CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 7 of 44 - CIA Live

July 6, 2022
rainingujarat-1.jpg
4min419

મેઘરાજાની તોફાની બેટિંગ: ગીરનારમાં 7, કલ્યાણપુરમાં 6 ઈંચ

– જૂનાગઢનો વિલીંગ્ડન અને નરસિંહ સરોવર છલોછલ: કેરાળા જળાશય ઓવરફલો થતા નવ ગામને એલર્ટ કરાયા
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અષાઢ મહિનાની શરુઆતથી મેઘ મહેરથી સૌરાષ્ટ્રમાં હરખની હેલી છે.

Dated 5/7/22, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. ગીરનારમાં 7 અને દ્વારકાના કલ્યાણપુરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે આ વિસ્તારના નદી નાળામાં નવા નીરની આવક થઇ છે તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત જૂનાગઢ, રાણાવાવ, કુતિયાણા, દ્વારકા, શેરગઢમાં ધોધમાર 4 ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ આમરણ ચોવિસી, વંથલીમાં 3, રાજકોટ, જામ ખંભાળિયા, ગઢડામાં 2.5, બાબરા-ભાવનગર-કોટડા સાંગાણી-દામનગર-કલાણા-પોરબંદરમાં 2, ઘ્રોલ-જામનગર-માળીયાહાટી-વાંકાનેર-ટંકારામાં 1.5, મહુવા અને માણાવદરમાં 1 ઇંચ વરસાદ પડયો છે. જૂનાગઢમાં ભારે વરસાદના કારણે વિલીગ્ડન અને નરસિંહ સરોવર છલોછલ થવા આવ્યા છે અને કેરાળા જળાશય ઓવરફલો થતા નવ ગામને એલર્ટ કરાયા છે તથા વિસાવદરની કાળુભાર, ચમારડીની ઠેબી, જૂનાગઢની કાળવા અને સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.

દ્વારકા, જામખંભાળીયા:’

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તેમજ બારાડી પંથકમાં મેઘરાજા મહેરબાન હોય તેમ આજે સવારથી સાંજ સુધીમાં મુશળધાર વરસાદ સાથે બંને તાલુકાઓમાં મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લામાં શુષ્ક રહેલા બંને તાલુકાઓમાં જોરદાર વરસાદનો લહાવો સ્થાનિકોએ ભરપૂર રીતે માણ્યો હતો. આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર પૈકી ત્રણ તાલુકામાં વ્યાપક વરસાદ નોંધાયો છે. સાંજે 6 કલાક સુધીમાં ખંભાળીયામાં વધુ 68 મીમી, કલ્યાણપુરમાં 145 મીમી, દ્વારકામાં 92મીમી તેમજ ભાણવડમાં 7 મીમી વરસાદ નોંધાયો છે, જેથી નદી-નાળા છલોછલ થયા હતા.

દ્વારકા જિલ્લામાં હાલ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બેહ અને બારા ગામ વિસ્તારમાં બારે વરસાદ થયો હતો. માત્ર બે કલાકમાં ચાર થી છ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સ્થાનિક નદીનાળાઓમાં પાણીના પુરૂ જોવા મળ્યા હતાં. જેમાં ઢાંઢાવાળી નદીમાં ભારે પુર આવ્યો હતો.’ ખંભાળીયા તાલુકાના બેહ બેરાજા આરોગ્ય સેન્ટરમાં કામ કરતાં કર્મી આજરોજ બપોરના સુમારે બારા આરોગ્ય પ્રાથમિક કેન્દ્ર તરફથી બેહ આવી રહ્યાં હતા ત્યારે બેહ બારા ગામ વચ્ચે આવતી ઢાંઢાવાળી નદીના પટમાં પાણીના પ્રવાહમાં અટવાઈ ગયેલ આ બાબતે જુંગીવ્રા ધામે જતાં વટેમાર્ગુને જાણ થતાં ગ્રામજનોને જાણ કરવામાં આવતાં બેહ ગામના સરપંચ પ્રવિણભાઈ ગઢવી સહિત આગેવાનો દ્વારા ટ્રેકટર, નાળા લઈ સ્થળે પહોંચ્યા હતાં અને ગ્રામજનોની કલાકો જહેમત બાદ આરોગ્ય કર્મીને સહી સલામત બચાવી લેવાયો હતો. અધિકારીઓએ હેડ કવાર્ટર ન છોડવા સૂચનાઓ અપાઈ છે. જિલ્લાના ચારેય તાલુકામાં કન્ટ્રોલરૂમ શરુ કરવામાં આવ્યો છે. જે ફોન નં. 02833 232125, મો.7859923844 છે.

આમરણ:

આમરણ ચોવીસી પંથકમાં આજે સાંજે પાંચ થી સાત બે કલાક દરમિયાન 2 થી 3 ઈંચ વાવણી લાયક વરસાદ વરસી જતા આનંદની લાગણી ફેલાઈ છે.

માણાવદર:

માણાવદરમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. આજે દિવસ દરમ્યાન 1 ઈંચ નોંધાયો છે. જ્યારે ઝીંઝરી ગામ તરફ 2 ઈંચ જેટલો વરસાદ પડવાનું ગ્રામજનોએ જણાવેલ. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણીથી ફરી રસાલા ડેમ છલકાયો છે.

અમરેલી:

Dated 5/7/22 જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેધરાજ મન મૂકીને વરસ્યો હતો. આજે પડેલા વરસાદથી અનેક ગામમાં પાણી ભરાય ગયા હતા તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં ધોડાપુર આવ્યા હતા. ચમારડીની ઠેબી નદીમાં પુર આવ્યું હતું. ભારે વરસાદને કારણે જનજીવન પર પણ અસર થઈ હતી. આ લખાય છે ત્યારે બાબરાના ચામરડી ખાતે ઠેબી નદીમાં ઘોડાપૂર કોઝવે ઉપરથી પાણી ઓવરફ્લો થતા ચમારડી અને’ ચરખાનો રસ્તો બંધ થયો હતો.
તળાજા:’ આજે પણ તળાજા શહેરમાં બપોરના સમયે મધ્યમધારે લગભગ અડધો કલાક વરસાદ વરસી ગયો. જો કે, કેટલાક ઉતાવળિયા ખેડૂતોએ કુદરત પર ભરોસો રાખી બિયારણ વાવેલ તેમાંના કેટલાક’ ખેડૂતોને અમુક અંશે બિયારણ નિષ્ફળ ગયાના ખેડૂતો કહી રહ્યા છે.

