CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 21 of 42 - CIA Live

November 19, 2019
CIAlive_BGDC_3.jpg
2min15780

કોમન સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ ઇન ફેમિલી પ્રેક્ટીસ પર પદ્મશ્રી ડૉ. પ્રકાશ કોઠારીનું ઇન્ફર્મેટીવ સેશન

Jayesh Brahmbhatt 98253 44944

વ્યાવસાયિકો, ધંધાર્થીઓ આખું અઠવાડીયું વ્યસ્તતામાં વિતાવતા હોય છે અને જ્યારે વીકએન્ડ આવે અને શનિવારની સાંજ પડે એટલે 36 કલાક માટે કામકાજ બંધ અને ફક્ત રેસ્ટીંગ-રિલેક્સીંગ શરૂ કરી દેતા હોય છે. પણ સૂરતના ભટાર-ઘોડદોડ રોડના તબીબોએ ગયો રવિવાર પોતાના નોલેજ અપગ્રેડેશનમાં વિતાવીને અન્ય પ્રોફેશનલ્સ માટે પ્રેરણાદાયી દાખલો પૂરો પાડ્યો છે.

ભટાર-ઘોડદોડ રોડ ડોક્ટર્સ ક્લબ દ્વારા તેમના મેમ્બર તબીબો માટે રવિવાર તા.17મી નવેમ્બર 2019ના રોજ અવધ યુટોપીયા ખાતે BGDC.CON નોલેજ ગેઇનિંગ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું દીપ પ્રગટાવીને ઉદઘાટન કરી રહેલા મહાનુભાવોમાં પદ્મશ્રી ડો. પ્રકાશ કોઠારી, શહેરના જાણીતા આંખના સર્જન ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ, ડો.ધનેશ વૈદ્ય, ડો.કશ્યપ ખરચીયા જેઓ કોન્ફરનન્સના ચેરમેન તરીકે ફરજ નિભાવી હતી, સાથે અન્ય મહાનુભાવો દ્રશ્યમાન છે. CIA Live News, Surat

સૂરતના ભટાર-ઘોડદોડ ડોક્ટર્સ એસોસીએશનના સભ્યોએ ગયા રવિવાર તા.17મી નવેમ્બર 2019ના રોજ રવિવારે રજાનો આખો દિવસ તેમના નોલેજ અપગ્રેડેશનમાં કાઢ્યો હતો. ભટાર-ઘોડદોડ ડોક્ટર્સ એસોસીએશનની ટીમે શ્રી ડો. કશ્યપ ખરચીયાની ચેરમેનશીપ હેઠળ ભારતના વિખ્યાત પદ્મશ્રી ડો. પ્રકાશ કોઠારી સમેત 11 એક એકથી ચઢીયાતા ડોક્ટર સ્પીકર્સના સેશન્સ રવિવારે તા.17મીએ અવધ ઉટોપીયા ખાતે રાખ્યા હતા. સવારે 9થી સાંજે 7 સુધી ઘોડદોડ-ભટાર ડોક્ટર્સ એસોસીએશનના સભ્યોએ શિસ્તબદ્ધ રીતે તમામ સેશન્સમાં હાજરી આપીને નોલેજ ગેઇન કર્યું હતું.

ભટાર-ઘોડદોડ રોડ ડોક્ટર્સ ક્લબ દ્વારા તેમના મેમ્બર તબીબો માટે રવિવાર તા.17મી નવેમ્બર 2019ના રોજ અવધ યુટોપીયા ખાતે BGDC.CON નોલેજ ગેઇનિંગ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગેસ્ટ લેક્ચર પદ્મશ્રી ડો. પ્રકાશ કોઠારી સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ ઇન ફેમિલી લાઇફ વિષય પર ભટાર ઘોડદોડ રોડના તબીબો માટે ખાસ માહિતીસભર પેશકશ કરી હતી. CIA Live News, Surat

ભટાર-ઘોડદોડ ડોક્ટર્સ એસોસીએશનના પ્રમુખ ડો. હેતલ યાજ્ઞિક, સેક્રેટરી ડો. રોનક નાગોરીયા, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડો. આલોક શાહ, એડવાઇઝર ડો. રજનિકાંત દવે, ડો. સંજીવ વ્યાસ, ડો.પ્રદીપ દેસાઇ તેમજ તેમની સમગ્ર ટીમે ભટાર-ઘોડદોડ રોડ ડોક્ટર્સ એસોસીએશનના મેમ્બર માટે આ નોલેજ ગેઇનિંગ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં ગેસ્ટ લેક્ચરર પદ્મશ્રી ડો.પ્રકાશ કોઠારી ઉપરાંત અતિથિ વિશેષ તરીકે શહેરના જાણીતા આંખના સર્જન ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ડો. ધનેશ વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા.

ભટાર-ઘોડદોડ ડોક્ટર્સ એસોશીએશન છેલ્લા 18 વર્ષથી પોતાના મેમ્બર ડોક્ટર્સ માટે આ પ્રકારના નોલેજ ગેઇનિંગ સેસન્શનું આયોજન કરે છે. સૂરતના જાણિતા તબીબ ડો.અશોક સૂર્યવંશી તેમજ ડો. સમસુદ્દીન વિરાણીએ આ કોન્ફરન્સને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

તદુપરાંત ડો.પ્રથમેશ કુલકર્ણી, ડો.અંકુર ગર્ગ, ડો.ગોપાલ રાવલ, ડો.સંજય દુધાત, ડો.હેમિશ પટેલ, ડો. અર્ચના શેટ્ટી, ડો. હિમાશું રોહેલ્લા, ડો.આર. શેખર, ડો. નિશિલ શાહે પોતપોતાના વિષયો પર માહિતીસભર વક્તવ્યો આપીને સાથી તબીબ મિત્રો સાથે નોલેજ શેરીંગ કર્યું હતું.

ભટાર-ઘોડદોડ રોડ ડોક્ટર્સ ક્લબ દ્વારા તેમના મેમ્બર તબીબો માટે રવિવાર તા.17મી નવેમ્બર 2019ના રોજ અવધ યુટોપીયા ખાતે BGDC.CON નોલેજ ગેઇનિંગ સેશન્સના સફળ આયોજકોની ટીમ અને ડો. પ્રકાશ કોઠારી સાથેની યાદગાર તસ્વીર. CIA Live News, Surat

ડો.રાજેશ ડુંગરાણી, ડો.રિન્કી શાહ, ડો.પ્રશાંત નાયક તેમજ ડો. કોમલ પરીખે અનુક્રમે પહેલા સેશન અને બીજા સેશનમાં માસ્ટર ઓફ સેરેમની તરીકે ભૂમિકા અદા કરી હતી.

November 19, 2019
Digital-Gujarat-1280x549.png
1min4950

સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વરાસિંહ પરમારે જણાવ્યું છે કે, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના લાભો પારદર્શિતાથી નાગરિકોને સત્વરે મળી રહે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે આજે સમાજ કલ્યાણ વિભાગની વધુ 13 વ્યક્તિલક્ષી યોજનાઓ ઓનલાઇન કરાઇ છે.

તા.18મી નવેમ્બર 2019ના રોજ ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની 13 યોજનાઓનું ઓનલાઇન લોન્ચિંગ કરતાં મંત્રી શ્રી ઇશ્વરસિંહ પરમારે કહ્યું કે, ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ શિષ્યવૃત્તિ સિવાયની અન્ય યોજનાઓમાં પણ લાભાર્થી સરળતાથી, ઝડપી તેમજ પારદર્શિતાથી સહાય/લાભ તેઓના બેન્ક ખાતામાં સીધો મેળવી શકે તે હેતુથી આ વ્યક્તિલક્ષી યોજનાનો અમલ પણ ઓનલાઇન કરવાનો રાજ્ય સરકારને નિર્ણય કર્યો છે.

જેમાં મખ્યત્વે

  • ડો. આંબેડકર આવાસ યોજના,
  • માનવ ગરિમા યોજના,
  • કુંવરબાઇનું મામેરું યોજના,
  • વિદેશ અભ્યાસ લોન,
  • કોમર્શિયલ પાયલોટ લોન,
  • પંડિતદિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના,
  • બસ પાસ યોજના,
  • સાધન સહાય યોજના,
  • સંત સુરદાસ યોજના જેવી યોજનાઓ ઓન લાઇન કરાઇ છે.
    ઉપરોક્ત યોજનામાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓ ‘ઇ સમાજ કલ્યાણ’ વેબ સાઇટ મારફત ઓનલાઇન અરજી કરીને સરળતાથી ઝડપી લાભ મેળવી શકશે.

શ્રી પરમારે ઉમેર્યું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ કલ્યાણ,  નિયામક, વિકસતી જાતિ કલ્યાણ તથા નિયામક સમાજ સુરક્ષાની કચેરી દ્વારા જુદી જુદી શિષ્યવૃત્તિ તેમજ પ્રજાલક્ષી યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં પ્રિ એસ.એસ.સી. તેમજ પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિઓ વર્ષ-2017-18થી ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઓનલાઇન કરીને ચૂકવવામાં આવે છે.

November 18, 2019
passport-police-verification.jpg
1min6920

પાસપોર્ટ : અરજદારના ઘરે જઇને પોલીસ વેરિફિકેશન કરવાનો નિયમ

પાસપોર્ટ મેળવવા પોલીસ વેરિફિકેશન માટે હવે નાગરિકોને પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. જેમાં પોલીસકર્મીઓને અરજદારના ઘરે જઈ અને મોબાઈલ પોકેટકોપ મારફતે એપ્લિકેશન દ્વારા વેરિફિકેશન કરવાની હોય છે. ત્યારે પોલીસકર્મીઓ અરજદારના ઘરે જવાની જગ્યાએ વેરિફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં બોલાવતા હતા. જેની જિલ્લા પોલીસવડાએ ગંભીર નોંધ લઈ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની જગ્યાએ ઘરે જઇ વેરિફિકેશન કરવાના આદેશ આપ્યા હતા.

નિયમ વિરુદ્ધ લોકોને પોલીસ સ્ટેશન બોલાવાઈ રહ્યા હોવાની ફરિયાદો થતાં અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ તમામ પોલીસ સ્ટેશનોને અરજદારના ઘરે જઈ વેરિફિકેશન કરવા માટે સૂચના આપી છે. અધિકારીઓનું માનવું છે કે, જો પોલીસ જ ઘરે જાય તો અરજદારના એડ્રેસનું રુબરુ વેરિફિકેશન ઉપરાંત તે ગુનાઈત પ્રવૃત્તિમાં રોકાયેલો છે કે કેમ તે ચકાસી શકાય.

ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એસસીઆરબી) ગાંધીનગર દ્વારા મોબાઈલ એપ્લિકેશનનું મોનિટરિંગ કરતા પાસપોર્ટ વેરિફિકેશનનું કામ કરતા પોલીસકર્મીઓ નાગરિકોને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવતા હોવાનું ધ્યાને આવતા જિલ્લા પોલીસવડાએ તેની ગંભીરતાથી નોંધ લઈ નાગરિકોને પોલીસ સ્ટેશનમાં ન બોલાવવા જણાવ્યું હતું. શહેર પોલીસ કમિશનરે આ બાબતે પરિપત્ર કરી તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને જાણ કરી હતી. જેમાં વેરિફિકેશન કરતા અધિકારીઓને આ બાબતે કડક સૂચના આપી તે મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

November 17, 2019
aadhar.png
1min6930

ભારતમાં આધાર કાર્ડ ધરાવતી કોઇપણ વ્યક્તિ આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ, જાતી માં ફેરફાર કોઇપણ પ્રકારના ડોક્યુમેન્ટ સબમિશન વગર કરાવી શકશે. આધાર ઓથોરિટીએ તાજેતરમાં નવી ગાઇડલાઇન્સ જારી કરી છે. આ માટે ફક્ત આધારકાર્ડ લઇને નિર્ધારિત એપોઇન્ટમેન્ટના સમયે આધાર સેન્ટર પર પહોંચી જવાનું રહેશે.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ પોતાના તાજેતરના એક ટ્વિટમાં કહ્યું કે ફોટોગ્રાફ, બાયોમેટ્રિક્સ, લિંગ, મોબાઈલ નંબપર તેમજ ઇ-મેલ આઈડીમાં ફેરફાર કરવા માટે કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ્સની જરુરિયાત નથી.

