ડ્રગ્સ કેસમાં ફસાયેલો શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી અંગે તા.27મી ઓક્ટોબર 2021ના રોજ પણ કોઇ નિર્ણય આવ્યો ન હતો. બોમ્બે હાઈકોર્ટે આર્યનના જામીન અંગે સુનાવણી આજે તા.28 ઓક્ટોબરને ગુરુવાર માટે મુલતવી રાખી છે. આજે તા.28મી ઓક્ટોબરને ગુરુવારે બપોરે 2.30 વાગ્યા પછી કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવશે. સુનાવણી ટળતાં આર્યનને આર્થર રોડ જેલમાં રાત વિતાવવી પડી હતી.
આર્યન ખાનની જામીન અરજી અંગે તા.27મી ઓક્ટોબરે સુનાવણી પૂરી થઈ ગઈ હતી. વકીલ અમિત દેસાઈ અને મુકુલ રોહતગીએ જજ સાંબ્રે સમક્ષ જામીનની તરફેણમાં કોર્ટમાં તેમની દલીલો રજૂ કરી હતી. તા.27મીએ કોર્ટમાં અરબાઝ મર્ચન્ટનો કેસ લડી રહેલા વકીલ અમિત દેસાઈએ આર્યન ખાનના જામીનનો પક્ષ રાખીને પોતાની દલીલો શરૂ કરી હતી. જ્યારે આર્યનના વકીલ મુકુલ રોહતગીએ પણ એનસીબી દ્વારા આર્યનની ધરપકડના આધાર પર વાત મૂકી હતી.
વકીલ અમિત દેસાઈએ જામીનની તરફેણમાં દલીલ કરતાં કહ્યું કે, તમે આર્યન ખાનનો અરેસ્ટ મેમો જુઓ. NCB પાસે ધરપકડ માટે નક્કર પુરાવા નથી. ધરપકડ એવા ગુના માટે કરવામાં આવી છે જે બન્યો જ નથી. અરબાઝ પાસેથી માત્ર 6 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. NCB જે ષડયંત્રની વાત કરી રહ્યું છે તેને સાબિત કરવા માટે NCBએ કોર્ટ સમક્ષ વોટ્સએપ ચેટ રજૂ કરી છે. આ ચેટ્સને ધરપકડ સાથે કોઈ લેવાદેવા નથી. 65B હેઠળ કોર્ટમાં એનસીબીના આ પૂરાવા માન્ય નથી.
જ્યારે વકીલ મુકુલ રોહતગીએ સુનાવણી દરમિયાન જામીન મંજૂર કરવાની હિમાયત કરતાં કહ્યું હતું કે, આરોપી ગ્રાહક ન હતો, આરોપી પાસેથી કોઈ વસૂલાત (નશીલા પદાર્થ) થઇ નથી. તેણે ડ્રગ્સનું સેવન પણ કર્યું ન હતું, તેથી તેની ધરપકડ જ ખોટી હતી.
દક્ષિણના સુપરસ્ટાર રજનીકાન્તને સોમવારે દેશના સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે ફિલ્મ એવૉર્ડથી નવાજવામાં આવ્યો હતો. ૬૭મા નેશનલ ફિલ્મ એવૉર્ડ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના હસ્તે રજનીકાન્તને આ એવૉર્ડ આપવામાં આવ્યો હતો. રજનીકાન્તને ૫૧મો દાદાસાહેબ ફાળકે એવૉર્ડ આપવામાં આવ્યો હતો.
મનોજ બાજપેયી, કંગના રનૌત અને ધનુષને શ્રેષ્ઠ અભિનય બદલ એવૉર્ડ આપવામાં આવ્યો હતો. નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે રજનીકાન્તે ઉપરાષ્ટ્રપતિ એમ. વોકૈયા નાયડુના હાથે આ એવૉર્ડ સ્વીકાર્યો હતો.
ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો તે અગાઉ રજનીકાન્ત બસ ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. રજનીકાન્તે તેના જૂના બસ ડ્રાઈવર મિત્રને આ એવૉર્ડ સમર્પિત કર્યો હતો. આ બસ ડ્રાઈવર મિત્રએ જ રજનીકાન્તને ફિલ્મમાં કામ કરવાનું સૂચન કર્યું હતું.
રજનીકાન્તની પ્રથમ ફિલ્મ અપૂર્વ રાગાન્ગલના દિવંગત નિર્માતા-નિર્દેશક કે. બાલાચંદર, ભાઈ સત્યનારાયણ રાવ તેમ જ અન્ય નિર્માતા, નિર્દેશક, થિયેટર માલિકો, ટૅક્નિશિયન અને પ્રશંસકોને દાદાસાહેબ ફળકે એવૉર્ડ સમર્પિત કર્યો હતો.
અસૂરન ફિલ્મમાં કરેલા અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેતાનો એવૉર્ડ મેળવનાર જમાઈ ધનુષ સાથે રજનીકાન્તે એવૉર્ડ સમારોહમાં હાજરી આપી હતી. રજનીકાન્તની પત્ની લતા અને ધનુષ સાથે પરણેલી પુત્રી ઐશ્ર્વર્યાએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી.
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આર્યન ઉપરાંત વધુ બે આરોપી અરબાઝ અને મુનમુન ધમેચાની અરજી પણ ફગાવી દેવામાં આવી છે. આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે હવે સેશન્સ કોર્ટમાં જામીન માટે અપીલ કરશે. હાલમાં આર્યનને આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, સતીશ માનશિંદેએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે. મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ અંગે જણાવવામાં આવ્યું કે, તેને આ કેસ સાંભળવાનો અને જામીન પર કાર્યવાહી કરવાનો અધિકાર નથી. આ મામલો સેશન્સ કોર્ટનો હતો, તેથી આર્યન અને અન્યના વકીલોએ સેશન્સ કોર્ટમાં જવું જોઈએ. સેશન કોર્ટમાં એનડીપીએસ એક્ટ હેઠળ જામીન અરજી કરવી પડશે. આવી સ્થિતિમાં હવે સતીશ માનશિંદે સહિત અન્ય વકીલો સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરશે.
એએસજી સિંહે પોતાની દલીલમાં કહ્યું હતું કે, એ વાત પર જરૂર ધ્યાન આપવું જોઇએ કે લોકો કેટલી સરળતાથી વાતોમાં આવી જાય છે અને શું આનાથી પુરાવા સાથે છેડછાડ થઇ શકે છે? તેમણે જણાવ્યું હતું કે આ કોઇ આઇસોલેટિડ કેસ નથી, આવામાં જામીનને કારણે કેસની તપાસ પર અસર પડી શકે છે.
મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે આર્યન ખાન અને અન્ય સાત લોકોને ડ્રગ્સ કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ક્રુઝ શિપ પર કથિત રેવ પાર્ટી દરમિયાન દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ઘણા લોકો પર ડ્રગ્સ લેવા અને તેની દાણચોરીમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કેસમાં આર્યન અને અન્ય કેટલાકની ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગૌરી ખાનનો આજે 8 ઓક્ટોબરે 51મો જન્મદિવસ છે. ગૌરી માટે તો તેના પોતાના જન્મદિવસ પર દીકરાને જામીન મળી જાય એ જ તેના માટે બેસ્ટ ગિફ્ટ હશે, પરંતુ આર્યનને જામીન મળ્યા નહીં. નોંધનીય છે કે, ગૌરીના બર્થડે પર મન્નતમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જોકે આર્યનની ધરપકડ બાદ આ સેલિબ્રેશન કેન્સલ કરાયું છે.
મુંબઇ બંદર નજીક મુંબઈ-ગોવા કોર્ડેલિયા ક્રૂઝ શિપ પર ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કરનારી નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીમે બોલીવૂડના અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. એનસીબીની ટીમે શનિવારે રાતે ક્રૂઝ પરથી બે મહિલા સહિત આઠ જણને તાબામાં લીધા હતા અને તેમની પાસેથી વિવિધ પ્રકારનાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. દરમિયાન ધરપકડ કરાયેલા ત્રણેયને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેમને એક દિવસની એનસીબી કસ્ટડી ફટકારાઇ હતી. દરમિયાન રાત્રે વધુ પાંચ લોકોની ધરપકડ કરાઈ હતી જેમાં ઈસ્મિત સિંહ, મોહક જયસ્વાલ, ગોમિત ચોપડા, નુપૂર સતિજા અને વિક્રાંત છોકરની પણ ધરપકડ કરવામાં આવી હતી.
એનસીબીના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વ હેઠળ અધિકારીઓની ટીમ મળેલી માહિતીને આધારે શનિવારે સાંજે મુંબઈ બંદરેથી નીકળેલી કોર્ડેલિયા ક્રૂઝ શિપ પર પહોંચી ગઇ હતી. દરમિયાન મધદરિયે પહોંચેલી ક્રૂઝ શિપ પર ડ્રગ્સ પાર્ટી શરૂ થયા બાદ એનસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
NCBએ મધરાતે આર્યન ખાન, મુનમુન ધામેચા, નુપૂર સતિજા, ઇસ્મિત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત છોકર, ગોમિત ચોપડા અને અરબાઝ મર્ચન્ટને તાબામાં લીધાં હતાં. તેમની પાસેથી ચરસ, કોકેઇન, એમડી (મેફેડ્રોન), એમડીએમએ અને એકસ્ટસી જેવા ડ્રગ્સ મળી આવ્યા હતા. તમામને બાદમાં એનસીબીની દક્ષિણ મુંબઈમાં આવેલી ઓફિસમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં કલાકો સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તાબામાં લીધેલા આઠેય જણ મોટા ઘરના નબીરાઓ હોવાથી એનસીબીની ઓફિસે તેમના વકીલોનું આવવાનું શરૂ થઇ ગયું હતું.
એનસીબીએ ડ્રગ્સ પાર્ટી પ્રકરણે એનડીપીએસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને રવિવારે સાંજના આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ તેમ જ મુનમુન ધામેચાની ધરપકડ કરાઇ હતી.
એનસીબીના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી દરમિયાન ૧૩ ગ્રામ કોકેઇન, પાંચ ગ્રામ એમડી, ૨૧ ગ્રામ ચરસ, એમડીએમએની ૨૨ ગોળી તથા ૧.૩૩ લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. ધરપકડ બાદ ત્રણેયને મેડિકલ માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા અને બાદમાં સાંજે કોર્ટમાં હાજર કરાયા હતા. આર્યન ખાન વતી જાણીતા એડવોકેટ સતીશ માનેશિંદે કોર્ટમાં હાજર રહ્યા હતા.
બોલીવુડ એક્ટર સોનુ સૂદના ઘરે dt 14/9/21, મંગળવારે ઈનકમ ટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સોનુ સૂદના મુંબઈમાં આવેલા અનેક ઠેકાણે ઈનકમ ટેક્સ વિભાગની આ કાર્યવાહી તા.15મી સપ્ટેમ્બરે પણ જારી હતી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને મળ્યા પછી હાથ ધરાયેલી આ કાર્યવાહીને બદલાની રાજનીતિ સાથે સરખાવવામાં આવી રહી છે.
જાણવા મળ્યા મુજબ, અકાઉન્ટ બુકમાં ગરબડના આરોપો પછી આઈટીની ટીમોએ સોનુ સૂદ અને તેની કંપનીઓ સાથે સંલગ્ન 6 સ્થળોએ સર્વે કર્યો છે.