જૂનાગઢ:’

પ્રકૃતિના ખોળે મેઘરાજા રમવા આવ્યા હોય તેમ ગિરનાર પર્વતમાળામાં મૂશળધાર સાત ઈંચ, જૂનાગઢમાં ચાર, વંથલીમાં ત્રણ ઈંચ પાણી પડતા વિલિંગ્ડન ડેમ તથા નરસિંહ સરોવર છલોછલ ભરાયા છે. સવાર સુધીમાં બંને છલકાઈ જવાની પુરી સંભાવના છે. ગિરનાર પર્વત પર ચાર કલાકમાં સાત’ ઈંચ પાણી પડતા ઝરણાઓ પૂરની માકફ વહેવા લાગ્યા હતા. શહેરમાં ચાર ઈંચ પાણી પડતા કાળવા અને સોનરખ નદીમાં પૂર આવ્યા હતા. પરિણામે નરસિંહ સરોવર છલોછલ ભરાઈ ગયું હતું. ભારે વરસાદને કારણે શહેરના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગિરનારમાં ભારે વરસાદને કારણે વિલીગ્ડન ડેમ ભરાઈ ગયો છે. કેરાળા જળાશયમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે ડેમની જળ સપાટીમાં ઝડપથી વધારો થતા બપોરે 2-30 કલાકે ઓવરફ્લો ગતા હેઠવાસના જૂનાગઢ તાલુકાના ગામો કેરાવડ, મજેવડી, તલિયાધર, વધાવી, વાલાસીમડી અને વાણદિયા તથા વંથલી તાલુકાના બાલોટ, ધંધુસર અને વંથલીના લોકોને સાવધ કરાયા છે.

શેરગઢ :

કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં આજે બપોરે 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં.

પોરબંદર :

અરબી સમુદ્રના કિનારે આવેલા પોરબંદર જિલ્લામાં સવારથી જ મેઘમહેર જોવા મળી હતી. હળવા ભારે ઝાપટા બાદ બપોરથી વરસાદે જોર પકડયું હતું અને સાંજ સુધીમાં રાણાવાવ તથા કુતિયાણામાં ચાર ચાર ઈંચ વરસાદ વરસી ચુકયો છે. જ્યારે પોરબંદરમાં પણ બે ઈંચ જેટલો વરસાદ સાંજ સુધીમાં વરસ્યો છે.

ગોંડલ :

ગોંડલમાં સવારથી જ ગોરંભાયેલા આકાશ વચ્ચે ધીમીધારે પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. તાલુકાનાં મોવિયા, વાસાવડ, ગોમટા, ચોરડી સહિત ગ્રામ્ય પંથકમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો છે. ધીમી ધારે વરસેલી મેઘવર્ષા ખેતી માટે ફાયદાકારક હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

વાંકાનેર :

આજે Dated 5/7/22 સાંજના છ વાગ્યા સુધીમાં 33 મીમી જેટલો વરસાદ પડેલ એટલે સવા 1। ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે તાલુકા પંથકમાં પણ સારો વરસાદ પડયાના વાવડ મળી રહેલ છે.

સુરત :

સુરતમાં પડી રહેલા વરસાદને પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સંભવિત આફતનો સામનો કરવા સજ્જ બની ગયું છે. રાહત અને બચાવની કામગીરી માટે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા બોટ સહિતના સાધનો સાથે એલર્ટ થઈ ગયું હોવાનું જાણવા મળે છે.

કલાણા :

અષાઢી મેઘ મહેરથી અત્ર તત્ર સર્વત્ર હરખની હેલી છવાઈ ગઈ છે. તેવી જ રીતે ધોરાજી પંથકના કલાણા, ચિચોડ, ખડીયા અને રવની જેવા ગામોમાં બપોર સુધી ઉકળાટ બાદ સાંબેલાધારે બે કલાકના ગાળામાં જ બે ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. આસપાસ વિસ્તારનાં તમામ ચેકડેમ ઓવરફલો થયા હતાં.

મોરબી:

મોરબી શહેર અને જીલ્લામાં આજે સાંજના સુમારે વરસાદ શરુ થયો હતો જેમાં મોરબી 2 સામાકાઠા વિસ્તાર મા 18 મીમી પોણો ઈચ જ્યારે મૉરબી શહેરમા 46 મીમી બે ઈચ વરસાદ નોંધાયો છે.” મોરબી નગરપાલિકા તંત્ર ચોમાસા પૂર્વે પ્રી મોન્સુન કામગીરી કરતી હોય છે જોકે કામગીરી કેવી રહે છે તે સૌ કોઈ જાણે છે અને વરસાદ વરસતા જ પાલિકાની કામગીરીની પોલ ખુલી જતી હોય છે આજે મોરબીમાં પોણો ઇંચ વરસાદ વરસતા જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા જેથી વાહનચાલકોને અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

મેંદરડા :

મેંદરડા પંથકમાં આજ સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. બપોર સુધી હળવા ઝાપટા પડયા હતાં. પરંતુ બપોરે ધોધમાર વરસવાનું ચાલુ થતાં લગભગ દોઢેક કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
માળીયાહાટીના : માળીયાહાટીનામાં આજે સવારથી વરસાદ વસતા મેઘલ નદીમાં નવા નીરની અઢળક આવક શરૂ થઈ છે. પ્રથમ વખત નદીમાં પુર આવ્યું છે. ચાર મહિનાની કોરી ધાકોડ મેઘલ નદી પાણીથી ભરાઈ ગઈ છે. આજે દોઢ ઈંચ પાણી પડયું છે. પ્રથમ વખત મેઘલ નદીમાં પૂર આવતાં લોકો ભાવવિભોર બની ગયા છે.

દામનગર :

બે દિવસના ધીમીધારે વરસાદ બાદ આજરોજ વાતાવરણમાં એકાએક પલટો આવતાં વર્ષારાણીની ધમાકેદાર એન્ટ્રી થતાં ત્રણ કલાક સુધી વરસાદ પડતાં બે ઈંચ જેટલું પાણી પડી ગયું છે. દામનગરનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા વરસાદનાં વાવડ મળેલ છે. કુંભનાથ તળાવમાં નવા નીરની આવક ધીમી ગતિએ શરૂ છે. દામનગરનાં સરદાર ચોકમાં વરસાદના નીર ભરાતા રાહતદારીઓને મુશ્કેલી પડતી હતી.

કોટડાસાંગાણી :

કોટડા સાંગાણીમાં વહેલી સવારથી અસહ્ય બફારા બાદ આજે બપોરે બે વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને સાંજે છ વાગ્યા સુધી બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. કોટડા તાલુકાના ગામોમાં સારો વરસાદ પડી ગયો છે લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જામનગર :

જામનગર શહેર અને જિલ્લામાં આજે સવારથી સુર્યનારાયણનો આકરો તાપ રહેવા પામ્યો હતો. દરમિયાન પલટાયેલા વાતાવરણના પગલે આકાશમાં કાળા ડીંબાંગ વાદળો છવાઈ જવા પામ્યા હતાં. જેમાં આજે સાંજ સુધીમાં જામનગર શહેરનો 40 મીમી, ધ્રોલમાં 38 મીમી, જામજોધપુરમાં 9 મીમી, જોડિયામાં 18 મીમી અને લાલપુરમાં 3 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે ત્રણ જળાશયોમાં નવા પાણીની આવક નોંધાઈ છે.

ગઢડા :

ગઢડા શહેરમાં બપોરે 2 વાગ્યા પછી ભારે ગાજવીજ સાથે અચાનક મુશળધાર વરસાદ શરૂ થયો હતો. સતત બે કલાક સુધી એકસરખો વરસાદ શરૂ રહેતાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ વરસાદના પગલે ગઢડા’ શહેરના બોટાદ ઝાંપા, જીન નાકા, મધરપાટ વિગેરે મુખ્ય વિસ્તારો અને રસ્તો ઉપર પાણીના વહેણ શરૂ થતાં લોકોએ વરસતા વરસાદની મજા માણી હતી.

ભાવનગર :

ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં અડધાથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં આજે બપોરે ધોધમાર વરસાદ તુટી પડયો હતો અને બે ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. આજે સવારના 6 થી સાંજના છ દરમિયાન ભાવનગર શહેરમાં 42 મીમી મહુવામાં 28 મીમી તળાજામાં 14 મીમી પાલીતાણામાં 5 મીમી વલભીપુરમાં 2 મીમી, ગારીયાધાર, ઘોઘા અને સિહોરમાં એક એક મીમી વરસાદ નોંધાયો છે.

બાબરા :

બાબરા તાલુકામાં બપોર બાદ મેઘરાજાએ મોસમનું પ્રથમ અનરાધાર હેત વરસાવ્યું હોય તેમ શહેરી વિસ્તારમાં હળવો અને ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદથી નદીઓમાં પુરના પાણી ફરી વળ્યાં હતાં. મળતા સમાચાર મુજબ બાબરા શહેરમાં બે ઈંચ વરસાદ અને ઉપરવાસના ચારખા ગામના સિમ વિસ્તારમાં વધુ વરસાદથી બાબરા મધ્યમાંથી નીકળતી કાળુભાર નદીમાં પુર આવતાં શહેરીજનો પુર જોવા નીકળી પડયા હતાં. જ્યારે બાબરા તાલુકાના ગ્રામ્ય ચરખા, ચમારડી, વાંડલીયા, ધરાઈ, મોટા દેવળીયા, ઈસાપર સહિતમાં 3 થી 4 ઈંચ વરસાદી પાણી પડતાં તમામ ચેક ડેમ જળાશયો ભરાયા બાદ નદીમાં વર્ષનું પ્રથમ પૂર આવ્યું હતું.

ધ્રોલ :

ધ્રોલ ખાતે આજે Dated 5/7/22, સાંજે 4 થી 6 વાગ્યા સુધીના બે કલાકમાં 1।। ઈંચ’ (38 મીમી) વરસાદ નોંધાયેલ છે. આજરોજના વરસાદને કારણે ધ્રોલ શહેરનાં જોડીયા રોડ, મેમણ ચોક, નંદનવન સોસાયટી, વૃંદાવન સોસાયટીઓમાં 1।। થી 2 ફુટ જેટલા પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર તેમ લત્તાવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.

ભાટિયા :

ભાટિયામાં આજે બપોરથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે પવન ગાજવીજ સાથે સાંજ સુધીમાં ત્રણ ઈંચ જેટલો આજનો પણ વરસાદ નોંધાતા છેલ્લા ચોવીસ કલાકમાં છ ઈંચ વરસાદ પડી જતાં ગામના મુખ્ય માર્ગો -ગલ્લીઓમાં ઠેર ઠેર પાણી પાણી દેખાતું હતું.

પાંચ દિવસ દ્વારકા-પોરબંદર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ 5ડવાની સંભાવના છે તેમજ આજથી તા. 10 જુલાઈ સુધી દ્વારકા, પોરબંદર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ છે, એમ હવામાન વિભાગના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું. ગાંધીનગરમાં આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં રાહત કમિશ્નરે આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.’ આ બેઠકમાં રાહત કમિશનરે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને ડીપ્લોય કરવા માટે ચર્ચા હાથ ધરી હતી. જેમાં રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ કચ્છ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ ડીપ્લોય કરવા સૂચના આપી હતી.

July 6, 2022
crude-1280x720.jpg
1min297

વૈશ્વિક શેર બજારોમાં કડાકાની સાથે Date 5/7/22, મોડી સાંજે ક્રુડ ઓઈલના ભાવ ૧૦ ટકાથી વધુ તૂટીને ૧૦૦ ડોલરની સપાટી અંદર ઊતરી ગયા છે. ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડના ભાવ મોડી સાંજે આ લખાય છે ત્યારે ૧૦૦ ડોલરની સપાટી ગુમાવીને ૧૦ ડોલર એટલે કે ૯ ટકાથી વધુ તૂટીને ૯૮.૬૩ ડોલરની સપાટી અને બ્રેન્ટ ક્રુડના ૧૦ ટકા તૂટીને ૧૦૨.૧૮ની સપાટીએ બોલાવા લાગ્યા હતા. 

ફુગાવાને અંકુશમાં લેવા વિશ્વની સેન્ટ્રલ બેંકો દ્વારા કરાયેલા આક્રમક વ્યાજ દરમાં વધારાની નકારાત્મક અસર ઉદ્યોગો પર પડી રહી હોવાના અને પેટ્રોલિયમ પ્રોડક્ટસની માંગમાં ઘટાડા સાથે વિશ્વ મોટી મંદીમાં ગરકાવ થઈ જવાના ભય સર્વત્ર ફેલાવા લાગતાં ક્રુડ ઓઈલના ભાવ તૂટયા હતા. આ સાથે વૈશ્વિક જાયન્ટ સિટી દ્વારા આર્થિક મંદીના સંજોગોમાં આ વર્ષના અંત સુધીમાં ક્રુડના ભાવ તૂટીને ૬૫ જડોલર આવી જવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગોલ્ડમેન સેશ જેવા અન્ય જાયન્ટો ક્રુડના ભાવ વધીને ૧૪૦ ડોલર અને એથી વધુ થવાની આગાહી કરી રહ્યા હતા, ત્યારે સિટી  ગુ્રપ દ્વારા ૬૫ ડોલરની આગાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે માર્ચમાં ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડના ભાવ ૧૩૦.૫૦ ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રુડના ૧૪૦ ડોલર નજીક પહોંચ્યા હતા. વૈશ્વિક બજારોમાં યુરોપ, અમેરિકાના બજારોમાં સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો.

ફુગાવાને અંકુશમાં રાખવા વિશ્વભરની સેન્ટ્રલ બેકો દ્વારા આકરા પગલા ભરાતા આર્થિક મંદી પ્રબળ બની રહ્યાની ભીતિ પાછળ આજે અમેરિકન શેરબજારમાં કામકાજના પ્રારંભે કડાકો નોંધાયો હતો.

ચોમેરથી આવેલ વેચવાલીના પ્રબળ દબાણે આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઊજોન્સ ઈન્ડેક્સ ૫૮૦ પોઈન્ટ તુટી ૩૦૫૧૭ ઊતરીઆવ્યો હતો. જ્યારે નાસ્ડેક ૧૮ પોઈન્ટ ઘટી ૧૧૧૦૮ની સપાટીએ નરમ રહ્યો હતો.

બીજી બાજુ વિશ્વબજારમાં સોનાના ભાવ પણ ઔંસ દીઠ ૪૧ ડોલર તૂટીને ૧૭૬૫ ડોલર જ્યારે ચાંદી ૮૦ સેન્ટ એટલે કે ૪ ટકા તૂટી ૧૯.૧૯ ડોલર થઈ ગયા હતા.

July 6, 2022
supremecourt.jpg
1min321

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશો, ભૂતપૂર્વ અમલદારો અને સૈન્ય અધિકારીઓના એક જૂથે ભાજપમાંથી હાંકી કઢાયેલાં પ્રવક્તા નુપુર શર્માની સુપ્રીમ કોર્ટના જજોએ કરેલી આકરી ટીપ્પણીને ‘લક્ષ્મણ રેખા’ ઓળંગવા સમાન ગણાવી હતી અને આ ટીપ્પણીઓએ દુનિયાના સૌથી મોટા લોકતંત્રની ન્યાયિક વ્યવસ્થા પર દૂર ન થઈ શકે તેવો ડાઘ પાડયો હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જૂથે મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણને આ સંદર્ભમાં ખુલ્લો પત્ર લખીને આ ટીપ્પણીઓ પાછી ખેંચવા માટે અપીલ પણ કરી હતી.

નુપુર શર્માની વિવાદાસ્પદ ટીપ્પણીઓ અંગે અનેક રાજ્યોમાં નોંધાયેલા કેસને એક સાથે જોડવા સંબંધી અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે શર્માએ મોહમ્મદ પયગંબર અંગે કરેલી ટીપ્પણી સસ્તો પ્રચાર અથવા કોઈ રાજકીય એજન્ડા હેઠળ અથવા કોઈ ધૃણાસ્પદ પ્રવૃત્તિ હેઠળ કરાઈ હતી. જોકે, હવે નુપુર શર્માના સમર્થનમાં ૧૫ ભૂતપૂર્વ જજ, ૭૭ પૂર્વ અમલદારો અને ૨૫ પૂર્વ સૈન્ય અધિકારીઓ સહિત ૧૧૭ હસ્તીઓએ મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણને પત્ર લખ્યો છે.

આ પત્રમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટના જજો જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની ટીપ્પણીએ લક્ષ્મણ રેખા ઓળંગવાનું કામ કર્યું છે. અમે જાગૃત નાગરિક તરીકે માનીએ છીએ કે દેશનું લોકતંત્ર ત્યારે જ સંપૂર્ણપણે સુરક્ષિત રહી શકે છે જ્યારે દેશની બધી સંસ્થાઓ બંધારણના દાયરામાં રહીને કામ કરે. પત્રમાં ન્યાયાધીશ સૂર્યકાંતને સેવાનિવૃત્ત થવા સુધી સુપ્રીમ કોર્ટના રોસ્ટરથી હટાવવા અને નુપુર શર્મા કેસની સુનાવણી વખતે કરાયેલી ટીપ્પણીઓ પાછી ખેંચવા માગણી કરાઈ છે.

પત્રમાં કહેવાયું છે કે જે દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીઓ કરાઈ છે, તે ભારતની ન્યાયિક વ્યવસ્થા પર અમિટ ડાઘ સમાન છે. ન્યાયતંત્રના ઈતિહાસમાં આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીઓનું બીજું કોઈ ઉદાહરણ જોવા મળતું નથી. એટલું જ નહીં તેની લોકતંત્રિક મૂલ્યો અને દેશની સુરક્ષા પર ગંભીર અસર જોવા મળી શકે છે.

પત્રમાં કહેવાયું છે કે, દુર્ભાગ્યપૂર્ણ અને અનિચ્છિત ટીપ્પણીઓથી દેશ અને દુનિયામાં અનેક લોકોને આંચકો લાગ્યો છે. નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ન્યાય વ્યવસ્થા સુધી પહોંચવા વિનંતી કરી હતી. જોકે, સુપ્રીમની ટીપ્પણીઓને ન્યાયિક રૂપે અરજીમાં ઉઠાવાયેલા મુદ્દાઓ સાથે કોઈ સંબંધ નથી અને સુપ્રીમના જજોએ ન્યાય વ્યવસ્થાના બધા જ સિદ્ધાંતોનો અસાધારણ રીતે ભંગ કર્યો છે. નુપુરને ન્યાયવ્યવસ્થા સુધી પહોંચવાથી વંચિત કરી દેવી એ ભારતના બંધારણની પ્રસ્તાવના, ભાવના અને સારનો ભંગ છે. આ ટીપ્પણીઓએ ઉદયપુરમાં ધોળા દિવસે થયેલી નૃશંસ હત્યાને અપ્રત્યક્ષ રીતે છૂટ આપી છે.