આ ફેરફાર કરવા માટે બસ તમારે તમારું આધાર કાર્ડ લઈને નજીકના આધાર સેન્ટર પર જવાનું છે અને પોતાની ડિટેઇલ અપડેટ કરાવવાની છે. જ્યારે આ 6 સેવાઓમાં તમે તમારા એડ્રેસને ઓનલાઇન અપડેટ અથવા ચેન્જ કરી શકો છો. આ એડ્રેસને ઓનલાઇન ચેન્જ કરવા માટે મોબાઇલ નંબર જરુરી છે. કેમ કે આ માટે OTP તમાર રજીસ્ટર મોબાઇલ નંબર પર જ આવશે.

નવા આધાર કાર્ડની સાથે લોકો જૂના આધાર કાર્ડમાં નામ અપડેટ, એડ્રેસ અપડેટ, મોબાઈલ નંબર અપડેટ, ઈ-મેલ અપડેટ, ડેથ ઓફ બર્થ અપડેટ, જાતી તેમજ બાયોમેટ્રિક્સ અપડેટ કરવા માટે આધાર સેવા કેન્દ્ર પાસેથી એપોઇન્ટમેન્ટ લઈ શકે છએ.

ભારતના નિવાસી કોઈપણ નાગરીક UIDAIની વેબસાઈટ પરથી પણ આ એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે. તેમજ UIDAIએ એક યુટ્યુબ વીડિયો પણ શેર કર્યો છે જેમાં આધાર સેવા કેન્દ્રની સેવા પ્રક્રિયા અંગે જણાવવામાં આવે છે.

November 15, 2019
CIA_live_waterbreak_logo-1280x1280.jpg
1min5540

શાળાઓમાં ‘વૉટર બ્રેક’ વિદ્યાર્થીઓને નિયમિત અંતરાલે પાણી પીવાનું યાદ અપાવે છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિજ્ઞાન, શાસ્ત્રો અને તબીબો નિયમિત રીતે એવું કહી રહ્યા છે કે માનવીએ દિવસમાં શક્ય હોય તેટલું વધુ પાણી પીવું જોઇએ, કમનસીબે બહુ જૂજ લોકો નિયમિત અંતરાળે પાણી પી ને સ્વાસ્થય સારુ રાખે છે, બિમારીઓને દૂર રાખી શકે છે. મોટા ભાગના લોકો વિદ્યાર્થીઓ સમેત કહેવાતી વ્યસ્તતા ને કારણે શરીરને પાણીથી કલાકો વંચિત રાખે છે અને તેને કારણે જાત જાતની બીમારીઓ નોંતરે છે. CIA Live આવું ન થાય તે હેતુથી કેરળની શાળાઓમાં બાલ દિન પૂર્વે પ્રાયોગિક ધોરણે ‘વૉટર બ્રેક’ શરૂ કરાયો હતો. દરેક પીરિયડમાં વિદ્યાર્થીઓને પાણી પીવા માટેનો સમય આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને પાણી પીવડાવવાનું યાદ અપાવવા માટે ખાસ બેલ વગાડવામાં આવે છે.

કેરળની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ નિયમિત રીતે પાણી પીએ એ માટે ખાસ વોટર બ્રેક અભિયાન શરૂ થયું છે. સમગ્ર દેશમાં આ અભિયાનને સકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે. કેરળ પછી કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વોટર બ્રેક માટે અનુકુળ માહોલ સર્જાયો છે. હવે આ વોટર બ્રેક અભિયાન સમગ્ર દેશમાં શરૂ થાય એ દિવસો દૂર નથી. CIA Live

આ યોજનાને હાલમાં શરૂ કરાયેલા અસોસિયેશન ઓફ પ્રાયમરી એજ્યુકેશન (એપીઇઆર) અને સંશોધને Water Break નામની ઝુંબેશ હેઠળ દેશભરની તમામ શાળાઓમાં લાગુ કરવાને અપીલ કરવામાં આવી છે. CIA Live

મુંબઇ સહિત પુણે, હૈદરાબાદ, બૅંગ્લોર અને ચેન્નઇના શિક્ષકો અને વિદ્યાર્થીઓના વાલીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતાં, તેમાં 6થી 10 વર્ષની વયના ૬૮ ટકા વિદ્યાર્થીઓ પાણી ભરેલી બૉટલ ઘરે પાછી લાવતા હોય છે. તેથી શાળાઓના વિદ્યાર્થીઓને પાણી પીવાનું યાદ અપાવવા માટે ખાસ ઘંટ વગાડવામાં આવે તેવી અપીલ અસોસિયેશન કરી રહ્યું છે.

અનેક ક્ષેત્રોમાં પહેલ કરતા સૂરત શહેરની શાળાઓએ વોટર બ્રેકનો કન્સેપ્ટ અપનાવવામાં વિલંબ ન કરવો જોઇએ

સૂરત શહેરની વાત કરીએ તો સૂરત શહેરમાં 1200થી વધુ શાળાઓ, 150થી વધુ કોલેજો, ટ્યુશન-કોચિંગ ક્લાસીસો વગેરે કાર્યરત છે. સૂરત ગુજરાતનું મોટામાં મોટું એજ્યુકેશનલ હબ બની ચૂક્યું છે. સૂરત શહેરનું નામ પહેલ કરવામાં અગ્રેસર છે. સ્વચ્છતા અભિયાન હોય, ગ્રીનરી વિકસાવવાની હોય, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના પ્રોજેક્ટસ હોય કે પછી ટેક્સ ભરવાનો હોય, સૂરત શહેરના લોકોએ પહેલ કરી છે અને પછી ગુજરાત રાજ્ય અને દેશભરમાં એ પહેલને અનુયાયીઓ મળ્યા છે. સી.આઇ.એ. લાઇવ CIA Live અને શિક્ષણ સર્વદા (વિદ્યાર્થીઓનું અખબાર) સૂરત શહેરની શાળાઓ, સંચાલકો, આચાર્યો, શિક્ષકો વગેરેને અપીલ કરે છે કે સૂરતના વિદ્યાર્થીઓના સ્વાસ્થય હિતમાં વોટર બ્રેકનો અમલ સત્વરે શરૂ કરવો જોઇએ.

સૂરતના બાળકોના શરીરમાં શાળાકીય સમયના 5થી 6 કલાકમાં એકથી દોઢ લીટર પાણી જશે તો બાળકો અનેક બિમારીઓથી દૂર રહેશે અને તેઓ ફીટ રહેવા માંડશે. CIA Live


November 13, 2019
uma_ias.png
1min6470

રાતે સૂતી વખતે ઘડિયાળ સામે નહીં જોવાનું, પણ સવારમાં એ જ ઘડિયાળમાં પાંચ વાગે એટલે જાગી જવાનું. એ સમયે ઘરના અન્ય સભ્યો ગાઢ નીંદરમાં હોય એટલે કોઈને પણ વિક્ષેપ ન પડે એ રીતે અભ્યાસ કરવાનો. પૂરા બે કલાક સુધી. ઘડિયાળમાં સાતના ટકોરા થાય એટલે ઘરકામમાં લાગી જવાનું. સવારના ચા-નાસ્તાથી માંડીને બીજાં દૈનિક કામો પતાવવા ઉપરાંત દીકરીને જગાડી, એને તૈયાર કરીને શાળાએ ભણવા મોકલવાની. આ બધું કામ પતાવતા પતાવતા ઘડિયાળમાં દસ ક્યાં વાગી જાય એની ખબર જ ન પડે. સવારે વહેલાસર જાગ્યા પછી સતત પાંચ કલાક પ્રવૃત્ત રહ્યા પછી કોઈ પણ વ્યક્તિને બે ઘડી લાંબો વાંસો કરવાનું મન થાય એ સ્વાભાવિક ગણાય. પણ ના, એ પોસાય જ નહીં, કારણ કે નક્કી કરેલું લક્ષ્ય પાર પાડવાનું છે. દસ વાગ્યાથી ફરી પુસ્તક હાથમાં અને અધૂરો રાખેલા અભ્યાસ આગળ ચાલુ રાખવાનો. બાર સવાબાર થાય એટલે દીકરીનો સ્કૂલેથી પાછા ફરવાનો સમય થઈ જાય. ફરી પુસ્તકો બંધ અને સમગ્ર ધ્યાન દીકરીમાં પરોવાઈ જાય. દીકરીનું જમવાનું, એના અભ્યાસ પર દેખરેખ રાખવાની અને ઘરના બીજાં નાનામોટા કામ તો રોજેરોજ ઊભા જ હોય. સાંજ પડે ને પતિ ઑફિસેથી પાછા ફરે એટલે દીકરીના રૂટિનની જવાબદારી એમને સોંપી દેવાની અને પછી બપોરે અધૂરો મૂકેલો અભ્યાસ ફરી શરૂ કરવાનો.

૩૩ વર્ષની તામિલનાડુના તિરુનેલવેલી શહેરની રહેવાસી ઉમા મહેશ્ર્વરીની આ દિનચર્યા હતી. સિવિલ સર્વિસ એક્ઝામની કસોટીમાં સાંગોપાંગ પાર ઉતરાય એ માટે ઉમા આ પ્રકારે મહેનત કરી રહી હતી. શરૂઆતમાં તેને નિષ્ફળતા મળી અને એ પણ એક-બે નહીં, પણ પૂરા છ પ્રયાસોમાં એ નિષ્ફળ રહી. જાળું બાંધવાના પ્રયાસમાં વારંવાર નીચે પછડાતો હોવા છતાં હિંમત ન હારનાર અને અંતે સફળતા મેળવનારા કરોળિયાની વાર્તા ઉમા જાણે છે કે નહીં એ આપણે નથી જાણતા, પણ એ ભાવના, એ જોશ, એ સંકલ્પ આ તમિળ યુવતીમાં ભારોભાર છે એમ ચોક્કસ કહી શકાય. પાંચ પાંચ વખત નિષ્ફળતા મળ્યા પછી પણ દૃઢ મનોબળ સાથે વધુ એક પ્રયાસ કરનારી ઉમા મહેશ્ર્વરીએ છઠ્ઠા પ્રયાસમાં સફળતા અંકે કરી જ લીધી. સંઘર્ષના અને પ્રયાસોના દિવસો યાદ કરીને ઉમા જણાવે છે કે ‘હું જ્યારે તિરુનેલવેલીમાં શાળા અને કૉલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે જો ‘નસીબમાં હશે તો મળશ’ે એવું કોઈ કહેતું તો એ વાત હું હસવામાં કાઢી નાખતી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયમાં સંઘર્ષ કરીને હું જે રીતે આગળ આવી છું એ પછી મને પણ નસીબમાં વિશ્ર્વાસ બેસવા લાગ્યો છે. પુરુષાર્થને પ્રારબ્ધનો સાથ મળવો જોઈએ.’

ઉમા બાળપણથી જ ભણવામાં તેજસ્વી હતી. આ છોકરી બહુ આગળ વધશે એવું એની શાળાના પ્રાથમિક કક્ષાના શિક્ષકો કહેતા હતા. સારી વાત એ થઇ કે એના પરિવારે પણ એને ભણવા માટે ઉત્તેજન આપ્યું અને એન્જિનિયરિંગનો અભ્યાસ તેણે પૂરો કર્યો. આટલેથી સંતોષ માની ન લેતા આ યુવતીએ એમબીએનો અભ્યાસ શરૂ કર્યો. જોકે, આ સમયે ઉમાએ સિવિલ સર્વિસ એક્ઝામનો વિચાર સુધ્ધાં નહોતો કર્યો. એના એક પ્રોફેસરે એને આ પરીક્ષા માટે પ્રોત્સાહિત કરી. કારકિર્દીમાં આવેલા એ વળાંકને યાદ કરીને ઉમા જણાવે છે કે ‘હું કૉલેજમાં ભણતી હતી એ દરમિયાન એક દિવસ હું સિવિલ સર્વિસની પરીક્ષા આપીશ એવો સપનેય ખ્યાલ નહોતો. મારા એક પ્રોફેસરે મને આ પરીક્ષા આપવા સમજાવી અને પ્રોત્સાહન આપ્યું. પહેલી વખત મેં ૨૦૧૧માં આ પરીક્ષા આપી અને એ પણ કોઈ પ્રકારની તૈયારી વિના.’ અલબત્ત એમાં એને નિષ્ફળતા મળી જે સહજ અને સ્વાભાવિક હતું અને એટલે નિરાશ થવાનું કોઈ કારણ પણ નહોતું. બીજી એક વાત પોરસાવનારી એ હતી કે ઉમાએ કૉલેજ શિક્ષણ પૂરું કર્યું ત્યારે એના હાથમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીનું લેબલ અને ત્રણ અલગ અલગ મોટી કંપનીઓની નોકરીમાં જોડાવાના ઑફર લેટર્સ પણ હતા. જોકે, કુદરત હજી ઉમાની વધુ કસોટી કરવા માગતી હતી. સફળતા મેળવવા માણસે શૈક્ષણિક પરીક્ષાઓ પાસ કરવાની સાથે જીવનની પરીક્ષાઓ પણ પાસ કરવાની હોય છે. એ સમય યાદ કરીને ઉમા મહેશ્ર્વરી જણાવે છે કે ‘કૉર્પોરેટ જૉબ મેં સ્વીકારી ત્યારે જીવનમાં કંઈક મેળવ્યાનો આનંદ હૈયે જરૂર હતો. જાણે હું ગુલાબી સેજ પર ચાલી રહી હોઉં એવી લાગણી થઈ રહી હતી. એવામાં અચાનક મારા પિતાશ્રીનો દેહાંત થઈ ગયો. મારું જીવન મારા માતા-પિતાને કેન્દ્રમાં જ રાખીને આગળ વધી રહ્યું હતું. આ આઘાત હજી હું પચાવું ત્યાં મારાં માતુશ્રી પણ અવસાન પામ્યાં.’ અલબત્ત આ આઘાત પચાવીને ઉમાએ પાંચ વર્ષ સુધી અગ્રણી કંપનીઓમાં નોકરી કરવાનું ચાલુ રાખ્યું. એક સારી વાત એ હતી કે આ નોકરી દરમિયાન પણ ઉમાએ સિવિલ સર્વિસની એક્ઝામ આપવાના પ્રયાસો ચાલુ રાખ્યા. પૂરતા સમયને અભાવે પ્રયત્નો ઓછા પડતા હોવા છતાં નોકરી કરતા કરતા ઉમા મહેશ્ર્વરીએ પાંચ વખત પરીક્ષા આપી, પણ પાંચેય વાર એ નિષ્ફ્ળ રહી હતી. આટલી નિષ્ફળતાઓ મળ્યા પછી કોઈ ભાંગી જાય, કોઈ હારી જાય તો કોઈ કંટાળી જાય. આપણી ઉમા તો વધુ મક્કમ બની ગઇ વધુ એક પ્રયાસ કરવા માટે. કઈ પ્રેરણા કામ કરી ગઈ એવા સવાલના જવાબમાં ઉમા જણાવે છે કે ‘મારી આસપાસની દરેક વ્યક્તિએ મારા માટે આશા છોડી દીધી હતી એ મારા ખ્યાલમાં આવ્યું. હું આ પરીક્ષા પાસ કરી શકું છું એ મારે આસપાસ રહેલી દરેક વ્યક્તિને અને ખાસ કરીને જાતને બતાવી દેવું હતું.’ પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા મક્કમ બનેલી ઉમાએ ૨૦૧૭માં લગડી જેવી કૉર્પોરેટ જૉબ છોડી દીધી. પૂરા પ્રયત્નો પરીક્ષાની તૈયારી માટે લગાડી દીધા. આ નિર્ણય લેવો અઘરો હતો. એ દિવસ યાદ કરતા શ્રીમતી મહેશ્ર્વરી જણાવે છે કે ‘મારે આવી સારી નોકરી છોડીને જેમાં હું વારંવાર નિષ્ફળ જાઉં છું એ પરીક્ષા ફરી આપવા માટે શું કામ પ્રયત્નો કરવા જોઈએ એ વાત કોઈને સમજાતી જ નહોતી. નોકરી કરતા કરતા સાઈડમાં મારે પરીક્ષા આપવાની તૈયારી કરવી જોઈએ એવો અભિપ્રાય બધાનો હતો. જોકે, એ રીતે સરખી રીતે તૈયારી નહીં થઈ શકે એવું મારું માનવું હતું.’

મન હોય તો માળવે જવાય એ ન્યાયે ઘરની સંભાળ અને પરીક્ષાની તૈયારી વચ્ચે ઉમાએ સંતુલન મેળવી લીધું. ‘હું પાંચ વાગે જાગીને અભ્યાસ કરતી અને પછી ઘરના નિત્ય કાર્યક્રમો પતાવીને ફરી અભ્યાસ કરવા બેસી જતી. પ્રીલીમ્સ માટે આ રૂટિન હતું જ્યારે મેઈન એક્ઝામ વખતે ઉમાએ અભ્યાસના કલાકો વધારી દીધા. રાતે ૧૦ વાગે દૈનિક કાર્ય આટોપી લીધા પછી મળસકે ત્રણ વાગ્યા સુધી એ વાંચતી. એના આ પ્રયાસ અંગે પતિ અને સાસરિયાઓનો દૃષ્ટિકોણ કઈ રીતે બદલાયો એ વિષે ઉમા અનુ કુમારીનું ઉદાહરણ આપે છે. આવાં ઉદાહરણો પેરણારૂપ સાબિત થવાની સાથે એક નવી દિશા દેખાડતા હોય છે. એ વિષે બોલતાં ઉમાએ કહ્યું કે ‘૨૦૧૮ની પરીક્ષાના પરિણામ જાહેર થયા ત્યારે હરિયાણાની અનુ કુમારી બીજા ક્રમે આવી હતી.’ પ્રતિકૂળ સંજોગોમાં પણ હરિયાણાીની યુવતીએ મેળવેલી સફળતા ઉત્સાહ વધારનારી હતી. બાળક ઉછેરની અને પરિવારની જવાબદારી પણ શિરે હોવા છતાં તેણે મેળવેલી આ સિદ્ધિ જોઈને ઉમાના પતિ અને પરિવારના સભ્યોને ભરોસો બેઠો કે અનુની જેમ ઉમા પણ આ એક્ઝામ પાસ કરી શકશે. એમનો ભરોસો, એમનો વિશ્ર્વાસ અને ઉમાની મહેનત રંગ લાવી અને ઉમાને સિવિલ સર્વિસ એક્ઝામ પાસ કરવામાં સફળતા મળી. ‘મન મેં હો વિશ્ર્વાસ, પૂરા હો વિશ્ર્વાસ, હમ હોંગે કામિયાબ એક દિન’ એ ઉક્તિને ઉમા મહેશ્ર્વરીએ વધુ એક વખત સાચી પાડી છે. જેમ અનુનું ઉદાહરણ ઉમા અને એના પરિવાર માટે પ્રેરણાદાયી સાબિત થયું એ જ રીતે આવતી કાવે અન્ય કોઇ યુવતી ઉમાના ઉદાહરણમાંથી પ્રેરણા લઇને આગળ વધશે.

November 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min17970

Womens’ Helpline : સોશ્યલ મિડીયા પર પજવણી થતી હોય તો વિનાસંકોચે ૧૮૧ નંબર ડાયલ કરો

માહિતી બ્યૂરો દ્વારા, ગુજરાત સરકાર, સૂરત

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને અભયવચન આપતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને આપત્તિની પરિસ્થિતિમાં અનેક મહિલાઓને ઉગારી છે.

મહિલાઓ દિનપ્રતિદિન મોટી સંખ્યામાં બચાવ અને રાહત માટે મદદ, માર્ગદર્શન મેળવી રહી છે. આજના ટેક્નોલોજીના યુગમાં નાનકડાં મોબાઈલથી વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ઈમેઈલ, વિડિઓ કોલિંગ વગેરેથી દેશવિદેશમાં સંદેશા વ્યવહાર ઝડપી બન્યો છે. પરંતુ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી મહિલાઓને હેરાન કરવા, બ્લેક મેઈલ કરી જાતીય શોષણ, મહિલાનો આર્થિક શારીરિક ગેરઉપયોગ જેવા કિસ્સા માં પણ વધારો નોંધાયો છે.

તરૂણીઓ, સ્ટુડન્ટ, જોબ કરતા મહિલા કર્મચારીઓ તેમજ ગૃહિણીઓ પણ ટેલિફોનિક હેરાનગતિનો જાણતા-અજાણતા ભોગ બની રહ્યા છે. આ સંજોગોમાં મહિલાઓએ અજાણી વ્યક્તિને પોતાના ફોટો, ડોક્યુમેન્ટ કે અંગત વિગતો આપતાં પહેલા સાવધાની અને કાળજી રાખવી જરૂરી છે.

અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓ મુશ્કેલીના સમયે ટેલિફોનિક કાઉન્સેલિંગ અને ખાસ કિસ્સામાં રેસ્ક્યુ વાન સાથે સ્થળ પર જઈને મદદ અને બચાવ કરવામાં આવે છે. મોબાઈલ દ્વારા પજવણીના કિસ્સામાં મહિલા કોઈને પોતાની વ્યથા કહી શક્તી નથી, અને મૂંગા મોઢે સહન કર્યા કરે છે.

પજવણી કરનાર વ્યક્તિ મહિલાની આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવે છે. આવા ટેલિફોનિક રોમિયો, ગુનાહિત અને વિકૃત માનસ ધરાવતા વ્યક્તિઓ દ્વારા થતી પજવણી, બિનજરૂરી મેસેજ-કોલ્સ થકી બ્લેકમેઇલ કરીને મહિલાઓનું જીવવું દુષ્કર કરી નાખે છે.

આ પ્રકારના કિસ્સાઓમાં મહિલાઓને મુક્તિ અપાવવાના હેતુથી GVK EMRI દ્વારા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, કઠવાડા  અમદાવાદ ખાતે ૧૮૧ અભયમ એકશન ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ફરજ બજાવતાં ખાસ તાલીમબદ્ધ મહિલા કાઉન્સેલર અને પોલિસ કર્મચારીઓ ટેલિફોનિક પજવણીના કિસ્સાઓની ફરિયાદ પર ત્વરિત એકશન શરૂ કરે છે.

અભયમ એકશન ડેસ્કના ફરજ પરના સ્ટાફ દ્વારા શરૂઆતમાં ભોગ બનનાર મહિલા સાથે વિગતે માહિતી મેળવવામાં આવે છે. હેરાન પરેશાન કરનાર રોમિયોનો નંબર મેળવી તેને આધુનિક ટેક્નોલોજીની મદદથી ડેટા બેઇઝ મેઈન્ટેનન્સ કરી મોબાઈલનું ટ્રેકીંગ કરવામાં આવે છે.

અભયમ એકશન ડેસ્ક દ્વારા સાવધાનીપૂર્વક રોમિયોને એક તક આપી સમજાવવામાં આવે છે કે પીડિત મહિલાને બિનજરૂરી કોલ કે મેસેજ ન કરવાથી જેલમાં જવાની નોબત આવશે. તેને સ્પષ્ટ સૂચના અને તાકીદ કરવામાં આવે છે કે હવે પછી કોઈપણ પ્રકારના કોલ, મેસેજ આવશે તો પોલિસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરી તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. પરિણામે પજવણી કરનાર વ્યક્તિને ભૂલ સમજાય છે. અભયમ એકશન ડેસ્કને મળેલા કેસોમા ૯૫ % કેસોનું આ પ્રકારની સુનિયોજિત ટેકનિકથી નિરાકરણ મેળવવામાં સફળતા મળી છે.

અભયમ એકશન ડેસ્કની નવતર પહેલના કારણે પીડિત મહિલાઓને રોમિયોની હેરાનગતિમાંથી મુક્તિ મળી છે. પરંતુ અમુક કિસ્સાઓમાં પજવણી ચાલુ રહે તો અભયમ રેસ્ક્યુ વાન સ્થળ પર પહોંચીને મદદ કરે છે. આ પ્રક્રિયામાં પીડિત મહિલાની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. કોઈપણ પ્રકારની ફરિયાદ કરાવ્યા સિવાય ઘેરબેઠા જ મહિલાઓની સમસ્યાનું સુખદ નિવારણ કરવામાં આવે છે.        

રાજ્યના કોઈ પણ શહેર કે ગામોમાં રહેતી મહિલા, કિશોરી, વિદ્યાર્થીનીઓને મોબાઈલ દ્વારા પજવણીની સમસ્યા હોય તો વિનાસંકોચે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

ટેલિફોનિક હેરેસમેન્ટના વર્ષ વાર આંકડાઓ જોઈએ તો વર્ષ ૨૦૧૪ માં ૫૭૯, ૨૦૧૫ માં ૨૧૩૩, ૨૦૧૬ માં ૨૭૩૮, ૨૦૧૭માં ૩૪૬૧, ૨૦૧૮ માં ૪૦૨૮ અને સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી ૨૮૧૮ મળી કુલ ૧૫૭૫૭ કેસોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે.

November 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min17940

UTU કેમ્પસમાં ક્રિસમસમાં કલ્ચરલ કાર્નિવલ : માણવા જેવો સાંસ્કૃતિક જલસો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી ક્રિસમસ દરમિયાન સૂરતના બારડોલી નજીક આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી, માલિબા સંકુલ ખાતે કલ્ચરલ કાર્નિવલ યોજાશે. કલ્ચરલ કાર્નિવલ એટલે કે સાંસ્કૃતિક જલસો અને આ સાંસ્કૃતિક જલસાનું અધિકૃત નામ છે. 35મો રાષ્ટ્રીય સ્તરનો યુવા મહોત્સવ જેમાં પશ્ચિમ ભારતની તમામ યુનિવર્સિટીઓની એક એકથી ચઢીયાતી પ્રતિભાઓ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના મંચ પરથી પોતાની પ્રતિભા રજૂ કરશે. 34મો યુથ ફેસ્ટિવલ ચંડીગઢ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો. હવે 35મો વેસ્ટર્ન યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલ સૂરત નજીકની ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે યોજવામાં આવશે.

એસોશીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી તેમજ ભારત સરકારના ખેલ અને યુવા મંત્રાલય દ્વારા આયોજિત પશ્ચિમ ભારતના ઉચ્ચ શિક્ષણને આવરી લેતા 35માં યુવા મહોત્સવના યજમાન તરીકે સૂરરત જિલ્લાના બારડોલી મહુવા રોડ પર આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી કેમ્પસ, માલિબા સંકુલની પસંદગી કરવામાં આવી છે. પશ્ચિમ ભારતની તમામ યુનિવર્સિટીઓને આવરી લેતા આ યુથ ફેસ્ટનું આયોજન ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે તા.27થી 31મી ડિસેમ્બર 2019ના રોજ યોજાશે. ઉકા તરસાડીયા યુનિવર્સિટીની સ્થાપનાના ફક્ત 6 વર્ષમાં જ કેન્દ્ર સરકારની પશ્ચિમ ભારતની સૌથી મોટી યુનિવર્સિટી ઇવેન્ટ મળી છે.

ઉકા તરસાડીયા યુનિવર્સિટીના મનોરમ્ય સંકુલમાં આયોજિત થનારા વેસ્ટર્ન રિજિયન યુનિવર્સિટી યુથ ફેસ્ટની 5 દિવસની ઇવેન્ટમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 135 યુનિવર્સિટીઓના 3000થી વધુ વિદ્યાર્થીઓ જુદી જુદી કોમ્પિટિશન્સમાં પોતાનું કૌવત-કૌશલ, સ્કીલ વગેરેનું નિદર્શન કરશે.

કઇ કઇ પ્રતિયોગિતાઓ યોજાશે?

રાષ્ટ્રીય સ્તરના આ યુવા મહોત્સવમાં સંગીત, નૃત્યકળા, સાહિત્ય, ફાઇન આર્ટસ તેમજ નાટ્ય કળા મળીને કુલ 5 વિભાગમાં 27 સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓમાં શેરી નાટક, એકાંકી સ્પર્ધા, શાસ્ત્રીય સંગીત, લોકનૃત્ય, ચિત્રકામ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, પોસ્ટર મેકીંગ કોમ્પિટીશન, વાદ-વિવાદ, ચર્ચા, ક્વીઝ વગેરેનું આયોજન કરવામાં આવશે.

પશ્ચિમ ભારતની તમામ યુનિવર્સિટીઓને આવરી લેતા આ યુથ ફેસ્ટમાં વિવિધતામાં એકતા જોવા મળશે. પશ્ચિમ ભારતની એકએકથી ચઢીયાતી વિદ્યાર્થી પ્રતિભાઓને ઉકા તરસાડીયા યુનિવર્સિટી મંચ આપશે. ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જોવા-માણવાનો લહાવો મળશે.

ઉકા તરસાડીયા યુનિવર્સિટીના આ રાષ્ટ્રીય યુવા મહોત્સવના મૂલ્યાંકન માટે ભારત સરકારના ઉચ્ચ પદાધિકારીઓ તેમજ બાહ્ય જગતના ખ્યાતનામ કલાકારો નિર્ણાયક ભૂમિકા ભજવશે.

ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વડા ડો. દિનેશ શાહ તેમજ ટ્રસ્ટી મંડળના ઉદેશને ધ્યાનમાં રાખીને આ પાંચ દિવસીય યુવા મહોત્સવને સફળતાપૂર્વક પાર પાડવા માટે તમામ વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક, બિનશૈક્ષણિક સ્ટાફ કટિબદ્ધ છે. આયોજનમાં અગ્રેસર તરીકે ડો. રોઝી પટેલ તથા તેમની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.

November 5, 2019
lic_logo.jpg
1min8430

લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન (એલઆઈસી)એ પૉલિસીધારકોને તેમની બે વર્ષથી વધુ સમય અગાઉ લેપ્સ (પ્રીમિયમ નહીં ભરવાથી રદ થયેલી) થયેલી પૉલિસી રિવાઈવ કરવાની છૂટ આપી છે. જે પૉલિસી બે વર્ષથી વધુ સમય અગાઉ લેપ્સ થઈ ગઈ હતી જેને અગાઉ ફરી શરૂ કરવાની છૂટ ન હતી તેવી પૉલિસી પણ હવે પુનર્જીવિત થઈ શકશે તેવું એલઆઈસીએ સોમવારે એક નિવેદનમાં કહ્યું હતું.

પહેલી જાન્યુઆરી ૨૦૧૪ પછી જેમણે પૉલિસી લીધી હતી તેવી યુનિટ-લિન્કડ પૉલિસી ત્રણ વર્ષમાં અને યુનિટ લિન્ક નહીં હોય તેવી પૉલિસી પાંચ વર્ષમાં પુનર્જીવિત કરી શકાશે. એલઆઈસીના મેનેજિંગ ડિરેકટર વિપિન આનંદે કહ્યું હતું કે કોઈ કારણવશ પ્રીમિયમ નહીં ભરી શકાયું હોય અને પૉલિસી રદ થઈ જતી હોય તો તે પૉલિસી રિન્યૂ કરવાની છૂટ મળે તે સારી બાબત છે. તેમણે કહ્યું કે જીવન વીમા પૉલિસી લેવાનો નિર્ણય જીવનના સારા નિર્ણયોમાંથી એક છે. અમે અમારા દરેક પૉલિસીધારકની કદર કરીએ છીએ અને જીવન વીમા છત્ર અમારી સાથે ચાલુ રાખવાની તેમની ઈચ્છાને અમે સન્માન આપવા માગીએ છીએ.

ભૂતકાળમાં જે પૉલિસીઓ રિન્યૂ નહીં કરી શકાય હતી પણ હવે કરી શકાય છે તે એક પૉલિસીધારકો માટે સારી તક છે તેવું તેમણે કહ્યું હતું.

November 2, 2019
bolbala.jpg
1min6820

ગુજરાતમાં પહેલીવાર રાજકોટના બોલબાલા ટ્રસ્ટ દ્વારા તમામ ગરીબો સુધી ભોજન પહોંચી રહે તે માટે એક ઉમદા વિચાર અમલમાં મૂકીને ગરીબો માટે ફૂડ ડિલિવરી સર્વિસ ચાલુ કરાઈ છે. જેનાથી ગરીબોને ગરમાગરમ ભોજન મળી રહેશે.

ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કરવાના ઉદ્દેશથી આ સુવિધા શરૂ કરાઈ છે.

હાલ 9 સ્કૂટર દ્વારા ફૂડ ડિલિવરી સર્વિસ શરૂ કરાઈ છે. એનજીઓ દ્વારા કૂક, ડિલિવરી બોય તેમજ ફોન રિસિવર અને કો-ઓર્ડિનેટર્સ માટેના 22 લોકોને કામ પર પણ રાખવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં કોઈપણ 2237000 અથવા 9374103523 નંબર પર ફોન કરીને પોતાનું એડ્રેસ આપશે તેની મિનિટોમાં તેના સુધી જમવાનું પહોંચી જશે. જે સ્કૂટરથી ડિલિવરી કરાશે તેમાં રખાયેલું જમવાનું ગરમ રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જમવાનું આપવામાં આવશે અને ફોન કર્યાના વધુમાં વધુ એકથી દોઢ કલાકની અંદર જમવાનું પહોંચી જશે.

ટ્રસ્ટ 15 કિમીના વિસ્તારમાં ભોજન પહોંચાડશે. જો શહેરના બહારના વિસ્તારમાંથી ફોન આવશે તો તેમના સુધી પહોંચવા પણ ડિલિવરી બોય પ્રયાસ કરશે. ફોન કરનારા કોઈપણ વ્યક્તિને વિના મૂલ્યે ખિચડી કઢી અને ભાખરી પહોંચાડવામાં આવશે. જો કોઈ વ્યક્તિ પાસે પોતાનું વાસણ ન હોય તો તેને ડિલિવરી બોય પેપર કે થર્મોકોલની ડિશ પણ આપશે.

હાલ રોજના 200-250 લોકોને આ રીતે ફ્રીમાં જમાડવામાં આવી રહ્યા છે. વધુ લોકો સુધી પહોંચી શકાય તે માટે ટ્રસ્ટ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે. હાલ તો સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાસંબંધીઓ તરફથી સૌથી વધુ ફોન આવી રહ્યા છે. હાલ ટ્રસ્ટને સરકારની કોઈ સહાયતા મળતી નથી પરંતુ દાતાઓ તરફથી જે ડોનેશન મળે છે તેમાંથી જ તેનો ખર્ચ કાઢવામાં આવે છે તેમ ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું.