Gujarat : રાજયસભાની 4 પૈકી 3 પર BJP, 1 પર કોંગ્રેસ વિજયી

ગુજરાતની રાજયસભાની ચાર બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં આખરે ભાજપના ત્રણયે ઉમેદવારો અભય ભારદ્વાજ, રમિલાબેન બારા અને નરહરિ અમીનનો વિજય થયો હતો, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ જીત્યા હતા અને ભરતસિંહ સોલંકીનો પરાજય થયો હતો, બીટીપીના બે ધારાસભ્યોએ છેલ્લી ઘડીએ જ મતદાનથી અળગા રહીને કૉંગ્રેસની જીત પર પાણી ફેરવી દીધું હતું, જ્યારે એનસીપીના એક માત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાએ કૉંગ્રેસના ઉમેદવારને મત આપ્યો હોવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમણે ક્રોસ વોટીંગ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મતદાન બાદ પાંચ વાગ્યે મતગણતરી શરૂ થતાં જ કૉંગ્રેસે કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાના ધારાસભ્ય પદના પદ કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં હોવાથી સબજ્યુડીશ તરીકે તેમનો મત અલગ રાખવાની અને ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી બીમાર હોવાના ખોટા પુરાવા ઊભા કરીને ભાજપે શંકરસિંહ ચૌધરીને સાથે રાખીને વોટ અપાવ્યો હોવાનો મુદ્દો ઉઠાવીને તેમનો મત પણ રદ કરવાની માંગણી કરતા ગણતરી વિલંબમાં પડી હતી.
રાજ્યમાં ત્રણ મહિના પહેલા જ રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થયાં બાદ ભાજપે તેના ૧૦૩ ના સંખ્યા બળને પ્રમાણે બે ઉમેદવારોને બદલે અભય ભારદ્વાજ, રમિલાબેન બારા અને ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે કૉંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી એમ બે ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પરંતુ ત્યારે જ કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપીને ભાજપના ત્રણેય ઉમેદવારોની જીતના સંકેત આપ્યા હતા. તેમ છતાં કૉંગ્રેસને જીતની આશા હતી, પરંતુ કોરોના મહામારીને કારણે ચૂંટણી મુલતવી રહ્યાં બાદ ચૂંટણીની નવી તારીખે જાહેર કર્યા બાદ બીજા ત્રણ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી. જોકે આખરે એક અપક્ષ અને બે બીટીપીના ધારાસભ્યોના મતનો વિશ્ર્વાસ હતો.
આખરે શુક્રવારે યોજાયેલા મતદાનમાં બીટીપીના બન્ને ધારાસભ્યો મતદાનથી અળગા રહેતા કૉંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો પરાજય થયો હતો, જ્યારે શક્તિસિંહ ગોહિલ પ્રેફરન્સ મતાધિકારને કારણે સંખ્યા બળ પ્રમાણ જીત્યા હતા. કુલ ૧૭૦ મત પડ્યા હોવાથી દરેક ઉમેદવારે જીતવા માટે ૩૪ મતની જરૂર પડી હતી. આ પહેલા બીટીપીના બે ધારાસભ્યને ગણીને ૧૭૨ મત થતા હતા અને જીત માટે એક ઉમેદવારને ૩૪.૪૦ મતની જરૂર હતી. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા માટે માત્ર એક મત ખૂટે છે. આ તરફ કૉંગ્રેસના ૬૫ ધારાસભ્યો છે અને અપક્ષ જિજ્ઞેશ મેવાણીનો એક મત ગણીએ તો કુલ ૬૬ મત થાય છે. જીતવા માટે બીજા ઉમેદવારને ચાર મત ખૂટતા હતા.
મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની બે બેઠક પર ભાજપનો તો એક બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો હતો. રાજસ્થાનની રાજ્યસભાની બે બેઠક પર કૉંગ્રેસનો તો એક બેઠક પર ભાજપનો વિજય થયો હતો. આંધ્ર પ્રદેશમાં વાયએસઆરસીપીનો રાજ્યસભાની ચારેય બેઠક પર વિજય થયો હતો. તેના ઉમેદવાર સુભાષચંદ્ર બોઝ, મોપીદેવી વેંકટા રામન્ના, અલ્લા અયોધ્યારામી રેડ્ડી અને પરિમલ નટવાણી રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા.
મેઘાલયની બેઠક પર નેશનલ પીપલ્સ પાર્ટી-એનપીપીનો વિજય થયો હતો. એનપીપીના ઉમેદવાર ડબ્લ્યુ. આર. ખારલુખીનો મેઘાલયની રાજ્યસભાની બેઠક પર વિજય થયો હતો. એનપીપીને ટેકો આપવા બદલ મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ એમડીેના તમામ ભાગીદારોનો આભાર માન્યો હતો.
મણિપુર રાજ્યસભાની બેઠક પર ભાજપનો વિજય થયો હતો.
વિધાનસભામાં પ્રવેશવા પર હાઈ કૉર્ટે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં વિધાનસભાના સ્પીકરે કૉંગ્રેસના ત્રણ બળવાખોર વિધાનસભ્યને મતદાનમાં ભાગ લેવાની પરવાનગી આપી હતી.
રાજીનામું આપનારા ભાજપના ત્રણ વિધાનસભ્યએ મતદાન નહોતું કર્યું.
ટેકો પાછો ખેંચી લેનાર એનપીપીના ચાર પ્રધાને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એઆઈટીસીના એકમાત્ર ધારાસભ્ય મતદાનની પ્રક્રિયામાં હાજર નહોતા રહ્યા. અગાઉ, રાજ્યસભાની ૧૯ બેઠક માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે શુક્રવારે સવારે નવ વાગે શરૂ થયું હતું અને સાંજે ચાર વાગે પૂરું થઈ ગયું હતું.
આઠ રાજ્ય (ગુજરાત-૦૪, આંધ્ર પ્રદેશ ૦૪, રાજસ્થાન ૦૩, ઝારખંડ ૦૨, મેઘાલય અને મિઝોરમ પ્રત્યેકમાં ૦૧ બેઠક) પર એકસાથે જ મતદાન યોજવામાં આવ્યું હતું.
કોરોના વાઈરસને કારણે ફેલાયેલી મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે નિયમિત તૈયારી ઉપરાંત સૅનિટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે માટે વિશેષ વ્યવસ્થા કરી હતી.
જુદા જુદા ઍન્ટ્રી અને ઍક્ઝિટ ગૅટની પણ ચૂંટણી પંચે વ્યવસ્થા કરી હતી.
થર્મલ સ્ક્રિનિંગ બાદ જ ધારાસભ્યોને મતદાન કરવા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો.
રાજ્યસભાની પંચાવન બેઠકનો હિસ્સો એવી ૧૯માંથી ૧૮ બેઠક અગાઉ આ વરસે ખાલી પડી હતી.
પંચાવનમાંથી ૩૭ બેઠક ચૂંટણી વિના જ ભરાઈ ગઈ હતી.
બાદમાં ચૂંટણી પંચે કણાટકની ચાર, મિઝોરમ અને અરુણાચલ પ્રત્યેકની એક બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરી હતી.
તાજેતરમાં જ વિદેશથી પાછા ફરેલા કૉંગ્રેસના ધારાસભ્યએ રાજ્યસભામાં કરેલા મતદાન અંગે ભાજપે શુક્રવારે એમ કહીને વિરોધ નોંધાવ્યો હતો કે તેમણે ક્વૉરન્ટાઈનના નિયમનો ભંગ કર્યો હતો.
મિઝોરમમમાં રાજ્યસભાની એકમાત્ર બેઠક માટેની ચૂંટણીમાં ભાજપના એકમાત્ર ધારાસભ્યએ મતદાન નહોતું કર્યું. આ બેઠક પર એનડીએનો સાથી પક્ષ એમએનએફ ત્રિકોણીય જંગમાં સંડોવાયેલો હતો જે બાબતે મુખ્ય પ્રધાન ઝોરામથાન્ગાને એમ કહેવા પ્રેર્યા હતા કે બંને પક્ષ વચ્ચેનું જોડાણ મુદ્દા આધારિત છે અને હાલની બાબતોને ધ્યાનમાં લઈને જવાબ ‘હા કે ના’ આપવાનો પક્ષને અધિકાર છે. પક્ષના રાજ્ય એકમના પ્રમુખ વાન્લાલ્હમુઆકાના જણાવ્યાનુસાર બુદ્ધધન ચકમા મતદાનમાં ગેરહાજર રહ્યા હતા કેમ કે ભગવા પક્ષનો કોઈ ઉમેદવાર જ નહોતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


