ગાંધીનગરમાં ભાજપની અભૂતપૂર્વ જીત, આપ વાળા ગાજ્યા એટલા વરસ્યા નહીં
પાટનગરના 11 વોર્ડની 44 બેઠકોમાંથી ભાજપ 41 બેઠકો પર જીત, કોંગ્રેસને રોકડી 2 અને આપને ફક્ત 1થી સંતોષ માનવો પડ્યો
ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં ગત રવિવારે યોજાયેલા મતદાન બાદ આજરોજ તા.5મી ઓક્ટોબર 2021ના રોજ યોજાયેલા મતગણતરીના અંતે ભાજપાએ ગાંધીનગરમાં પ્રચંડ અને અભૂતપૂર્વ બહુમતિ પ્રાપ્ત કરી લીધી છે. પાટનગરના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપ 41 બેઠકો પર જીત મેળવી ચૂક્યું છે, જ્યારે કોંગ્રેસ 02 અને આમ આદમી પાર્ટી 01 બેઠક પર વિજયપ્રાપ્ત કરી શક્યા છે.
ગાંધીનગર ખાતે અભતૂપર્વ વિજય મેળવ્યા બાદ સી.આર. પાટીલે પોતાની પ્રથમ પ્રતિક્રીયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રીજા પાર્ટીને કોઇ અવકાશ નથી. ગુજરાતના મતદારો ભાજપ સાથે રહ્યા છે અને રહેશે.
એ પૂર્વે બપોરે 12.30 કલાકની સ્થિતિએ ગાંધીનગરમાં વોર્ડ નં. 1, 4, 5, 7, 8, 9 અને 10માં ભાજપની પેનલનો વિજય નિશ્ચિત બન્યો છે. હાલ ભાજપ 34થી વધુ બેઠકો પર આગળ છે. અત્યારસુધી આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં માત્ર એક જ બેઠક જીતી શકી છે. રિપોર્ટ્સ અનુસાર, વોર્ડ નં.6માં પક્ષના ઉમેદવાર તુષાર પરીખની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસે વોર્ડ નં.3માં એક બેઠક પર જીત મેળવી છે તેમજ વોર્ડ નં.2માં તેના બે ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
ગાંધીનગરમાં આ વખતે નો રિપિટ થિયરી લાગુ કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના સિટિંગ કોર્પોરેટરોનાં પત્તા કપાયાં હતાં. જોકે, આ વખતે પાટનગરમાં કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીએ તોડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણકે, આપના આગમનથી ભાજપને ખાસ ફરક પડ્યો હોય તેવું જણાતું નથી, પરંતુ કોંગ્રેસને તેનાથી મોટો ફટકો પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. પ્રારંભિક અંદાજો અનુસાર, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ તોડ્યા છે. જોકે, સુરત મ્યુ. કોર્પોરેશનમાં આશ્ચર્યજનક દેખાવ કરનારી આમ આદમી પાર્ટી ગાંધીનગરની ચૂંટણીમાં ખાસ ઝળકી શકી નથી.
રાજ્યમાં હાલમાં જ સત્તા પરિવર્તન થયું છે. પૂર્વ સીએમ વિજય રુપાણી અને તેમના તમામ મંત્રીઓની એક્ઝિટ બાદ નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને ગુજરાતના શાસનની ધૂરા સોંપવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલના સત્તામાં આવ્યા બાદ પહેલીવાર રાજ્યમાં ચૂંટણી થઈ રહી છે. જેમાં ભાજપનો દેખાવ કેવો રહે છે તે તેમના માટે પણ ખાસ્સું મહત્વનું છે. ઉલ્લેખનીય છે કે, નવી સરકારમાં નો રિપિટ થિયરી લાગુ કરાયા બાદ ગાંધીનગરમાં પણ તેનું અનુકરણ કરાયું છે, જેનો સ્પષ્ટ ફાયદો પક્ષને થતો દેખાઈ રહ્યો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
