બાળ ઉછેર માટે પેરેન્ટિંગ જાતે કરશો કે બજારમાં લેવા જશો ??
આજકાલ પેરન્ટિંગ ક્લાસિસ કે પ્રી-નેટલ ક્લાસિસ એક ટ્રેન્ડ બની ગયો છે. બધા જાય છે એટલે હું પણ જાઉં છું એટલું જ નહીં, પેરન્ટિંગ પોતાનામાં એક બિઝનેસ બની ગયું છે. જે લોકો આ પ્રકારના કોર્સ કરવા જાય છે એમાંથી કેટલાક ખરેખર એવા હોય છે જેમને પેરન્ટિંગને વધુ સમજવાની ઇચ્છા હોય છે, પરંતુ બાકીના લોકો એવા પણ હોય છે કે જે ફક્ત બીજાને જોઈને આ પ્રકારના ક્લાસિસમાં જતા હોય છે. પોતાના બાળકને બેસ્ટ દેવાની હોડ દરેક માતા-પિતાની હોય છે, પરંતુ બાળકને બેસ્ટ એની પાછળ પૈસા ખર્ચવાથી, મોંઘા ક્લાસિસમાં જવાથી કે કોઈ બીજાની સલાહથી આપી શકાતું નથી. બાળકને બેસ્ટ ત્યારે મળે છે જ્યારે બાળક અને માતા-પિતા વચ્ચેનો સંબંધ બેસ્ટ હોય. એક અભણ માતા-પિતા પણ બાળકને ચળકતો સિતારો બનાવી શકે છે, ખૂબ ભણાવી શકે છે અને ખૂબ આગળ વધવામાં પૂરો સહયોગ આપી શકે છે. અંતે તો પેરન્ટિંગ ક્લાસમાં જઈને નહીં, બાળક સાથે રહીને જ આવડે છે. પેરન્ટિંગ દરમ્યાન ઘણી ભૂલો પણ થાય છે, પરંતુ એ ભૂલોમાંથી શીખે અને પોતાના બાળકની પરવરિશના માર્ગમાં એ ભૂલોને ન આવવા દે એ જ યોગ્ય પેરન્ટિંગનો માર્ગ છે. ભૂલો કરતાં-કરતાં શીખવાથી જે પેરન્ટિંગ આવડે એ કોઈ ક્લાસમાં શીખવાતું નથી. લોકો પહેલાં કરતાં પેરન્ટિંગ બાબતે ઘણા જાગ્રત થયા છે. હકીકત એ છે કે નવા પેરન્ટ્સ તરીકે બાળક માટે શારીરિક, માનસિક અને આર્થિક રીતે સજ્જ રહેવું અત્યંત જરૂરી છે. જો એ સજ્જતા ક્લાસમાં જઈને આવતી હોય તો પણ ઠીક છે કે પછી જો ખુદના પ્રયત્નો સાથે કે ફૅમિલીની મદદથી આવી હોય તો પણ બેસ્ટ જ છે. જરૂર છે સજ્જ થવાની પછી રીત કોઈ પણ હોય.
આજે સમય ઘણો જુદો છે. દરેક યુવાન માતા-પિતા બનવા માટે પહેલાં પોતે સજ્જ થાય છે. આ સજ્જતામાં આર્થિક પાસું મોટું છે. એની સાથે-સાથે દરેક યુગલ પોતાના બાળકને કેવું જીવન આપવા માગે છે, કેવા સંસ્કાર આપી શકશે કે તેનું ઘડતર કેમ કરશે એ બાબતે પણ સજ્જ થવાના પ્રયત્નો પોતાની ક્ષમતા પ્રમાણે કરતું જોવા મળે છે. મારે મારા બાળકને કેમ મોટું કરવું એ બાબતે વિચાર કરતાં માતા-પિતા ઘણાં જોવા મળે છે. જોકે અમુક એવાં પણ છે જેમને ખાસ સમજ નથી પડતી, પરંતુ તેમને એટલી સમજ ચોક્કસ પડે છે કે બાળકો એમનેમ મોટાં નથી થઈ જતાં. પોતાને સજ્જ કરવાં, બાળક મોટું કેમ કરવું અને તેને મોટું કરવામાં નડતા અઢળક પ્રશ્નોને ઉકેલવા માટે આજકાલ પ્રોફેશનલ હેલ્પ મળવા લાગી છે. ઠેર-ઠેર પેરન્ટિંગ કોર્સ શરૂ થયા છે. ઠેર-ઠેર પ્રી-નેટલ ક્લાસિસ પણ શરૂ થયા છે. આ કોર્સ અને ક્લાસમાં જનારાં યુવા યુગલોની સંખ્યા વધતી જાય છે. જે જાણે છે એ સમજે છે કે પેરન્ટિંગમાં કોઈ પણ મેથડ ૧૦૦ ટકા સાચી ન હોય શકે. દરેક બાળકે અને દરેક પેરન્ટ્સે એ મેથડ બદલવાની. કોઈ પણ પ્રકારના પેરન્ટિંગને આદર્શ પેરન્ટિંગ ન ગણાવી શકાય. તો પછી આ કોર્સમાં શીખવાનું શું? શું ખરેખર કોઈ કોર્સ આપણને સારાં માતા-પિતા બનવાનું શીખવી શકે? જો એવું ન હોય તો બધાં શું કરવા માટે કોર્સ શીખી રહ્યાં છે?
આજથી ૩૦-૪૦ વર્ષ પહેલાંનું પેરન્ટિંગ ઘણું અલગ હતું. લોકો માનતા હતા કે બાળક ઈશ્વરની દેન છે, એ પોતાના નસીબનું લઈને આવશે, આપણે ચિંતા કરવા જેવી નથી. બાળકો ક્યાં રમે છે? શું કરે છે? શું વિચારે છે? કયા ધોરણમાં ભણે છે? પાસ થયાં કે નહીં એની ઝાઝી ચિંતા એ સમયનાં મા-બાપ કરતાં નહીં. એકંદરે બાળક તેનો રસ્તો ખુદ પસંદ કરતું અને આગળ વધતું. જે આગળ વધી શકે એ વધી જતું, જે રહી જાય તેના બાબતે પણ માતા-પિતા ટેન્શન લેતાં નહીં, તેને જરૂર પડ્યે સપોર્ટ કરતાં અને બધાં એકસાથે જીવી જાણતાં. જોકે એવું નથી કે પહેલાંનું પેરન્ટિંગ ઘણું સારું હતું. એ સમયે બાળકોના દરેક પ્રૉબ્લેમને એક ઝાપટ સાથે સૉલ્વ કરવાનો રિવાજ હતો. જીદ કરે તો ઝાપટ, ખોટું બોલે તો ઝાપટ, પૂછો એનો જવાબ ન આપે તો ઝાપટ, જે કહો એ ન માને તો ઝાપટ. બાળક કહે કે મને આ જોઈએ છે તો ચોખ્ખી ના પાડી દેવાની અને એ ના કહેવું જ બસ થઈ ગયું. તેને એ સમજાવવાની જરૂર નહોતી કે શું કામ તને ના પાડી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


