હીરા-ઝવેરાતને ફાયદો, ટેક્ષટાઇલને દિલાસો અને ક્રિપ્ટો પર કડકાઇ : વાંચો બજેટની સુરત પર કેવી અસરો
Jayesh Brahmbhatt 98253 44944
લોકસભામાં આજે રજૂ થયેલા યુનિયન બજેટમાં સુરત શહેરને લાગે વળગે તેવી અનેક જોગવાઇઓ અને રાહતોની ઘોષણા કરવામાં આવતા સુરતના ઉદ્યોગોના સમૂહ, ચેમ્બર ઓફ કોમર્સ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ, વેપાર ઉદ્યોગના સંગઠનો અને એસોસીએશનો વગેરેએ મળીને બજેટને આવકાર આપ્યો છે. હીરા ઝવેરાત ઉદ્યોગને રાહત અને ફાયદો કરાવતી અનેક જાહેરાતો બજેટમાં સમાવવામાં આવી છે જ્યારે ટેક્ષટાઇલ ઉદ્યોગને એવો દિલાસો મળ્યો છે કે બજેટ અગાઉથી જ ટેક્ષટાઇલ ઉદ્યોગને ટેક્ષટાઇલ ટેક્નોલોજી ડેવલપમેન્ટ સ્કીમ (ટીટીડીએસ), પીએમ મેગા ટેક્ષટાઇલ પાર્ક, પ્રોડક્શન લિંક્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ વગેરેની સોગાદ મળી ચૂકી છે જ્યારે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારા સુરતીઓએ ત્રીસ ટકા ટેક્સનો કડવો ડોઝ આજે ગળે ઉતારવો પડ્યો છે. એ સિવાય સોલાર ઉદ્યોગ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, સ્ટાર્ટ અપ પ્રોત્સાહન, સ્ટીલ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, બાંધકામ ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગોને પણ મોટા ભાગે રાહત મળી છે અગર તો નવી યોજનામાં તેમને સામેલ કરાયા હોઇ, સુરતના ઉદ્યોગકારો માટે એકંદરે યુનિયન બજેટ સાનૂકુળ બની રહ્યાના અહેવાલો મળી રહ્યા છે.
આજે સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યુનિયન બજેટ અને એ પછી સુરતના ઉદ્યોગકારોના આઘાત પ્રત્યાઘાત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મક્કાઇપુલ સ્થિત ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે બજેટ સાંભળ્યા બાદ એક જ સ્થળેથી ઉદ્યોગકારો, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ વગેરેએ તેમના ફર્સ્ટ રિસ્પોન્સ મિડીયાને આપ્યા હતા.
અત્યાર સુધીના બજેટની જેમણે આકરી ટીકાઓ કરી એ સુરતના સી.એ. વિરેશ રુદલાલે પણ બજેટને વખાણ્યું
અત્યાર સુધીના કેન્દ્ર સરકારના બજેટની આકરી ટીકા કરનાર સુરતના જાણીતા સી.એ. વિરેશ રુદલાલે આજે કેન્દ્ર સરકારના બજેટના મોંફાટ વખાણ કર્યા હતા તેમણે કહ્યું કે બજેટને 10માંથી 7 માર્ક આપવા પડે તેવું સારું બજેટ છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી એ કહ્યું કે…
ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ જણાવ્યું કે રેલ્વે ગુડ્સ, લોજિસ્ટીક પાર્ક તથા રિવર લિંકેજ પોલીસી પર ધ્યાન રાખવામાં આવ્યું છે. જેના કારણે વોટર વેઈઝમાં વેગ આવશે. આ ઉપરાંત, એમએસએમઈ માટે ઈશ્રમ સહિતના પોર્ટલને લિંક કરવાની કામગીરી કરી છે. જેના કારણે અનઓર્ગેનાઈઝ સેક્ટરમાં કામ કરતાં કામદારોની ખરી સ્થિતિ જાણીને તેના આધારે ઉદ્યોગ સંબંધિત નવી જાહેરાત કરવામાં આવશે.સુરતમાં વિકસેલી મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન મળે તેવી જોગવાઇઓ બજેટમાં જોવા મળી છે જે આવકારદાયક બાબત છે.
ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાળાએ કહ્યું કે..
વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલાએ કહ્યું કે બજેટમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે કોઇ મોટી ખાસ જોગવાઇ નથી પરંતુ, ટેક્ષટાઇલ ઉદ્યોગને બજેટ પહેલા જ ઘણું બધું મળી ચૂક્યું છે. એટલે ટેક્ષટાઇલ ઉદ્યોગને કોઇ મોટી અપેક્ષા બજેટમાંથી ન હતી.
ફિયાસ્વીના ચેરમેન ભરતભાઇ ગાંધીએ કહ્યું કે…..
ફિયાસ્વીના ચેરમેન ભરતભાઇ ગાંઘીએ પણ જણાવ્યું કે એકંદરે પ્રગતિની દિશામાં લઇ જનારું બજેટ છે. સુરતમાં ઉત્પાદન કરતી કંપનીઓ માટે પ્રોત્સાહક યોજનઓ અને રાહતો જાહેર કરવામાં આવી છે. ટેક્ષટાઇલ ઉદ્યોગના હીતમાં હવે કેન્દ્ર સરકારે 5 વર્ષ સુધી સાતત્યપૂર્ણ અને એક સમાન નીતિ અમલી બનાવવી જોઇએ.
હિરા ઉદ્યોગની 50 ટકા માંગણીઓને બજેટમાં સ્થાન મળ્યું : દિનેશ નાવડીયા
યુનિયન બજેટમાં હીરા ઉદ્યોગને સ્પર્શતી જોગવાઇઓ અંગે સ્પષ્ટતા કરતા જીજેઇપીસીની રિજિનયોનલ કાઉન્સિલના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગવતી માંગણી એવી કરવામાં આવી હતી કે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ્સ, જેમ સ્ટોન પર ઇમ્પોર્ટ ડ્યૂટી જે હાલમાં 7.5 ટકા વસૂલાય છે એ ઘટાડીને 2.5 ટકા કરવામાં આવે. યુનિયન બજેટમાં માગણીને પ્રતિસાદ આપીને 7.5 ટકાની જગ્યાએ હવેથી 5 ટકા વસૂલ કરવાની ઘોષણા કરવામાં આવી છે. હીરા ઉદ્યોગ આ જોગવાઇથી ખુશ છે અને આ ઘટાડાથી હીરા ઉદ્યોગકારોને મોટી રાહત થશે એવું માનવામાં આવી રહ્યું છે.
જીજેઇપીસીએ એવી પણ માગણી મૂકી હતી કે ઇ કોમર્સ મારફતે એક્સપોર્ટને સરળ બનાવવા માટે એક સર્વગ્રાહી નીતિ બનાવવામાં આવે આ માગણીના પ્રતિસાદમાં આગામી જૂન 2022 સુધીમાં એક પોલીશી રજૂ કરવામાં આવશે જે પણ હીરા ઉદ્યોગ માટે અત્યંત આવકારદાયક છે.
હાફ (સોન) કટ ડાયમંડ પર વસૂલાતી 12 ટકાની આયાત ડ્યૂટી બિલકુલ નાબૂદ
સુરતના હીરા ઉદ્યોગકારો માટે સૌથી મહત્વની એક જાહેરાત એ પણ કરવામાં આવી છે કે આયાતી સોન ડાયમંડ જેને ફેન્સી ડાયમંડ કે હાફ કટ ડાયમંડ તરીકે પણ ઓળખવામાં આવે છે તેની આયાતમાં અત્યાર સુધી 12 ટકા ડ્યૂટી વસૂલ કરવામાં આવતી હતી. પરંતુ, હવે પછી આ ડ્યુટી બિલકુલ નાબૂદ કરીને બિલકુલ ઝીરો કરી દેવામાં આવતા ઉદ્યોગકારોમાં ખુશાલી વ્યાપી ગઇ છે. દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે આ જોગવાઇને કારણે નાના અને મધ્યમકદના ડાયમંડ એક્સપોર્ટર્સ, નાના કારખાનેદારોને મોટી રાહત થઇ છે કેમકે ફેન્સી, સોન કે હાફ કટ ડાયમંડ ઓછી માત્રામાં, નાના જથ્થામાં સ્મોલ એન્ડ મિડીયમ સ્કેલના વેપારીઓ જ આયાત કરતા હોય છે અને 12 ટકાની ડ્યૂટી નાબૂદ થઇ જતા મોટી આર્થિક રાહત મળી છે.
