આઇપીએલની મેચો નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી છે ત્યારે જો મેચમાં વરસાદ કે અન્ય કોઇ કારણસર વિઘ્ન આવે તો પરિણામ માટે સુપર ઓવર પર આધાર રાખવામાં આવશે. જો આ ઑવરો પણ શક્ય ન બને તો લીગ મેચોના દેખાવ પર આધાર રાખવામાં આવશે. આ નિયમો ક્વોલિફાયર ૧, એલિમિનેટર અને ક્વોલિફાયર ૨ આ ત્રણેય મેચો વખતે લાગુ પડશે. આ મેચો માટે અનામત દિવસો રાખવામાં આવ્યા નથી. જ્યારે ફાઇનલ મેચ માટે ૩૦ મી મેનો દિવસ પણ અનામત રાખવામાં આવ્યો છે.
કોલકાતા ખાતે મંગળવારે ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ સામે કવોલિફાયર ૧ મેચ રમશે અને લખનઊ સુપર જાયન્ટ્સ તેમ જ રોયલ ચેલેન્જર્સ વચ્ચે બુધવારે એલિમિનેટર રાઉન્ડ રમાશે.
ત્યારબાદ અમદાવાદ ખાતે ક્વોલિફાયર – ૨ અને ફાઇનલ મેચ અનુક્રમે ૨૭ અને ૨૯ તારીખે રમાશે. અનિવાર્ય સંજોગોમાં બન્ ને ટીમ ઓછામાં ઓછી પાંચ ઓવર રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. એટલું પણ શક્ય ન હોય તો સુપર ઓવર રમાશે. જો એ પણ શક્ય ન બને તો લીગ મેચોમાં જે ઉપલા ક્રમે હશે તેને વિજેતા ઘોષિત કરવામાં આવશે. જો એક ટીમનો દાવ આવે અને બીજી ટીમ ન રમી શકે તો ડીએલએસ મેથડ અપનાવાશે.
ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમનો ફાઇનલમાં ઇન્ડોનેશિયા વિરુદ્ધ 3-0થી ઐતિહાસિક વિજય: થોમસ કપના 73 વર્ષના ઇતિહાસમાં ભારતને પહેલીવાર સુવર્ણ ચંદ્રક
બેંકોક, તા.1પ: ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ 73 વર્ષમાં પહેલીવાર થોમસ કપમાં ચેમ્પિયન બની છે. આજે રમાયેલા ફાઇનલમાં ભારતે 14 વખતની પૂર્વ વિજેતા ટીમ ઇન્ડોનેશિયા વિરુદ્ધ 3-0થી ઐતિહાસિક જીત હાંસલ કરીને પ્રતિષ્ઠિત થોમસ કપમાં સુવર્ણ ચંદ્રક કબજે કર્યો હતો. પાંચ મેચના ફાઇનલ મુકાબલામાં ભારતે બે સિંગલ્સ અને એક ડબલ્સ મેચમાં યાદગાર વિજય મેળવીને ઇન્ડોનેશિયાને 3-0થી રોળી નાંખ્યું હતું. ભારતીય બેડમિન્ટન ટીમની આ સ્વર્ણિમ સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપતા કહ્યંy છે કે આપની સફળતા પર દેશ ગર્વ મહેસૂસ કરી રહ્યો છે. ખાસ વાત એ રહી હતી કે ફાઇનલ પહેલા ઇન્ડોનેશિયાની ટીમ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી ન હતી, પણ ફાઇનલમાં ભારતીય શટલર્સ સામે નતમસ્તક થઈ ગઈ હતી.