પત્રમાં કહેવાયું છે કે અલગ અલગ રાજ્યો અને શહેરોમાં નોંધાયેલી એફઆઈઆરને એકસાથે જોડવા અને તેની એક સાથે સુનાવણી કરવાની અરજી કરવી એ કોઈપણ નાગરિકનો કાયદકાયી અધિકાર છે. એક ગૂનાની અનેક જગ્યાએ અનેક વખત સજા હોઈ શકે નહીં. સુપ્રીમે કોઈ કારણ વિના જ અરજી સાંભળવાનો ઈનકાર કરી દીધો અને જે ટીપ્પણીઓ કરાઈ તે અરજીના સંદર્ભમાં અર્થહીન હતી. 

આ પત્રમાં ૧૧ મુદ્દાઓ પર કોર્ટની ટીપ્પણીઓની ટીકા કરાઈ છે. આ ટીપ્પણીઓ ન્યાયિક પ્રક્રિયા અને સિદ્ધાંતો મુજબ હતી તો આદેશમાં તેનો ઉલ્લેખ કેમ નથી તેવો સવાલ કરાયો હતો. આદેશ મુજબ તો લાગે છે કે નુપુર શર્માને ન્યાયિક રાહત મેળવવાના અધિકારનો ઈનકાર કરી દેવાયો છે. કોર્ટે ટ્રાયલ પુરી થયા પહેલા જ ચૂકાદો સંભળાવી દીધો કે નુપુર દોષિત છે. 

સુપ્રીમ કોર્ટના જજોની ટીપ્પણીઓ પર ખુલ્લો પત્ર લખનારા પૂર્વ જજોમાં બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ક્ષિતિજ વ્યાસ, ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ એસ. એમ. સોની, રાજસ્થાન હાઈકોર્ટના જજ આર.એસ. રાઠોર અને પ્રશાંત અગ્રવાલનો સમાવેશ થાય છે. આ સિવાય દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ એસ. એન. ઢિંગરા પણ પત્ર લખનારા જજોમાં સામેલ છે.

July 3, 2022
subcidy.jpg
1min319

કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા સહિતની ૩૦૦ જેટલી સરકારી યોજનાના કામના વેતનની શ્રમિકોને કરાતી ચૂકવણી તેમના સહકારી બેન્કોના ખાતામાં પણ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતની ૨૩૦ પ્લસ  સહકારી બેન્કોને તેનાથી ફાયદો થશે. માત્ર ગુજરાત નહિ, સમગ્ર દેશના તમામ રાજ્યોની સહકારી બેન્કોને તેનાથી ફાયદો થશે. ગુજરાતની ૧૭ જિલ્લા સહકારી બેન્કો અને ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેન્કને પણ તેનો ફાયદો મળશે. અત્યાર સુધી  રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કો મારફતે જ કેન્દ્ર સરકારની સબસિડીની કે પછી અન્ય યોજનાઓ થકી મળતા ખેડૂતો અને શ્રમિકોને મળતા લાભના નાણાં ખેડૂતોના ખાતામાં જમા થશે.

ખેડૂતોને સબસિડીના નાણાં પણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ જ અપાય છે. આ રીતે કેન્દ્ર સરકારની જુદી જુદી ૩૦૦ યોજનાના નાણાં ડાયરેક્ટ ટ્રાન્સફર ઓફ બેનિફિટની સ્કીમ હેઠળ સીધા બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફરકરવામાં આવે છે. મનરેગા જેવી યોજનાના મહેનતાણાના નાણાં પણ સહકારી બેન્કોના ખાતામાં જમા થઈ શકશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આ નિર્દેશ આપ્યો છે. આ યોજનાને સહકારી બેન્કો સાથે જોડી દઈને સહકારી બેન્કો અને પ્રજા વચ્ચેનો નાતો વધુ સંગીન બનાવવાની નેમથી આ આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેન્કના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવનારા આ પગલાંને પરિણામે સહકારી બેન્કોની આર્થિક સદ્ધરતામાં ખાસ્સો વધારો થશે. અમિત શાહની પ્રસ્તુત જાહેરાત અંગે વાત કરતાં ખેતી બેન્કના ચેરમેન ડૉલર કોટેચાએ જણાવ્યું હતું કે આ આયોજનના અમલીકરણ થકી સહકારી બેન્કો સમાજના નાના વર્ગના ખાતેદારોની સારી સેવા કરી શકશે. સમાજના નાનામાં નાના વર્ગના નાગરિકનો સહકારી બેન્કોમાંનો વિશ્વાસ વધુ બુલંદ બનશે. સહકારી બેન્કોના ફેડરેશનના પ્રમુખ જ્યોતિન્દ્ર મહેતાનું કહેવું છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના નાણાં સહકારી બેન્કના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે તો તેને પરિણામે સહકારી બેન્કોમાં ખાતાની સંખ્યા વધી જશે. તેમના ખાતામાં જમા થનારા નાણાંઓને કારણે સહકારી બેન્કોની થાપણોમાં અને ખાસ કરીને ઓછા વ્યાજની થાપણોમાં વધારો થશે.

તેનાથી થનારા લાભની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે સહકારી બેન્કોને મળનારી વધારાની થાપણનો ઉપયોગ કરીને બેન્કો વધારાનું ધિરાણ કરીને નફો પણ વધારી શકશે. પરિણામે સહકારી બેન્કોની આવક  અને આર્થિક તન્દુરસ્તીમાં સુધારો થશે.

July 3, 2022
money_transfer.jpg
1min356

કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ) સંબંધિત કેટલાક નિયમોમાં સુધારો કર્યો છે, જેને પગલે હવે વિદેશમાં વસતા ભારતીયો ઓથોરિટીને જાણ કર્યા વિના તેમજ કોઈપણ નિયંત્રણ વિના દેશમાં એક વર્ષમાં તેમના પરિવાર-સંબંધીઓને રૂ. ૧૦ લાખ સુધીની રકમ મોકલી શકશે. અગાઉ આ મર્યાદા માત્ર રૂ. ૧ લાખની હતી.

ગૃહમંત્રાલયે એક નોટિફિકેસનમાં જણાવ્યું છે કે વિદેશમાં વસતા ભારતીયો તંત્રને જાણ કર્યા વિના રૂ. ૧૦ લાખથી વધુની રકમ મોકલે તો તેમણે ૯૦ દિવસમાં આ અંગે સરકારને જાણ કરવાની રહેશે. અગાઉ આ સમય મર્યાદા માત્ર ૩૦ દિવસ હતી. ગૃહમંત્રાલયે શુક્રવારે રાત્રે ગેઝેટ નોટિફિકેશન મારફત ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) અમેન્ડમેન્ટ રુલ્સ, ૨૦૨૨ના નવા નિયમો લાગુ કર્યા છે.

નોટિફિકેશનમાં જણાવાયું છે કે ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) રુલ્સ, ૨૦૧૧ના નિયમ ૬માં એક લાખ રૂપિયાના બદલે દસ લાખ રૂપિયા અને ૩૦ દિવસના બદલે ત્રણ મહિના શબ્દ બદલવામાં આવ્યા છે. રુલ્સ ૬ સંબંધીઓને વિદેશી ધન મેળવવાની માહિતી સંબંધિત છે. તેમાં પહેલા કહેવાયું  હતું કે, કોઈપણ વ્યક્તિએ પોતાના કોઈ સંબંધીને એક નાણાકીય વર્ષમાં ૧ લાખ રૂપિયા અથવા તેના જેટલું વિદેશી નાણું મોકલે તો વિદેશી યોગદાન મળ્યાના ૩૦ દિવસમાં કેન્દ્ર સરકાર (નાણાં વિગતો)ને સૂચિત કરવાની રહેશે.

એ જ રીતે નિયમ ૯માં પણ ફેરફાર કરાયો છે. તેના હેઠળ હવે વ્યક્તિઓ અથવા સંગઠનો અથવા બીન સરકારી  સંગઠનોના બેન્ક ખાતા અંગે ગૃહમંત્રાલયને સૂચિત કરવા માટેનો સમય ૪૫ દિવસ કરી દેવાયો છે. આ પહેલા આ સમય મર્યાદા ૩૦ દિવસ હતી. નિયમ ૯ નાણાં મેળવવા માટે એફસીઆરએ હેઠળ ‘નોંધણી’ અથવા ‘પૂર્વ મંજૂરી’ મેળવીને અરજી કરવા સંબંધિત છે.

કેન્દ્ર સરકારે નિયમ ૧૩માં જોગવાઈ ‘બી’ને પણ ‘છોડી દીધી’ છે, જે પોતાની વેબસાઈટ પર દર ત્રણ મહિનામાં દાતાઓની વિગતો, મેળવેલી રકમ અને તારીખ વગેરે સહિત વિદેશી નાણાંની વિગતો જણાવે છે. હવે એફસીઆરએ હેઠળ વિદેશી ભંડોળ મેળવનારી કોઈપણ વ્યક્તિએ આવક અને ખર્ચના સ્ટેટમેન્ટ સહિત વિદેશી ભંડોળ મેળવવા માટે ઉપયોગમાં લેવાયેલા ખાતાનું ઓડિટ કરાવેલું સ્ટેટમેન્ટ, રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટ તથા એપ્રિલના પહેલા દિવસથી શરૂ કરીને પ્રત્યેક નાણાકીય વર્ષ માટેની બેલેન્સ શીટ નાણાકીય વર્ષ પૂરું થવાના નવ મહિનામાં તેની સત્તાવાર વેબસાઈટ અથવા કેન્દ્ર દ્વારા નિર્દિષ્ટ ચોક્કસ વેબસાઈટ પર પૂરાં પાડવાના રહેશે.

July 2, 2022
rath2.jpg
1min323

પોલીસે અત્યાર સુધીનો સૌથી આધુનિક બંદોબસ્ત ગોઠવ્યો હતો

૧૦ હજારથી વધારે બોડી વોર્ન કેમેરા, ડ્રોન સહિતના હાઇટેક સાધનો સાથે ગ્રાઉન્ડ લેવલે પણ પોલીસનો લોંખડી બંદોબસ્ત રખાયો હતો

અમદાવાદ

ગુજરાતમાં અમદાવાદ અને ભાવનગર સહિત નાની મોટી ૧૮૦ જેટલી રથયાત્રા વિના વિધ્ને પૂર્ણ થઇ હતી. રથયાત્રા દરમિયાન રાજ્યની શાંતિ ન ડહોળાઇ તે  માટે પોલીસે અત્યાર સુધીનો સૌથી મોટો અને હાઇટેક બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેમાં પોલીસે ડ્રોન, બોડી વોર્ન કેમેરા સહિતના સાધનોનો ઉપયોગ કર્યો હતો. આ સાથે રથયાત્રામાં કોઇ અનિચ્છિનીય ઘટના ન બનતા પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યમાં અમદાવાદ બાદ ભાવનગરની રથયાત્રા બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે.   ગુજરાતમાં અમદાવાદની ૧૪૫મી રથયાત્રા સહિત કુલ ૧૮૦ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.  અમદાવાદની રથયાત્રામાં ૧૧ લાખ જેટલુ વિશાળ માનવ મહેરામણ ઉમટયુ હતું. અમદાવાદ બાદ રાજ્યની બીજી સૌથી મોટી રથયાત્રા ભાવનગરમાં યોજાઇ હતી. જેમાં સવા લાખ જેટલા ભાવિકો જોડાયા હતા.

આ ઉપરાંત, રાજકોટ, સુરત, વડોદરા, મહેસાણા, ગાંધીનગર સહિતની નાની મોટી ૧૮૦ જેટલી રથયાત્રાઓ યોજવામાં આવી હતી.  રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગૃહ વિભાગે પોલીસ વિભાગ સાથે સંકલન કરીને અત્યાર સુધીનો સૌથી હાઇટેક અને સૌથી મોટો બંદોસ્ત ગોઠવવાનું નક્કી કર્યું હતું. જેમાં  મોટી સંખ્યામાં ડ્રોન, ૧૦ હજાર જેટલા બોડી વોર્ન કેેમેરા, સીસીટીવી નેટવર્ક, વધારાના કંટ્રોલ રૂમ તૈયાર કર્યા હતા. તો ગ્રાઉન્ડ લેવલે સંવેદનશીલ વિસ્તારોમાં તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ પર વોચ રાખવામાં સ્ટેટ આઇબી અને સ્થાનિક પોલીસ કેટલાંક અધિકારીઓને એક મહિનાથી કામે લગાડયા હતા. જેના કારણે સમગ્ર રાજ્યમાં રથયાત્રા વિના વિઘ્ને સંપન્ન થઇ હતી.