થોડા દિવસ પહેલા દિલ્હી સરકારે સોનુ સૂદને સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંલગ્ન કાર્યક્રમનો બ્રાન્ડ એમ્બેસડર બનાવ્યો છે. આ દરમિયાન તે આમ આદમી પાર્ટીમાં સામેલ થવાની અટકળો પણ થઈ હતી. જેના પર સોનુ સૂદે કહ્યું હતું કે, દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તેની કોઈ રાજકીય વાતચીત નથી થઈ.
કોરોના કાળમાં લગાવાયેલા લોકડાઉન દરમિયાન સોનુ સૂદે પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવાનું સૌથી પહેલું બીડું ઉઠાવ્યું હતું. તે પછી સતત દેશભરના લોકોની મદદ કરતો રહ્યો છે. ઘણા રાજ્યોની સરકારોએ સોનુ સાથે કામ કરવા માટે હાથ મિલાવ્યા છે, જેમાં પંજાબ અને દિલ્હી સરકાર સામેલ છે. તે ઉપરાંત સોનુ ગુડવર્કર જોબ એપ, સ્કોલરશિપ પ્રોગ્રામ પણ ચલાવે છે. દેશમાં 16 શહેરોમાં ઓક્સીજન પ્લાન્ટ પણ લગાવી રહ્યો છે. કોરોના દરમિયાન કરાયેલા સોનુના માનવીય કામો માટે ફેન્સ તેને દેવદૂત કહે છે. સપ્ટેમ્બર 2002માં સુદને કોરોના મહામારી દરમિયાન તેના માનવીય કામો માટે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમે 2020 એસડીજી સ્પેશયલ હ્યુમેનિટેરિયન એક્શન એવોર્ડ આપ્યો હતો. હાલ તે દેશના દરેક લોકો માટે સૂદ ચેરિટી ફાઉન્ડેશન ચલાવી રહ્યો છે.
સોનુ હિંદી, તેલુગુ, ક્ન્નડ અને તમિલ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. ટૂંક સમયમાં જ તે એક પીરિયડ ડ્રામા પૃથ્વીરાજમાં જોવા મળશે. તે ઉપરાંત તે તેલુગુ એક્શન-ડ્રામા આચાર્યમાં પણ કામ કરી રહ્યો છે.
પોપ્યુલર ટીવી એક્ટર અને ‘બિગ બોસ 13’ના વિજેતા રહી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે. 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાનું વહેલી સવારે હાર્ટ અટેકના લીધે નિધન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સિદ્ધાર્થ શુક્લા રાત્રે દવા લઈને સૂઈ ગયો હતો પરંતુ દવા શેની હતી તેની કોઈ જાણકારી મળી નથી. સિદ્ધાર્થના મૃતદેહનું હાલ મુંબઈની કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાર્થ શુક્લાને કૂપર હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સિદ્ધાર્થ શુક્લા પોતાની પાછળ મા અને બે બહેનોને રડતા મૂકીને ગયો છે.
સિદ્ધાર્થ શુક્લા ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતો. તેણે ‘બિગ બોસ’ની 13મી સીઝન જીતી હતી. આ સિવાય ‘ખતરોં કે ખિલાડી 7’નો પણ વિજેતા રહી ચૂક્યો છે. સીરિયલ ‘બાલિકા વધૂ’ દ્વારા સિદ્ધાર્થે ઓળખ બનાવી હતી. જોકે, બિગ ‘બોસ 13’માં ભાગ લીધા પછી સિદ્ધાર્થની પ્રસિદ્ધિમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. ‘બિગ બોસ’ના ઘરમાં એક્ટ્રેસ-સિંગર શહેનાઝ ગિલ સાથેની તેની કેમેસ્ટ્રી ચર્ચામાં રહી હતી. ફેન્સને ‘સિદ્ધનાઝ’ની જોડી ખૂબ પસંદ હતી. થોડા સમય પહેલા જ સિદ્ધાર્થ અને શહેનાઝના કેટલાક મ્યૂઝિક વિડીયો આવ્યા હતા. જે પોપ્યુલર થયા હતા.
