CIA ALERT

રાજ્યસભાની ચૂંટણી : ૧૫ રાજ્યોની ૫૭ બેઠક પર ૧૦મી જૂને ચૂંટણી યોજાશે

Share On :

ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૧૧, તમિલનાડુ-મહારાષ્ટ્રમાં ૬-૬ બેઠકો પર ચૂંટણી યોજાશે

ભાજપને લાભ છતાં બહુમતીથી દૂર રહેવાની શક્યતા : ઉપલા ગૃહમાં આપનું પ્રભુત્વ વધશે, અકાલી દળને મોટું નુકસાન


દેશના ૧૫ રાજ્યોમાં રાજ્યસભાની ૫૭ બેઠકો પર ૧૦મી જૂને ચૂંટણી યોજાવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે. આ ચૂંટણી પછી અકાલી દળ ગૃહમાં હાજરી ગુમાવશે જ્યારે ભાજપને મહત્તમ લાભ થવા છતાં તે બહુમતીથી દૂર રહેવાની શક્યતા છે. આ ચૂંટણી પછી ગૃહમાં ‘આપ’નું કદ વધશે.

ચૂંટણી પંચે ગુરુવારે Dt.12/5/22 જાહેરાત કરી હતી કે જૂન અને ઑગસ્ટ વચ્ચે વિવિધ તારીખોએ કેટલાક સભ્યોની નિવૃત્તિને કારણે ખાલી પડનારી બેઠકો પર ચૂંટણી યોજાશે. રાજ્યસભાના નિવૃત્ત થઈ રહેલા સભ્યોમાં કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારામન, પિયુષ ગોયલ અને મુખ્તાર અબ્બાસ નકવી, કોંગ્રેસના નેતાઓ અંબિકા સોની, જયરામ રમેશ તથા કપિલ સિબલ અને બસપના સતિષ ચંદ્ર મિશ્રાનો સમાવેશ થાય છે. આ સભ્યો ૨૧મી જૂન અને ૧લી ઑગસ્ટ વચ્ચે નિવૃત્ત થશે. કેન્દ્રીય મંત્રીઓએ આ ચૂંટણીમાં ફરી ચૂંટાઈ આવવું પડશે. રાજ્યસભાની ચૂંટણીનો આગામી તબક્કો વર્ષ ૨૦૨૪માં આવશે.
રાજ્યસભાની આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની સૌથી વધુ ૧૧ બેઠકો પર મતદાન થશે જ્યારે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં ૬-૬, બિહારમાં પાંચ, કર્ણાટક, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાંથી ૪-૪, મધ્ય પ્રદેશ અને ઓડિશામાં ૩-૩, પંજાબ, ઝારખંડ, હરિયાણા, છત્તિસગઢ તથા તેલંગાણામાં ૨-૨ તથા ઉત્તરાખંડમાં એક બેઠક પર ચૂંટણી યોજાશે.

 હાલમાં ૨૪૫ સભ્યાની રાજ્યસભામાં ભાજપના ૯૫, કોંગ્રેસના ૨૯ સાંસદો છે. રાજ્યસભાના નિવૃત્ત થઈ રહેલા સાંસદોમાં ભાજપને આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ નુકસાન થશે, જ્યાં તેના ત્રણ સભ્યો વિદાય લઈ રહ્યા છે. આ સિવાય ઝારખંડ અને રાજસ્થાનમાંથી પણ તેના સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. જોકે, ભાજપને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં સૌથી વધુ લાભ મળશે. ઉત્તર પ્રદેશમાં ખાલી પડી રહેલી ૧૧ બેઠકોમાંથી પાંચ ભાજપની છે. શાસક પક્ષ ઉત્તર પ્રદેશમાં આઠ બેઠકો જીતે તેવી સંભાવના છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં યોજાનારી રાજ્યસભાની આ ચૂંટણી ઘણી મહત્વની બની જશે.

વધુમાં આ ચૂંટણી પછી ઉપલા ગૃહમાં નવ નિશ્ચિત અને એક સંભવિત બેઠક સાથે આમ આદમી પાર્ટીની તાકાત વધશે. આ દેખાવ સાથે આપ ગૃહમાં ટોચના પાંચ પક્ષોમાં સામેલ થઈ જશે. મહારાષ્ટ્રમાં શાસક પક્ષ શિવસેના-એનસીપી-કોંગ્રેસનું જોડાણ રાજ્યની ત્રણેય બેઠકો સરળતાથી જીતી લેશે જ્યારે ભાજપ તેની ત્રણમાંથી બે બેઠકો જીતશે. આ ચૂંટણી પછી ગૃહમાંથી અકાલી દળના એકમાત્ર સભ્ય નિવૃત્ત થઈ જશે જ્યારે બસપ એક સાંસદ સુધી સિમિત થઈ જશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :