CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - CIA Live

October 16, 2025
image-14.png
1min38

અમદાવાદને વર્ષ ૨૦૩૦ના શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળશે તે લગભગ નક્કી થઈ ગયું છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટીવ બોર્ડે  જ ગેમ્સની જનરલ એસેમ્બલીને ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકે અમદાવાદના નામની ભલામણ કરી છે. હાલના તબક્કે અમદાવાદ એકમાત્ર એવું શહેર છે કે, જેની ભલામણ કરવામાં આવી છે. હવે જનરલ એસેમ્બલીની મિટિંગમાં ૨૬મી નવેમ્બરે અમદાવાદના નામ પર મંજૂરની મહોર મારવાની ઔપચારિકતા જ બાકી રહી ગઈ છે. 

ભારતની સાથે ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવાની રેસમાં નાઈજીરિયાની રાજધાની અબુજા પણ હતુ. જોકે, કોમનવેલ્થ સ્પોર્ટ્સે  આફ્રિકન દેશને ૨૦૩૪ સહિતની ભાવિ ગેમ્સનું આયોજન સોંપવા માટેના દાવેદાર તરીકે સમર્થન અને વેગ આપવાની સાથે વિકસાવવાનો વ્યુહ અપનાવ્યો હતો. આ કારણે હાલની સ્થિતિમાં ગેમ્સના આયોજન માટેનું દાવેદાર એકમાત્ર અમદાવાદ જ છે. નોંધપાત્ર છે કે, કોમનવેલ્થ ગેમ્સ ૧૯૩૦માં શરુ થયો હતો અને તેની શતાબ્દી ૨૦૩૦માં પુરી થઈ રહી છે. 

કોમનવેલ્થ સ્પોર્ટ્સે એક યાદીમાં જણાવ્યું છે કે, ૨૦૩૦ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સના પ્રસ્તાવિત યજમાન શહેર તરીકે અમારું એક્ઝિક્યુટીવ બોર્ડ અમદાવાદના નામની ભલામણ કરવાનું નક્કી કર્યું છે. હવે અમદાવાદનું નામ હવે પૂર્ણ કોમનવેલ્થ સ્પોર્ટ્સ મેમ્બરશીપ માટે આગળ ધપાવવામાં આવશે. જ્યારે આ અંગેનો અંતિમ નિર્ણય તારીખ ૨૬મી નવેમ્બરે ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે. નોંધપાત્ર છે કે, ભારતમાં ૨૦૧૦માં પણ કોમનવેલ્થ ગેમ્સનુ આયોજન થઈ ચૂક્યું છે. ત્યારે આ ગેમ્સ નવી દિલ્હીમાં આયોજીત થઈ હતી.

October 14, 2025
epfo.jpg
1min33

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના નિયમોમાં મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે. EPFO બોર્ડે તેના 7 કરોડથી વધુ શેરધારકો માટે ઉદાર આંશિક ઉપાડ યોજનાને મંજૂરી આપી છે, જેનાથી હવે PF ધારકો પોતાના ખાતામાંથી 100 ટકા સુધીની રકમ ઉપાડી શકશે.

EPFOએ તેના કર્મચારીને લઈને મોટો નિર્ણય લીધો છે. જેમાં PF નિકાસ, વ્યાજ અને ડિજિટલ સેવાઓમાં ઘણા સુધારા જોવા મળશે. શ્રમ મંત્રાલયે આજે સોમવારે (13 ઓક્ટોબર) જણાવ્યું હતું કે, ‘શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં EPFOના નિર્ણય લેનારી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)એ બેઠકમાં દરમિયાન મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે.’

CBTએ EPFના સદસ્યોના જીવન આસાન કરવા માટે 13 જટિલ જોગવાઈઓ એકજ નિયમમાં વિલીનીકરણ કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત, EPF યોજનાની આંશિક ઉપાડની જોગવાઈઓને સરળ બનાવવામાં આવી છે. ઉપાડ માટેના ખર્ચને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેમાં આવશ્યક (માંદગી, શિક્ષણ, લગ્ન), રહેઠાણની જરૂરિયાતો અને ખાસ પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે.

