CIA ALERT

સુપ્રીમ કોર્ટનો તાતા જૂથ-સાયરસ મિસ્ત્રી કેસમાં તાતાની તરફેણમાં આદેશ

Share On :

તાતા જૂથ દ્વારા ૨૦૧૬માં સાયરસ મિસ્ત્રીને અધ્યક્ષપદેથી હટાવવાના નિર્ણયને શુક્રવારે સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણ્યો હતો અને તેમને પાછા પદ પર બેસવાની છૂટ આપનારા કંપની લૉ ટ્રિબ્યુનલના આદેશને રદ કર્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ એસ. એ. બોબડેના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું કે સાયરસ મિસ્ત્રીને હટાવવાનો નિર્ણય યોગ્ય હતો અને કાયદાના સંબંધિત પ્રશ્ર્નો ટાટા જૂથની તરફેણમાં છે.

દરમિયાન તાતા ગ્રૂપના ચેરમેન ઇમેરિટ્સ રતન તાતા અને તાતા સન્સે સર્વોચ્ચ અદાલત દ્વારા સાયરસ મિસ્ત્રી સામેના કેસમાં પોતાની તરફેણમાં આપેલા ચુકાદાને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે અમારા જૂથના મૂલ્ય અને વહીવટના ધોરણને સમર્થન મળ્યું છે.

રતન તાતાએ સોશિયલ મીડિયા પરની પૉસ્ટમાં જણાવ્યું હતું કે આ કેસ હાર કે જીતનો નહોતો. મારી પ્રામાણિકતા અને જૂથની નૈતિકતા સામે સવાલ ઉઠાવનારાઓને સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી જવાબ મળી ગયો છે. આ ચુકાદો દેશના ન્યાયતંત્રમાંનો વિશ્ર્વાસ પ્રસ્થાપિત કરનારો છે.

તાતા ગ્રૂપની કંપનીઓની હૉલ્ડિંગ ફર્મ તાતા સન્સે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો અમારા જૂથ દ્વારા અપનાવાયેલી નીતિને સમર્થન આપે છે. તાતા સન્સ સર્વોચ્ચ અદાલતનું આભારી છે. (એજન્સી)

સાયરસ મિસ્ત્રીને પદ પરથી હટાવવું કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંતોનું સંપૂર્ણપણે ઉલ્લંઘન છે તેવી રજૂઆત શાપૂરજી પાલનજી ગ્રુપ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. આર્ટિકલ્સ ઑફ એસોસિયેશનનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું એવું તેમણે કહ્યું હતું. કોર્ટમાં તાતા ગ્રુપે આક્ષેપોનો ઇનકાર કર્યો હતો અને મિસ્ત્રીને ચેરમેનપદેથી હટાવવાનો બોર્ડનો અધિકાર હતો એમ જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ૧૭મી ડિસેમ્બર, ૨૦૨૦ના દિવસે ચૂકાદો રિઝર્વ રાખ્યો હતો

૧૮ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ તાતા ગ્રુપના ચેરમેનપદે સાયરસ મિસ્ત્રીને બેસાડવાનો આદેશ આપ્યો હતો. એનસીએલએટીના આ આદેશને હવે રદ કરવામાં આવ્યો છે.

ડિસેમ્બર, ૨૦૧૨માં સાયરસ મિસ્ત્રીની તાતા સન્સના ચેરમેનપદે નિમણૂક કરવામાં આવી હતી. કંપનીના બોર્ડના ડિરેક્ટર્સે ૨૪,ઑક્ટોબર, ૨૦૧૬ના રોજ બહુમતીથી તેમને હટાવવાનો નિર્ણય લીધો હતો. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સુપ્રીમ કોર્ટે એનસીએલએટીના ૧૮ ડિસેમ્બર, ૨૦૧૯ના આદેશ પર સ્ટે આપ્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :