અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ભકિતપૂર્ણ માહોલમાં સંપન્ન

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148ની રથયાત્રા ભકિતપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. શહેરના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે આજે અષાઢીબીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભકતોના ઘોડાપુર ઉમટ્યા હતા. ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા ત્યારે ‘જય રણછોડ, માખણચોર’ના જયઘોષ સાંભળવા મળ્યો હતો.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદવિધિ કરી હતી
ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા ત્યારે ‘જય રણછોડ, માખણચોર’ના ગગનભેદી નાદ સાથે માહોલ ગુંજી ઉઠ્યો હતો. જેમાં આજે સવારે 4 કલાકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને મંગળા આરતી કરી હતી. જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદવિધિ કરી હતી. ગુજરાતના ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની હાજરીમાં ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી તથા બલભદ્રજીના ત્રણ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસ્થાન વખતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રથમ વખત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતું. રથયાત્રાને પગલે શુક્રવાર સવારના 4 વાગ્યાથી ભક્તોની ભીડ ઉમટી હતી. સરસપુર અને કાલુપુરમાં વરસાદના અમીછાંટણા થતા ભક્તો હરખમાં આવી ગયા હતા. રથયાત્રા આખો દિવસ શહેરમાં પરિભ્રમણ કરીને મોડી સાંજે નિજમંદિરે પરત ફરી હતી.
રથયાત્રામાં ગજરાજ, ભજન મંડળીઓ સાથે રાસ ગરબાની રમઝટ થઈ હતી. રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાયા હતા. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર રૂટ પર ભગવાન જગન્નાથજીના રૂટ પર પુષ્પવર્ષા થતી રહી હતી. સમગ્ર રૂટ પર ભગવાનના દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભાવિકોની કતારો જોવા મળી હતી.
148મી પરંપરાગત રથયાત્રા શાંતિપૂર્ણ રહે અને કોઈ અવરોધ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે અભૂતપૂર્વ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરમાં લગભગ 23,800 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. તંત્ર મુજબ, પહેલી વાર, ભાગદોડ જેવી પરિસ્થિતિને રોકવા માટે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રથમ વખત એઆઈ ટેકનોલોજીથી ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું.
રથયાત્રાના 16 કિમી લાંબા રૂટ પર લગભગ 4,500 સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહ્યા હતા, જ્યારે ટ્રાફિક વ્યવસ્થાપન માટે 1,931 કર્મચારીઓ તૈનાત રહ્યા હતા. સામાન્ય ટ્રાફિક માટે ઘણા રસ્તાઓ બંધ રહેશે. સિનિયર પોલીસ અધિકારીઓએ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા 2,872 બોડી-વર્ન કેમેરા, 41 ડ્રોન અને વિવિધ સ્થળોએ સ્થાપિત 96 કેમેરા અને 25 વોચ ટાવરનો ઉપયોગ કરીને રથયાત્રાનું નિરીક્ષણ કર્યું હતું.
હાથીમાંથી ત્રણ હાથી બેકાબૂ બન્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, રથયાત્રા પ્રસ્થાન થયા બાદ રથયાત્રામાં સામેલ હાથીમાંથી ત્રણ હાથી બેકાબૂ બન્યા હતા. અચાનક જ આ હાથી રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતા આવતા જોઈ લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ ડી.જેના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબૂ બન્યા હતા. જો કે, ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબૂ મેળવી લીધો હતો.
આ ઘટના બાદ 17 હાથીમાંથી 3 હાથીને રથયાત્રામાંથી દુર કરવામાં આવ્યાં હતા. હાલ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી હતી. પોલીસની કામગીરીના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. જ્યારે કાલુપુરબ્રિજ પાસે ભગવાન બલભદ્રના રથમાં ખામી સર્જાઈ હતી. રથનું પૈડું ક્ષતિગ્રસ્ત થયું હતું, જેના સ્ક્રૂ બદલી નવું પૈડું લગાવવામાં આવ્યું હતું. એકંદરે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