EPFOના નિયોમાં ફેરફાર કર્યા બાદ હવે PF ધારકો 100 ટકા રકમ ઉપાડી શકશે. જેમાં લોકોને શિક્ષણ માટે 10 વખત અને લગ્ન માટે 5 વખત રૂપિયા ઉપાડવાની પરવાનગી આપી છે. તમામ આંશિક ઉપાડ માટે લઘુતમ સેવા આવશ્યકતા પણ ઘટાડીને માત્ર 12 મહિના કરવામાં આવી છે. EPFO​​એ એમ પણ જણાવ્યું હતું કે, પેન્શન સંસ્થાએ પેન્ડિંગ કેસ અને ભારે દંડ ઘટાડવા માટે “વિશ્વાસ યોજના” શરૂ કરી છે. હાલમાં પેન્ડિંગ દંડની રકમ રૂ.2,406 કરોડ અને 6,000થી વધુ કેસ છે. જ્યારે હવે PF ડિપોઝિટ માટે મોડું થતાં દંડની રકમ ઘટાડીને દર મહિને 1% કરવામાં આવી છે.

EPFOમાં થયેલા 10 મોટા ફેરફારો

  • ગ્રાહકોને હવે તેમનું સંપૂર્ણ બેલેન્સ ઉપાડવાની છૂટ
  • 13 નિયમોની જગ્યાએ ઉપાડ માટે ફક્ત ત્રણ કેટેગરી
  • શિક્ષણ અને લગ્ન માટે વારંવાર ઉપાડની સગવડ
  • સેવાનો સમયગાળો ઘટાડીને 12 મહિના કરાયો
  • કોઈ કારણ જણાવ્યા વગર ઉપાડની સુવિધા
  • મિનિમમ બેલેન્સ માટે 25 ટકા રકમ રાખવી આવશ્યક
  • ઓટોમેટિક ક્લેમ સેટલમેન્ટ અને લાંબી મુદત. જેમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાંથી આંશિક ઉપાડની પ્રક્રિયા હવે સંપૂર્ણપણે સ્વચાલિત થશે. ફાઈનલ સેટલમેન્ટ ટર્મ 2થી 12 મહિના સુધી લંબાવવામાં આવી છે. જ્યારે પેન્શન ઉપાડનો સમયગાળો 2થી 36 મહિના સુધી કરાયો છે.
  • ‘વિશ્વાસ યોજના’ હેઠળ દંડમાં રાહત. જેમાં PF ડિપોઝિટ કરવામાં મોડું થતાં દર મહિને 1% દંડ લેવાશે. જ્યારે 2 મહિનાનું મોડું થતાં 0.25% અને 4 મહિનાનું મોડું થતાં 0.50% દંડ થશે. આ યોજના 6 મહિના માટે ચાલશે અને જરૂર જણાય તો 6 મહિના વધારી શકાશે.
  • પેન્શનરો માટે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સુવિધા. જેમાં EPFOએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. EPS-95 પેન્શનરો હવે તેમના ઘરેથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) સબમિટ કરી શકશે. આ સેવા પેન્શનરોને મફતમાં પૂરી પાડવામાં આવશે.
  • EPFO 3.0 ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ફંડ મેનેજમેન્ટમાં સુધારો કરશે. જેમાં EPFOએ ક્લાઉડ-આધારિત ડિજિટલ ફ્રેમવર્ક “EPFO 3.0″ને મંજૂરી આપી છે. જે ઝડપી, પારદર્શક અને સ્વચાલિત સેવાઓ પ્રદાન કરશે. EPFમાં રોકાણ પોર્ટફોલિયોને વૈવિધ્યીકરણ અને સુરક્ષિત કરવા પાંચ વર્ષ માટે ચાર ફંડ મેનેજરોની નિમણૂક કરાઈ છે.
October 12, 2025
image-10.png
1min31

નવી દિલ્હીઃ ભારત દરેક ક્ષેત્રમાં પોતાની આગવી છાપ છોડી રહ્યું છે. પુરૂષ હોય કે મહિલા દરેક ભારતની પ્રતિભા વધારવા માટે મહેનત કરી રહ્યું છે. તેમાં શેરી સિંહે બ્યૂટી પેજન્ટમાં પોતાની સુંદરતા અને બુદ્ધિમત્તાથી વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો વગાડ્યો છે. શેરી સિંહ ‘મિસિસ યુનિવર્સ’નો ખિતાબ મેળવનારી પહેલી ભારતીય મહિલા બની છે. ફિલિપિઇન્સના ઓકાડા મનિલામાં ‘મિસિસ યુનિવર્સ’ની 48મી આવૃત્તિ યોજાઈ હતી. આમાં આખા વિશ્વમાંથી કુલ 120 જેટલા સ્પર્ધકો આવ્યાં હતાં, જે દરેકને પાછળ છોડીને શેરી સિંહે મોખરે રહીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.

‘મિસિસ યુનિવર્સ’ની 48મી આવૃત્તિમાં શેરી સિંહે વિજેતા બની

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ‘મિસિસ ઇન્ડિયા 2025’ જેનું યુએમબી Pageants દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જીત મેળવ્યાં બાદ શેરી સિંહે વિશ્વ કક્ષાએ ભારતનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન મહિલા સશક્તિકરણ અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ જેવા મુદ્દાઓ પર શેરી સિંહે ભાર મૂક્યો હતો. આ મુદ્દાઓના કારણે જજની પેનલ અને પ્રેક્ષકોને પ્રભાવિત થઈ ગયાં અને શેરી સિંહ ‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીતનારી પહેલી ભારતીય મહિલા બની છે.

‘મિસિસ યુનિવર્સ’ શેરી સિંહે મહિલાઓ માટે શું કહ્યું?

‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીત્યા બાદ શેરી સિંહે કહ્યું કે, ‘આ તાજ દરેક એવી મહિલાનો છે, જેણે ક્યારેય સીમાઓથી પરે જઈને સપનાં જોવાની હિંમત કરી છે. હું દુનિયાને જણાવવા માગતી હતી કે શક્તિ, દયા અને દૃઢતા જ સુંદરતાની સાચી વ્યાખ્યા છે’. ભારતીય મહિલાઓ દુનિયાના દરેક ખૂણામાં પોતાની પ્રતિભાના આધારે ભારતને ગૌરવ અપાવી શકે છે. આ વાતને ‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીતીને શેરી સિંહે સાબિત કરી દીધી છે.

આ દેશના સ્પર્ધકોએ પણ ભાગ લીધો હતો

‘મિસિસ યુનિવર્સ’ પેજન્ટમાં ‘મિસિસ સેન્ટ પીટર્સબર્ગ’ ફર્સ્ટ રનર-અપ, ‘મિસિસ ફિલિપિઇન્સ’ સેકન્ડ રનર-અપ, ‘મિસિસ એશિયા’ થર્ડ રનર-અપ અને ‘મિસિસ રશિયા’ ફોર્થ રનર-અપ રહી હતી. આ સાથે માર્ગારીટા આઇલેન્ડ, યુએસએ, દક્ષિણ પશ્ચિમ એશિયા, બલ્ગેરિયા, મ્યાનમાર, પેસિફિક, આફ્રિકા, યુએઈ, જાપાન અને યુક્રેનના સ્પર્ધકોએ ફાઇનલમાં તેમના દેશ અને પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરંતુ અંતે જીત ભારતની થઈ હતી.

કોણ છે મિસિસ યુનિવર્સ શેરી સિંહ?

‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીતનારી શેરી સિંહની વાત કરવામાં આવે તો, તે ઉત્તર ભારતના એક સામાજિક કાર્યકર અને મોડેલ છે. લાંબા સમયથી મહિલા સશક્તિકરણ અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિના ક્ષેત્રમાં કામ પણ કર્યું છે. શેરી સિંહનો 24 મે, 1990 ના રોજ દિલ્હીના નોઈડાના એક નાના ગામ મકોડામાં ગુર્જર સમુદાયમાં જન્મ થયો હતો. મૂળ તે દિલ્હીની રહેવાસી છે અને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોમાં ઊંડા મૂળ ધરાવે છે. શેરીએ નવ વર્ષ પહેલાં સિકંદર સિંહ સાથે લગ્ન કર્યા હતા અને એક 7 વર્ષનો દીકરો છે. શેરી સિંહે 2024માં ‘મિસિસ ભારત યુનિવર્સ’નું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમજ 2025માં તેણે ‘મિસિસ ઇન્ડિયા યુનિવર્સ’નો ખિતાબ જીત્યો હતો.

October 8, 2025
image-6.png
1min33

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) ટ્રાન્ઝેકશન્સ માટે બાયોમેટ્રિક ચકાસણીનું વધુ એક સિક્યોરિટી ફીચર લોન્ચ કર્યુ છે.  ડિજિટલ પેમેન્ટ્સને વધુ સલામત અને સુરક્ષિત બનાવવાની દિશામાં અને ગ્રાહક સગવડ વધારવાની દિશામાં લેવામાં આવેલું આ મહત્ત્વનું પગલું છે. નવા ફીચરને મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ નવા ફીચરનું ઉદઘાટન કરતાં નાણાકીય સેવા વિભાગના સચિવ નાગરાજુએ જણાવ્યું હતું કે આ સિક્યોરિટી ફીચરની મદદથી યુઝર્સ ઓન ડિવાઇસ બાયોમેટ્રિક્સ જેવા કે ફિંગર પ્રિન્ટ્સ કે ફેસિયલ રેકગ્નિશનનો ઉપયોગ કરી શકશે, આમ બાયોમેટ્રિક્સ પરંપરાગત યુપીઆઈ પિનનું સ્થાન લેશે. તેનો અમલ બુધવારે આઠમી ઓક્ટોબરથી શરૂ થઈ જશે. 

આ ઉપરાંત બાયોમેટ્રિક ચકાસણીનો ઉપયોગ યુપીઆઈ પિન રિસેટ કરવા અને એટીએમ પરથી રોકડ ઉપાડ માટે કરવા થઈ શકે છે. એનપીસીઆઈએ ભારપૂર્વક જણાવ્યું છે કે રજૂ કરવામાં આવેલું બાયોમેટ્રિક ફ્યુચર ઓપ્શનલ ટૂલ છે, યુઝર્સે તેની ઇચ્છા હોય તો જ તેને ઉપયોગમાં લેવાનું છે. તે ફરજિયાત ધોરણે અમલી નથી. યુઝર્સ ફોન અને ટ્રાન્ઝેકશનને સલામત રાખવા વધુ સિક્યોરિટી ઇચ્છતો હોય તો આ ફીચર્સનો ઉપયોગ કરી શકે. 

તેમણે ઉમેર્યુ હતું કે એડવાન્સ ક્રિપ્ટો ગ્રાફિક ચકાસણી દ્વારા આ વ્યવહાર પૂરો કરનારી દરેક બેન્ક તેની સ્વતંત્ર રીતે ચકાસણી કરી શકશે. તેની સાથે મજબૂત ડેટા સંરક્ષણ અને આંખના પલકારામાં ચૂકવણી કરી શકશે. 

આ બાયોમેટ્રિક્સને રજૂ કરવાનું કારણ  ડિજિટલ વ્યવહારને વધુ સુલભ બનાવવાનો છે. ખાસ કરીને સીનિયર સિટિઝન્સ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે આ ફેરફાર કરાયો છે. આ ઉપરાંત નવા યુપીઆઈ યુઝર્સ માટે પણ તે ઉપયોગી નીવડશે. અત્યાર સુધી યુપીઆઈ પિન બનાવવા ડેબિટ કાર્ડની  વિગતો ભરવી પડતી હતી, આધાર આધારિત ફેસ રેકગ્નિશન કરવું પડતું હતું. હવે યુઝર્સ કોઈપણ કાર્ડની મદદ વગર કે જટિલ પગલાં અનુસર્યા વગર બાયોમેટ્રિક ચકાસણી કરી શકશે.

September 5, 2025
image-8.png
1min72

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા(NPCI)એ UPI દ્વારા અમુક ખાસ પ્રકારના વ્યવહારો માટેની ટ્રાન્ઝેક્શન મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે. 15 સપ્ટેમ્બર-2025થી અમલમાં આવનારા નવા ફેરફાર મુજબ હવે ટેક્સ ભરવા, વીમા પ્રીમિયમ ચૂકવવા, લોનની EMI ભરવા અને શેરબજારમાં રોકાણ જેવા મોટા વ્યવહારો માટે દૈનિક 10 લાખ રૂપિયા સુધીની ચૂકવણી માત્ર 24 કલાકમાં કરી શકાશે.

અગાઉ એક લાખ સુધીની લિમિટ હતી

અગાઉ આવા ટ્રાન્ઝેક્શનો પર એક લાખ રૂપિયાની લિમિટ હતી, એટલે કે જો એક લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન હોય તો તે થઈ શકતું ન હતું, જોકે હવે નવા નિયમ મુજબ તેમાં વધારો કરાયો છે. હવે યુપીઆઇ દ્વારા ટેક્સ સંબંધિત ટ્રાન્ઝેક્શન કરવા માટેની લિમિટ પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 લાખ રૂપિયા અને 24 કલાકમાં 10 લાખની લિમિટ કરવામાં આવી છે. આ નિર્ણય 15 સપ્ટેમ્બરની ટેક્સ ભરવાની અંતિમ તારીખને ધ્યાનમાં રાખીને લેવાયો છે.

નવો નિયમ માત્ર ‘પર્સન ટુ મર્ચન્ટ’ માટે લાગુ

આ ફેરફાર માત્ર વ્યક્તિ દ્વારા વેપારીને કરાતાં ટ્રાન્ઝેક્શન પર જ લાગુ પડશે. એટલે કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર લાગુ નહીં પડે. વ્યક્તિ માત્ર સીધું જ વેરિફાઇડ બિઝનેસ એકાઉન્ટમાં જ ટ્રાન્ઝેક્શન કરી શકશે, જેમાં વીમા કંપનીઓ, બ્રોકરેજ ફર્મ, ટેક્સ પોર્ટલ અને બૅંકો જેવી સંસ્થાઓ સામેલ છે. યુપીઆઇ દ્વારા વ્યક્તિથી વ્યક્તિને કરાતી ટ્રાન્ઝેક્શન લિમિટ યથાવત્ એટલે કે એક લાખ રૂપિયા જ રહેશે.

નવા નિયમોની વધુ વિગતો

ટેક્સ ચૂકવણી, લોન ઈએમઆઇ અને બિઝનેસ ટુ બિઝનેસ કલેક્શન : હવે યુપીઆઇથી એક વખતમાં પાંચ લાખ રૂપિયાનું અને 24 કલાકની અંદર 10 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકાશે.

વીમા અને કેપિટલ માર્કેટ : અગાઉ બે લાખ રૂપિયાની લિમિટ હતી, જે વધારીને એક વખતના ટ્રાન્ઝેક્શનમાં પાંચ લાખ રૂપિયા અને 24 કલાકમાં 10 લાખ રૂપિયા લિમિટ કરવામાં આવી છે.

ક્રેડિટ કાર્ડ બિલ : અગાઉ યુપીઆઇ દ્વારા બે લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકાતું હતું, જોકે હવે તેમાં વધારો કરીને પ્રતિ ટ્રાન્ઝેક્શન પાંચ લાખ રૂપિયા અને 24 કલાકમાં 10 લાખ રૂપિયાની લિમિટ કરવામાં આવી છે.

વિદેશી મુદ્રા અને FD : હવે ફોરેક્સ ખરીદી-વેચાણ અને ડિજિટલ એકાઉન્ટ ખોલવા અને FD બનાવવા માટે પાંચ લાખ રૂપિયાની સુધીના ટ્રાન્ઝેક્શનની છૂટ મળશે.

15 સપ્ટેમ્બરથી લાગુ થશે નિયમ

NPCI એ તમામ બૅંકો, એપ્સ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને આ નવા નિયમો લાગુ કરવા નિર્દેશ આપ્યા છે. જોકે, બૅંકોને તેમની પોલિસી મુજબ અમુક લિમિટ નક્કી કરવાની છૂટ આપવામાં આવી છે. તેથી એવી સંભાવના છે કે, કેટલાક કિસ્સાઓમાં આ નિયમો તાત્કાલિક લાગુ ન થાય, પરંતુ મોટાભાગની બૅંકો 15 સપ્ટેમ્બરથી આ ફેરફારને અમલમાં મૂકશે.

September 4, 2025
image-6.png
1min79

બાંધકામમાં વપરાતી અનેક સામગ્રીઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી રિયલ એસ્ટેટ અને હાઉસિંગ સેક્ટરમાં ખુશીનો માહોલ ફેલાયો છે. આ નિર્ણયથી બાંધકામના ખર્ચમાં ઘટાડો થશે, જેનો ફાયદો ઘર ખરીદનારાઓને પણ મળશે.

3/9/25 GST કાઉન્સીલની બેઠકમાં સિમેન્ટ, માર્બલ, ગ્રેનાઈટ, લાકડું જેવી બાંધકામની મુખ્ય સામગ્રીઓ પર GST દરમાં કાપ મૂકવામાં આવ્યો છે. આ પગલાથી બાંધકામ સામગ્રીના ભાવ ઘટશે, જેના કારણે નવા મકાનો, ફ્લેટ્સ અને વ્યાપારી ઈમારતોના નિર્માણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. આ નિર્ણયને ઉદ્યોગકારો અને બિલ્ડરો દ્વારા સકારાત્મક પગલુ ગણાવવામાં આવી રહ્યું છે, કારણ કે આનાથી બાંધકામ ઉદ્યોગને નવી ગતિ મળશે.

