સુરત-ગુજરાત સમેત દેશના છ લાખ ડૉક્ટરો આજે કામકાજ નથી કરી રહ્યા : જોકે ઇમરજન્સી મેડિકલ સર્વિસ જાળવી રખાઇ
કેન્દ્ર સરકારે આયુર્વેદિક ડૉક્ટરોને ૫૮ સર્જરીઓ કરવા માટે આપેલી મંજૂરી પરત ખેંચાવવા ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના નેજા હેઠળ વિરોધ કરી રહ્યા છે ભારતના એલોપેથી ડોક્ટરો

આયુર્વેદિક ડૉક્ટરોને ૫૮ સર્જરીઓ માટેની આપવામાં આવેલી પરવાનગીનો વિરોધ કરવા અને એ પરવાનગી પાછી લેવાની માગણી કરવા માટે આજે દેશભરના ઇન્ડિયન મેડિકલ અસોસિએશનનું સભ્યપદ ધરાવતા છ લાખથી વધુ ડૉક્ટરો અને મૉડર્ન મેડિસિનના પોસ્ટગ્રૅજ્યુએટ વિદ્યાર્થીઓ આજે સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી તેમની સર્વિસ અને તેમના દ્વારા આપવામાં આવતી (આઉટડોર પેશન્ટ) ઓપીડી સર્વિસ બંધ રાખીને કામકાજથી અળગા રહ્યા છે. આજે સવારથી તબીબોના દવાખાનાઓ બંધ જોતા નાની મોટી બિમારીઓની દવા લેવા ગયેલા દર્દીઓ અને તેમના સગાઓમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું.
ગુજરાત આઇ.એમ.એ., આઇ.એમ.એ. સુરત બ્રાન્ચ સમેત ગુજરાતભરના આઇ.એમ.એ. સાથે સંકળાયેલા તબીબો આજે સવારથી જ પોતાની ઓપીડી બંધ રાખીને કામકાજથી અળગા રહ્યા છે. તેમની માગણી છે કે આયુર્વેદિક સર્જરી સંદર્ભનું નોટિફિકેશન તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે.

ઇન્ડિયન મેડિકલ અસોસિએશન દ્વારા શરૂ કરવામાં આવેલા આ આંદોલનને ફેડરેશન ઑફ ગાયનેકોલૉજિસ્ટ, મહારાષ્ટ્ર સર્જિકલ સોસાયટી, ફિઝિશ્યન્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન અસોસિએશન ઑફ પીડિયાટ્રિશ્યન્સ, ઇન્ડિયન ડેન્ટલ અસોસિએશન, અસોસિએશન ઑફ કોલોરેક્ટલ સર્જ્યન્સ, ઇન્ડિયન રેડિયોલૉજિકલ ઍન્ડ ઇમેજિંગ અસોસિએશન જેવા મૉડર્ન મેડિસિન સાથે સંકળાયેલા સ્પેશ્યલિસ્ટ અને સુપર સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોનાં ૩૪ ઑર્ગેનાઇઝેશનો તરફથી સહકાર આપવામાં આવ્યો છે.

અલબત્ આ ડૉક્ટરો તેમની ઇમર્જન્સી સર્વિસ જેવી કે કોવિડના પેશન્ટની સારવાર, કૅઝ્યુઅલ્ટી ડિપાર્ટમેન્ટ, લેબર-રૂમ, ઇમર્જન્સી સર્જરીઓ, આઇસીયુ અને ક્રિટિકલ કૅર સર્વિસ માટે રાબેતા મુજબ કામ કરી રહ્યા છે.
આઇએમએના કહેવા પ્રમાણે સીસીઆઇએમએ ૫૮ વિવિધ સર્જરીઓની આયુર્વેદિક ડૉક્ટરોને પરવાનગી આપવા માટે કે આયુર્વેદના અભ્યાસક્રમમાં આ સર્જરીઓનો સમાવેશ કરવા માટે મૉડર્ન મેડિસિનની શાખા નૅશનલ મેડિકલ કમિશનની કોઈ પણ જાતની પરવાનગી લીધી નથી. એના વગર જ આ સર્જરીઓ માટે આયુર્વેદિક ડૉક્ટરોને પરવાનગી આપી દીધી છે. આ ૫૮ સર્જરીઓ જેવી કે દાંત, કાન, આંખ, પેટ, ગૉલબ્લૅડર અને કિડની વગેરે આધુનિક મેડિસિનના આઠ વર્ષના અભ્યાસ અને અનુભવ પછી સુપર સ્પેશ્યલિસ્ટ સર્જ્યન દ્વારા કરવામાં આવે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


