
આપણામાંથી અનેક લોકો અજાણ્યા નંબર પરથી આવતા ફોન ઉપાડવાનું ટાળતા હોય છે અને આ નંબર કોનો છે એ જાણવા અનેક લોકો થર્ડ પાર્ટી એપનો સહારો પણ લેતા હોય છે. પરંતુ હવે ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા લેવામાં આવેલા એક મહત્ત્વના પગલાંને કારણે નંબર સેવ નહીં હોય તો પણ મોબાઈલ પર કોલ કરનારનું નામ જોવા મળશે. ચોંકી ઉઠ્યા ને? ચાલો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ…
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા કોલ કરનારના નંબરની સાથે તેનું નામ પણ સ્ક્રીન પર દેખાવવું જોઈએ એવો પ્રસ્તાવ ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ ફીચરને કોલિંગ નેમ પ્રેઝેન્ટેશન (CNAP) તરીકે ઓળખવામાં આવે છે, જે કોલરની જાણકારી તેના રજિસ્ટ્રેશનના આધારે આપશે.
ટ્રાઈની વાત માનીએ તો સીએનએપી સર્વિસ તમામ ભારતીય ટેલિકોમ યુઝર્સ માટે બાય ડિફોલ્ટ ઓન રહેશે. જો કોઈ આ ફિચરનો ઉપયોગ નથી કરવા માંગતું તો તે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરને તેને બંધ કરવા માટે રિક્વેસ્ટ કરી શકે છે.
એક વખત આ ફીચર રોલઆઉટ થઈ જશે ત્યાર બાદ કોલ કરનારની જાણકારી રિસીવરના ફોન નંબર સાથે જોવા મળશે અને આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નહીં રહે. વર્તમાન સમયમાં યુઝર્સ આ માટે ટ્રુકોલર જેવી એપની મદદ લઈ રહ્યા છે. એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છ કે આ પગલાંથી રિસીવરને કોલ કરનારની માહિતી મળશે. આ સિવાય સ્પેમ કોલ્સની સમસ્યાને ઘટાડવામાં પણ મદદ મળશે.
સીએનએપી વિના લેન્ડલાઈન કે મોબાઈલ નંબર માત્ર કોલિંગ લાઈન આઈડેન્ટિફિકેશન હેઠળ જોવા મળે છે. હાલમાં ઈન્ડિયન ટેલિકોમ નેટવર્ક્સ ને માત્ર કોલિંગ લાઈન આઈડેન્ટિફિકેશન ઈનકમિંગ કોલ દરમિયાન દેખાડવાનું હોય છે. સીએનએપીને લઈને કોઈ નિયમ જારી નથી કરવામાં આવ્યા. પરંતુ ટ્રાઈ દ્વારા ડોટના આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં ડોટ દ્વારા એક ટ્રાયલ કરવામાં આવ્યું હતું કે જેમાં 4જી અને 5જી નેટવર્ક પર આ સર્વિસને સિલેક્ટેડ શહેરોમાં રજૂ કરવામાં આવી હતી. આ સર્વિસને સર્કિટ સ્વીચ અને પેકેટ સ્વીચ નેટવર્ક બંને પર ટેસ્ટ કરવાની કરવાની હતી. જોકે, એમાં અનેક સમસ્યાઓ બાદ માત્ર પેકેટ સ્વીચ નેટવર્ક પર ટેસ્ટ કરવામાં આવી હતી.
છે ને એકદમ કામની અને મહત્ત્વની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ ચોક્કસ અભિવૃદ્ધિ કરજો હં ને? આવી જ બીજી કામની અને મહત્ત્વની જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.