આ GST ઘટાડાથી હાઉસિંગ સેક્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા છે. બાંધકામના ખર્ચમાં ઘટાડો થતા ઘરોની કિંમતો પણ નીચે આવી શકે છે, જેનાથી સામાન્ય લોકો માટે ઘર ખરીદવું વધુ સરળ બનશે. ખાસ કરીને, મધ્યમ વર્ગના લોકો અને પ્રથમ વખત ઘર ખરીદનારાઓને આનો સીધો લાભ મળશે. આ ઉપરાંત, આ પગલુ રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં રોકાણને પણ પ્રોત્સાહન આપશે.

બાંધકામ ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. GST ઘટાડાથી બાંધકામ સામગ્રીના ભાવ ઘટવાથી નવા પ્રોજેક્ટ્સની શરૂઆત અને ચાલી રહેલા પ્રોજેક્ટ્સનું કામ ઝડપથી આગળ વધશે. જેનાથી રોજગારની તકોમાં પણ વધારો થશે, કારણ કે બાંધકામ ઉદ્યોગ અનેક અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલો છે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણયથી આર્થિક ગતિવિધિઓને વેગ મળશે અને બજારમાં સકારાત્મક માહોલ ઊભો થશે.

રિયલ એસ્ટેટ અને બાંધકામ ઉદ્યોગના નિષ્ણાતોએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમનું માનવું છે કે આ પગલુ બાંધકામ ઉદ્યોગ માટે માત્ર રાહત જ નહીં, પરંતુ લાંબા ગાળે આર્થિક વિકાસ માટે પણ મહત્વનું સાબિત થશે. સરકારના આ નિર્ણયથી નવા પ્રોજેક્ટ્સને ઝડપ મળશે અને ગ્રાહકોને પોસાય તેવા ભાવે ઘરો ઉપલબ્ધ થશે, જે દેશના હાઉસિંગ સેક્ટરને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

August 20, 2025
image-29.png
1min57

બિહારની ૧૪ વર્ષની આરાધ્યા સિંહ નામની ટીનેજરે સનાતન ધર્મની ભાવનાને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશથી કુલ ૨૩૪ ભાષામાં હનુમાન ચાલીસાનો અનુવાદ કર્યો છે. આરાધ્યાએ મૈથિલી, ભોજપુરી, સંસ્કૃત, અંગ્રેજી, કોરિયન, જૅપનીઝ, લૅટિન સહિત અનેક વિદેશી ભાષાઓમાં હનુમાન ચાલીસાનું ટ્રાન્સલેશન કર્યું છે. તેને બધી જ ભાષા આવડે છે એવું નથી, પરંતુ તેણે ગૂગલ ટ્રાન્સલેટર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આ કામ કર્યું છે. ગયા વર્ષે છઠપૂજા પર્વમાં તેણે હનુમાન ચાલીસાના અનુવાદનું કામ હાથ ધરેલું. દરેક ભાષા અને એના શબ્દોના ભાવાર્થને સમજીને સાવધાનીપૂર્વક આ કામ કરતાં તેને ૬ મહિનાનો સમય લાગ્યો હતો. આરાધ્યાનું કહેવું છે કે વિદેશોમાં રહેતા યુવાનો પણ સનાતન ધર્મ સાથે જોડાય અને ધર્મભાવના બીજી ભાષાના લોકો સુધી પહોંચાડવા માટે તેણે આ કામ કર્યું છે. આરાધ્યાની મા રાની દેવીનું કહેવું છે કે માત્ર અનુવાદ જ નહીં, હનુમાન ચાલીસાની લઢણમાં તે દરેક ભાષાની ચાલીસા ગાઈ પણ સંભળાવે છે. તેને નાનપણથી જ ધર્મ અને અધ્યાત્મમાં બહુ રુચિ છે. 

August 14, 2025
Gujarat-map.jpg
4min52

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત 1 - image

સ્વતંત્રતા દિવસ, 2025ના અવસરે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ, ફાયર વિભાગ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1090 કર્મીઓને 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વીરતા તેમજ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. 233 કર્મીઓને વીરતા પુરસ્કાર (Medal for Gallantry (GM), 99 કર્મીઓને વિશેષ સેવા માટે (personnel awarded President’s Medal for Distinguished Service (PSM) તેમજ 758 કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પુરસ્કાર (Medal for Meritorious Service (MSM) આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના બે પોલીસ અધિકારી ACB પીયૂષ પટેલ અને IB મુકેશ સોલંકીની પ્રેસિડેન્ટ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે.

