CIA ALERT

Alert Archives - Page 22 of 500 - CIA Live

June 19, 2025
SS_Logo_Red-1280x986.png
1min433

Admission Committee for Professional Undergraduate & Postgraduate Medical Educational Courses (ACPUGMEC & ACPPGMEC) દ્વારા ટૂંક સમયમાં ગુજરાતમાં મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એ પૂર્વે એડમિશન કમિટીએ મેડીકલ અને ડેન્ટલ કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઇશે તેની વિગતો જાહેર કરી છે, જેની માહિતી નીચે મુજબની પીડીએફમાં છે. આ સત્તાવાર માહિતી છે.

વધુમાં ડોમીસાઇલ સર્ટિફિકેટ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ગેરસમજ પ્રવર્તે છે. ગુજરાતમાં જન્મ થયો હોય તેવા વિદ્યાર્થીઓ માટે ડોમિસાઇલ સર્ટિફિકેટની કોઇ જરુરીયાત નથી.

જેમને જન્મ ગુજરાત બહાર થયો હોય તેવા પ્રવેશાર્થીઓ માટે જ ડોમિસાઇલ સર્ટિફેક્ટ ફરજિયાત છે.

કયા ડોક્યુમેન્ટ જોઇશે આ પીડીએફ વાંચો

June 19, 2025
kadi-visavadar.png
1min223

19 જૂન આજે ગુરૂવારે વહેલી સવારથી રાજ્યની બે વિધાનસભા બેઠકો માટે યોજાઇ રહેલી પેટા ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાના ટકોરે શરૂ થઇ ચૂક્યું છે. આરંભના પ્રથમ કલાકમાં વરસાદી માહોલને કારણે મતદાન શુષ્ક રહ્યું હતું.

કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે મતદાન શરૂ થતાં જ ત્રણેય રાજકીય પાર્ટીઓના કાર્યકરોમાં ઉત્તેજના જોવા મળી હતી તેટલી ઉતેજના મતદારોમાં જોવા મળી નથી.

વિસાવદરની પેટાચૂંટણી માટે એક તરફ આમ આદમી પાર્ટી (AAP) એ બે મહિના અગાઉ જ ઉમેદવાર જાહેર કરીને પ્રચાર શરૂ કરી દીધો હતો. જ્યારે ભાજપ-કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવારો જાહેર કર્યા હતા. આ પેટાચૂંટણીમાં મુખ્યત્વે જંગ તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હોવાનું મનાઇ રહ્યું છે, પરંતુ કોંગ્રેસની ભૂમિકા પણ અતિમહત્ત્વની છે.

વિસાવદર બેઠક પર ભાજપના કિરીટભાઈ બાબભાઈ પટેલ, કોંગ્રેસના નિતિન રાણાપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ચૂંટણી મેદાનમાં છે. સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક ખુબ જ ચર્ચામાં છે. જ્યાં ત્રણેય પાર્ટીઓના પાટીદાર ઉમેદવારો વચ્ચે ત્રિકોણિય જંગ છે. પેટા ચૂંટણી માટે 19 જૂને વોટિંગ અને 23 જૂને મત ગણતરી થશે.

કડી અને વિસાવદર બેઠકો પર પેટા ચૂંટણી માટે રાજનૈતિક પાર્ટીઓના ઉમેદવારોએ નામાંકન દાખલ કરી દીધુ છે. ગાંધીનગર પાસે આવેલી કડી વિધાનસભા સીટ પર ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીથી જગદીશ ચાવડા ચૂંટણી મેદાનમાં છે. એસસી રિઝર્વ સીટ પર ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. પેટા ચૂંટણી માટે 19 જૂને વોટિંગ અને 23 જૂને મત ગણતરી થશે.

તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરીમાં વર્તમાન ધારાસભ્ય કરસનભાઈ પૂંજાભાઈ સોલંકીના નિધનથી કડી બેઠક ખાલી થઈ, જ્યારે ભૂપેન્દ્રભાઈના રાજીનામા બાદ વિસાવદર બેઠક ખાલી થઈ હતી. ચૂંટણી આયોગે આ બંને સીટો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી 2 જૂનના રોજ કરી હતી.

23 જૂને મતગણતરી થશે

19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.

June 18, 2025
bse-nse.png
2min206

શેરબજાર પર મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. વીકલી એક્સપાયરી પર અંતે સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં ડેરિવેટિવ્સ (ફ્યુચર એન્ડ ઓપ્શન્સ – F&O)ની એક્સપાયરીનો દિવસ બદલવામાં આવ્યો છે. BSE પર હવે એક્સપાયરી ગુરૂવારે હશે, અત્યારસુધી આ કોન્ટ્રાક્ટ્સ મંગળવારે સમાપ્ત થતા હતા. જ્યારે NSE પર વીકલી એક્સપાયરી હવે મંગળવારે હશે. આ નિયમ ક્યારથી લાગુ થશે તેની તારીખ જાહેર કરાઈ નથી. પરંતુ NSEએ પોતાની એક્સપાયરીને બદલવા માટે ભલામણ કરી હતી, જેને માર્કેટ એક્સચેન્જ રેગુલેટર ‘સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા’ (SEBI) દ્વારા સ્વીકારવામાં આવી છે.

બાકી તમામ ડેરિવેટિવની ગુરૂવારે એક્સપાયરી થશે, પરંતુ તેની માત્ર મંથલી એક્સપાયરી હશે. એટલે કે તેમની એક્સપાયરી માત્ર મહિનાના છેલ્લા ગુરૂવારે હશે.

નોંધનીય છે કે, પહેલાથી જ લોન્ચ થયેલા ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી તારીખમાં કોઈ ફેરફાર નહીં થાય. જો કે, લાંબા ગાળાના ઇન્ડેક્સ ઑપ્શન્સ (Long-dated index options)ની એક્સપાયરી તારીખને જરૂરિયાત મુજબ ફરીથી બદલવામાં આવશે.

NSE પર લિસ્ટેડ BSEએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે, SEBIએ 26 મે 2025ના રોજ એક સર્ક્યુલર જાહેર કર્યું છે, જેમાં BSE દ્વારા પ્રસ્તાવિત સૂચનો પર વિચાર કર્યા બાદ ડેરિવેટિવ્સની એક્સપાયરી ડેટને લઈને કેટલાક મહત્ત્વના ફેરફાર કરાયા છે.

  1. એક્સપાયરી ડે હવે ગુરૂવારે થશે

SEBIએ BSEના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે કે ડેરિવેટિવ્સની એક્સપાયરી હવે દર ગુરૂવારે થશે. અત્યાર સુધી આ મંગળવારે થતી હતી.

  1. પહેલા કરતા હાલના કોન્ટ્રાક્ટ્સ પર શું થશે અસર?

જે ડેરિવેટિવ્સ કોન્ટક્ટ્સ પહેલા જ લોન્ચ થઈ ચૂક્યા છે. તેની એક્સપાયરી ડેટમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે.

જો કે, જે લોન્ગ-ડેટેડ ઇન્ડેક્સ ઓપ્શન હોય છે (એટલે કે લાંબા સમય માટે બનાવવામાં આવેલા), તેની એક્સપાયરી ડેટને પહેલાની જેમ રિઅલાઇન (ફેરફાર) કરાશે.

  1. નવા કોન્ટ્રાક્ટ્સ માટે નવા નિયમો
  • 31 ઓગસ્ટ 2025 સુધીના ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી અગાઉ મુજબ જ રહેશે તેમાં કોઇ ફેરફાર નહીં કરાશે.
  • 1 સપ્ટેમ્બર 2025થી જે નવા કોન્ટ્રાક્ટ્સ આવશે, તે ગુરવારે સમાપ્ત થશે. અને મન્થલી કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી દર મહિનાના અંતિમ ગુરુવારે થશે.
  • 1 જુલાઈ 2025 પછીથી કોઈ નવો વીકલી ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ લૉન્ચ નહીં થાય.
June 15, 2025
image-8.png
1min157
  • સાઉથ આફ્રિકાનો 27 વર્ષ બાદ આઇસીસી ટ્રોફી જીતવાનો રેકોર્ડ
  • ઓસ્ટ્રેલિયા14મી આઇસીસી ટ્રોફીની ફાઈનલ રમતાં ચોથી વખત પરાજીત : સાઉથ આફ્રિકા છેલ્લે 1998માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું

સાઉથ આફ્રિકાએ ક્રિકેટના ઈતિહાસમાં મેજર અપસેટ સર્જતાં ડિફેન્ડિંગ ચમ્પિયન ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં પાંચ વિકેટથી હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. લોર્ડ્ઝમાં રમાયેલી ટેસ્ટમાં ચોથા દિવસે સાઉથ આફ્રિકાએ જીતવા માટેના ૨૮૨ના ટાર્ગેટને માર્કરામના ૧૩૬ રનની યાદગાર ઈનિંગને સહારે પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. આ સાથે સાઉથ આફ્રિકાએ પહેલીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનવાનો રેકોર્ડ સર્જવાની સાથે સાથે ૨૭ વર્ષ બાદ આઇસીસીની મેજર ટ્રોફી જીતવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. નોંધપાત્ર છે કે, મેજર ટુર્નામેન્ટમાં ખરા સમયે જ ફસકી પડવા માટે બદનામ સાઉથ આફ્રિકા છેલ્લે ૧૯૯૮માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતુ, જે ત્યારે નોકઆઉટ ટુર્નામેન્ટ તરીકે ઓળખાતી હતી.

ફાઈનલ જીતવા માટે હોટફેવરિ ટ મનાતી ઓસ્ટ્રેલિયાની ટીમને આઈસીસીની ૧૪મી ફાઈનલમાં માત્ર ચોથી વખત હારનો સામનો કરવો પડયો હતો અને તેઓએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન તરીકેનો તાજ પણ ગુમાવી દીધો હતો. સાઉથ આફ્રિકાના કેપ્ટન બવુમાએ તેની કેપ્ટન્સીમાં તમામ ૧૦ ટેસ્ટમાં અજેય રહેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી, જેમાંથી નવ ટેસ્ટ સાઉથ આફ્રિકા જીત્યું હતુ અને એક ટેસ્ટ ડ્રો રહી હતી.

લોર્ડઝમાં રમાયેલી ફાઈનલમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગમાં ઉતાર્યું હતુ. રબાડાએ પાંચ વિકેટ ઝડપતાં ઓસ્ટ્રેલિયા ૨૧૨માં અને કમિન્સે છ વિકેટ ઝડપતાં સાઉથ આફ્રિકા ૧૩૮માં ખખડયું હતુ. રબાડા અને એનગિડીએ અનુક્રમે ૪ અને ૩ વિકેટ મેળવતા ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ ૨૦૭માં સમેટાતા સાઉથ આફ્રિકાને જીતવા માટે ૨૮૨નો ટાર્ગેટ મળ્યો હતો.

જેને સાઉથ આફ્રિકાએ ૮૩.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. માર્કરામે ૧૩૬ રનની યાદગાર ઈનિંગ રમી હતી. કેપ્ટન બવુમાના ૬૬ તેમજ બેડિંગહામના અણનમ ૨૧ રન હતા.

June 15, 2025
image-7.png
1min215

ઉત્તરાખંડના કેદારનાથ ધામના યાત્રીઓ ફરી એકવાર મોટી દુર્ઘટનાનો શિકાર થયા છે. રવિવારે (15મી જૂન) કેદારનાથ રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જેમાં 5 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. આ હેલિકોપ્ટર રુદ્રપ્રયાગના ગૌરીકુંડના જંગલોમાં તૂટી પડ્યું હતું. દુર્ઘટના થવાનું કારણ ખરાબ હવામાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ઉત્તરાખંડના એડીજી (કાયદો અને વ્યવસ્થા) ડૉ. વી. મુરુગેશને જણાવ્યું હતું કે કેદારનાથથી લગભગ 86 કિ.મી. દૂર રુદ્રપ્રયાગ નજીક ગૌરીકુંડના જંગલોમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમાં છ લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. તેમણે પુષ્ટી કરી હતી કે ગૌરીકુંડમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થયું છે.

ઘટનાની જાણ થતાં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીએ આ મામલે ‘X’ પર પોસ્ટ કરીને હેલિકોપ્ટરના મુસાફરો સુરક્ષિત હોય તેવી કામના કરી હતી. તેમણે લખ્યું ‘જનપદ રુદ્રપ્રયાગમાં હેલકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે. એસડીઆરએફ, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય રેસ્ક્યૂ દળ બચાવ કામગીરી કરી રહ્યા છે.’

June 14, 2025
SS_Logo_Red-1280x986.png
1min684

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આજે જેના પરીણામોની દેશના 22 લાખ પરીવારો આતુરતાથી રાહ જોતા હતા એ નીટ અન્ડરગ્રેજ્યુએટ 2025 ટેસ્ટના પરીણામો ઘોષિત કર્યા હતા. ગઇ તા.7મી મે એ લેવાયેલી નીટ યુજીની પરીક્ષાના પ્રશ્નપત્રો કઠિન હોવાના રિવ્યુ બાદ એ વાત નિશ્ચિત હતી કે નીટ યુજીના પરીણામ પર કઠિન પ્રશ્નપત્રની અસર વર્તાવાની છે અને એ જ થયું. આજે જાહેર થયેલા નીટ યુજીના પરીણામોમાં માર્કસ ગયા વર્ષની તુલનામાં નીચા આવ્યા છે. ગયા વર્ષે હાઇએસ્ટ માર્કસ 720માંથી 720 આવ્યા હતા. જ્યારે આ વર્ષે 720માંથી 686 માર્કસ આવ્યા છે. એવી જ રીતે દરેક સ્તરે જોઇએ તો ગયા વર્ષની તુલનામાં 80થી 100 માર્કસ જુદી જુદી કેટેગરી અનુસાર ઓછા આવ્યા છે. જેને કારણે મેડીકલ કોલેજોમાં મેરીટ પણ ગયા વર્ષની સરખામણીમાં અત્યંત નીચે આવશે.
એવું પણ અનુમાન થઇ રહ્યું છે કે આ વખતે 550 માર્કસ લાવનાર વિદ્યાર્થીને સરકારી કોલેજમાં પણ નંબર લાગી શકે છે. એવી જ રીતે ગયા વર્ષે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ જેટલા માર્કે મળ્યો હતો તેટલા માર્કે આ વખતે કદાચ સેમિ સરકારી કોલેજમાં પણ એડમિશન મળી શકે છે. અલબત્ત આ વખતે કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશ માટે એપ્લિકેશન કરે છે તેના આધારે મેરીટ રેન્ક મળશે એ પછી જ ચિત્ર ફાઇનલ થશે.

આજના નીટ યુજીના પરીણામમાં સુરતનો વિદ્યાર્થી જેનિલ વિનોદભાઇ ભાયાણી ગુજરાતમાં પ્રથમ આવ્યો છે જ્યારે દેશમાં તેણે 6ઠ્ઠો ક્રમ હાંસલ કર્યો છે. જેનિલ ભાયાણીએ 99.9999 પર્સન્ટાઇલ રેન્ક હાંસલ કર્યા છે.

June 14, 2025
image-6.png
1min179

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ત્રીજા રાઉન્ડ (2023-25)ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા ઐતિહાસિક જીતથી માત્ર 69 રન દૂર છે. લોર્ડ્સમાં રમાઈ રહેલા આ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 282 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્રીજા દિવસે એટલે કે 13 જૂનના રોજ દક્ષિણ આફ્રિકાએ બે વિકેટ ગુમાવીને 213 રન બનાવી લીધા છે, જેનાં કારણે તે જીતની નજીક પહોંચી હતી. જેમાં એઈડન માર્કરામ 102 રન અને કેપ્ટન ટેમ્બા બાવુમા 65 રન બનાવીને અણનમ રહ્યા હતા અને હવે ચોથા દિવસે તેમની પાસેથી જીતની આશા રાખવામાં આવી રહી છે.

હેમસ્ટ્રિંગની ઇજા છતાં બાવુમાનો જુસ્સો પ્રસંશનીય

એઇડન માર્કરામે 159 બોલમાં 11 ફોર ફટકારી છે. તેમજ ટેમ્બા બાવુમાએ 121 બોલમાં 5 ફોર ફટકારી છે. બાવુમા અને માર્કરામે અત્યાર સુધીમાં ત્રીજી વિકેટ માટે 232 બોલમાં 143 રનની ભાગીદારી કરી છે. માર્કરામે રન ચેઝ દરમિયાન સેન્ચુરી ફટકારી છે, પરંતુ હેમસ્ટ્રિંગની ઇજા છતાં બાવુમાએ જે જુસ્સો બતાવ્યો તે પ્રશંસનીય છે. બાવુમાની આ શાનદાર ઇનિંગ સામે એઇડન માર્કરામની સેન્ચુરી પણ ફિક્કી લાગે છે.

