Gujarat : 6 મહાપાલિકાનું કંગાળ મતદાન
ગુજરાતની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાઓમાં રવિવારે એકંદરે પાંગળુ મતદાન થયું હતું. બપોર સુધીમાં સરેરાશ ૩૦ ટકા જેટલુ નીચું મતદાન થતા સત્તાધારી ભાજપે મતદારોને મતદાન મથકે પહોંચીને મતદાન કરવા માટે સોશિયલ મીડિયા તેમ જ ઘરે ઘરે જઇને અપીલ કરવી પડી હતી. સાંજે છ વાગ્યા સુધીમાં અંદાજે સરેરાશ ૪૧ ટકા જેટલું મતદાન થયું હતું. મતદાનનો સમય પૂરો થઈ ગયા બાદ મતદાન બૂથ પર હાજર લોકોને જ મતદાન કરવા દેવામાં આવતું હોવાથી મતદાનમાં સરેરાશ મતદાનમાં થોડો ઘણો વધારો થઇ શકે છે. જોકે ૨૦૧૫ ની ચૂંટણી કરતા ઘટેલા મતદાનથી રાજકીય પક્ષોમાં સન્નાટો ફેલાઇ ગયો હતો.
છ મનપામાં અમદાવાદમાં સૌથી ઓછું મતદાન અંદાજે ૩૭.૮૧ ટકા જ નોંધાયું છે. જ્યારે સૌથી વધુ મતદાન જામનગરમાં અંદાજે ૪૯ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં ૩૭.૧૦ ટકા, સુરત ૩૪.૯૬ ટકા, વડોદરા ૩૪.૮૭ ટકા અને ભાવનગર ૩૮.૫૭ ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું.
મતદાન દરમિયાન ઇવીએમ ખોટવાતા તેમજ મતદાર યાદીઓમાંથી મતદારોના નામ ગાયબ થવાના તેમજ બોગસ મતદાનના અનેક બનાવો નોંધાયા હતા. મનપા ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ રાજકોટમાં મતદાન કર્યું હતું. હવે ૨૩મીએ મત ગણતરી થશે.
છ મહાનગરોમાં સવારે ૭ ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ શરૂઆતમાં સારા ટ્રેન્ટ બાદ અચાનક મતદાનની ટકાવારી ઘટવા લાગી હતી. અડધો સમય વીતવા છતાં મતદાનનો આંકડો ૩૦થી ૩૭ ટકા સુધી જ પહોંચ્યો હતો. મહાનગરપાલિકાની કુલ ૫૭૫ બેઠકો માટે ૨૨૭૬ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ૫૭૭ ભાજપ, ૫૬૬ કૉંગ્રેસ અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના ૪૭૦ અને એનસીપીના ૯૧ અને ૩૫૩ અન્ય પક્ષો તથા ૨૨૮ અપક્ષો મેદાનમાં છે. ૬ મહાનગરોમાં મતદાન માટે ૧૧ હજાર ૧૨૧ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં કુલ એક કરોડ ૧૪ લાખ ૬૬ હજાર ૯૭૩ મતદારો નોંધાયા હતા જેમાંથી ૩૭ ટકાએ મતદાન કર્યું હતું. રવિવારે મતદાન બાદ ૨૩મી ફેબ્રુઆરીએ તેની મતગણતરી થશે. રાજ્યની છ મહાનગરપાલિકાઓના ઉમેદવારોનું ભાવી નક્કી થશે. મહાનગરપાલિકાઓમાં અમદાવાદની ૧૯૨, સુરતની ૧૧૬, વડોદરાની ૭૬, રાજકોટની ૭૨, ભાવનગરની ૫૨ અને જામનગરની ૬૪ બેઠકોની ચૂંટણીનું મતદાન થયું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