ફાઇનલમાં ભારતીય જીતના હીરો યુવા લક્ષ્ય સેને પહેલા સિંગ્લસમાં ઇન્ડોનેશિયાના ખેલાડી એન્થોની સિનિસુકા ગિનટિંગ વિરુદ્ધ 8-21, 21-17 અને 21-16થી શાનદાર જીત મેળવી હતી. પહેલી ગેમ આસાનીથી હારી જનાર યુવા લક્ષ્ય સેને બાદમાં જોરદાર વાપસી કરીને બાકીની બે ગેમ જીતની ભારતને 1-0ની સરસાઈ અપાવી હતી. આ પછી ડબલ્સ મુકાબલામાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઇરાજ રંકીરેડ્ડીએ ઇન્ડોનેશિયાની જોડી મોહમ્મદ અનસ-કેવિન સંજયા સુકામુલજો વિરુદ્ધ 18-21, 23-21 અને 21-19થી વિજય મેળવીને ભારતને 2-0થી આગળ કરી દીધું હતું. બીજા સિંગ્લ્સ મેચમાં અનુભવી કિદાંબી શ્રીકાંતે એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા ખેલાડી જોનાથન ક્રિસ્ટીને 21-1પ અને 23-21થી હાર આપી હતી. આ જીત સાથે ભારતની 3-0થી અતૂટ સરસાઈ થઈ ગઈ હતી અને થોમસ કપના 73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ચેમ્પિયન બની હતી.
થોમસ કપમાં અત્યાર સુધી ફક્ત પાંચ ટીમ જ ચેમ્પિયન થોમસ કપ અત્યાર સુધી 32 વખત રમાયો છે. જેમાં ફક્ત પાંચ દેશ જ ચેમ્પિયન બન્યા છે. ઇન્ડોનેશિયા થોમસ કપની સૌથી સફળ ટીમ છે. તેનાં નામે 14 ખિતાબ છે પણ આ વખતે તે ભારત સામે હાર્યું છે. ચીનનાં નામે 10 અને મલેશિયાના નામે પ ખિતાબ છે જ્યારે જાપાન અને ડેનમાર્ક એક-એક વખત ચેમ્પિયન થયા છે. હવે ભારત પહેલીવાર વિજેતા બની છે.
ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે થોમસ કપમાં ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ 43 વર્ષના લાંબા ગાળા બાદ થોમસ કપના સેમિ ફાઇનલમાં પહોંચી છે અને ઓછામાં ઓછો કાંસ્ય ચંદ્રક નિશ્ચિત કરી લીધો છે. આ પહેલા વર્ષ 1979માં ભારતીય ટીમ અંતિમવાર સેમિમાં પહોંચી હતી. થોમસ કપમાં કવોલીફાઇ ફોર્મેટમાં ફેરફાર બાદ આ પહેલો મોકો છે કે જયારે ભારતીય ટીમે મેડલ પાકો કર્યોં હોય. ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ રોમાંચક કવાર્ટર ફાઇનલમાં મલેશિયા વિરૂધ્ધ 3-2થી યાદગાર જીત મેળવી હતી.
ઉબેર કપમાં ભારતીય મહિલા બેડમિન્ટન ટીમ બહાર થઇ ચૂકી છે.
પાંચ વખતની ચેમ્પિયન મલેશિયા વિરૂધ્ધ ભારતીય જોડી ચિરાગ શેટ્ટી-સાત્વિકરાજ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક મેળવનાર કિદાંબી શ્રીકાંત, અને એચએસ પ્રણોયને જીત મળી હતી.’ કવાર્ટર ફાઇનલમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર યુવા ખેલાડી લક્ષ્ય સેન વિશ્વ વિજેતા મલેશિયન ખેલાડી લી જી જિયા સામે 21-23 અને 9-21થી હારી ગયો હતો.
બીજા મુકાબલામાં ડબલ્સમાં ચિરાગ-સાત્વિકની જોડીએ મલેશિયન જોડીને 21-19 અને 21-1પથી હાર આપીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. બાદમાં અનુભવી શ્રીકાંતે એનજી યોંગને 21-11 અને 21-17થી હાર આપીને ભારતને 2-1થી આગળ કર્યું હતું. બીજા ડબલ્સ મેચમાં ભારતીય જોડી કૃષ્ણા પ્રસાદ-વિષ્ણુવર્ધનને હાર મળી હતી. આથી સ્કોર 2-2ની બરાબરી પર આવી ગયો હતો. નિર્ણાયક પાંચમા મુકાબલામાં એચએસ પ્રણોયે પર ભારતની તમામ આશા હતી. તેણે મલેશિયાના ખેલાડી હુન હાઓ લેઓંગ વિરૂધ્ધ 21-13 અને 21-8થી શાનદાર જીત મેળવીને ભારતને સેમિ ફાઇનલમાં પહોંચાડયું હતું અને ચંદ્રક નિશ્ચિત કરી દીધો હતો. સેમિમાં ભારતની ટક્કર દ. કોરિયા અને ડેનમાર્ક વચ્ચેની વિજેતા ટીમ સામે થશે.
આઈપીએલની ફાઈનલ મેચ ૨૯મી મેના રોજ અમદાવાદમાં જ રમાવાની છે અને મહિલાઓની ટી-ટ્વેન્ટી ટુર્નામેન્ટના કાર્યક્રમની મેચ ૨૩થી ૨૮મી મેના રોજ રમાવાની છે, તેને હવે પુણે ખાતે ખસેડવામાં આવી હોવાની વાતને બીસીસીઆઈએ પુષ્ટિ આપી હતી.
આઈપીએલની ક્વોલિફાયર વન અને એલિમિનેટર કોલકાતામાં અનુક્રમે ૨૪ અને ૨૫મી મેના રોજ થવાની હોવાનો, જ્યારે ક્વોલિફાયર ટુ અને ફાઈનલ અમદાવાદમાં અનુક્રમે ૨૭ અને ૨૯મી મેના રોજ રમાવાની હોવાનો અહેવાલ ગયા મહિને પ્રકાશિત કરાયો હતો, એ અંગે મંગળવારે ફાઈનલ તો અમદાવાદમાં જ રમાશે એ વાતને પુષ્ટિ આપી હતી.
‘ક્વોલિફાયર વન ૨૪મી મેના રોજ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે, જ્યારે ત્યાર પછી ૨૫મી મેના રોજ એલિમિનેટર પણ ઈડન ગાર્ડનમાં રમાવાની છે. ટાટા આઈપીએલની ક્વોલિફાયર ટુ અને ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, એવું બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું.
ગયા મહિને બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની બેઠક મળ્યા બાદ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે મહિલા ટી-ટ્વેન્ટી મેચો લખનઊમાં રમાવાની હતી, પણ હવે તેને પુણે ખાતે ફેરવવામાં આવી છે. ફાઈનલ મેચ ૨૮મી મેના રોજ છે અને એ પહેલાં ત્રણ મેચ રમાશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સીઝનમાં કોરોનાનું જોખમ મંડાઈ રહ્યું છે. દિલ્હી ટીમનો ફિઝિયો બાદ એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ રિપોર્ટ બાદ દિલ્હીની ટીમને પુણે જતા રોકી દેવાઈ છે. દિલ્હીની સમગ્ર ટીમને મુંબઈમાં જ ક્વોરન્ટીન કરી દાવાઈ છે.