ગુજરાતના 21 કર્મચારીને પ્રસંશનીય સેવાનું મેડલ 

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત 2 - image
ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત 3 - image
ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત 4 - image

સેવા મેડલ

વિશેષ સેવા માટે (personnel awarded President’s Medal for Distinguished Service (PSM) ખાસ રેકોર્ડ બનાવવા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. તેમજ પ્રશંસનીય સેવા માટે, સંસાધન અને કર્તવ્ય પ્રતિ સમર્પણ યુક્ત બહુમૂલ્ય સેવા માટે  (Medal for Meritorious Service  (MSM) પુરસ્કાર આપવામાં આવે છે.

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત 5 - image

આ પણ વાંચોઃ ભાજપના નેતાઓનો ‘ખુરશી મોહ’ : સહકારી બેન્કોમાં ડિરેક્ટરોની મુદ્દતનો RBIનો નિયમ પણ અમલ નહીં!

PSM અને MSM એવોર્ડ

99 PSM એવોર્ડમાંથી 89 પોલીસ સેવા, 5 ફાયર વિભાગ, 3 સિવિલ સર્વિસ તેમજ હોમગાર્ડઅને 2 સુધારાત્મક સેવાના કર્મીઓને આપવામાં આવ્યા છે. પ્રશંસનીય સેવા માટે 758 MSM પુરસ્કારમાંથી 635 પોલીસકર્મી, 51 ફાયર વિભાગના કર્મચારી, 41 સિવિલ સર્વિસ અને હોમગાર્ડ અને 31 સુધારાત્મક સેવાને આપવામાં આવ્યા છે. 

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત 6 - image
મેડલનું નામપોલીસફાયર વિભાગસિવિલ ડિફેન્સ અને હોમગાર્ડસુધારાત્મક સેવાકુલ
Medal for Gallantry (GM)226610233
President’s Medal for Distinguished Service (PSM)8953299
Medal for Meritorious Service (MSM)653514131758
ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત 7 - image
August 5, 2025
image-4.png
1min49

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ ભારતે છ રનથી જીતીને પાંચ મેચની સિરીઝ તો 2-2થી ડ્રો કરી છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતની સૌથી ઓછા રનની સરસાઈવાળી ઐતિહાસિક જીત છે.

આ અગાઉ ભારતે 2004માં મુંબઈમાં ઓસ્ટ્રેલિયાને 13 રનથી હરાવ્યું હતું. પાંચમી ટેસ્ટ મેચ જીતવા માટે ભારતીય બેટરની સાથે બોલરમાં મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાની જોડીએ નવ વિકેટ ઝડપીને જીત અપાવવામાં મોટું પ્રદાન આપ્યું હતું. આકાશ દીપ સિવાય પ્રસિદ્ધ ક્રિષ્ણાએ ચાર તથા મોહમ્મદ સિરાજે પાંચ વિકેટ ઝડપી હતી.

ભારતે ઓવલ ટેસ્ટમાં છ રનથી જીત મેળવી છે, જેમાં પાંચમા દિવસે યજમાન ટીમ ઈંગ્લેન્ડને ફક્ત 35 રન બનાવવાના હતા, પરંતુ ફક્ત 28 રન બનાવી શક્યું હતું અને છ રનથી મેચ હારી ગયું.

એની સાથે એન્ડરસન તેંડુલકર ટ્રોફી 2-2થી ડ્રોમાં પરિણમી છે. ઓવલ મેદાન પર ભારતની ત્રીજી ટેસ્ટમેચની જીત છે, જ્યારે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઓછા રનથી જીતેલી ટેસ્ટમેચ છે. અજિત વાડેકર અને વિરાટ કોહલી પછી શુભમન ગિલ ત્રીજા ભારતીય કેપ્ટન બન્યો છે, જેની આગેવાનીમાં ભારતીય ટીમે ઓવલમાં જીત મેળવી છે.

વરસાદથી પ્રભાવિત થયેલી ઓવલ ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં ભારતીય ટીમ 224 રને પેવેલિયન ભેગી થઈ હતી, જ્યારે તેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 247 રન બનાવ્યા હતા, જ્યારે પહેલી ઈનિંગની અંગ્રેજોની 23 રનની લીડ હતી.

