ક્રિકેટના ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતે સેમિ-ફાઈનલમાં પ્રવેશવું હોય તો ન્યૂ ઝીલેન્ડ સામે ૩૧ ઑક્ટોબર, રવિવારે રાતે ૭-૩૦ વાગ્યે રમાનારી મૅચમાં જીત મેળવવી જરૂરી છે. ન્યૂ ઝીલેન્ડ સામેની આ મૅચ મહત્ત્વની છે અને તે ભારત માટે ‘કરો યા મરો’નો જંગ કહી શકાય. હાલમાં સ્થિતિ એવી છે કે ભારત સેમિ-ફાઈનલમાં પહોંચશે કે કેમ એ અંગે પણ સવાલ થઇ રહ્યો છે. ભારતે ન્યૂ ઝીલેન્ડ સામેની મૅચ મોટા રન રૅટથી અને ભારે તફાવતથી જીતવી જરૂરી છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) અને ઓમાનમાં રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે શરમજનક હાર પછી ટીમ ઈન્ડિયા હવે ન્યૂ ઝીલેન્ડ સામેની મૅચ જીતવા કમર-કસશે. રવિવારે આયોજિત આ મેચ વિરાટસેનાની વર્લ્ડકપમાંની આગળની સફર નક્કી કરશે. કોહલી ઍન્ડ કંપનીને સેમિ-ફાઇનલમાં પહોંચવા માટે હવે પછીની દરેક મેચ જીતવી જ પડશે અને જો તેમ નહિ થાય તો તેણે અન્ય અગ્રણી ટીમના સંભવિત પરાજયની રાહ જોવી પડશે.
ભારતની ત્રીજી નવેમ્બરે આબુધાબીમાં અફઘાનિસ્તાનની સામે મૅચ છે. તે પછી પાંચમી નવેમ્બરે દુબઇમાં ‘બી-૧’ ટીમ સામે અને આઠમી નવેમ્બરે દુબઇમાં ‘એ-ટૂ’ ટીમ સામે મૅચ છે. ભારતની બધી મૅચ રાતે ૭-૩૦ વાગ્યે રમાવાની છે.
ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડકપથી લઈને આ વર્ષે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સુધીની ઈવેન્ટ્સની કુલ ૭ મૅચ રમાઈ હતી. જેમાંથી ન્યૂ ઝીલેન્ડની ટીમ ૬ મેચ જીતી હતી, જ્યારે એક મૅચમાં વરસાદના કારણે કોઈ પણ પ્રકારનો નિર્ણય નહોતો થયો.
ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત બે વખત ન્યૂ ઝીલેન્ડ સામે ટકરાયું હતું અને આ બન્ને મેચમાં ન્યૂ ઝીલેન્ડની ટીમ જીતી હતી. ન્યૂ ઝીલેન્ડે ૨૦૦૭માં ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતને ૧૦ રન અને ૨૦૧૬ના ટી-૨૦ વર્લ્ડકપમાં ૪૭ રનથી હરાવ્યું હતું.
ભારતે ૨૦૦૩ વર્લ્ડકપમાં ન્યૂ ઝીલેન્ડને હરાવ્યું હતું. ભારતે આ મૅચ સાત વિકેટે જીતી લીધી હતી. ૨૦૧૯ વર્લ્ડકપની સેમિ-ફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડની ટીમે ભારતને હરાવ્યું અને વિશ્ર્વકપ જીતવાનું દેશનું સ્વપ્ન તોડી નાખ્યું હતું. વરસાદને કારણે બે દિવસ સુધી રમાયેલી સેમિ-ફાઇનલ મૅચમાં ભારતને ૧૮ રને હરાવ્યું હતું. ન્યૂ ઝીલેન્ડની ટીમે આ વર્ષે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પણ ૮ વિકેટથી ભારતને હરાવ્યું હતું.
ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ટી-૨૦ ક્રિકેટમાં કુલ ૧૬ મેચ રમાઈ હતી અને તેમાં પણ કિવી ટીમ સૌથી વધુ ૮ મેચ જીતવામાં સફળ રહી હતી, જ્યારે ભારત માત્ર ૬ મેચ જીતી શક્યું હતું અને ૨ મૅચ ટાઈ રહી હતી.
વર્લ્ડકપની શરૂઆતમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતવા માટે દાવેદાર ગણવામાં આવતી હતી. ક્રિકેટના ચાહકોને આશા હતી કે વિરાટસેના પાકિસ્તાન વિરુદ્ધની પહેલી મૅચમાં જીત મેળવીને વર્લ્ડ કપની શરૂઆત વિજય સાથે કરશે, પરંતુ કરોડો ક્રિકેટ-રસિયાઓની આશા પર ૨૪ ઑક્ટોબરે પાણી ફરી વળ્યું હતું. પાકિસ્તાન સામે ભારતનો કારમો પરાજય થયો હતો.
ભારતની ટીમ હાલમાં આકરી પ્રેક્ટિસ કરી રહી છે.
ન્યૂ ઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી મૅચ માટેની ભારતીય ટીમમાં વધુ અનુભવી બૉલરને સ્થાન મળવાની શક્યતા છે.
ભારતની ટીમ:
વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા, કે. એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિ.કી.), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્ર્વરકુમાર, મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, શાર્દૂલ ઠાકુર, રવીચંદ્રન અશ્ર્વિન, ઈશાન કિસાન, રાહુલ ચહર.
ન્યૂ ઝીલૅન્ડની ટીમ:
કૅન વિલિયમ્સન (કૅપ્ટન), માર્ટિન ગપ્ટીલ, ડૅરીલ મિશૅલ, ડૅવોન કૉન્વે, ટીમ સૅફર્ટ (વિ.કી.), જૅમ્સ નૅશામ, ગ્લૅન ફિલિપ્સ, મિશૅલ સન્તનર, ઈશ સોઢી, ટ્રૅન્ટ બૉલ્ટ, ટીમ સઉધી, માર્ક ચૅપમૅન, આદમ મિલ્ને, કાયલે જૅમીસન, ટૉડ ઍસ્લે.