દિલ્હીની આગામી મેચ 20 એપ્રિલના રોજ પંજાબ સામે પુણેમાં રમાવાની છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ ખેલાડીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
પેટ્રિક ફરહાર્ટ દિલ્હી કેપિટલ્સના તમામ ખેલાડીઓના સંપર્કમાં રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ ખેલાડીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જો ટેસ્ટમાં અન્ય કોઈ સંક્રમિત જણાય તો તેને પણ આઈસોલેટ કરવામાં આવશે. તે જ સમયે, વધુ ખેલાડીઓ સંક્રમિત થવાની સ્થિતિમાં મેચ સ્થગિત કરવામાં આવી શકે છે. ગયા વર્ષે પણ બાયો-બબલમાં કોરોનાની એન્ટ્રી બાદ ઘણા કેસ નોંધાયા હતા. ત્યારપછી BCCIએ IPL અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. પછી ફેઝ-2નું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે વન-ડે વર્લ્ડ કપ 2022 પોતાના નામે કરી લીધો છે. ન્યૂઝીલેન્ડમાં રમાયેલ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને રનોથી હરાવ્યું હતું. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ 7મી વખત મહિલા વર્લ્ડ કપ પર જીત હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડની ટીમ 2017માં રમાયેલ વર્લ્ડ કપની ચેમ્પિયન બની હતી. પણ આ ફાઈનલ મેચમાં તેમની ટીમ ઓસ્ટ્રેલિયાની સામે ટકી શકી ન હતી. ઓસ્ટ્રેલિયાએ આ ટુર્નામેન્ટમાં રમાયલે તમામ મેચોમાં જીત હાંસલ કરી હતી. ઈંગ્લિશ ટીમ પ્રથમ ત્રણ લીગ મેચ હાર્યા બાદ ફાઈનલ સુધી પહોંચી હતી.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 5 વિકેટના નુકસાન પર 356 રનનો સ્કોર બનાવ્યો હતો. ઓપનિંગ બેટર એલિસા હીલીએ આક્રમક બેટિંગ કરતાં 170 રનોની શાનદાર ઈનિંગ્સ રમી હતી. હીલીએ 41 રનોના સ્કોર પર જીવતદાન મળ્યું હતું, જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો, અને ઈંગ્લેન્ડના બોલર્સને ધોવામાં કોઈ કચાશ રાખી ન હતી. તેણે પોતાની ઈનિંગ્સમાં 138 બોલ રમ્યા હતા અને 26 ચોગ્ગા ફટકાર્યા હતા.
હીલીએ તેની ઓપનિંગ બેટર રાચેલ હેન્સ (93 બોલ પર 68 રન) અને બેથ મૂની (47 બોલ પર 62 રન)ની સાથે પાર્ટનરશિપ કરી હતી. જેનાથી ઓસ્ટ્રેલિયા મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં સૌથી વધારે રનનો રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યું હતું. આ પુરુષ અને મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં બીજો સૌથી મોટો સ્કોર છે. ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમે વર્લ્ડ કપ 2003ની ફાઈનલમાં ભારત સામે બે વિકેટના નુકસાન પર 359 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. હીલીએ હેન્સ સાથે મળી પ્રથમ વિકેટ માટે 160 અને મૂની સાથે બીજી વિકેટ માટે 156 રનોની પાર્ટનરશિપ કરી હતી. 357 રનોનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમને ત્રીજી જ ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. સેમિફાઈનલમાં સદી લગાવનાર ડેનિયલ વેટને મેગલ સ્કટે બોલ્ડ કરી હતી. જે બાદ સતત ઈંગ્લેન્ડની વિકેટો પડતી રહી હતી. જો કે એકબાજુથી નતાલી સિવરે મોરચો સંભાળી રાખ્યો હતો, તેણે 90 બોલમાં સદી ફટકારી હતી. પણ ઈંગ્લેન્ડની અન્ય કોઈ બેટરે તેનો સાથ આપ્યો ન હતો. 44 ઓવરમાં 285 રન બનાવી ઈંગ્લેન્ડ ઓલઆઉટ થઈ ગયું હતું. સિવરે 148 રનોની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર અલાના કિંગ અને જાનેસને સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી.
૨૦૧૧માં આઇપીએલની શરૂઆત થયા બાદ પ્રથમ વાર એવું બનશે જ્યારે ૧૦ ટીમો ટી-૨૦ સ્પર્ઘા માટે મેદાનમાં ઉતરશે. દર વખતની આઠ ટીમોમાં આ વખતે લખનઊ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સનો ઉમેરો થશે. ૧.૭ અબજ યુએસ ડૉલરનો નાણાકીય વ્યવહાર ધરાવતી આ ટુર્નામેન્ટ હવે ખરા અર્થમાં ગ્લોબલ બની ગઇ છે.