બીજી ઈનિંગમાં ભારતીય ટીમવતીથી કેએલ રાહુલ અને સાઈ સુદર્શન મોટી ઈનિંગ રમી શક્યા નહોતા, પરંતુ યશસ્વી જયસ્વાલ 118 રનની શાનદાર બેટિંગ કરીને ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં નિમિત્ત બન્યો હતો, જેમાં આકાશદીપના 66 રન સાથે ભારતીય ટીમે 396 રન બનાવ્યા હતા, જેથી ઇંગ્લેન્ડને જીત માટે 374 રનનો સ્કોર જીતવા માટે કરવાનો હતો.

પાંચમા દિવસની રમતમાં મોહમ્મદ સિરાજે સૌથી પહેલા જેમી સ્મિથની વિકેટ ઝડપી હતી, ત્યાર પછી જેમી ઓવર્ટનને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. એના પછી પ્રસિદ્ધ ક્રિષ્ણાએ જોશ ટંગને બોલ્ડ કર્યો હતો.

એના પછી જીત માટે ઇંગ્લેન્ડ 17 રન દૂર હતું, ત્યારે ઇજાગ્રસ્ત ક્રિસ વોક્સ બેટિંગ માટે આવ્યો હતો. ગસ એટકિન્સન અને વોક્સની ભાગીદારીમાં બીજા દસ રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડને જીત માટે સાત રન જોઈતા હતા. 86મી ઓવરના પહેલા બોલે સિરાજે એટકિન્સનને આઉટ કરીને ભારતની જીત નક્કી કરી હતી.

June 24, 2025
image-16.png
1min108

ભારતના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત અને ઓપનર કે.એલ. રાહુલે બીજી ઈનિંગમાં સદી ફટકારતાં ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ હેડિંગ્લે ટેસ્ટમાં ભારત તરફથી કુલ પાંચ સદી નોંધાઈ હતી. ભારતના ૯૩ વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે, જ્યારે એક જ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા તરફથી પાંચ સદી નોંધાઈ હોય તેવી ઘટના બની હતી. રસપ્રદ બાબત એ છે કે, રોહિત-કોહલી જેવા ધુરંધરોની નિવૃત્તિ બાદની પ્રથમ ટેસ્ટમાં જ યુવા બેટ્સમેનોએ કૌવત બતાવતા ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું હતુ. 

હેડિંગ્લે ટેસ્ટમાં ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગમાં કે.એલ. રાહુલે ૧૩૭ રન અને રિષભ પંતે ૧૧૮ રન નોંધાવ્યા હતા. અગાઉ ભારતની પ્રથમ ઈનિંગમાં ઓપનર જયસ્વાલે ૧૦૧, કેપ્ટન શુબ્મન ગીલે ૧૪૭ અને રિષભ પંતે ૧૩૪ રન નોંધાવ્યા હતા. ભારતે આ સાથે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ હેડિંગ્લે ટેસ્ટમાં ૩૫૦થી વધુની કુલ સરસાઈ મેળવી લેતા મેચ પર પકડ જમાવી હતી. પંતે બંને ઈનિંગમાં સદી ફટકારનારા ભારતના સૌપ્રથમ વિકેટકિપર બેટ્સમેન તરીકેનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. જ્યારે કે.એલ. રાહુલ ઈંગ્લેન્ડની ભૂમિ પર સૌથી વધુ સદી ફટકારનારો ભારતીય ઓપનર બન્યો હતો. 

ભારતે આ સાથે હરિફ ટીમના મેદાન પરની ટેસ્ટમાં પાંચ સદી નોંધાવનારા ઓસ્ટ્રેલિયા પછીના બીજા દેશ તરીકેનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. અગાઉ આવી સિદ્ધિ ૧૯૫૫માં વિન્ડિઝના જમૈકામાં રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ મેળવી હતી. જ્યારે એક જ ટેસ્ટમાં એક જ ટીમ તરફથી પાંચ સદી નોંધાઈ હોય તેવી ઘટના ૧૧ વર્ષ પછી બની હતી. છેલ્લે ૨૦૧૪માં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે અબુ ધાબીમાં આવો રેકોર્ડ સર્જ્યો હતો. આ સિવાય  વર્ષ ૨૦૦૧માં પાકિસ્તાને બાંગ્લાદેશ સામે મુલતાન ટેસ્ટમાં, ૨૦૦૭માં ઈંગ્લેન્ડે વિન્ડિઝ સામે લોર્ડ્ઝમાં અને ૨૦૧૩માં શ્રીલંકાએ બાંગ્લાદેશ સામેની ગોલ ટેસ્ટમાં આવો રેકોર્ડ સર્જ્યો હતો.