1998માં નોકઆઉટ ટ્રોફી (હવે ચેમ્પિયન્સ ટ્રોફી) જીત્યા પછી દક્ષિણ આફ્રિકાએ એક પણ વાર ICC ટાઇટલ જીત્યું નથી. જ્યારે દક્ષિણ આફ્રિકાએ છેલ્લે ICC ટાઇટલ જીત્યું હતું, ત્યારે ટીમના ક્રિકેટરો માર્કો જેન્સન અને ટ્રિસ્ટન સ્ટબ્સનો જન્મ પણ થયો ન હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ છેલ્લા અમુક વર્ષોમાં સેમિફાઇનલ કે ફાઇનલમાં પહોંચી છે, પરંતુ ટ્રોફી જીતી શકી નથી.

ફાઇનલમાં, ઓસ્ટ્રેલિયન ટીમ ટોસ હારી ગઈ અને પ્રથમ બેટિંગ કરી. તેની પ્રથમ ઇનિંગમાં 212 રન બનાવ્યા. જવાબમાં, પેટ કમિન્સની 6 વિકેટે દક્ષિણ આફ્રિકાની પ્રથમ પારી માત્ર 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ પ્રથમ ઇનિંગના આધારે, કાંગારૂ ટીમને 74 રનની લીડ મળી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ તેની બીજી પારીમાં 207 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકા સામે 282 રનનો ટાર્ગેટ રાખ્યો.

June 13, 2025
image-5-1280x853.png
1min138

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી પરમાણુ સમજૂતીની ચર્ચા વચ્ચે ઇઝરાયેલે ઈરાન પર અનેક હવાઇ હુમલા કર્યા હતા. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે હુમલા કયા સ્થળ પર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ હુમલા તેની કોઇ ભૂમિકા નથી. આ પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પે આશંકા વ્યક્ત કરી હતી કે ઇઝરાયલ ઇરાન પર હુમલો કરી શકે છે.

મીડિયા અહેવાલ અનુસાર, ઇઝરાયલ વાયુસેનાએ ગુરુવારે ડઝનબંધ હુમલા કર્યા છે. જેમાં ઇઝરાયલ ઇરાનના મિસાઇલ અને પરમાણુ મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ગુરુવારે રાત્રે સમગ્ર ઇઝરાયલમાં સાયરન વગાડવામાં આવી હતી. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કેટ્સે સમગ્ર દેશમાં ખાસ કટોકટીની સ્થિતિની જાહેરાત કરી છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે ઇઝરાયલ તેના પરમાણુ કાર્યક્રમ અંગે ઇરાન પર હુમલો કરી શકે છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ, યુએસ પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે જો ઇરાન સોદા માટે વાટાઘાટો નહીં કરે તો પશ્ચિમ એશિયામાં મોટા પાયે સંઘર્ષ ફાટી નીકળી શકે છે. તેમજ ઈરાન પર ઈઝરાયેલ ગમે ત્યારે હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે તેઓ ઈરાનને સમજૂતી પર પહોંચવા માટે આગ્રહ કરતા રહેશે.

જ્યારે ઇરાન પર ઇઝરાયલના હવાઈ હુમલા પછી એવો ભય છે કે નજીકના ભવિષ્યમાં ઇઝરાયલ અને તેના નાગરિકોને મિસાઇલ અથવા ડ્રોન હુમલાનો સામનો કરવો પડી શકે છે. ઇઝરાયલે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. ઇરાને તેહરાનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ સ્થગિત કરી દીધી છે.

June 13, 2025
image-4.png
1min141

ખૂબ જ ગંભીર અને કરૂણ કહી શકાય તેવી ઘટના અમદાવાદમાંમ બની છે. અહીં મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે, જેમાં 242 યાત્રી સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 242 યાત્રીઓ ઉપરાંત જે બિલ્ડીંગ પર પ્લેન તૂટી પડ્યું એ મેડીકલ કોલેજની હોસ્ટેલના ઇન્ટર્ન ડોક્ટર તેમજ અન્ય લોકો મળીને 13મી જૂન 2025ની સવારે મળેલી લેટેસ્ટ માહિતી અનુસાર 265 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની વિગતો જાહેર કરવામાં આવી છે.

ગુજરાતના અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાની પ્લેન ક્રેશની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા. પ્લેન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું હતું. વિમાન લંડન જઈ રહ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં ભારતીય અને બ્રિટિશ નાગરિકો સવાર હતા. વિમાન દુર્ઘટનાને લઇને સમગ્ર વિશ્વના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

બ્રિટનના વડા પ્રધાન કિર સ્ટાર્મર, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ અને નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે ‘એક્સ’ પર શોક વ્યક્ત કરતાં લખ્યું હતું કે, “અમદાવાદમાં લંડન જતી એક ફ્લાઇટ દુર્ઘટના થઇ હોવાના સમાચાર અત્યંત હૃદયદ્રાવક છે. હું સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. મુસાફરો અને તેમના પરિવારો સાથે મારી સંવેદના છે.”

યુરોપિયન કમિશનના પ્રમુખે લખ્યું હતું કે અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. આ ભયંકર નુકસાનથી પીડિત પરિવારો અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના. અમે તમારા દુ:ખમાં સહભાગી છીએ. દુ:ખની આ ઘડીમાં યુરોપ તમારી અને ભારતના લોકો સાથે છે.

June 10, 2025
dhoni.jpg
1min225

ભારતના પૂર્વ કેપ્ટન અને મહેન્દ્ર સિંહ ધોનીને ICCએ સન્માનિત કર્યું છે. ધોનીને ICC હોલ ઓફ ફેમ 2025 માં સામેલ કરવામાં આવ્યો છે. તે આ સન્માન મેળવનારો 11મો ભારતીય ક્રિકેટર છે. નોંધનીય છે કે, 2004 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, ધોનીએ 2007 માં T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું અને ટીમને વિજય અપાવ્યો. તેણે 2011 માં ODI વર્લ્ડ કપ અને 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ 2009 માં પહેલીવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી હતી. તેણે 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

ICC એ આ અંગે જણાવ્યું હતું કે, ‘દબાણમાં શાંત સ્વભાવ અને અજોડ વ્યૂહાત્મક કુશળતા તેમજ ટૂંકા ફોર્મેટમાં અગ્રણી ખેલાડી તરીકે જાણીતા, મહાન ફિનિશર, લીડર અને વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોનીના વારસાને ICC ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરીને સન્માનિત કરવામાં આવ્યો છે.’

ધોનીએ આ અંગે કહ્યું કે, ‘ICC હોલ ઓફ ફેમમાં નામ મેળવવું એ એક સન્માનની વાત છે, જે વિવિધ પેઢીઓ અને વિશ્વભરના ક્રિકેટરોના યોગદાનને માન્યતા આપે છે. આવા સર્વકાલીન મહાન ખેલાડીઓ સાથે તમારું નામ હોવું એ એક અદ્ભુત અનુભૂતિ છે. આ એવી વસ્તુ છે જે હું હંમેશા યાદ રાખીશ.’

ICC હોલ ઓફ ફેમમાં સામેલ ભારતીય ક્રિકેટરોની યાદી

સુનીલ ગાવસ્કર

બિશેન સિંહ બેદી

કપિલ દેવ

અનિલ કુંબલે

રાહુલ દ્રવિડ

સચિન તેંડુલકર

વીનુ માંકડ

ડાયના એડુલજી

વીરેન્દ્ર સેહવાગ

નીતુ ડેવિડ

એમએસ ધોની

ICC એ હોલ ઓફ ફેમ 2025 માં પાંચ પુરુષ અને બે મહિલાઓ સહિત સાત ક્રિકેટરોનો સમાવેશ કર્યો છે. ધોની ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડન, દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટર હાશિમ અમલા અને પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ, ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વેટોરીને પણ સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન સના મીર અને ન્યૂઝીલેન્ડની પૂર્વ ક્રિકેટર સારાહ ટેલરને પણ સામેલ કરવામાં આવ્યા છે.