્યાના નવ વર્ષ બાદ સરકાર દ્વારા GST સ્લેબમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાના કારણે લોકોની બચત થશે અને દિવાળી સુધરશે એવો સરકારે દાવો કર્યો હતો, પરંતુ જીએસટી સ્લેબમાં થયેલા સુધારાથી ફટાકડા વેચનારા લોકોની દિવાળી સુધરે એવું લાગતું નથી. દિવાળીને અઠવાડિયું બાકી હોવા છતાં પણ ફટાકડાના ઉદ્યોગોમાં હજુ લોકોમાં ઉત્સાહ જોવા મળતો નથી. જાણીએ શું છે માર્કેટનો હાલ.

22 સપ્ટેમ્બર 2025 પહેલા GSTના ચાર સ્લેબ અમલમાં હતા, જેમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાનો સમાવેશ થતો હતો. પરંતુ 22 સપ્ટેમ્બર 2025થી માત્ર 5 ટકા અને 18 ટકા સ્લેબને અમલમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, GST સ્લેબમાં ફેરફારથી દિવાળીના ટાણે પણ ફટાકટા ઉદ્યોગમાં કોઈ બરકત થઈ નથી, એવું ફટાકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું.

GST રિફોર્મમાં મોટાભાગના ઉત્પાદનોને 28 ટકા સ્લેબમાંથી 18 ટકા સુધી ખસેડવામાં આવ્યા છે. આ સુધારાથી ફટાકડા ઉદ્યોગમાં પણ 18 ટકાથી 5 ટકા સુધીનો ઘટાડો થાયની એવી વેપારીઓ આશા રાખી રહ્યા હતા, પરંતુ તેમની આ આશા પર પાણી ફરી વળ્યું છે. ફટાકડા હજી પણ 18 ટકાના ઊંચા ટેક્સ સ્લેબમાં છે, જેથી અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં આ દિવાળીએ ફટાકડાના ભાવોમાં 30 ટકાથી 50 ટકા જેટલો વધારો જોવા મળશે.

ફટાકડા ઉદ્યોગની હાલની પરિસ્થિતિને લઈને અમદાવાદમાં ફટાકડાની દુકાન ચલાવતા એક વેપારીના જણાવ્યાનુસાર, ભારે વરસાદ અને ઓછા પુરવઠાને કારણે ગત વર્ષની સરખામણીમાં આ દિવાળીએ ફટાકડા 50 ટકા મોંઘા થઈ ગયા છે. દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પૂરતું વેચાણ થશે કે નહીં, એને લઈને અમે ચિંતિત છીએ. જ્યારે ફટાકડાના અન્ય એક વેપારીના જણાવ્યાનુસાર આ વર્ષે ફટાકડાના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. જોકે, હાલ ફટાકડાનો પૂરવઠો અને વેચાણ ખૂબ ઓછું છે. આગામી અઠવાડિયાથી ખરીદી વધે તેવી આશા છે.

ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ચેમ્બર્સ (FAIVM)ના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું કે ટેક્સ સ્લેબ એકમાત્ર પડકાર નથી, પરંતુ ફટાકડા ઉદ્યોગ મોટે ભાગે અસંગઠિત રહે છે અને MRP પર કોઈ નિયંત્રણ નથી. પેકેટ પર છાપેલી કિંમત કરતાં ઉત્પાદનો ઘણા સસ્તા ભાવે વેચાય છે. MRP માત્ર એક નજીવી રકમ છે. ગ્રાહકો ભાવતાલ કરીને જ ફટાકડા ખરીદે છે.

ફટાકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓના મતાનુસાર મોટા ભાગના પરિવારો ફટાકડા માટે રૂ. 1,000થી રૂ. 3,000નું બજેટ ધરાવે છે. મલ્ટિકલર સ્કાયશોટ યુવાનોમાં વધુ લોકપ્રિય છે અને તે મોંઘા હોય છે. જોકે, સ્કાયશોટની કિંમતો 60 શોટ માટે રૂ. 1,150થી લઈને 1,000 શોટ માટે રૂ. 18,000 સુધીની હોય છે. અન્ય ફટાકડાની કિંમત રૂ. 50થી રૂ. 22,000 સુધીની હોય છે, જે તેના પ્રકાર અને બ્રાન્ડ પર આધાર રાખે છે. આ સિવાય સ્પાર્કલર્સ, પેન્સિલ ક્રેકર્સ અને ચકરી જેવા નાના ફટાકડા બાળકોમાં લોકપ્રિય છે.