હીરા ઝવેરાત ઉદ્યોગને સ્પર્શતી મહત્વની ઘોષણાઓ
- મોતીની આયાત પર વસૂલાતી 10 ટકા કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 5 ટકા કરાઇ
- – રોડીયમ પર વસૂલાતી 12.5 ટકા કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરાઇ
- – ઇમિટશન જ્વેલરીની આયાત પર પ્રતિ કિલોએ રૂ.400 વસૂલાશે
- – હીરા ઉદ્યોગ માટે બેંક ગેરેંટીને બદલી હવે સ્યોરિટી બોન્ડ માન્ય ગણવામાં આવશે
- – ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી સ્કીમ માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી.
- – ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી સ્કીમ અન્વયે કુલ રૂ.50 હજાર કરોડની ફાળવણી
આર્મી યુનિફોર્મ માટે ફેબ્રિક તૈયાર કરવા સુરતના ઉત્પાદકો માટે સુવર્ણ તક
યુનિયન બજેટમાં કેન્દ્રીય નાણાંમંત્રીએ ડિફેન્સ સેક્ટરમાં આયાતી ચીજવસ્તુઓનો વપરાશ ઓછો થાય અને આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત આર્મી માટે જરૂરી યુનિફોર્મ ફેબ્રિક તેમજ અન્ય ઇક્વીપમેન્ટ્સના ઉત્પાદન માટે ભારતના જ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરતી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી જણાવે છે કે સુરતમાં દરેક પ્રકારનું કાપડ બની રહ્યું છે. સુરતના કપડા ઉત્પાદકોએ હવે આર્મી યુનિફોર્મ માટેનું કાપડ બનાવીને તેને સપ્લાય કરવાની દિશામાં પણ વિચારવું જોઇએ. ડિફેન્સ માટે જુદા જુદા ફેબ્રિકનું ઉત્પાદન પ્રાઇવેટ સંસ્થાઓ કરી શકે તે માટે ડીઆરડીઓના સંકલન સાથે સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ કંપની બનાવીને પણ ભારતના કપડા ઉત્પાદકોને ફેબ્રિક સપ્લાયની તક ઉભી કરવામાં આવી છે.
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણકારોએ કમાણીનો 30 ટકા ભાગ સરકારને ધરી દેવો પડશે
યુનિયન બજેટમાં આજે ક્રિપ્ટો કરન્સી વિષયની જોગવાઇ અંગે જ્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારમને બોલવાનું શરૂ કર્યું તેમ તેમ ક્રિપ્ટો કરન્સીના માર્કેટમાં ભારે ધોવાણ શરૂ થયું હતું. ભારતમાં ક્રિપ્ટો કરન્સીમાં સૌથી વધુ રોકાણ કરનારા લોકોમાં સુરતીઓનો નંબર આવે છે અને સુરતમાંથી કરોડો નહીં પણ અબજો રૂપિયાનું રોકાણ અત્યાર સુધી અનઓર્ગેનાઇઝ્ડ સ્ટ્રક્ચર ગણાતા ક્રિપ્ટો કરન્સી હેઠળના જુદા જુદા કોઇન્સમાં કરવામાં આવ્યું છે. નિર્મલા સીતારમણે આજે બજેટરી જોગવાઇમાં ક્રિપ્ટો કરન્સી પર ત્રીસ ટકાનો તોતિંગ ટેક્સ જાહેર કરતા અત્યાર સુધી નફો રળનાર ક્રિપ્ટો રોકાણકારોએ હવે નફો હોય કે નુકસાન એન્કેશ કરાવશે ત્યારે ભારત સરકારને ત્રીસ ટકા ટેક્સ ભરવો પડશે.
સ્થાનિક ક્રિપ્ટો કરન્સીના જાણકારો કહે છે કે ભારતમાં હવે આ પ્રકારે ક્રિપ્ટો કરન્સી પર ટેક્સ વસૂલવાનું શરૂ થશે તો સુરત સમેત દેશના ક્રિપ્ટો કરન્સીના રોકાણકારોના પોર્ટફોલિયો હવે દુબઇ, સિંગાપોર, થાઇલેન્ડ કે અન્ય દેશો કે જ્યાં ક્રિપ્ટો કરન્સી પરત્વે કૂણું વલણ ધરાવતા દેશોમાંથી ઓપરેટ કરવાનું મુનાસિબ માનશે કેમકે ત્રીસ ટકાનું ટેક્સનું ભારણ અતિશય વધારે લાગી રહ્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
