CIA ALERT

Blog - Page 26 of 707 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
February 23, 2026
image-27.png
1min133

ગુજરાત હાઈકોર્ટે એક પિતાની હિબસ-કૉર્પ્સ પિટિશન ડિસમિસ કરી હતી અને કહ્યું હતું કે તેમની 18 વર્ષીય દીકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને કાયદાકીય દૃષ્ટિએ તેને પોતાનો જીવનસાથી પસંદ કરવાની છૂટ છે. 

પિતાએ અરજીમાં જણાવ્યું હતું કે તેમની દીકરીને એક પુરુષે ગેરકાયદે પોતાની સાથે રાખી છે. જોકે દીકરીએ પરિવારની સંમતિ વિના પોતાની મરજીના પુરુષ સાથે લગ્ન કર્યા હતા. કોર્ટે આ મામલે નોંધ્યું હતું કે અરજદારની દીકરીને પૂરતી સુરક્ષા સાથે કોર્ટમાં બોલાવવામા આવી હતી અને તેણે જણાવ્યું હતું કે તેણે પોતાની ઈચ્છાથી આ પુરુષ સાથે લગ્ન કર્યા છે. યુવતીએ કોઈપણ પ્રકારના દબાણનો ઈનકાર કર્યો હતો. આ સમયે તેનાં માતા-પિતા પણ હાજર હતા.

પિતાએ પણ લગ્નનો ઈનકાર કર્યો ન હતો અને તેણે પોતાની અરજી સાથે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ જોડ્યું હતું. 
કોર્ટે એમ પણ નોંધ્યું કે અરજદાર પિતા તેમનાં પત્ની અને તેમની દીકરી સાથે વાતચીત કરી હતી, પરંતુ તેમની વચ્ચેનો મતભેદ ઉકેલી શકાયો ન હતો અને પિતા દીકરીને માફ કરવા તૈયાર ન હતા. દીકરીએ પણ સાફ કહ્યું હતું કે તે તેનાં પતિ સાથે જ રહેવા માગે છે. કોર્ટે પિતાની અરજીને ડિસમિસ કરી હતી અને 18 વર્ષની દીકરી 18 વર્ષની થઈ છે અને પોતાની મરજીથી પોતાનું લગ્નજીવન શરૂ કરી રહી છે.

February 23, 2026
image-26.png
1min127

ભારતીય વાયુસેનાનું ગૌરવ ગણાતું સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) ‘તેજસ’ તાજેતરમાં એક અકસ્માતનો ભોગ બન્યું છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં એક ફોર્વર્ડ એરબેઝ પર ટ્રેનિંગ ફ્લાઇટ પૂર્ણ કરીને પરત ફરી રહેલું તેજસ વિમાન લેન્ડિંગ સમયે રનવેથી આગળ નીકળી ગયું હતું. આ ઘટનામાં વિમાનના એરફ્રેમને નોંધપાત્ર નુકસાન થયું છે, જોકે રાહતની વાત એ છે કે પાયલોટે સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે ઇજેક્ટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.

આ દુર્ઘટના બાદ ભારતીય વાયુસેનાએ સાવચેતીના પગલા રૂપે તેજસ વિમાનોના સમગ્ર કાફલા (Fleet) ના ઉડાન ભરવા પર કામચલાઉ રોક લગાવી દીધી છે. વાયુસેના પાસે હાલમાં લગભગ 30 જેટલા સિંગલ-સીટર તેજસ વિમાનો છે. આ તમામ જેટ્સની સંપૂર્ણ ટેકનિકલ તપાસ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. તેજસ એક સિંગલ એન્જિન મલ્ટી-રોલ ફાઈટર એરક્રાફ્ટ છે જે અત્યંત જોખમી વિસ્તારોમાં પણ ચોકસાઈથી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ ટેકનિકલ ખામીએ વાયુસેનાની ચિંતામાં વધારો કર્યો છે.

આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) તેજસ માર્ક 1A ની ડિલિવરીમાં પહેલેથી જ વિલંબ કરી રહ્યું છે. ફેબ્રુઆરી 2021માં 48,000 કરોડના ખર્ચે 83 જેટ્સ માટે થયેલા સોદાની ડેડલાઇન અનેકવાર ચૂકી જવામાં આવી છે. આ વિલંબ પાછળનું મુખ્ય કારણ અમેરિકી કંપની જીઈ એરોસ્પેસ (GE Aerospace) દ્વારા એન્જિનની સપ્લાયમાં થઈ રહેલો મોડું હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર 2025માં સરકારે વધુ 97 તેજસ વિમાનો માટે ₹62,370 કરોડનો નવો સોદો પણ કર્યો હતો.

છેલ્લા બે વર્ષમાં તેજસ વિમાન સાથે સંકળાયેલી આ ત્રીજી મોટી ઘટના છે. પ્રથમ અકસ્માત માર્ચ 2024માં જેસલમેર પાસે થયો હતો, જ્યારે બીજી ઘટના નવેમ્બર 2025માં દુબઈ એરશો દરમિયાન લાઈવ પ્રદર્શન વખતે બની હતી. આ વારંવાર બનતી ઘટનાઓ અને ટેકનિકલ ખામીઓને કારણે હવે સ્વદેશી લડાયક વિમાનોની ગુણવત્તા અને સુરક્ષા પાસાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. વાયુસેનાની ટેકનિકલ ટીમ હવે આ ખામીઓના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ કરી રહી છે.

February 23, 2026
image-24.png
1min165

મેક્સિકોમાં ડ્રગ કાર્ટેલ અને સેના વચ્ચે ચાલી રહેલી જંગને પગલે સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. આ હિંસક વાતાવરણને જોતા મેક્સિકો સિટી સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં વસતા ભારતીય નાગરિકો માટે સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી છે. 22 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર કરાયેલા આ નિવેદનમાં તમામ ભારતીયોને સતર્ક રહેવા, ભીડભાડ વાળા વિસ્તારોથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળોએ આશરો લેવાની કડક સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને જાલિસ્કો, તમાઉલિપાસ, મિચોઆકાન અને ગુએરેરો જેવા રાજ્યોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અને રસ્તા જામની ઘટનાઓ વધી રહી હોવાથી, ત્યાં રહેતા ભારતીયોને આગામી સૂચના સુધી ઘરની બહાર ન નીકળવા જણાવાયું છે.

ભારતીય દૂતાવાસે નાગરિકોને સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં રહેવા અને મીડિયા દ્વારા અપડેટ મેળવતા રહેવા અપીલ કરી છે. કોઈપણ કટોકટીના સમયે સ્થાનિક હેલ્પલાઈન નંબર 911 અથવા ભારતીય દૂતાવાસના ખાસ નંબર +52 55 4847 7539 પર સંપર્ક કરવા જણાવાયું છે. આ ઉપરાંત, પ્રવાસીઓને પોતાની સુરક્ષા અંગેની જાણકારી પરિવાર અને મિત્રોને સોશિયલ મીડિયા કે ફોન દ્વારા સતત આપતા રહેવા સૂચન કરવામાં આવ્યું છે. મેક્સિકોમાં હાલ જે રીતે સુરક્ષા અભિયાનો ચાલી રહ્યા છે, તેને જોતા બિનજરૂરી અવરજવર ટાળવી હિતાવહ છે.

આ હિંસા પાછળનું મુખ્ય કારણ કુખ્યાત ડ્રગ માફિયા અને ‘જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ'(CJNG)નો પ્રમુખ નેમેસિયો રૂબેન ઓસેગેરા સર્વાંતેસ ઉર્ફે ‘એલ મેન્ચો’નું મોત હોવાનું મનાય છે. સેના સાથેની એક ભીષણ અથડામણમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને મેક્સિકો સિટી લઈ જતી વખતે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. એલ મેન્ચોનું નેટવર્ક એટલું શક્તિશાળી હતું કે અમેરિકાના તમામ 50 રાજ્યો સુધી તેના ડ્રગ્સના કાળા કારોબારના છેડા અડેલા હતા. તેના ગંભીર પડઘા હાલ મેક્સિકોમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપી છે.

