ટી-ર0 વિશ્વકપમાં તા.ર4ને રવિવારે સાંજે 7:30 કલાકથી દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મહામુકાબલો થશે. પ વર્ષના લાંબા સમય બાદ ટી-ર0 વર્લ્ડકપમાં બન્ને ટીમ આમને સામને આવી હોવાથી બંન્ને દેશના ક્રિકેટપ્રેમીઓ આ હાઈવોલ્ટેજ મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર આ મેચનું જીવંત પ્રસારણ થશે. સાંજે 7 કલાકે ટોસ ઉછાળાશે. સુપર-1રમાં બંન્ને ટીમનો આ પહેલો મેચ છે.
મેચના એક દિવસ અગાઉ પાકિસ્તાને 1ર સભ્યોની ટીમ જાહેર કરી હતી જેમાંથી 11 ખેલાડીને મેદાનમાં ઉતારશે ભારતે છેલ્લી ઘડીએ પ્લેઈંગ-11 જાહેર કરવાની રણનીતિ ઘડી છે. ભારત સામેના મુકાબલા પહેલા પાકિસ્તાનની ટીમે આત્મવિશ્વાસના અતિરેક જેવું વલણ દર્શાવ્યું છે.
બીજીતરફ પાકિસ્તાનની ટીમમાં શોએબ મલિકની વાપસી થઈ છે. જેણે ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. સાથે મોહમ્મદ હાફિઝ જેવા સિનિયર પ્લેયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરફરાઝ અહેમદને ટીમમાં સામેલ કરાયો નથી.
અમારૂં ફોકસ મેચ પર, શ્રેષ્ઠ રમીશું: કોહલી
ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ શનિવારે પત્રકાર પરિષદમાં કહ્યંy કે અમારૂ ફોકસ સંપૂર્ણ રીતે મેચ પર છે અને અમે અમારી શ્રેષ્ઠ રમત બતાવીશું. ઓલરાઉન્ડર હાર્દિક પંડયા રમવા માટે સંપૂર્ણ ફિટ છે. કોહલીએ પાકિસ્તાનની ટીમને મજબૂત ગણાવી કહ્યું કે તેની સામે બેસ્ટ રમવું પડશે. તેમની પાસે પણ ગેમ ચેન્જર્સ ખેલાડીઓ છે. અમારે પ્લાન પર ધ્યાન આપવું પડશે.
ઈમરાન ખાને ‘અનુભવ’ શેર કર્યો : બાબર
યુએઈ જવા રવાના થતાં પહેલા પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે પત્રકાર પરિષદમાં એક સવાલના જવાબમાં ખુલાસો કર્યો કે 199ર વર્લ્ડકપ વિનિંગ ટીમના કેપ્ટન રહી ચૂકેલા વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત વખતે તેમણે (ઈમરાન ખાને) પોતાના અનુભવ શેર કર્યા હતા. જો કે તેમણે ટીમને કોઈ સંદેશો આપ્યો નથી. બાબરે કહ્યું કે અમે ઈતિહાસને બદલે ભવિષ્ય પર ધ્યાન આપવાનું પસંદ કરીશું.
‘
ટીમ ઈન્ડિયા સ્કવોડ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી
પાકિસ્તાની સ્કવોડ : બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર જમાન, મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાન, શાહીન આફ્રિદી, હસન અલી, હરીસ રઉફ, હૈદર અલી




