બંગાળમાં મમતાની જીત
વિધાનસભાની ચૂંટણીના પરિણામની રવિવારે જાહેરાત બાદ પ. બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ, આસામમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ), તમિળનાડુમાં દ્રવિડ મુનેત્ર કળગમ (દ્રમુક), પુડુચેરીમાં એનડીએ અને કેરળમાં લૅફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) સત્તા પર આવે એવી પૂરી શક્યતા છે.
આસામમાં ભાજપ, તમિળનાડુમાં દ્રમુક, પુડુચેરીમાં એનડીએ અને કેરળમાં એલડીએફને સરકાર રચવા માટે જરૂરી બહુમતી મળી ગઈ છે અથવા તેની નજીક છે. પ. બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસનો ભવ્ય વિજય થયો છે, પરંતુ તેનાં વડાં અને રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી નંદીગ્રામની બેઠક પરથી હારી ગયાં હતાં.
નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારીએ મમતા બેનરજીને ૧૭૩૭ મતના તફાવતથી હરાવ્યાં હતાં.
પ. બંગાળમાં ભાજપને દોઢસો જેટલી બેઠક મળવાની આશા હતી, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી.
તૃણમૂલ કૉંગ્રેસે ફરી સત્તા પર આવવા જરૂરી બેઠક જીતી લીધી છે.
મમતા બેનરજીએ પોતાના પક્ષના વિજય બાદ જણાવ્યું હતું કે કોરોનાને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને અંકુશમાં લેવી એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હશે.
પક્ષના વિજયનો સંપૂર્ણ યશ મમતા બેનરજીએ રાજ્યની જનતાને આપ્યો હતો.
પક્ષના કાર્યકર્તાઓને આપેલા સંદેશમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે આ બંગાળનો વિજય અને માત્ર બંગાળ જ આ કરી શકે છે.
કોરોનાને અંકુશમાં લેવો એ જ અમારી પ્રાથમિકતા છે અને એ બાબતને ધ્યાનમાં રાખીને શપથગ્રહણ વિધિનું ભવ્ય આયોજન કરવામાં નહીં આવે એમ જણાવતાં મમતા બેનરજીએ કહ્યું હતું કે કોરોનાની મહામારીની અસર પૂરી થયા બાદ જ કોલકતામાં મહા વિજય સરઘસ કાઢવામાં આવશે.
પ. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય બાદ તેમણે કહ્યું હતું કે આજે બંગાળે ભારતને ઉગારી લીધું છે.
દેશના પ્રત્યેક નાગરિકને વૅક્સિન મફત આપો અન્યથા અમે વિરોધપ્રદર્શન કરીશું, એમ મમતા બેનરજીએ કહ્યું હતું.
રાજ્યમાં એલડીએફની તરફેણમાં ચુકાદો આપ્યો હોવાનું કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને કહ્યું હતું.
જોકે તેમણે કહ્યું હતું કે દેશભરમાં કોરોના વ્યાપકપણે ફેલાઈ રહ્યો હોવાને કારણે આ ઉજવણીનો સમય નથી. કોરોના સામેની લડત ચાલુ રાખવાનો આ સમય છે. કેરળમાં રવિવારે કોરોનાના નવા વધુ ૩૧,૯૫૦ કેસ અને ૪૯ મૃત્યુ નોંધાયાં હતાં.
કેરળના આરોગ્ય પ્રધાન કે. કે. શૈલજાનો મટ્ટાનુર મતદારક્ષેત્રમાંથી વિક્રમજનક ૬૦,૯૬૩ મતથી વિજય થયો હતો.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમન ચાન્ડી (કૉંગ્રેસ-યુડીએફ)નો પુથુપલ્લી મતદારક્ષેત્રમાંથી ૯૦૪૪ મતથી વિજય થયો હતો.
પ્રથમ જ વખત તમિળનાડુના મુખ્ય પ્રધાન બનવા માટે સજ્જ થયેલા દ્રમુકના પ્રમુખ એમ. કે. સ્ટાલિને પક્ષના વિજય બદલ રાજ્યના લોકોનો આભાર માન્યો હતો અને જનતા માટે કામ કરવાની બાંયધરી આપી હતી.
દરમિયાન, તમામ હૉસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રને કોઈપણ પ્રકારના અવરોધ વિના ઑક્સિજનનો પુરવઠો મળતો રહે તેની ખાતરી કરવા પર ધ્યાન આપવાની વિપક્ષે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