June 25, 2022
maharashtra_crises.jpg
1min345

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર નરહરિ સીતારામ જિરવાલે શિંદેના જૂથ દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવને ફગાવી દીધો છે. જાણવા મળ્યા મુજબ કોઈ અનામી ઈ-મેઈલના માધ્યમથી અવિશ્વાસનો આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. કોઈ પણ ધારાસભ્યએ તે પ્રસ્તાવને કાર્યાલયમાં જમા નહોતો કરાવ્યો. શિંદે જૂથના અવિશ્વાસ પ્રસ્તાવવાળા પત્ર પર કોઈ મૂળ હસ્તાક્ષર નહોતા. 

Maharashtra Political Crisis Live Updates, MVA Maharashtra Government  Latest News: Curfew in Mumbai, Thane, Eknath Shinde Camp Names Itself Shiv  Sena Balasaheb

અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દેવા પાછળ ધારાસભ્યોના હસ્તાક્ષર અસલી ન હોવાનું કારણ આપવામાં આવ્યું છે. સાથે જ તેને શિવસેનાના લેટરહેડ પર મોકલવામાં આવ્યો હતો. જ્યારે વિધાનસભાના રેકોર્ડ પ્રમાણે શિવસેના ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરી છે, એકનાથ શિંદે નહીં. તેવામાં શિંદે જૂથ હવે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં છે.

ડેપ્યુટી સ્પીકરે ઉદ્ધવ ઠાકરેના જૂથ દ્વારા આપવામાં આવેલી અયોગ્યતા અરજી પર શિવસેનાના 16 બાગી ધારાસભ્યોને નોટિસ પાઠવી છે. નોટિસ મોકલવામાં આવી તે ધારાસભ્યોએ સોમવાર સાંજના 5:00 વાગ્યા સુધીમાં તે નોટિસનો જવાબ આપવાનો રહેશે. 

શિવસેના ભવન ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં તબિયત ખરાબ હોવા છતાં પણ ઉદ્ધવ ઠાકરેએ મોરચો સંભાળ્યો છે. આ તરફ શિવસૈનિકોના બાગી ધારાસભ્યોના કાર્યાલયોમાં તોડફોડને પગલે પોલીસે મુંબઈમાં કલમ 144 લાગુ કરી દીધી છે. 

June 25, 2022
fmcg.jpg
1min370

અનાજના ભાવોમાં વધારાને કારણે એફએમસીજી કંપનીઓનો પડતર ખર્ચ વધી ગયો છે તે એક હકીકત છે. ખાસ કરીને ઘઉં, ચોખા, દાળ અને ખાદ્યતેલોના ભાવવધારાની સીધી અસર આ કંપનીઓ પર પડી હતી. આટલું ઓછું હોય તેમ મોંઘાં ડીઝલે માલના પરિવહનને પણ મોંઘું બનાવતાં અનેક કંપનીઓએ પોતાનાં ઉત્પાદનોમાં ભાવવધારો કર્યો હતો.
જો કે, કંપનીઓ એક હદથી વધુ ભાવવધારો કરે તો તેમને ગ્રાહકો ગુમાવવાનો ભય હોવાથી ચતુરાઈપૂર્વક રસ્તો કાઢવામાં આવ્યો હતો, જેમાં એક તરફ શરૂઆતમાં કંપનીઓએ પોતાનાં ઉત્પાદનની કિંમતો થોડી વધારી અને તે પછી ઉત્પાદનના વજનમાં ઘટાડો કરી દીધો હતો.

આ બાબતના ઉદાહરણ તરીકે થમ્સઅપ અને કોકાકોલાએ તેમની નાની બોટલની માત્રાને 250 એમએલથી ઘટાડીને 200 એમએલ કરી નાખી તો 10 રૂપિયાના 140 ગ્રામના પારલે-જી બિસ્કિટનું વજન હવે ઘટીને માત્ર 110 ગ્રામ રહી ગયું છે.’ વિમ બારનું વજન 65 ગ્રામમાંથી 60 ગ્રામ,’ 115 ગ્રામના વ્હીલ ડિટર્જન્ટ પેકેટનું વજન હવે 110 ગ્રામ થઈ ગયું છે.

June 24, 2022
agniveer.jpg
1min494

ભારતીય વાયુ સેનામાં આજથી અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા શરૂ થશે. આજથી એટલે કે 24 જૂન 2022થી ઉમેદવાર રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઓનલાઈન પરીક્ષા એક મહિના બાદ 24 જુલાઈએ યોજાશે. આ વર્ષે ડિસેમ્બર પહેલા બેચની ટ્રેનિંગ શરૂ થઈ જશે.

19 જૂને વાયુસેનાએ નવી યોજના વિશે તમામ ડિટેલ શેર કરી હતી. જે અંગર્ગત યોગ્યતાના માપદંડ, સેલરી પેકેજ, મેડિકલ અને CSD (કેન્ટીન સ્ટોર) સુવિધાઓ, વિકલાંગતા માટે વળતર, વિકલાંગતા મર્યાદાની ગણતરી, રજા અને તાલીમ સહિતની વિવિધ માહિતી આપવામાં આવી હતી. 

– 18 વર્ષથી ઓછી ઉંમરના કર્મચારીઓ માટે નામાંકન પત્ર પર વર્તમાન જોગવાઈઓ અનુસાર માતા-પિતા કે વાલીઓના હસ્તાક્ષર કરાવવા પડશે. ગયા અઠવાડિયે સરકારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે વર્ષ 2022 માટે ઉચ્ચ વય મર્યાદા 21 થી વધારીને 23 વર્ષ કરી હતી.

– સાડા ​​સત્તર વર્ષથી 21 વર્ષની વયજૂથના યુવાનોને ચાર વર્ષની મુદત માટે સામેલ કરવામાં આવશે. જ્યારે તેમાંથી 25 ટકાને બાદમાં નિયમિત સેવામાં સામેલ કરવામાં આવશે. નવી યોજના હેઠળ ભરતી થનાર યુવાનોને ‘અગ્નિવીર’ કહેવામાં આવશે.

– વાયુસેનાએ કહ્યુ, ચાર વર્ષના સમયગાળા બાદ તમામ અગ્નિવીર સમાજમાં પાછા ફરશે. બહાર નીકળનારા અગ્નિવીરોને વાયુસેનાના નિયમિત કેડરમાં નામાંકન માટે અરજી કરવાની તક આપવામાં આવશે.