February 23, 2026
image-23.png
1min209

રાજકોટ મહાનગરપાલિકા (RMC) સોમવારે (23મી ફેબ્રુઆરી) શહેરના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવા જઈ રહી છે. જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનો તોડી પાડવા માટે તંત્રએ આખરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર રાજકોટમાં કડક પોલીસ બંદોબસ્ત અને કલમ-163 લાગુ કરી દેવામાં આવી છે.

મહાપાલિકા દ્વારા આ ઓપરેશન માટે વિશાળ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. 1130થી વધુ મનપા કર્મચારીઓ (ખાસ એપ્રન અને હેલમેટ સાથે). 260થી વધુ વાહનો જેમાં જેસીબી, હિટાચી, બ્રેકર અને ડમ્પરનો સમાવેશ થાય છે. આજી નદી પટની 55,000 ચો.મી. અને ટી.પી. રોડની 32,000 ચો.મી. મળી કુલ 87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે.

વિસ્તારની સંવેદનશીલતાને જોતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી કડક નિયમો લાગુ કર્યા છે. 23મીથી 25મી ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજકોટમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત 26મી ફેબ્રુઆરી સુધી શહેરમાં 4 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ છે. 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પહેરો ગોઠવી દેવાયો છે. કોઈપણ પ્રકારના કાંકરીચાળા કે વિરોધના કિસ્સામાં તુરંત ધરપકડના આદેશો અપાયા છે.

તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અગાઉ આ વિસ્તારના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા, જેનો પુરાવો વીડિયો દ્વારા જારી કરાયો છે. આથી, આ વખતે કોઈ પણ નવું આવાસ કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે નહીં. રવિવાર સાંજ સુધીમાં અંદાજે 225 પરિવારોએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી દીધા હતા.

February 23, 2026
image-7.png
1min111

T20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કા એટલે કે ‘સુપર-8’માં પહોંચી ગયો છે. 20 ટીમો વચ્ચે શરૂ થયેલો આ મહાસંગ્રામ હવે માત્ર 8 ટીમો વચ્ચે સમેટાયો છે, જ્યાં દરેક મેચ સમીકરણો બદલી રહી છે. રવિવારે અમદાવાદના મેદાન પર સાઉથ આફ્રિકા સામે ભારતની 76 રને થયેલી કારમી હારને કારણે હવે ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલની રાહ અત્યંત મુશ્કેલ બની ગઈ છે. છેલ્લી12 મેચોથી અજેય રહેલી ભારતીય ટીમ પર હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

સુપર-8માં ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત ગ્રુપ-1માં છે, જ્યાં સાઉથ આફ્રિકા અત્યારે 2 પોઈન્ટ્સ અને +3.800ના શાનદાર નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને છે. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 188 રન બનાવ્યા હતા અને ભારતને માત્ર 111 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ મોટી હારને કારણે ભારત અત્યારે 0 પોઈન્ટ અને -3.800ના ખરાબ નેટ રન રેટ સાથે ચોથા સ્થાને ફેંકાઈ ગયું છે. હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતને તેની આગામી બંને મેચો(ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામે) માત્ર જીતવી જ નહીં, પરંતુ મોટા અંતરથી જીતવી પડશે જેથી રન રેટમાં સુધારો થઈ શકે.

બીજી તરફ ગ્રુપ-2માં ઈંગ્લેન્ડ 2 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થતા બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યો છે, જ્યારે શ્રીલંકા હાર સાથે છેલ્લા સ્થાને છે. જો ભારત સેમીફાઈનલમાં ક્વોલિફાય કરવું હોય તો હવે નસીબ અને પ્રદર્શન બંનેનો સાથ જરૂરી છે.

ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ 4 માર્ચે અને બીજી સેમીફાઈનલ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ વિશ્વકપનો મહામુકાબલો એટલે કે ફાઈનલ 8 માર્ચે અમદાવાદમાં યોજાવાની છે. જોકે, ફાઈનલના સ્થળ અંગેનો અંતિમ નિર્ણય પાકિસ્તાન ક્વોલિફાય થાય છે કે નહીં તેના પર નિર્ભર રહેશે.