સિદ્ધાર્થના મોતની ખબર સાંભળીને આખી મનોરંજન ઈન્ડસ્ટ્રી શોકમાં છે. સેલેબ્સે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. સિદ્ધાર્થને શ્રદ્ધાંજલિ આપતાં એક્ટર ગૌતમ રોડેએ લખ્યું, “જિંદગી અણધારી છે. સિદ્ધાર્થના અવસાનના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો છે. વર્ણવી ના શકું એટલું દુઃખ થાય છે. તેના પરિવાર, મિત્રો અને ફેન્સને મારી સાંત્વના. તારી આત્માને શાંતિ મળે મારા મિત્ર.”
અશ્લીલ ફિલ્મોના પ્રોડક્શનમાં સામેલ હોવાના આરોપ હેઠળ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની Dt.19/07/2021 સોમવારે ધરપકડ કરાયા બાદ તેને આજે Dt.20/07/2021 કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે રાજ કુન્દ્રાના 23/07/2021 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુંબઈ પોલીસ કમિશનરે રાજ કુન્દ્રા આ કેસમાં મુખ્ય ષડયંત્રકાર હોવાનો દાવો કર્યો છે. ગઈકાલે Dt.19/07/2021 સાંજે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં રાજ કુંદ્રા અને તેના પાર્ટનર્સ વચ્ચે વોટ્સએપ પર થયેલી વાતચીતને મુખ્ય પુરાવા તરીકે રજૂ કરવામાં આવી છે.
બીજી તરફ, આ કેસની આરોપી ગહના વશિષ્ઠે દાવો કર્યો હતો કે આ કોઈ પોર્ન ફિલ્મો નહોતી. એકતા કપૂર, અનુરાગ કશ્યપ, વીભુ અગ્રવાલ સહિતના અનેક ફિલ્મ મેકર્સ બનાવે છે તેવી જ બોલ્ડ ફિલ્મો હતી. નેટફ્લિક્સ અને એમેઝોનની માફક અન્ય એપ્સમાં પણ આ ફિલ્મોને અપલોડ કરવામાં આવી હતી. તેણે આ કેસમાં કોઈપણ કૉમેન્ટ કરતા પહેલા લોકોને તે ફિલ્મો જોવા અપીલ કરતા કહ્યું હતું કે પોલીસ તેનો ખોટો મતલબ કાઢી રહી છે.
મુંબઈ ક્રાઈમ બ્રાંચ ફેબ્રુઆરી 2021માં નોંધાયેલી અશ્લિલ ફિલ્મોના પ્રોડક્શન અને તેમને ઓનલાઈન પ્લેટફોર્મ પર અપલોડ કરવાની એક ફરિયાદની તપાસ કરી રહી છે. આ સંદર્ભે જ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રાજ કુન્દ્રા પર ઠગાઈ ઉપરાંત અશ્લિલ સામગ્રીનું પ્રોડક્શન અને વિતરણ કરવાના આરોપ લગાવ્યા છે.
અત્યારસુધીની તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ફિલ્મો તેમજ ટીવીમાં કામ કરવા માટે આવતા અને સંઘર્ષ કરતા યુવક-યુવતીઓને લઈને આરોપીઓ અશ્લીલ ફિલ્મ બનાવતા હતા, અને તેને અલગ-અલગ પ્લેટફોર્મ પર રિલીઝ કરી તગડી કમાણી કરતા હતા. આ પ્રકારની ફિલ્મોના શૂટિંગ માટે મુંબઈના મડ આયલેન્ડમાં એક બંગલો પણ ભાડે લેવામાં આવ્યો હતો. જોકે, આ ફિલ્મોમાં કામ કરવા માટે ફરજ પાડવામાં આવી હોવાની ફરિયાદો કેટલીક યુવતીઓ દ્વારા કરવામાં આવતા પોલીસ એક્શનમાં આવી હતી.
ફેબ્રુઆરીમાં આ કેસની ઈન્ક્વાયરી શરુ થઈ ત્યારે પણ રાજ કુન્દ્રાનું નામ ખૂલ્યું હતું. જોકે, રાજ કુન્દ્રાએ આ મામલામાં પોતાની કોઈપણ સંડોવણી હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. આખરે, પોલીસને તેની સામે પુરાવા પ્રાપ્ત થતાં ગઈકાલે રાજ કુન્દ્રાને પૂછપરછ માટે બોલાવાયો અને રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ બાદ તેને જેજે હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈ પોલીસ કમિશનર ઓફિસમાં તેને આખી રાત ક્રાઈમ બ્રાંચના લોકઅપમાં રખાયા બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો.
રાજ કુન્દ્રા સાથે આ કેસમાં કુલ નવ આરોપી છે. જેમાં એક્ટ્રેસ અને મોડેલ ગહના વશિષ્ઠનો પણ સમાવેશ થાય છે, જેની પણ ધરપકડ કરવામાં આવી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, આ કાંડમાં યુકે સ્થિત પ્રોડક્શન કંપની કેનરિનની સંડોવણી બહાર આવી હતી, જેના થકી રાજ કુન્દ્રાનું નામ ખૂલ્યું હતું. પોલીસે કંપનીના એક્ઝિક્યુટિવ ઉમેશ કામતની ધરપકડ કરી હતી, જે રાજ કુન્દ્રાનો પૂર્વ કર્મચારી છે ને તે જ અશ્લીલ સામગ્રી જુદા-જુદા પ્લેટફોર્મ પર પબ્લિશ કરતો હતો.
જે અશ્લીલ વિડીયોને ઓનલાઈન મૂકાતા હતા, તેમનું શૂટિંગ ગહેના વશિષ્ઠ દ્વારા કરવામાં આવતું હતું. પોલીસને એ વાતની પણ શંકા છે કે રાજ કુન્દ્રા કેનરિન નામના પ્રોડક્શન હાઉસમાં હિસ્સો ધરાવતો હોય તો પણ નવાઈ નહીં. મુંબઈ પોલીસના કમિશનર હેમંત નાગરાલેએ જણાવ્યું હતું કે, આ કાંડમાં રાજ કુન્દ્રા મુખ્ય કાવતરાખોર હોવાની શંકા છે.
રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ રિયાલિટી શો સુપર ડાન્સર 4ના શૂટિંગમાં આવવાનું ટાળ્યું હતું. સૂત્રોનું માનીએ તો, શિલ્પા શેટ્ટી શોના શૂટિંગ માટે નહોતી આવી. જોકે, હાલ તેના શૂટિંગનું કોઈ રિશિડ્યૂલિંગ પણ નથી કરવામાં આવ્યું.
નેશનલ અવોર્ડ વિજેતા એક્ટ્રેસ સુરેખા સિક્રીનું 75 વર્ષની વયે નિધન થયું છે. શુક્રવારે સવારે હાર્ટ અટેક આવતાં સુરેખા સિક્રીનું અવસાન થયું છે. સુરેખા સિક્રી છેલ્લા થોડા સમયથી બીમાર બતા અને 2020માં તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. અગાઉ 2018માં પેરાલિટિક સ્ટ્રોક પણ આવ્યો હતો.
ઉત્તરપ્રદેશમાં જન્મેલા સુરેખા 1971માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ગ્રેજ્યુએટ થયા હતા. 1989માં તેમને સંગીત નાટક અકાદમી અવોર્ડ પણ મળ્યો હતો. સુરેખાનાં પિતા એર ફોર્સમાં હતા અને તેમના માતા શિક્ષિકા હતા. સુરેખાએ હેમંત રેગે સાથે લગ્ન કર્યા હતા અને તેમના દીકરાનું નામ રાહુલ સિક્રી છે.