– પ્રત્યેક અગ્નિવીર દ્વારા પ્રાપ્ત કૌશલ માટે એક સર્ટિફિકેટ જારી કરવામાં આવશે, જે તેમના બાયોડેટાનો ભાગ બનશે. આ અરજી પર એક કેન્દ્રીયકૃત બોર્ડ પારદર્શક રીતે વિચાર કરશે અને વાયુસેનામાં મૂળ અગ્નિવીરોના વિશિષ્ટ બેચની સંખ્યાના મોટાભાગના 25 ટકા સૈનિકોને પ્રદર્શનના આધારે સામેલ કરવામાં આવશે.

– વાયુસેનાએ કહ્યુ કે રજાની અનુમતિ સંગઠનની આવશ્યકતાઓ અનુસાર આપવામાં આવશે. પ્રત્યેક અગ્નિવીરને 30 દિવસની વાર્ષિક રજા આપવામાં આવશે, જ્યારે બીમારીની રજા મેડીકલ રિપોર્ટ પર નિર્ભર કરશે. 

– અગ્નિવીરોને ભારતીય વાયુસેનામાં એક અલગ રેન્ક આપવામાં આવશે, જે કોઈ પણ અન્ય વર્તમાન રેન્કથી અલગ થશે. અગ્નિવીરોને નવી યોજનાના તમામ નિયમો અને શરતોનો સ્વીકાર કરવો પડશે.

– આ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતીની નૌસેનાની યોજનાનુ વિવરણ આપતા વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ કહ્યુ કે નૌસેના મુખ્યાલય 25 જૂન સુધી ભરતી માટે વ્યાપક દિશાનિર્દેશ જારી કરશે. તેમણે કહ્યુ કે પહેલી બેચ 21 નવેમ્બર સુધી તાલીમ કાર્યક્રમ શરૂ કરશે. 

– લેફ્ટિનેંટ જનરલ પુરીએ કહ્યુ હતુ કે સરકાર અગ્નિપથ યોજનાને લાગુ કરવાની દિશામાં આગળ વધી રહી છે. તેમણે યુવાનોને પોતાનુ વિરોધ પ્રદર્શન પૂરુ કરવાની અપીલ કરી હતી.

– લેફ્ટિનેંટ જનરલ પોનપ્પાએ કહ્યુ કે 25,000 કર્મચારીઓની પહેલી બેચ ડિસેમ્બરના પહેલા અને બીજા સપ્તાહમાં તાલીમ કાર્યક્રમ સાથે જોડાશે તથા બીજી બેચ 23 ફેબ્રુઆરીની આસપાસ પોતાની તાલીમમાં સામેલ થશે.

June 22, 2022
draupadi_murmu.jpg
1min409

રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે વિપક્ષ પછી હવે ભાજપના નેતૃત્વમાં એનડીએએ પણ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારની પસંદગી માટે મંગળવારે નવી દિલ્હીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી પક્ષપ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે, ઝારખંડના ભૂતપૂર્વ ગવર્નર અને આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂ એનડીએ તરફથી રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર હશે. સંસદીય બોર્ડની બેઠકમાં અંદાજે ૨૦ નામો પર ચર્ચા થઈ હતી અને દ્રૌપદી મુર્મૂના નામ પર સંમતી સધાઈ હતી.

ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનું નામ અગાઉ પણ રાષ્ટ્રપતિપદના ઉમેદવારની રેસમાં ચર્ચાયું હતું. જેપી નડ્ડાએ કહ્યું કે, દેશને પહેલી વખત આદિવાસી સમાજમાંથી એક રાષ્ટ્રપતિ આપવાની પક્ષની તૈયારી છે. આ વખતે પૂર્વીય ભારતમાંથી કોઈને તક આપવા અંગે સંસદીય બોર્ડમાં સહમતી બની હતી. અમે એ અંગે પણ વિચાર કર્યો કે દેશને હજી સુધી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્યા નથી. એવામાં બેઠક પછી દ્રૌપદી મુર્મૂના નામ પર બેઠકમાં સર્વસંમતી સધાઈ હતી. 

મુર્મૂ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી જશે તો ભારતના ઈતિહાસમાં તેઓ પહેલાં આદિવાસી રાષ્ટ્રપતિ બનશે. ઉપરાંત તેઓ ચૂંટણી જીતી જાય તો પ્રતિભા પાટિલ પછી દેશનાં બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. દ્રૌપદી મુર્મૂ ઝારખંડનાં પહેલા મહિલા ગવર્નર હતા. તેઓ ઓડિશાનાં પહેલા એવા મહિલા આદિવાસી નેતા છે, જેમને કોઈ રાજ્યમાં ગવર્નર બનાવાયા હોય અને તેમણે કાર્યકાળ પૂરો કર્યો હતો.

દ્રૌપદી મુર્મૂનું જીવન ઘણું જ સંઘર્ષમય રહ્યું છે. તેઓ એક અત્યંત ગરીબ આદિવાસી પરિવારમાં પેદા થયાં હતા. તેમણે રૈરંગપુરના શ્રી અરબિંદો ઈન્ટિગ્રલ એજ્યુકેશન સેન્ટરમાં પગાર વિના જ શિક્ષિકા તરીકે કામ કર્યું હતું. તેમણે રાજકીય કારકિર્દી રૈરંગપુર એનએસીના વાઈસ ચેરમેન તરીકે શરૃ કરી હતી. તેમને ઓડિશા વિધાનસભામાં ૨૦૦૭માં સર્વશ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે નીલકંઠ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

ભાજપ સમર્થિત એનડીએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેના ઈલેક્ટોરલ કોલેજમાં ૪૮ ટકાથી વધુ વોટ શૅર ધરાવે છે અને તેના ઉમેદવારને વિપક્ષના ઉમેદવાર કરતાં સ્પષ્ટ લાભ મળશે. નવી દિલ્હીમાં મંગળવારે મોડી સાંજે વડાપ્રધાન મોદી, પક્ષ પ્રમુખ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળી હતી, જેમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ૨૦ જેટલા નામોની ચર્ચા થઈ હતી.

વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪મી જુલાઈએ પૂરો થઈ રહ્યો છે ત્યારે વિપક્ષે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે યશવંત સિંહાને મેદાનમાં ઉતારતા ૧૮મી જુલાઈએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાશે. મતગણતરી ૨૧મી જુલાઈએ થશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ ૨૯ જૂન છે.