કોવિડને કારણે સર્જાયેલ પરિસ્થિતિ બે વર્ષે કાબુમાં આવતા હવે સ્ટેડિયમોમાં પ્રેક્ષકોના કલબલાટ વચ્ચે મૅચો રમવાનો આનંદ જ કંઇ ઓર હશે. જોકે, સાવચેતીના પગલારૂપે સ્ટેડિયમની ક્ષમતા હોય તેના ૨૫ ટકાને જ તેમાં પ્રવેશ મળશે. નવી ટીમના આગમન સાથે અગાઉ ૬૦ મૅચો રમાતી હતી એમાં ઉમેરો થઇને હવે ૭૪ મૅચો રમાશે. પૂરા બે મહિના આ મૅચો રમાતી રહેશે.
ગયા વર્ષે કોવિડ-૧૯ના કારણે મૅચો પડતી મૂકવી પડી હતી અને ચાર મહિના બાદ યુએઇમાં જઇને પૂર્ણ કરવી પડી હતી તેવું આ વખતે નહીં થાય. બધી મૅચો મહારાષ્ટ્રના ચાર ગ્રાઉન્ડોમાં જ રમાશે. આ ગ્રાઉન્ડ્સમાં મુંબઇના ત્રણ અને પુણેના એક ગ્રાઉન્ડ્સનો સમાવેશ થાય છે. આમ કરવાથી લાંબી હવાઇ યાત્રાઓ ટાળી શકાશે. રોહિત શર્માની કૅપ્ટેન્સી હેઠળ મુંબઇ ઇન્ડિયન્સ માટે વર્ષોથી આ બધા ગ્રાઉન્ડ્સ હોમપીચ સમાન છે તો શું તેમને તેનો માનસિક લાભ મળશે તેવી વાત પણ ચર્ચાઇ રહી છે.
આઇપીએલ બાદ ઑસ્ટ્રેલિયામાં વર્લ્ડકપ રમાવાનો હોવાથી ઘણા ભારતીય ખેલાડીઓનું ભાગ્ય પણ આ ટુર્નામેન્ટ દરમ્યાન ઘડાશે.
ભારતીય ટીમને અત્યાર સુધી મળેલા અવ્વલ ખેલાડીઓમાંના એક અને વિકેટકીપર કમ બૅટ્સમેન મહેન્દ્રસિંહ ધોની આ વખતે માત્ર ખેલાડીની રૂએ રમશે. ચેન્નઇ સુપર કિંગ્સની કૅપ્ટન્સી રવીન્દ્ર જાડેજાને સોંપાઇ છે જે ધોનીના માર્ગદર્શન હેઠળ સુકાની તરીકે ઘડાશે. ઉલ્લેખનીય છે કે ૧૫ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે ૪૦ વર્ષીય ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ તેના માટે ફેરવેલ ટુર્નામેન્ટ બની રહે તો નવાઇ નહીં. ઐયર, કે. એલ. રાહુલ અને હાર્દિક પંડ્યાને કપ્તાન તરીકે કાબેલિયત બતાવવાની તક
દિલ્હી કેપિટલ્સને પ્રથમ વાર ફાઇનલમાં લઇ જનાર ઐયરને ખભામાં ઇજા થયા પછી બાજુ પર મૂકી દેવાયો હતો. તેણે ફરી ઑક્શનમાં જવાનું નક્કી કરતાં તેને કોલકતા નાઇટ રાઇડર્સ દ્વારા ખરીદી લેવાયો હતો. તાજેતરમાં તેણે ટીમ ઇન્ડિયા વતી રમીને સારું પ્રદર્શન કર્યું છે.
ટીમ ઇન્ડિયામાં ઐયરનો સાથીદાર રહી ચૂકેલા હાર્દિક પંડ્યા ઘૂંટણની ઇજાને કારણે નિયમિત રીતે બૉલિંગ કરી શકતો ન હતો જેને લીધે ટીમમાંથી સ્થાન ગુમાવવું પડ્યું હતું, પરંતુ હવે સૌપ્રથમ વાર મેદાનમાં ઉતરનાર ‘ગુજરાત ટાઇટન્સ’ના સુકાનીપદે રહીને તેણે પોતાને સાબિત કરવો પડશે.
ગુજરાત ટાઇટન્સની જેમ લખનઊ સુપર જાયન્ટ્સ પણ પ્રથમવાર મેદાનમાં ઊતરશે જેનું સુકાનીપદ કે. એલ. રાહુલ સંભાળશે જોઇએ તે કેવું કાઠું કાઢે છે.
ચેન્નઈ સુપર કિંગ્સે 14 વર્ષમાં પહેલી વાર કેપ્ટન બદલ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડી દીધી છે. હવે તેના સ્થાને રવીન્દ્ર જાડેજા ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. જાડેજા 2012થી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે. માહીની કેપ્ટનશિપમાં ચેન્નઈએ 4 વખત આઈપીએલનો ખિતાબ પણ જીત્યો છે. જ્યારે આ વખતે ચેન્નઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા.
જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂ. 16 કરોડમાં રિટેન કરીને જાણે એવો સંકેત પણ આપ્યો હતો કે ધોનીના સ્થાને તે કેપ્ટન હોઈ શકે છે. તો બીજી બાજુ ધોનીને આ સિઝન માટે રૂ. 12 કરોડ મળ્યા હતા. જોકે અગાઉ પણ એવી અટકળો હતી કે જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેના સિવાય મોઈન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.
બેંગલુરૂમાં રમાયેલી બીજી ટેસ્ટમાં શ્રીલંકાને 238 રને પરાજય આપ્યો છે. આ ડે-નાઈટ ટેસ્ટ હતી જેમાં તેનો આસાન વિજય થયો છે. ભારતે અત્યાર સુધી ઘરઆંગણે બે ડે-નાઈટ ટેસ્ટ રમી છે અને બંનેમાં તેણે વિજય નોંધાવ્યો છે. બેંગલુરૂ ટેસ્ટમાં રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે શ્રીલંકા સામે 447 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો જેના જવાબમાં સુકાની ઓપનર દિમુથ કરૂણારત્નેએ લડાયક સદી ફટકારી હોવા છતાં શ્રીલંકન ટીમ તેના બીજા દાવમાં 208 રનમાં આઉટ થઈ ગઈ હતી. બંને દાવમાં શ્રીલંકન બેટર્સ ઝડપી બોલર જસપ્રિત બુમરાહના ઝંઝાવાત અને સ્પિનર અશ્વિનની સ્પિન બોલિંગ સામે લાચાર જોવા મળ્યા હતા.
શ્રીલંકાએ પ્રથમ દાવમાં પ્રભાવશાળી બોલિંગ કરી હતી અને ભારતીય ટીમને 252 રનમાં આઉટ કરી દીધી હતી. ભારત માટે શ્રેયસ ઐય્યરે સૌથી વધુ 92 રન નોંધાવ્યા હતા. જોકે, જસપ્રિત બુમરાહે ધમાકેદાર બોલિંગ કરી હતી જેના કારણે શ્રીલંકાનો પ્રથમ દાવ ફક્ત 109 રનમાં જ સમેટાઈ ગયો હતો. એન્જેલો મેથ્યુઝે સૌથી વધુ 43 રન નોંધાવ્યા હતા. બુમરાહે 10 ઓવરમાં 24 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ભારતે નવ વિકેટે 303 રનના સ્કોરે પોતાનો બીજો દાવ ડિક્લેર કર્યો હતો. જેમાં ઐય્યરે વધુ એક વખથ અડધી સદી ફટકારતા 67 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે રિશભ પંતે ભારત માટે સૌથી ઝડપી ટેસ્ટ અડધી સદી ફટકારતા 50 રનની ઈનિંગ્સ રમી હતી.