સુરેખા સિક્રીના મેનેજરે આ વાતની પુષ્ટિ કરતાં મીડિયાને જણાવ્યું કે, “ત્રણવાર નેશનલ અવોર્ડ વિજેતા રહી ચૂકેલા સુરેખા સિક્રીનું આજે વહેલી સવારે કાર્ડિયાક અરેસ્ટ (હૃદયરોગના હુમલા)ના કારણે 75 વર્ષની વયે અવસાન થયું છે. બીજા બ્રેન સ્ટ્રોક પછી ઊભા થયેલા કેટલાક કોમ્પ્લિકેશનથી તેઓ પીડાઈ રહ્યા હતા. તેઓ પોતાના પરિવાર અને દેખરેખ કરનારાઓની હાજરીમાં અવસાન પામ્યા છે. પરિવાર આ સમયે પ્રાઈવસીની અપેક્ષા રાખે છે. ઓમ સાંઈ રામ.”
સુરેખા સિક્રીએ અનેક ફિલ્મો અને સીરિયલોમાં કામ કર્યું હતું. જોકે, સીરિયલ ‘બાલિકા વધૂ’માં ‘દાદીસા’નો રોલ કરીને તેઓ ખૂબ પ્રખ્યાત થયા હતા. સુરેખા સિક્રી 2008માં આ સીરિયલ શરૂ થઈ ત્યારથી લઈને 2016માં પૂરી થઈ ત્યાં સુધી કલ્યાણી દેવી ઉર્ફે દાદીસાના રોલમાં જોવા મળ્યા હતા. સુરેખાએ 1978માં પોલિટિકલ ડ્રામા ફિલ્મ ‘કિસ્સા ખુર્સી કા’થી ડેબ્યૂ કર્યું હતું. સુરેખા સિક્રીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ કેટેગરીમાં ત્રણવાર નેશનલ અવોર્ડ મળ્યો છે. જેમાં ફિલ્મ ‘તમસ’ (1988), ‘મમ્મો’ (1995) અને ‘બધાઈ હો’ (2018)નો સમાવેશ થાય છે.
સુરેખા સિક્રી છેલ્લે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ (2020)માં જોવા મળ્યા હતા. ચાર વાર્તાઓ દર્શાવતી આ ફિલ્મમાંથી ઝોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં સુરેખા જોવા મળ્યા હતા.
હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું નિધન થયું છે. તે છેલ્લા એક મહિનાથી શ્વાચ્છોશ્વાસની સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. જેના કારણે તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં 98 વર્ષિય દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા છે. દિલીપ સાહેબ સાથે તેમના છેલ્લા શ્વાસ સુધી તેમનાં પત્ની અને અભિનેત્રી સાયરા બાનુ રહ્યાં હતાં. સાયરા દિલીપકુમારની ખાસ કાળજી લઈ રહ્યાં હતાં અને ચાહકોને સતત પ્રાર્થના કરવાની અપીલ પણ કરતાં.
દિલીપકુમારના નિધનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક ફેલાયો છે. સેલેબ્સ સોશિયલ મીડિયા પોસ્ટ્સ શેર કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દિલીપ કુમારને 6 જૂને શ્વાસની તકલીફના કારણે આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેના ફેફસાંની બહાર એકઠા થયેલા ફ્લુઇડને ડૉક્ટર્સે દૂર કર્યું અને પાંચ દિવસ બાદ તે ઘરે પાછા ફર્યા.
ગયા વર્ષે દિલીપકુમારે તેમના બે નાના ભાઈઓ અસલમ ખાન (88) અને એહસાન ખાન (90) ને કોરોનાવાયરસમાં ગુમાવ્યા હતા. આ પછી તેમણે પોતાનો જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ પણ ઉજવ્યા ન હતાં. જોકે, સાયરા બાનુએ કહ્યું હતું કે, બંને ભાઈઓના મૃત્યુના સમાચાર દિલીપ સહબને આપવામાં નહોતા આવ્યા.
દિલીપકુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922 માં પાકિસ્તાનમાં થયો હતો અને તેનું મૂળ નામ યુસુફ ખાન હતું. ત્યાર પછી તેમને દિલીપકુમાર તરીકે સિનેમાને પડદે ખ્યાતિ મળી. અભિનેતાએ નિર્માતાના કહેવા પર તેનું નામ બદલ્યું. દિલીપકુમારનું પ્રારંભિક શિક્ષણ નાસિકમાં થયું હતું. બાદમાં તેણે ફિલ્મોમાં અભિનય કરવાનું નક્કી કર્યું અને 1944 ની ફિલ્મ જવારભાટાથી તેમની કારકિર્દીની શરૂઆત કરી. પ્રારંભિક ફિલ્મોમાં સફળતા ન મળી પણ બાદમાં અભિનેત્રી નૂરજહાં સાથે તેની જોડી હિટ બની હતી. ફિલ્મ જુગ્નુ દિલીપકુમારની પહેલી હિટ ફિલ્મ બની હતી. દિલીપ સાહેબે અનેક એક પછી એક સફળ હિટ ફિલ્મો આપી છે. તેમની ફિલ્મ મુગલ-એ-આઝમ તે સમયની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. ઑગસ્ટ 1960 માં રિલીઝ થયેલી આ ફિલ્મ તે સમયે બનાવવામાં આવેલી સૌથી મોંઘી ફિલ્મ હતી.
દિલીપકુમારને આઠ વખત ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરાયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલીપ કુમારનું નામ સૌથી વધુ એવોર્ડ જીતવા માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. દિલીપકુમારને 1991 માં પદ્મ ભૂષણ અને 2015 માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. 1994 માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેઓ 2000 થી 2006 સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા. 1998 માં તેમને પાકિસ્તાનનો સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન, નિશાન-એ-ઇમ્તિયાઝ એવોર્ડ પણ મળ્યો હતો.
બોલીવુડ અભિનેત્રી જૂહી ચાવલાને મોટો ફટકો પડ્યો છે. જૂહી ચાવલાએ 5G મામલે દિલ્હી હાઈકોર્ટેમાં અરજી કરી હતી. 5G નેટવર્કથી રેડિયેશનથી થનારા નુકસાનને લઈને જૂહી ચાવલાની આ અરજી પર સુનાવણી પણ થઈ હતી. જોકે, હવે કોર્ટે આ મામલે અભિનેત્રીનો જ ઉધડો લીધો છે. એટલું જ નહીં કોર્ટે તેના પર 20 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
શુક્રવારે તા.4 જુન 2021ના રોજ કોર્ટે કહ્યું હતું કે અભિનેત્રીએ કોર્ટની કાર્યવાહીનો દુરઉપયોગ કર્યો છે તેથી તેના પર દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે જૂહી ચાવલાનો ઉધડો લેતા કહ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે આ પબ્લિસિટી મેળવવા માટે કરવામાં આવ્યું છે કેમ અરજીકર્તાને પોતાને જ ખબર નથી કે તેમની અરજી તથ્યો પર આધારીત નથી પરંતુ સંપૂર્ણ રીતે કાયદાકિય સલાહ પર આધારીત હતી. આ દંડ તેના પર પબ્લિસિટી માટે કોર્ટના સમયનો દુરઉપયોગ માટે લગાવવામાં આવ્યો છે.
જૂહી ચાવલાની અરજી ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, પબ્લિસિટી માટે અરજી કરવામાં આવી છે અને કોર્ટની વિડીયો લિંક શેર કરી છે. આ સાથે જ કોર્ટે તે પણ કહ્યું છે કે અરજીકર્તાએ કોર્ટની સમગ્ર ફી પણ જમા નથી કરાવી જે દોઢ લાખથી ઉપર છે. જૂહી ચાવલાને એક સપ્તાહની અંદર આ રકમ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોર્ટે કહ્યું છે કે અરજી કાયદાકિય સલાહ પર આધારિત હતી જેમાં કોઈ તથ્ય નથી. અરજીકર્તાને પોતાને ખબર ન હતી કે તથ્યોને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર રીતે કાયદાકિય સલાહ પર આધારીત હતી જે પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.