February 19, 2026
image-22.png
1min106

પટણા હાઇકોર્ટે બિહારમાં પક્ષ અને વિપક્ષના કુલ 42 ધારાસભ્યોને નોટિસ ફટકારી જવાબ આપવા આદેશ આપતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ ધારાસભ્યોએ ‘વિધાનસભા ચૂંટણી-2025’ મત ચોરી કરી હોવાનો તેમજ એફિડેવિટમાં ખોટી માહિતી આપી હોવાનો આરોપ લાગ્યો છે.

રાજ્યના વિધાનસભા મતક્ષેત્રોમાંથી ચૂંટણી હારેલા ઉમેદવારોએ જીતેલા ધારાસભ્યો વિરુદ્ધ પટણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના પર આજે(19 ફેબ્રુઆરી-2026) સુનાવણી કરાઈ છે. હાઇકોર્ટે અરજી પર પ્રારંભિક સુનાવણી કરીને તમામ સંબંધિત ધારાસભ્યોને નોટિસ પાઠવી નિર્ધારિત સમયમાં જવાબ દાખલ કરવા આદેશ આપ્યો છે.

જે નેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે, તેમાં નાણાં અને ઊર્જા મંત્રી બિજેન્દ્ર યાદવ (JDU), ભાજપ ધારાસભ્ય જિવેશ મિશ્રા, જેડીયુ ધારાસભ્ય ચેતન આનંદ, ગોહ વિધાનસભા મતવિસ્તારના આરજેડીના ધારાસભ્ય અમેદ પ્રસાદ સહિત પક્ષ-વિપક્ષના અનેક ધારાસભ્યો સામેલ છે. આવનારા સમયમાં આ મામલે આગામી સુનાવણી હાથ ધરાશે. કોર્ટ સંબંધિત પક્ષોના જવાબ અને પુરાવાઓના આધારે આગળી કાર્યવાહી નક્કી કરશે.

બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ 14 નવેમ્બરે સામે આવ્યા બાદ નેતાઓએ પટણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ ચૂંટણીમાં NDAની બંપર જીત થઈ હતી, જ્યારે આરજેડી માત્ર 25 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. કોંગ્રેસે રાજ્યમાં અનેક સભાઓ ગજવી હતી, છતાં તેણે માત્ર છ બેઠકો જીતી હતી. જીતનરામ માંઝીની હિન્દુસ્તાની આવામ મોર્યાને પાંચ અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક મોર્ચા ચાર બેઠકો જીતવામાં સફળ થઈ હતી.

February 19, 2026
image-21.png
1min95

: ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ગુરુવારે દિલ્હીમાં આયોજિત ‘એઆઈ ઈમ્પેક્ટ સમિટ’માં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી રાફેલ ફાઈટર જેટની ડીલ અંગે મોટું નિવેદન આપ્યું હતું.

જ્યારે મેક્રોનને રાફેલ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, ‘મને સમજાતું નથી કે લોકો આની ટીકા કેમ કરે છે. આનાથી તમારા દેશને જ મજબૂતી મળી છે.’ તેમણે 114 રાફેલ લડાયક વિમાનોની ડીલનો બચાવ કરતા તેના પર થઈ રહેલી ટીકાઓને ફગાવી દીધી છે. મેક્રોને વધુમાં ઉમેર્યું હતું કે આ ફાઈટર જેટ્સ ભારતને સૈન્ય રીતે વધુ શક્તિશાળી બનાવે છે અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવે છે.

મેક્રોને સ્પષ્ટતા કરી હતી કે આ સોદાનું વ્યાવસાયિક પાસું દસોલ્ટ એવિએશન અને ભારત સરકાર વચ્ચેના સંવાદનો એક ભાગ છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે આ ડીલ ભારતને મજબૂત બનાવે છે, વ્યૂહાત્મક સંબંધો વધારે છે અને ભારતમાં વધુ રોજગાર પણ પેદા કરે છે, તો પછી તેની ટીકા કેવી રીતે થઈ શકે?

ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહયોગની પ્રશંસા કરતા મેક્રોને ખાતરી આપી હતી કે તેઓ આ બાબતે અત્યંત પ્રતિબદ્ધ છે કે રાફેલમાં મહત્તમ ભારતીય ભાગોનો ઉપયોગ કરવામાં આવે અને વધુમાં વધુ મહત્વના સાધનોનું ઉત્પાદન ભારતમાં જ થાય. તેમણે ટાટા-એરબસ ડીલનું ઉદાહરણ આપતા કહ્યું કે અમે રાફેલના કિસ્સામાં પણ એવું જ કરીશું અને તમે અમારા પર વિશ્વાસ રાખી શકો છો.

નોંધનીય છે કે, મેક્રોનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક સપ્તાહ પહેલા જ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળની સંરક્ષણ સંપાદન પરિષદ (DAC) એ 114 રાફેલ વિમાનોની ખરીદીને મંજૂરી આપી હતી. અંદાજે 3.25 લાખ કરોડ રૂપિયાની આ મેગા ડીલને મેક્રોનની ભારત મુલાકાત પહેલા જ લીલી ઝંડી મળી હતી.

February 19, 2026
image-20.png
1min83

ગુજરાતના દેવામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ગૃહમાં સરકારે માહિતી આપી હતી કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યના દેવામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2023-24થી વર્ષ 2028-29 સુધીના અંદાજો સરકારના બજેટના દસ્તાવેજોમાં દર્શાવાયા છે. તે જોતા કહી શકાય કે, રાજ્યના જાહેર દેવામાં સતત અને મજબૂત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2023-24માં ગુજરાત રાજ્યનું કુલ જાહેર દેવું રૂ. 3,52,717 કરોડ હતું. જે વર્ષ 2024-25ના સુધારેલા અંદાજ મુજબ વધીને રૂ. 4,30,320 કરોડ પર પહોંચ્યું હતું. આ માત્ર એક વર્ષના ગાળામાં આશરે ₹રૂ. 77,000 કરોડથી વધુનો ઉછાળો દર્શાવે છે.

નાણાં પ્રધાને ગુજરાત સરકારનું વર્ષ 2026-27 માટે જે બજેટ રજૂ કર્યું છે તેના દસ્તાવેજો મુજબ વર્ષ 2025-26માં 4,45,537 કરોડ અને વર્ષ 2026-27માં ગુજરાત સરકારનું કુલ દેવું વધીને 4,87,069 કરોડ થવાનો અંદાજ છે. જ્યારે, સરકારના દેવાનો આ આંકડો 2028-29 સુધીમાં વધીને રૂ. 5,66,845 કરોડ સુધી પહોંચે એવો અંદાજ મૂકાયો છે.

આગામી 5 વર્ષમાં રાજ્યનું જાહેર દેવું આશરે ₹2.24 લાખ કરોડ જેટલું વધી જશે એટલે કે 2023ની સરખામણીએ 2029માં સરકારનું જાહેર દેવું 65 ટકા જેટલું વધારે હશે. દર વર્ષે સરેરાશ ₹45,000 કરોડનું નવું દેવું ઉમેરાય તેવો અંદાજ છે. જોકે, સારી બાબત એ છે કે રાજ્યનું કુલ ઉત્પાદન પણ 68 ટકાના દરે વધવાની ધારણા છે. દેવું વધવા છતાં, GSDPના પ્રમાણમાં દેવાની ટકાવારી 14.38 ટકાથી ઘટીને 13.74 થશે. આનો અર્થ એ છે કે રાજ્યની આવક વધવાની ક્ષમતા દેવા કરતા સહેજ વધુ ઝડપી છે.