શ્રીલંકા સામે 447 રનના લક્ષ્યાંક હતો પરંતુ ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ત્રીજા જ બોલ પર લાહિરૂ થિરિમને ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. જોકે, દિમુથ કરૂણારત્ને અને કુસલ મેન્ડિસે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આ જોડીએ 97 રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ મેન્ડિસ આઉટ થયા બાદ શ્રીલંકાના ધબડકાની શરૂઆત થઈ હતી. મેન્ડિસે 60 બોલમાં આઠ ચોગ્ગા સાથે 54 રન ફટકાર્યા હતા. એન્જેલો મેથ્યુઝ એક, ધનંજય ડીસિલ્વા ચાર, નિરોશન ડિકવેલા 12 અને ચરિત અસાલંકા પાંચ રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા.
દિમુથ કરૂણારત્નેએ એક છેડો જાળવી રાખ્યો હતો અને લડત આપી હતી. જોકે, તેની લડત પૂરતી ન હતી કેમ કે સામે છેડે તેને યોગ્ય સાથ મળ્યો ન હતો. કરૂણારત્નેએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 174 બોલનો સામનો કરતા 107 રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં તેણે 15 ચોગ્ગા ફટકાર્યા હતા. ભારત માટે બુમરાહે ત્રણ, અશ્વિને ચાર તથા અક્ષર પટેલે બે તથા રવિનદ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.
ભારત માટે જસપ્રિત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિને વેધક બોલિંગ કરી હતી. બુમરાહે પ્રથમ દાવમાં 10 ઓવરમાં 24 રન આપીને ચાર તથા બીજા દાવમાં નવ ઓવરમાં 23 રન આપીને ત્રણ મળીને કુલ આઠ વિકેટ ઝડપી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિને પ્રથમ દાવમાં 8.5 ઓવરમાં 30 રન આપીને બે વિકેટ ઝડપી હતી જ્યારે બીજા દાવમાં 19.3 ઓવરમાં 55 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આમ અશ્વિને કુલ છ વિકેટ ખેરવી હતી.
ભારત અને શ્રીલંકાની ટીમ વચ્ચે અહીંના એમ. ચિદબંરમ સ્ટેડિયમ પર શનિવારથી ડે-નાઇટ ટેસ્ટ મેચ શરૂ થશે. પિન્ક બોલથી રમાનાર બીજા ટેસ્ટ પૂર્વે ભારતીય ટીમ સખત નેટ પ્રેક્ટિસ કરી રહી છે. ટીમના અભ્યાસ સત્ર દરમિયાનના કેટલાક ફોટો બીસીસીઆઇએ આજે ટ્વિટર પર શેર કર્યા છે. જેમાં જોવા મળે છે કે કોચ રાહુલ દ્રવિડનાં માર્ગદર્શનમાં ખેલાડી સખત પ્રેક્ટિસ કરી રહ્યા છે. પહેલા ટેસ્ટમાં શ્રીલંકા સામેની એક દાવ અને 222 રનની મહાજીત બાદ ટીમ ઇન્ડિયા ડે-નાઇટ ટેસ્ટમાં પણ વધુ એક મહાવિજયનો વિશ્વાસ ધરાવે છે. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા શ્રીલંકાનો 2-0થી ક્લીનસ્વીપ કરવા ઉત્સુક છે. ભારતીય ઇલેવનમાં જયંત યાદવનાં સ્થાને અક્ષર પટેલની વાપસી નિશ્ચિત માનવામાં આવે છે. બીજા ટેસ્ટ દરમિયાન ફરી એકવાર તમામની નજર વિરાટ કોહલી પર રહેશે. તે પાછલા 27 મહિનાથી સદીથી વંચિત છે. ખાસ વાત એ છે કે તેણે છેલ્લી ઇન્ટરનેશનલ સદી બાંગલાદેશ વિરુદ્ધ 2019માં કોલકતામાં ડે-નાઇટ ટેસ્ટ દરમિયાન જ ફટકારી હતી. આથી ચાહકોને આશા છે કે કોહલી ફરી ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકાશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.