આચારસંહિતા લાગુ થયા બાદ અત્યારસુધીમાં 1618 કરોડ રૂપિયાની રોકડ, દારૂ, ડ્રગ્સ અને અન્ય કિંમતી સામાન ઝડપાયો
નવી દિલ્હી, તા. 5 : ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2019ના કાર્યક્રમની ઘોષણા અને આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ અત્યાર સુધીમાં 1618 કરોડ રૂપિયાની સંદિગ્ધ રોકડ, શરાબ, ડ્રગ્સ અને અન્ય સામાન જપ્ત કર્યો છે. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે 4 એપ્રિલ સુધીમાં જ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે 1618.78 કરોડ રૂપિયાનો સામાન જપ્ત કર્યો છે. જેમાંથી 399.50 કરોડ રૂપિયા તો માત્ર રોકડ છે. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન 303 કરોડ રૂપિયાની રોકડ અને સામગ્રી જપ્ત થઈ હતી.’ જ્યારે આ વખતે પહેલા તબક્કાના મતદાન પહેલા જ 2014નો રેકોર્ડ તુટી ગયો છે. ચૂંટણી પંચ તરફથી જારી કરવામાં આવેલી જાણકારી પ્રમાણે 4 એપ્રિલ સુધીમાં થયેલી કાર્યવાહી દરમિયાન 399.50 કરોડ રોકડ, 708.55 કરોડ રૂપિયાનું ડ્રગ્સ, 162.89 કરોડનો શરાબ, 318.49 રૂપિયાની મોંઘી ધાતુઓ અને 29.34 કરોડ રૂપિયાની અન્ય વસ્તુ સામેલ છે.