સૌથી વધુ ચોંકાવનારો આંકડો રાજકોષીય ખાધનો છે, જે 251 ટકાનો વધવાનો અંદાજ છે. વર્ષ 2023-24માં આ ખાધ માત્ર 23,463 કરોડ હતી. જે 2028-29માં વધીને 82,518 કરોડ થઈ શકે છે. આ ખાધ સૂચવે છે કે સરકાર ખર્ચને પહોંચી વળવા માટે ઉધાર લેવા પર વધુ નિર્ભર રહેશે. વર્ષ 2023-24માં સરકાર પાસે રૂ. 33,477 કરોડની મહેસૂલી પુરાંત હતી. જે 2028-29 સુધીમાં ઘટીને રૂ. 22,000 કરોડ થવાની શક્યતા છે. આ ઘટાડો સૂચવે છે કે વહીવટી ખર્ચ અથવા વ્યાજની ચુકવણીમાં મોટો હિસ્સો વપરાઈ જશે.

February 17, 2026
societynews-1280x1040.jpg
1min116

કલાસંગીત અને સર્જનાત્મકતા સાથે જીવંત સાંસ્કૃતિક સાંજનો અનોખો અનુભવ થશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરત શહેરમાં કલા પ્રેમીઓ માટે આકર્ષક અને અનોખો સાંસ્કૃતિક મહોત્સવ ‘સુરત આર્ટ સ્ટ્રીટ ર૦ર૬’ કલા ઉત્સવનું આયોજન તા. ર૧ અને રર ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સાંજે પઃ૦૦થી રાત્રે ૧૦:૦૦ કલાક દરમિયાન ડુમસ સ્થિત લંગરથી કિનારા સુધી કરવામાં આવ્યું છે. ખુલ્લા અને જીવંત વાતાવરણમાં યોજાનારા આ કાર્યક્રમમાં શહેરના કલાકારો તથા સર્જકો દ્વારા વિવિધ પ્રકારની કલા કૃતિઓ, ચિત્ર પ્રદર્શન, લાઈવ આર્ટ ડેમોન્સ્ટ્રેશન, સંગીત અને અન્ય પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. આ મહોત્સવમાં મુલાકાતીઓ હેન્ડમેડ ક્રાફ્‌ટ્‌સ, સર્જનાત્મક ઉત્પાદનો અને કલાત્મક પ્રસ્તુતિઓનો અનોખો અનુભવ મેળવી શકશે.

સમાજમાં કલા પ્રત્યે જાગૃતિ લાવવાનો ચેમ્બરનો પ્રયાસ

આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ કલાને સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો તથા સમાજમાં કલા પ્રત્યે રસ અને જાગૃતિ વધારવાનો છે. પરિવારમૈત્રીપૂર્ણ વાતાવરણમાં આયોજિત આ કાર્યક્રમમાં મિત્રો અને પરિવાર સાથે આવીને કલાની ઉજવણીનો માહોલ માણવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખુલ્લી જગ્યામાં યોજાનાર આ સાંસ્કૃતિક ઉત્સવ શહેરના યુવાનો, કલા રસિકો અને સર્જનાત્મક લોકો માટે ખાસ આકર્ષણ બનશે.

કલાકારો માટે ભાગ લેવા તક

કાર્યક્રમમાં વિવિધ કલાકારોને પણ ભાગ લેવા માટે તક આપવામાં આવી છે. શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ પણ કલાકાર તરીકે આ ઉત્સવમાં ભાગ લઇ શકશે. કલાકારો માટે રૂ. ૧,૦૦૦ની નામમાત્ર નોંધણી ફી નક્કી કરવામાં આવી છે, જે ઉત્સવ પૂર્ણ થયા બાદ તેઓને સંપૂર્ણ પરત આપવામાં આવશે. આ પહેલ દ્વારા નવા અને પ્રતિભાશાળી કલાકારોને પોતાના કામને લોકો સમક્ષ રજૂ કરવાની તથા કલા જગત સાથે જોડાવવાની અનોખી તક મળશે.

આ રીતે સુરત આર્ટ સ્ટ્રીટ ર૦ર૬ સુરત શહેર માટે સર્જનાત્મકતા, કલા અને સાંસ્કૃતિક ઊર્જાનો ભવ્ય ઉત્સવ સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.